Creating a New Medina: State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India – Venkat Dhulipala (10)

Creating a new medina 1venkat-dhulipala - 1

Creating a New Medina : State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India (English)
1st Edition ǁ October 2014 ǁ List Price: Rs. 995
Publisher: Cambridge University Press ǁ ISBN-13: 9781107052123

જિન્નાનો પત્ર મળ્યા પછી મહેમૂદાબાદના રાજાના વલણમાં જબ્બર પરિવર્તન આવી ગયું. એમણે તે પછી પાકિસ્તાન વિશે અજોડ કહી શકાય તેવી ઝુંબેશ શરૂ કરી. આપણે ગયા અંકમાં એ જોઈ લીધું કે પાકિસ્તાન માટેનો ઠરાવ પસાર થયો તે લાહોર કૉન્ફરન્સમાં તો એ હાજર નહોતા રહ્યા પણ મુંબઈમાં પ્રાંતિક લીગની કૉન્ફરન્સમાં એમણે લાહોર કૉન્ફરન્સને ‘ઐતિહાસિક’ ગણાવી. એમણે કહ્યું કે મુસલમાનોના ઇતિહાસમાં આવી ઘટના આ પહેલાં બની નથી. રાજાએ કહ્યું કે મુસલમાનોનું લક્ષ્ય હવે સ્વરાજ કે ડોમિનિયન સ્ટેટસ નહીં પણ આત્મનિર્ણયનો અધિકાર છે. “પાકિસ્તાન એક લૅબોરેટરી બનશે જેમાં આપણે શાંતિથી પહેલાં કદી ન થયો હોય તેવો બહુ મોટો – ઇસ્લામની સરકારની પુનઃસ્થાપનાનો – આજ સુધીનો સૌથી મોટો પ્રયોગ કરશું.” એમણે આના પર ભાર મૂકવા શ્રોતાઓને કહ્યું, “મારા શબ્દો પર ધ્યાન આપજો. હું કહું છું, ઇસ્લામી રાજ્ય, મુસ્લિમ રાજ્ય નહીં, એ જ આપણો આદર્શ છે.”

મદીના પછી…

રાજા મહેમૂદાબાદ માટે આ મહત્ત્વનો તફાવત હતો. પહેલું ઇસ્લામી રાજ્ય પયગંબરના નેતૃત્વમાં મદીનામાં બન્યું, તેના પછી ઇસ્લામના ઇતિહાસમાં આ પહેલી વાર ૧૩૦૦ વર્ષ પછી ઇસ્લામી રાજ્ય બનાવવાનો પ્રયાસ થતો હતો. રાજાએ કહ્યું, આ રાજ્યમાં ઇસ્લામના અપરિવર્તનીય નિયમો લાગુ કરાશે. કેટલાક કાયદા તો ઇસ્લામમાં છે જ; દાખલા તરીકે, દારુબંધી, વ્યાજવટું, ઝકાતની વસુલાત વગેરે કાયદા ફરી લાગુ નહીં કરાય કારણ કે એ લાગુ થયેલા જ છે. ઇસ્લામ ન્યાયમાં માને છે એટલે શીખો, હિન્દુઓ અને ખ્રિસ્તીઓને પણ આ લોકશાહીવાદી ધર્માધારિત રાજ્યની બધી પ્રવૃત્તિઓનો લાભ મળશે.

રાજાએ ઇસ્લામ વિશે વધુમાં કહ્યું કે એ કોઈ એક વ્યક્તિએ બનાવેલો ધર્મ નથી, એ જ રીતે દૈવી પ્રેરણામાં માનનારા કહે છે તેમ એ માત્ર મહંમદ પયગંબર સમક્ષ પ્રગટ થયેલો ધર્મ પણ નથી. એ તો સનાતન ધર્મ છે. મહંમદથી પહેલાં પણ પયગંબરો આવ્યા અને એમની સમક્ષ પણ એ ધર્મનું કોઈ એક પાસું પ્રગટ થયું. મહંમદ પયગંબરની ખાસ વાત એ છે કે એમણે ઈશ્વરનો સંદેશ પૂર્ણતાએ પહોંચાડ્યો. રાજા એ કહેવાનું પણ ન ભૂલ્યા કે હિન્દુ ધર્મ વ્યક્તિગત અનુભવ છે, એની સામે ઇસ્લામ એક પરિપૂર્ણ ધર્મ છે.

રાજાએ પોતાના ‘ચાચા’ જિન્નાને પત્ર લખ્યો તેમાં પણ લખ્યું કે “લીગે સૂચિત યોજના વિશે પોતાના વિચારો બહુ સાવચેતીપૂર્વક રજૂ કરવાના રહેશે. આ વિચારો જો ઇસ્લામ હેઠળની સરકારની વ્યવસ્થા કરતાં જુદા હશે તો એનો ઘણા લોકો સખત વિરોધ કરશે. પરંતુ આપણા વિચારો ઇસ્લામ હેઠળની રાજ્યવ્યવસ્થા સાથે સુસંગત હશે તો એ આપણી પાસેથી ભારેમાં ભારે બલિદાન પણ લઈ શકશે.”

ભ્રષ્ટ મુસ્લિમ રાજસત્તાઓ

રાજાનો ખ્યાલ એવો હતો કે મુસ્લિમ શાસકો ભ્રષ્ટ હતા અને ઇસ્લામની અવદશા થવા માટે મુસ્લિમ­­ શાસકો જવાબદાર હતા. ઈજિપ્ત, સીરિયા, ઇરાક, સ્પેન અલ્જીરિયા, તુર્કી, ઈરાન અને હિન્દુસ્તાનમાં મુસ્લિમ શાસકોએ પયગંબરના ક્રાન્તિકારી સંદેશને ડુબાડી દીધો હતો. આ હકુમતો તદ્દન બિન-ઇસ્લામી હતી.

ઈશ્વરી રાજ્ય વિ. અનીશ્વરી રાજ્ય

મહેમૂદાબાદના રાજાએ લોકશાહીને અનીશ્વરી – ઈશ્વર વિનાની – રાજસત્તા ગણાવી. ઇસ્લામ ઈશ્વરી શાસન છે. ફાસીવાદ, નાઝીવાદ, સમાજવાદ, વગેરે ઈશ્વર વિનાની વ્યવસ્થાની દેન છે. લોકશાહીની ટીકાનો મુસ્લિમ સમાજમાં જોરદાર પડઘો પડે તેમ હતું કારણ કે લીગ માનતી હતી કે લોકશાહી ભારત માટે યોગ્ય રાજ્યવ્યવસ્થા નથી કારણ કે ભારતીય ઉપખંડમાં મુસલમાનો હંમેશ માટે લઘુમતીમાં રહેવાના છે.

મહાત્મા ગાંધી: ટૉલ્સ્ટોયની ભારતીય આવૃત્તિ

મહેમૂદાબાદના રાજાએ કહ્યું કે ‘ભારત કેવું હોવું જોઈએ’ એ મહાત્મા ગાંધીની કલ્પના છે, જેનો આધાર પશ્ચિમી વિચારધારામાં છે કારણ કે એમના પર પશ્ચિમી ચિંતનનો બહુ પ્રભાવ છે, ભલે ને બહારથી એ યુરોપ વિરોધી દેખાતા હોય. જેમ હિટલર નિત્શેની વિચારધારાનું મૂર્ત રૂપ હતો તેમ ગાંધીજી ટૉલ્સ્ટોયની સુધારેલી ભારતીય આવૃત્તિ છે, પરંતુ એમનામાં ટોલ્સ્ટોયના આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણનો અભાવ છે; જેમ પશ્ચિમી વિચારધારાનું પરિણામ યુદ્ધ રૂપે જોવા મળે છે તે જ રીતે ગાંધીજીનો સંકુચિત રાષ્ટ્રવાદ ભારતમાં શાંતિ નહીં સ્થાપી શકે. એમણે આક્ષેપ કર્યો કે ગાંધીજી એમના ‘ક્વિટ ઇંડિયા’ આંદોલન દ્વારા સાવરકરની કલ્પનાના હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ કરવા મથે છે.

“હું નહીં જાઉં”

મહેમૂદાબાદના રાજાએ આશા દર્શાવી કે પાકિસ્તાન આખી દુનિયા માટે અનુકરણીય બની શકે છે. પરંતુ એમણે લીગના વિચારને સમર્થન આપતાં કહ્યું કે પાકિસ્તાન બનવાનો અર્થ એ નથી કે વસ્તીનું મોટા પાયે સ્થળાંતર થશે. આમ યુક્ત પ્રાંતના મુસલમાનો હિન્દુ ભારતમાં લઘુમતી તરીકે રહેશે એ વાતનો એમણે સ્વીકાર કર્યો. એમના શબ્દોમાં – “હું પોતે પણ લઘુમતી પ્રાંતનો છું અને ભારતના મુસ્લિમ સાર્વભૌમ રાજ્યમાં જન્મ લીધો હોત તો મને એ બહુ ગમ્યું હોત, પરંતુ હું મારું માદરે વતન છોડીને નહીં જાઉં; મારા સહધર્મીઓને એમના કિસ્મતને ભરોસે છોડી નહીં દઉં.”

ઇતિહાસનું બીજું પાકિસ્તાન!

પાકિસ્તાનની ઇસ્લામી કલ્પના યુક્ત પ્રાંતમાં વિકસતી હતી તે આપણે મહેમૂદાબાદના રાજાના ભાષણમાંથી જોયું, બીજા એક નેતા ખલિકુઝ્ઝમાને પણ એ જ વિચારને આગળ વધાર્યો. ૧૯૪૧માં પંજાબ મુસ્લિમ સ્ટૂડન્ટ્સ ફેડરેશનની કૉન્ફરન્સમાં એમણે કહ્યું કે પહેલું પાકિસ્તાન પયગંબર સાહેબે પોતે જ આરબ ભૂમિમાં બનાવ્યું હતું, હવે મુસ્લિમ લીગ હિન્દુસ્તાનમાં બીજું પાકિસ્તાન બનાવવા માગે છે! એમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે કોંગ્રેસ સાથે જોડાયેલા મૌલાનાઓ પાકિસ્તાનને શરીઅત વિરુદ્ધ શા માટે ગણાવતા હતા.

વતન કે મઝહબ?

એમણે પોતાના વતન લખનઉમાં લાહોર ઠરાવ પછી તરત મળેલી એક સભામાં પ્રાદેશિક રાષ્ટ્રવાદ (વતનિયત) અને ઇસ્લામના સંબંધની ચર્ચા કરી. હિન્દુ આ વતનિયતને ‘દેવી’ માને છે અને પૂજા કરે છે. મુસલમાન પણ પોતાના વતનને પ્રેમ કરે છે, પણ એનો દાસ બનીને પૂજા ન કરી શકે. ‘વતન’ અને ‘મઝહબ’ વચ્ચે પસંદગી કરવાની હોય તો મુસલમાન મઝહબને પસંદ કરશે. ખલિકુઝ્ઝમાનનું લક્ષ્ય બૃહદ ઇસ્લામનું હતું એટલે એમને એ જાહેર કરતાં ખંચકાટ ન થયો કેપાકિસ્તાન મુસલમાનોનો અંતિમ પડાવ નથી. આપણે વધારે માગીએ છીએ. પાકિસ્તાન તો માત્ર જમીન પરથી કૂદકા જેવું છે. એ સમય બહુ દૂર નથી કે બીજા મુસ્લિમ દેશો પાકિસ્તાનની સાથે ઊભા રહેશે અને ત્યારે જ જમીન પરથી ઊચે કૂદવાનું સફળ થશે.”

૧૯૩૫ના ગવર્નમેન્ટ ઑફ ઇંડિયા ઍક્ટમાં બ્રિટને જે ફેડરેશન સૂચવ્યું હતું તેના વિકલ્પો સૂચવનારાઓમાં ખલિક સૌ પહેલા હતા. એમણે ત્રણ-ચાર ફેડરેશનોની રચના કરવાનું સૂચવ્યું હતું. એમનું કહેવું હતું કે આ ફેડરેશનોની ઉપર નાની કેન્દ્ર સરકાર હોય, જેમાં બ્રિટિશરોને બહુ ઘણી સત્તાઓ હોય. એમની ગણતરી પણ એ જ હતી કે હિન્દુ બહુમતીવાળા પ્રાંતોમાં હિન્દુઓ મુસલમાનોની સલામતીનો ખ્યાલ નહીં રાખે તો મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતોમાં હિન્દુઓની હાલત પણ એ જ થશે. આ ‘હૉસ્ટેજ થિયરી’ પ્રમાણે ખલિક આ વેર વાળવાની નીતિ પર ભરોસો રાખતા હતા.

લાહોર ઠરાવ વિશે ખલિકુઝ્ઝમાનને અમુક શંકાઓ હતી. એમને એમાં ખાસ કરીને પ્રાદેશિક બાંધછોડની જોગવાઈ હતી, ખલિકનું માનવું હતું કે આમાં માત્ર મુસ્લિમ બહુમતીવાળા પ્રદેશોનો સંકુચિત અર્થ કરવામાં આવશે તો, શક્ય છે કે, અમુક નાના વિસ્તારોને જ લાગુ પડે. ખરેખર તો આખો પ્રાંત ધ્યાનમાં લેવો જોઈએ અને આખા પ્રાંત પાકિસ્તાનમાં આવવા જોઈએ. આમ પંજાબ અને બંગાળ આખા પ્રાંતો જ પાકિસ્તાનને મળવા જોઈએ. એના ભાગલા ન થવા જોઈએ. ભાગલા થાય તો કુદરતી સંપત્તિવાળા પ્રદેશો હિન્દુ રાજ્યમાં જાય તેમ હતા. પરંતુ જિન્નાએ લાહોર ઠરાવને અંતિમ, ચર્ચાની સીમાઓથી બહાર, મુસલમાનો માટે પાયાના સિદ્ધાંત તરીકે સ્થાપિત કરી દીધો હતો. આથી, ખલિક કશું કરી શકે તેમ નહોતા.

બીજી બાજુ લિયાકત અલી ખાન ‘પ્રાદેશિક બાંધછોડ’નો અર્થ એમ કરતા હતા કે પ્રદેશોનાં નામ આપી દેવાથી બંધાઈ જવાશે. બાંધછોડની વાત આવે તો અલીગઢ અને દિલ્હીને પણ પાકિસ્તાન પ્રાંતમાં જોડવાની માગણી કરી શકાય. જિન્ના અને લિયાકત એમના હાથમાં ‘Truncated Pakistan’ આવી પડ્યું ત્યાં સુધી આમ જ માનતા રહ્યા કારણ કે પાકિસ્તાન બનાવવામાં બ્રિટિશ શાસકોએ એમને પૂછ્યું જ નહીં. પરંતુ આની વિગતો જટિલ છે એટલે એમાં નહીં ઊતરીએ; આપણે પાકિસ્તાનનું ઇસ્લામી માળખું બનાવવાનો એક પ્રયાસ થયો હતો તે જોઈએ.

પાકિસ્તાન એટલે ખલિફાની સલ્તનત

લાહોર ઠરાવ પછી તરત જ નવાબ ઇસ્માઇલ ખાને મૌલવીઓ બૌદ્ધિકોની એક મીટિંગ બોલાવી. મીટિંગનો ઉદ્દેશ પાકિસ્તાન માટે ઇસ્લામી બંધારણ બનાવવાનો હતો. સૈયદ સુલેમાન નદવીને એક મુસદ્દો તૈયાર કરાવવાની જવાબદારી સોંપાઈ. નદવીએ મુહંમદ ઇસહાક સંદેલવીને આ કામ સોંપ્યું. સંદેલવીએ પ્રાથમિક મુસદ્દો બનાવવાનો હતો, જેના પર બદ્ગા સભ્યો ટિપ્પણી કરે તે પછી આખરી દસ્તાવેજ તૈયાર કરવાનો હતો. પણ સંદેલવીએ ૩૦૦ પાનાનો દળદાર દસ્તાવેજ તૈયાર કરી આપ્યો. આ દસ્તાવેજનું મહત્ત્વ એ છે કે પાકિસ્તાન બન્યા પછી તાલિમાત-ઇસ્લામિયાએ પાકિસ્તાનની નૅશનલ ઍસેમ્બલીને જે ભલામણો કરી તેનો આધાર આ દસ્તાવેજ હતો. એ દેખાડે છે કે મુસ્લિમ લીગના નેતાઓ અમુક પ્રકારના ઇસ્લામી રાજ્યની તલાશમાં હતા. લીગ અને ઉલેમા વચ્ચે સહકારના સંબંધ હતા, જો કે, પાકિસ્તાનના રાજકીય અને બંધારણીય ઇતિહાસકારોએ એના પર બહુ ધ્યાન નથી આપ્યું, માત્ર ‘ધર્મનિરપેક્ષ-આધુનિક જિન્નાવાદી નેતાગીરી અને અબૂલ-અલા મૌદૂદીના નેતૃત્વ હેઠળની ધાર્મિક નેતાગીરી વચ્ચેના સંઘર્ષ પર જ ધ્યાન આપ્યું છે.

ઇસ્લામી સમાજ માટે ખલિફાનું રાજ્ય

સંદેલવીએ શરૂઆતમાં જ સ્પષ્ટતા કરી દીધી કે આ દસ્તાવેજના બે ઉદ્દેશ હતાઃ એક તો, દુનિયાને એ દેખાડવું કે દુનિયાની સમસ્યાઓનો ઉકેલ ઇસ્લામ દ્વારા આવી શકે છે અને એ સંદર્ભમાં પશ્ચિમી જગતને ‘સીધો રસ્તો’ દેખાડવો. બીજો ઉદ્દેશ હતો, ઇસ્લામી સમાજોને એમની રાજકીય વ્યવસ્થા વિકસાવવામાં મદદ કરવી.

સંદેલવીનો દસ્તાવેજ કહે છે કે ખિલાફત, એટલે કે ખલિફાનું રાજ્ય, મુસ્લિમો માટે સૌથી વધારે અનુકૂળ છે. અ-ધાર્મિક રાજ્યોથી વિપરીત, ખિલાફત વિશુદ્ધ રૂપે ઈશ્વરીય કાયદાઓ પર રચાતી હોય છે અને એનો ઉદ્દેશ લોકોને અલ્લાહની નજીક લાવવાનો હોય છે. એના બે આધાર છે – કુરાન અને સુન્ના (પયગંબરના જીવનનાં દૃષ્ટાંતો જે પરંપરા બની ગયાં). જે મુદ્દા પર આ બન્ને સૂત્રોમાંથી માર્ગદર્શન ન મળે ત્યારે ‘ઇજમા’ અથવા મુસ્લિમ પરંપરાઓ અને નિયમોના જાણકારોના અભિપ્રાયો.

સંદેલવીએ કુરાનની આયતો ટાંકીને કહ્યું કે ઇસ્લામી રાજ્ય સ્થાપવું એ દરેક મુસલમાનની ફરજ છે. ખલિફા પોતે મુસ્લિમ, પુરુષ, ભક્ત અને નીતિમાન હોવો જોઈએ, અરબી ભાષા પર એનો સારો કાબૂ હોવો જોઈએ, એ ન્યાયશાસ્ત્ર (ફિક) જાણતો હોવો જોઈએ અને શરીઆના જુદા જુદા ભાગો બરાબર સમજતો હોવો જોઈએ. ઉલેમાઓ એની ચૂંટણી કરશે. નવા ખલિફાના હાથમાં હાથ મૂકીને તેઓ પોતાની વફાદારી જાહેર કરશે. ખલિફાને ઘણી સત્તાઓ મળશે, પરંતુ જો એ કુરાન વિરોધી કાર્યોની છૂટ આપે તો એનો વિરોધ પણ કરી શકાય.

ખલિફાનું કામ ઇસ્લામી રાજ્યના સંરક્ષણનું હશે એટલે એણે યુદ્ધ ખાતું ખોલવું પડશે. સ્ત્રીઓ સૈનિક તરીકે ભરતી થઈ શકે કે કેમ એ સવાલનો જવાબ આપતાં સંદેલવીએ કહ્યું કે પહેલાં પણ સ્ત્રીઓ યુદ્ધમાં જતી હતી એટલે આજે પણ સ્ત્રીઓ સૈનિક તરીકે કામ કરી શકે.

બિનમુસ્લિમો રાજકીય સંચાલનમાં ભાગ ન લઈ શકે. ‘જિમ્મી’ઓ પોતાનો ધર્મ પાળી શકશે પરંતુ રાજ્ય ઇસ્લામી સમજની બહાર હોય એવી રીતરસમો પર અમુક નિયંત્રણો મૂકી શકશે. એણે ઉદાહરણ આપ્યું કે સતી પ્રથા બંધ કરી દેવાશે. જિમ્મીઓને લશ્કર, પોલીસ કે નાગરિક કાર્યો માટેની નોકરીઓ નહીં મળી શકે. લશ્કરમાં જોડાવાની ફરજ ન હોવાથી બદલામાં તેઓ અમુક જઝિયા વેરો ચૂકવશે. પરંતુ સ્વેચ્છાએ જોડાય તો જઝિયા માફ કરાશે.

અર્થતંત્ર

જમીન વેરા (ખરાજ અને અસહર), જઝિયા (બિનમુસ્લિમોનો વેરો), ઝકાત (આવક કે સંપત્તિનો વેરો), ખમ્સ (લડાઈમાં લૂંટેલા માલનો એક ભાગ) વગેરે ખલિફાના રાજ્યનાં નાણાકીય સાધનો હશે. લોકો પર આનાથી વધારે બોજ લાદવાનો ઇસ્લામી રાજ્યને અધિકાર નથી. પરંતુ સરકાર જે કંઈ નવી સેવા આપે, જેમ કે સિંચાઈની સગવડ, તો એનો કર લઈ શકે છે.

વિદેશ સંબંધો

સંદેલવીએ લખ્યું કે ઇસ્લામમાં એક જ રાજ્ય હેઠળ બધા મુસલમાનો એકત્ર થાય એવી આદર્શ કલ્પના છે, પણ વ્યવહારમાં એક કરતાં વધારે મુસ્લિમ રાજ્યો હોઈ શકે છે. એમની સાથે પ્રેમ અને મિત્રતાના સંબંધ રહેશે પણ બિનમુસ્લિમ દેશો સાથે એ પ્રકારના સંબંધો ન રહી શકે. એ દેશો ઇસ્લામના પ્રચારપ્રસારમાં બાધક ન બને ત્યાં સુધી એમને દુશ્મન ન ગણી શકાય પરંતુ આ નિયમ જો એ દેશો તોડે તો એમની સામે જેહાદ જરૂરી બને છે. પરંતુ સંદેલવીએ એ પણ ખુલાસો કર્યો કે જેહાદ માત્ર ખલિફા કે અમીર જ જાહેર કરી શકે. દુશ્મન દેશના યુદ્ધકેદીઓને ગુલામ બનાવી શકાય. આ ‘ગુલામ’ સમાજવાદી દેશના કામદાર કે ખેડૂત જેવો જ હશે.

સંદેલવીએ સૌથી વધુ તો લોકશાહીની ટીકા કરી કે એ ભ્રામક છે. સમાન્ય જનતાની ઇચ્છા પ્રમાણે એ ચાલતી હોવાનું દેખાય છે પણ ખરેખર તો નબળા અને ગરીબોનાં ગળાં બુઠ્ઠી ધારવાળી છરીથી કપાતાં હોય છે. વળી વ્યક્તિની ઇચ્છા પણ સ્થિર નથી હોતી. એ લાલચમાં પણ આવી જાય એ શક્ય છે. લોકશાહીમાં કાયદા બનાવવાનો અધિકાર ધનિક લોકોના હાથમાં રહે છે જે પોતાને અનુકૂળ હોય તેવા કાયદા બનાવે છે.

૦-૦-૦

પાકિસ્તાન વિશે યુક્ત પ્રાંતમાં જે સાહિત્ય પેદા થયું તેને અવગણી શકાય તેમ નથી. પરંતુ લીગનો અને પાકિસ્તાનનો વિરોધ પણ થતો હતો. આના વિશે આપણે હવે આવતા સોમવારે આગળ વધશું.

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _૨૨ :

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: