The Sole Spokesman: Jinnah, the Islam and the Demand for Pakistan–Ayesha Jalal (12)

The Sole Spokesman_Jinnah, the Islam and the Demand for Pakistan 3 ebookAyesha Jalal 3

The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan

Author: Ayesha Jalal ǁ Publishers: Cambridge University Press

May 1985, Hardcover ǁ ISBN 0521244625 (ISBN13: 9780521244626)

પાકિસ્તાની ઇતિહાસકાર આયેશા જલાલે બહુ નાની ઉંમરે પોતાના ડૉક્ટરલ થિસિસ તરીકે આ પુસ્તક લખ્યું. આજે એ ભારત અને પાકિસ્તાનના ભાગલા વિશેનું મહત્ત્વનું પુસ્તક મનાય છે. પુસ્તકનું મૂળ વિષયવસ્તુ જિન્નાની ભૂમિકા છે. આમાં ગાંધીજી, નહેરુ, સરદાર પટેલ વગેરે નેતાઓની ગૌણ ભૂમિકા છે. એમનો ઉલ્લેખ માત્ર જિન્નાના સંદર્ભમાં જ છે. આમ આ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો પૂરો ઇતિહાસ નથી.

લેખિકાનું કહેવું છે કે જિન્ના ખરેખર કોંગ્રેસની જેમ જ મજબૂત કેન્દ્ર સરકાર ઇચ્છતા હતા. પાકિસ્તાન એમનું મૂળ લક્ષ્ય નહોતું. તેમ છતાં કોંગ્રેસના નેતાઓ સાથે પોતાની બરાબરી સ્થાપવા માટે એમણે પાકિસ્તાનનું ગતકડું ઊભું કર્યું હતું. એમાં પણ એમને મુશ્કેલીઓ નડતી હતી કારણ કે પંજાબ અને બંગાળમાં મુસ્લિમ વસ્તી બહુ મોટી હતી અને ત્યાં પ્રાંતિક સરકારોમાં એમનું વર્ચસ્વ હતું એટલે એમને દરમિયાનગીરી કરી શકે એવી કેન્દ્રીય સરકાર પસંદ નહોતી. જિન્નાને એ આડે આવતું હતું. જિન્નાએ એમને સમજાવ્યા કે કોઈ પણ વ્યવસ્થા હોય તેમાં કેન્દ્ર તો રહેશે જ એટલે ત્યાં પ્રાંત તરીકે નહીં, તો મુસલમાન તરીકે, જો પંજાબ અને બંગાળના નેતાઓ કેન્દ્રમાં જિન્નાને ટેકો આપે તો મુસ્લિમોની બહુમતી ન હોય તેવા પ્રાંતો – મદ્રાસ, મુંબઈ અને યુક્ત પ્રાંત – માં મુસલમાનોનાં હિતોનું રક્ષણ કરી શકાશે. આમ એમને મુસ્લિમ લઘુમતી પ્રાંતોના નામે પોતાની સશક્ત હાજરીવાળી કેન્દ્ર સરકારની જરૂર હતી, જે બહુમતી પ્રાંતોની મદદ વિના શક્ય નહોતું.

બીજી બાજુ, મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો કંઈ બીજા પ્રાંતો વિશે વિચારતા નહોતા. એટલે એમની સ્વાયત્તતા ટકાવી રાખવાનું વચન મળે તો જ બદલામાં પંજાબ અને બંગાળ જિન્નાને કેન્દ્રમાં નેતા માનવા તૈયાર થાય. આવી અટપટી અને પરસ્પર વિરોધી માગણીઓ વચ્ચેથી વચલા માર્ગ તરીકે જિન્નાએ અલગ પ્રાંતોનાં ફેડરેશનો અને એમની ઉપર નબળું કેન્દ્ર – એવી ફૉર્મ્યૂલા ઘડી કાઢી. એમનો વ્યૂહ એ હતો કે એક વાર એમના સાથીઓ એ સ્વીકારી લે તે પછી ધીમે ધીમે એમને કેન્દ્ર તરફ વાળી શકાશે; ત્યાં સુધી કશો ફોડ ન પાડવો. લેખિકા કહે છે તેમ જિન્નાના આ બધા પ્રયત્નો એટલા માટે હતા કે તેઓ પોતાને મુસલમાનોના એકમાત્ર પ્રતિનિધિ તરીકે સ્થાપિત કરીને કોંગ્રેસ સાથે સત્તાનો સોદો કરે. આ તો વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા થઈ.

જિન્નાનો દૃષ્ટિકોણ એવો રહ્યો કે વધુમાં વધુ મોટી માગણી ટેબલ પર રાખો અને પછી બાંધછોડ કરો. ગાંધીજીની રીત એનાથી તદ્દન ઉલટી હતી. ઓછામાં ઓછું માગો અને એના પર અડગ રહો; સિદ્ધાંત સ્વીકારાઈ જાય તો તરત સમાધાન કરી લો.

શ્રીમતી જલાલનો પ્રયત્ન બે જુદી જુદી દિશામાં જાય છે. એક બાજુથી એમનું કહેવું છે કે જિન્ના ખરેખર પાકિસ્તાન નહોતા માગતા પણ અંતે સ્થિતિ એવી ઊભી થઈ કે એમને પાકિસ્તાન સ્વીકારવું પડ્યું; કોંગ્રેસ જો એમને બરાબર સમજી શકી હોત તો ભાગલા ન થયા હોત. એટલે કે, દેશના ભાગલા પડ્યા તેના માટે જિન્નાને સમજવામાં કોંગ્રેસની અસમર્થતા જવાબદાર છે. બીજી બાજુથી એવો સૂર પણ સંભળાય છે કે જિન્નાની બુદ્ધિશક્તિ ન હોત તો પાકિસ્તાન બન્યું જ ન હોત. એટલે પાકિસ્તાન બનવાનો બધો યશ જિન્નાને ફાળે જાય છે. આ બન્ને પરસ્પર વિરોધી સૂરો છે. પરંતુ જિન્ના ખરેખર પાકિસ્તાન માગતા નહોતા?

જિન્ના કફોડી સ્થિતિમાં આવી ભરાયા એવા દાવાને બીજા વિદ્વાનો નકારી કાઢે છે. જલાલ દેખાડે છે કે પાકિસ્તાનનો વિચાર ૧૯૪૦ પછી વિકસ્યો પરંતુ છેક ૧૯૩૨થી જિન્નાએ community-by-itself (કોમ પોતાના બળે) એવો વિચાર સ્વીકારી લીધો હતો એમ માનવાનાં આધારભૂત કારણો છે. ઇતિહાસકાર અનિલ નૌરિયા એમના નિબંધ Some Portrayals of Jinnah: A Critiqueમાં કહે છે કે આ જાતનો વિચાર જિન્નાના વલણમાં છેક સુધી રહ્યો. જિન્નાએ અબ્દુલ મતીન ચૌધરીને ૨ માર્ચ ૧૯૩૨ના રોજ પત્ર લખ્યો તેમાં આ વાત સ્પષ્ટ થાય છે. અનિલ નૌરિયાએ આ પત્રનો સંદર્ભ આપ્યો છે.(Syed Sharifuddin Pirzada (ed), Quaid-e-Azam Jinnah’s Correspondence, East and West Publishing Company, Karachi, 1977, p. 22).

જિન્ના લખે છેઃ “ બ્રિટિશરોને આપણો સહકાર અને ટેકો જોઈએ છે. આપણી સુરક્ષાની બાંયધરી હોય અને કેન્દ્રમાં જવાબદારી વિશે સમજૂતી થાય તો જ એ શક્ય બને. હિન્દુઓને આપણા સહકાર અને ટેકાની જરૂર હોય તો એ લોકો આપણને બાંયધરી આપે અને બ્રિટીશ કૉમનવેલ્થની અંદર આપણા સ્વશાસનની સમજૂતી માટે સંમત થાય તો જ શક્ય બને. આપણે આ શરતો સિવાય કોઈ એક કે બીજાને ટેકો ન આપી શકીએ. બન્નેમાંથી કોઈને આપણી જરૂર ન હોય તોએમને જે ફાવે તે કરે અને આપણે એમાં સંમત નહીં થઈએ. મને ખાતરી છે કે ૮ કરોડ (માણસો), ખાસ કરીને સંગઠિત થઈને ઊભા રહે તો તેઓ એમની અવગણના નહીં જ કરી શકે.

નૌરિયા કહે છે કે જિન્નાની ભાવિ વ્યૂહરચનાનાં બીજ આ સમયે જ વવાઈ ગયાં હતાં અને એ અમુક લેખકો દાવો કરે છે તેવું રાષ્ટ્રવાદી તો જણાતું નથી, બલ્કે, સદંતર જૂથવાદી અને ધર્મ-કોમ આધારિત છે. એમાં મુસ્લિમ કોમને દેશના સમગ્ર સમાજથી અલગ ગણવાનો પ્રયાસ છે અને જિન્ના જેને ‘બાંયધરી’ તરીકે ઓળખાવે છે તેના માટે અલગથી વાટાઘાટો ચલાવવાની વાત છે.

આમ, જિન્ના પાકિસ્તાન નહોતા માગતા એવા, આયેશા જલાલના દાવા સામે આ સ્વયં જિન્નાનો આ પત્ર જ મોટો પડકાર છે. પુસ્તક દેખાડે છે તેમ જિન્ના સાથે કોઈ નહોતું. આ પુસ્તક એ પણ દેખાડે છે કે યુક્ત પ્રાંતમાં પણ પાકિસ્તાનનું વિચારબીજ જિન્નાએ જ રોપ્યું અને તેઓ એમને તો કંઈ પણ આપી શકવાના નહોતા. એમની કોઈ પણ સ્કીમમાં મુસ્લિમોની લઘુમતી હોય એવા પ્રાંતોને તો સ્થાન જ નહોતું.

ઉપરાંત, પાકિસ્તાનનો વિચાર પણ બીજા કોઈને નહોતો આવ્યો. આ સંજોગોમાં એમની વકીલ તરીકેની કુશળતાને દાદ આપીએ તો પણ એટલું તો કહેવું જ પડશે કે પાકિસ્તાનનો વિચાર સૌથી પહેલાં એમને જ આવ્યો હતો અને એમણે પોતાના સાથીઓને પણ એ વિચારની આસપાસ એકઠા કર્યા. જો જિન્ના પાકિસ્તાન નહોતા ઇચ્છતા તો એમનું જીવન આજે પણ સૌ માટે એક પદાર્થપાઠ જેવું છે કે હાથનાં કર્યાં હૈયે વાગે જ છે. મુસ્લિમ લીગની જે નીતિઓ હતી તે જ નીતિઓ કોઈ પણ લાગુ કરે, પરિણામ તો એ જ રહેવાનું છે.

જિન્નાની બે રાષ્ટ્રોની નીતિ જોતાં એમ પણ કહી શકાય એમ નથી કે જિન્ના પોતે બિનસાંપ્રદાયિક હતા. જે જિન્ના ધર્મ અને કોમને નામે રાજકારણ ચલાવતા હોય તે જ, પાકિસ્તાન બન્યા પછી બધાને ધર્મની બાબતમાં સ્વતંત્રતા આપવાની વાત કરે તો સહેજે વિચાર આવે કે તમે જો પાકિસ્તાન બનાવ્યા પછી ધર્મની સ્વતંત્રતા આપી શકતા હો તો એક જ દેશ કે એક કેન્દ્ર નીચે મુસલમાનોને એ સ્વતંત્રતા નહીં મળે એમ દાવો કરી કેમ શક્યા? એ જ દાવાને કારણે તમે બીજાઓને સ્વતંત્રતા આપશો એવી ખાતરી પણ કેટલી વિશ્વસનીય ગણાય?

૦-૦-૦

હવે આવતી ૧૪મી તારીખ, સોમવારથી આપણે વેંકટ ધૂલિપાલાના પુસ્તકનો પરિચય મેળવશું. એમના અભ્યાસનો વિષય છે કે પાકિસ્તાન આંદોલનની યુક્ત પ્રાંત અને બિહારમાં કંઈ અસર હતી કે નહીં જલાલના પુસ્તકમાં તો એની ઝલક મળતી નથી, હવે આપણે ભારતના ભાગલા વિશેના બીજા પુસ્તકમાં આના વિશે જાણવા પ્રયત્ન કરશું.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : ૧૨ :

%d bloggers like this: