The Sole Spokesman: Jinnah, the Islam and the Demand for Pakistan–Ayesha Jalal (11)

The-Sole-Spokesman_Jinnah-the-Islam-and-the-Demand-for-Pakistan-1-Paperback.pngAyesha-Jalal-1_thumb.png

The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan

Author: Ayesha Jalal ǁ Publishers: Cambridge University Press

May 1994, Paperback, 336 pages ǁ ISBN: 9780521458504

બ્રિટિશ શાસનના છેલ્લા તેર મહિનામાં જિન્નાએ પોતાની વ્યૂહ રચનાને પડી ભાંગતી જોઈ. આયેશા જલાલ કહે છે કે જિન્ના એ પોતાને છીછરા કોમવાદથી ઉપર અને પોતાની દૄષ્ટિએ ભારતીય એકતા ટકાવી રાખવાના પ્રયત્નો કર્યા હતા. એમણે મુસ્લિમોને સંગઠિત કરવા અને એમના વચ્ચે એકમતી સ્થાપવા માટે ઘણા પ્રયાસ કર્યા, પરંતુ એમણે પોતાની આખી યોજના પોતાના જ સાથીઓથી છુપાવી રાખીને આ પ્રયાસ કર્યા. અંતે, કૅબિનેટ મિશને એમને પોતાનાં પત્તાં ખોલવા ફરજ પાડી. તે પછી ઓચિંતા જ મિશને નવી યોજના જાહેર કરી દીધી. વચગાળાની સરકારમાં સમાનતા મેળવવામાં પણ જિન્ના સફળ ન થયા. જિન્નાના એક સાથીએ એમને લખ્યું કે સંઘની કેન્દ્ર સરકાર જે રીતે બનતી હતી તેમાં લીગે માગેલી સમાનતા નહોતી અને “કુરાનના સોગંદ ખાઈને સાર્વભૌમ પાકિસ્તાન લેવાનો” નિર્ધાર જાહેર કર્યા પછી આવી સંઘ સરકારની તરફેણ કરવા લોકો સમક્ષ જઈ શકાય તેમ નહોતું. આ “કુરાનના સોગંદ” જેવું કંઈ જિન્નાના મનમાં નહોતું. સાચી જાણકારી વિનાનો મુસ્લિમ જનમત જાણે જિ્ન્નાનું વેર વાળતો હોય એવી સ્થિતિ ઊભી થઈ હતી. ‘નવા-એ-વક્ત’ અખબારે લખ્યું કે લીગે મિશનની ‘પાકિસ્તાન’ની દરખાત ૯૫ ટકા મતથી સ્વીકારી છે; હવે કૅબિનેટ મિશનની સુધારેલી લાંબા ગાળાની યોજના હેઠળ દસ વર્ષ પછી પાકિસ્તાન સ્વતંત્ર રાષ્ટ્ર બને એવો તબક્કો આવી ગયો છે.

કૅબિનેટ મિશનની યોજના પર કોંગ્રેસનો પ્રહાર

પરંતુ સમય દસ વર્ષ રાહ જોવાનો નહોતો. લીગ અને કોંગ્રેસ, બન્નેના નેતાઓ રેતાળ જમીન પર ઊભા હતા અને પગની નીચેથી રેતી સરકતી જતી હતી. દેશમાં કામદારોમાં અસંતોષ વધતો જતો હતો અને કોંગ્રે્સના ડાબેરી નેતાઓનું જોર વધતું જતું હતું, આથી જમણેરી નેતાઓ જલદી સત્તા હાથમાં લઈ લેવા તલપાપડ હતા. આથી કોંગ્રેસે લીગ પર હુમલો બોલવાની તૈયારી કરી લીધી. સ્વભાવે ડાબેરી,નવા કોંગ્રેસ પ્રમુખ જવાહરલાલ નહેરુ જમણેરી પાંખના પ્રવક્તા બન્યા. એમણે ૧૯૪૬ની ૧૦મી જુલાઈએ કૅબિનેટ મિશન પર આકરા પ્રહારો કરીને જે મુસલમાનો પોતાના જ નેતાનાં ઉદ્દંડ અને તીખાં નિવેદનોથી “પાકિસ્તાન તો હાથમાં આવી ગયું” એવી આશામાં રાચતા હતા તેમને આંચકો આપ્યો. નહેરુએ કહ્યું કે કૅબિનેટ મિશનની યોજનામાં કોંગ્રેસ પોતાની રીતે ફેરફાર કરવા સ્વતંત્ર છે…મિશને દસ વર્ષ પછી ભારતવાસીઓએ શું કરવું તે નક્કી કરવા માટે પોતાને પાત્ર માન્યું તે અકલ્પનીય છે. એમણે કહ્યું કે કોંગ્રેસ બધા પ્રાંતોના હિતોની ચિંતા કરે છે. ‘ગ્રુપિંગ’ની યોજના (જેમાં સિંધ, વાયવ્ય સરહદ પ્રાંત અને પંજાબ પશ્ચિમી ગ્રુપમાં હતાં)નો વિરોધ કરતાં નહેરુએ કહ્યું કે ગ્રુપિંગમાં તો સિંધીઓ અને પઠાણો્ને પંજાબ દબાવી દેશે. તે ઉપરાંત, કોંગ્રેસ આસામને તો પૂર્વના ગ્રુપમાં બંગાળ સાથે કદી જવા દેશે નહીં.

આ નિવેદન પછી પંજાબ અને બંગાળના મુસ્લિમ નેતાઓ પણ ભડક્યા કારણ કે એમને જે સ્વાયત્તતાની આશા હતી તેના પર પણ નહેરુએ પાણી ફેરવી દીધું. જિન્ના અલગતાવાદી હવા ફેલાવ્યા પછી હવે મજબૂત કેન્દ્રની કૅબિનેટ મિશનની યોજનાને મંજૂરી અપવાની દિશામાં ધીમે ડગલે આગળ વધતા હતા ત્યાં તો નહેરુએ કોંગ્રેસ વતી કૅબિનેટ મિશનની ટીકા કરી. આથી જિન્નાના અનુયાયીઓએ એમને એમના જૂના રસ્તે જ ઝકડી લીધા. પરંતુ પહેલાંનું હઠીલું વલણ તો માત્ર સોદાબાજી હતું. કોંગ્રેસે પોતાના કાર્યકરોની માંગને અનુરૂપ પોતાનું વલણ બદલ્યું પણ તે સાથે જિન્નાની પોતાનો વ્યૂહ લાગુ કરવાની આઝાદી ઝુંટવી લીધી.

બ્રિટને પણ સાથ છોડ્યો

બ્રિટને વચગાળાની સરકાર બનાવવાનું નક્કી કરી લીધું હતું એટલે હવે જિન્ના પર ત્રણ બાજુએથી દબાણ આવ્યું: એક બાજુથી કોંગ્રેસ, બીજી બાજુથી એમના સાથીઓ અને ત્રીજી બાજુએથી બ્રિટિશ હકુમત. બ્રિટને કહી દીધું કે વચગાળાની સરકારમાં બધા મુસ્લિમોને જિન્ના જ નીમે એવી શરત માનવા એ તૈયાર નથી. વાઇસરૉયે સરકારની રચના જાહેર કરી તેમાં કોંગ્રેસના ૬ સભ્યો હતા, જેમાં એક દલિતનો પણ સમાવેશ થતો હતો. મુસ્લિમ લીગને પાંચ સભ્યો મળ્યા. ત્રણ સભ્યોમાં લઘુમતીના પ્રતિનિધિઓને લેવાના હતા, જેમાં એક શીખને લેવાનો જ હતો. આમ કોંગ્રેસ પણ કોઈ મુસલમાનને નીમી શકે એવી સ્થિતિ ઊભી થઈ. જિન્ના માટે લીગને સરકારમાં લાવવાનું શક્ય પણ ન રહ્યું.

વાઇસરૉય વૅવલે કોંગ્રેસ અને લીગને સંદેશો મોકલ્યો કે ‘કાર્યમાં સ્વતંત્રતા’ અને ‘મજબૂત સરકાર’ એ એમના ઉદ્દેશ હતા. તે સાથે જ એણે લંડનને પણ પત્ર લખીને જણાવ્યું કે લઘુમતેઓને આપેલાં વચનો દોહરાવવાની અને કોંગ્રેસ જ દેશની એકમાત્ર પ્રતિનિધિ નહીં, એ કહેવાની જરૂર છે; પરંતુ લંડનમાં સરકાર એવું કશું જ કહેવા તૈયાર નહોતી.

જિન્ના બ્રિટન એમને બચાવી લેશે એવી આશામાં રહ્યા. હવે એ કોંગ્રેસ અને લીગની સમાનતાના દાવાને પડતો મૂકીને વચગાળાની સરકારમાં આવવા તૈયાર થઈ ગયા. એમણે મુંબઈમાં લીગની કાઉંસિલની બેઠક બોલાવી અને બ્રિટિશ હકુમત પર ‘કોંગ્રેસના હાથમાં રમી જવાનો” આક્ષેપ કર્યો. એમણે નહેરુના ‘બાલિશ નિવેદન”ની ટીકા કરી અને કહ્યું કે એના કારણે લીગને પાકિસ્તાન માટેની પોતાની મૂળ માગણી પર પાછા જવાની ફરજ પડે છે.

જિન્નાની નિરાશા

હજી પણ જિન્ના એ કહી શકે તેમ નહોતા કે ‘પાકિસ્તાન’ એટલે શું? હવે એમને પોતાનો પણ ભરોસો રહ્યો નહોતો. એમને આગળનો રસ્તો દેખાતો નહોતો. “તમે મારા ગળે કોઈ નિર્ણય ઠાંસી દો તે ભલે, તે સિવાયના ભવિષ્યના કોઈ પણ નિર્ણય”માંથી એમણે પોતાના હાથ પાછા ખેંચી લીધા. આ એક ‘કાયદ’ (નેતા)ના શબ્દો નહોતા, ખીણની ધારે ઊભેલા એક લાચાર માણસના શબ્દો હતા. પરંતુ સીંદરી બળે પણ વળ ન મૂકે તેમ એમણે એ પણ કહ્યું કે લીગે કૅબિનેટ મિશનની યોજના સ્વીકારી તેમાં કંઈ ખોટું નહોતું. દસ વર્ષ રાહ જોવા તૈયાર થયા તેમાં તો લીગની રાજકીય દૂરદર્શિતા હતી.

એમણે હજી પણ રસ્તો ખુલ્લો રાખવાનો પ્રયાસ કર્યો; લીગે જે ઠરાવ પસાર કર્યો તેમાં માત્ર વચગાળાની સરકારના સ્વરૂપને નામંજૂર કરવામાં આવ્યું જેથી કોઈ રસ્તો નીકળે તો સરકારમાં જઈ શકાય. જિન્ના્ની કુશળતાઓ માત્ર મંત્રણાઓ માટે હતી અને તેઓ એ રસ્તે પછા જવા માગતા હતા. લીગે ‘ડાયરેક્ટ ઍક્શનનો ઠરાવ પણ કર્યો હતો, પરંતુ વાટાઘાટોમાં પાવરધા જિન્ના માટે એ પ્રાથમિકતાનો વિષય નહોતો. જો કે, સિંધના મુખ્ય મંત્રીના મત મુજબ જિન્નાએ ડાયરેક્ટ ઍક્શન લેવું જ પડે તેમ હતું, ભલે ને એ બહુ જ હળવું હોય. જિન્ના એમ ન કરે તો આવેશ એવો હતો કે જિન્ના બાજુએ હડસેલાઈ જાય.

જિન્નાએ તે પછી વાઇસરૉયને કહી દીધું કે એમની વર્કિંગ કમિટી વચગાળાની સરકારમાં આવે તેવી શક્યતા નથી. સરકારની દરખાસ્તો કોંગ્રેસને ખુશ કરવા માટે ઘડેલી છે.

વૅવલ જિન્નાને બરાબર સમજતો હતો કે પાકિસ્તાનની માગણી માત્ર સોદાબાજી માટે હતી. તે ન માનો તો ડાયરેક્ટ ઍક્શનની ધમકી પણ હતી, જેની કોમી સ્થિતિ પર બહુ ખરાબ અસર પડે તેમ હતી. આમ છતાં વૅવલને જિન્ના પાસેથી એના વિશે ખુલાસો માગવાનું જરૂરી ન લાગ્યું. વૅવલને લાગ્યું કે કોંગ્રેસ થોડી ઉદારતા દેખાડશે, પણ એવું ન થયું.

દરમિયાન કલકત્તામાં કોમી તંગદિલી વધતી જતી હતી. યુક્ત પ્રાંત ઊકળતો હતો. વૅવલને લાગ્યું કે કોંગ્રેસનાં જલદ તત્ત્વોને દબાવવાની જવાબદારી કોંગ્રેસ પર નાખવી એ જ એક ઉપાય છે. કોંગ્રેસ વહીવટમાં વ્યસ્ત થઈ જશે તો એનું ધ્યાન રાજકારણ પરથી હટી જશે. ખાસ કરીને સરદાર પટેલને લાગતું હતું કે કોંગ્રેસની અંદરનાં જલદ તત્ત્વોને દબાવીને જમણેરીઓના હાથ મજ્બૂત બનાવવા હોય તો સત્તા સંભાળ્યા વિના ચાલે એમ જ નહોતું. નહેરુને સરકાર બનાવવામાં ખંચકાટ હતો પણ જમણેરીઓએ વર્કિંગ કમિટીમાંથી રાજીનામાં આપી દેવાની ધમકી આપતાં નહેરુ પણ સંમત થઈ ગયા.

વચગાળાની સરકાર

છઠ્ઠી ઑગસ્ટે વાઇસરૉયે કોંગ્રેસને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું વર્કિંગ કમિટીએ આમંત્રણ સ્વીકાર્યું પરંતુ તે પહેલાં વાઇસરૉયને વલ્લભભાઈની ઘણીખરી માગણીઓ સ્વીકારવી પડી. સવાલ એ હતો કે લીગ માટેની સીટો ખાલી રહેશે તેનું શું કરવું. સરદાર પટેલે કહ્યું કે એ પાંચ સીટો માટે જિન્નાને આમંત્રણ આપવું કે નહીં તે નિર્ણય કોંગ્રેસ પ્રમુખ પર છોડી દેવો. વાઇસરૉય પાસે એ સ્વીકાર્યા સિવાય કોઈ રસ્તો જ નહોતો.

૧૫મી ઑગસ્ટ ૧૯૪૬ના રોજ નહેરુ જિન્નાને મળ્યા અને સરકારમાં આવવાનું આમંત્રણ આપ્યું. એમણે ખાતરી આપી કે બન્ને પક્ષોની સંમતિ વિના કોઈ મોટા કોમી સવાલ પર નિર્ણય નહીં લેવાય અને ગ્રુપિંગ વગેરે મુદ્દા ફેડરલ કોર્ટને સોંપી દેવાશે. પરંતુ જિન્નાએ આ દરખાસ્તોનો અસ્વીકાર કર્યો.

ડાયરેક્ટ ઍક્શન

પછી જે થયું તેવું જિન્ના કદી પણ ન ઇચ્છે. એમના ડાયરેક્ટ ઍક્શને તે પછી ૧૬મીથી ૨૦મી ઑગસ્ટ વચ્ચે કલકત્તામાં કાળો કેર વર્તાવ્યો. બંધારણવાદી જિન્ના પાસે આ સ્થિતિને શી રીતે શાંત પાડવી તેનો ઉપાય નહોતો. એમણે મુસ્લિમોને શાંત રહેવા અપીલ કરી પરંતુ કલકત્તાના ગુંડાઓ પર એમનું કંઈ ચાલતું નહોતું. એમની સ્થિતિ કિંગ કેન્યૂટ જેવી હતી, ઉત્તરી સમુદ્રનાં મોજાંઓને કેન્યૂટે હુકમ આપ્યો પણ મોજાં એની વાત ક્યાં સાંભળવાનાં હતાં? જિન્નાની અપીલ પણ ધાર્મિક ઉન્માદે ચડેલાં ટોળાંઓ પર. પીરો અને મુલ્લાઓ પર કશી અસર ન કરી શકી.

કોંગ્રેસ હવે વાઇસરૉયને બાજુએ મૂકીને લંડન સાથે સીધો જ વ્યવહાર કરતી હતી. વાઇસરૉયે લંડનમાં ફરિયાદ કરી કે તમારી સરકારના અમુક સભ્યો મારી પીઠ પછવાડે કોંગ્રેસ સાથે કોઈ એજન્ટ મારફતે સંપર્ક રાખતા હોય તો ભારતમાં જે કંઈ બનતું હોય તેના માટે પોતે જવાબદાર નથી.

લંડનમાં વાઇસરૉય વૅવલને બરતરફ કરવાનાં ચક્રો ગતિમાન થયાં, જિન્નાની દુનિયા જમીનદોસ્ત થઈ ગઈ અને કોંગ્રેસે નવી વ્યવ્સ્થા સ્થાપવાની શરૂઆત કરી દ્દીધી. બીજી સપ્ટેમ્બરે કોંગ્રેસે સત્તા સંભાળી લીધી અને લીગ માટેની અનામત જગ્યાઓ કોંગ્રેસતરફી મુસ્લિમોથી ભરી દીધી.

ગાંધીજીના પ્રયાસ

આમ છતાં, જિન્નાને સરકારમાં લાવવાના પ્રયાસ ચાલુ રહ્યા. લેખિકા માને છે કે ગાંધી-જિન્ના વાટાઘાટો સફળ રહી હોત પરંતુ ગાંધીજીએ નહેરુ અને પટેલને સાથે લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે વાટાઘાટો તૂટી પડી.

ગાંધીજીએ સૂચવ્યું કે, કોંગ્રેસ એમ સ્વીકારે કે મુસ્લિમ લીગ બહુમતી મુસ્લિમોની પ્રતિનિધિ સંસ્થા છે; (એટલે કે બધા મુસ્લિમોની નહીં); એનો અર્થ એ પણ ખરો કે કોંગ્રેસ જેને ધારે તેને (મુસ્લિમને પણ) વચગાળાની સરકારમાં નીમી શકે. જિન્નાએ આ ફૉર્મ્યૂલા સ્વીકારી. પરંતુ નહેરુ અને પટેલે એનો અસ્વીકાર કર્યો. તે પછી ગાંધીજીએ નહેરુ અને પટેલને મનાવવા માટે એમાં ઉમેરો કર્યો કે બન્ને પક્ષો એક ટીમ તરીકે કામ કરે અને કોઈ પણ સંજોગોમાં વાઇસરૉય કે કોઈ બીજી સત્તાને વચ્ચે ન આવવા દે. જિન્નાને મન વાઇસરૉય જ એમનો બચાવ કરી શકે. એમણે વાઇસરૉયને દૂર રાખવાની આ શરત ન માની.

જો કે ૧૩મી ઑક્ટોબરે જિન્નાએ જાહેર કર્યું કે લીગ સરકારમાં આવશે કારણ કે લીગ ભાગ ન લે તો કેન્દ્ર સરકારનો સમગ્ર વહીવટ કોંગ્રેસના હાથમાં સોંપી દેવા જેવું થશે. ૨૬મી ઑક્ટોબરે લીગના પ્રધાનો “જેનો ઉલ્લેખ કરવાની ભાગ્યે જ જરૂર હોય તેવાં કેટલાંક કારણોસર” સરકારમાં જોડાયા.

જિન્નાએ જે કંઈ માગ્યું હતું તેમાંથી કશું ન મળ્યું. કોંગ્રેસ-લીગ સમાનતા, મુસ્લિમ પ્રતિનિધિત્વ પર ઇજારો, મુસ્લિમોને લગતી બાબતોમાં વીટોનો અધિકાર, પ્રધાનો માટે મનગમતાં ખાતાં –કંઈ જ ન મળ્યું. બસ, એક શિડ્યૂલ્ડ કાસ્ટના પ્રતિનિધિને લીગ વતી નીમવાની સ્વતંત્રતા મળી, તે સિવાય કંઈ જ નહીં.

નોઆખલી અને બિહારમાં મોતનું તાંડવ અને જિન્ના સામેની સમસ્યાઓ

એ જ ટાંકણે બંગાળમાં નોઆખલીમાં મુસલમાનોએ હિન્દુઓની કતલેઆમ શરૂ કરી દીધી હતી. બંગાળમાં સુહરાવર્દી માટે આ આગ ઓલવવાનું બહુ મુશ્કેલ થઈ ગયું. મુસલમાન ગુંડાઓએ હિન્દુઓના વેપારનો બહિષ્કાર કરાવ્યો, એમની દુકાનો બાળી નાખી અને ઠેર ઠેર મોતનું તાંડવ મચાવી દીધું.

કોંગ્રેસે આક્ષેપ કર્યો કે લીગે સરકારમાં આવતાંવેંત જ આ રમખા્ણો કરાવ્યાં. એ ઓછું હોય તેમ, એક લીગર પ્રધાને તો કહ્યું કે ડાયરેક્ટ ઍક્શનનું એક નિશાન કેન્દ્ર સરકાર જ છે. આના પરથી સરદાર પટેલે વૅવલને સીધો જ સવાલ પૂછ્યો કે ભાગલાને બદલે લાંબા ગાળાની યોજના (દસ વર્ષ સુધી ફેડરેશનમાં રહેવાની યોજના)ને સ્વીકાર્યા પછી શું હવે ફરી ભાગલા પડાવવા માટે વચગાળાની સ્રરકારનો ઉપયોગ રાજકીય દાવપેચના અખાડા તરીકે થવાનો છે? કોંગ્રેસે લીગ અને વાઇસરૉય પર બંધારણસભાની બેઠક બોલાવવાનું દબાણ કર્યું કે જેથી લીગને સત્તામાં આવવાની કિંમત ચુકવવી પડે – એટલે કે લીગ ભાગલાનો ઠરાવ રદ કરે અને બંધારણસભામાં જોડાય. વૅવલને આ વાત સાચી લાગી. એણે જિન્નાને કહ્યું કે લાંબા ગાળાની યોજનાનો સ્વીકાર કરવાથી જ લીગ સરકારમાં આવી શકી છે. જિન્ના લંડન ભણી મોઢું તાકતા રહ્યા. પહેલાં ગ્રુપિંગની યોજના પાકે પાયે સ્થાયી થઈ જાય તે પછી જ જિન્ના લીગને બંધારણસભામાં લાવવા માગતા હતા. જિન્નાનો તર્ક સ્વીકાર્યા છતાં વૅવલે એમને કહી દીધું કે ભારતની ઘટનાઓ કે બંધારણ સભાની કાર્યવાહી પર લંડન પ્રભાવ પાડી શકે તેમ નથી અને બંધારણ સભાનું કામકાજ નવમી ડિસેમ્બરે શરૂ થઈ જશે. જિન્નાએ જવાબ આપ્યો કે લંડનની સરકાર મદદ કરી શકે તેમ ન હોય તો અમને અમારા નસીબને ભરોસે છોડી દો.

લીગમાં પણ જિન્ના સામે હવે ઉઘાડેછોગ પ્રશ્નો પુછાતા હતા કે તેઓ કરવા શું માગે છે. લીગના સભ્યો કહેવા લાગ્યા કે “તમારા સાથીઓએ માત્ર પ્રધાનપદાં ભોગવવા માટે અમારો દુરુપયોગ કર્યો છે.” બીજી બાજુ, કોંગ્રેસમાં પણ નોઆખલીની ઘટનાઓ પછી લીગના સરકારમાં પ્રવેશ સામે ઉહાપોહ હતોઃ “નહેરુ અને પટેલ વચગાળાના સમયમાં પણ ૪૦ કરોડ માટેનું બંધારણ બનાવી શકતા નથી તો બીજા એકસો ને એક સવાલો આવશે ત્યારે શું કરશે?”

જયપ્રકાશ નારાયણે બિહારમાં લીગ સામે આંદોલન છેડી દીધું અને પોલીસને સરકારના હુકમો ન માનવા હાકલ કરી. હિન્દુ મહાસભાએ પણ બળતામાં ઘી હોમ્યું. બિહાર ભડકે બળી ઊઠ્યું. નોઆખલીમાં હિન્દુઓ મુસલમાનોના ઝનૂનનો ભોગ બન્યા તો બિહારમાં મુસલમાનો હિન્દુઓનું નિશાન બન્યા.

બીજી કેટલીક નાની વાતો પણ હતી. લિયાકત અલી ખાન નહેરુને નેતા માનવા તૈયાર નહોતા અને એમની ટી-પાર્ટીઓમાં જવા પણ તૈયાર નહોતા. માત્ર ૯૬ કલાક સાથે રહ્યા પછી કોંગ્રેસે કહી દ્દીધું કે આપણે સાથે કામ કરી શકીએ તેમ નથી. બીજી બાજુ પટેલે નોઆખલીની ઘટનાઓને કારણે બંગાળની લીગ મિનિસ્ટ્રીને બરખાસ્ત કરવાની માગણી કરી. જિન્નાને વૅવલ કંઈક કરશે એવી આશા હતી પણ હવે વૅવલની સ્થિતિ બહુ નબળી પડી ગઈ હતી. બ્રિટન સરકાર કોંગ્રેસને ટેકો આપવા માગતી હતી. બીજી બાજુ લીગે નક્કી કરી લીધું કે સરકારમાં એ નકારાત્મક કામ કરશે. સામે પક્ષે કોંગ્રેસે લીગને ચીમકી આપી દીધી કે કાં બંધારણસભામાં આવો, કાં તો વચગાળાની સરકાર છોડો. નહેરુએ કહ્યું કે લીગ બન્નેમાંથી કંઈ પણ નહીં કરે તો પોતે રાજીનામું આપી દેશે. લીગ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે એક મીટિંગ તો મળી, પણ અંતે નવમી ડિસેમ્બરે લીગ વિના જ બંધારણ્સભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ. જિન્ના એકલા પડી ગયા હતા.

કોંગ્રેસ દ્વારા ભાગલાનો સ્વીકાર

વૅવલ લંડનના કોંગ્રેસતરફી વલણથી નારાજ હતો. એ લંડનમાં જ હતો ત્યારે ૧૮મી ડિસેમ્બરે ઍટલીએ લૉર્ડ માઉંટબૅટનને વાઇસરૉય તરીકે ભારત મોકલવાની ઑફર કરી. ૨૦મી ફેબ્રુઆરીએ ઍટલીએ જાહેરાત કરી કે ભારતને ૨૦મી જૂન પહેલાં આઝાદ કરી દેવાશે. ૧૯૪૭ના માર્ચની આઠમી તારીખે કોંગ્રેસ વર્કિંગ કમિટીએ પંજાબના ભાગલાની માગણી કરી અને નહેરુએ સ્પષ્ટતા કરી કે જરૂરી બનશે તો બંગાળ માટે પણ એ જ સિદ્ધાંત લાગુ કરાશે. કોંગ્રેસે આમ ભાગલાનો સિદ્ધાંત સ્વીકાર્યા પછી જિન્ના માટે એક જ રસ્તો બચ્યો હતો. કાં તો ભાગલા સ્વીકારે અને કાં તો સંઘ સરકારમાં પાછા ફરે.

માઉંટબૅટનના આવ્યા પછીનું રાજકારણ બહુ જટિલ છે. એ તીવ્ર રાજકીય વિચાર વિનિમયનો સમય હતો. જિન્ના હજી પણ પંજાબ અને બંગાળના ભાગલા ન પડે તે માટે મથતા રહ્યા પરંતુ ભારતનું ભાવિ નક્કી થઈ ગયું હતું. દેશના બે ટુકડા થઈ ગયા. બન્ને બાજુથી શરણાર્થીઓનો પ્રવાહ શરૂ થઈ ગયો અને લાખોનાં રક્તથી રંગાયેલા ભારત અને પાકિસ્તાન એવા બે દેશો નક્શા પર અંકિત થઈ ગયા. જિન્ના ‘કપાયેલું’ પાકિસ્તાન લઈને છુટા પડ્યા.

૦-૦-૦

નોંધઃ

આયેશા જલાલના પુસ્તકનો પરિચય આજે અહીં સમાપ્ત કરીએ છીએ. આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે. મને અફસોસ છે કે The Sole Spokesmanમાં ઘણી સિલસિલાવાર હકીકતો છે જે આપી શકાઈ હોત પરંતુ મારે ઘણું છોડવું પડ્યું છે. વળી પુસ્તકનો પરિચય આપવાનો હેતુ જ એ છે કે આપણે આપણા ઇતિહાસનાં મહત્ત્વનાં સીમાચિહ્નોથી પરિચિત થઈએ અને કદાચ વધુ રસ પડે તો મૂળ પુસ્તક વાંચવાની ઇચ્છા પણ થાય. એવું થશે તો હું મારો પ્રયત્ન સાર્થક માનીશ.

આમ છતાં પુસ્તકનો મૂળ સૂર ફરી સાધવા માટે થોડું વિવેચન પણ જરૂરી છે. એ હવે પછીના પુસ્તકને પણ યોગ્ય સંદર્ભમાં મૂકવામાં ઉપયોગી થશે એમ લાગે છે, એટલે, પરમ દિવસે, બુધવારે નવમી તારીખે The Sole Spokesmanનાં લેખિકા આયેશા જલાલના દૃષ્ટિબિંદુની ચર્ચા કરીશું.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : ૧૧ :

%d bloggers like this: