“Creating a New Medina: State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India – Venkat Dhulipala(14)

Creating a new medina 1venkat-dhulipala - 1

Creating a New Medina : State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India (English)

1st Edition ǁ October 2014 ǁ List Price: Rs. 995

Publisher: Cambridge University Press ǁ ISBN-13: 9781107052123

મૌલાના શબ્બીર અહમદ ઉસ્માની

વેંકટ ધૂલિપાલાના પુસ્તકમાંથી આજે આપણે શબ્બીર અહમદ ઉસ્માનીના વિચારો જાણીશું. મહંમદ પયગંબર સાહેબે મદીનામાં પહેલું ઇસ્લામિક રાજ્ય બનાવ્યું તેને શબ્બીર અહમદ ઉસ્માની “પહેલું પાકિસ્તાન” કહે છે અને હવે બીજા પાકિસ્તાનનું અથવા “નવા મદીનાનું નિર્માણ કરવા” માટે અપીલ કરે છે. ઉસ્માની પાકિસ્તાન અને મદીના, બન્ને નામોનો ઉપયોગ એવી રીતે કરે છે કે જાણે એ બન્ને એક જ વસ્તુનાં બે નામ હોય. આ જાતના પ્રયોગથી પાકિસ્તાન કેવું હોવું જોઈએ, એ વિશેનાં એમના વિચારોની ઝલક મળે છે.પાકિસ્તાન બન્યા પછી પણ એમનું સ્થાન બહુ મહત્ત્વનું રહ્યું અને લેખક કહે છે કે એમના વિચારોથી ઈરાનના આયતુલ્લાહ ખોમેની પ્રભાવિત થયા હતા કે કેમ તેનો અભ્યાસ પણ બહુ રસપ્રદ બની રહે તેમ છે.

સામાન્ય રીતે ઇતિહાસકારો એમ કહે છે કે પાકિસ્તાન માત્ર સોદાબાજી માટે હતું, પાકિસ્તાન બન્યું તે એક ઇતિહાસનો અકસ્માત છે, જિન્ના ધર્મ-આધારિત રાજ્ય બનાવવા માગતા નહોતા, દારુલ ઉલૂમ દેવબંદે પાકિસ્તાનનો વિરોધ કર્યો હતો. પરંતુ દારુલ ઉલૂમ દેવબંદની વાત કરીએ તો એ સત્ય છે કે એના ઘણા મૌલવીઓ પાકિસ્તાનથી વિરુદ્ધ હતા, પરંતુ એ પણ સત્ય છે કે એના ઘણા મૌલવીઓ પાકિસ્તાનના જોરદાર સમર્થક હતા. દેવબંદી મૌલાનાઓમાં પાકિસ્તાનના સમર્થકોમાં મૌલાના શબ્બીર અહમદ ઉસ્માનીનું નામ અશરફ અલી થાનવી (ભાગ -૫) પછી બહુ આગળપડતું છે.

દેવબંદના આ જૂથે જમિયતુલ-ઉલેમા-એ-હિંદની ‘મુત્તહિદા કૌમિયત’ (સંયુક્ત રાષ્ટ્રીયતા)ના સ્લોગનને ઉડાડી દીધું અને પાકિસ્તાનની રચના માટે ધાર્મિક આધાર પૂરો પાડ્યો. ઉસ્માનીની દલીલો મૂળભૂત રીતે નવી નથી. પાકિસ્તાનની હિમાયત માટે લગભગ એકસરખી જ દલીલો મલે છે, જે આપણે એક કરતાં વધારે વાર જોઈ લીધી છે. તેમ છતાં ઉસ્માનીની રજૂઆત અને શૈલી વધારે ધારદાર છે. વળી, મુસ્લિમ લીગના નેતાઓને જમિયતે ઇસ્લામની અવગણના કરનાર ‘પાપીઓ’ તરીકે ઓળખાવ્યા હતા, ઉસ્માની એ આક્ષેપનો સ્વીકાર કરે છે અને તેમ છતાં શા માટે મુસ્લિમ લીગને ટેકો આપવો જોઈએ તેની દલીલો રજૂ કરે છે.

જમિયતુલઉલેમાઇસ્લામ (JUI)

જમિયતુલ ઉલેમા-એ-હિંદના કોંગ્રેસ તરફી વલણથી નારાજ એવા ઉલેમાઓ ૧૯૪૬ની ચૂંટણીમાં મુસ્લિમ લીગ એમને આમંત્રણ આપે તેની રાહ જોવાને બદલે જાતે જ લીગના ઉમેદવારોને મદદ કરવા તૈયાર થઈ ગયા. લીગ માટે તો આ ‘છપ્પર ફાડ કે’ જેવી મદદ હતી. ૨૪ મૌલાનાઓને પાંચ ગ્રુપમાં વહેંચીને લીગે એમને યૂ. પી.ના જુદા જુદા વિસ્તારોમાં પ્રચારની જવાબદારી સોંપી દીધી. લીગની નેતાગીરી એ માત્ર એ વાતનું ધ્યાન રાખ્યું કે આ ગ્રુપમાં કોઈ એવો ન હોય જેની સામે લીગનું જ કોઈ જૂથ વાંધો લે. પ્રચાર માટે પણ મૌલાનાને બે જ વાતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું કે એમણે એ જ વાત પર ભાર મૂકવો કે પાકિસ્તાન હિન્દુસ્તાનના મુસલમાનોનો જન્મસિદ્ધ અધિકાર છે; અને એમણે સ્થાનિકના મુદ્દાઓમાં પડવું નહીં.

મૌલાનાઓ પ્રચાર માટે ગયા તેમ એમની સંખ્યા વધતી ગઈ અને બદાયું અને બરેલીના મૌલાનાઓ પણ એમની સાથી જોડાઈ ગયા. પરંતુ માત્ર યૂ. પી.માં પ્રચાર કરીને તેઓ અટક્યા નહીં. એમણે દેશવ્યાપી સંગઠન બનાવવાનો નિર્ણય કર્યો. ઑક્ટોબર ૧૯૪૫માં કલકત્તામાં એમની પરિષદ યોજાઈ, જેમાં આખા દેશના પાંચ હજાર મૌલવીઓએ ભાગ લીધો. આ પરિષદે જમિયતુલ- ઉલેમા-એ- ઇસ્લામ (JUI)ની રચના કરવાનો નિર્ણય લીધો.

ગાંધીવાદ, સામ્યવાદ અને કમાલવાદ

પરિષદે જિન્ના પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો અને ગાંધીવાદ, સામ્યવાદ અને કમાલવાદ (તુર્કીના મુસ્તફા કમાલ અતાતુર્કની સેક્યૂલર વિચારધારા)નો સખત વિરોધ કર્યો અને મુસલમાનોને લીગને મત આપવા અપીલ કરી. બદલામાં મુસ્લિમ લીગની ઍક્શન કમિટીના ચેરમૅન ઇસ્માઇલ ખાને એમનો આભાર માનતાં ખાતરી આપી કે લીગ ધર્મ સબંધી બાબતોમાં ઉલેમાનો અભિપ્રાયો ધ્યાનમાં લેશે.

પરિષદે ઠરાવ પસાર કર્યો કે પાકિસ્તાન ઇસ્લામિક રાજ્ય બનવાનું છે એટલે કાયદા બનાવવામાં, ન્યાયમાં અને લોકોના ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનને નિયંત્રિત રાખવામાં ધર્મગુરુઓની મદદ લેવી જોઈએ. મુસ્લિમ મિલ્લતના વડા તરીકે ‘’શેખ-ઉલ-ઇસ્લામ અને ગ્રાંડ મુફ્તીની જગ્યાઓને ફરી સ્થાપિત કરવાની પણ પરિષદે માગણી કરી. JUI અને મુસ્લિમ લીગ વચ્ચે એવી સમજણ કેળવાઈ કે મૌલાનાઓ લીગના નેતાઓની આધુનિક શબ્દાવલી પણ વાપરતા થઈ ગયા. સામે પક્ષે, લીગના નેતાઓ મૌલાનાઓની પરંપરાગત ધાર્મિક ભાષા વાપરવા લાગ્યા. ઉસ્માનીનાં ભાષણો આનાં સારાં ઉદાહરણ જેવાં છે.

પાકિસ્તાન એટલે નવું મદીના; આખું હિન્દુસ્તાન પાકિસ્તાન બની જશે!

ઉસ્માનીએ હિન્દુસ્તાનથી અલગ થવાની જરૂર દર્શાવતાં કહ્યું કે પયગંબરે મક્કામાં થતી કનડગતમાંથી છૂટવા માટે હિજરત કરી. તે પછી મદીનામાં વસ્યા કે જેથી અહીં મુસલમાનો અને અન્સાર (આશરો આપનારા) શાંતિથી, મુક્તપણે ઇસ્લામ પ્રમાણે જીવન ગુજારી શકે. હિન્દુસ્તાનના મુસલમાનો પણ જ્યાં સુધી હિન્દુ બહુમતી સાથે રહેશે ત્યાં સુધી એમને હિન્દુઓની પસંદગીની સરકાર હેઠળ રહેવું પડશે એટલે ઇસ્લામના કાયદાકાનૂનો પ્રમાણે જીવન જીવવામાં એમને ઘણી મુશ્કેલીઓ પડશે. આથી એમના માટે જુદા દેશની જરૂર છે. જ્યાં તેઓ શરીઅત લાગુ કરી શકે.

એટલું જ નહીં, જેમ પયગંબર મદીના ગયા તે પછી ઇસ્લામે દુનિયાને ફતેહ કરી તેમ પાકિસ્તાન પણ ઇસ્લામના વિજયી પુનરાગમન માટે રસ્તો ખોલી દેશે અને આખા ઉપખંડ પર એની આણ વર્તાશે. જેમ પયગંબરે આખા અરબસ્તાનને પાકિસ્તાન બનાવી દીધું તેમ આખું હિન્દુસ્તાન પણ પાકિસ્તાન બની જશે.

ઉસ્માનીએ કહ્યું કે નિયતિનો નિર્ણય પાકિસ્તાન બનાવવાનો છે. આ વાત હિન્દુસ્તાનમાં મુસલમાનોની વસ્તી જે રીતે વહેંચાયેલી છે તેના પરથી દેખાય છે. આખા દેશમાં બધે ઠેકાણે મુસ્લિમોની લઘુમતી હોવાને બદલે અમુક પ્રદેશોમાં એમની બહુમતી છે. આ અલ્લાહની જ ઇચ્છા છે કે ત્યાં પાકિસ્તાન બને. વળી પાકિસ્તાનની માગણી લાહોર ઠરાવ દ્વારા ઊઠી છે, એમાં પણ ઈશ્વરી સંકેત છે. મોગલ બાદશાહ અકબરે ‘દીને ઇલાહી’ નામનો નવો ધર્મ શરૂ કર્યો ત્યારે એને પડકાર ફેંકનારા શેખ અહમદ સરહિન્દી પણ લાહોરના જ હતા. આજે ગાંધીવાદના રૂપમાં નવો ‘દીને ઇલાહી’ આવ્યો છે, જે પણ ‘મુત્તહિદા કૌમિયત’નો દાવો કરે છે અને એનો જવાબ પણ લાહોરમાંથી મળ્યો છે.

બે રાષ્ટ્રનો સિદ્ધાંત કુરાનમાં

ઉસ્માનીએ પોતાના પીર અશરફ અલી થાનવી અને લીગના બીજા આગળપડતા નેતાઓની જેમ લીગના ‘દ્વિરાષ્ટ્રવાદ’ને વાજબી માન્યો, એટલું જ નહીં, એના માટે કુરાનનો આશરો લઈને એમણે દ્વિરાષ્ટ્રવાદને એવું સ્થાન આપી દીધું કે એની ટીકા કરવી એ કુરાનની વિરુદ્ધ ગણાય. એમણે કહ્યું કે આજે ભલે દુનિયામાં લોકોની ઓળખ દેશ, જાતિ, ભાષા અને સંસ્કૃતિના આધારે થતી હોય પણ પયગંબર દ્વારા આવેલા અંતિમ ફરમાન પ્રમાણે દુનિયાનું ખરું વર્ગીકરણ મોમીન (ઇસ્લામને માનનારા) અને કાફિરો (ન માનનારા)માં કરવાનું છે. ઈમાન (ધર્મ) અને કુફ્ર (અધર્મ) એવા ભાગલા તો પયગંબર આવ્યા તે પહેલાં પણ હતા. ઇસ્લામના સંદેશવાહકની અજોડ ખાસિયત એ છે કે એમના વર્ગીકરણને દેશ, જાતિ, ભાષા કે સંસ્કૃતિનો બાધ નડતો નથી. ભારતના મુસલમાનો પણ આ કારણે એક અલગ રાષ્ટ્ર છે.

જમિયતુલ-ઉલેમા-એ-હિંદના નેતા મૌલાના હુસેન અહમદ મદનીએ સંયુક્ત રાષ્ટ્રીયતાની હિમાયત કરતાં પયગંબરના જમાનામાં યહુદીઓ અને મુસલમાનો સાથે રહેતા હતા એનું ઉદાહરણ આપ્યું હતું. ઉસ્માનીએ એને રદિયો આપતાં કહ્યું કે પયગંબરે યહુદીઓ અને મુસલમાનો માટે ‘વાહિદ ઉમ્મહ’ (એક માતા) શબ્દ વાપર્યો છે, ‘વાહિદ કૌમ’ (એક કોમ) નહીં. તે ઉપરાંત એમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે યહુદીઓ અને મુસલમાનો વચ્ચે વિવાદ થાય તો એનો ઉકેલ માત્ર અલ્લાહ અને એના રસૂલે (મહંમદ પયગંબર પોતે) આપેલા અંતિમ ચુકાદા પ્રમાણે જ આવી શકે.

ઉસ્માનીએ કહ્યું કે જમિયતુલ ઉલેમા-એ-હિંદને કોંગ્રેસ તરફથી પૈસા મળે છે એટલે એ કોંગ્રેસની ભાષા બોલે છે, જેમાં મુસલમાનોનું હિત નથી. આ સાથે એમણે અકબર ઇલાહાબાદીનો એક શે’ર ટાંક્યોઃ

ઉન્હીં કે મતલબ કી કહતા હૂં, ઝબાન મેરી બાત ઉનકી
ઉનકી મેહફિલ સજા રહા હૂં, ચિરાગ મેરા હૈ રાત ઉનકી
સુને જો ઇસકો ઉસે તરદ્દુદ, જો ઇસકો દેખે ઉસે તહય્યુર
હમારી નેકી ઔર ઉનકી બરકત, અમલ હમારા નઝાત ઉનકી

(એમને અનુકૂળ વાત કરું છું, જીભ મારી છે, વાત એમની છે. એમની મહેફિલ સજાવું છું, દીવો મારો છે, રાત એમની છે. જે સાંભળે તે ખળભળી ઊઠશે, જે જોશે તેને આશ્ચર્ય લાગશે, નેકી અમે કરીએ, લાભ એમને થાય. મહેનત અમારી, મુક્તિ એમની,)

જો કે, પાકિસ્તાન બનતાંવેંત ઇસ્લામી કાયદા અમલમાં આવી જશે એમ જે લોકો માનતા હતા તેમને એમણે કહ્યું કે જેમ રાત ધીમે ધીમે અલોપ થાય અને દિવસનું અજવાળું ફેલાવા લાગે, જેમ કોઈ જૂના રોગનો દરદી ધીમે ધીમે સાજો થાય તેમ પાકિસ્તાનકૌમી સેહત’ ( કોમનું સ્વાસ્થ્ય) મધ્યાહ્નકાળ સુધી પહોંચાડવાની દિશામાં પહેલું ડગલું છે, પણ ધીમે ધીમે આગળ વધે છે.”

લીગના નેતાઓનો બચાવ

જમિયતનો આક્ષેપ હતો કે મુસ્લિમ લીગના નેતાઓ, અને ખાસ કરીને, જિન્ના, નાસ્તિક અને પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવમાં હતા. તે ઉપરાંત, નેતાઓમાં મોટા ભાગે મતલબી રજાઓ અને નવાબો અથવા સર, ખાનબહાદુર વગેરે ટાઇટલવાળા હતા, એમને સામાન્ય મુસલમાન સાથે કશી લેવાદેવા નહોતી. ઉસ્માનીએ અક્ષેપ સ્વીકારી લીધો, એટલું જ નહીં, જિન્નાને ‘ફસિક઼’ (પાપી) પણ ગણાવ્યા. આના પછી ફરી એમણે ફરીથી ઇસ્લામના ઇતિહાસનો આશરો લીધો. ‘ખારિજીઓ’નું એમણે ઉદાહરણ લીધું. (ખારિજ પરથી ખારિજી. લોકો કોઈ પણ ખલિફાની સત્તા માનવા તૈયાર નહોતા, ઇસ્લામનાં શરૂઆતનાં વર્ષોમાં વિદ્રોહી જૂથ બન્યું. લોકો બધાથી જુદા પડતા હતા).

ઉસ્માનીએ કહ્યું, ખારિજીનો સાથ ન જ આપી શકાય. મુસ્લિમ લીગના નેતાઓ આ ખારિજીઓ જેવા હતા. મોટા ભાગે તો તેઓ મુસલમાનોનું જ નુકસાન કરે. પરંતુ ખારિજીઓ, એમની ઇસ્લામની સમજ પ્રમાણે કાફિરો સાથે લડતા હોય ત્યારે એમને ટેકો આપવો જોઈએ કારણ કે એમના કરતાં એમના લક્ષ્યનું મહત્ત્વ વધારે છે. આમ મુસ્લિમ લીગના નેતાઓ ખારિજી જેવા હોવા છતાં એમની માગણી ઇસ્લામના હિતમાં છે એટલે એમને ટેકો આપવો જોઈએ. આ સાથે એમણે સામાન્ય મુસ્લિમ સમાજને જાગૃત રહીને લીગના નેતાઓને એમના લક્ષ્ય સાથે જોતરી રાખવાની સલાહ આપી.

ઉસ્માનીએ કહ્યું કે પાકિસ્તાન બનતાં દરેક મુસલમાનને ઇસ્લામમાં દર્શાવ્યા પ્રમાણે વ્યક્તિગત ગુણો ખીલવવાની તક મળશે, આના માટે પાકિસ્તાનમાં ઉલેમાને વધારે મહત્ત્વની ભૂમિકા આપવાની એમણે માગણી કરી.

સંદર્ભમાં એમણે એક ચતુર જવાબ આપ્યો છે, જેનો ઉલ્લેખ જરૂરી છે.

જિન્નાનેકાયદે આઝમ’ (સૌથી મોટા નેતા)નું બિરુદ આપવામાં આવતું હતું. આનો અર્થ કે મૌલાનાઓ એમના કરતાં પાછળ હતા. ખરેખર તો એમ હોવું જોઈએ. ઉસ્માનીએ બાબતમાં બહુ ચિંતા કરવાની સલાહ આપતાં દાખલો આપ્યો કે પહેલવાન ઝાબિસ્કો ભારત આવ્યો ત્યારે ભારતના સૌથી મોટા નેતા ગાંધીજીને એની સામે લડવા નહોતા ઉતાર્યા. ગામા પહેલવાન એની સામે મેદાનમાં ઊતર્યો કારણ કે પહેલવાનીમાં વધારે પાવરધો હતો. રીતે ઉલેમાનું સ્થાન સૌથી ઊંચું છે પરંતુ રાજકારણમાં જિન્ના વધારે જાણકાર છે અને તેઓ જે કામ કરે છે તે બરાબર છે!

ઉસ્માનીએ ધાર્મિક સિવાયની દલીલો પણ પાકિસ્તાનની તરફેણમાં રજૂ કરી છે. એમનાં ઉચ્ચારણોથી જે સ્થિતિ ઊભી થઈ હતી તેમાંથી રસ્તો કાઢવા જમિયતના કેટલાક સભ્યો એમને મળ્યા જેમાં એમના શિષ્ય હિફ્ઝુર રહેમાન સ્યોહારવી (ભાગ ૧૨) પણ હતા. પરંતુ ઉસ્માની ન માન્યા અને ઉલ્ટું થોડા વખત પછી JUIના પ્રમુખ પણ બન્યા.

JUH પાસે હવે જાહેરમાં ઉસ્માનીના વિચારોને કાપવા સિવાય કોઈ રસ્તો ન રહ્યો. JUH અને JUI વચ્ચેની આ જીભાજોડી તે પછી આવેલી ચૂંટણીમાં છવાયેલી રહી. જાણે પાકિસ્તાન માટે રેફરેન્ડમ ન હોય!

૧૯૪૫ની ૨૧મી ઑગસ્ટે વાઇસરૉયે જાહેર કર્યું કે વર્ષના અંત સુધીમાં સેન્ટ્રલ અને પ્રાંતીય ઍસેમ્બલીઓની ચૂંટણી થશે. અને જિન્નાએ ખરેખર જ કહ્યું કે આ ચૂંટણી પાકિસ્તાન માટે રેફરેન્ડમ બની રહેશે. JUHનો પ્રત્યાઘાત આપણે એ દૃષ્ટિએ જોવાનો રહેશે,

વિશે વધારે વિગતે ચર્ચા કરશું, આવતા સોમવારે.

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _૨૬ :

%d bloggers like this: