“Creating a New Medina: State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India–Venkat Dhulipala (9)

Creating a new medina 2venkat-dhulipala

Creating a New Medina : State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India (English)
1st Edition ǁ October 2014 ǁ List Price: Rs. 995
Publisher: Cambridge University Press ǁ ISBN-13: 9781107052123

ધૂલિપાલા હવે યુક્ત પ્રાંતમાં મુસ્લિમ લીગની સ્થિતિ અને પાકિસ્તાનની અવધારણા વિશે ચર્ચા કરે છે. પાકિસ્તાન વિશે મુસ્લિમ લીગના નેતાઓમાં, શિયાઓ અને સુન્નીઓ વચ્ચે પણ એકમતી નહોતી. આમ છતાં મહત્ત્વની વાત એ છે કે પાકિસ્તાન કદી ચર્ચામાંથી વિદાય ન થયું. અને આ સ્થિતિ યુક્ત પ્રાંતમાં હતી, જ્યાં મુસલમાનો લઘુમતીમાં હતા! કોઈ અનીસુદ્દીન અહમદ રિઝવીએ ઉર્દુમાં ‘પાકિસ્તાન’ નામનું પુસ્તક લખ્યું, જેમાં એમના લેખોનો સંગ્રહ છે. આ લેખક વિશે પણ ખાસ કંઈ માહિતી નથી મળતી એટલે એ આગળપડતું નામ નહીં હોય. આના પરથી વેંકટ ધૂલિપાલા અનુમાન કરે છે કે ઉર્દુમાં એમનો વાચક વર્ગ વિશાળ હોવો જોઈએ. રિઝવી અવટંક શિયાઓમાં હોય, સુન્નીઓમાં નહીં. પાકિસ્તાનનો મુદ્દો આમ માત્ર સુન્નીઓ પૂરતો નહોતો. સુન્નીઓ સાથે સદીઓ જૂના વેર છતાં પાકિસ્તાનના મુદ્દા પર શિયાઓમાં પણ ઉત્સાહ હતો.

અનીસુદ્દીન રિઝવીએ ‘પાકિસ્તાન’ એટલે એક અલગ સ્વાધીન દેશ એવો જ અર્થ કર્યો હતો. રિઝવીને ઇકબાલનો વિચાર બહુ પ્રભાવિત કરી ગયો હતો અને એ પણ સાચું છે કે આ વિચારે પાકિસ્તાન વિશે જુદી જુદી નવ યોજનાઓને જન્મ આપ્યો હતો! યુક્ત પ્રાંતના મુસલમાનો આ યોજનાઓના પક્ષ-વિપક્ષમાં સતત ચર્ચાઓ કરતા હતા.

રિઝવીનો દૃષ્ટિકોણઃ ભારત એક ઉપખંડ કે દેશ?

રિઝવીને ખ્યાલ હતો કે મુસ્લિમ લીગની સબ-કમિટી પાકિસ્તાન કેવું હોવું જોઈએ એના પર વિચાર કરતી હતી એટલે એમાં કોઈ નવી યોજના પોતાના તરફથી જોડવી ન જોઈએ. તો એણે આ પુસ્તક શા માટે લખ્યું? એ પોતાનો હેતુ સ્પષ્ટ કરે છે કે ‘તકસીમ’ (ભાગલા) આખા ઉપખંડમાં શાંતિ માટે જરૂરી છે.

રિઝવી ભારત માટે ‘બર્ર-એ—અઝમ’ (ખંડ) શબ્દ વાપરે છે, ‘મુલ્ક’(દેશ) નહીં. જો કે ક્યાંક એ મુલ્ક શબ્દ પણ વાપરે છે, પરંતુ એનો મુખ્ય ભાર ભારતને ‘ખંડ’ કે ‘ઉપખંડ’ (છોટા બર્ર-એ-અઝમ) ગણાવવા પર રહ્યો; દેશ નહીં.

રિઝવી કહે છે કે, હિન્દુસ્તાન હંમેશાં એક ખંડ કે ઉપખંડ હતો અને એમાં અનેક કોમો રહેતી હતી. એણે ૧૮૫૭ પછી હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે વણસેલા સંબંધોનો ઇતિહાસ વર્ણવ્યો છે. જે મુખ્યત્વે આ પ્રમાણે છેઃ અંગ્રેજોને ડર હતો કે મુસલમાનો એમને હાંકી કાઢશે, એટલે એમણે હિન્દુઓની તરફેણ કરવાનું શરૂ કર્યું; બ્રિટન અને હિન્દુઓના સહકારથી કોંગ્રેસની રચના થઈ; બીજી ઘટનાઓમાં, ૧૯૦૫માં બંગાળના ભાગલા થયા તે મુસલમનોના લાભમાં હતા એટલે કોંગ્રેસે એનો વિરોધ કર્યો; અસહકાર/ખિલાફત આંદોલન વખતે ડગુમગુ હિન્દુ-મુસ્લિમ એકતા થઈ, પણ તે પછી બન્ને વચ્ચે રમખાણો ફાટી નીકળ્યાં; કોંગ્રેસે નહેરુ રિપોર્ટ અને સવિનય કાનૂન ભંગના આંદોલન દ્વારા ‘હિન્દુ રાજ’ સ્થાપવાની કોશિશ કરી કારણ કે મુસ્લિમોએ નહેરુ રિપોર્ટને ફગાવી દીધો હતો. રિઝવી એ કોંગ્રેસના શાસન હેઠળના પ્રાંતોમાં મુસલમાનો પર થયેલા અત્યાચારોનું પણ વિવરણ આપ્યું.

નમાઝની સ્વતંત્રતા ખરી સ્વતંત્રતા છે?

તે પછી રિઝવી પાકિસ્તાનની માંગ શા માટે વાજબી છે તે સાબિત કરવાની કોશિશ કરે છે. એ અલગ મતદાર મંડળો માટે કે સરકારી નોકરીઓમાં નિયત ક્વૉટા માટે અથવા તો એમના ધાર્મિક સ્વતંત્રતાના મુસલમાનોના આગ્રહને તો એક ઝાટકે રદ કરે છે અને કહે છે કે આ બહુ જ મર્યાદિત અને ખામી ભર્યો દૃષ્ટિકોણ હતો. પાકિસ્તાનનું ‘ઇસ્લામિક રાજ્ય’ (ઇસ્લામી નિઝામ કે ખિલાફત-એ-ઇલાહી) માં જ મુસલમાનો ખરી મુક્તિ મેળવી શકે.

રાજસત્તાના કેન્દ્રમાં ઇસ્લામ હોય તેનું મહત્ત્વ બતાવતાં રિઝવી કહે છે કે કોઈ બાહ્ય આચાર કે વ્યવહારની -જેમ કે, ઇબાદત કે નમાઝ, રોઝા અને જકાતની છૂટ મળે તે ખરી ધાર્મિક સ્વતંત્રતા નથી. માણસનું જીવન ‘મઝહબી ઝિંદગી’ (ધર્મમય જીવન) અને ‘દુનિયાવી ઝિંદગી’ (સાંસારિક જીવન)માં વહેંચાઈ ગયું છે, પરંતુ ઇસ્લામ આ દુનિયામાં લોકો સમક્ષ ‘તકમીલ દીન’ (સંપૂર્ણ ધર્મ) તરીકે આવ્યો. એનો ઉદ્દેશ આ બે જીવનને જોડવાનો છે એટલે એ સંપૂર્ણ જીવન પદ્ધતિ છે. મુસલમાનો એ પદ્ધતિ પ્રમાણે જીવી શકે એ એમની ખરી ધાર્મિક સ્વતંત્રતા છે, જે માત્ર એમના રાજ્યમાં જ શક્ય છે.

રિઝવી ઇસ્લામને બીજા બધા ધર્મો કરતાં ચડિયાતો ગણાવીને કહે છે કે ઇસ્લામનો સંદેશ ફેલાવવાનું રાજ્યનું મુખ્ય કામ છે.

વૈશ્વિક ઇસ્લામ અને ભારત પર કબજો

અનીસુદ્દીન રિઝવી કહે છે કે મુસલમાનો પોતાના રાષ્ટ્ર (કોમ)નો આધાર ધર્મને માને છે એટલે પાકિસ્તાનની વિદેશનીતિ ‘વૈશ્વિક ઇસ્લામ’ (Pan-Islamism)ના વિકાસની હોવી જોઈએ. એ કહે છે કે હિન્દુઓને આ વૈશ્વિક ઇસ્લામનો ભય છે કારણ કે હવે ભારતના મુસલમાનો બીજા મુસલમાનો સાથે સંપર્કમાં આવવા લાગ્યા છે. આ એકતાનો હેતુ અંતે હિન્દુસ્તાન પર કબજો કરીને ઇસ્લામિક રાજ્ય સ્થાપવાનો છે.

મેરઠ અને આગરા પાકિસ્તાનમાં

રિઝવી આટલી ચર્ચા પછી પાકિસ્તાનની ભૌગોલિક રચના પર આવે છે અને ઉત્તર-પશ્ચિમમાં કાશ્મીર, પંજાબ, સિંધ, વાયવ્ય સરહદ પ્રાંત અને બલૂચિસ્તાનનો સમાવેશ કરવાનું વાજબી માને છે, પરંતુ મેરઠ અને રોહિલખંડ (આગર વગેરે પ્રદેશો)ને પણ પાકિસ્તાનમાં સમાવવાની માગણી કરે છે. એ કહે છે કે આ માગણી નહીં સ્વીકારાય તો યુક્ત પ્રાંતના મુસલમાનો એ પાકિસ્તાનનો જરા પણ સ્વીકાર નહીં કરે.

પંજાબના ભાગલા કરવા જોઈએ અને હિન્દુ-મુસ્લિમ વસ્તીની અદલાબદલી કરવી જોઈએ, પરંતુ રિઝવીનો ખ્યાલ હતો કે શીખો પાકિસ્તાનમાં રહેવાનું પસંદ કરશે કારણ કે પાકિસ્તાનમાં રહેશે તો જ એમની વસ્તી મોટી રહેશે.

જમ્મુ અને કાશ્મીરની ૮૫ ટકા વસ્તી મુસલમાનોની હોવાથી એ તો પાકિસ્તાનમાં જ રહી શકે પણ એના હિન્દુ રાજાનું શું કરવું? રિઝવી સૂચવે છે કે રાજાને મધ્ય પ્રાંતમા સેન્ટ્રલ પ્રોવિન્સ – મધ્ય પ્રાંત એટલે કે આજના મધ્ય પ્રદેશમાં – અમુક પ્રદેશ આપી દેવો જોઈએ. ત્રીજા મુસ્લિમ રાજ્ય તરીકે રિઝવી હૈદરાબાદ પણ લેવા માગે છે, પરંતુ જમ્મુ-કાશ્મીર કરતાં અહીં સ્થિતિ ઉલટી છે – પ્રજા હિન્દુ છે અને શાસક મુસલમાન. રિઝવી આનો રસ્તો કાઢે છે. વસ્તીની ચર્ચા કર્યા વિના જ એ કહે છે કે હૈદરાબાદ પર સાતસો વર્ષથી, અલ્લાઉદ્દીન ખિલજીના સમયથી મુસલમાનોની હકુમત રહી છે. વળી નિઝામોએ વસ્તીને કદી રંઝાડી પણ નથી. વસ્તીની અદલાબદલી કરીને હૈદરાબાદને દક્ષિણ ભારતીય મુસલમાનોનું રાજ્ય બનાવવાનું એનું સૂચન હતું. રિઝવીનો અંતિમ નિષ્કર્ષ એ હતો કે ભારતનું હિન્દુ અને મુસ્લિમ રાજ્યોમાં વિભાજન કરવું એ જ સારામાં સારો ઉપાય હતો.

પાકિસ્તાન વિશે મુસલમાનોમાં શંકા અને દ્વિધા

પાકિસ્તાનના ખ્યાલનો આખા દેશમાં પ્રચાર કરવાની જવાબદારી યુક્ત પ્રાંતની મુસ્લિમ લીગને સોંપવામાં આવી. સ્થિતિ એ હતી કે સિંધમાં અલ્લાહબખ્શની સરકાર પાકિસ્તાન બનાવવાના સૂચનનો વિરોધ કરતી હતી. પંજાબમાં સિકંદર હયાત અને બંગાળમાં ફઝલુલ હકને પાકિસ્તાન કરતાં પ્રાંતિક સ્વાયત્તતામાં વધારે રસ હતો. વાયવ્ય સરહદ પ્રાંતમાં મુસ્લિમોની બહુ મોટી વસ્તી હતી, પણ સરકાર કોંગ્રેસની હતી.

પ્રચારનું કામ શરૂ કરતાં પહેલાં જ યૂ. પી. મુસ્લિમ લીગના નેતા નવાબ ઇસ્માઇલ ખાન સમક્ષ સવાલો ઊભા થયા. લાહોર ઠરાવમાં બધાં ઘટક રાજ્યો માટે ‘સાર્વભૌમ’ શબ્દ વાપરવામાં આવ્યો હતો. ઇસ્માઇલ ખાનને સમજાયું કે આ શબ્દને કારણે યુક્ત પ્રાંતના હિન્દુઓમાં ભારે ઊકળાટ હતો. એમણે સમજાવવાની કોશિશ કરી કે લાહોર ઠરાવ ધ્યાનથી વાંચતાં સ્પષ્ટ થાય છે કે હિન્દુઓનું સ્વાયત્ત રાજ્ય પણ બનવાનું છે. ઠરાવમાં તો જે પ્રાંતોમાં મુસલમાનોની ચોખ્ખી બહુમતી છે તે જ પ્રાંતોને એકસાથે જોડવાની વાત છે. એ રાજ્યોના ઝોન સાર્વભૌમ હશે પણ વસ્તીની અદલાબદલી કરવાનો તો સવાલ જ નથી. હિન્દુઓની ભારે બહુમતી હોય તેવા પ્રાંતોમાં મુસ્લિમો પણ હશે, પરંતુ એમણે હિન્દુ બહુમતીની સરકાર હેઠળ રહેવાનું સ્વીકારી લીધું છે. ઇસ્માઇલ ખાને સ્પષ્ટતા કરી કે લાહોર ઠરાવમાં સાર્વભૌમ રાજ્યોની વાત હોવા છતાં એ રાજ્યોને મહાસંઘ બનાવતાં રોકે એવું કશું નથી. પરસ્પર વિશ્વાસ અને સમજણ વધે તો આ સાર્વભૌમ રાજ્યો મહાસંઘ પણ બનાવી શકે છે.

“આ પાકિસ્તાન વળી શું છે?”

મુસ્લિમ લીગની દલીલો રજૂ કર્યા પછી પણ, એક સરકારી રિપોર્ટ પ્રમાણે મુસ્લિમ લીગમાં ઇસ્માઇલ ખાન નરમપંથી હતા. કોંગ્રેસ સાથે સમાધાન થતું હોય તો પાકિસ્તાન માટેની માગણીમાં પણ ફેરફાર કરવા તૈયાર થાય એમ હતા. આ રિપોર્ટને ટેકો મળે એવો એક કિસ્સો કે. એચ. ખુરશીદે પોતાના પુસ્તકમાં આપ્યો છે. ખુરશીદ ૧૯૪૪થી ૧૯૪૭ સુધી ખુરશીદ જિન્નાના સેક્રેટરી હતા. કિસ્સો આ પ્રમાણે છેઃ

જિન્ના, લિયાકત અલી ખાન, બેગમ લિયાકત અને કાઝી ઈસા સાથે મળીને હૉલીવૂડની ફિલ્મ Random Harvest જોવા ગયા. ફિલ્મના હીરોની યાદશક્તિ એક કાર અકસ્માત પછી ચાલી જાય છે. કાઝી ઈસાએ ટીખળ કરતાં બેગમ લિયાકતને પૂછ્યું કે જિન્ના ખાકસારોએ કરેલા હુમલામાં ઘાયલ થયા હોત અને બધું ભૂલી ગયા હોત, તે પછી લીગની મીટિંગમાં પૂછી બેસે કે “આ પાકિસ્તાન વળી શું છે? આ મુસ્લિમ લીગ નામનું બખડજંતર શું છે” તો કમિટીના બીજા સભ્યોનો પ્રત્યાઘાત શું હોય? પછી પોતે જ કહ્યું, ‘ઇસ્માઇલ ખાને તો આશ્ચર્યથી કહ્યું હોત કે “વડીલ હવે અક્કલવાળી વાત કરવા લાગ્યા છે!” જો કે ઇસ્માઇલ ખાન વિશે ખુરશીદ લખે છે કે એમણે જિન્નાને કહ્યું હતું કે “તમે અમને વિશ્વાસમાં લેતા નથી પણ અમે તમને નેતા માન્યા છે અને તમે કહેશો તેમ કરશું”. પાકિસ્તાન બાબતમાં એમનું વલણ આ શબ્દોમાં વ્યક્ત થતું હતું.

મહેમૂદાબાદના રાજાની શિયાઓ માટેની ચિંતા

અનીસુદ્દીન રિઝવીને બાદ કરતાં બીજા શિયા નેતાઓ પાકિસ્તાન બાબતમાં સચિંત હતા. ખાસ કરીને શિયાઓમાં પાકિસ્તાન વિશે શંકાઓ હતી અને એવી શંકાઓ વ્યક્ત કરનારામાં જિન્નાના જમણા હાથ જેવા અને જિન્ના જેને ‘ભત્રીજા’ જેવા માનતા તે મહેમૂદાબાદના રાજા પણ હતા. ( એ જિન્નાને “અંકલ” કહેતા).

પરંતુ એ પોતાની શિયા કોમની ચિંતામાં હતા. પાકિસ્તાનમાં શિયાઓની સ્થિતિ શી હશે? રાજાએ લાહોરની ઐતિહાસિક કૉન્ફરન્સમાં પણ ભાગ નહોતો લીધો. આના પછી એમના નાના ભાઈએ જિન્નાને પત્ર લખીને પૂછ્યું હતું કે મુસ્લિમ રાષ્ટ્રમાં શિયાઓના હકોના રક્ષણ માટે શી વ્યવસ્થા હશે? એમણે કહ્યું કે શિયાઓના મૂળભૂત અધિકારોના રક્ષણની વ્યવસ્થા નહીં હોય તો યુરોપમાં કૅથોલિકો અને પ્રોટેસ્ટન્ટો વચ્ચે એકસો વર્ષ યુદ્ધ થયું તેવું જ ભારતમાં શિયા-સુન્ની વચ્ચે યુદ્ધ થશે. રાજાના નાના ભાઈએ જિન્નાને લખ્યું કે ચૂંટણીમાં પણ શિયા ઉમેદવારોને સુન્નીઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

મહેમૂદાબાદના રાજાએ શિયાઓ વતી માગણી કરી કે શિયાઓને ચુંટણી દ્વારા રચાતી સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ; શિયાઓ માટે અસર કરતી બાબતોમાં બહુમતીનો નિયમ નહીં, પણ ન્યાય અને સમાનતાનાં ધોરણો લાગુ થવાં જોઈએ; શિયાઓને એમના ધાર્મિક રીતરિવાજો પાળવાની આઝાદી હોવી જોઈએ; કોઈ પાર્ટી શિયાઓ સાથે અન્યાય કરે તો એમને ન્યાય મળે તેવી ખાસ સત્તાઓ ભારતના ગવર્નર જનરલને મળવી જોઈએ; શિયાઓની વક્ફ સંસ્થાઓ (ધર્માદા સંસ્થાઓ) સંપૂર્ણપણે શિયાઓના અંકુશ હેઠળ રહેવી જોઈએ; મુસ્લિમ હનફી કાયદા પ્રમાણે કોઈ કાયદો બને તો એમાં શિયા શરીઅતના સિદ્ધાંતોને ધ્યાનમાં લેવાની વ્યવસ્થા હોવી જોઈએ. (મુસ્લિમોના પાંચ સ્મૃતિકારો એટલે કે કુરાન પ્રમાણે સામાજિક નિયમો ઘડનારા છે. દુનિયાના ત્રીજા ભાગના અને ભારતના લગભગ બધા સુન્ની મુસલમાનો ઈમામ અબૂ હનીફાએ બનાવેલા નિયમોને માને છે, પરંતુ શિયાઓના અલગ નિયમો છે).

એમણે લખ્યું કે આ સિદ્ધાંતોને સ્થાન ન મળે તો શિયાઓ મુસ્લિમ રાષ્ટ્રમાં સલામતી ન અનુભવી શકે. જિન્નાએ આનો સખત જવાબ આપ્યો અને ખાસ કરીને લખ્યું કે “તમને સમજાતું નથી કે બ્રિટિશ ગવર્નમેન્ટ ઝડપથી અદૃશ્ય થવા લાગી છે?” એમણે શિયાઓના રક્ષણ માટે વાઇસરૉયને ખાસ સત્તાઓ આપવાના સૂચનનો સખત વિરોધ કર્યો અને કહ્યું કે શિયાઓ લીગમાં ખુલ્લા મનથી જોડાય એ જ એમના માટે યોગ્ય થશે. લીગ હવે મુસલમાન અને મુસલમાન વચ્ચે ન્યાય અને ઉચિત વ્યવહાર લાગુ કરાવી શકે એમ છે. એક વાત મહત્ત્વની છે કે આપણે સૌ મુસલમાન છીએ.”

મહેમૂદબાદના રાજા લાહોર કૉન્ફરન્સમાં પાકિસ્તાનને લગતો ઠરાવ પસાર થયો ત્યારે હાજર નહોતા રહ્યા તેમ છતાં જિન્નાએ એમને પાકિસ્તાનના પ્રચાર માટેના ‘વફદ’ (પ્રતિનિધિમંડળ)ના ચેરમૅન બનાવ્યા એટલું જ નહીં, આમ તો ગાંધીજીએ જેમ જવાહરલાલ નહેરુને પોતાના વારસ બનાવ્યા તેમ જિન્નાએ લિયકત અલી ખાનને બનાવ્યા પણ એમનો ભત્રીજા માટેનો પ્રેમ છલકાતો હતો એ દેખાઈ આવે છે.

રાજા ૧૯૪૦માં લીગની પ્રાંતીય પરિષદ માટે મુંબઈ ગયા ત્યારે જિન્નાએ એમના માનમાં પોતાના નિવાસસ્થાને મોટી પાર્ટી ગોઠવી. એમાં ચારસો મહેમાનોને આમંત્રણ આપ્યું. મુંબઈમાં આ વાતથી બહુ આશ્ચર્ય ફેલાયું કે જિન્ના…અને ચારસોને નોતરે? માંદા, ઘરડા બધા ગમે તેમ કરીને જિન્નાને ઘરે પહોંચ્યા. જિન્નાને ઘરે આવી પાર્ટી ક્યારે જોવા મળે? સામાન્ય રીતે જિન્નાને ઘરે સૌ મહેમાનોને વ્યક્તિગત રીતે માપસર ખાવાનું મળતું. છેલ્લી ઘડીએ કોઈ ઓચિંતો પહોંચે તો એના માટે ખાવાનું હોય જ નહીં!

હવે મહેમૂદાબાદના રાજા જુદી જ ભાષા બોલતા થઈ ગયા હતા.

Creating a New Medina વેંકટના પુસ્તકની મુખ્ય થીમ છે અને એમનું કહેવું છે કે પાકિસ્તાનનો આકાર ઉત્તર ભારતમાં બંધાયો અને એના પર બહુ વ્યાપક ચર્ચાઓ થઈ. આ ચર્ચાઓનાં ઘણાં પાસાં હતાં. આપણે બુધવારે પણ યુક્ત પ્રાંતમાં જ રહીને આ ચર્ચાઓ સાંભળશું. પુસ્તકનું આ મુખ્ય પ્રકરણ છે એટલે વિગતોમાં ન જઈએ તે કેમ ચાલે? તો બુધવાર મળીએ છીએ.

૦-૦-૦

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _૨૧ :

%d bloggers like this: