A wonderful experience

શીર્ષકમાં ‘અદ્‌ભુત’ શબ્દ વાંચીને કદાચ કંઈક આધ્યાત્મિક અનુભવ વિશે વાંચવા મળશે એવી ધારણા બની હોય તો માફ કરશો. આ અનુભવ તદ્દન સાંસારિક છે, પરંતુ એને કારણે એક નવું સત્ય દેખાયું તેથી જ એને હું ‘અદ્‌ભુત’ કહું છું. ઘરેથી અમે બન્ને પતિપત્ની બજાર જવા નીકળ્યાં અને સાઇકલરિક્શામાં બેઠાં. રિક્શાવાળો સરદાર હતો. આ પહેલી નવાઈ હતી. સરદાર રિક્શા ન ચલાવે. સરદારન ભીખ માગતો પણ જોવા ન મળે! આ પહેલું આશ્ચર્ય હતું વર્ષો પહેલાં હું અને મારા એક સરદાર મિત્ર બસ સ્ટૅન્ડ પર ઊભા હતા ત્યારે એક સરદારજી આવ્યા અને હાથ લંબાવ્યો. મારા મિત્રને હાડોહાડ અપમાન લાગી ગયું એમણે કહ્યું, “સરદાર હોકર ભીખ માંગતે શર્મ નહીં આતી? ખાના નહીં મિલતા તો જાઓ ગુરદ્વારે, વહાં લંગર મેં ખા લેના”. મારી સામે જોઈને બોલ્યા, “પૂરી કૌમ કા નામ ખરાબ કરતા હૈ.” આ પહેલો અને એકમાત્ર પ્રસંગ છે, જેમાં એક શીખને ભીખ માગતો જોયો. તે પછી આટલાં વર્ષોમાં પહેલી વાર એક સરદારને સાઇકલ રિક્શા ચલાવતાં જોયો. સરદાર ઑટોરિક્શા ચલાવે પણ સાઇકલરિક્શા નહીં. એ યૂ. પી, બિહાર અને બંગાળના ગરીબોનું કામ. પરંતુ આ સરદાર દલિતમાંથી સરદાર બન્યો હશે, મૂળ પંજાબનો જાટ નહીં હોય, નહીંતર આ ધંધો ન કરે. હિન્દુ સમાજની એક ભયંકર વિષમતાનો તરત ખ્યાલ આવ્યો. દલિત તરીકે એ પોતાનું સ્વમાન નહીં જાળવી શક્યો હોય એટલે જ શીખ બની ગયો હશે ને?

બેઠા પછી અમારા વચ્ચે વાતવાતમાં એક પ્રસંગ નીકળ્યો. મારાં પત્નીએ રસ્તામાં જ કોઈને જોરથી બોલતાં સાંભળ્યોઃ “બહુત અંગ્રેઝી ઝાડ રહા થા”. રિક્શા તો આગળ નીકળી ગઈ, પણ મારાં પત્નીએ એના પરથી કહ્યું કે જેને અંગ્રેજી ન આવડતી હોય એવા લોકોનો જ આ કૉમ્પ્લેક્સ હોય છે. સામી વ્યક્તિ અંગ્રેજી બોલતી હોય તો એનું નીચું દેખાડવા માટે બધા હિન્દીપ્રેમી થઈ જતા હોય છે.

અમારા વચ્ચે આ વાત ચાલતી હતી ત્યાંતો રિક્શાવાળો સરદાર બોલ્યો, આપ અંગ્રેઝી-હિન્દી કી બાત કર રહે હૈં ન? પછી એ પોતાનો અભિપ્રાય વિગતવાર કહેવા લાગ્યો જે અહીં ગુજરાતીમાં જ રજૂ કરું છું. એણે કહ્યું, આ અંગ્રેજી, હિન્દી કંઈ નથી. આ ભાષા આવડે છે અને આ નથી આવડતી એવી આપણે વાત કરીએ છીએ પણ કોઈ પણ ભાષા પૂરી નથી. એટલે જ આપણા વચ્ચે ગેરસમજ થયા કરતી હોય છે.

એણે આગળ કહ્યું, ભાષા તો આપણે બનાવી પણ ‘શબદ’ પહેલાં જ હતો. એજ ‘શબદ’ને આપણે ફેરવી ફેરવીને બોલીએ છીએ. “હમ બચ્ચે કો A for Apple સિખાતે હૈં લેકિન વહ A તો ‘ઍ’ રહતા નહીં. વહ ‘આ’ ભી બન જાતા હૈ… ક્યોંકિ વહ હમારા બનાયા હુઆ હૈ. પછી ઓચીંતું એણે મને પૂછી નાખ્યું: “ ’ક’ ઔર ‘ખ’મેં ક્યા ફર્ક હૈ?” મને મઝા પડી. મેં કહ્યું “તુમ બતાઓ.” એ બોલ્યો. ક ઔર ખ મેં કોઈ ફર્ક નહીં. પછી ઉમેર્યું, પાંચ વર્ગ છે. ‘ક’ પણ વર્ગ છે. એની સાથે બીજા ચાર ધવનિ (ધ્વનિ) હોય છે…વૈસે હી ‘ચ’ કે સાથ હોતે હૈં…’ક’ના સાથી બધા મૂળ તો ‘ક’ જ છે. આ ધ્વનિ મૂળ છે. એ કેમ બન્યા? કારણ કે ‘શબ્દ’ પહેલાં આવ્યો….’શબ્દ’ પહેલાં છે એમ સમજી લો તો ભાષા માટે ઝઘડા નહીં કરો. બધા ઝઘડા ભાષા કરાવે છે, ‘શબ્દ’ નહીં….

અમારે ઊતરવાનું હતું. મેં એનું નામ પૂછ્યું. એણે કહ્યું, “રાજેશ્વર” આવું નામ સરદારનું ન હોય એટલે પાકું થયું કે એ હાલમાં જ શીખ થયો હશે. મેં પૂછ્યું, કહાં સીખે હો, ઐસી બાતેં?” એણે કહ્યું કે ગુરુદ્વારામાં એને બધું શીખવા મળે છે.

આ એક નવી વાત હતી. એક સામાન્ય લાગતો માણસ, ભલે ધર્મને કારણે, ધાર્મિક માન્યતાને કારણે, શીખ્યો, પરંતુ એ જે શીખ્યો તે તો ભાષાવિજ્ઞાનનો પહેલો પાઠ હતો. આશ્ચર્ય એ વાતનું હતું કે એક રિક્શા ચલાવનાર આ બધું સમજતો હતો. મને નથી લાગતું કે આપણે ત્યાં ક્રમસર બરાબર કક્કો-બારાખડી ભૂલ વગર બોલી શકનારની સંહ્યા બહુ મોટી હશે. ‘ક’ અને ‘ખ’ વચ્ચેનો ફેર અને સમાનતા કેટલા જાણતા હશે? આપણાં મંદિરોમાં આવું કેમ નહીં શીખવાડતા હોય?

અને બીજું, આપણે પણ ભીખારીઓને જોઈએ છીએ; એમને દાન પણ આપીએ છીએ પણ મારા મિત્રની જેમ કદી કહ્યું છે, “હિન્દુ હોકર ભીખ માંગતે શર્મ નહીં આતી? કોઈ આપણી પાસે ભીખ માગવા આવે તો આપણે હાડોહાડ અપમાન અનુભવીએ છીએ કે આ ’હિન્દુ’ ભીખ માગે છે –પૂરી કૌમ કા નામ ખરાબ કરતા હૈ, એમ વિચાર આવ્યો છે? એવું કોઈ મંદિર તમારા શહેર કે ગામમાં છે કે જ્યાં કશા જ ભેદભાવ વિના કોઈ પણ માણસ જઈને બપોરે કે સાંજે ભોજન કરી શકે? વીરપુર કે શીરડી સિવાય? કોઈ પણ નાનાં ગુરુદ્વારામાં જાઓ. ‘લંગર’ તો હશે જ.

આપણી પરંપરાઓમાં આવી દુન્યવી વાતોને કેમ જોડવામાં નથી આવી? મંદિરોમાં જનારાને અંધશ્રદ્ધાળુ કહેવામાં આવે છે. આમ છતાં મંદિરોમાં જનારાની સંખ્યા ઘટતી જોવા નથી મળી. ઉલટી, વધતી ગઈ છે. આ લોકોને સામાજિક સેવા અને શિક્ષણને લગતાં કામો સાથે મંદિરને જોડવાની સલાહ આપી શકાય?

સાઇકલરિક્શાવાળા સરદાર સાથેની વાતચીતનો અનુભવ વિચારપ્રેરક રહ્યો એટલે જ એને ‘અદ્‌ભુત’ ગણાવું છું.

ંંંંંં

Advertisements

2 thoughts on “A wonderful experience”

  1. ભાષાવિજ્ઞાન કે એવું કશું ભણ્યા વિના સરદારજી કેટલી મોટી વાત કહી ગયો. ‘શબદ’ જ પહેલાંં છે, ભાષા તો પછી અને ભાષના ભેદબાવવ તો પછી. મજા આવી ગઈ.
    વીનેશ

    ________________________________

    1. ખરેખર તો એણે હિન્દી/અંગ્રેજીનું પૂછ્યું ત્યારે કલ્પના નહોતી કે એ આવી વાત કરશે. એણે જ્યારે કહ્યું કે’શબ્દ’ સૌથી પહેલાં છે, ત્યારે પણ હું ગુરુ ગ્રંથસાહેબ (જેને પંજાબીઓ શબદ કહે છે)સમજ્યો પણ ભાષા પછી આવી, એમ કહ્યું ત્યારે થયું કે આ તો ધ્યાન આપવા જેવી વાત કરે છે. તેમાં પણ ક-વર્ગ વગેરે અને ‘ક’ અને ‘ખ’ વચ્ચે ફેર નથી એમ બોલ્યો ત્યારે અમારે ઊતરવાનું હતું. એની સાથે હાથ મિલાવીને છૂટો પડ્યો. રિકશા અને ઑટો રિક્‍શાવાળાઓ સાથે વાતો કરવાની ટેવ જેવું થઈ ગયું છે. આપણે ચમકી જઈએ એવી તો ઘણી વાતો જાણવા મળતી હોય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s