“Creating a New Medina: State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India–Venkat Dhulipala (8)

Creating a new medina 1venkat-dhulipala - 1

Creating a New Medina : State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India (English)
1st Edition ǁ October 2014 ǁ List Price: Rs. 995
Publisher: Cambridge University Press ǁ ISBN-13: 9781107052123

ડૉ. આંબેડકરનું Thoughts on Pakistan પ્રસિદ્ધ થયા પછી લીગ અને જિન્ના માટે પાકિસ્તાનનો ખ્યાલ અસ્પષ્ટ રાખવાનું લગભગ અશક્ય બની ગયું. જિન્નાએ પાકિસ્તાન વિશેના પોતાના વિચારો જાહેર નહોતા કર્યા. બીજા કેટલાયે લેખકો પોતપોતાની રીતે પાકિસ્તાનના વિચારને પોતાની કલ્પના પ્રમાણે રજૂ કરતા રહેતા હતા અને જિન્ના કોઈ વાતનું સમર્થન કે એનો વિરોધ નહોતા કરતા.

હવે જિન્નાએ ત્રિપાંખિયો વ્યૂહ અપનાવ્યો. સૌથી પહેલાં તો એમણે Dawn દૈનિક શરૂ કર્યું. ડૉન મુસ્લિમ લીગનું મુખપત્ર હતું. (આજે પણ ડૉન પાકિસ્તાનનું પ્રથમ નંબરનું અંગ્રેજી દૈનિક છે). તે ઉપરાંત એમણે બીજાં અંગ્રેજી અખબારોપ્નો સાથ લીધો અને ઉર્દુમાં પણ નવા-એ-વક્ત વગેરે અનેક ન્યૂઝપેપરો શરૂ કરાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો. ‘હિન્દુ પ્રેસ”થી મુક્તિ મેળવવા માટે ‘ઑરિએન્ટ ન્યૂઝ એજન્સી’ પણ શરૂ કરી. આમ પાકિસ્તાનના પ્રચારપ્રસારનું કામ જોશભેર થવા લાગ્યું. લેખક કહે છે કે જિન્નાને મુસલમાનોના Sole Spokesman બનવું હોય અને મુસ્લિમ લીગને મુસલમાનોનું એકમાત્ર રાજકીય સંગઠન બનાવવું હોય તો આટલું જરૂરી હતું.

બીજું પગલું જિન્નાના લેખો અને ભાષણો, લીગની મીટિંગોની કાર્યવાહીઓ અને ઠરાવોના સંગ્રહો બહાર પાડવાનું શરૂ કર્યું. જિન્ના ફ્રેંક મોરાએસ જેવા પત્રકારોને ઇંટરવ્યૂ પણ આપવા લાગ્યા.

ત્રિપાંખિયા વ્યૂહનો ત્રીજો ભાગ મહત્ત્વનો હતો. પાકિસ્તાનના હિમાયતીઓએ એક ‘હોમ સ્ટડી સર્કલ’ બનાવ્યું અને બે ભાગમાં દળદાર પુસ્તક Pakistan and Muslim India & nationalism in Conflict in India પ્રકાશિત કર્યું. આમાં પંજાબના પત્રકાર મહંમદ શરીફ ટૂસીએ લખેલા લેખોનો સંગ્રહ કરવામાં આવ્યો. એ પાકિસ્તાનના વિચારને બહુ જ સ્પષ્ટ કરે છે. આ પુસ્તકની ભૂમિકા જિન્નાએ પોતે લખી અને જે કોઈ વાચક “ભારતના ભાવિ બંધારણ અને એના ઉકેલ વિશે જાણવા માગતા હોય તેમને” આ બે પુસ્તકો વાંચવાની ભલામણ કરી. એમણે કહ્યું, “મને લાગે છે કે જે કોઈ લાગણીના આવેશ વિના અને ખુલ્લા મનથી એ વાંચશે તે આંકડાઓ અને હકીકતો તેમ જ ઐતિહાસિક દલીલો પરથી સમજી શકશે કે ભારતના ભાગલા બન્ને મુખ્ય રાષ્ટ્રો- હિન્દુ અને મુસલમાન – નાં હિતમાં છે.”

ડૉ. આંબેડકરના પુસ્તક પછી જિન્ના અને લીગે એનો વધારે ચોક્સાઈથી અને વિગતવાર જવાબ આપવો પડે તેમ હતું અને આ પુસ્તક એ જરૂર પૂરી કરતું હતું. જિન્નાએ પોતે અંગત રીતે ટુસીના બધા લેખો વાંચ્યા હતા અને એમને ખાસ બોલાવીને પુસ્તક રૂપે પ્રકાશિત કરવાનો આગ્રહ કર્યો હતો. આ કારણે પાકિસ્તાનની માંગને સમજવામાં આ પુસ્તકનું મહત્ત્વ બહુ વધી જાય છે. (જિન્નાને પાકિસ્તાન બનાવવામાં રસ નહોતો અને તેઓ માત્ર સોદાબાજી તરીકે એનો ઉપયોગ કરતા હતા એવું માનનારા ઇતિહાસકારોને – દાખલા તરીકે, આયેશા જલાલને – વેંકટ ધૂલિપાલા ટુસીના લેખોના સંગ્રહનાં પુસ્તકો તરફ અંગુલિનિર્દેશ કરીને એક રીતે જવાબ આપે છે).

દ્વિરાષ્ટ્રનો સિદ્ધાંત

ડૉ. આંબેડકરે પાકિસ્તાનની માંગ માની લેવા હિન્દુઓને કહ્યું અને તે સાથે એ પણ દેખાડ્યું કે પાકિસ્તાન આર્થિક રીતે એક નબળું રાષ્ટ્ર બનશે. એમણે આંકડા આપીને આ હકીકત દર્શાવી હતી. આના પછી કોંગ્રેસનાં કટાક્ષબાણો વધારે તીખાં બન્યાં હતાં. એમાં હાંસીનો સૂર પણ ભળ્યો હતો. ટુસી સામે આ પડકાર હતો. ટુસીએ પણ આનો જવાબ આંકડાઓથી આપ્યો અને એ સિદ્ધ કર્યું કે પાકિસ્તાન આર્થિક રીતે સધ્ધર રાષ્ટ્ર બનશે. પરંતુ એમની મુખ્ય દલીલનો આધાર એ રહ્યો કે હિન્દુ અને મુસલમન માત્ર બે અલગ કોમો નહીં, બે અલગ રાષ્ટ્રો છે.

ટુસીના પુસ્તકમાં હિન્દુઓ અને મુસલમાનો વચ્ચેના સાંસ્કૃતિક અને સામાજિક ભેદની વિગતે ચર્ચા કરવામાં આવી છે. તે ઉપરાંત આર્થિક સંબંધોનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું. ટુસી કહે છે કે મુસલમાનો ખેતી કરે છે અને હિન્દુઓ વ્યાજે નાણાં ધીરતા શાહુકારો છે. આ બન્નેનાં હિતોનો ક્દી મેળ ન થાય.

દેશની મુસ્લિમ વસ્તીનું પૃથક્કરણ કરતાં ટુસીએ કહ્યું કે દેશના મુસલમાનોની ૪ કરોડ ૨૦ લાખની વસ્તીમાંથી ૨ કરોડ ૮૦ લાખ તો ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમમાં અમુક જિલ્લાઓમાં રહે છે. એમની સામે બે વિકલ્પ છેઃ એક તો, કોંગ્રેસ એમના ધર્મ અને રીતરિવાજોનું સંપૂર્ણ રક્ષણ કરશે એવી ખાતરી માનવી અથવા ભાગલા પસંદ કરવા. ટુસીએ બીજો વિકલ્પ પસંદ કરવા યોગ્ય ગણાવ્યો.

આત્મનિર્ણયનો અધિકાર

ટુસીએ પહેલા વિશ્વયુદ્ધ પછી થયેલી વર્સાઈની સંધિનો આધાર લીધો. આ સંધિ હેઠળ દરેક જાતિને અલગ રાષ્ટ્ર માનીને આત્મનિર્ણયનો અધિકાર આપવામાં આવ્યો હતો. મુસલમાનો પણ એક અલગ રાષ્ટ્ર છે એટલે એમણે પોતાનું અલગ રાજ્ય બનાવવું કે સાથે રહેવું એ નિર્ણય મુસલમાનો સિવાય કોઈ ન કરી શકે. કદની ચર્ચા કરતાં ટુસીએ કહ્યું કે કદ કે વિસ્તાર મહત્ત્વનો મુદ્દો નથી. ઇસ્લામિક રાજ્યોનો વિસ્તાર ફ્રાન્સ કરતાં મોટો હશે.

ઇસ્લામિક જગતનું નવું કેન્દ્ર બનવાની મહેચ્છા

પહેલા વિશ્વયુદ્ધ પછી તુર્કીમાં ખલિફાના શાસન – ખિલાફત – નો અંત આવી ગયો. ખલિફા આખી દુનિયાના મુસલમાનોના ગૌરવનું પ્રતીક હતો. દેશના મુસલમાનોએ ખિલાફત આંદોલન પણ ચલાવ્યું હતું. પરંતુ એ ગૌરવમંડિત સ્થાન પાછું સ્થાપિત ન થઈ શક્યું. ટુસીએ મુસલમાનોમાં આ સરહદ વિનાના ઇસ્લામની ભાવના ફરી જગાડી. એમનું પાકિસ્તાન તુર્કીની ખિલાફતનું સુયોગ્ય વારસદાર બનવાની મહેચ્છા રાખતું હતું.

જિન્ના ભલે ને ઇસ્લામિક રાષ્ટ્રનો ઇનકાર કરતા રહ્યા હોય પરંતુ પાકિસ્તાનની માંગનું પ્રેરક બળ આ Pan-Islamism હતું. ટુસીએ લખ્યું કે ભારત અખંડ રહેશે અને મુસલમાનોનું અલગ રાજ્ય નહીં બને તો એ આખી દુનિયામાંઇસ્લમ માટે ખરાબ સમાચાર હશે. એમણે નવો તર્ક આપ્યો કે સોવિયેત સંઘનાં મુસ્લિમ પ્રજાસત્તાકો અને ચીનના મુસ્લિમ પ્રદેશોમાં ઇસ્લામિક જાગૃતિ વધશે અને એ જો આત્મનિર્ણયનો હક માગશે તો એકત્રિ ભારતની હિન્દુ સરકાર રશિયા અને ચીન સાથે સમજૂતી કરશે અને માત્ર ભારતના જ નહીં આખા એશિયાના મુસલમાનોને દબાવવાની કોશિશ કરશે. આથી સમગ્રે મુસ્લિમ જગત માટે ભારતમાંથી મુસ્લિમ રાજ્યોને છૂટાં પાડવાનું જરૂરી છે. ટુસીએ હિન્દુ રાષ્ટ્રવાદનો ખતરો પણ દેખાડ્યો અને કહ્યું કે આ ખતરો મોટા ભાગે સરહદો વટાવીને ફેલાતો હોય છે.

અંતે ટુસીએ ડૉ. આંબેડકરની પાકિસ્તાન બનાવવાની એમની દલીલનું સમર્થન કર્યું પરંતુ એમનાથી બધી ઉલટી દલીલો સાથે!

વેંકટ લખે છે કે જિન્નાએ પાકિસ્તાન શું છે, તે છેવટ સુધી પોતાના મનમાં જ રાખ્યું એ સ્વીકારી શકાય એમ નથી. એમણે હવે ચોખવટો પણ કરવા માંડી હતી.

જિન્ના ખુલાસા કરે છે – લઘુમતી મુસ્લિમોનો બલિ

એમને ખ્યાલ હતો કે એમનાં જાહેર ઉચ્ચારણોએ ‘મુસ્લિમ રાષ્ટ્ર’ અને ‘પાકિસ્તાન’ની બે વિભાવનાઓ વચ્ચે ખાડો જ નહીં પરંતુ અંતર્વિરોધ હોવાનું પ્રગટ કરી દીધું હતું. જિન્ના જાણતા હતા કે એમનું પાકિસ્તાન માત્ર મુસ્લિમ બહુમતી પ્રાંતો માટે હતું, એ લઘુમતી મુસ્લિમોને કંઈ આપી શકે એમ નહોતું. એમણે આના આધારે આ બન્ને વિભાવનાઓને જોડવાનો પ્રયત્ન કર્યો. એમણે કહ્યું કે લઘુમતી પ્રંતોના મુસલમાનો જાણતા હતા કે લાહોર ઠરાવને ટેકો આપીને તેઓ પોતે હંમેશાં હિન્દુ બહુમતી વચ્ચે લઘુમતી તરીકે રહેવાનું સ્વીકારતા હતા. આ એમનું બહુ મોટું બલિદાન હતું. જિન્નાએ એમને “પાકિસ્તાનના પ્રણેતા અને પ્રથમ હરોળના સિપાઈ” ગણાવ્યા. પોતે પણ લઘુમતી પ્રાંતના જ હતા એ વાત પર એમણે ભાર મૂક્યો અને કહ્યું કે “પોતાનું બલિદાન આપનારા તરીકે આપણે મુસ્લિમ લઘુમતીવાળા પ્રાંતના મુસલમાનો હિંમતભેર કહીએ છીએ કે મુસ્લિમ બહુમતી પ્રાંતોના આપણા ભાઈઓના ઉદ્ધાર અને મુક્તિ માટે અમે કોઈ પણ ભોગ આપવા તૈયાર છીએ. એમના માર્ગમાં આડે આવીને અને એમને આપણી સાથે સંયુક્ત ભારતમાં ઘસડીને આપણે આપણી સ્થિતિ નહીં સુધારી શકીએ. ઉલટું. એમને પણ લઘુમતીમાં લાવી દઈશું. પરંતુ આપણો દૃઢ સંકલ્પ છે કે આપણે આપણા ભાઇઓને હિન્દુ. બહુમતીના તાબેદાર સેવક નહીં બનવા દઈએ”.

પાકિસ્તાન અને વૈશ્વિક ઇસ્લામ

આમ જિન્ના પાકિસ્તાનનો અર્થ સ્પષ્ટ કરતા જતા હતા. એટલું જ નહીં, તેઓ પોતે પણ પાકિસ્તાનની રચનાને વૈશ્વિક ઇસ્લામની દૃષ્ટિએ જોવા લાગ્યા હતા. એક પ્રસંગ જાણવા જેવો છે. ૧૯૪૨માં જિન્ના પંજાબ ગયા. એમની આ મુલાકાતામાં પત્રકાર ઝિયાઉદ્દીન અહેમદ સુલેરી સાથે રહ્યા. લાહોરમાં જિન્ના માટે ટી-પાર્ટી ગોઠવવામાં આવી. એમાં કોઈકે સૂચવ્યું કે શાયર ઇક્બાલની કબરની પણ મુલાકાત લેવી જોઈએ. સુલેરી લખે છે કે “અડધા કલાક પછી પાંચ જણ બે કારમાંથી ઊતર્યા અને મહાન શાયર અને ઇસ્લામના ફિલોસોફર ઇક્બાલની કબર સમક્ષ નમ્રતાથી ઊ્ભા રહ્યા. જિન્ના સ્થિર હતા અને ફાતિહા બોલ્યા. તેઓ કંઈક ચિંતનમાં હતા. બધા શ્વાસ રોકીને ઊભા રહ્યા…જિન્ના શું વિચારમાં પડ્યા છે?… અમારામાંથી એક જણે હિંમત કરીને જિન્નાને ઇકબાલનો એક શે’ર સંભળાવ્યો. જિન્નાએ એમને વચ્ચે જ રોક્યા અને કહ્યું: મારા દોસ્ત, પાકિસ્તાન પાસે આખા ઇસ્લામિક જગતને આઝાદ કરાવવાની ચાવી છે. જિન્નાને મેં આમ સાવ દેખાઈ જાય તેવા લાગણીવશ કદી નહોતા જોયા. જિન્નાનાં પોતાનાં સપનાં છે.”

ખાસ કરીને પત્રકાર ફ્રેંક મોરાએસનો અનુભવ નોધવા જેવો છે. મોરાએસે પોતાના પુસ્તક Witness to an Eraમાં જિન્ના સાથેની વાતચીતનો અનુભવ જણાવ્યો છે. મોરાએસે એમને પૂછ્યું કે પાકિસ્તાન વ્યવહારુ છે? જિન્નાએ સમજાવવામાં અડધો કલાક લીધો. તેઓ એક વકીલ પોતાની બ્રીફ પ્રમાણે બોલે તેમ ચારેબાજુની દલીલો રજૂ કરતા હતા. એમણે બોલવાનું પૂરું કર્યું ત્યારે મોરાએસે એટલું જ કહ્યું કે જિન્નાની વાત ગળે ન ઊતરી. આ સાંભળીને જિન્નાનો અવાજ ઊંચો થઈ ગયો. એમણે ઓચિંતાં જ કહ્યું, ભલે, મારી પાસે હવે સમય નથી, મારે નાગપુર જવા નીકળવાનું છે; ગૂડ નાઇટ!

સામાન્ય રીતે જિન્ના મોરાએસને વિદાય આપવા એમની કાર સુધી આવતા પણ એ વાતચીત પછી જિન્ના પાચા પોતાના ટેબલ સામે ગોઠવાઈ ગયા. જતાં જતાં મોરાએસે એમને જન્મદિનનાં અભિનંદન આપ્યાં અને પોતાની કારની રાહ જોવા લાગ્યા. ત્યાં તો જિન્નાએ પાછળથી એમના ખભા પર હાથ મૂક્યો અને જન્મદિનના અભિનંદનનો સંકેત આપતાં કહ્યું, “That was a nice thing to say. મોરાએસ લખે છે કે “એમને કોણ પસંદ કરી શકે?”

ગાંધી-જિન્ના મંત્રણા નિષ્ફળઃ
ગાંધીજીએ ગુજરાતીમાં શા માટે આમંત્રણ આપ્યું? આંબેડકરનું અનુમાન

આઝાદી અને પાકિસ્તાનની માંગ વિશે ચર્ચા કરવા માટે ૧૯૪૪ના સપ્ટેમ્બરમાં ગાંધીજી અને જિન્ના મળ્યા. પણ એમની મંત્રણાઓ નિષ્ફળ રહી. આ વાતચીત માટે ગાંધીજીએ જિન્નાને જાતે જ આમંત્રણ આપ્યું હતું. ગાંધીજીએ ૧૫મી સપ્ટેમ્બરના પત્રમાં લખ્યું: “મને ઇતિહાસમાંથી બીજો એક પણ દાખલો એવો નથી મળતો કે ધર્માંતર કરનારાની મોટી સંખ્યાએ સમાન પિતૃત્વ હોવા છતાં અલગ રાષ્ટ્ર હોવાનો દાવો કર્યો હોય. ઇસ્લામના આગમન પહેલાં ભારત જો એક રાષ્ટ્ર હોય તો ભલે ને એનાં સંતાનોમાંથી બહુ મોટી સંખ્યાએ ધર્મ બદલ્યો હોય તો પણ એ એક રાષ્ટ્ર જ રહે છે”

જિન્નાએ ૧૭મી તારીખે તીખો જવાબ આપ્યો, “આ મુદ્દા પર બહુ ઘણી ચર્ચાઓ અને વાચન સામગ્રી ઉપલબ્ધ છે; એ વાંચીને તમે જાતે જ નિર્ણય લઈ શકશો કે મુસલમાનો અને હિન્દુઓ બે અલગ રાષ્ટ્ર છે કે નહીં. હાલ પૂરતું હું બે પુસ્તકની ભલામણ કરું છું, જો કે બીજાં ઘણાં પુસ્તકો છે – ડૉ. આંબેડકરનું પુસ્તક અને ટુસીનું ‘Nationalism in Conflict in India”.

આંબેડકરનું પુસ્તક તો ગાંધીજીને મળ્યું જ હશે અને એમણે કદાચ ખીજથી વાંચ્યું પણ હશે. ૧૯મીએ એમણે જિન્નાને વળતો જવાબ આપ્યો તેમાં લખ્યું કે આંબેડકરે બહુ કુશળતાથી આ નિબંધ લખ્યો છે પણ મને પ્રતીતિકર નથી લાગ્યો અને બીજું પુસ્તક મારા જોવામાં નથી આવ્યું. તે પછી તરત જ એમને ટુસીનું પુસ્તક પણ વાંચવા મળ્યું અને એમણે જિન્નાને પત્ર લખ્યો તેમાં ટુસીની બે રાષ્ટ્રોની થિયરીને ઠુકરાવી દીધી.

બન્ને વચ્ચેની વાતચીત પડી ભાંગી. ગાંધીજી ચક્રવર્તી રાજગોપાલાચારીએ આપેલી ફૉર્મ્યૂલાને વળગી રહ્યા અને જિન્ના લાહોર ઠરાવને.

ડૉ. આંબેડકરે એનાં કેટલાંક કારણો આપ્યાં તેમાં એક કારણ એ આપ્યું કે ગાંધીજીએ જિન્નાને ગુજરાતીમાં લખ્યું, ત્યારે જ એમને સમજાઈ ગયું હતું કે વાતચીત આગળ નહીં વધે. આંબેડકરની દૃષ્ટિએ ગાંધીજી ગુજરાતીમાં લખીને એમની બેનમૂન સ્ટાઇલમાં ‘કાયદ’ને કહેતા હતા કે તેઓ માત્ર એક લોહાણા છે અને બીજું કંઈ નહીં!

૦-૦-૦

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _૨૦ :

%d bloggers like this: