“Creating a New Medina: State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India–Venkat Dhulipala (7)

Creating a new medina 2venkat-dhulipala

Creating a New Medina : State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India (English)
1st Edition ǁ October 2014 ǁ List Price: Rs. 995
Publisher: Cambridge University Press ǁ ISBN-13: 9781107052123

ડૉ. આંબેડકરે પાકિસ્તાનના સમર્થનમાં ઘણી જુદી જુદી રીતે દલીલો કરી. આપણે છઠ્ઠા ભાગના સમાપનમાં આનો સંકેત આપ્યો હતો. આજે એના વિશે આપણા લેખકે આપેલી વિગતો જોઈએ.

પાકિસ્તાન અને હિન્દુસ્તાનની સુરક્ષા

ડૉ. આંબેડકરે હિન્દુસ્તાનની સુરક્ષા અંગે હિન્દુઓની ચિંતાનો ઉલ્લેખ કરીને કહ્યું કે હિન્દુઓની ચિંતા એ છે કે પાકિસ્તાન બનશે તો હિન્દુસ્તાન માટે કોઈ “વૈજ્ઞાનિક સરહદ” નહીં હોય. એમણે આ દલીલને ખોટી ઠરાવી કારણ કે જુદાં જુદાં બ્રિટિશ વહીવટીતંત્રોએ દર વખતે જુદી જુદી સરહદો સૂચવી હતી. કોઈ વાઇસરૉય ‘Forward Policy’માં માનતા હતા એટલે કે સરહદને ખૂબ દૂર સુધી લઈ જવાનું યોગ્ય માનતા હતા તો કોઈ વળી ‘Back to the Indus’ સિંધુ નદી સુધી પાછા આવી જવાના આગ્રહી હતા. પહેલો વર્ગ આક્રમક હતો અને અફઘાનિસ્તાન પરનો અંકુશ ઑક્સસ નદી સુધી લઈ જવાનો હિમાયતી હતો, તો બીજો વર્ગ સંરક્ષણાત્મક નીતિમાં માનતો હતો અને ડ્યૂરાંડ લાઇનને જ સરહદ માનવા તત્પર હતો. ડો. આંબેડકરે આમ “વૈજ્ઞાનિક સરહદ”ની દલીલને જ નકારી કાઢી, એટલું જ નહીં, એમણે આ વિચારની ઠેકડી પણ ઉડાડી કે વૈજ્ઞાનિક સરહદ એટલે ભૌગોલિક ખાસિયતોવાળા પ્રદેશના વિસ્તારને રાજ્યસત્તાની સીમા માનવાનો વિચાર હોય તો હવે યુદ્ધની રીતો બદલાઈ ગઈ છે અને જે દેશોની કુદરતી સરહદો ન હોય તે કાયમી કિલ્લેબંધી કરીને વધારે સુરક્ષિત બને છે.

પરંતુ આવી મજબૂત અને અભેદ્ય સંરક્ષણ વ્યવસ્થા કરવા માટે સંસાધનોની જરૂર પડે. ડૉ. આંબેડકરે હિન્દુઓને ખાતરી આપી કે હિન્દુસ્તાના પાસે પૂરતાં સાધનો હશે. એમણે સરકારી આંકડા આપ્યા અને દેખાડ્યું કે હિન્દુસ્તાનના પ્રાંતો પાકિસ્તાનના પ્રાંતો કરતાં વધારે આવક સરકારને કરાવે છે.

પંજાબ અને બંગાળના ભાગલા?

આમ કરતાં એમણે પાકિસ્તાનના પ્રાંતો વિશે એક મહત્ત્વનું મંતવ્ય આપ્યું. એમણે કહ્યું કે પંજાબ અને બંગાળના હિન્દુ અને મુસ્લિમ વસ્તીને આધારે ભાગલા કરવા પડશે. ભાગલાથી સાત વર્ષ પહેલાં ડૉ. આંબેડકરે કહી દીધું હતું કે ભારતની સરહદ પંજાબમાં સતલજ નદીને કાંઠે બની શકે છે. એમણે કહ્યું કે પાકિસ્તાન બનવાનો સીધો અર્થ છે, પંજાબના ભાગલા. આ ભાગલાને કારણે હિન્દુસ્તાનની આવકમાં વધારે ઉમેરો થશે.એમણે કહ્યું કે આ પ્રાંતોના ભાગલા પડશે તો પાકિસ્તાનના ભાગમાં જે આવશે તે ખોટના પ્રદેશો હશે. એમણે પૂર્વી પંજાબના તેર જિલ્લા અને પશ્ચિમ બંગાળના પંદર જિલ્લાઓના આંકડા આપીને દેખાડ્યું કે પાકિસ્તાન (એટલે કે ઉત્તર પશ્ચિમના પ્રાંતો અથવા વર્તમાન પાકિસ્તાન) અને પૂર્વીય મુસ્લિમ રાષ્ટ્ર (પૂર્વ પાકિસ્તાન અને હવે બાંગ્લાદેશ)ની આવક ૬૦ કરોડ્માંથી માત્ર ૩૬ કરોડ રહેશે જ્યારે હિન્દુસ્તાનની આવક ૯૬ કરોડ વત્તા ૨૪ કરોડ (૬૦-૩૬ કરોડ), એમ કુલ ૧૨૦ કરોડ રૂપિયા થશે. આમ હિન્દુસ્તાન પાકિસ્તાન કરતાં ત્રણગણું સમૃદ્ધ હશે.

સેનાની રચના

ડૉ. આંબેડકરે તે પછી હિન્દુઓની ચિંતાનો બીજો મહત્ત્વનો મુદ્દો હાથમાં લીધો. એમણે બ્રિટિશ ઇંડિયામાં કયા પ્રાંતોમાંથી લોકો સૈન્યમાં જોડાય છે તેના વિશે સાઇમન કમિશને કરેલા વિશ્લેષણનો આધાર લીધો. આ બાબતમાં એમણે હિન્દુઓનું ધ્યાન બે અગત્યની બાબતો તરફ દોર્યું. એક તો, એમણે દેખાડ્યું કે સૈન્યમાં મુસ્લિમોની બહુમતી હતી. બીજું, આ મુસલમાનો મુખ્યત્વે પંજાબ અને વાયવ્ય સરહદ પ્રાંતમાંથી આવતા હતા.

આંબેડકરે આ હકીકતને લક્ષમાં રાખીને હિન્દુઓ સમક્ષ સવાલ રજૂ કર્યો કે ધારો કે અફઘાનિસ્તાન જેવો મુસ્લિમ દેશ આક્રમણ કરે તો ભારતીય સેનાના મુસલમાન સૈનિકોનું વલણ શું હોઈ શકે? ભારત પોતાનાં હિતોના રક્ષણ માટે અફઘાનિસ્તાન પર આક્રમણ કરે તો આ મુસલમાન સૈનિકો ભારત વતી લડે ખરા? એમણે પોતાનો સ્પષ્ટ જવાબ આપ્યો કે આ સૈનિકો અફઘાન મુસ્લિમ બિરાદરો સાથે ભળી જશે.

એમણે લખ્યું, “ વાસ્તવવાદીએ નોંધવું જોઈએ કે મુસલમાનો હિન્દુઓને કાફર માને છે, જેમનું રક્ષણ ન કરવાનું હોય; એમને તો સાફ કરી નાખવાના હોય….મુસલમાન યુરોપિયનને પોત કરતાં ચડિયાતો માને છે પણ હિન્દુને હીણો માને છે. એટલે મુસલમાનોની બટાલિયન હિન્દુ અફસરનો હુકમ માને કે નહીં તે શંકાનો વિષય છે.”

પ્રદેશમુક્ત ઇસ્લામ

એમણે બૃહદ ઇસ્લામ (Pan-Islamism)ની પણ ચર્ચા કરી. ડૉ. આંબેડકરે યાદ અપાવ્યું કે ખિલાફત આંદોલન વખતે અને તે પછી મુસ્લિમ લીગે બ્રિટિશ સરકાર સમક્ષ એવી માગણી મૂકી હતી કે મુસ્લિમ દેશો વિરુદ્ધ ભારતીય સેનાને ન મૂકવામાં આવે. બ્રિટિશ હકુમતે તો મુસ્લિમ લીગની માગણી માની નહીં પણ સંયુક્ત ભારતની સરકારમાં મુસ્લિમ લીગ એ માંગ મનાવી લેશે. એમણે હિન્દુઓને ચેતવ્યા કે એમને એક તરફ ખાઈ અને બીજી તરફ કૂવો હોય એવી સ્થિતિનો સામનો કરવો પડશે.

સ્વાધીનતા પછી સેનાની સંરચના

ડૉ. આંબેડકર એમ માનતા હતા કે સ્વાધીનતા પછી બીજી કોમોને પણ સેનામાં લેવાશે એટલે મુસલમાનોનું પ્રમાણ ઘટશે, એવી દલીલ પણ અયોગ્ય હતી કારણ કે મુસ્લિમ લીગ મુસલમાનોનો ક્વોટા ઘટાડવાનો જોરદાર વિરોધ કરશે. એમણે ભારપૂર્વક કહ્યું કે મુસલમાન આ માગણી કરશે અને સામાન્ય રીતે મુસલમાન હિન્દુ સામે ફાવી જતો હોય છે. “આથી, આપણે એમ જ માનીને ચાલવું જોઈએ કે ભારતીય સેનાની સંરચના આજે જેવી છે તેવી જ રહેશે.”

એમની સલાહ હતી કે પાકિસ્તાનને બનતું રોકવું એ હિન્દુઓના હિતમાં છે કે કેમ તે હિન્દુઓએ પોતે જ વિચારવું જોઈએ. પાકિસ્તાન બની ગયા પછી હિન્દુસ્તાનની સરકાર પર એવું કોઈ દબાણ નહીં રહે કે કયા દેશ સામે લશ્કરને મેદાને ઉતારવું. તે ઉપરાંત સૈન્યમાંથી મુસલમાન સૈનિકો જશે એતલે એમની જગ્યાએ બીજી કોમો આવશે. આમ હિન્દુસ્તાનની સંરક્ષણ વ્યવસ્થા નબળી પડવાને બદલે મજબૂત થશે. એમણે એ પણ દલીલ કરી કે આજે સૈન્યમાં મુસલમાનો પરનો ખર્ચ હિન્દુસ્તાની પ્રાંતોની આવકમાંથી થાય છે, એ પણ બંધ થશે.

આંબેડકરની નજરે પાકિસ્તાનની માંગ માની લેવી એ જ સારામાં સારો ઉપાય હતો.

લડાયક કોમો અને બ્રિટિશ નીતિ

હિન્દુઓના મનમાં એક બીજી પણ બીક હતી કે વાયવ્ય સરહદ પ્રાંતની લડાયક કોમોને છૂટો દોર મળશે તો એ બધી સત્તા કબજે કરી લેશે. ખિલાફતના વખતથી આ શંકા હિન્દુઓના મનમાં હતી. ગાંધીજીએ પણ કહ્યું હતું કે બ્રિટીશરો ભારત છોડી જશે તો ગુરખાઓ અને પંજાબીઓ ભારત પર કબજો જમાવી લેશે. જિન્નાએ આના પર ટિપ્પણી કરી હતી કે ગાંધીજીએ પંજાબી મુસલમાનો માટે આ વાત કરી હતી.

ડૉ. આંબેડકરે આ પ્રશ્ન પર ધ્યાન આપ્યું અને “લડાયક કોમ” જેવા સિદ્ધાંત પર જ હુમલો કર્યો. એમણે કહ્યું કે ૧૮૫૭ના વિદ્રોહ પહેલાની ભારતીય સેનામાં વાયવ્ય સરહદ પ્રાંતના સૈનિકોની સંખ્યા બહુ ઓછી હતી. બળવો મુખ્યત્વે હિન્દુસ્તાની સૈનિકોએ કર્યો હતો. પંજાબે અંગ્રેજોને સાથ આપ્યો હતો. હિન્દુસ્તાની સૈનિકોના બળવા પછી જ પંજાબ તખ્તા પર આવ્યું. અંગ્રેજો અને શીખો વચ્ચેની લડાઈમાં બ્રિટન તરફથી લડનારા હિન્દુસ્તાની સૈનિકોએ જે લૂંટફાટ ચલાવી તેનો બદલો લેવા માટે પંજાબે શાસક અંગ્રેજોનો સાથ આપ્યો અને ‘રાજ’ને જીવતદાન આપ્યું. આના બદલામાં વિદ્રોહને કચડી નાખ્યા પછી અંગ્રેજી હકુમતે પંજાબમાંથી બેસુમાર ભરતી કરવાનું શરૂ કર્યું. ડૉ. આંબેડકરે આમ ઐતિહાસિક કારણો આપીને દર્શાવ્યું કે પંજાબીઓ માત્ર સો વર્ષ પહેલાં લડાયક કોમ નહોતા ગણાતા. તે ઉપરાંત એમણે સમાજશાસ્ત્રીય કારણો પણ આપ્યાં. કોઈ કોમ જન્મથી લડાયક હોય તેનો એમણે અસ્વીકાર કર્યો અને કહ્યું કે “હિન્દુઓના જાતિના સિદ્ધાંતમાં જેમ યોગ્યતાને બદલે જન્મને મહત્ત્વ અપાય છે તે જેમ મૂર્ખતાપૂર્ણ છે, તેમ આ પણ મૂર્ખતાપૂર્ણ છે… કોઈ કોમ કાયમ માટે લડાયક જુસ્સા વિનાની રહે એ ન બની શકે. લડાયક શક્તિ કંઈ સ્વાભાવિક નથી, એ તાલીમનો વિષય છે અને કોઈ પણ એની તાલીમ લઈ શકે છે.”

‘ભાગલા કરો અને રાજ કરો’નો વિરોધ

આંબેડકરે બ્રિટીશ હકુમતની ટીકા કરી કે વિદ્રોહ પછી એની નીતિ હતી કે કોઈ કોમને લશ્કરમાં પોતાનું વર્ચસ્વ જમાવવાની તક ન આપવી. આ નીતિ એણે પહેલા વિશ્વયુદ્ધ પછી છોડી દીધી અને મુસલમાનોને લશ્કરમાં વધારે સ્થાન આપવાનું શરૂ કર્યું. આનાં એમણે બે કારણો કલ્પ્યાં અને પહેલું કારણ તો એમણે એક ઝાટકે નકારી દ્દીધું. મુસલમાનો વધારે સારા સૈનિક બને છે એ વાત સ્વીકારવા ડૉ. આંબેડકર જરા પણ તૈયાર નહોતા. બીજું કારણ એમણે એ કલ્પ્યું કે દેશમાં હિન્દુઓ બ્રિટિશ સરકાર સામે આંદોલન ચલાવે છે તેની સામેના બળ તરીકે એમની લશ્કરમાં વધારે ભરતી કરવામાં આવે છે.

કોંગ્રેસનો તો આક્ષેપ હતો જ કે બ્રિટિશ સરકાર “ભાગલા પાડો અને રાજ કરો”ની નીતિ પ્રમાણે આમ કરે છે. કોંગ્રેસના ઘોર વિરોધી ડૉ. આંબેડકરે પણ આ તારણ કાઢીને જાણે કોંગ્રેસને ટેકો આપ્યો!

ભારતની કોમી સમસ્યા કેમ ઉકેલવી?

પાકિસ્તાનની રચનાથી દેશની કોમી સમસ્યાનો ઉકેલ આવશે? આ વિષય પર દેશમાં ચર્ચાનો વંટોળિયો ઊઠ્યો હતો. આંબેડકર એનું વિશ્લેષણ કર્યું.

કોમી સમસ્યા ‘હળવા સ્વરૂપે’ જુદી જુદી ધારાસભાઓમાં હિન્દુ અને મુસલમાનોને સીટો ફાળવવાને લગતી હતી અને એના ‘મોટા સ્વરૂપે’ પાકિસ્તાનની માગણીની હતી. આ બન્ને કોમી સમસ્યાનાં પાસાં હતાં. ૧૯૧૭ની મુસ્લિમ લીગની લખનઉ કૉન્ફરન્સથી જ મુસલમાનોની ત્રણ માગણી રહીઃ (૧) પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભામાં મુસ્લિમો માટે અનામત સીટો; (૨) મુસ્લિમોની લઘુમતી હોય ત્યાં એમને ખાસ સુવિધા દ્વારા પ્રતિનિધિત્વ; અને (૩) મુસ્લિમોની બહુમતી હોય ત્યાં એમની બહુમતીને કાયદાકીય રક્ષણ. ૧૯૩૨ના કોમી ઍવૉર્ડમાં આ ત્રણેય માગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.

ડૉ. આંબેડકરે કહ્યું કે આ ઍવૉર્ડ હિન્દુઓ સાથે, અને ખાસ કરીને હિન્દુઓની લઘુમતી હોય તેવા પ્રાંતોના હિન્દુઓ સાથે કાયમી અન્યાય જેવો હતો. મુસ્લિમ લઘુમતીને મતદાર મંડળમાં જે અધિકાર મળ્યો હતો તે હિન્દુ લઘુમતીઓને નહોતો અપાયો. બીજી બાજુ મુસલમાનોને સદાયે બહુમતીમાં રહેવાનો “દૈવી અધિકાર” મળ્યો હતો.

આ તો થઈ કોમી મતાધિકારની વાત;પણ મોટા સ્વરૂપ’ની કોમી સમસ્યા પાકિસ્તાનની માગણીમાં હતી. આમાં હિન્દુ લઘુમતીને બાન રાખીને લઘુમતી મુસ્લિમોને રક્ષણ આપવાનો વ્યૂહ હતો. ડૉ. આંબેડકરે આ વિચારને ‘mad theory’ ગણાવ્યો. પરંતુ એમણે કહ્યું કે આ થિયરી એટલા માટે નથી બની કે મુસલમાનો બહુ મોટી માગણી કરે છે અથવા તો હિન્દુઓ બહુ સંકુચિત મનના છે, પરંતુ બહુમતી સામે લઘુમતીને ઊભી રાખો તો આવું જ બને. એમણે કહ્યું કે આખી વસ્તીને બાન રાખવાના વિચારને કારણે લઘુમતીઓ પસે કેન્દ્ર સમક્ષ ધાં નાખવા સિવાય બીજું કંઈ રહેતું નથે. પરંતુ પકિસ્તાન સ્વતંત્ર બને તો મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો પર કોઈ કેન્દ્રીય અંકુશ ન રહે અને એમને લઘુમતીઓ સાથે જેમ ફાવે તેમ કરવાની છૂટ મળી જાય. આમ એમણે પાકિસ્તાનની માગણીને અસ્વીકાર્ય માનવા માટે હિન્દુઓને જવાબદાર ન ઠરાવ્યા. પાકિસ્તાનમાં લઘુમતીના શા હાલ થઈ શકે તેનો સ્પષ્ટ સંકેત એમણે આપી દીધો. ખાસ નોંધવા જેવું એ છે કે એમણે હિન્દુસ્તાનમાં લઘુમતીઓની એવી જ હાલત થશે એવો દાવો ન કર્યો!

પંજાબ અને બંગાળના ભાગલા અને વસ્તીનું સ્થળાંતર

એમણે કહ્યું કે હમણાંની પંજાબ અને બંગાળની સરહદો બદલીએ (એટલે કે એ બન્ને પ્રાંતોના ભાગલા પાડીએ) તો કોમી સમસ્યાનો મોટા ભાગે નીવેડો આવી જાય. આમ કરવામાં હિન્દુઓ હિન્દુસ્તાન તરફ આવી જાય અને મુસલમાનો પાકિસ્તાન તરફ ચાલ્યા જાય એવો ઉપાય સૂચવ્યો.

જો કે એમણે માન્યું કે વસ્તીની હેરફેર પોતે જ એક મોટી સમસ્યા છે પરંતુ લઘુમતીઓની સ્થિતિ વિશે જે જટિલતાઓ હતી તેનો એક જ રસ્તો હતો – ભાગલા. હિન્દુઓ આ વાત નહીં સ્વીકારે તો ભારત હંમેશ માટે Sick man of Asia બની રહેશે.

આંબેડકરના વિચારોના પ્રત્યાઘાત

Thoughts on Pakistan પર એક દસકા સુધી દેશમાં ચર્ચાઓ ચાલી. જિન્નાના સાથી મલિક બરકત અલીએ ૧૯૪૧માં લાયલપુર (પાકિસ્તાન)માં મળેલી કૉન્ફરન્સમાં પ્રમુખપદેડકરે “એમના હિન્દુ તરફી વલણ છતાં મુસલમાનોની મોટી સેવા કરી છે.”.

Eastern Times of Lahore અખબારે Thoughts પર ટિપ્પણી કરતાં કહ્યું કે “ અછૂતો પણ સવર્ણ હિન્દુઓની જેમ મુસલમાનો પ્રત્યે શંકાની નજરે જૂએ છે. અને કોઈ પણ રાજકીય વ્યવસ્થા થશે તેમાં અછૂતો હિન્દુઓ સાથે જશે.”

જિન્નાનો પ્રત્યાઘાત રસપ્રદ છે. એમણે પત્રકાર ફ્રેંક મોરાએસને કહ્યું કે અછૂતો સરકારી નોકરીઓમાં મુસલમાનોની જગ્યા લેવા માગે છે કારણ કે મુસલમાનોના જવા પછી અછૂતો સૌથી મોટી બહુમતી બની જશે. એમની સંખ્યા વસ્તીના વીસ ટકા જેટલી હશે. પરંતુ આ તો જિન્નાની અંગત રીતે કહેલી ટિપ્પણી હતી. લીગે તો ડૉ. આંબેડકરના વિચારોની પૂરી છણાવટ કરવાની હતી. એના વિશે આપણે હવે બુધવારે વાંચશું.

(અહીં ફ્રેંક મોરાએસનો ઉલ્લેખ એક વાર આવ્યો પણ આગળ જિન્ના સાથેની એમની વાતચીત, જિન્નાની અકળામણ, ગાંધી-જિન્ના મંત્રણાઓ અને આ મંત્રણા માટે જિન્નાને ગાંધીજીએ ગુજરાતીમાં શા માટે આમંત્રણ આપ્યું તેના વિશે ડૉ. આંબેડકરનો અભિપ્રાય વગેરે ઘણી મઝા આવે એવી વાતો છે, તે પણ આજે બાકી રાખીએ).

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _૧૯ :

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s