“Creating a New Medina: State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India – Venkat Dhulipala (12)

રજૂઆતઃ દીપક ધોળકિયા

Creating a new medina 1

Creating a New Medina : State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India (English)
1st Edition ǁ October 2014 ǁ List Price: Rs. 995
Publisher: Cambridge University Press ǁ ISBN-13: 9781107052123

લાહોર ઠરાવની કોંગ્રેસે આકરી ટીકા કરી. રાજાજીએ કહ્યું કે ભારત એક અને અવિભાજ્ય છે. એમણે કહ્યું કે ભારતના ભાગલા પાડવાનું સૂચન જિન્નાની ‘બીમાર માનસિકતા’નું પરિણામ છે. એમણે બહુ જ સખત શબ્દોમાં કહી દીધું કે મુસ્લિમ પ્રાંતોને અલગ કરીને ફેડરેશન બનાવવાથી લઘુમતીની સમસ્યા હલ નહીં થાય. વળી બે રાષ્ટ્રોનો સિદ્ધાંત ઇસ્લામના પ્રસાર માટેના પયગંબરના ચિંતનથી પણ વિરુદ્ધ છે.

જવાહરલાલ નહેરુએ કહ્યું કે પાકિસ્તાન યોજના ‘મૂર્ખતાપૂર્ણ’ છે અને “એ ૨૪ કલાક પણ ટકે એમ નથી.” નહેરુએ કહ્યું કે આ યોજના “રાષ્ટ્રવિરોધી, સામ્રાજ્યવાદ તરફી છે, કોઈ પણ સ્વાતંત્ર્યપ્રેમી માણસ એ સ્વીકારી ન શકે.” થોડા દિવસ પછી નહેરુએ કહ્યું કે મુસ્લિમ લીગની નવી માંગથી એમને આનંદ થયો છે, પણ એમણે ઉમેર્યું કે આનંદ એટલા માટે નથી થયો કે એમને આ યોજના પસંદ આવી છે, પરંતુ એનાથી “કોમી સમસ્યા બહુ સરળ બની ગઈ છે” અને કોંગ્રેસ હવે અસંગત માગણીઓ, સપ્રમાણ પ્રતિનિધિત્વ વગેરેથી મુક્ત થઈ છે. એમણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે મુસ્લિમ લીગરો અને એમના (નહેરુ) જેવા માણસો ભારતમાં એકસાથે રહી ન શકે. આથી પોતે અને લીગરો અલગ રાષ્ટ્રના છે.

ગાંધીજીએ કહ્યું કે પાકિસ્તાનની માગણી એટલે ભારતના ભાગલા; અને એ ‘પાપ’ છે.

મુસ્લિમ લીગ અને પાકિસ્તાનના વિરોધીઓઃ મૌલવીઓ રાજકારણના મોરચેઃ

આવો જ સખત વિરોધ મુસલમાનોના એક વર્ગમાંથી પણ ઊઠ્યો. એમાં મુસ્લિમ લીગ માટે જમિયતુલ-ઉલેમા-એ-હિન્દ મોટા પડકાર રૂપ બની રહી. જમિયતે પાકિસ્તાનની યોજનાનો વિરોધ કર્યો એટલું જ નહીં, પરંતુ પાકિસ્તાન, નૈતિક, ધાર્મિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય દૃષ્ટિએ કેવું નિષ્ફળ રહેશે તે દાખલા દલીલો સહિત સાબિત કર્યું. એના ઘણા મુદ્દા આજે પણ સાચા લાગે છે. આમ છતાં, જમિયતનો અંતે પ્રભાવ ન રહ્યો અને પાકિસ્તાન બન્યું.

પાકિસ્તાનની યોજના વિરુદ્ધ ત્રણ મુખ્ય દસ્તાવેજો

પાકિસ્તાનની યોજના વિરુદ્ધ સબળ અભિપ્રાયો હતા. આમાંથી ત્રણ વિચારકો મુખ્ય છેઃ

૧. જમિયત કરતાં પણ પહેલાં પાકિસ્તાનનો વિરોધ કરનારા હતા, મૌલાના સૈયદ મુહમ્મદ સજ્જાદ. એમણે ‘ઇસ્લામી પાકિસ્તાનઃ એક છેતરપીંડી’ દસ્તાવેજ પ્રકાશિત કર્યો. લાહોર ઠરાવ જાહેર થયો તે પહેલાં, અને ડૉ. આંબેડકરનો અત્યંત મહત્ત્વનો નિબંધ પણ પ્રકાશિત નહોતો થયો તે પહેલાં જ મૌલાના સજ્જાદે પોતાનો નિબંધ બહાર પાડી દીધો હતો.

બિહારના મૌલાના સજ્જાદ જમિયતના એક આગળપડતા નેતા હતા. એમણે ૧૯૩૬માં ‘મુસ્લિમ ઇંડીપેન્ડન્ટ પાર્ટી’ બનાવીને ૧૯૩૭ની ચૂંટણીમાં બિહારમાં મોટા ભાગની મુસ્લિમ સીટો જીતી લીધી. કોંગ્રેસે સરકાર બનાવવાનો ઇનકાર કર્યા પછી એમણે લીગ સાથે હાથ મિલાવ્યા અને બિહારમાં ઍપ્રિલથી જુલાઈ ૧૯૩૭ સુધી સરકાર ચલાવી. એ વખતે એમને લીગ સાથે જોડાવામાં કંઈ ખોટું નહોતું લાગ્યું કારણ કે એમની નજરે એ અરસામાં જિન્ના પણ તદ્દન કોંગ્રેસની લાઇન પર જ કામ કરતા હતા.

સજ્જાદ સ્વતંત્ર મિજાજના માણસ હતા અને લાહોર ઠરાવ પછી એ જિન્નાથી વિરુદ્ધ થઈ ગયા. એમના નિબંધના મુખ્ય મુદ્દા જોઈએઃ

પાકિસ્તાન ઇસ્લામી રાજ્ય ન બની શકે

પાકિસ્તાનમાં ઇસ્લામી રાજ્ય સ્થપાશે એવા લીગના દાવાને મજબૂત પડકાર ફેંકતાં એમણે કહ્યું કે ઇસ્લામી રાજ્ય બનાવવા માટે મુસ્લિમ લીગે પહેલાં તો પાકિસ્તાનની યોજના હેઠળ આવતા પ્રાંતોમાંથી બહુ મોટી બિનમુસ્લિમ વસ્તીને હાંકી કાઢવાનું વચન આપવું જોઈએ. લગભગ અર્ધી વસ્તી બિનમુસ્લિમોની છે. લીગે સ્પષ્ટ શબ્દોમાં કહેવું જોઈએ કે બિનમુસ્લિમોને પાકિસ્તાન સરકારમાં કોઈ જાતની ભાગીદારી નહીં મળે. તેને બદલે જિન્નાએ આ પ્રાંતોની લઘુમતીઓને જાહેરમાં ખાતરી આપી છે કે બિનમુસ્લિમોને પાકિસ્તાનમાં ધારાસભાઓમાં અને સરકાર ચલાવવામાં પણ સામેલ કરાશે. આવું થાય તો, ભલે ને, ‘હિન્દુસ્તાન’ અને ‘પાકિસ્તાન’ સ્વયંપૂર્ણ દેશો હોય તો પણ પાકિસ્તાનને ‘ઇસ્લામી હકુમત’ અને હિન્દુસ્તાનને હિન્દુ હકુમત કહેવાનું ખોટું છે. આમ, વસ્તીની અદલાબદલીનો સૌથી પહેલો સંકેત મૌલાના સજ્જાદે આપ્યો.

હૉસ્ટેજ થિયરીની ટીકા

પાકિસ્તાન સમર્થકો આ દલીલ બહુ કરતા કે દેશના જે પ્રાંતોમાં મુસ્લિમો લઘુમતીમાં હોય તેમને પણ રક્ષણ મળશે કારણ કે એમના પર અત્યાચાર થશે તો પાકિસ્તાનમાં લઘુમતીઓને એની કિંમત ચુકવવી પડશે. આમ પાકિસ્તાનમાં લઘુમતીઓને ‘બાન’ તરીકે રાખવામાં આવશે. આ ‘હૉસ્ટેજ થિયરી’ની સજ્જાદે આકરી ટીકા કરી. એમણે કહ્યું કે કોઈ મુસ્લિમ સરકાર, બીજે ક્યાંક મુસલમાનો પર અત્યાચાર થતા હોય તો એનો બદલો પોતાના નિર્દોષ નાગરિકો પર ન લઈ શકે. એ શરીઅતની વિરુદ્ધ તો છે જ, આંતરરાષ્ટ્રીય ધારાધોરણોથી પણ વિરુદ્ધ છે.

ખરેખર મુસ્લિમો એકબીજાની મદદ કરી શકે છે?

સજ્જાદે કહ્યું કે પાકિસ્તાનના હિમાયતીઓ તુર્કીના વારસ બનવાની વાત કરે છે પણ બ્રિટિશ સામ્રાજ્યવાદે હંમેશાં મુસલમાનો પર જુલમો કર્યા છે, પરંતુ તુર્કીએ બદલો લેવા માટે પોતાના ખ્રિસ્તી નાગરિકોને રંઝાડ્યા હોય એવો એક પણ દાખલો નથી નોંધાયો. ૧૮૫૭ના વિદ્રોહ વખતે પણ તુર્કીએ હિન્દુસ્તાનના મુસલમાનોની મદદ નહોતી કરી. માત્ર તુર્કી નહીં બીજા કોઈ મુસ્લિમ દેશે પણ બ્રિટન સાથેના રાજદ્વારી સંબંધો કાપી નાખવાની હિંમત નહોતી કરી.

યૂ. પી.ના મુસલમાનો શા માટે ભોગ આપે?

લીગે લઘુમતી મુસ્લિમ પ્રાંતોના મુસલમાનોને એ દલીલને પણ ખોટી ઠરાવી કે બહુમતી પ્રાંતોના મુસલમાનોને હિન્દુ બહુમતીથી બચાવવા માટે ભોગ આપવા હાકલ કરી હતી. જિન્ના મુસ્લિમ બહુમતી પ્રાંતોના છ કરોડ મુસલમાનોને બચાવવા માટે મુસ્લિમ લઘુમતી પ્રાંતોના બે કરોડ મુસલમાનોનો ભોગ આપવા તૈયાર હતા. એમણે આવું મંતવ્ય જાહેરમાં વ્યક્ત કર્યું હતું. મૌલાના સજ્જાદે આની સખત ઝાટકણી કાઢી. એક તો, જિન્નાએ જાણીજોઈને લઘુમતી પ્રાંતોમાં મુસલમાનોની વસ્તી ઓછી દેખાડી. બીજું, એમણે જિન્નાના તર્ક અને ભાષાનો જ ઉપયોગ કરીને કહ્યું કે બે કરોડ મુસલમાનો છ કરોડ મુસલમાનોને બચાવવા માટે પોતાનું બલિદાન આપે તેના કરતાં બધા જ એંસી કરોડ મુસલમાનો એકઠા થઈને ‘હિન્દુઓની ગુલામી’ સ્વીકારે, ‘હિન્દુ કોંગ્રેસ’ પાછળ ઊભા રહે અને બ્રિટિશ સામ્રાજ્યવાદને દેશમાંથી હાંકી કાઢે તે વધારે સારું છે. આના પરિણામે આખા ઇસ્લામી વિશ્વના ૨૫ કરોડ મુસલમાનો માટે પણ આઝાદીનો દરવાજો ખૂલી જશે. ૨૫ કરોડ માટે ૮ કરોડનો ભોગ આપવો પડે તે ૬ કરોડ માટે ૨ કરોડનો ભોગ આપવા કરતાં વધારે પસંદ કરવા જેવું છે! મૌલાનાએ આ દલીલ કરીને એ પણ દેખાડ્યું કે પાકિસ્તાનને મહાન દેખાડવા માટે વૈશ્વિક ઇસ્લામનું નામ વટાવી ખાવાનો ઇજારો માત્ર મુસ્લિમ લીગ પાસે નહોતો.

મૌલાના સજ્જાદે પાકિસ્તાનની યોજનાને બ્રિટિશ સત્તાવાળાઓ સાથેની સંતલસનું પરિણામ ગણાવી. એમણે ઇતિહાસ તરફ આંગળી ચીંધીને કહ્યું કે ૧૯૨૨માં ખિલાફત-કોંગ્રેસ સમેલન ગયામાં મળ્યું ત્યારે ‘પાકિસ્તાન’નો વિચાર વિદેશમાંથી લાવીને ઘુસાડવામાં આવ્યો. પરંતુ એ વખતે મુસ્લિમ નેતાઓએ એને ધ્યાન આપવા લાયક ન ગણ્યો. પછી ૧૯૩૦માં સર મહંમદ ઇકબાલે લીગની અલ્હાબાદ કૉન્ફરન્સમાં આ ઠરાવ રજૂ કર્યો, પણ તે પછી મળેલી પહેલી ગોળમેજી પરિષદમાં પણ જિન્ના કે ઇકબાલ, બન્નેને આ વિચારને આગળ વધારવા જેવું ન લાગ્યું, નહીંતર એ સારામાં સારો મોકો હતો. ૧૯૩૯ સુધી લીગે આ બાબતમાં કંઈ કર્યું નહીં પરંતુ તે પછી કોંગ્રેસનાં પ્ર્રધાનમંડળોએ રાજીનામાં આપી દીધાં એટલે મુસલમાનોને જોડી રાખવા માટે જિન્ના કે મુસ્લિમ લીગ પાસે કોઈ મુદ્દો નહોતો એટલે પાકિસ્તાનનો મુદ્દો ઊભો કરી દીધો છે.

૦૦૦

૨. મૌલાના સજ્જાદની જેમ મૌલવી તુફૈલ અહમદ મેંગ્લોરી પણ મુસ્લિમ લીગની સામે પડ્યા. આમ તો એ મૌલવી નહોતા પણ અલીગઢની મોહમેડન ઍંગ્લો-ઑરિએન્ટલ કૉલેજના શરૂઆતના બૅચના વિદ્યાર્થી હતા અને કૉલેજના આદર્શ પ્રમાણે પ્રાચીન અને આધુનિકનો એમનામાં સંગમ થયો હતો. એક બાજુ, એ ક્રિકેટ ટીમના વિકેટકીપર હતા તો બીજી બાજુ નમાઝના પણ પાકા; એટલે એમનું નામ ‘મૌલવી’ પડી ગયું, જે જીવનભર રહ્યું. મૌલવી ઑલ ઇંડિયા મુસ્લિમ કૉન્ફરન્સના જૉઇંટ સૅક્રેટરી પણ હતા.

મેંગ્લોરી પાકિસ્તાન વિશે લેખો લખતા અને પછી એમનો સંગ્રહ બહાર પાડવામાં આવ્યો. એ પુસ્તાક એટલું લોકપ્રિય બન્યું કે ૧૯૩૭ અને ૧૯૪૫ વચ્ચે એની પાંચ આવૃત્તિઓ થઈ. મુસ્લિમ લીગે તો એની પાકિસ્તાન યોજનાની કોઈ વિગતો જાહેર નહોતી કરી એટલે દેશના રાષ્ટ્રવાદીઓ જે સવાલો સામાન્ય રીતે પૂછતા રહેતા તે જ મુદ્દા એમણે ઉઠાવ્યા. એમણે કહ્યું કે મુસ્લિમ લીગ જાણે મુસલમાનોને કહે છે કે તમે ચુપ રહો, કાયદે આઝમ બધું જાણે છે અને બરાબર કરશે; આવા સવાલો પૂછતા રહેશો તો કોમ નાના ઝઘડાઓમાં ભેરવાઈ જશે. કોમે તો માત્ર ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ અને ‘કાયદે આઝમ કી જય’ એવા નારા પોકારીને જ સંતોષ માનવાનો છે.

તે પછી જે કંઈ માહિતી ઉપલબ્ધ હતી તેના આધારે એમણે પાકિસ્તાન યોજના પર પ્રહારો કરવાની શરૂઆત કરી દીધી.

એમણે અલગ ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વમાં અલગ મુસ્લિમ ઝોન બનાવવાની દરખાસ્તની ટીકા કરી કે ઉત્તર-પશ્ચિમમાં (અત્યારનું પાકિસ્તાન) હિન્દુઓની વસ્તી ૪૩ ટકા છે અને ઉત્તર-પૂર્વમાં (અત્યારનું બાંગ્લાદેશ)માં એમની વસ્તી ૪૦ ટકા છે. બીજી બાજુ, હિન્દુ પ્રાંતો – યૂ.પી., બિહાર, મધ્ય ભારત, મદ્રાસ, બોમ્બે. ઓરિસ્સા અને રાજપુતાનામાઅં હિન્દુઓની વસ્તી ૯૦ ટકા છે, મુસલમાનો માત્ર ૧૦ ટકા છે. દિલ્હીમાં ૨૮ ટકા, મલબારમાં ૨૭ ટકા અને હૈદરાબાદમાં ૭ ટકા મુસલમાનો છે. આમ માત્ર બે ઝોનમાં મુસલમાનોની પાતળી બહુમતી છે. આ સંયોગોમાં ત્યાં શી રીતે ઇસ્લામિક રાજ્ય બનાવી શકાશે? મુસ્લિમ લીગ હિન્દુ ઝોનમાં મુસ્લિમોને એક જગ્યાએ એકત્ર કરવાની વાતો કરતા તેનાં જોખમો અને લાભ એટલા સ્પષ્ટ હતા કે મેંગ્લોરીએ એના પર બહુ સમય ન બગાડતાં સીધો જ લીગનો એ દાવો પકડ્યો કે પાકિસ્તાન હિન્દુસ્તાન સાથે લઘુમતીઓના રક્ષણ વિશે સમજૂતી કરશે. સામાન્ય રીતે તેઓ આને ‘હૉસ્ટેજ થિયરી’ કહેતા. મૌલવીએ કહ્યું કે હિન્દુ ઝોનમાં મુસલમાનો પર અત્યાચાર થઈ શકે પણ મુસ્લિમ ઝોનના હિન્દુઓ ભણેલા, પૈસેટકે સુખી અને વહીવટમાં પહોંચવાળા છે એટલે એમની સામે બદલો લેવાનું શક્ય નથી. આ ચિંતાઓ પર ધ્યાન આપવાને બદલે કાયદે આઝમ લઘુમતી પ્રાંતોના મુસલમાનોનું બલિદાન આપવાની વાત કરે છે તેના પર એમણે મોટો વાંધો લીધો.

સહિયારાં મતદાર મંડળો

એમણે કહ્યું કે લઘુમતી પ્રાંતના મુસ્લિમોને એમના એકમાત્ર પ્રતિનિધિ સંગઠન, મુસ્લિમ લીગ પાસેથી આ સવાલના જવાબ મેળવવાનો હક છે. તે પછી એમણે પોતે જ જવાબ આપ્યો કે ખરો ઉપાય એ છે કે ફરીથી સહિયારા મતદાર મંડળો દ્વારા સરકારો બનાવવી જોઈએ. ત્રીસ વર્ષથી મુસ્લિમ રાજકારણમાં કોંગ્રેસની આ માગણીને મુસ્લિમ વિરોધી માનવામાં આવતી હતી તેની સામે મૌલવી મેંગલોરીનો ઉકેલ તદ્દન જુદી દિશામાં જતો હતો. એમણે કહ્યું કે સીટોની વહેંચણી કોમના ભેદભાવ વિના થતો હતો એ સમયને યાદ કરતાં એમણે કહ્યું કે એ વખતે ઉમેદવારોને બન્ને કોમમાંથી મત મેળવવા પડતા. અલગ સીટો થતાં એવી જરૂર ન રહી. પહેલાં મુસલમાનને કનડગત ન થાય તેની હિન્દુ ધારાસભ્યો ચિંતા કરતા, હવે એમને મુસલમાન સાથે શું થાય છે તે જોવાની પણ જરૂર નથી રહી. એમણે મુસલમાન પ્રતિનિધિ પાસે જવું પડે છે પણ એ જ મુસલમાન પ્રતિનિધિ ઍસેમ્બલીમાં હિન્દુ સભ્યની મદદ ન લે તો કંઇ કામ કરાવી જ શકતો નથી. અલગ સીટ થયા પછી રમખાણો પણ વધી ગયાં હતાં.

૩. મૌલાના હિફ્ઝુર રહેમાન સ્યોહારવીની પાકિસ્તાન યોજનાની ટીકાનો નિબંધ ૧૯૪૫-૪૬ની ચૂંટણીઓ પહેલાં બહાર પડ્યો. એ દિલ્હીમાં જમિયતુલ- ઉલેમા-એ-હિંદના નાઝિમ (મુખ્ય સંગઠક) હતા પરંતુ મૂળ યૂ. પી,ના હતા. એમણે પણ પાકિસ્તાનને ઇસ્લામી રાજ્ય બનાવાશે એવા દાવને નકારી કાઅઢ્યો. આની વિગતો આપણે જોઈ લીધી છે એટલે ઊંડા નહીં ઊતરીએ. પરંતુ એમનો મોટો આક્ષેપ એ હતો કે પાકિસ્તાન યોજના બ્રિટનના નેતાઓ સાથે સંતલસ કર્યા પછી ઘડાઈ છે.

દૈવી પ્રેરણા નહીં, બકિંગહામની પ્રેરણા

અંગ્રેજોની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિની આકરી ટીકા કરતાં એમણે કહ્યું કે ભારતીય રાષ્ટ્રમાં ફૂટ પડાવવા માટે બ્રિટને બે રાષ્ટ્રનો સિદ્ધાંત ઘડીને મુસ્લિમ લીગને એમાં જોતરી છે. એમણે યાદ આપ્યું કે પાકિસ્તાનનો વિચાર સૌ પહેલાં ૧૯૩૦માં સર મહંમદ ઇકબાલે એમની લંડનની મુલાકાત પછી રજૂ કર્યો. તે પછી ૧૯૩૯માં યુક્ત પ્રાંતના મુસ્લિમ નેતા ખલિકુઝ્ઝમાન હજ કરીને લંડન ગયા અને ત્યાંથી પાછા આવીને એમણે આ વિચારને ફરી સજીવન કર્યો અને જિન્નાએ એને લાહોર ઠરાવ રૂપે અંતિમ રૂપ આપ્યું. સ્યોહારવીએ કહ્યું કે આ કોઈ ઇલ્હામ (દૈવી પ્રેરણા) નથી પરંતુ બકિંગહામની રાજકીય પ્રેરણા (સિયાસતી ઇલ્હામ) છે. એમણે અફસોસ કર્યો કે ૧૮૫૭ પછી બ્રિટનને પોતાની હકુમત મજબૂત બનાવવી હતી ત્યારે એણે સામ્રાજ્યવાદ વિરોધી મૌલવીઓ વિરુદ્ધ સર સૈયદ અહમદ જેવા રાજકીય વફાદારોની મદદ લીધી હતી અને હવે બ્રિટિશ રાજ સામે કોંગ્રેસે શરૂ કરેલા રાષ્ટ્રવાદી આંદોલનમાં ઉલેમા પણ સામેલ છે ત્યારે બ્રિટનને મુસ્લિમ લીગના વફાદાર રાજને બચાવવા માટે મળી ગયા છે.

બ્રિટને પહેલા વિશ્વયુદ્ધ વખતે પણ આરબોને અલગ રાષ્ટ્ર તરીકે ઓળખાવીને એમને તુર્કી સામે લડવા ઉશ્કેર્યા હતા. પરિણામે આરબો તુર્કોની ગુલામીમાંથી નીકળીને બ્રિટનની ગુલામીમાં સપડાયા. એટલે એમણે મુસલમાનોને પાકિસ્તાનની મોહજાળમાં ન ફસાવા અપીલ કરતાં કહ્યું કે એનાથી બર્ર-એ-અઝમમાં (ભારતીય ઉપખંડમાં) બ્રિટિશ હકુમત મજબૂત બનશે.

સ્યોહારવીએ કહ્યું કે ૧૯૩૭માં ચૂંટણી પછી કોંગ્રેસ સરકાર બનાવતી હતી ત્યારે જિન્ના એની સમક્ષ હાથ લંબાવીને સતાની ભીખ માગતા હતા. કોંગ્રેસે ઇનકાર કર્યો તો મુસ્લિમ લીગે ઍસેમ્બલીમાંથી રાજીનામાં આપવાની હિંમત ન કરી અને ખાનગી ખૂણે સરકાર પાસેથી મેજિસ્ટ્રેટ, કોઈ સમિતિના અધ્યક્ષ વગેરે પદો માગતા રહ્યા અને સત્તા ભોગવતા રહ્યા. એ જ મુસ્લિમ લીગે કોંગ્રેસ સરકારોએ રાજીનામાં આપ્યાં ત્યારે ‘મુક્તિ દિન’ મનાવવા લોકોને એલાન કર્યું. આમ મુસ્લિમ લીગની નૈતિકતા સામે પણ સ્યોહારવીએ સવાલ ઊભો કર્યો અને કહ્યું કે જિન્ના માત્ર અંગત લાભ માટે જ આ બધું કરતા રહ્યા છે.

પાકિસ્તાન આર્થિક રીતે નબળું

પાકિસ્તાન પાસે કુદરતી સંપદા નથી, એવી ટીકાનો મુસ્લિમ લીગના એક નેતાએ જવાબ આપ્યો હતો કે પાકિસ્તાન હિન્દુ મૂડીને આમંત્રણ આપશે. સ્યોહારવીએ કહ્યું કે લીગના નેતાઓને અર્થતંત્રની જરાયે સમજ નથી. એમણે કહ્યું કે મૂડી હંમેશાં રાજસત્તાનો કબજો લઈ લે છે. હિન્દુ મૂડી એ જ કરશે. એ નહીં હોય તો પાકિસ્તાને બ્રિટનની મૂડી પર ભરોસો રાખવો પડશે. આમ બ્રિટનની સત્તા કાયમ રહેશે. વિદેશી મૂડીને આમંત્રણ આપવું તે ગુલામ બનવાનો સૌથી સહેલો રસ્તો છે.

પાકિસ્તાન સરકારી નોકરોના પગાર ઘટાડીને બચત કરશે અને કોલસાની ખાણમાં રોકાણ કરશે એવી લીગની વાતની ઠેકડી ઉડાડતાં એમણે કહ્યું કે એમાંથી એક ખાણ પણ નહીં ખરીદી શકાય!

ત્રણેય ટીકાઓનો એક જ સૂર હોવા છતાં અંતર એ છે કે મૌલાના સજ્જાદ લખતા હતા ત્યારે એમણે માન્યું હતું કે પાકિસ્તાન માત્ર વાટાઘાટોમાં સોદાબાજી માટે જિન્નાએ ઉપજાવી કાઢેલો ખ્યાલ છે. મૌલવી મેંગલોરી લખતા હતા ત્યારે એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે પાકિસ્તાન બનશે પણ ફેડરેશન તરીકે રહેશે. સ્યોહારવી લખતા હતા ત્યારે પાકિસ્તાન ફેડરેશનનો ભાગ નહીં પણ સ્વતંત્ર રાષ્ટ્ર બનશે એવું સ્પષ્ટ થઈ ગયું હતું.

૦૦૦

પરંતુ, અખબારો અને સામાન્ય વાચકોની દલીલ શું હતી? આવતા સોમવારે એના પર નજર નાખશું. યાદ રાખવા જેવું છે કે આવી મોટી ઐતિહાસિક ઘટનામાં સામાન્ય માણસની ભૂમિકાની પુસ્તકના લેખક વેંકટ ધૂલિપાલા સિવાય કોઈએ નોંધ લીધી હોય એમ લાગતું નથી.

૦૦૦

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _૨૪ :

%d bloggers like this: