“Creating a New Medina: State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India–Venkat Dhulipala (3)

Creating a new medina 1

Creating a New Medina : State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India (English)
1st Edition ǁ October 2014 ǁ List Price: Rs. 995
Publisher: Cambridge University Press ǁ ISBN-13: 9781107052123

હવે આપણે યૂ. પી.ના મુસ્લિમોને પોતાની તરફ વાળવાના કોંગ્રેસ અને મુસ્લિમ લીગના પ્રયાસો વિશે ચર્ચા કરશું. આ વિષય બહુ મહત્ત્વનો છે અને એમાંથી બન્નેનાં અલગ દૃષ્ટિબિંદુ દેખાય છે, જે પરસ્પર વિરોધી છે. યુક્ત પ્રાંતમાં પાકિસ્તાન વિશે એટલો બધો વ્યવસ્થિત પ્રચાર હતો કે એની અવગણના કરી શકાય એમ નથી. આપણે આગળ જોયું તેમ બીજા હિન્દુવાદી કે મુસ્લિમવાદી પક્ષોથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બન્ને જુદાં પડતાં હતાં, એમના માટે કટ્ટર પક્ષોને માર્ગમાંથી હટાવી દેવાનું જરૂરી હતું.

લેખક કહે છે કે જિન્ના અને કોંગ્રેસ વચ્ચે વિરોધ હતો, પરંતુ બન્ને વચ્ચે નિકટતા પણ હતી! એ જ રીતે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે યૂ. પી.માં માત્ર હરીફાઈ જ નહોતી, સુમેળ પણ હતો. આપણે આ તો ગયા અઠવાડિયે બીજા ભાગમાં જોઈ લીધું. આમ છતાં યુક્ત પ્રાંતમાં ૧૯૩૭ની ચૂટણી પછી કોંગ્રેસે સરકાર બનાવી પણ એમાં મુસ્લિમ લીગને સાથે લઈ ન શકી આ મુદ્દો ભાગલા વિશે લખનારા ઇતિહાસકારો માટે બહુ મહત્ત્વનો રહ્યો છે. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ આના માટે એકબીજાને દોષ આપે છે, પરંતુ એક વાતે સૌ સંમત છે કે પાકિસ્તાનનો માર્ગ આ નિષ્ફળતાએ નક્કી કરી આપ્યો, જો કે દરેક એનાં કારણો જુદાં જુદાં આપે છે. આ મુદ્દાને જેટલું મહત્ત્વ મળવું જોઈએ તેટલું મળ્યું છે, પરંતુ લેખક કહે છે કે ૧૯૩૭ની ચૂંટણી પછી યુક્ત પ્રાંતમાં મુસ્લિમ લીગની તાકાત અનેકગણી વધી એ મુદ્દા પર જેટલું ધ્યાન અપાવું જોઈએ તેટલું નથી અપાયું. લીગ સત્તામાં નહોતી અને બે વર્ષ સુધી કોંગ્રેસ સત્તામાં રહી. સરકારની બહાર કોંગ્રેસે મુસલમાનો સાથે જનસંપર્ક વધારવાની જોરદાર ઝુંબેશ ઉપાડી હતી. આની સામે મુસ્લિમ લીગે તો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મુસલમાનોને આકર્ષવાના હતા. મુસલમાનોને આકર્ષવાના પ્રયાસોમાં સંયોગો પ્રતિકૂળ હોવા છતાં એણે કોંગ્રેસને પાછળ રાખી દીધી, એટલું જ નહીં આ પ્રક્રિયાની સાથે લીગ પોતે પણ કુલીનવર્ગીય મૃત સંસ્થામાંથી પ્રજાકીય આધારવાળી, સામાન્ય લોકોની સંસ્થામાં પરિવર્તિત થઈ ગઈ. ૧૯૩૭ પછી જેટલી પેટા ચૂંટણીઓ થઈ તેમાં લીગે કોંગ્રેસના ઉમેદવારોને સજ્જડ હાર આપી. તેની સાથે દેશમાં પણ મુસ્લિમ લીગ મુસલમાનોની એકમાત્ર પ્રતિનિધિ તરીકે પોતાનો દાવો હિંમતભેર રજૂ કરતી રહી. યૂ. પી.માં ઊભી થયેલી નવી સ્થિતિને જ કારણે જિન્ના લીગના પ્રમુખપદે ચુંટાયા.

નહેરુનો મતઃ યૂ. પી.માં સરકાર બનાવો

૧૯૩૭ની ચૂંટણીમાં જબ્બરદસ્ત સફળતા મેળવ્યા છતાં જવાહરલાલ નહેરુ ધારાસભામાં જવા કે સરકાર બનાવાવાની તરફેણમાં નહોતા. નહેરુ માનતા હતા કે કોંગ્રેસ સત્તા સંભાળશે તો એ લડાયક સંગઠનને બદલે સુધારાવાદી સંગઠન બની જશે. પક્ષની અંદરના ડાબેરી ઘટકે નહેરુને જોરદાર ટેકો આપ્યો, પરંતુ જમણેરી પાંખ સતા સંભાળવાની હિમાયત કરતી હતી. અંતે યૂ. પી.માં સરકાર બનાવવાનો નિર્ણય તો લેવાયો, પરંતુ નહેરુ ધારાગૃહની બહાર ક્રાન્તિકારી જોશ ટકાવી રાખવાની હિમાયત કરતા રહ્યા અને એમણે જનસંપર્કનું અભિયાન છેડવાનો નિર્ણય કર્યો.

૧૯૩૭ની ચૂંટણીમાં કોંગ્રેસને મુસલમાનોનો ટેકો ખાસ નહોતો મળ્યો એટલે એમની સાથે સંપર્ક સ્થાપવાને પ્રાધાન્ય અપાયું. નહેરુએ હિંમત નહોતી ખોઈ એમણે જાહેર કર્યું કે ’પ્રતિક્રિયાવાદી’ મુસ્લિમ નેતાગીરી સાથે કરારો અને સમજૂતીઓ કરવાની જૂની યુક્તિપ્રયુક્તિઓને તિલાંજલી આપીને સીધા જ મુસ્લિમ જનસમાજ પાસે જવાની જરૂર હતી. નહેરુ “આર્થિક મુદ્દાઓ પર મુસલમાનોની સાથે સંવાદ” સ્થાપવા માગતા હતા. એમણે કહ્યું કે કોમી વિખવાદ માત્ર હિન્દુ અને મુસ્લિમ મધ્યમવર્ગનો મુદ્દો હતો અને સામાન્ય જનને એની સાથે કંઈ લેવાદેવા નહોતી, કારણ કે કોમી માગણીઓમાં આ ગરીબ વર્ગની એક પણ માગણી નહોતી.

સામાન્ય મુસ્લિમ જનસમાજનો સંપર્કઃ કોંગ્રેસની દલીલો

નહેરુએ અલ્હાબાદમાં આનંદ ભવનમાં જ મુસ્લિમ જનસંપર્ક માટે ‘મુસ્લિમ માસ કૉન્ટૅક્ટ પ્રોગ્રામ’ (MMCP) નામનો નવો અલગ વિભાગ શરૂ કર્યો. એનો ચાર્જ એમણે સામ્યવાદીએ નેતા કુંવર મહંમદ અશરફને સોંપ્યો. અશરફ અલવરના મેયો જાતિના હતા. મેયો જાતિ હિન્દુ અને મુસલમાન બન્નેની પરંપરાઓને માને છે. આમ અશરફ પૂરા મુસલમાન નહોતા કે પૂરા હિન્દુ પણ નહોતા. અશરફ લંડનમાં ભણ્યા હતા. ત્યાં સજ્જાદ ઝહીર અને ઝેડ. એ. અહમદ એમના સાથી હતા અને માર્ક્સવાદે એમના પર ભારે પ્રભાવ પાડ્યો. ત્યાંથી પાછા ફરીને ૧૯૩૬માં ત્રણેય કોંગ્રેસ સોશ્યલિસ્ટ પાર્ટીમાં જોડાયા. નહેરુ એમની બુદ્ધિપ્રતિભા અને કાર્યદક્ષતાથી બહુ પ્રભાવિત થયા હતા.

ઝેડ. . અહમદનો દૃષ્ટિકોણ

મુસલમાનોને સામ્રાજ્યવાદ વિરોધી આંદોલનમાં સામેલ કરવાની જરૂર સૌથી પહેલાં ઝેડ. એ. અહમદને સમજાઈ. એમણે કહ્યું કે મુસ્લિમ સમાજ રાજકીય દૃષ્ટિએ પછાત છે. એમણે હિન્દુઓની પ્રગતિની સમીક્ષા કરતાં દેખાડ્યું કે કોઈ પણ સમાજમાં આર્થિક વર્ચસ્વ ધરાવતો વર્ગ રાજકીય અને સાંસ્કૃતિક જાગૃતિનો સૂત્રધાર બને છે. હિન્દુઓએ કોંગ્રેસની સ્થાપના કરી જે સામ્રાજ્યવાદના વિરોધનો એક સશક્ત મંચ હતો. આનું કારણ એ કે એ વખતમાં મોગલ શાસનના અંત સાથે મૂડીવાદ આવ્યો, જે એ વખતે પ્રગતિશીલ પરિબળ હતો. હિન્દુ સમાજમાં મૂડીદાર વર્ગનું વર્ચસ્વ હતું અને આ વર્ગ એકંદર વિકાસને બળ પૂરું પાડતો હતો. આના પરિણામે હિન્દુઓમાં રાજકીય જાગૃતિ વધારે આવી. બીજી બાજુ મોગલોના પતન વખતે મુસલમાનોમાં સામંત વર્ગનું, એટલે કે બેઠાડુ જમીનદારોનું વર્ચસ્વ હતું. સામાન્ય મુસલામાન કાં તો ખેડૂત હતો, કાં તો ખેતમજૂર કે કારીગર હતો. એમની રાજકીય ચેતના જમીનદારોથી દોરવાતી હતી. ૧૮૫૭ના વિદ્રોહ પછી મુસલમાન સમાજે પશ્ચિમી જગતની આધુનિક રીતરસમોનો સ્વીકાર કરવામાં પણ ઘણો વિલંબ કર્યો. હિન્દુઓ તો નવી તકોનો લાભ લઈને આગળ નીકળી ગયા. મુસલમાનોમાં પણ સર સૈયદ અહમદ ખાન જેવા નેતાઓએ સુધારાની ચળવળ ચલાવી અને શિક્ષણનો પ્રચાર કર્યો, પરંતુ રાજકીય રીતે એમણે મુસલમાનોને જમીનદારોથી અલગ કશું વિચારવાની મનાઈ કરી. આમ શહેરી મુસ્લિમોમાં પણ પ્રતિક્રિયાવાદી વલણ ચાલુ રહ્યું. એમણે મુસલમાનોને સામંતવાદી પ્રભાવમાંથી મુક્ત કરીને મોટે પાયે કોંગ્રેસના સામ્રાજ્યવાદ વિરોધી આંદોલનમાં સામેલ કરવાની જરૂર દર્શાવી.

અશરફનો વ્યૂહ

કે. એમ. અશરફે MMCPના ચેરમૅન તરીકે આની વિશેષ છણાવટ કરી. (નોંધઃ આજે પણ એનું મહત્ત્વ ઓછું નથી થયું એટલે વિગતવાર જોવાનું અગત્યનું છે). ૧૯૨૧માં ગાંધીજીએ ખિલાફત આંદોલનમાં હિન્દુઓ અને મુસલમાનોને એક કરીને સામ્રાજ્યવાદી સત્તા સામે બહુ મોટો પડકાર ફેંકી શક્યા હતા. અશરફને લાગ્યું કે તે પછી ફરીથી હિન્દુ-મુસ્લિમ સંયુક્ત મંચ બનાવીને અંગ્રેજ હકુમતની હકાલપટ્ટી કરીને આર્થિક અને રાજકીય આઝાદી મેળવવાની મોટી તક ૧૯૩૭ના ‘ગવર્નમેન્ટ ઑફ ઇંડિયા ઍક્ટ’ દ્વારા ઊભી થઈ છે.

૧૯૨૯ની મહામંદીમાંથી દુનિયાનાં અર્થતંત્રો હજી બહાર આવી શકતાં નહોતાં. ભારત એમાં બહુ ખરાબ રીતે સપડાયેલું હતું. દેશના અર્થતંત્રની પાયમાલી દરેક ઘરને સીધી જ સ્પર્શી ચૂકી હતી. અશરફે દેખાડ્યું કે મહામંદી પોતે જ મૂડીવાદી વ્યવસ્થાના તીવ્ર બનતા આંતર્વિરોધનું પરિણામ હતી. આના ભાર નીચે કોઈ પણ સમાજ પોતાની મૂળ સ્થિતિ ટકાવી શકે તેમ નહોતો. એમણે જોયું કે ભારતમાં સમાજવાદી રાજ્યવ્યવસ્થા સ્થપાય તેવા બધા જ સંજોગો હતા, અને કહ્યું કે માનવજાત હવે હેવાનિયત ( જાનવરનાં લક્ષણો)થી આગળ વધીને ઇન્સાનિયત તરફ વળતી હતી.

અશરફે ૧૯૨૧ની સફળતાની સાથે એમાં થયેલી ભૂલોની પણ ચર્ચા કરી. એમણે કહ્યું કે મુસ્લિમ જાગરણનો આધાર એમનાં આર્થિક અને રાજકીય હિતોમાં હોવો જોઈએ. આના માટેના નવા કાર્યક્રમમાં ભૂમિહીન લોકોને જમીન, ખેતજમીનના ગણોતના હકોનું રક્ષણ, મજૂરોને યોગ્ય વેતન, એમના કામના સંયોગો સુધારવા, રોજગાર આપવો અને ગરીબાઈ અને ભૂખમરામાંથી મુક્તિના સિદ્ધાંતોને આધારે ચલાવવો જોઈએ.

કોમની નવી વ્યાખ્યા

અશરફે મુસ્લિમ કોમની નવી વ્યાખ્યા આપી. એમણે “ઇસ્લામમાં માનનારા લોકોનો સમૂહ” એવો અર્થ માનવાનો ઇનકાર કર્યો. એમણે કહ્યું કે આવા કોઈ સમૂહની અલગ રાજનીતિ કે સંસ્કૃતિ હોઈ ન શકે. મુસલમાનોમાં સ્વાભાવિક રીતે જ એકતા હોય, અને દરેક મુસલમાનનું આર્થિક કે રાજકીય હિત એક જ હોય એમ સ્વીકારવા અશરફ તૈયાર નહોતા. એક મુસલમાન ખેડૂત અને એક મુસલમાન જમીનદારનાં હિતો સમાન નથી; એમના વર્ગોનાં હિતો સાથે જોડાયેલાં છે.

મુસ્લિમ લીગ વિશે અશરફના વિચારો

અશરફે કહ્યું કે કુલીન વર્ગના જમીનદારોએ ૧૯૦૭માં લીગની સ્થાપના કરી તે વખતથી જ એના નેતાઓએ પ્રગતિવાદી ભૂમિકા ભજવી નથી અને જન-આંદોલનનો નવો તબક્કો શરૂ થશે તો એમનું વલણ કઈ તરફ ઢળશે તે કહેવું મુશ્કેલ નથી. અશરફની નજરમાં મુસ્લિમ લીગ બ્રિટિશ વસાહતવાદીઓની એજન્ટ હતી અને મુસ્લિમોની ક્રાન્તિકારી ચેતનાને હિન્દુઓ સાથેના ગૃહયુદ્ધમાં વાપરવા માગતી હતી. એમણે બંગાળની મુસ્લિમ લીગની પ્રાંતીય સરકારનું નક્કર ઉદાહરણ આપીને દેખાડ્યું કે બંગાળમાં નાગરિક અધિકારોને કચડી નાખવામાં આવ્યા છે, રાજકીય કેદીઓ જેલમાં જ છે અને સરકારે ખેડૂતો કે મજૂરોની હાલત સુધારવાનો કોઈ કાર્યક્રમ તૈયાર નથી કર્યો. એમણે કહ્યું કે મુસ્લિમ લીગનો એકમાત્ર હેતુ કોંગ્રેસના નેતૃત્વ નીચે ચાલતા સામ્રાજ્યવાદ વિરોધી આંદોલનને તોડી પાડવાનો હતો. એમણે આક્ષેપ કર્યો કે મુસ્લિમ લીગ રાજનીતિનું “આભાસી” દૃશ્ય રજૂ કરે છે; લીગના નેતાઓ “કવિતાઓ, જૂઠા ઇતિહાસ અને એવી ઘણી બીજી પ્રભાવિત કરે એવી” વાતો કરીને એવી છાપ ઊભી કરવા મથે છે કે તેઓ પોતે એકલે હાથે ભારતની આઝાદી પ્રાપ્ત કરી શકે છે અને તે સાથે મજબૂત રાષ્ટ્રનું પણ નિર્માણ કરી શકે છે.

અશરફની મુશ્કેલીઓ

પરંતુ ખિલાફત પછી કોંગ્રેસથી અલગ થઈ ગયેલા મુસલમાનોને ફરી કોંગ્રેસમાં લાવવાનું કામ પાર પાડવાનું કામ બહુ અઘરું નીકળ્યું. અશરફે કબૂલ્યું કે કોંગ્રેસમાં હિન્દુ માનસિકતા છવાયેલી છે. હિન્દુ મૂડીવાદી વર્ગનું કોંગ્રેસમાં વર્ચસ્વ હોવાથી આખી કોંગ્રેસ સંસ્થા તરીકે બદનામ થઈ છે અને એ હિન્દુ સંગઠન હોવાની છાપ ઊભી થઈ છે. આમ છતાં, એમણે એ પણ દેખાડ્યું કે કોંગ્રેસમાં હિન્દુ મૂડીપતિઓનું વર્ચસ્વ હોય એવું હવે (૧૯૩૭માં) નથી. એમાં અનેક જાતના વર્ગોના પ્રતિનિધિઓ છે. આવું દેખાડીને એમણે મુસલમાનોને કોંગ્રેસમાં જોડાવા અપીલ કરી.

નવી સાંસ્કૃતિક અને રાજકીય ભાષા

અશરફે MMCPના ચેરમૅન તરીકે મુસ્લિમ લીગ પર માત્ર આર્થિક દૃષ્ટિએ નહીં પણ સાંસ્કૃતિક અને રાજકીય દૃષ્ટિએ પણ પ્રહારો કર્યા. એમણે મધ્યકાલીન મુસ્લિમ સભ્યતા અને આજની મુસ્લિમ સભ્યતા વચ્ચેનું અંતર સ્પષ્ટ કરતાં કહ્યું કે બાદશાહોના જમાનામાં મુસલમાનોમાં વિવિધતા જીવંત રહી હતી – રબી, ફારસી, ચીની, તાર્તારી, એ બધી મુસલમાનોની ભાષાઓ હતી. મુસલામાનો પાશ્ચાત્ય, પૌર્વાત્ય, કોઈ પણ પોષાક પહેરતા. અલગ અલગ ફિરકાઓ પણ હતા – શિયા. સુન્ની, ખારિજી વગેરે. સૌ પોતપોતાના રિવાજો પાળતા. પરંતુ સર સૈયદ અહમદની આગેવાની હેઠળના જમીનદાર આભિજાત્ય વર્ગે આ બધા ભેદોને દબાવી દીધા. આ વર્ગ એટલો નબળો હતો કે કોઈ મુસલમાન ગાંધી ટોપી પહેરે કે કોઈ હિન્દુ હિન્દીનો પ્રચાર કરે તો એને ભય લાગતો હતો. અશરફે અઘરામાં અઘરી ઉર્દુ બોલનારા, અમુક જાતનો ડ્રેસ પહેરનારા મુસલમાનોને ‘ટકસાલી’ (ટંકશાળમાં ઢાળેલા સિક્કા જેવા) મુસલમાન ગણાવ્યા. એમણે કહ્યું કે ૧૮૫૭ પછી બાદશાહતનો અસ્ત થયો અને એ પાછી આવે તેમ નથી, હવે એક મિશ્રિત સભ્યતાનો વિકાસ થયો છે.

આને પગલે નવા મુસ્લિમ આગેવાનોએ હિન્દી કે ઉર્દુને બદલે, સામાન્ય લોકો બોલતા હોય તેવી ‘હિન્દુસ્તાની’નો પ્રચાર શરૂ કર્યો. ડૉ. ઝાકિર હુસેન જેવા શિક્ષણકારોએ જામિયા મિલ્યા સંસ્થાનો (અલીગઢના જવાબમાં) વિકાસ કર્યો. પ્રગતિશીલ લેખક સંઘની સ્થાપના થઈ, જેમાં હિન્દુ અને મુસલમાન લેખકો અને શાયરો મોટી સંખ્યામાં જોડાયા.

અશરફના આ ‘હુમલા’થી મુસ્લિમ લીગ ડઘાઈ ગઈ અને એણે વળતા હુમલા માટે કમર કસવા માંડી. એના વિશે હવે પછી વાત કરશું. વેંકટ ધૂલિપાલાના પુસ્તકમાં આ બહુ મહત્ત્વનો ભાગ છે એટલે બુધવારે ચૂકશો નહીં.

રજૂઆતઃ નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _૧૫ :

%d bloggers like this: