Which Sikh Family saved our Muslim Family in Amritsar during the partition ?

અમૃતસરમાં કોઈ શીખ કુટુંબ છે, જે કહી શકશે કે ભાગલા વખતે અમારા મુસલમાન પરિવારને બચાવનાર કોણ?

મરિયમ એસ. પાલ

(મરિયમ એસ. પાલમરિયમ એસ. પાલ કેનેડાનાં ડેવલપમેન્ટ ઇકૉનૉમિસ્ટ અને જ્યૂરિસ્ટ છે અને મોંટ્રિયલમાં રહે છે. એમણે ઍશિયન ડેવલપમેન્ટ બૅન્ક અને આફ્રિકન ડેવલપમેન્ટ બૅન્ક, બન્નેમાં ઉચ્ચ પદોએ સેવાઓ આપી છે અને ગરેબાઈ. લિંગભેદ અને માનવીય વિકાસ વિશે ઘણા અભ્યાસપત્રો, પુસ્તકોના પ્રકરણો અને સામયિકો માટે લેખો લખ્યા છે. જ્યૂરિસ્ટ તરીકે એમણે કૅનેડામાં ઇમિગ્રેશન જજ તરીકે પણ સેવાઓ આપી છે. એમના પિતા પ્રોફેસર ઇઝ્ઝુદ્દીન પાલ મૂળ અમૃતસરના, પણ ૧૯૪૭માં ભાગલા થતાં એમન કુટુંબને અમૃતસરથી ઊચાળા ભરીને લાહોર વસવું પડ્યું. અહીં એમણે ભાગલાની દારુણ ઘટના વચ્ચે પ્રગટેલા માણસાઈના દીવાની, એમના કુટુંબને બચાવનાર પણ આજે વિસ્મૃતિની ગર્તામાં સરી ગયેલા એક અસામાન્ય માનવીની માનવતાની વાત કરી છે.)

———-

અમારો મુસ્લિમ પરિવાર પેઢીઓથી અમૃતસરમાં રહેતો હતો. પાલ પરિવારનો વ્યવસાય કારપેટ વેચવાનો હતો. મૂળ વણકર, જે વકીલ બન્યા અને વીસમી સદીની શરૂઆતમાં બ્રિટિશ ઇંડિયાના શિક્ષિત વર્ગમાં જોડાયા. શીખોના પવિત્ર શહેરમાં અમારા પરિવારની સંપત્તિ હતી અને સામાજિક જીવનમાં પણ પરિવાર સક્રિય હતો. મારા બે કાકા વકીલ હતા અને એમના અસીલોમાં બધા ધર્મોના લોકો હતા. મારા દાદા અમૃતસરમાં જ રહેવા માગતા હતા પણ વિધિએ કંઈ જુદું જ નક્કી કર્યુ હતું.

જૂન ૧૯૪૭માં શીખો અને મુસલમાનો વચ્ચે રમખાણો ફાટી નીકળ્યાં. અમારું કુટુંબ જ્યાં રહેતું તે મુસ્લિમ વિસ્તાર હતો. ત્યાં મુસલમાન ગુંડાઓની ટોળકીઓ લોકોને રક્ષણ આપવાને નામે પૈસા પડાવતી હતી. હિંસાચાર ફેલાતાં મારા દાદાએ વીસ કિલોમીટર દૂર લાહોર જઈને વસવા માટે અમારા કુટુંબને તૈયાર રહેવા કહી દીધું. લાહોર પાકિસ્તાનમાં જવાનું હતું. ત્યાં એક મુસ્લિમ પાડામાં એક ઘર પણ ભાડે લઈ લીધું.

ઑગસ્ટની આઠમી તારીખે કુટુંબના એક શીખ મિત્રે આવીને ચેતવણી આપી દીધી કે હવે રહેવામાં જાનનું જોખમ છે અને અમૃતસર છોડવાનો વખત આવી ગયો છે. થોડા કલાક પછી શીખ મિત્ર એક શબવાહિની લઈને પાછા આવ્યા. એમાં દાદીઅમ્મી સહિત આઠ સ્ત્રીઓ બુરખા ચડાવીને જેમતેમ ગોઠવાઈ ગઈ. શીખ સજ્જન જાતે જ જાનનું જોખમ ખેડીને પોતે જ શબવાહિની હંકારતા પાલ પરિવારની બધી સ્ત્રીઓને સ્ટેશને પહોંચાડી આવ્યા. મારા અબ્બા અને એમના બે ભાઈઓ પણ પોતાની રીતે સ્ટેશને પહોંચ્યા. ત્યાં પરિવારની બધી સ્ત્રીઓની સાથે થઈ ગયા. મારા દાદા અને એમના બે ભાઈઓ બે દિવસ પછી લાહોર પહોંચવાના હતા.

અમારું કુટુંબ થોડુંઘણું જે કંઈ લઈ શકાયું તે લઈને લાહોર માટેની ટ્રેનમાં બેઠું હતું. એમની પાસે ખાવાનું કંઈ નહોતું, માત્ર થોડું પાણી હતું. મારા દાદાની લાઇબ્રેરી, કપડાં, ફર્નિચર, કુટુંબના જીવનમાં જોઈએ તેવું બધું પાછળ છૂટી ગયું હતું. થર્ડ ક્લાસના ડબાના સખત બાંકડાઓ પર બધાં સૂનમૂન બેઠાં હતાં. ડબામાં ચિક્કાર ભીડ હતી. દાદીઅમ્મી લોટની ગૂણમાં એક સમોવર અને બીજાં થોડાં વાસણો હતાં, એને છાતીએ વળગાડીને બેઠાં હતાં. એમનાં મૌન આંસુ ગૂણને ભીંજવતાં રહ્યાં. આ વાસણોમાંથી એક આજે પણ મારા કેનેડાના ઘરમાં છે.

ટ્રેન આખરે ગરમીથી ઝળતા ધૂળિયા રૂટ પર લાહોર તરફ રવાના થઈ. આમ તો અમૃતસરથી લાહોર પહોંચવામાં પાંત્રીસ મિનિટ લાગે પણ ટ્રેને બે કલાક લીધા. એ બે કલાક ભલભલાનાં હાજાં ગગડી જાય એવા હતા.પાછળથી અમારાં કુટુંબીજનોને ખબર પડી કે એ દિવસે સહીસલામત લાહોર પહોંચી હોય તેવી એક જ ટ્રેન એમની હતી.

અબ્બા મારા દાદા અને એમના ભાઈઓને શોધવા લાહોર સ્ટેશને રોજ જતા. જે ટ્રેનોમાં ડોકિયું કરે તેમાં લાશોના ઢગલા સિવાય કંઈ જ નજરે ન ચડે. આમ ને આમ કેટલાયે દિવસો વીત્યા પછી મારા દાદા એમના ભાઈઓ સાથે અમારા ભાડાના મકાન પર પહોંચ્યા. પેલા શીખ સજ્જને એમને વાઘા સરહદે પહોંચાડી દીધા હતા. ત્યાંથી તેઓ કોઈ રીતે લાહોર પહોંચ્યા હતા. પાલ પરિવાર નસીબવાળો હતો; સૌ હેમખેમ હતા.

અમારા કુટુંબના કોઈ સભ્ય તે પછી પાછા કદી અમૃતસર ન ગયા. એમને પછી સમાચાર મળ્યા હતા કે લફંગાઓએ આખું ઘર ફેંદી નાખ્યું હતું, બધો સામાન લુંટાઈ ગયો હતો, એટલું જ નહીં, ઘરને એમણે આગ લગાડી દીધી હતી. છેવટે, અમારો પરિવાર લાહોરમાં એક ખાલી ઘરમાં સ્થાયી થયો. કોઈ હિન્દુ વકીલનો પરિવાર પણ અમારા જેમ જ ઘરવખરી સહિત પોતાનું મકાન છોડીને ભારત તરફ ચાલ્યો ગયો હતો. આ ઘરમાં એમણે જીવનના તાર ફરી મેળવવાની શરૂઆત કરી. મારા દાદાએ ફરી વકીલાત કરવા માંડી. અબ્બા ૧૯૪૮માં કૉલેરાનો શિકાર બન્યા અને મરતાં મરતાં બચ્યા. તે પછી આઠ વર્ષ લાહોરમાં રહીને વધારે અભ્યાસ માટે અહીં કેનેડા આવ્યા અને અહીં જ, ૨૦૧૩માં એમનું મૃત્યુ થયું ત્યાં સુધી ૫૮ વર્ષ રહ્યા.

ભાગલાની વાત કરતાં, એનો ભોગ બનનારા હંમેશાં અને અનિવાર્યપણે કેન્દ્રમાં હોય છે, પરંતુ એમને બચી જવામાં મદદ કરનાર, એમને જીવતદાન આપનારનો ભાગ્યે જ ઉલ્લેખ થતો હોય છે. કોણ હતા મારા દાદાના મિત્ર એ શીખ સજ્જન? એમની ચેતવણી અને મદદ વિના આજે હું અસ્તિત્વમાં હોત? અબ્બાને પૂછ્યું પણ એમણેય માથું ધુણાવીને કહ્યું કે નામ યાદ નથી આવતું.

મને એ ભલા શીખનો ઘણી વાર વિચાર આવે છે. હજી પણ હયાત હોય તો? અમ્રુતસરમાં કોઈ તો કુટુંબ એવું હશે જેમને જાણવા મળ્યું હોય કે એમના પરિવારના એક સભ્યે એક મુસ્લિમ કુટુંબને લોહી નીંગળતી તલવારોથી બચાવ્યું? મનમાં ઇચ્છા છે કે પાલ કુટુંબના આ અસલી હીરો હજી પણ હયાત હોય, ભલે, એક જર્જર દેહમાં. તેઓ જો હોય અથવા એમના કોઈ કુટુંબીઓની ભાળ મળે તો મારે એમને એટલું જ કહેવું છેઃ “થૅંક યુ, સર!”

ગયા અઠવાડિયે અચાનક જ એક મેઇલ મળ્યો:

પ્રિય દીપક સાહેબ,

મારું નામ મરિયમ પાલ છે અને હું ઇઝ્ઝુદ્દીન પાલની મોટી પુત્રી છું. તમે એમની સાથે નિયમિત પત્રવ્યવહાર કરતા હતા. મને ખ્યાલ નથી કે તમે જાણો છો કે નહીં કે મારા પિતા નવેમ્બર ૩. ૨૦૧૩ના રોજ અવસાન પામ્યા છે.

એમના અંગત પત્રો હાલમાં જ મને જોવા મળ્યા છે અને એમાં મને તમે મારા પિતાને લખેલા કેટલાક પત્રો,તમારું ઈમેઇલ ઍડ્રેસમળ્યાં. મને આશા છે કે આ ઈમેઇલ ઍડ્રેસ હજી ચાલુ હશે અને આ પત્ર તમને મળી જશે.

હું જાણું છું કે મારા પિતાને તમારી સાથેના સંવાદમાં બહુ આનંદ આવતો હતો…”

આ સાથે મરિયમ બહેને એમના પિતા વિશે કેનેડાના ‘Globe and Mail માટે લખેલો એક લેખ પણ મોકલ્યો.

એમની સાથે પત્રવ્યવહાર થતાં એમણે ભાગલાની વીતક અને એક નિઃસ્વાર્થ શીખ સજ્જનની આ ટૂંકી વાત પણ જણાવી.

પ્રોફેસર ઇઝ્ઝુદ્દીન પાલપ્રોફેસર ઇઝ્ઝુદ્દીન પાલ સાથે મારો સંપર્ક ૨૦૦૬ કે ૨૦૦૭માં થયો. તેઓ ‘ડૉન’માં એક નિયમિત કૉલમ લખતા તે વાંચીને મેં એમનો સંપર્ક કર્યો હતો. એમની આડંબર વિનાની સીધીસાદી ભાષા અને સચોટ દલીલોથી હું પ્રભાવિત થયો હતો. મૅક્ગિલ યુનિવર્સિટીમાં તેઓ અર્થશાસ્ત્રના પ્રોફેસર છે અને એમનું નામ એમના ક્ષેત્રમાં બહુ મોટું છે એની ખબર તો મને બહુ પાછળથી પડી.

પછી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અને ઇસ્લામ વિશેનું એમનું એક પુસ્તક વાંચ્યું અને એમની સાથે ચર્ચા થઈ, તો એમણે એમનું એ જ અરસામાં પ્રકાશિત થયેલું બીજું પુસ્તક મોકલ્યું. મેં પણ અમુક પુસ્તકો અને ‘પિંજર’ ફિલ્મની CD એમને મોકલાવી. મારી પુત્રીનાં લગ્ન થયાં ત્યારે એમણે ચાંદલો પણ મોકલ્યો! પ્રોફેસર પાલે કદી ભાગલા વિશે ચર્ચા ન કરી પણ એમના પત્રો દેખાડતા હતા કે Two Nation Theoryમાં એમને વિશ્વાસ નહોતો. શક્ય છે કે ૧૯૪૮ પહેલાં પંજાબમાં મુસ્લિમ લીગનું જોર રહ્યું તેથી એનાથી પ્રભાવિત પણ થયા હોય, પરંતુ એમની જીવન સંધ્યાએ એમના વિચારો સંકુચિત રાષ્ટ્રકલ્પનાથી મુક્ત થઈ ગયા હતા. ઇસ્લામ સંબંધે પણ, ખાસ કરીને વ્યાજ વિનાની બૅંકિંગ વ્યવસ્થા, પાકિસ્તાનની સામાજિક અસમાનતા, ચાલુ રહેલી જમીનદારી પ્રથા વગેરે વિશેના એમના વિચારો કદાચ પાકિસ્તાનમાં ધર્મના ઠેકેદારો અથવા રાજકારણીઓને પસંદ ન આવે તેવા હતા પણ તેઓ લખ્યા વિના રહેતા નહીં. એમના જ એક લેખથી પ્રેરાઈને મેં કુર’આનની અવધારણા કર્ઝહસ્ના (એટલે કે બદલાની આશા વિના અપાયેલી વ્યાજમુક્ત લોન. શબ્દશઃ ‘ઈશ્વરને આપેલી લોન’) વિશે એક લેખ લખ્યો જે ‘ડોન’માં પ્રકાશિત થયો. આ અવધારણા માઇક્રો ફાઇનૅન્સને મળતી આવે છે, પણ એમાં વ્યાજ નથી, માત્ર ‘સીડ કેપિટલ’ છે.

એ અરસામાં પાકિસ્તાનમાં જનરલ મુશર્રફે ચીફ જસ્ટિસ ઈફ્તિખાર ચૌધરીને બરતરફ કર્યા હતા કારણ કે એમણે ‘માર્શલ લૉ’ને ગેરબંધારણીય જાહેર કર્યો હતો અને કોઈ પણ સંયોગોમાં સુપ્ર્રીમ કોર્ટ સરકારથી સ્વતંત્ર છે એવી જાહેરાત કરી હતી. એમને બરતરફ કરવાના મુશર્રફના આદેશને પણ કોર્ટે રદબાતલ ઠરાવ્યો હતો. તેમ છતાં એમને બરતરફ કરવામાં આવતાં વકીલોએ ‘ન્યાયતંત્ર બચાવો’ આંદોલન શરૂ કર્યું, જે અંતે લોકશાહીની પુનઃસ્થાપનામાં પરિણમ્યું. ઇઝ્ઝુદ્દીન સાહેબ સાથે આ બાબતમાં બહુ ચર્ચાઓ થતી.

પછી ત્યાં બેનઝીર ભુટ્ટો ચુંટાયાં અને “વો હી રફતાર બેઢંગી” જેમ બધું મંદ પડવા લાગ્યું. ઇઝ્ઝુદ્દીન સાહેબની તબીયત પણ સાથ નહોતી આપતી એટલે પત્રવ્યવહાર ઓછો થતો ગયો. અંતે બંધ પડી ગયો. છેક અઢી વર્ષે મને એમની વિદાયના સમાચાર મળ્યા! મને અફસોસ થયો કે મેં પત્રવ્યવહાર ચાલુ રાખ્યો હોત તો? એમની પાસેથી પાકિસ્તાન અને ઇસ્લામના ઇતિહાસ વિશે ઘણું શીખવા મળ્યું. એમની સ્મૃતિ સમક્ષ નતમસ્તક થાઉં છું.

૦-૦-૦

%d bloggers like this: