ઇરાનનાં નૉબેલ શાંતિ પુરસ્કાર વિજેતા શિરીન એબાદી[1][i]ના જીવનની આ હૃદયદ્રાવક કથા છે. ધર્માંધ રાજસત્તાઓ વ્યક્તિના જીવનને શી રીતે છિન્નભિન્ન કરી નાખે છે તેનું આ ઉદાહરણ છે. આ ઘટના શિરીન એબાદીના એમના બાળપણ કે યુવાનીની છે. આ ૨૦૦૯ની ઘટના છે; એમને શાંતિ માટેનો નૉબેલ પુરસ્કાર મળ્યો તેનાં છ વર્ષ પછી, એમની ઉંમરના ૬૨મા પગથિયે આ ઘટના બની છે, તે એટલું જ દેખાડે છે કે નિરંકુશ સર્વસત્તાવાદી શક્તિઓ ધર્મ, રાષ્ટ્ર, જાતિ કે એવા કોઈ પણ મખમલી નામે વ્યક્તિગત જીવનને બરબાદ કરી નાખતાં અચકાતી નથી.
શિરીન એબાદી ૧૯૭૫થી ઇરાનના ન્યાય વિભાગમાં જુદાં જુદાં પદો પર રહ્યાં. ઇરાનના ઇતિહાસમાં જજ બનનારાં તેઓ પ્રથમ મહિલા છે. ફેબ્રુઆરી ૧૯૭૯માં ઇસ્લામિક ક્રાન્તિનો વિજય થયો. ઇસ્લામમાં સ્ત્રીઓ ન્યાય આપવાનું કામ ન કરી શકે એવી માન્યતા છે એટલે એમને બરતરફ કરવામાં આવ્યાં, અને એ જ કોર્ટમાં ક્લાર્કનું કામ સોંપવામાં આવ્યું. એબાદી અને બીજી મહિલા જજોએ એની સામે વાંધો લેતાં સત્તાવાળાઓએ બધી મહિલાઓને પ્રમોશન આપીને ન્યાય વિભાગમાં ‘એક્સપર્ટ’ તરીકે જવાબદારી સોંપી. આ માત્ર નામનું પદ હતું. એમણે વકીલાત કરવા માટે મંજૂરી માગી પણ એમની અરજી રદ કરવામાં આવી. છેક ૧૯૯૨માં એમને મંજૂરી આપવામાં આવી. તે પછી એમણે બાળકો અને સ્ત્રીઓના શારીરિક અને અન્ય બધા પ્રકારના શોષણના કેસો લઈને નામના મેળવી. ૨૦૦૩માં એમને નૉબેલ પુરસ્કાર મળતાં આંતરરાષ્ટ્રીય સ્તરે એમના કામને માન્યતા મળી. સત્તાવાળાઓને આ ખૂંચ્યું અને એમણે ભયંકર બદલો લીધો. આ કથા રાજ્ય વ્યક્તિ સામે બદલો લે ત્યારે શું થાય છે તેનું ઘોર નિષ્ઠુર ઉદાહરણ છે. આગળ વાંચીએઃ
એબાદી કહે છે કે “ઑગસ્ટ, ૨૦૦૯માં મને મારા પતિ અને દેશ, બન્નેએ દગો દીધો.” એનાથી થોડા જ મહિના પહેલાં તેઓ રજામાં નાની દીકરી નરગિસ સાથે પોતાની મોટી દીકરી નિગારને મળવા માટે ઍટલાન્ટા ગયાં. સામાન્ય રીતે પતિ જાવેદ સાથે અઠવડિયામાં બે-ત્રણ વાર વાત થતી. સત્તાવાળાઓથી ખાનગી રાખવા માટે જાવેદે કોઈ બીજાના નામે સિમ કાર્ડ મેળવી લીધું હતું.
શિરીન એબાદી પતિને સોમવારે નિયત સમયે ફોન કરતાં પણ તે દિવસે જાવેદનો ફોન લાગ્યો જ નહીં. એમને ખાસ કંઈ ન લાગ્યું; કદાચ લાંબી રજા હોય અને જાવેદ ગામના ઘરે ગયો હોય; ગામમાં આમ પણ નેટવર્કની તકલીફ રહેતી. પણ તેનેય ઘણા દિવસ થઈ ગયા એટલે ચિંતા થઈ. એમણે પોતાની બહેન નૌશીનને ફોન કર્યો અને એને ઘરે જઈને જાવેદના સમાચાર મેળવવા કહ્યું.
નૌશીન શિરીનને ઘરે ગઈ અને દરવાજો ખખડાવ્યો, પણ જવાબ ન મળતાં એને લાગ્યું કે ઘરમાં કોઈ નથી. આમ છતાં, એણે છેલ્લો પ્રયાસ કરી જોવા ફરી દરવાજો ખખડવ્યો ત્યારે જાવેદ બહાર આવ્યો. એણે કહ્યું કે એ લાંબો પ્રવાસ કરીને આવ્યો છે અને તબીયત સારી નથી એટલે સૂવા જાય છે.
બીજા દિવસે જાવેદે પત્નીને ફોન કર્યો ત્યારે એનો અવાજ કાંપતો હતો. એણે કહ્યું: “શિરીન, તું મને માફ કરી શકીશ?” એનો શ્વાસ ઝડપથી ચાલતો હતો.
“જાવેદ, શું થયું…? તું રડે છે?”
“પહેલાં કહે કે મને માફ કરી દઈશ” જાવેદના અવાજમાં અધીરાઈ હતી.
“પહેલાં કહે તો ખરો, શું થયું?”
જાવેદના મોઢામાંથી જાણે શબ્દો નીકળતા નહોતા. ચોંત્રીસ વર્ષના ઘરસંસારમાં શિરીન માટે પહેલી વાર આઘાતની ઘડીઓ આવી હતી. જાવેદના શબ્દોમાં એને બહુ “એકલું અને ખાલી ખાલી” લાગતું હતું. એક વાર સાંજે મિસ જાફરી, એની એક જૂની મિત્રે એને પોતાને ઘરે નોતર્યો. જાવેદ ત્યાં હતો ત્યારે બન્નેની એક મિત્ર મેહરી પણ ટપકી પડી. જાવેદ અને મેહરી વચ્ચે પહેલાં પણ પ્રેમસંબંધો હતા, પરંતુ વર્ષોથી એમના વચ્ચે કંઈ સંબંધ નહોતા રહ્યા.
બન્નેને સાથે જોઈને મિસ જાફરીને લાગ્યું કે બન્ને વચ્ચે ફરી જૂના સંબંધો તાજા થવા જોઈએ. એ જાવેદ અને મેહરીને જામ પર જામ પિવડાવતી રહી. અને કહેતી રહી કે એની પત્ની હવે નથી અને એ એક્લો છે, કોઈ સાથી જોઈએ, જે એને લાગણીની હૂંફ આપે. જાફરી તે પછી જાવેદ અને મેહરીને પોતાના ઘરમાં છોડીને કામનું બહાનું આપીને બહાર નીકળી ગઈ. તે પછી મેહરીએ જાવેદને પોતાની કામૂકતાથી તરબોળ કરી દીધો. જાવેદ પોતાનો કાબૂ ખોઈ ચૂક્યો હતો.
બન્ને બેડમાં પહોંચ્યાં અને થોડી વારે બીજા બેડરૂમનો દરવાજો ખૂલ્યો! એમાંથી ગુપ્તચર વિભાગનો એક માણસ નીકળ્યો. જાવેદ એને વર્ષોથી ઓળખતો હતો. એણે જાવેદ અને મેહરી વચ્ચેની વાતચીતનું રેકૉર્ડિંગ કરી લીધું હતું. એણે જાવેદને કપડાં પહેરી લેવા કહ્યું. થોડી જ વારમાં આખું ઘર જાસૂસી એજન્ટોથી ભરાઈ ગયું. એમણે જાવેદને બેડીઓ પહેરાવી દીધી. આંખે પાટા બાંધ્યા અને ધક્કા મારતાં દાદરેથી નીચે ઉતાર્યો. નીચે એક કાર તૈયાર હતી એમાં નાખીને કોઈ અજાણ્યા સ્થળે લઈ ગયા.
શિરીને ગુસ્સો દબાવીને પૂછ્યું કે પેલી સ્ત્રીનું શું થયું? એમને મેહરીનું નામ લેવાની ઇચ્છા ન થઈ. જાવેદને એટલી જ ખબર હતી કે એજન્ટોએ મેહરીની ધરપકડ નહોતી કરી. જાવેદને સમજાવા લાગ્યું હતું કે જાફરીએ એને ફસાવ્યો હતો અને મેહરી પણ ઓચીંતી જ નહોતી આવી, એ્ય સરકારી એજન્ટોની સાગરિત હતી.
જાવેદને એવિન જેલમાં લઈ ગયા. શિરીન એબાદી પોતે પણ નવ વર્ષ પહેલાં પોતાના અસીલોને મળવા આવતાં અને “જનતાના અભિપ્રાયને ડહોળાવવા”ના આરોપસર એમણે પોતે પણ અહીં જ પચીસ દિવસની સજા ભોગવી હતી.
જાવેદ દારુ પીતાં પકડાયો હતો એટલે એની ખુલ્લી પીઠ પર કોરડા મારવામાં આવ્યા. નિયમ પ્રમાણે કોરડા મારનારે બગલમાં કુરાન રાખવું જોઈએ કે જેથી હાથ બહુ ખૂલે નહીં અને માર હળવો પડી જાય. આ નિયમનું પાલન થયું હતું? તે પછી એને બે દિવસ એકલો એક સેલમાં ફેંકી દેવાયો.
ત્રીજા દિવસે બે જેલ ગાર્ડ આવ્યા, જાવેદની આંખે પાટા બાંધ્યા અને એને કોઈ કોર્ટરૂમ જેવી જગ્યાએ લઈ ગયા. ત્યાં એક લાકડાનું ડેસ્ક હતું, એની પાછળ એક દાઢીવાળો મૌલવી બેઠો હતો. એ જજ હતો. એણે જાવેદને કહ્યું કે એણે આખી ફિલ્મ જોઈ હતી અને જાવેદ એને ખોટી ગણાવી શકે તેમ નહોતું. એટલે ઇસ્લામિક પીનલ કોડની કલમ ૨૨૫ પ્રમાણે પથ્થરોથી મારી નાખવાની સજા કરવામાં આવી. જાવેદે વકીલની માગણી કરી તો જજે કહી દીધું કે કેસ આખો સ્પષ્ટ છે એટલે વકીલ શું કરવાનો હતો? બે દિવસ પછી એને મૃત્યુદંડ આપી દેવાના હતા. જજે એને જીવનના બાકી રહેલા બે દિવસ અલ્લાહને યાદ કરવામાં ગાળવાની પણ સલાહ આપી. આખો કેસ વીસ મિનિટમાં પૂરો થઈ ગયો. ઇરાની જજો ભાગ્યે જ પથ્થરોથી મારી નાખવાની સજા કરતા હોય છે, એટલે એમની નજરે બહુ મોટો અપરાધ થઈ ગયો હતો.
જાવેદને એના સેલમાં લઈ ગયા તે પછી એક જાસૂસ એને મળવા આવ્યો ત્યારે સજાનો આખો હેતુ સ્પષ્ટ થઈ ગયો. “હવે એબાદીને પોતાનાં કરતૂતોની સજા મળશે.” આમ શિરીન એબાદીને સજા કરવા માટે એમના પતિની કાનૂનના નામે હત્યા કરવાનો માર્ગ લેવાયો હતો. જાસૂસી એજન્ટે કહ્યું: “મેં એને કેટલીયે વાર કહ્યું કે મોઢું બંધ રાખ, પણ એ ન જ માની.”
જાવેદને કદી પત્નીની પ્રવૃત્તિઓમાં રસ નહોતો. એણે સવાલ કર્યોઃ “મારી પત્નીને કારણે મને શા માટે સજા કરો છો? મારી પત્નીને કારણે તમે મને ઇસ્લામને નામે રંઝાડો છો.”
ઇસ્લામ શબ્દ સાંભળતાં જ એજન્ટ ભડક્યો. જાવેદ પર મુક્કા અને લાતોનો વરસાદ વરસ્યો. એજન્ટે કહ્યું, “તારા મોઢામાંથી ‘ઇસ્લામ’ શબ્દ ફરી કાઢજે નહીં”. જાવેદની લાગ્યું કે કાકલૂદીઓ કે વાંધાઓની એજન્ટ પર અસર નહીં થાય ત્યારે એણે પૂછ્યું, “તમને લોકોને શું જોઇએ છે…”
એજન્ટનો ઊપરી પહેલી વાર જ બોલ્યો. “હજી પણ તું તારી પત્નીનો બચાવ કરતો હોય તો એનો અર્થ એ કે તું એનો સાથી છે. તો તને એની સજા મળવી જ જોઈએ. તારી પત્નીને ટેકો ન આપતો હો, તો અમને સાબિતી આપ.”
બસ, જાવેદે કૅમેરા સામે એક સ્ટેટમેન્ટ વાંચવાનું હતું – “શિરીન એબાદી નૉબેલ પુરસ્કારને લાયક નહોતી. એ ઇસ્લામિક પ્રજાસત્તાકને ઉથલાવી પાડી શકે એટલા માટે એને નૉબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું. એ પશ્ચિમની અને ખાસ કરીને અમેરિકાની સમર્થક છે. એ ઇરાનીઓને નહીં પણ ઇરાનને નબળું પાડવા માગતા વિદેશી સામ્રાજ્યવાદીઓને મદદ કરે છે.”
જાવેદ તરત તૈયાર થઈ ગયો. બીજા દિવસે એણે શેવ કરી, નહાયો અને રૂમ જેવા દેખાતા સેટમાં એક આરામખુરશીમાં ગોઠવાયો. પાસે નાનું ટેબલ હતું, એમાં પ્લાસ્ટિકનાં ફૂલો સજાવેલાં હતાં. અને એણે પત્ની વિરુદ્ધનું નિવેદન બોલી નાખ્યું.
આના પછી જાવેદે પોતે જ ફોન કરીને શિરીનને આ સમાચાર આપ્યા. શિરીન માની ન શક્યાં કે જાવેદ આમ કરી શકે. પરંતુ જાવેદે તે પછી જે કહ્યું તે એમના માટે વધારે આઘાતજનક હતું. પરસ્ત્રીગમન માટે પથ્થરમારાની સજામાંથી બચવા માટે એણે મેહરી સાથે લગ્ન કરવાં પડ્યાં. મૌલવી પાંચ વર્ષ જૂની તારીખે બન્નેએ હંગામી લગ્ન (સિગેહ અથવા મુતાહ) કર્યાં છે એવું સર્ટીફિકેટ લઈ આવ્યો!
જાવેદ ફોન પર શિરીન એબાદીની પ્રતિક્રિયા જાણવા આતુર હતો. પણ શિરીન, શાંતિ માટેના નૉબેલ પારિતોષિકથી વિભૂષિત મહિલા શું બોલે?
એમના મનમાં ક્રોધ અને અપરાધબોધનો મિશ્ર લાવા ધધકતો હતો… જાવેદે એમને શું દગો નહોતો આપ્યો? બીજી બાજુ એમને થતું હતું કે પત્ની અને પુત્રીઓથી દૂર, કદી ન મળવાની લાચારીમાં સપડાયેલો, એકલોઅટૂલો જાવેદ પણ શું કરી શકે? શિરીન એબાદીને વિચાર આવ્યો કે જાવેદને કહી દઉં, તું એકલો નથી…
એક અઠવાડિયા પછી જાવેદ સિગેહનું સર્ટીફિકેટ લઈને ફરી એવિન જેલ પહોંચ્યો. ત્યાં મામૂલી દંડ ભર્યો અને મુક્ત થઈ ગયો.
શું જાવેદ ખરેખર મુક્ત થઈ ગયો?
૦-૦-૦-૦
સંદર્ભઃ
“Shirin Ebadi – Biographical”. Nobelprize.org. Nobel Media AB 2014. Web. 14 Mar 2016.
Tricked Into Cheating and Sentenced to Death
૦-૦-૦-૦
Shirin Ebadi: Iran Awakening: Human Rights Women and Islam –
યુનિવર્સિટી ઑફ શૅન ડીએગોની જૉન બી. ક્રીક ઈન્સ્ટિટ્યૂટ ફૉર પીસ એન્ડ જસ્ટિસના ઉપક્રમે યોજાયેલ આ વક્તવ્યમાં શિરિન એબાદીનું ભારપૂર્વક કહેવું છે કે શિક્ષણનો પ્રસાર મધ્ય પૂર્વ એશિયામાં શાંતિ લાવવામાં તેમ જ નારી જાતિને સહન કરવો પડતો જાતિભેદ દૂર કરવામાં બહુ જ અસરકારક ભૂમિકા ભજવી શકે છે.
એક વાત : થોડી અસ્થાને ગણાશે પણ કહેવાની લાલચ રોકી શકતો નથી , માટે . .
[ હમણાં જ ઈરાન’ની સામાજિક / રાજકીય અને ધાર્મિક માન્યતાઓ અને પરિસ્થિતિઓ’ને જૈસે થે’નાં અંદાજ’માં જ બેઠી રજૂઆત કરતુ મુવી ‘ ટેક્ષી ‘ જોયું કે જે ત્યાંના નામાંકિત ડિરેક્ટર એવા જાફર પનાહી’એ ચુપકે’થી આઈફોન’થી રેકોર્ડ કરીને બનાવેલું છે કેમકે ત્યાં હવે તેમના પર ફિલ્મો બનાવવા પર કડક પ્રતિબંધ લાદી દેવાયેલો છે ! ઈરાન’માં ક્રાંતિ’નું સુત્રધાર બની શકે અને આવનારા સમયમાં તેને જીવંત પણ રાખી શકે તેવું ખુબ જ મોભાદાર સ્થાન ધરાવે છે ‘ ઈરાનીયન સિનેમા ‘ ]
શિરીન બાનું’ની અજાણી અને ઝકઝોળી મુકે તેવી દાસ્તાન વહેંચવા બદલ આભાર .
આભાર. આમાં અસ્થાને જેવું કંઈ નથી. જે કારણસર શિરિન એબાદીને સહન કરવું પદ્યું છે તે જ કારણે ‘ટૅક્સી’ના ડિરેક્તરને પણ સહન કરવું પદ્યું છે. એબાદીની કથા અને તમે જે વાત કહી છે તે એક જ વ્યથાકથાની કડીઓ છે.
ઈરાનનો સિનેમા ઉદ્યોગ કથાવસ્તુ અને નિરૂપણની દૃષ્ટિએ બહુ સમૃદ્ધ છે.
Children of Heaven ન જોઈ હોય તો જરૂર જોશો.
આ વેબસાઇટ પણ જોવા વિનંતિ છે. http://www.screenjunkies.com/movies/movie-lists/10-best-iranian-movies-with-english-subtitles
આભાર દિપક સર . . મારી પાસે કેટલીક ઈરાનીયન મુવીઝ છે ( The Colour of Paradise , Where is the Friend’s Home? , The White Balloon , Offside , Through the Olive Trees , Taste of Cherry ) કે જેમાં ‘ ચિલ્ડ્રન ઓફ હેવન ‘ પણ છે કે જે હજુ જોવા પમાયું નથી !