“Creating a New Medina: State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India – Venkat Dhulipala(15)

Creating a new medina 2venkat-dhulipala

Creating a New Medina : State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India (English)

1st Edition ǁ October 2014 ǁ List Price: Rs. 995

Publisher: Cambridge University Press ǁ ISBN-13: 9781107052123

રેફરેન્ડમ ()

એક વાર ચૂંટણીને ‘રેફરેન્ડમ’ ઠરાવ્યા પછી મુસ્લિમ લીગ માટે માત્ર મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો – પંજાબ અને બંગાળ – માં જ નહીં, યૂ. પી. જેવા, મુસ્લિમોની લઘુમતી હોય તેવા, પ્રાંતોમાં પણ મુસ્લિમ સીટો પર જબ્બર વિજય મેળવવાનું અનિવાર્ય થઈ ગયું. મુસ્લિમ લઘુમતીવાળા પ્રાંતોમાં મુસ્લિમ સીટો જીતવાનો અર્થ એ થાય કે આ પ્રાંતો મુસલમાનો માટેના અલગ પાકિસ્તાનમાં સામેલ ન થતા હોવા છતાં પાકિસ્તાનના ખ્યાલને ટેકો આપે છે.

પરંતુ, યૂ. પી.માં ચૂંટણી જીતવામાં મુખ્ય બે પડકાર હતાઃ એક તો, કોંગ્રેસને સામાન્ય સીટો પર જીતવાનો પાકો વિશ્વાસ હતો એટલે એનું બધું ધ્યાન મુસ્લિમ સીટો પર કેન્દ્રિત થયું હતું. કોંગ્રેસને લાગતું હતું કે ૧૯૩૭ની ચૂંટણી કરતાં આ વખતે એને મુસલમાનોમાંથી વધારે ટેકો મળશે. ૧૯૩૭માં કોંગ્રેસે ૬૪ મુસ્લિમ સીટોમાંથી માત્ર ૯ માટે ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને બધા જ હાર્યા હતા.

બીજો પડકાર તો આંતરિક હતો. લીગની અંદર એટલાં તડાં હતાં કે ચૂંટણીના ઉમેદવારની સીટ હાથમાંથી નીકળી જાય. ૧૯૩૭માં મુસ્લિમ લીગે આપબળે ચૂંટણી લડી શકે એવા સ્વતંત્ર મુસ્લિમ ઉમેદવારોને ‘કો-ઑપ્ટ’ કરી લીધા હતા. પરિણામે પક્ષમાં સુમેળનું નામ નહોતું. પ્રધાનમંડળની રચના થઈ ત્યારે લીગ તૂટી પડે એવાં સ્પષ્ટ એંધાણ હતાં. પરંતુ, સત્તામાં ભાગીદારી વિશેની કોંગ્રેસ-લીગ મંત્રણા નિષ્ફળ જતાં ફરી બધાં જૂથો સંગઠિત થઈ ગયાં હતાં. કોંગ્રેસના શાસન દરમિયાન લીગની સભ્યસંખ્યામાં બહુ વધારો થયો પણ પાકિસ્તાનની માગણી પછી તો એમાં ઊછાળો આવ્યો હતો. ચૂંટણી નજીક આવતાં લીગ પરનો વિશ્વાસ વધવા લાગ્યો હતો. લોકો સામે ચાલીને લીગમાં જોડાવા લાગ્યા હતા. આપણે ગયા બુધવારના લેખમાં જોયું તેમ આવા લોકોમાં દેવબંદી મૌલાનાઓનું એક ગ્રુપ પણ હતું, આ દેખાડે છે કે પાકિસ્તાન માત્ર લીગની યોજના નહોતી, સામાન્ય જન માટે પણ એ સિદ્ધ કરવા યોગ્ય સપનું હતું. દેવબંદી મૌલાનાઓએ પાકિસ્તાનના ખ્યાલને મુસલમાનો માટે ધાર્મિક મુદ્દો બનાવી દીધો, તો અલીગઢના વિદ્યાર્થીઓ લીગ અને પાકિસ્તાન માટે વોલંટીયર બનીને ગામેગામ પ્રચારમાં જોડાયા.

યૂ. પી. મુસ્લિમ લીગની આંતરિક ખટપટ

૧૯૪૪ની મ્યુનિસિપલ ચૂંટણીઓ પછી લીગમાં આંતરિક કલહ વધી ગયો હતો. એટલે ઍસેમ્બલીની ચૂંટણીમાં ઝંપલાવતાં પહેલાં તો ઘરમાં સાંધા મારવાની જરૂર હતી. જો કે મ્યુનિસિપલ ચૂંટણીમાં આખા પ્રાંતમાં લગભગ ૯૦૦ મુસ્લિમ સીટો હતી તેમાંથી ૮૨ ટકા સીટો લીગને મળી હતી અને ૪૪ મ્યુનિસિપાલિટીઓ એના હાથમાં આવી હતી, પરંતુ તે પછી લીગના બે ટુકડા થઈ ગયા હતા. લીગના ધુરંધર નેતાઓ નવાબ ઇસ્માઇલ ખાન અને ખલિકુઝ્ઝમાન એક તરફ અને જનરલ સેક્રેટરી રિઝવાનુલ્લાહ બીજી તરફ હતા. રિઝવાનુલ્લાહને કાનપુરના ઉદ્યોગપતિઓ ટેકો આપતા હતા. એમની સામે આક્ષેપ એ હતો કે ૧૯૪૨માં અલ્હાબાદમાં લીગની કૉન્ફરન્સ મળી તે માટે એમણે ફંડ એકઠું કર્યું પણ તે પછી હિસાબ નહોતો આપ્યો, અને ‘હક’ નામના અખબારે રિઝવાનુલાહના અંગત બૅંક ઍકાઉંટની વિગતો પ્રકાશિત કરી દીધી, એમાં કેટલીયે જમા રકમનાં મૂળ જાણી શકાય તેમ નહોતું. યૂ. પી. લીગે આની તપાસ કરાવી તો સાબિત થયું કે રિઝવાનુલ્લાહે વીસેક હજાર રૂપિયાનો ગોટાળો કર્યો હતો. વાત વધી પડી અને ઇસ્માઇલ ખાન અને રિઝવાનુલ્લાહનાં જૂથોએ પોતે જ ખરી લીગ છે એવું જાહેર કરીને અલગ ઑફિસો શરૂ કરી. જિન્નાએ આમાં દરમિયાનગીરી કરવાનું ટાળ્યું. અંતે લીગના બંધારણમાં ફેરફાર કરીને નવેસરથી નવું પાર્લામેન્ટરી બોર્ડ બનાવવામાં આવ્યું. જો કે, તે પછી પણ એકબીજાની ટાંટીયાખેંચ ચાલુ રહી. આમ, ખરું જોતાં, પાર્ટી કરતાં તો એને બહારથી મદદ કરતાં જૂથો, દેવબંદના મૌલાનાઓ અને અલીગઢના વિદ્યાર્થીઓએ બહુ કામ કર્યુ. દેવબંદના મૌલાનાઓ વિશે તો આપણે વિગતે માહિતી મેળવી લીધી છે, હવે અલીગઢના વિદ્યાર્થીઓ વિશે વાત કરીએ.

લેખકોની સમિતિ અને પાકિસ્તાન લિટરેચર સીરીઝ

યૂ. પી. મુસ્લિમ લીગમાં ઘમસાણ ચાલતું હતું તે દરમિયાન પણ નવાબ ઇસ્માઇલ ખાનના પ્રમુખપદ હેઠળની ‘કમિટી ઑફ ઍક્શન’નું કામ ચાલુ રહ્યું કમિટીએ અલીગઢની મુસ્લિમ યુનિવર્સિટીમાં અંગ્રેજીના લેક્ચરર જમીલુદ્દીન અહમદના વડપણ નીચે પાકિસ્તાન વિશે પેમ્ફલેટો વગેરે પ્રકાશિત કરવા માટે લેખકોની સમિતિ બનાવી. જમીલુદ્દીન જિન્નાના બહુ શરૂઆતના અનુયાયી હતા અને પાકિસ્તાન ગયા પછી પણ હિન્દુસ્તાનના મુસલમાનોના સંઘર્ષ વિશે લખતા રહ્યા. એમણે પૅમ્ફલેટ સીરીઝની પૂર્વભૂમિકા રૂપે “ભારતના મુસ્લિમ રાષ્ટ્રનો દૃષ્ટિકોણ સમજવામાં ન્યાયપ્રિય લોકોને” આ પૅમ્ફલેટ સીરીઝ મદદરૂપ બનશે” એવી આશા દર્શાવી.

પૅમ્ફલેટોના વિષય

૧. આ પૅમ્ફલેટો લખનારા એમના વિષયોના નિષ્ણાત હતા. દાખલા તરીકે, રાષ્ટ્ર-રાજ્ય અને રાષ્ટ્ર્રીય લઘુમતી વિશેનું પૅમ્ફલેટ અલીગઢના પ્રોફેસર મુહમ્મદ અબ્દુસ સત્તાર ખેરીએ લખ્યું ખેરી અને એમના મોટાભાઈએ મધ્ય પૂર્વ (પશ્ચિમ એશિયા અથવા ગલ્ફનો વિસ્તાર) અને યુરોપમાં રહીને પૅન-ઇસ્લામિક (બૃહદ્‍ ઇસ્લામ) આંદોલન માટે બહુ કામ કર્યું હતું. એમણે યુરોપમાં કઈ રીતે સાર્વભૌમ રાજ્યો બન્યાં તેનાં ઉદાહરણો આપીને પાકિસ્તાનની રચનાને વાજબી ઠરાવી છે. એમણે કહ્યું કે કોઈ રાજ્યમાં બહુમતી લઘુમતીને સાંસ્કૃતિક અધિકારો આપે તે એક જાતનો ‘સભાન આપઘાત’ છે. દરેક રાષ્ટ્રનું જુદું રાજ્ય હોવું જોઈએ.

૨. ભૂગોળશાસ્ત્રી કાઝી સઈદુદ્દીન અહમદે લંડન યુનિવર્સિટીમાંથી ‘પંજાબની કૃષિ-ભૂગોળ’ વિશે પીએચ.ડી. કર્યું હતું. એમણે પાકિસ્તાનની ભૌગોલિક રચના અને રાજકીય સત્તાની ગોઠવણી વિશે લખ્યું અને બ્રિટિશ ઇંડિયામાંથી પાકિસ્તાન, હિન્દુસ્તાન, દ્રવિડસ્તાન, બંગાલિસ્તાન અને રાજસ્થાન, એવાં પાંચ સાર્વભૌમ રાજ્યો બની શકે તેમ દર્શાવ્યું. એમણે આના આધારે કહ્યું કે હિન્દુઓ, મુસલમાનો અને શીખોને આત્મનિર્ણયનો અધિકાર છે.

૩. લિયાકત અલી ખાને ૧૯૪૫માં આગરામાં મુસ્લિમ ઍજ્યુકેશનલ કોન્ફરન્સ સમક્ષ આપેલું ભાષણ પણ મુસ્લિમોના શિક્ષણ વિશેના એક પૅમ્ફલેટ તરીકે આ સીરીઝમાં પ્રકાશિત થયું. લિયાકતે ગાંધીજીની વર્ધા શિક્ષણ યોજનાનો વિરોધ કરતાં લખ્યું કે ગાંધીજી બધા ધર્મોને સમાન માને છે તે ઇસ્લામ સાથે સુસંગત નથી કારણ કે મુસલમાન એમ માને છે કે અલ્લાહે અંતિમ સત્ય કુરાન દ્વારા પ્રગટ કર્યું છે. એમનું પૅમ્ફલેટ કહે છે કે પાકિસ્તાન બનાવવાનું લક્ષ્ય સિદ્ધ થવાનું જ છે અને એના માટે વિદ્યાર્થીઓએ એન્જીનિયરિંગ, સાયન્સ, કૉમર્સ વગેરે બધા વિષયોમાં આગળ વધવું પડશે.

૪. પાકિસ્તાનની નાણા વ્યવસ્થા વિશે અહમદ શફીએ પેમ્ફલેટ લખ્યું. એમણે આધુનિક અર્થતંત્રનો કુરાનના આદેશો સાથે કેમ મેળ બેસાડી શકાય તેના પર વિચાર કરીને કહ્યું કે પાકિસ્તાને આદર્શ ઇસ્લામી સમાજ તરીકે જીવવું હશે તો પશ્ચિમી દેશો આર્થિક સમૃદ્ધિ માટે સામાજિક અસમાનતાના રૂપમાં જે ભારે કિંમત ચૂકવે છે તેને બદલે પાકિસ્તાને સમાનતા સ્થપાય એવો રસ્તો લેવો પડશે. આધુનિક અર્થતંત્રની જટિલતાઓ વિશે ઇસ્લામના ઉદયકાળમાં કોઈ કલ્પના પણ નહોતી એટલે આજે ઝકાત અથવા વ્યાજ સંબંધી બાબતો કરતાં કંઈક વધારે કરવું પડશે. પહેલાં માણસ પોતાની મૂડી રોકતો હતો એટલે એ નફા-નુકસાનનું વિચારતો હતો પણ આજે મૂડી રોકનારો માત્ર પોતાને કેટલું વ્યાજ મળે છે તે જ વિચારે છે. એમણે મિશ્ર અર્થતંત્રની હિમાયત કરી.

૫. ડબ્લિન યુનિવર્સિટીના પીએચ. ડી. અનવર ઇક્બાલ કુરેશીએ આર્થિક બાબતો વિશે ચર્ચા કરી. એમણે ખાતરી આપી કે પાકિસ્તાન પાસે આમૂલ માળખું અને કુદરતી સંપદા છે જ. પરંતુ એમણે અતિ વ્યય અને ઉપભોગ પર નિયંત્રણની જરૂર દર્શાવી અને કહ્યું કે જેમ ગાંધીજીએ ‘સાદું જીવન, ઉચ્ચ વિચાર’ની વાત કરી છે, તેમ જિન્નાએ પણ ન્યૂ યૉર્ક ટાઇમ્સને આપેલા એક ઇંટરવ્યુમાં કહ્યું છે કે આપણે ગરીબાઈમાં, પણ સમજદારીથી રહેવા તૈયાર હોઈએ તો હિન્દુઓને શું વાંધો હોય?…અર્થતંત્ર પોતે પોતાને સંભાળી લેશે…”

૬. લેખક સમિતિના નેતા જમીલુદ્દીન અહમદે પણ એક પેપર લખ્યું તેમાં કોમી સમસ્યાનો ઉકેલ શોધવા માટે થયેલા પ્રયત્નોનો ઇતિહાસ વર્ણવ્યો. એમનું તારણ હતું કે હિન્દુસ્તાનના મુસલમાનો કોઈ પણ એક કેન્દ્રીય સરકાર – સમવાય, સંઘ કે કેન્દ્રીય સ્વરૂપની હોય તેનો વિરોધ કરે છે.

(અહીં આપેલા વિષયોમાં ઇતિહાસનો વિષય હાલ આજે છોડી દીધો છે, એના વિશે આવતી કાલે મંગળવારે ખાસ વિગતવાર રજુઆત કરવી છે. એના લેખક ઇશ્તિયાક અહમદ કુરેશી દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર હતા. એમણે મુસ્લિમ સંસ્કૃતિનો ભારતમાં શી રીતે વિકાસ થયો તેની ચર્ચા કરી છે. મુદ્દો આજે પણ રસપ્રદ છે એટલે આજે હાથ પર લઈએ તો આજનો લેખ બહુ લાંબો થઈ જાય તેમ છે).

અલીગઢના વિદ્યાર્થીઓ

અલીગઢના વિદ્યાર્થીઓએ લીગને સેન્ટ્રલ અને પ્રાંતીય ઍસેમ્બલીઓમાં મુસ્લિમ સીટો પર વિજય અપાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. પરંતુ લીગમાં તડાં હતાં તેનો પ્રભાવ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પણ હતો. એક જૂથ મુસ્લિમ યુનિવર્સિટી મુસ્લિમ લીગ (MUML)ના નામે કામ કરતું હતું એ વધારે સક્રિય રહ્યું અને ચૂંટણી પ્રચાર માટે વોલંટીયરોની ભરતી અને એમની તાલીમનો કાર્યક્ર્મ શરૂ કર્યો. જિન્નાએ ત્રણ નેતાઓની એક સંયુક્ત સમિતિ બનાવવા લખ્યું પણ હકીકતમાં તો બધા અલગ રહીને જ કામ કરતા રહ્યા. અંતે મુસ્લિમ લીગની જેમ એમને પણ એકતા દેખાડવી હતી એટલે એક ટોચની સમિતિ પણ બનાવી.

વિદ્યાર્થીઓને પાનો ચડાવવા માટે લિયાકતે એમને અપીલ કરી જેમાં કહ્યું કે એમના રાષ્ટ્રની આઝાદી માટે ભણતરનું એક વર્ષ બગડે તો પણ એ મોટો ત્યાગ નથી. મહેમૂદાબાદના રાજાએ પણ અપીલ કરીઃ થોડા મહિના બગડશે પણ મુસ્લિમ યુવાનને વ્યવહારુ રાજકારણમાં જે શીખવા મળશે તેની તુલનામાં આ નુકસાન કંઈ ન કહેવાય; પછી રાજ્યની જટિલ વહીવટી અને કાયદાકાનૂનો બનાવવાનાં કામમાં આ અનુભવ કામ આવશે.

એક લેખક આ વિદ્યાર્થીઓ કઈ રીતે કામ કરતા તેનું વર્ણન કરતાં લખે છે કે એમના ગામમાં ચાંદ-તારાના નિશાનવાળો લીલો ઝંડો લઈને ત્રણ છોકરાઓ આવ્યા. એમણે ગામના ચોકમાં ઝંડો ખોડ્યો… નાનાં છોકરાં અને બીજા લોકો એમની આસપાસ એકઠા થઈ ગયા… એક કલાકમાં તો અમારું ગામ પાકિસ્તાનનું ગામ બની ગયું. અમારી મા પાસેથી લીલા રંગના કપડાનો લીરો પણ મળે તે પણ પાકિસ્તાનનો ઝંડો બની ગયો…થોડા મહિના પછી એ સૌ ઊઘાડે પગે, પોતાનાં અશક્ત માબાપને ખભે ઊંચકીને મુસ્લિમ લીગને મત આપવા ઊમટી પડ્યાં…! લગભગ અઢીસોથી વધારે વિદ્યાર્થીઓ ૧૯૪૫ના ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં અને ૧૯૪૬ના ફેબ્રુઆરી-માર્ચમાં પ્રાંતિક ઍસેમ્બલીઓની ચૂંટણી થઈ ત્યાં સુધી પાકિસ્તાનના સપનાને સાકાર કરવા માટે આ રેફરેન્ડમ જેવી ચૂંટણીમાં લીગને બહારથી મદદ કરતા રહ્યા અને લીગને એનાં સારાં પરિણામ પણ મળ્યાં.

(રેફરેન્ડમની ચર્ચા આવતીકાલે પણ ચાલુ રાખીશું, પણ પહેલાં ઇતિહાસવિદ્ઇશ્તિયાક અહમદ કુરેશીના હિન્દુમુસ્લિમ સમન્વય વિશેનાં વિચારો જાણીશું).

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _૨૭ :

%d bloggers like this: