April Fool!?!?

clip_image002આજે ઍપ્રિલ ફૂલના દિવસે કંઈ લખવું તો ન જોઈએ, કારણ કે કોઈ પણ વાત ‘ઍપ્રિલ ફૂલ’માં ખપી જવાની બીક છે. તેમ છતાં આપણે કેટલાં વર્ષોથી મૂર્ખ બનતા રહ્યા છીએ, અથવા તો ખરેખર આ દિવસને મૂર્ખતા સાથે શો સંબંધ છે તે વિચારવાની મૂર્ખતા કરી લઈએ તો ખોટું છે?.

આમ જૂઓ તો આ દિવસને વસંતસંપાત સાથે નિસ્બત છે. વસંતસંપાત એટલે વસંતમાં રાત અને દિવાસ એકસરખાં થાય તે દિવસ. સામાન્ય રીતે દુનિયાના પ્ર્રાચીન ધર્મોમાં વસંતસંપાતથી નવુ વર્ષ શરૂ થતું હતું. લોકમાન્ય ટિળક એમના પુસ્તક Arctic Home in the Vedasમાં દેખાડે છે કે પહેલાં આર્યો ઉત્તર ધ્રુવના પ્રદેશમાં રહેતા હતા ત્યારે વસંતસંપાતથી દસ મહિનાનું વર્ષ શરૂ થતું હતું.ટિળક દેખાડે છે કે વસંતસંપાતથી પહેલાં ‘અંતિમ ઊષાઓ’નો સંકેત ઋગ્વેદમાં મળે છે. એનો અર્થ એ કે એ વર્ષના છેલ્લા દિવસો હતા. આ સમય લગભગ ૨૧-૨૨ માર્ચનો ગણાય. જૂની વાતો છોડી દઈએ તો પણ હોળીથી કોણ પરિચિત નથી? એ પણ વસંતનો રંગારંગ તહેવાર જ છે! ભારતના આર્યો અને ઇરાનના આર્યો જ્યારે કુભા નદી પાસે છૂટા પડ્યા(મધ્ય એશિયામાંથી અફઘાનિસ્તાન આવતાં) અને એક જૂથ પૂર્વમાં અને બીજું પશ્ચિમમાં ગયું પણ જૂની પરંપરા લેતા ગયા. ઇરાનમાં, અને ખાસ કરીને પારસીઓનો નૌરૂઝ કે નવરોઝનો તહેવાર એટલે નવો દિવસ કે નવું વર્ષ પણ વસંતસંપાત સાથે શરૂ થાય છે.

દુનિયાના ઘણા ભાગોમાં આ જ વ્યવસ્થા હતી. રોમમાં પણ માર્ચ મહિનાથી વર્ષ શરુ થતું હતું. જૂલિયસ સીઝર આઇડ્ઝ ઑફ માર્ચ (માર્ચનો મધ્ય – લેટિનમાં Idus Martii) ઊજવતો હતો તે જ દિવસે એની હત્યા કરવામાં આવી હતી. વર્ષની શરૂઆત માર્ચથી થતી હતી એટલે જ ડિસેમ્બર ૧૨મો મહિનો હોવા છતાં એના નામમાં decerm (દશમ) છે. નવેમ્બર એટલે નવ. ઑક્ટો એટલે આઠ, સપ્ટેમ એટલે સાત. જુલાઈનું મૂળ નામ ક્વિન્ટિલિસ (પાંચમો) હતું, પણ જૂલિયસ સીઝરે એને પોતાનું નામ આપ્યું એ જ રીતે ઑગસ્ટનું નામ પણ સિક્સિલિસ હતું પણ ઑગસ્ટસ સીઝરના નામ પરથી એનું નામ ઑગસ્ટ થઈ ગયું.

રોમમાં ૨૫મી માર્ચથી પવિત્ર દિવસો હતા એટલે ઉત્સવ જેવી ઊજવણી પહેલી ઍપ્રિલે થવા લાગી. પરંતુ ૧૬મી સદીમાં જૂલિયન કૅલેન્ડરને બદલે પોપ ગ્રેગરીના અદેશથી ખ્રિસ્તી જગતે ગ્રેગરિયન કૅલેન્ડર સ્વીકાર્યું. આમાં જાન્યુઆરીથી નવું વર્ષ શરૂ થતું હતું. જોકે ફ્રાન્સ નવું કૅલેન્ડર અપનાવવા જલદી તૈયાર નહોતું. માત્ર ફ્રાન્સમાં જ નહીં યુરોપના ઘણા ભાગોમાં લોકો નવા કૅલેન્ડરનો સ્વીકાર ધીમે ધીમે કરતા હતા. એવું પણ બનતું કે એક જ શહેર કે ગામમાં નવા કૅલેન્ડરને ન માનનારા ગણ્યાગાંઠ્યા લોકો હતા. એ લોકો પહેલી ઍપ્રિલે જ નવું વર્ષ ઊજવતા અને પોતાનાં સગાં સંબંધીઓને ‘સાલ મુબારક’ કરવા પહોંચી જતા. એમની પીઠ પાછળ હસનારા એમને ‘fool’ તરીકે ઓળખાવતા!

આજે તો એ માત્ર હસવા અને મઝાકમશ્કરીનો દિવસ બની ગયો છે. આજે નાનાં બાળકો પણ “મમ્મી, તારી પાછળ કૂતરું…! એમ કહીને ‘ફૂલ’ બનાવે છે અને મમ્મીઓ જાણતી હોવા છતાં ‘ફૂલ’ બનતી હોય છે. જો કે Foolનો ગંભીર ચિંતકો બીજો અર્થ પણ કરે છે. ખ્રિસ્તીઓમાં Holy Fools પણ પ્રચલિત છે, એટલે કે ઈશ્વરમાં વિશ્વાસ રાખનારા મૂર્ખ લોકો. બ્રિટિશ પાદરી જ્‍હૉન શેવર્ડ કહે છે કે “ ઈશ્વરની નજરે સાંસારિક જ્ઞાન મૂર્ખામી હોય અને ઈશ્વરની મૂર્ખતા પોતે જ જો ખરેખરું જ્ઞાન હોય તો સંસાર-ચતુર માણસે ખરેખર જ્ઞાની બનવું હોય તો મૂર્ખ બનવું જોઈએ અને આ દુન્યવી શાણપણનો ત્યાગ કરવો જોઈએ”

આમ મૂર્ખ બનવામાં પણ કંઈ ખોટું તો નથી લાગતું! તો આજે ઍપ્રિલ ફૂલ બનો તે પહેલાં અમારી ભલામણ છે કે આ વેબસાઇટ પર ગુજરાતીમાં ઍપ્રિલ ફૂલના કિસ્સાઓ અચૂક વાંચશો. દિવસ સુધરી જશે! તમારો પ્રતિભાવ લખશો તો આનંદ થશે.

ત્યાં સુધી અમને ગાવા દો –

ઍપ્રિલ ફૂલ બનાયા કે ઉનકો ગુસ્સા આયા, મેરે ક્યા કસૂર, જમાને કા કસૂર કે જિસને યે દસ્તૂર બનાયા

%d bloggers like this: