“Creating a New Medina: State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India–Venkat Dhulipala (17)

Creating a new medina 2venkat-dhulipala

Creating a New Medina : State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India (English)
1st Edition ǁ October 2014 ǁ List Price: Rs. 995
Publisher: Cambridge University Press ǁ ISBN-13: 9781107052123

રેફરેન્ડમ ()

૧૯૪૫-૪૬ની ચૂંટણીઓને ‘રેફરેન્ડમ’ ગણાવ્યા પછી મુસ્લિમ લીગે મુસ્લિમ જનમતને ‘પાકિસ્તાન’ તરફ વાળવામાં કંઈ કચાશ ન રહેવા દીધી. મુસ્લિમ લીગના સમર્થનમાં ઘણા બૌદ્ધિકો અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બહાર આવ્યા. એટલું જ નહીં, કવિઓ પણ પાછળ ન રહ્યા. જો કે, કાવ્ય રચનાઓનું સ્તર બહુ ઊંચું ન ગણાય તેમ છતાં એમાં લોકોને પાકિસ્તાન બનાવવા માટે જુસ્સો આપે એ રીતે લખાયેલી હતી. કવિઓ સભાઓમાં કે મોટા સમૂહ સમક્ષ આ કાવ્ય રચનાઓ વાંચી સંભળાવતા. જો કે, આ જાતનું સાહિત્ય આજે બહુ મોટા પ્રમાણમાં મળતું નથી, માત્ર અમુક નમૂના બાકી રહ્યા છે. ભાગલા પછી ઘણાએ એનો નાશ કરી નાખ્યો હોવો જોઈએ.

મુંબઈના રમઝી ઇલાહાબાદીનો કાવ્ય સંગ્રહ જિન્નાના જન્મદિને પ્રકાશિત થયો. એમાં જિન્નાની પ્રશસ્તિની બહુ લાંબી રચના છેઃ

આજ ખુદા સે કરેં દુઆએં

સેહત કાઇદ-એ-આઝમ પાએં

રબ કે આગે સર કો ઝુકાએં 

કાઇદ કી યૂં ઉમર બઢાએં

ઝિંદાબાદ કે નારે લગાએં

સાલગિરહ કા જશ્ન મનાએં

બીજી એક રચના ખાસ નોંધવા જેવી છે, કારણ કે એ બીજા એક કવિ માટે પણ પ્રેરણા રૂપ બની છે અને એ રચનાનો જુદો અને વધારે જાણીતો પાઠ પણ મળે છે.પાઠ મળે છેઃ

“હમ હૈં મુસલમાન, હમ ન ડરેંગે, જો હૈ હકીકત આજ કહેંગે

અન ન કદમ પીછે હટેંગે, આગે બઢેંગે, આગે બઢેંગે

આખિર કબ તક હમ જુલ્મ સહેંગે, પાકિસ્તાન હમ લે કે રહેંગે”.

“પાકિસ્તાન હમ લે કે રહેંગે”નો ઉપયોગ કરીને કૈફ બનારસીએ લખ્યુઃ

“આઝાદી કે શોલે કો દિલ મેં રોશન કરના હૈ, <br/>

પાકિસ્તાન કી ઉલ્ફત મેં અપના જીના મરના હૈ

(ઉલ્ફત= પ્રેમ)

લે કે રહેંગે પાકિસ્તાન, બંટ કે રહેગા હિન્દુસ્તાન

સી. એમ. નઈમે પોતાનાં સંસ્મરણોનું પુસ્તક Ambiguities of Heritage ( કરાચી- ૧૯૯૯) લખ્યું છે તેના ‘Two Days’ પ્રકરણમાં આ રચના જુદી રીતે આપેલી છે. અહીં છેલ્લી પંક્તિ છેઃ “હંસ કે લિયા હૈ પાકિસ્તાન, લડ કે લેંગે હિન્દુસ્તાન”!

તે ઉપરાંત “ વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા”ની તર્જ પર બનેલું ગીત પણ એ અરસામાં મુસ્લિમ સમાજમાં લોકપ્રિય હતું –

હરા હરા યે પ્યારા પ્યારા, પરચમ ઊંચા રહે હમારા

…………………………..

ઇસ પરચમ કો આંચ ન આયે, ચાહે જાન હમારી જાએ
પાકિસ્તાન મેં યે લહેરાએ, ખુશી ખુશી હર મુસ્લિમ ગાએ

હરા હરા યે પ્યારા પ્યારા, પરચમ ઊંચા રહે હમારા

શિયાઓ અને કમ્યુનિસ્ટો પાકિસ્તાનના સમર્થનમાં

મુસ્લિમ લીગથી શિયાઓ સામાન્ય રીતે દૂર રહેતા પણ હવે ચૂંટણીથી પહેલાં શિયાઓ મુસ્લિમ લીગ તરફ ઢળવા લાગ્યા. અંજુમન તંઝિમ-ઉલ મોમીનીને લીગને ટેકો જાહેર કર્યો. શિયા પોલિટિકલ કૉન્ફરન્સે પણ આ ‘કટોકટીના સમયમાં’ લીગની સાથે રહેવા અપીલ કરી. કૉન્ફરન્સના એક નેતા સૈયદ અલી ઝહીરે ચોખ્ખું કહ્યું કે હું નથી માનતો કે પાકિસ્તાન (-ની માંગ) રાષ્ટ્રવિરોધી છે અથવા હાંસલ થઈ શકે તેમ નથી. શિયા કોમ મુસ્લિમ લીગમાં જોડાય તેમાં કશું આડે આવતું હોય તેવું મને નથી લાગતું. માત્ર મુખ્ય સમસ્યા એ છે કે લીગ શિયા કોમ માટે બાંધછોડ કરવા તૈયાર છે કે નહીં.”

પરંતુ, અંતે શિયા પોલિટિકલ કૉન્ફરન્સ કોંગ્રેસ સાથે જ રહી, જો કે એમાં તડાં પડી ગયાં. વિદ્રોહી જૂથના નેતા નવાઝિશ અલી ખાનને લીગે ફૈઝાબાદ-સીતાપુર-બહેરાઇચ માટે ટિકિટ આપી.

તાઝિયામાંયા અલીને બદલેલે કે રહેંગે પાકિસ્તાન”!

નવી વાત એ બની કે એ વર્ષે તાઝિયા નીકળ્યા તેમાં પરંપરાગત “યા અલી’ની જગ્યા લીગના સ્લોગન “લે કે રહેંગે પાકિસ્તાન”ને મળ્યું! એક લેખક લખે છે કે મુસ્લિમ જનસમુદાયને પાકિસ્તાન વિશે કેળવવામાં આની બહુ સારી અસર થઈ. રાજા મહેમૂદાબાદે મુંબઈની એક ચૂંટણીસભામાં આ વાતનો ઉલ્લેખ કર્યો કે સંયુક્ત મુસ્લિમ કોમનું નેતૃત્વ હવે એક શિયા ઈમામના હાથમાં છે અને સુન્નીઓ પણ એમની સમક્ષ નમે છે.

રાજા મહેમૂદાબાદે જાહેરમાં તો આ જ વલણ રાખ્યું પણ એમને હવે ‘ઇસ્લામિક રાજ્ય’ બની શકે એવો વિશ્વાસ નહોતો રહ્યો. એમણે જિન્નાને એક પત્ર લખ્યો તેમાં કહ્યું કે આપે જે નિવેદન કર્યું છે ( એ ભલે ને, આપનો અંગત અભિપ્રાયો હોય) કે પાકિસ્તાનમાં લોકશાહીના સિદ્ધાંતો પ્રમાણે સરકાર બનાવાશે અને મહત્ત્વના ઉદ્યોગો રાજ્ય હસ્તક રહેશે, તેને હું આવકારું છું. આશા રાખીએ કે પાકિસ્તાનહકુમતઇલાહિયા’ (ઈશ્વરી રાજ્ય)ના અસ્પષ્ટ અને અનિશ્ચિત સ્લોગનને બદલે જીવંત લોકશાહીના નક્કર અનુભવોના આધારે રચાશે.”

કમ્યુનિસ્ટોનો ટેકો

યૂ. પી. મુસ્લિમ લીગને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીનો પણ ટેકો મળ્યો. ઈ. એમ. એસ. નાંબુદીરિપાદે કહ્યું કે “CPI મુસ્લિમ લીગના ઉમેદવારોને સંપૂર્ણ ટેકો આપશે અને સામાન્ય મતવિભાગોમાં કોંગ્રેસ સામે કમ્યુનિસ્ટ ઉમેદવારો ચૂંટણી લડશે.” આગરાના કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા રઘુબર દયાલ ચતુર્વેદીએ કહ્યું કે એમની પાર્ટી મુસ્લિમ લીગને ટેકો આપે છે, કારણ કે એની પાકિસ્તાનની માંગ વાજબી છે. લાહોરમાં ઝેડ. એ. અહમદે એક સભામાં કહ્યું કે પાકિસ્તાનની માંગમાં કંઈ ખોટું નથી અને શીખોએ એનો વિરોધ ન કરવો જોઈએ. નવા રાજ્યમાં શીખોને એમનો ભાગ મળશે.

ચૂંટણી પહેલાં દનિયાલ લતીફી જેવા કમ્યુનિસ્ટોએ પંજાબ મુસ્લિમ લીગનો મૅનિફેસ્ટો બનાવવામાં આગળપડતો ભાગ લીધો હતો. મઝરૂહ સુલતાનપુરી અને અસરાર-ઉલ-હક ‘મજાઝ’ જેવા પ્રગતિશીલ ઉર્દુ શાયરોએ પણ પાકિસ્તાન વિશે નઝ્મો લખી. મજાઝના પાકિસ્તાન કા મિલી તરાનામાં યુવાન મુસ્લિમ કમ્યુનિસ્ટોની આશાઓ પ્રગટ થાય છેઃ

આઝાદી કી ધુન મેં કિસને હમેં આજ લલકારા,
ખૈબર કે ગર્દૂન મેં ચમકા એક હિલાલ એક તારા

(ગર્દૂન=આકાશ, હિલાલ=વાંકડિયો ચંદ્ર)

સૌ ઇન્જિલોં પર હૈ ભારી એક કુરાન હમારા
રોક સકા હૈ કોઈ દુશ્મન કબ તુફાન હમારા

(સૌ ઇન્જિલ=સો બાઇબલ)

હમ સબ પાકિસ્તાન કે ગાઝી, પાકિસ્તાન હમારા,
પાકિસ્તાન હમારા, પાકિસ્તાન હમારા

(ગાઝી =લડનાર)

સ્વામી સહજાનંદનું રાજીનામું અને લીગની આશંકાઓ

પરંતુ ઑલ ઇંડિયા કિસાન સભા પર કબજો કરી લેવાના CPIના પ્રયાસોથી નાખુશ થઈને કિસાન સભાના સ્થાપક સ્વામી સહજાનંદે રાજીનામું આપી દીધું. એમણે ફરિયાદ કરી કે ત્રણ વર્ષ પહેલાં સભાએ રાજકારણમાં તટસ્થ રહેવાનો નિર્ણય કર્યો હતો તેનો ભંગ કરીને કમ્યુનિસ્ટો પોતાની પાકિસ્તાન નીતિનો ફેલાવો કરવા માટે એનો ઉપયોગ કરે છે.

બીજી બાજુ, કમ્યુનિસ્ટોએ આટલો ટેકો આપ્યો તેમ છતાં લીગને પણ એમનો વિશ્વાસ નહોતો. લિયાઅકત અલીખાને મુસ્લિમોને કમ્યુનિઝમના ખતરા સામે મુસલમાનોને સાવધ કર્યા. કમ્યુનિઝમ દ્વારા પાકિસ્તાન મળશે એમ મુસલમાનો માનતા હોય તો એ બહુ મોટી ભૂલ છે. એ રીતે એમને કમ્યુનિઝમની કલ્પનાનું પાકિસ્તાન મળશે, ઇસ્લામિક ખ્યાલ જેવું નહીં હોય.

જિન્નાએ બધું સ્પષ્ટ કરી દીધું – મુસ્લિમ મતદારોએ વ્યક્તિઓને જોઈને મત નથી આપવાનો. મુસ્લિમ લીગનો ઉમેદવાર એક થાંભલો હોય તો પણ એને મત આપવાનો છે કારણ કે એ પાકિસ્તાનનો હિમાયતી હશે અને મુસ્લિમ રાષ્ટ્રની આઝાદી માટે બોલશે.

પરિણામ

આપણે પરિણામ તો પહેલાં જ જોઈ ચૂક્યા છીએ, પણ અહીં પુનરાવર્તન અસ્થાને નહીં હોય. યૂ. પી.માં સેંટ્રલ ઍસેમ્બલીમાં મુસલમાનો માટે ૬ સીટ હતી તે બધી જ મુસ્લિમ લીગને મળી. પરંતુ મતદાર મંડળ બહુ મર્યાદિત સ્વરૂપનું હતું એ જોતાં કોંગ્રેસનો પરાજય બહુ ખરાબ હતો એમ કહી ન શકાય. બીજા રાઉંડમાં વધાએ મતદાર હતા. પ્રાંતિક ઍસેમ્બલીમાં અડધા ભાગની સીટો પર મુસ્લિમ લીગ સામે પોતાના ઉમેદવાર મૂક્યા અને બાકીની અડધી સીટો રાષ્ટ્રવાદી મુસલમાનો માટે છોડી દીધી. રફી અહમદ કિદવઈએ કહ્યું કે પચાસ ટકા સીટો કોંગ્રેસને મળશે, પણ એવું ન થયું. પરંતુ મુસ્લિમ લીગનો દેખાવ પણ બહુ સારો ન રહ્યો. એને ૬૫ ટકા મત મળ્યા, જ્યારે મુસલમાનોમાંથી ૧૪ ટકાએ કોંગ્રેસને મત આપ્યો અને ૧૪ ટકા રાષ્ટ્રવાદી મુસલમાનો સાથે રહ્યા. આમ છતાં, રેફરેન્ડમ જેવી આ ચૂંટણીએ યૂ. પી, ના મુસલમાનો પાકિસ્તાનના સમર્થક છે એ સાબીત કરી દીધું.

અંતની શરૂઆત

૧૯૪૭ના જૂનની ૩ તારીખે બ્રિટીશ સરકારે માઉંટબૅટન પ્લાન સ્વીકારી લીધો અને તે પછી બ્રિટનની પાર્લામેન્ટે ઇંડિયા ઇંડીપેન્ડન્સ ઍક્ટ પાસ કર્યો જેને ૧૮મીએ શાહી મંજૂરી મળી ગઈ. આ ઍક્ટ ૩ જૂનની જાહેરાતને જ મૂર્ત રૂપ આપતો હતો. એમાં ત્રણ સિદ્ધાંત હતાઃ એક, બ્રિટન ભારતના ભાગલા કરવા સંમત થયું હતું; બીજું. અનુગામી સરકારોને ડૉમિનિયન સ્ટેટસ અપાશે. ત્રીજું, બન્ને ડોમિનિયનોને બ્રિટિશ કૉમનવેલ્થનું સભ્યપદ છોડવાનો અધિકાર રહેશે.

આ જાહેરાત પછી ખરેખર તો ભારતના એક રાષ્ટ્ર તરીકેની અંતની શરૂઆત થઈ. પાકિસ્તાન નામનો નવો દેશ બનવાનો હતો. હવે આ વાત ભાષણોની નહોતી, દલીલોની પાર નીકળી ગઈ હતી અને સૌ સામે નવી વાસ્તવિકતા આવી ઊભી હતી.

જિન્નાએ ટિપ્પણી કરી કે આ બહુ દુઃખદપણ બહુ રોમાંચક છે.”

જવાહરલાલ નહેરુની પ્રતિક્રિયા હતીઃ ભાગલા વિરુદ્ધ કાવતરાં કરવાનું તો બાજુએ રહ્યું, આજે જો પાકિસ્તાન ફરી જોડાઈ જવાનું કહે તો પણ અમે એનો ચોક્કસ વિરોધ કરશું અને આવી કોઈ ચાલનો વિરોધ કરશું.”

નવી વાસ્તવિકતા સર્જાયા પછી બીજા પ્રત્યાઘાત શા પડ્યા તે આપણે આવતા અંકમાં જોઈશું.

૦-૦-૦

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

%d bloggers like this: