“Creating a New Medina: State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India–Venkat Dhulipala (11)

 Creating a new medina 1venkat-dhulipala

Creating a New Medina : State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India (English)
1st Edition ǁ October 2014 ǁ List Price: Rs. 995
Publisher: Cambridge University Press ǁ ISBN-13: 9781107052123

લાહોર ઠરાવ પછી પણ પાકિસ્તાન વિશે તર્કવિતર્કો ચાલુ રહ્યા અને આખા યુક્ત પ્રાંતમાં એના વિશે સભાઓ અને ભાષણો થતાં રહ્યાં. ૧૯૪૦ની ૧૯મી ઍપ્રિલે મુસ્લિમ લીગે આખા દેશમાં ‘પાકિસ્તાન દિન’ મનાવવાનું એલાન કર્યું હતું. લિયાકત અલી ખાનના કહેવા પ્રમાણે આખા દેશમાં એ દિવસે દસ હજાર મીટિંગો થઈ.

બદાયુંમાં મીટિંગ

આ આંકડામાં અતિશયોક્તિ હોઈ શકે છે પણ આવી જ મીટિંગ બદાયુંમાં મળી. જિલ્લા મુસ્લિમ લીગના ઉપપ્રમુખ મૌલવી મુસાવિર અલી ખાને શુક્રવારની નમાઝ પછી એકાદ કલાક ઉર્દુમાં ભાષણ કર્યું. એની ખાસ નોંધ લેવાનું કારણ એ કે જિલ્લાની લીગે આ ભાષણ છપાવીને લોકોમાં વહેંચવાનો નિર્ણય કર્યો. આ પહેલાં આપણે બરેલીના અનિસુદ્દીન રિઝવીના પુસ્તક વિશે વિગતવાર વિવરણ જોયું છે. મુસાવિર અલીના ભાષણમાં ઘણું ખરું તો રિઝવીના પુસ્તક જેવું જ હતું, એટલે કે પાકિસ્તાન ઇસ્લામી રાજ્ય બનવાનું હતું. માત્ર મોટો ફેર એ હતો કે રિઝવીએ યુક્ત પ્રાંતના મેરઠ અને આગરા વિસ્તારોમાં પણ સાર્વભૌમ મુસ્લિમ રાજ્ય બનાવવાની માગણી કરી હતી, પણ હવે લાહોર ઠરાવ આવી ગયો હતો અને એમાં યુક્ત પ્રાંતના કોઈ પણ ભાગને પાકિસ્તાનમાં સમાવવાની વાત નહોતી એટલે મુસાવિર અલીના ભાષણમાં પણ એનો ઉલ્લેખ નહોતો.

મુસાવિર અલીએ કોંગ્રેસના પૂર્ણ સ્વરાજના એલાનની ઠેકડી ઉડાવતાં કહ્યું કે કોંગ્રેસ ભલે કહેતી હોય પણ બ્રિટિશ હકુમતને ઉથલાવી પાડવાની તક મળે છે ત્યારે એ સમાધાન કરી લે છે અને એનું ધ્યેય પાછળ રહી જાય છે. ગાંધીજીની દાંડી યાત્રા વિશે મુસાવિરની ટિપ્પણી હતી કે ગાંધીજીએ કહ્યું હતું કે તેઓ સ્વરાજ લાવીને પાછા વળશે નહીંતર એમની લાશ સમુદ્રમાં તરતી મળશે. પરંતુ થયું એવું કે આખા નાટકના અંતે ગાંધીજી વાઇસરીગલ લૉજમાં ચાપાણીની મહેફિલ માણતા હતા. એમણે ગાંધીજીના સવિનય કાનૂન ભંગના નવા એલાનને પણ હસવામાં કાઢી નાખ્યું. એકસમાન રાષ્ટ્રીયતાના કોંગ્રેસના વિચારને પણ એમણે નકારી કાઢ્યો કે એ માત્ર હિન્દુ રાષ્ટ્રીયતાનું નવું નામ હતું. મુસલમાન આ ન સ્વીકારી શકે કારણ કે ઇસ્લામ માત્ર અલ્લાહની સરકારને જ મંજૂર રાખે છે. એ સરકાર અલ્લાહના કાયદા પ્રમાણે જ બની શકે અને એ કાયદા નિશ્ચિત છે. મુસલમાન જો કોંગ્રેસની વ્યાખ્યા સ્વીકારે તો મુસલમાન ન રહે.

ભારતીય રાષ્ટ્રીયતાના પ્રયાસોની નિષ્ફળતા

મુસાવિર અલી ખાને નાનક, કબીર વગેરેનાં ઉદાહરણ આપીને કહ્યું કે એમણે એકસમાન રાષ્ટ્રીયતા વિકસાવવાના પ્રયત્ન કર્યા પણ સફળ ન થયા. સમ્રાટ અકબરે આના માટે દીને ઇલાહી નામનો નવો ધર્મ બનાવ્યો. એ ધર્મ તો અલોપ થઈ ગયો અને તે સાથે મોગલાઈના પાયા પણ હચમચાવતો ગયો. પરિણામે, એક તરફ શિવાજીની આગેવાની હેઠળ મરાઠા મજબૂત બન્યા અને બીજી તરફ શીખોનું જોર વધ્યું. આજે શિવાજીના વારસો હિન્દુ મહાસભામાં છે, પરંતુ કોંગ્રેસ અને હિન્દુ મહાસભા વચ્ચે કંઇ ફેર નથી. મુસાવિરે ઉમેર્યું કે હિન્દુઓના નેતા ડૉ. મુંજે કહે છે કે ગાંધીજી છૂટ નથી આપતા, નહીંતર બધા કોંગ્રેસી હિન્દુ મહાસભામાં જોડાઈ જાય તેમ છે.

યૂ.પી.ના મુસલમાનો

લાહોર ઠરાવ પછી યૂ. પી.ના મુસલમાનોના ત્યાગ પર ભાર મૂકવાનું જરૂરી હતું. મુસાવિરે પણ કહ્યું કે ભાગલાથી યુક્ત પ્રાંતના મુસલમાનોને કંઈ નથી મળવાનું પરંતુ તેઓ મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતોના મુસલમાનોને હિન્દુઓના ગુલામ બનીને રહેવું પડે તેવું ઇચ્છતા નથી. યૂ. પી.ના મુસલમાનો પોતાનું બલિદાન આપતા હતા પણ એ જરૂરી બલિદાન હતું.

ભાગલા પછી શું?

મુસાવિર અલીએ ભાગલાનાં લાગણીને સ્પર્શતાં પાસાંઓની પણ ચર્ચા કરી. એમાંથી એ ખ્યાલ આવે છે કે ભાગલા ખરેખર પડ્યા તેની વ્યવસ્થાની કલ્પના મુસાવિરને નહોતી. એમણે કહ્યું કે અલગ ફેડરેશનો બનાવવાથી ધરતીકંપ નહીં આવે, જેથી જમીન વચ્ચે ફાટ પડી જાય અને સમુદ્રનાં પાણી એમાં ભરાઈ જાય. બધા પ્રાંતો ઊડીને ક્યાંક ચાલ્યા નહીં જાય. જેમ આજે પણ ફ્રન્ટિયર મેઇલથી યૂ. પી.થી પંજાબ જઈ શકાય છે તેમ ભાગલા પછી પણ જઈ શકાશે. આજે જેમ અલ્હાબાદથી કલકત્તા જઈ શકાય છે તેમ ભાગલા પછી પણ જઈ શકાશે. મુસાવિરે કહ્યું કે હિન્દુઓ શા માટે ભાગલાને શરીરના ટુકડા કરવા જેવું માને છે તે સમજાતું નથી.

વૈશ્વિક ઇસ્લામ કે બ્રિટિશ કૉમનવેલ્થ?

મુસાવિર અલી ખાને પાકિસ્તાનના સાર્વભૌમત્વ અંગે પણ ખુલાસો કર્યો. પાકિસ્તાન સાર્વભૌમ દેશ રહેશે કે વૈશ્વિક ઇસ્લામનું એક અંગ બની જશે? મહેમૂદાબાદના રાજા પાકિસ્તાનની રચનાને વૈશ્વિક ઇસ્લામને સુદૃઢ કરવાનું એક પગથિયું માનતા હતા પણ મુસાવિર અલી ખાન એમનાથી જુદા પડ્યા. એમણે કહ્યું કે પાકિસ્તાન પોતાનું સાર્વભૌમત્વ કદી બૃહદ મુસ્લિમ મોરચામાં ભેળવી નહીં દે; પાકિસ્તાન અલગ રાજ્ય તરીકે નહીં ટકી શકે અને વૈશ્વિક ઇસ્લામ સમક્ષ નમતું આપશે એવો હિન્દુઓનો પ્રચાર ખોટો છે. ઉદાહરણ આપતાં એમણે કહ્યું કે ઇરાન અને અફઘાનિસ્તાન બન્ને મુસ્લિમ દેશો છે પણ અફઘાનિસ્તાને કદી ઇરાન પર કબજો કરવાની વાત નથી કરી. મુસાવિરના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન આવા મોરચાને અધીન નહીં થાય, એને ક્યાંય પણ જોડાવું હશે તો એ બ્રિટિશ કૉમનવેલ્થ જ હશે. એમણે એ પણ શક્યતા દેખાડી કે હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધો પણ રહી શકે છે.

અછૂતિસ્તાન પણ બની શકે?

સવાલ એ પણ હતો કે જો મુસલમાનોને અલગ રાજ્ય આપવામાં આવે તો અછૂતો કે શીખો જેવી બીજી કોમોને શા માટે ન આપવું જોઈએ? મુસાવિર અલી ખાને એની વિરુદ્ધ એવી દલીલ કરી કે હિન્દુઓ અને અછૂતો વચ્ચેનો તફાવત હિન્દુઓ અને મુસલમાનો વચ્ચેના તફાવત જેટલો મોટો નહોતો. અછૂતો પોતે પણ આવો ભેદ અનુભવતા નહોતા એટલે જ એમણે એની માગણી નહોતી કરી. તે ઉપરાંત આ માગણી માની ન શકાય કારણ કે કોઈ પણ સ્થળે એમની વસ્તી એટલી નહોતી કે અલગ રાજ્ય બનાવી શકાય.

શીખો અલગ રાજ્ય માગી શકે તેમ હતા એટલે જ કદાચ મુસાવિરે એને સર્શ ન કર્યો. એમણે દાવો કર્યો કે શીખોએ પાકિસ્તાનમાં જોડાવું જોઈએ કારણ કે પાકિસ્તાનની વસ્તીમાં લઘુમતી તરીકે એમની ટકાવારી બહુ વધી જશે, જ્યારે હિન્દુઓની બહુમતી સામે એમની વસ્તી બહુ નાની બની રહેશે.

મુસાવિર અલી ખાનનું ભાષણ દેખાડે છે કે લીગ ઑફ નૅશન્સ દ્વારા પ્રચારમાં આવેલા શબ્દો અને વ્યાખ્યાઓ – રાષ્ટ્રો, ઉપરાષ્ટ્રો, બહુમતી, લઘુમતી વગેરે શબ્દાવલી અને મુસ્લિમ લીગની દલીલો અને તર્કો યૂ. પી.માં ગામેગામ પહોંચી ચૂક્યાં હતાં અને વપરાશમાં હતાં.

મુસાવિર અલી ખાનના સવિસ્તર ભાષણમાંથી ચાર બિંદુ ઊપસી આવે છે. એક તો. યુક્ત પ્રાંતના મુસલમાનોએ હિન્દુ બહુમતી વચ્ચે જ રહેવાનું હતું. જિન્નાએ, જો કે, યુક્ત પ્રાંતને જોડતો કોરિડોર બનાવાવાની મગણી કરી હતી પરંતુ યૂ.પી.ના મુસલમાનોએ માની લીધું હતું કે તેઓ પાકિસ્તાનમાં નહીં હોય. બીજું, પાકિસ્તાન, યુરોપના કોઈ પણ રાષ્ટ્ર જેવું સ્વાધીન, સાર્વભૌમ રાજ્ય હશે. ત્રીજું એ ઇસ્લામી રાજ્ય હશે. ચોથું, પાકિસ્તાન યુક્ત પ્રાંતના મુસલમાનોના ઝળહળતા બલિદાનના પરિપાક તરીકે રજૂ કરવામાં આવતું હતું.

લખનઉમાં પંજાબના નેતા શાહનવાઝ મામદોતનું ભાષણ

યુક્ત પ્રાંતની પાકિસ્તાન વિશેની કૉન્ફરન્સોમાં મુસ્લિમ બહુમતી પ્રાંતોના નેતાઓ પણ આવતા હતા. લખનઉમાં ૧૯૪૧ની ૨૯મી નવેમ્બરે એક કૉન્ફરન્સ મળી તેમાં પંજાબના અગ્રગણ્ય મુસ્લિમ નેતા શાહનવાઝ મામદોત આવ્યા. મામદોતના ભાષણને બરાબર સમજવાની જરૂર છે કારણ કે એમણે પાકિસ્તાનમાં સમાવવા માટેના પ્રદેશોની ચર્ચા કરી. લાહોર ઠરાવ પ્રમાણે યુક્ત પ્રાંતના સ્થાનિક લીગી નેતાઓ તો પંજાબના હિન્દુ પ્રાંતોને છોડવા તૈયાર હતા પરંતુ મામદોતે આખા પંજાબને પાકિસ્તાનમાં લેવાની હિમાયત કરી.

જો કે, મામદોતનો આ જાહેરમાં દેખાડવાનો ચહેરો હતો, ખાનગીમાં અંબાલા ડિવીઝન હિન્દુસ્તાનમાં જાય તેમાં એમને વાંધો નહોતો કારણ કે અંબાલા આર્થિક રીતે એમને પરવડે તેમ નહોતું. વળી, અંબાલા જાય તો મુસલમાનોની વસ્તીની ટકાવારી પણ વધતી હતી.મામદદોતે કહ્યું કે હિન્દુસ્તાન અને પાકિસ્તાનની સ્વાભાવિક સરહદ યમુના નદી હતી કારણ કે ૧૨૦૦ વર્ષથી મુસલમાનો ત્યાં રહેતા હતા અને આજે પણ ત્યાંની વસ્તીમાં ૮૦ ટકા મુસલમાન હતા.

લાહોર ઠરાવમાં તો બ્રિટિશ ઇંડિયાના બન્ને છેડે મુસ્લિમ બહુમતીના ઝોન બનાવવાની માગણી કરી હતી, પરંતુ મામદોતે પાકિસ્તાનનું પ્રાદેશિક વિવરણ આપ્યું તેમાં બંગાળની તો ચર્ચા પણ ન કરી.

મામદોતે દાવો કર્યો કે પાકિસ્તાન કદી પણ હિન્દુસ્તાનનો ભાગ નહોતું; કમનસીબે ૧૮૫૭માં મુસલમાનો અંગ્રેજો સામે હાર્યા કારણ કે એમના નેતાઓમાં રાજકીય દૃષ્ટિ નહોતી. આમ તેઓ પોતાનું કોમી વતન પણ ન બચાવી શક્યા. અંગ્રેજોએ પોતાના સ્વાર્થ ખાતર હિન્દુસ્તાન અને પાકિસ્તાન અલગ છે એ ઐતિહસિક સત્યને ગણકાર્યું નહીં. ૧૯૩૨ની ગોળમેજી પરિષદ સુધી આ વલણ ચાલુ રહ્યું અને એમાં ઇંડિયન ફેડરેશનના વિચારનો જન્મ થયો.

મામદોતે સમજાવ્યું કે છેક ૧૯૩૫માં ગવર્નમેન્ટ ઑફ ઇંડિયા ઍક્ટ બન્યો ત્યારે અંગ્રેજોની પોલિસીની ખરી અસર દેખાઈ. આ ઍક્ટ હિન્દુઓ અને બ્રિટિશરોની સંતલસથી બન્યો હતો. એમાં એ પ્રાંતોમાં મુસ્લિમોની લઘુમતી હોય ત્યાં એમને વધારે અધિકારો અપાયા. પરિણામ એ આવ્યું કે પંજાબમાં હિન્દુ-શીખ લઘુમતીને પણ એ લાભ મળ્યો. યુક્ત પ્રાંતના મુસ્લિમોને તો કંઈ લાભ ન થયો પણ પંજાબમાં મુસ્લિમોની વસ્તી ૫૭ ટકા હતી તે આને કારણે ઘટીને ૫૧ ટકા રહી ગઈ.

મામદોતે પણ કહ્યું કે હિન્દુ અને મુસલમાન બે અલગ કોમ છે અને પાકિસ્તાન ઇસ્લામી રાજ્ય બનશે.

પાકિસ્તાનઃ યૂ. પી.માં વાદવિવાદ

યુક્ત પ્રાંતના રાજકીય તખ્તા પર પાકિસ્તાનના સમર્થકો અને વિરોધીઓની મીટિંગો મહત્ત્વનું લક્ષણ રહ્યું. પરિણામે પાકિસ્તાનનો મુદ્દો છેક આમ આદમી સુધી પહોંચ્યો. એક રિપોર્ટ પ્રમાણે ૧૯મી ઍપ્રિલ ૧૯૪૦ના ઉજવાયેલા ‘પાકિસ્તાન દિન’ને કારણે “લોકોમાં ભારે ગરમી આવી.” ઠેર ઠેર લીગે મીટીંગો યોજી. ૧૯૪૧માં અલ્હાબાદમાં પાકિસ્તાન દિન મનાવાયો તેમાં શહેરની લીગના પ્રમુખ મુફ્તી ફખરુલ ઇસ્લામે કહ્યું કે પાકિસ્તાન બનતાં હિન્દુઓએ ગુજારેલા જુલમોનો હવે મુસલમાનો પોતાના અંકુશ હેઠળની હિન્દુ લઘુમતીઓ પર બદલો લઈ શકશે. દહેરાદૂનમાં રાજ્યની મુસ્લિમ લીગના પ્રમુખ બહાદુર યાર જંગ હૈદરાબાદીએ હિન્દુસ્તાનમાં મુસ્લિમ વસ્તીને જર્મનીના યહૂદીઓ સાથે સરખાવી અને કહ્યું કે “પાકિસ્તાનની યોજનાને મંજૂરી આપવી એ જ આવી હાલતને ટાળવાનો એકમાત્ર રસ્તો છે.” બીજા એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ”બનારસમાં પાકિસ્તાનનો પ્રદેશ અંકિત કરેલો હોય તેવો ભારતનો નક્શો અને ‘પાકિસ્તાન ઝિંદાબાદ, મુસ્લિમ લીગ ઝિંદાબાદ’ છાપેલાં હોય એવાં નાનાં કાર્ડ લેબલો જોવા મળે છે.”

અલ્હાબાદમાં લીગની કૉન્ફરન્સ

આવી નાનીમોટી મીટિંગો ઉપરાંત ૧૯૪૨માં અલ્હાબાદમાં લીગની વાર્ષિક બેઠક મળી. જિન્ના આ કૉન્ફરન્સમાં આકર્ષણનું કેન્દ્ર હતા. ‘ઑફિસ ઑફ સ્ટ્રૅટેજિક સર્વિસીઝ’નો રિપોર્ટ આ માહિતી આપે છેઃ ઍપ્રિલ ૩, ૧૯૪૨ના રોજ જિન્ના અલ્હાબાદમાં પ્રવેશ્યા. ખાસ શણગારેલી ટ્રકમાં એમની સાથે જમીનદારો બેઠા હતા અને શહેરના જાહેર માર્ગો પરથી એમનું સરઘસ પસાર થયું ત્યારે લોકોએ એમનું ભવ્ય સ્વાગત કર્યું. ૧૧૦ કમાનો નીચેથી સરઘસ પસાર થયું. દરેક કમાનને હિન્દુસ્તાનના મુસ્લિમ ઇતિહાસની કોઈ મહત્ત્વની વ્યક્તિનું નામ અપાયું હતું. પહેલી કમાનને ભારતના પહેલા મુસ્લિમ સુલતાનનું નામ અપાયું હતું અને છેલ્લી કમાનનું નામ હતું મહંમદ અલી જિન્ના. એમણે, ટ્રકમાંથી ઊતરીને મુસલમાનોમાં સૌથી ગરીબ, એવા મોમીનો સમક્ષ ભાષણ કર્યું અને મોમીનો અને લીગ વચ્ચે પરસ્પર વફાદારીની વાત કરી. એમના માનમાં ભાષણો થયાં. એક વક્તાએ એમને પયગંબર અને આસાર સંતો સાથે સરખાવ્યા. લીગની મીટિંગોમાં ઝાકઝમાળ બહુ હોય છે. મિ. જિન્ના થોડું કાચીપાકી ઉર્દુમાં અને ઘણું ખરું અંગ્રેજીમાં બોલ્યા – પણ એટલામાં જ માણસો આવેશમાં આઅવી જાઅય છે. જિન્ના પોતાને બહુ મહત્ત્વના માને છે અને લોકો સાથે એમનું વર્તન છે તે જોઈને એમના અનુયાયી ન હોય તેવા લોકોએમને ‘સાયકોપૅથિક’ માની શકે છે.અનુયાયીઓ તરફનું એમનું વલણ હિટલર કરતાં જુદું નથી અને તેઓ પાકિસ્તાનનો ઉપદેશ આપે છે તેની ઢબ પણ હિટલર નૅશનલ સોશ્યલિઝમ માટે હાકલ કરતો હોય તેનાથી જુદી નથી.

જિન્ના માટે ગર્વથી બોલવાનો આ વખત હતો. ક્રિપ્સ મિશને આડકતરી રીતે પાકિસ્તાનનો સ્વીકાર કર્યો હતો. એ વખતે પોતે શું કર્યું તે એમણે કહી સંભળાવ્યું. લાહોર ઠરાવ પછી આ પહેલી વાર યુક્ત પ્રાંતની મુસ્લિમ લીગે એમને અનર્ગળ ટેકો આપ્યો હતો, તે એટલી હદ સુધી કે સ્થાનિકે કોઈ અસંમતિ હોય તે દબાઈ જાય.

પાકિસ્તાનનો વિરોધ

યૂ. પી.માં જમિયત-ઉલ ઉલેમા-એ-હિન્દ મુસ્લિમ લીગ માટે મોટા પડકાર રૂપ હતી. જમિયતે કોંગ્રેસના સમર્થક મુસલમાનોનું સંગઠન ‘આઝાદ મુસ્લિમ કૉન્ફરન્સ’ બનાવ્યું હતું. લાહોર ઠરાવ પછી એની પહેલી બેઠક દિલ્હીમાં મળી જેમાં પચાસ હજાર લોકોએ ભગ લીધો. આમ લાહોરની લીગની કૉન્ફરન્સા જેટલી જ હાજરી હતી. એના એક નેતા અને સિંધના મુખ્ય પ્રધાન અલ્લાહ બખ્શે પાકિસ્તાન સ્કીમની આકરી ટીકા કરી. એમણે કહ્યું કે એમના સિંધ પ્રાંત, વાયવ્ય સરહદ પ્રાંત (જ્યાં લીગનું નામ પણ નહોતું) અને બલૂચિસ્તાનને કાઢી નાખો તો માત્ર કૅમ્પબેલપુર અને લાહોર વચ્ચેનું ટચૂકડું પાકિસ્તાન બચે છે જેની પાસે નાણાકીય સાધનો નહીં હોય અને એ ભારતનું એક મોટું રાજ્ય બનીને રહી જશે. અલ્લહ બખ્શના મતે એક બહુ જ ગંભીર સમસ્યાનો સમજણપૂર્વક ઉકેલ લાવવાની શક્યતાને પાકિસ્તાનની અધકચરી છીછરી યોજનાએ મારી નાખી છે.

જમિયતના મુફ્તી કિફાયતુલ્લાહે લાહોર ઠરાવના જવાબમાં એક ઠરાવ રજૂ કર્યો જેમાં કહ્યું હતું કે “ભારત એની ભૌગોલિક અને રાજકીય સરહદોને કારણે અવિભાજ્ય છે અને જાત કે ધર્મના ભેદભાવ વિના સૌનું માદરે વતન છે. દેશના ખૂણે ખૂણે મુસલમાનો વસે છે અને એમનાં ધાર્મિક અને સાંસ્કૃતિક સ્મારકો છે, જેમને મુસલમાનો પ્રાણથી પણ અધિક વહાલાં માને છે. રાષ્ટ્ર તરીકે દરેક મુસલમાન ભારતીય છે”

યૂ. પી.માં હિન્દુ સભા, આર્ય સમાજ અને આર. એસ. એસ. પણ પાકિસ્તાનનો વિરોધ કરનારાં ગ્રુપ હતાં. તે ઉપરાંત શીખો પણ વિરોધ કરતા હતા. હિન્દુ સભાએ ૧૯૪૦ના ઍપ્રિલના અંતભાગમાં ‘પાકિસ્તાન વિરોધી દિન’ મનાવ્યો. એમાં કાનપુરમાં યોજાયેલી કૉન્ફરન્સમાં શીખોએ મોટે પાયે ભાગ લીધો. લખનઉની કૉન્ફરન્સમાં માસ્ટર તારાસિંહે ગર્જના કરી કે મુસ્લિમ લીગ પાકિસ્તાન લેવા માગતી હોય તો એણે શીખોના લોહીના સમુદ્રને ઓળંગીને જવું પડશે!

૧૯૪૦ના જૂનમાં લીગના ગઢ અલીગઢમાં યુક્ત પ્રાંતના શીખોનું સંમેલન મળ્યું હિન્દુ સભાના પૅટ્રન લાલા પદમપત સિંઘાનિયાએ એના માટે અઢી હજાર રૂપિયા આપ્યા હતા. તારા સિંઘના પ્રમુખપદે મળેલી આ પરિષદમાં શીખો હકડેઠઠ એકઠા થયા. એક રિપોર્ટ પ્રમાણે રાજપૂતો, આહિરો, જાટો, કાયસ્થો અને અછૂતોમાંથી બનેલા નવા શીખો લગભગ ૨૩,૦૦૦ હતા.

તારા સિંઘે ચેતવણી આપી કે મુસલમાનો ભારતના ટુકડા કરવાની કોશિશ કરશે તો હિન્દુઓ અને શીખો મુસ્લિમ શાસનમાં સલામત નહીં રહી શકે. એમણે ગાંધીજીની અહિંસાની વાતોને દમ વગરની ગણાવી અને કહ્યું કે શીખો હથિયાર વાપરતાં અચકાશે નહીં.

સામે પક્ષે મુસ્લિમ લીગે મુસલમાનોનાં સ્વબચાવ જૂથો બનાવવાનું શરૂ કર્યું. એક રિપોર્ટ પ્રમાણે બનારસના મુસલમાનો કસાઈઓને મોટા પાયે સ્વબચાવ જૂથોમાં લેવા માગતા હતા કારાણ કે કસાઈઓને લાયસન્સ વિના જ લાંબા છરા રાખવાની છૂટ હતી! આના પગલે મુસ્લિમ લીગ નૅશનલ ગાર્ડની પણ રચના કરવામાં આવી.

લીગે યૂ. પી.માં કોંગ્રેસ વિરોધી અછૂતોને પણ પોતાના પક્ષમાં લેવાની કોશિશ કરી. સ્વામી કલજુગાનંદે ‘અછૂતિસ્તાન’ બનાવવાની માગણીને ટેકો આપવા મુસ્લિમ લીગને અપીલ કરી. બીજી બાજુ કમ્યુનિસ્ટ પાર્ટીએ સ્તાલિનના રાષ્ટ્રીય કોમોના આત્મનિર્ણયના અધિકારના સિદ્ધાંતનો આધાર લઈને પાકિસ્તાનની માગણીને ટેકો આપ્યો. પક્ષના કેન્દ્રીય નેતાઓએ જિલ્લા સ્તરના નેતાઓને પાકિસ્તાન દિનની ઊજવણીમાં ભાગ લેવાનો આદેશ આપ્યો. પરિણામે કમ્યુનિસ્ટો લીગના પ્લેટફૉર્મ પરથી મુસલમાનોના આત્મનિર્ણયના અધિકારની તરફેણમાં ભાષણો કરવા લાગ્યા.

આ સ્થિતિમાં આઝાદ મુસ્લિમ કૉન્ફરન્સ બન્ને બાજુથી ભીંસમાં આવી ગઈ. ઈટાવામાં ૧૯૪૦ની ૯-૧૦ ઑગસ્ટે એનું સંએલન મળ્યું. પોલીસના રિપોર્ટ પ્રમાણે એમાં હાજર રહેનારાઓમાં મોટા ભાગના હિન્દુઓ હતા.

પાકિસ્તાન કંઈ નહીં તો યૂ. પી.માં ઘરઘરનો વિષય બની ગયું હતું. મામદોત અને લિયાકત જેવા નેતાઓ સ્પષ્ટપણે યૂ. પી.ને હિન્દુસ્તાનનો ભાગ માનતા હતા પણ પાકિસ્તાનનો આકાર યૂ. પી. જ ઘડતું હતું.

પરંતુ યૂ. પી.ની પાકિસ્તાન માટેની સક્રિયતાની કથા લાંબી છે. તો બુધવારે મળીએ, વેંકટ ધૂલિપાલાના પુસ્તકની આ શ્રેણીના ૧૨મા અંક સાથે…

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _ :

%d bloggers like this: