“Creating a New Medina: State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India–Venkat Dhulipala (18)

Creating a new medina 1venkat-dhulipala - 1

Creating a New Medina : State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India (English)

1st Edition ǁ October 2014 ǁ List Price: Rs. 995

Publisher: Cambridge University Press ǁ ISBN-13: 9781107052123

અંતની શરૂઆત ()

જિન્ના અને નહેરુના પ્રત્યાઘાત આપણે ગઈકાલે જોઈ લીધા. આજે આ અભ્યાસમાં આગળ વધીએ.

૧૩મી જૂનના ‘ડોન’માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના એક લેક્ચરર કમરુદ્દીન ખાનનો એક લેખ છપાયો. એણે લખ્યું – હવે એ તદ્દન સ્પષ્ટ થઈ ગયું છે કે પાંચ કરોડ મુસલમાનોને હિન્દુ હિન્દુસ્તાનમાં જ રહેવું પડશે અને આઝાદ થવા માટે બીજી લડાઈ છેડવી પડશે. પરંતુ ખાને પોતાના વાચકોને ધરપત પણ બંધાવી કે હવે બીજી લડાઈ થશે ત્યારે આપણી પશ્ચિમી અને પૂર્વી સરહદે પાકિસ્તાન હશે જેનું વ્યૂહાત્મક સ્થાન આપણા માટે બહુ મહત્ત્વનું સિદ્ધ થશે. જો કે યૂ. પી.ના મુસલમાનો પાકિસ્તાનને હિન્દુસ્તાન પર આક્રમણ કરવા માટે આમંત્રણ ન આપી શકે પણ આપણા પાડોશમાં પાકિસ્તાનની હાજરી હિન્દુઓ માટે નૈતિક દબાણ જેવી બની રહેશે. વળી, પાકિસ્તાન UNOનું પણ સભ્ય હશે એટલે પાકિસ્તાન હિન્દુસ્તાનના મુસલમાનોનો મૂળભૂત સવાલ એમાં રજૂ કરી શકશે. તે ઉપરાંત, દુનિયાનાઅ મુસ્લિમ દેશોની સહાનુભૂતિ પણ આપણે મેળવી શકીશું.

આ નકારાત્મક આશ્વાસન પછી ખાને કેટલીક હકારાત્મક વાતો પણ કરી. એણે લખ્યું કે હિન્દુ બહુમતીવાળા પ્રાંતોના મુસલમાનોને ખબર જ હતી કે મુસ્લિમ લીગે જે પાકિસ્તાન સૂચવ્યું હતું તેમાં એમનું સ્થાન હતું જ નહીં. આમ છતાં એમની પાંચ કરોડની વસ્તી રશિયા સિવાય યુરોપના કોઈ પણ દેશ કરતાં વધારે છે. આજે પણ મુસલમાનો અહીં એક સમર્થ અને ઉપેક્ષા ન કરી શકાય એવા રાષ્ટ્ર તરીકે અહીં રહી શકે છે.

ખાને લખ્યું કે હિન્દુસ્તાન આખું હતું ત્યારે મુસલમાનોની વસ્તી ૨૫ ટકા હતી અને હવે ૧૫ ટકા છે એટલે પહેલાં પણ એ લઘુમતીમાં હતા અને આજે પણ છે. આ બન્ને સ્થિતિમાં ખરેખર તો કંઈ જ ફેર નથી. બહુમતીવાળા પ્રાંતોના મુસલમાનોની મદદ વિના જ આપણે ઘણું હાંસલ કર્યું છે, તો આપણી એકતા અને તાકાતમાંથી આપણે હિંમત મેળવી શકીએ છીએ.

ખાને લખ્યું કે મુસલમાનો હવે રાજકારણમાં ભાગ લે તે તદ્દ્ન બિનઉપયોગી છે. એમણે પારસીઓ અને ખ્રિસ્તીઓની જેમ રહેવું જોઈએ અને સરકારમાં પ્રતિનિધિત્વ માટેના કે ખાસ લઘુમતી હોવાના દાવા છોડી દેવા જોઈએ. તેને બદલે આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે સધ્ધર બનવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી જેવી સંસ્થાઓએ હવે પાછા પોતાના મૂળ ઉદ્દેશ્ય તરફ જવું જોઈએ અને રાજકારણ છોડી દેવું જોઈએ.

કમરુદ્દીન ખાન લખે છે કે મુસલમાનોનું મૂળ કામ આ “અસામાન્ય સમય વીતી જાય” તે પછી ફરી હાથ ધરવું જોઈએ અને ખાસ કરીને અછૂતોનું ધર્મ પરિવર્તન કરાવવું જોઈએ. એ રીતે મુસલમાનોની વસ્તી પાંચ કરોડમાંથી બમણી થઈ જશે. એણે લખ્યું કે આ લક્ષ્ય પાર પાડી શકાશે કારણ કે હવે હિન્દુસ્તાનમાં બહુ ઝડપથી વૈદિક સંસ્કૃતિનું પુનરુત્થાન થશે અને નાતજાત ફરી જોશભેર મજબૂત બનશે જેથી અછૂતો ઇસ્લામ તરફ ધકેલાશે.

કમરુદ્દીન ખાને મુસલમાનોને હિન્દુસ્તાનમાં અમુક ખાસ જગ્યાઓમાં કેન્દ્રિત થવાની સલાહ આપી કે જેથી હિન્દુસ્તાનથી છૂટા પડવાનું સહેલું બને. એણે કહ્યું કે યૂ. પી.ના મુસલમાનોએ પશ્ચિમી યૂ. પી.માં વસવું જોઈએ અને ઉત્તર બિહારના મુસલમાનોએ પૂર્ણિયા જિલ્લામાં વસવું જોઈએ કે જેથી અંતે તેઓ પૂર્વ પાકિસ્તાન સાથે ભળી શકે.

યૂ. પી.ના ગવર્નરનો રિપોર્ટ

કમરુદ્દીનખાનનો આ લેખ ભાગલાની આફત ત્રાટકી તે પહેલાંનાં છેલ્લાં હવાતિયાં જેવો હતો. ખરેખરી સ્થિતિ શી હતી તે યૂ. પી.ના ગવર્નર સર ફ્રાન્સિસ વાઇલીએ ૩જી જૂનની ઘોષણાના પ્રત્યાઘાતો વિશે લૉર્ડ માઉંટબૅટનને મોકલેલા રિપોર્ટમાંથી જાણવા મળે છે. એણે લખ્યું કે કોંગ્રેસના પંચાયતી રાજ બિલ, પાકિસ્તાન માટે લડતાં લડતાં મરી ખપવાનાં બણગાં. કેટલીયે કૂચો અને વળતી કૂચો પછી અમારા લીગરો હવે કબૂતર જેવા બની ગયા છેએવું લાગે છે કે હવે એમનું વલણ એ છે કે યૂ.પી.માં આપણે સૌએ બધું ભૂલીને ફરી ભાઈભાઈ બનીને રહેવું જોઈએ!

આ સમજી શકાય એવું હતું. વાઇલીનો રિપોર્ટ કહે છે કે યૂ.પી. મુસ્લિમ લીગના મોટા ભાગના નેતાઓ ખાસ અધિકારોવાળા વર્ગના જમણેરી વિચારધારાના લોકો હતા. જિન્નાના હુકમને કારણે તેઓ “પોતાના દાંત દેખાડવાનો ઢોંગ કરતા હતા”. પરંતુ તેઓ શહેરી અને સામાન્ય રીતે નિમ્ન વર્ગના મુસલમાનોને પણ આમ કરવા સમજાવી શકશે કે કેમ તે સવાલ છે. ચીફ સેક્રેટરીએ પોતાના પખવાડિક રિપોર્ટમાં લખ્યું કે શરૂઆતમાં પાકિસ્તાન બનવાનો ઉત્સાહ દેખાયો હતો તે રાષ્ટ્રવાદી મુસલમાનોએ એનાં પરિણામો દેખાદ્યાં તે પછી મોળો પડી ગયો.

કોમી રમખાણો

દેશમાં ક્લકત્તા, નોઆખલી, બિહાર અને ગઢમુક્તેશ્વરમાં કોમી ખૂનામરકી ચાલતી જ હતી, ત્રીજી જૂનની જાહેરાતે યૂ.પી.માં બળતામાં ઘી હોમ્યું. એકલા જૂનમાં જ ૧૪૯ના જાન ગયા તેમાંથી ૧૪૫ મુસ્લિમ હતા અને ૧૩૮ ઘાયલોમાં ૧૧૯ મુસ્લિમો હતા. જુલાઈમાં અલીગઢ, બુલંદશહેર, બદાયું, કાનપુર, પીલીભીત. મથુરા અને ગુડગાંવમાં કોમી આગ ફેલાઈ. યૂ. પી.માં ‘સ્વૈચ્છિક સંગઠનો’નું સંખ્યાબળ બહુ વધ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં ૩૬,૬૪૯ સભ્યો, મુસ્લિમ લીગના નૅશનલ ગાર્ડ્ઝમાં ૨૪.૧૩૪ સભ્યો અને કોંગ્રેસ સેવા દળમાં ૨૯,૨૦૩ સભ્યો હતા. બન્ને કોમો નાની કુહાડીઓ, દાતરડાં, પાવડા, અને તલવારો વહેંચતી હતી. લખનઉમાં પોલીસે બે માણસોને રામપુરી ચાકુઓના મોટા જથ્થા સાથે પકડ્યા.

હિન્દુમાંથી શીખ બનવાની જાણે હોડ લાગી હોય એવું લાગતું હતું. સપ્ટેમ્બરમાં દિલ્હીમાં રમખાણો શરૂ થતાં પશ્ચિમ પાકિસ્તાન તરફ જતી માલગાડીઓને મથુરા પાસે રોકી લેવામાં આવી અને હિજરતીઓનો માલ લૂંટી લેવાયો.

બીજી બાજુ, મુસ્લિમ અને બ્રિટિશ ઑફિસરોમાંથી કેટલાક પાકિસ્તાન જવા તૈયાર હતા. એની સામે પંજાબમાંથી આવેલા ૨૨ હિન્દુ ICS અધિકારીઓ યૂ. પી.માં જોડાયા. આમ આખું વહીવટીતંત્ર હિન્દુઓના હાથમાં આવી ગયું. દરમિયાન સિંધ ઍસેમ્બલીમાં હિન્દુઓનું પ્રતિનિધિત્વ ઘટાડી નાખવામાં આવ્યું, પરિણામે મુખ્ય પ્રધાન ગોબિંદ બલ્લભ પંત પર દબાણ વધી ગયું. કોંગ્રેસ અને હિન્દુ મહાસભાની માગણી હતી કે યૂ. પી.માં પણ સરકારે મુસ્લિમો સાથે એવું જ કરવું જોઈએ. જો કે ગવર્નર વાઇલીએ વાઇસરૉયને મોકલેલા સંદેશમાં નોંધ્યું છે કે પંત પોતે કોમી સંતુલન જાળવી રાખવાના બધા જ પ્રયાસ કરે છે. પરંતુ અંતે પંતે નમતું આપવું પડ્યું અને મુસલમાનોને અપાયેલી ખાસ સવલતો ઘટાડવી પડી. મુસ્લિમ લીગના યૂ. પી.ના જનરલ સેક્રેટરી સૈયદ ઐઝાઝ રસૂલે બહુ કડવાશથી સિંધ સરકારની ટીકા કરી કે એ લોકો “ અહંકેન્દ્રિત ભીડ છે, પરવા નથી કરતા કે એમના નિર્ણયોની અસર મુસ્લિમ લઘુમતીવાળા પ્રાંતોના મુસલમાનો પર શી પડશે. એમનું ડેલિગેશન જિન્નાને મળ્યું પણ સિંધ કે યૂ. પી., બન્નેના નિર્ણયો જે હતા તે જ રહ્યા.

યૂ. પી.માં હિન્દુ મહાસભા અને કોંગ્રેસ

આ સ્થિતિમાં હિન્દુ મહાસભાએ નવ મુદ્દાનો માંગપત્ર જાહેર કર્યો અને સરકાર એ ન માને તો ૧ ઑગસ્ટે ‘ડાયરેક્ટ ઍક્શન’નું એલાન કર્યું. એની માગણીઓમાં ગૌહત્યા પર પ્રતિબંધથી માંડીને રફી અહમદ કિદવઈના રાજીનામા સુધીની ભાતભાતની માગણીઓ હતી. રફી અહમદ કિદવઈ ગૃહ પ્રધાન હતા અને કોમી દાવાનળને ડામવા માટે અથક પ્રયાસ કર્યા હતા.આ રમખાણમાં એમના ભાઈ શફી અહમદ કિદવઈની પણ હત્યા થઈ હતી.

ગોબિંદ બલ્લભ પંતની સરકારે શરૂઆતમાં આંદોલન પાછું ખેંચી લેવાનું સમજાવવા માટે પ્રયત્ન કર્યા અને ગોરખપુરના મહંત દિગ્વિજયનાથ સાથે વાતચીત કરવા ડૉ. સંપૂર્ણાનંદને નીમ્યા.પરંતુ વાતચીત સફળ ન રહેતાં દિગ્વિજયનાથ, કુંવર ગુરુ નારાયણ, ટિકરાના સુરેશ પ્રકાશ સિંઘ અને મહાસભાના બીજા નેતાઓની ધરપકડ કરી. સરકારી રિપોર્ટ પ્રમાણે તો આંદોલનનો રકાસ થયો પણ હિન્દુ મહાસભાનું જોર ઓછું ન થયું. સીતાપુર બેઠક માટેની પેટા-ચૂટણીમાં સુરેશ પ્રકાશ સિંઘ જેલમાંથી જ કોંગ્રેસના ઉમેદવાર મોહનલાલ ગૌતમને એક મતથી હરાવ્યા. પાછળથી બંધારણ સભામાં વિજયાલક્ષ્મી પંડિતને મૉસ્કો માટે રાજદૂત તરીકે જતાં એમની જગ્યાએ મોહનલાલ ગૌતમને લઈ લેવાયા. પરંતુ એમની હાર માટે કોંગ્રેસની અંદર જ મોટે પાએ તોડફોડ જવાબદાર હોવાનું મનાય છે.

માત્ર હિન્દુ મહાસભા જ નહીમ યૂ. પી. કોંગ્રેસ પોતે પણ ખુલ્લેઆમ હિન્દુ કોમવાદી લાગણીઓનું વાહન બની. નવી વિધાન સભાના સ્પીકર પુરુષોત્તમ દાસ ટંડને ખુલ્લા શબ્દોમાં ગાંધીજીની અહિંસાને નકારી કાઢી અને “મુસ્લિમ લીગના કોમનાં હિતોને આગળ કરવાના વલણ, ગુંડાગીરી અને હત્યાઓ સામે” શસ્ત્રો ઉઠાવવા દેશવાસીઓને હાકલ કરી. ઝાંસી જિલ્લાના તાલભેટમાં એમણે એક સભામાં રાઇફલ ક્લબો સ્થાપવા, દરેવ્ક જિલ્લામાં ઓછામાં ઓછા પાંચ હજાર યુવાનોને સશસ્ત્ર દળ જેવી તાલીમ આપવા, સરકાર દ્વારા સામાન્ય જનતામાં છૂટથી શસ્ત્રોનું વિતરણ કરવા, યુવાન હિન્દુઓને શારીરિક તાલીમ આપવા માટે અખાડા શરૂ કરવા અને હિન્દુ રક્ષા દળ સ્થાપવાની હિમાયત કરી. પુરુષોત્તમ દાસ ટંડને બરેલીમાં હરિજનો સમક્ષ બોલતાં નાતજાતની પ્રથાને નાબૂદ કરવા અને હરિજનોને ‘ક્ષત્રિય’ જેમ રહેવા અપીલ કરી. એમણે હરિજનોને પોતાનાં ઘરબાર અને પરિવારને બચાવવા માટે લાઠી અને તલવાર ચલાવતાં શીખવાની સલાહ આપી.

એમનાં વક્તવ્યોથી ભારે ઉહાપોહ મચ્યો. અડગ રાષ્ટ્રવાદી ‘પાયોનિયર’ અખબારે એના તંત્રી લેખમાં સરકારને કહ્યું કે કાં તો ટંડનના દાવાઓનું સમર્થન કરો અને મુસ્લિમ લીગની ગુંડાગીરીને ડામવાનાણ સખત પગલાં લો અથવા પ્રાંતમાં કોમી ઝેર ફેલાય એવાં ખોટાં નિવેદનો કરવા અને ખતરનાક અફવાઓ ફેલાવવા માટે ટંડન સામે ગુનાઇત કાર્યવાહી કરો.

હજી આપણે એ જોવાનું છે કે મુસ્લિમ લીગ અને યૂ. પી.ના મુસ્લિમ નેતાઓમાં ભાગલાની જાહેરાતનું સત્ય શી રીતે પહોંચ્યું. લીગની સ્થિતિ કેવી થઈ? યૂ. પી.ના મુસલમાનોએ ત્રીજી જૂનની જાહેરાત પછી ભાગલાનાં પરિણામો સમજવાની તક મળી? આ બધું જાણવા માટે આપણે આવતા સોમવારેઅંતની શરૂઆત()” માટે ફરી મળીએ ત્યારે વિસ્તારથી વાત કરશું.

૦-૦-૦

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _૩૦ :

%d bloggers like this: