“Creating a New Medina: State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India – Venkat Dhulipala (6)

Creating a new medina 1venkat-dhulipala - 1

Creating a New Medina : State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India (English)
1st Edition ǁ October 2014 ǁ List Price: Rs. 995
Publisher: Cambridge University Press ǁ ISBN-13: 9781107052123

મુસ્લિમ લીગ ખાંડાની ધારે

આમ તો મુસ્લિમ લીગ માટે બધું બરાબર ચાલતું હતું, પણ ૧૯૩૯માં લખનઉમાં ‘મદ્‍હ-એ-સહાબા’ના વિવાદ પર શિયા-સુન્ની રમખાણો ફાટી નીકળ્યાં. આ સાથે લીગના પગ નીચેની ધરતી હલબલી ગઈ. લીગ કોનો પક્ષ લે? એની હાલત કફોડી થઈ ગઈ. છેક ૧૯૦૬થી ‘મદ્‍હ-એ-સહાબા’નું સરઘસ કાઢવા પર પ્રતિબંધ હતો પણ સુન્નીઓએ હવે નાગરિક અસહકાર કરીને આ પ્રતિબંધનો ભંગ કર્યો. પ્રાંતની કોંગ્રેસ સરકારે આ પ્રતિબંધ હટાવી લેતાં શિયાઓમાં ઊકળાટ વધ્યો અને બન્ને ફિરકાઓ વચ્ચે સામસામી રીતસરની લડાઈ ફાટી નીકળી.

(વિશેષઃ મદ્સહાબા. મદ્ એટલે પ્રશંસા અને સહાબા એટલે પયગંબરના સાથીઓ. પયગંબરના સાથીઓની પ્રશંસામાં ગવાતી નાતિયા (ભક્તિભાવ યુક્ત) કવ્વાલીઓ છે. ૧૯૦૫ સુધી શિયાઓ અને સુન્નીઓના તાઝિયા સંયુક્ત હતા અનેકરબલામાં દફનાવતા. શોકનો દિવસ ધીમે ધીમે તહેવાર બનવા લાગ્યો હતો અને કરબલા પાસે મેળા જેવું વાતાવરણ થઈ હતું. શિયાઓએ આની સામી વાંધો લીધો. ૧૯૦૬માં સ્થાનિક સતાવાળાઓએ શિયાઓની લાગણીને માન આપીને ઉત્સવ બંધ કરાવ્યો, પણ હવે સુન્નીઓએ વાંધો લીધો કે તેઓ ઇસ્લામના એક વીરની યાદમાં દિવસ મનાવે છે એટલે શોકનો દિવસ નથી. મદ્સહબામાં સુન્નીઓ શિયાઓ વિશે ઘસાતું બોલે છે અને પહેલા ત્રણ ખલિફાઓ અબૂ બક્ર, ઉંમર અને ઉસ્માનની પ્રશંસા કરે છે. શિયાઓ માને છે કે ત્રણ સહબા રસૂલને ખરા અર્થમાં વફાદાર નહોતા. બન્ને ફિરકાઓ વચ્ચેના ઝઘડાને કારણે ૧૯૦૭થી મદ્સહબા પર પ્રતિબંધ હતો.. ૧૯૩૯માં પ્રાંતમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે સુન્નીઓએ પ્રતિબંધનો ભંગ કર્યો. શિયાઓ નારાજ થયા અને ૧૮,૦૦૦ શિયાઓએ ધરપકડ વહોરી લીધી. એમાં મુસ્લિમ લીગના અગ્રગણ્ય શિયા નેતાઓ પણ હતા. – હકીકત વેંકટ ધૂલિપાલાના બીજા એક પુસ્તક અને વિકીપીડિયા પરથી લીધી છે.)

લીગને  ફરી ઊભા થવાની તક મળે છે

(મુસ્લિમ લીગની નિષ્ક્રિયતા જોઈને પંજાબનું હિંસાવાદી સંગઠન ખાકસાર આગળ આવ્યું. એના નેતા અલમ્મા મશરિકી શિયા અને સુન્ની વચ્ચે સમાધાન કરાવવા લખનઉ આવ્યા. એમની દરમિયાનગીરી એટલી વધી ગઈ કે સરકારે એમની હકાલપટ્ટી કરી).

૧૯૩૯માં કોંગ્રેસ પ્રધાનમંડળોએ બ્રિટીશ સરકારે હિન્દુસ્તાનને યુદ્ધમાં જોતરી દીધું તેના વિરોધમાં રાજીનામાં આપી દીધાં આથી લીગને ફરી ઊભા થવાની તક મળી.

આ દરમિયાન ‘પાકિસ્તાન’ હવે ગંભીર ચર્ચાનો વિષય બની ગયું હતું.

ડૉ. આંબેડકર પાકિસ્તાનનું સમર્થન કરે છે?

લેખક કહે છે કે લાહોર ઠરાવ (૨૩ માર્ચ ૧૯૪૦)ના અનુસંધાનમાં પાંગરેલા ‘પાકિસ્તાન’ના ખ્યાલને મુસલમાનોનો જબ્બર ટેકો મળ્યો હતો. એની સામે કોંગ્રેસનો પ્રત્યાઘાત ઠરેલ નહોતો, આવેશ અને લાગણીથી ભરેલો હતો. ગાંધીજીએ જે રાષ્ટ્રવાદી સર્વસંમતિ બનાવી હતી તેની સામે આ એક પડકાર હતો. આની સરખામણીએ ડૉ. આંબેડકરે એક બાહોશ વકીલની જેમ પાકિસ્તાનની અવધારણાની છણાવટ કરી.

એમનું પુસ્તક Thoughts on Pakistan ડિસેમ્બર ૧૯૪૦માં પ્રકાશિત થયું એ ખરેખર તો એમણે ઑગસ્ટ ૧૯૪૦માં ઇન્ડીપેન્ડન્ટ લેબર પાર્ટીની કાઉંસિલ સમક્ષ રજૂ કરેલો રિપોર્ટ હતો. આટલા ટૂંકા ગાળામાં એમણે સૂચિત પાકિસ્તાનનો પ્રદેશ, એના નક્શાઓ, એની ખનિજ સંપત્તિ, કુલ અસ્ક્યામત, વસ્તી, જિલ્લાઓની આર્થિક સ્થિતિ, વસ્તીનું સ્થળાંતર વગેરે બધા વિષયોને આવરી લઈને ૪૦૦ પાનાનું પુસ્તક પ્રકાશિત કર્યું, જે આજે પણ પાકિસ્તાનના સૂચન અંગેનો મહત્ત્વનો દસ્તાવેજ છે. હકીકતમાં, પાકિસ્તાન વિશે આટલા ઊંડાણથી સ્વયં મુસ્લિમ લીગે પણ વિચાર્યું નહોતું. આ પુસ્તક કેટલું મહત્ત્વનું હશે તેનો ખ્યાલ એ વાત પરથી આવે છે કે ગાંધીજી અને જિન્ના, બન્નેની મંત્રણાઓમાં પણ એનો ઉલ્લેખ આવ્યો.

પુસ્તકનો પહેલો ખંડ મુસ્લિમ લીગને રાજી રાજી કરી દે તેવો હતો, પણ બીજા ભાગમાં એમણે હિન્દુઓને સંબોધન કર્યું અને પાકિસ્તાનની માંગ માની લેવાની સલાહ આપી. આનાં એમણે જે કારણો આપ્યાં તે મુસ્લિમ લીગના ઉત્સાહ પર ઠંડું પાણી રેડવા જેવાં હતાં.

ડૉ. આંબેડકરે, જો કે, પ્રસ્તાવનામાં જ કહ્યું કે એમના ‘thoughts’નો હેતુ મુખ્યત્વે ‘પાકિસ્તાનની યોજનાનાં બધાં પાસાં તપાસવાનો” હતો, “એની હિમાયત કરવાનો નહીં.”. જો કે એમના પોતાના આ બાબતમાં વિચારો હતા જ, પણ એમના પોતાના વિચારો શું છે તે એમના નિબંધમાંથી તારવવાના હતા.

ડૉ. આંબેડકરે શું કહ્યું?

એમણે હિન્દુઓને ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન એક પરપોટો નથી કે જે થોડા વખતમાં ફૂટી જાય.  એ “જેમ જીવંત વસ્તુ એક અંગ પેદા કરે તેવી જૈવિક પ્રક્રિયાની જેમ મુસ્લિમ સામુદાયિક રાજકારણને ફૂટેલું અંગ છે.” એમણે કહ્યું કે બ્રિટિશ શાસન આ માંગને કચડી નાખશે એમ માનવું  બહુ અવાસ્તવિકતાથી ભર્યું છે. હિન્દુઓ આત્મનિર્ણયનો હક માગતા હોય ત્યારે મુસલમાનોને એ હક માગતાં રોકી ન શકાય. એમણે કહ્યું કે બંધારણ બની જાય તે પછી આ માંગ પર વિચાર કરવો એ શક્ય નથી એટલે તે પહેલાં જ એના પર નિર્ણય થવો જોઈએ.

તે પછી એમણે લાહોર ઠરાવનું વિશ્લેષણ કર્યું. ‘પાકિસ્તાન’ શું છે? એક મુસ્લિમ રાજ્ય કે બે મુસ્લિમ રાજ્યો? પાકિસ્તાન એની પૂર્વ અને પશ્ચિમની પાંખોનું ફેડરેશન બનશે? કારણ કે ઠરાવમાં ‘ઘટક રાજ્યો’ એવું કહ્યું છે. આનો અર્થ એ કે એ એક ફેડરેશન છે. આમ એમણે લાહોર ઠરાવની ભાષા પર જ સવાલ ઉઠાવ્યો, પરંતુ ઉમેર્યું કે એ “હાલ ઘડી મહત્ત્વનું નથી.” એમણે કહ્યું કે પાકિસ્તાન યોજના એટલે નક્કર અર્થમાં ઉત્તર -પશ્ચિમમાંપંજાબ, વાયવ્ય સરહદ પ્રાંત, બલૂચિસ્તાન અને સિંધ; અને પૂર્વમાં બંગાળ.

ડૉ. આંબેડકરે સમજાવ્યું કે આખી માંગનો આધાર એ હતો કે કોઈ એક કેન્દ્ર ન હોવું જોઈએ. આમ બે કેન્દ્ર સરકારો બનશે – એક હિન્દુસ્તાન માટે અને બીજી પાકિસ્તાન માટે. તે પછી સૂચિત પાકિસ્તાનની આર્થિક કે રાજકીય સ્થિતિનું વિશ્લેષણ ન કરતાં એમણે સીધો જ એ સવાલ હાથમાં લીધો કે પાકિસ્તાન એક ‘રાષ્ટ્ર’ છે કે નહીં. એમણે જાતિ, ભાષા અને એકસમાન પ્રદેશને ‘રાષ્ટ્ર’નો આધાર માનવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે રાષ્ટ્રીયતા એક મનોવૈજ્ઞાનિક અનુભૂતિ છે. એ સામૂહિક લાગણી છે,અને જે એનો અનુભવ કરતો હોય તેને એમ લાગે કે એ સમૂહના બીજાં બધાં સભ્યો એનાં ભાઈબહેન છે. એ પોતાના જ સમૂહમાં પોતાપણું અનુભવવાની અને બીજા કોઈ સમૂહમાં પોતાપણું ન અનુભવવાની લાગણી છે. આથી એમણે હિન્દુઓને કહ્યું કે એમણે માની લેવું જોઈએ કે મુસલમાનોએ રાષ્ટ્ર તરીકે રહેવાની ઇચ્છા કેળવી લીધી છે; કુદરતી રીતે જ એમને પ્રદેશ પણ મળી શકે છે, જેમાં રાજ્ય બનાવવાનો એમનો નિર્ણય છે.

પાકિસ્તાન વિશે હિન્દુઓના લાગણીભર્યા પ્રત્યાઘાતોને એમણે ઠુકરાવ્યા અને યાદ અપાવ્યું કે૧૮૪૯માં બ્રિટને વિજય મેળવ્યો ત્યારે પંજાબ અને વાયવ્ય સરહદ પ્રાંતનું એક જ એકમ હતું. એનું વિભાજન તો છેક ૧૯૦૧માં લૉર્ડ કર્ઝને કર્યું. પંજાબથી પહેલાં સિંધ પર એમને વિજય મળ્યો હોત તો સિંધ પણ એનો જ ભાગ હોત. બધા ગવર્નર જનરલો અને વાઇસરૉયો આ બન્નેને જોડવાનો પ્રયત્ન કરતા જ રહ્યા હતા પણ સફળ ન થયા.  આમ પાકિસ્તાનનો પાયો બ્રિટિશ સત્તાવાળાઓએ જાણ્યેઅજાણ્યે નાખ્યો છે.  એમણે પ્રાંતોને તોડ્યા અને જોડ્યા. પરંતુ એમણે એ બધું કરવામાં તર્કશક્તિ, વિચાર અને લોકો સાથે ચર્ચાઓનો આશરો લીધો, બીજી બાજુ મુસ્લિમ લીગની માગણીનો આધાર લોકોનો આવેશ જ છે. ગાંધીજીએ ભાષાવાર કોંગ્રેસ કમિટીઓ બનાવડાવી તેનો પણ ભાગલાના ઉદાહરણ તરીકે ઉલ્લેખ કરવાનું તો ડૉ.આંબેડકર કંઈ ભૂલે? ( જો કે ગાંધીજીએ કહ્યું કે પાકિસ્તાન બનાવવું અને આંધ્રને અલગ ગણવું એ બે સરખાં નથી) આંબેડકરે પણ એ સ્વીકાર્યું અને કહ્યું કે બિહાર અને ઓરિસ્સાને અલગ કરવાં કે મદ્રાસ કે કર્ણાટકને મહારાષ્ટ્રથી અલગ કરવાં એ જુદી વાત છે; પાકિસ્તાનની માંગથી હિન્દુસ્તાન સાથે ‘કાનૂની છૂટાછેડા’ લેવા જેવી વાત છે.

આમ છતાં એમણે ઇતિહાસ અને ભૂગોળના આધારે હિન્દુઓ જે દલીલો કરતા તેને તોડી પાડી અને એના સમર્થનમાં એમણે ચંદ્રગુપ્ત મૌર્યથી માંડીને બધાં ઉદાહરણ આપ્યાં ચીની મુસાફર હ્યુ-એન ત્સંગનો દાખલો આપતાં એમણે કહ્યું કે અફઘાનિસ્તાનને પણ એ ભારતનો ભાગ માને છે.

ડો. આંબેડકરે કહ્યું કે હિન્દુઓ અને મુસલમાનો બે અલગ કોમો છે અને સતત લડતી રહી છે. બન્ને કોમોનાં જાતિગત મૂળ એક જ છે એવા હિન્દુઓના દાવાને એમણે નકારી કાઢ્યો, પરંતુ જુદા જુદા પ્રદેશોના હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે સમાનતા હોવાનું સ્વીકાર્યું. ગાંધીજી સાથે સંમત થતાં એમણે કહ્યું કે એક તમિલ બ્રાહ્મણ પંજાબના બ્રાહ્મણ કરતાં તમિલ મુસ્લિમ સાથે વધારે સામ્ય ધરાવે છે. તે ઉપરાંત મુસ્લિમ ફકીરોના હિન્દુ ચેલા હોય છે વગેરે સમાનતાઓને એમણે ઉપરછલ્લી સમાનતા તરીકે નકારી કાઢી.

હિન્દુઓ શા માટે પાકિસ્તાનની માગણીનો વિરોધ કરે છે તે સમજાવતાં એમણે કહ્યું કે આત્મનિર્ણયનો હક માગનાર એમ ન કહે કે એ અસંગઠિત કે આંતરિક રીતે વિભાજિત પ્રજા વતી બોલે છે. બધા એક રાષ્ટ્ર છે એમ કહીને જ એ આત્મનિર્ણયનો હક માગી શકે. પાકિસ્તાનની માંગ સમગ્ર ભારત માટે સાર્વભૌમ અધિકારો માગવાના હિન્દુ ભારતના પ્રયાસો પર આઘાત સમાન છે.

૦-૦-૦

ડૉ. આંબેડકરે હિન્દુસ્તાનના સંરક્ષણ, લડાયક જાતિઓ, કોમવાદની સમસ્યા, પાકિસ્તાન બનવાથી હિન્દુઓ માટે શી રીતે સારું છે – એવા ઘણાય સવાલોની ચર્ચા કરી, પરંતુ આજે એ જોઈશું તો બહુ વિસ્તાર થઈ જશે એટલે આવતા સોમવારે મળીએ.

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય _૧૮ :

%d bloggers like this: