The Sole Spokesman: Jinnah, the Islam and the Demand for Pakistan–Ayesha Jalal (10)

The-Sole-Spokesman_Jinnah-the-Islam-and-the-Demand-for-Pakistan-2_thumb.pngAyesha-Jalal-2_thumb.jpg
The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan
Author: Ayesha Jalal ǁ Publishers: Cambridge University Press
May 1985, Hardcover ǁ ISBN 0521244625 (ISBN13: 9780521244626)

જિન્નાના મનમાં શું હતું?

આમ જોઈએ તો બન્ને સ્કીમો એવી હતી કે જિન્નાને પસંદ આવવી જોઈતી હતી, જો કે બન્નેમાં જિન્નાને સંપૂર્ણ સંતોષ થાય એવું તો નહોતું, તેમ છતાં સ્કીમ B માં એમને જે પાકિસ્તાન મળતું હતું તેની સરખામણીએ સ્કીમ Aનું ફેડરેશન એમને વધારે અનુકૂળ હતું. પરંતુ જિન્ના પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપ્યા વિના જ વધારે સોદો કરવા માગતા હતા. બીજી બાજુ, કૅબિનેટ મિશને એમને જે પાકિસ્તાન આપ્યું હતું તે પણ એમના માટે તો “એક કદમ આગે” જેવું હતું, કારણ કે હવે એ પાકિસ્તાન અવાસ્તવિક નહોતું, જેના માટે રસ્તે ચાલતો મુલ્લા એમ વિચારે કે આ તો શેખચલ્લીના તુક્કા જેવું છે. હવે જિન્ના દેખાડી શકે તેમ હતા કે પાકિસ્તાન ખરેખર મળી શકે છે. પરંતુ એમની કલ્પનાના પાકિસ્તાનમાં પંજાબ અને બંગાળ અવિભાજિત રહે તેનો પણ લાભ લેવાનો સમાવેશ થતો હતો. વળી, હિન્દુસ્તાનમાં પાછળ રહી ગયેલા મુસલમાનોના રક્ષણની જવાબદારી પણ એ જ પાકિસ્તાને ઉપાડવાની હતી. જિન્નાએ મિશનની દરખાસ્તોનો પ્રત્યાઘાત આપવામાં ઉતાવળ ન કરી, તેમાંથી એમના મનમાં શું ચાલતું હતું તે સમજાય છે. એમને સ્કીમ A પસંદ હતી પણ હજી વધારે કંઈક મળે તેવી ઇચ્છા હતી કારણ કે એમનાં ધ્યેયો તો સ્કીમ Bમાં સૂચવેલા પાકિસ્તાન કરતાં સ્કીમ Aના ફેડરેશન દ્વારા વધારે સારી રીતે પૂરાં થતાં હતાં.

પૅથિક-લૉરેન્સ સમજી શક્યા કે ફેડરેશન દ્વારા લીગ અને કોંગ્રેસને સમકક્ષ ગણવાની સ્થિતિ ઊભી થાય છે તે કોંગ્રેસ સ્વીકારશે નહીં. બીજી બાજુ, જિન્ના પણ એ સમજતા હતા. તે ઉપરાંત તેઓ એ પણ સમજતા હતા કે સ્કીમ Bમાં સૂચવેલા ભાગલા માટે પણ કોંગ્રેસ તૈયાર નહીં થાય. એમની સોદાક્ષમતાનો એ જ તો આધાર હતો. એમના સાથીઓને એમણે પાકિસ્તાનનો પાનો ચડાવ્યો હતો એટલે સ્કીમ Aનું ફેડરેશન વધારે સારું છે એમ સમજાવવાનું પણ જરૂરી હતું, પરંતુ એવી છાપ પડી હોત કે જિન્નાએ પાકિસ્તાનની માંગ પડતી મૂકી. આ કારણસર જિન્ના પોતાની પસંદગી જાહેર કરવાનું ટાળતા રહ્યા.

હવે એમણે નવો પાસો ફેંક્યો. એમણે કહ્યું કે સમાનતા કાગળ પર તો દેખાય છે પણ વ્યવહારમાં ‘ખાદી’ની રીતરસમ જોતાં એ ચાલશે નહીં. (નોંધઃ અહીંખાદીશબ્દ ગાંધીજી પર વ્યંગ છે?) જિન્નાનું સૂચન એ હતું કે ફેડરેશન બને તે પહેલાં જ હમણાંનું કેન્દ્ર વીખેરી નાખવું અને ‘પાકિસ્તાન’ નામવાળા મુસ્લિમ પ્રાંતોનું ગઠન કરીને તેના આધારે નવું કેન્દ્ર બનાવવું. આમ જિન્નાની ઇચ્છા તો શક્તિશાળી પ્રાંતો અને નબળા કેન્દ્રવાળા ફેડરેશનને બદલે તાત્કાલિક સત્તા ધારણ કરે તેવા મજબૂત કેન્દ્રમાં સમાનતા સ્થાપિત કરવાની હતી, પાકિસ્તાનના સાર્વભૌમ રાજ્યની નહીં. આના માટે કોંગ્રેસ તૈયાર થાય તો જિન્ના બાંધછોડ કરવા અને એમણે પાકિસ્તાનમાં સમાવવા ધારેલા છ પ્રદેશો પણ છોડી દેવા તૈયાર હતા, પરંતુ જ્યાં સુધી કોંગ્રેસ ચોખ્ખી ‘હા’ ન કહે ત્યાં સુધી જિન્ના કંઈ વાયદા કરવા તૈયાર નહોતા. આગળ જોયું તેમ જિન્નાની ધારણા હતી કે કોંગ્રેસ ભાગલા નહીં સ્વીકારે એટલે ફેડરેશનનો સ્વીકાર કરવા સિવાય કોંગ્રેસ પાસે કંઈ વિકલ્પ નહોતો.

કોંગ્રેસ તરફથી નવી દરખાસ્ત

કોંગ્રેસમાં પણ ભારે મંથન ચાલ્યું. એની દૃષ્ટિએ નબળા કેન્દ્રવાળું ફેડરેશન હોય તેના કરતાં મુસ્લિમ બહુમતી અલગ થઈ જાય તે સારું હતું. બ્રિટન પણ મજબૂત કેન્દ્રની તરફેણમાં હતું. એટલે જિન્નાનું પાકિસ્તાન બની જાય તે પછી બાકીના પ્રદેશ માટે મજબૂત કેન્દ્રવાળી રાજ્યવ્યવસ્થા કરવામાં કોંગ્રેસને કોઈ આડે આવે તેમ નહોતું. નબળા કેન્દ્રમાં લીગની સામે લાચાર બનીને બેસવા કરતાં તો જિન્ના અલગ રહે તે સારું હતું.

૧૯૪૬ની ૧૫મી ઍપ્રિલે કોંગ્રેસની દરખાસ્ત એના મુસ્લિમ પ્રમુખ મૌલાના અબૂલ કલામ આઝાદે જાહેર કરી. એના મુખ્ય અંશો આ પ્રમાણે હતાઃ અવિભાજિત ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા; એકમાત્ર ફેડરેશન; એનાં ઘટકોને સંપૂર્ણ સ્વાયત્તતા, એમના ઉપર એક કેન્દ્ર; કેન્દ્ર પાસે અમુક સત્તાઓ, જે માત્ર કેન્દ્રની હોય અને અમુક સત્તાઓ જે વૈકલ્પિક હોય એટલે પ્રાંતોને પણ આપી શકાય. આઝાદનો ખ્યાલ હતો કે આ વ્યવસ્થા મુસ્લિમોની વાજબી ચિંતાઓનો પણ જવાબ આપતી હતી. પરંતુ શરૂઆતમાં જ આ દરખાસ્ત ખરાબે ચડી ગઈ. હિન્દુ પ્રાંતોને તો કદાચ સમજાવી શકાય કે તેઓ અમુક વૈકલ્પિક સત્તાઓ કેન્દ્ર પાસે રહેવા દે, પરંતુ મુસ્લિમ પ્રાંતો કેન્દ્રના હાથમાં આવી સત્તા આપવા તૈયાર નયે થાય. અમુક પ્રાંતોને વધારે સત્તાઓ હોય અને અમુકને ઓછી, એવું તો બંધારણીય રીતે પણ ટકી ન શકે. ફરજિયાત અને મરજિયાત વિષયોના અધિકારક્ષેત્ર વિશે વિચારવા માટે કાર્યકારી અને ધારાકીય વ્યવસ્થા પણ જરૂરી હતી.

કોંગ્રેસની દરખાસ્ત ઉપરાંત એક નવી દરખાસ્ત પણ રજૂ થઈ. પંજાબના લીગર નવાબ એમ. એ. ગુરમાનીની આ યોજના ક્રિપ્સે રજૂ કરી. એમાં ત્રણ સ્તર હતાં: સૌથી ઉપર કેન્દ્ર, એની નીચે હિન્દુસ્તાન અને પાકિસ્તાન, એમની અલગ ઍસેમ્બ્લીઓ સાથે; અને એમના હસ્તક પ્રાંતો કે રાજ્યો. મિશનની નજરે આ સૌથી સારી વ્યવસ્થા હતી, મિશનના સભ્ય ઍલેક્ઝાંડરે કહ્યું કે “આમાં મુસ્લિમોની માંગનો પણ ઉકેલ છે એનો અમને સંતોષ છે.”

૨૫મી ઍપ્રિલે જિન્નાએ સંકેત આપ્યો કે તેઓ કપાયેલા પાકિસ્તાન કરતાં ફેડરેશન વિશે વિચાર કરવા તૈયાર છે. બીજી બાજુ આ ત્રિસ્તરીય વ્યવસ્થાને કોંગ્રેસે નકારી કાઢી. કોંગ્રેસ માત્ર ભારતીય ફેડરેશન વિશે વિચારતી હતી.

શિમલામાં મંત્રણા

આમ છતાં આવી કોઈ દરખાસ્ત વિશે ચર્ચા કરવા માટે મળવા લીગ અને કોંગ્રેસે સંમતિ આપી. બન્ને પક્ષો શિમલામાં મે મહિનાની પાંચમીએ મળ્યા. વાતચીત કેવી રહેશે તેનો સંકેત તો પહેલી જ મિનિટે મળી ગયો. જિન્નાએ મૌલાના આઝાદની સાથે હાથ મિલાવવાની ના પાડી દીધી!

બન્ને પક્ષો વચ્ચે મતભેદોની મોટી ખાઈ હતી. જિન્ના ઇચ્છતા હતા કે સત્તા ખરેખર મધ્ય સ્તરે, એટલે કે ત્રણ સ્તરમાંથી વચ્ચેના – હિન્દુસ્તાન અને પાકિસ્તાનના – સ્તરે હોવી જોઈએ. કોંગ્રેસનું કહેવું હતું કે સત્તા ઉચ્ચ સ્તરે, કેન્દ્રમાં હોવી જોઈએ. કૅબિનેટ મિશન એવું સમાધાન શોધતું હતું, જેમાં જિન્નાને લાગે કે પાકિસ્તાનની માંગ માની લેવાઈ છે; બીજી બાજુ, કોંગ્રેસ એમ માને કે પાકિસ્તાનની માગણીને ઠુકરાવી દેવાઈ છે! નાણાંકીય સત્તાઓ પણ બન્ને વચ્ચે મોટી અડચણરૂપ હતી. કોંગ્રેસનો આગ્રહ હતો કે કેન્દ્ર નાણાકીય બાબતોમાં સ્વનિર્ભર હોવું જોઈએ, તો જિન્ના એને ઘટક ફેડરેશનો પર નિર્ભર બનાવવા માગતા હતા. કેન્દ્રને નાણાની જરૂર હોય તો એની માગણી મંજૂરી માટે ઘટક ફેડરેશનોની મંજૂરી માટે જવી જોઈએ. આમાંથી રસ્તો કાઢવા માટે કોઈ જાદુગર જોઈએ પણ શિમલામાં એ વખતે એવો કોઈ જાદુગર નહોતો. કોંગ્રેસે ત્રિ-સ્તરીય સ્કીમનો સખત વિરોધ કર્યો. આનો અર્થ એ થતો હતો કે ખરી સત્તા તો જુદાં જુદાં જૂથોના હાથમાં જ હોય. હવે વૅવલે પણ સ્વીકાર્યું કે આ વ્યવસ્થાને આદર્શ વ્યવસ્થા ગણી શકાય તેમ નહોતું.

તે ઉપરાંત, કોંગ્રેસે પોતે જે યોજના રજૂ કરી હતી તે વિશે નહેરુએ ખુલાસો કરીને કોંગ્રેસનો મૂળ હેતુ જાહેર કરી દીધો. એમણે કહ્યું કે કોંગ્રેસે રજૂ કરેલી યોજના અંતિમ રૂપની નહોતી. કોંગ્રેસ બીજું જ વિચારે છે. પ્રાંતોની સ્વાયત્તતા સંગઠિત ભારત માટે નુકસાનકારક હોવાનું કોંગ્રેસ માનતી હતી. કોંગ્રેસ ‘ગ્રુપિંગ’ પસંદ નહોતી કરતી, કારણ કે કેન્દ્રે પ્રાંતો પર નિર્ભર રહેવાનું હતું અને કેન્દ્રમાં લીગ સાથે સત્તામાં ભાગીદારી કરવી પડે તેમ હતું. પરંતુ જિન્ના એ જ કારણસર ‘ગ્રુપિંગ’ પસંદ કરતા હતા. એમણે તો આડા ફંટાતા સાથીઓને પણ કાબુમાં રાખવાના હતા. કોંગ્રેસ આ સમજતી હતી અને કહેતી હતી કે ગ્રુપિંગનો પ્રશ્ન અખિલ ભારતીય ઍસેમ્બ્લીમાં નક્કી થવો જોઈએ. કોંગ્રેસને બંધારણસભામાં જીત મેળવવાની ખાતરી હતી એટલે એ સમજતી હતી કે ગ્રુપિંગ ટકી નહી શકે. એક વાર સ્વતંત્રતા નજર સામે દેખાશે તે પછી પ્રાંતીય મુસ્લિમ નેતાઓ અને લીગરો પણ, “પક્ષપલટો કરવાની વિખ્યાત પ્રતિભા”નો પરિચય આપશે. આના પરથી સાબિત થશે કે મુસલમાનો પણ સામાન્ય ભારતીય જ છે અને કોંગ્રેસ બધાને આવકારનારો ધર્મનિરપેક્ષ પક્ષ છે. જિન્ના આ સ્થિતિ સ્વીકારી શકે એમ નહોતા. ગ્રુપિંગ મંજૂર ન રહે તો જિન્નાને પોતાના સાથીઓ પર વિશ્વાસ નહોતો એટલે શિમલામાં મંત્રણાઓ ચાલુ રાખવા એ રોકાય તેમ પણ નહોતા.

આયેશા જલાલ લખે છે કે જિન્ના વિશે જે ધારણાઓ છે તેવા એ હઠાગ્રહી નહોતા પણ એમને ખબર હતી કે એમની શક્તિ બહુ મર્યાદિત હતી અને લીગ બહુ જલદી તૂટી જાય એવી નબળી હતી. લીગને બચાવવા માટે આટલી સોદાબાજી જરૂરી હતી. એમની નજરે ગ્રુપિંગ એ જ “સંપૂર્ણ ભાગલા રોકવાનો ઉપાય” હતો. એમનો દૃષ્ટિકોણ એ હતો કે બંધારણ બનાવવાની વ્યવસ્થા ગ્રુપોને સોંપવી જોઈએ – એમ નહીં કે આ વ્યવસ્થા પોતે ગ્રુપો વિશે નિર્ણય કરે. બંધારણ બનાવવા માટેની વ્યવસ્થા પોતે સાર્વભૌમ નથી; એક વાર બંધારણ બને તેમાંથી સાર્વભૌમત્વ પ્રગટે છે. ગ્રુપિંગમાં પણ જિન્ના કોઈ પણ ગ્રુપને પાંચ વર્ષની અંદર છૂટા થવાનો અધિકાર આપવા માગતા હતા, જે કોંગ્રેસને સંઘનાં શરૂઆતનાં વર્ષોમાં નવા બનેલા મુસ્લિમ પ્રાંતો સાથે “સારો વર્તાવ” કરવાની સખત ચેતવણી હતી.

મિશનની અંતિમ દરખાસ્ત; જિન્ના બસ ચૂકી ગયા!

છ દિવસ દરમિયાન, ૧૨મી મે સુધી અનેક દરખાસ્તો રજૂ થઈ, પણ એનાથી એ છુપાવી શકાય તેમ નહોતું કે શિમલા મંત્રણાઓ નિષ્ફળ ગઈ છે. ૧૬મી તારીખે મિશને જિન્નાના ‘સાર્વભૌમ પાકિસ્તાન’ અને કોંગ્રેસના ‘મજબૂત અને સજીવ કેન્દ્ર’ની વચ્ચેથી રસ્તો કાઢીને નવી ત્રિ-સ્તરીય વ્યવસ્થા સૂચવીઃ ત્રણ સર્વસામાન્ય વિષયો કેન્દ્ર હસ્તક રહે; કેન્દ્રને નણાકીય સત્તા હોય અને એની કારોબારી (સરકાર) અને ધારાકીય પાંખ (પાર્લામેન્ટ) હોય અને એમાં બ્રિટિશ હકુમત અને રજવાડાંના પ્રતિનિધિ પણ હોય. કોંગ્રેસ અને મુસ્લિમ લીગને સમકક્ષ દરજ્જો ન મળે.

જિન્ના માટે આ આઘાત હતો. એ લીગને કોંગ્રેસ સમોવડી જોવા માગતા હતા; કેન્દ્રને પ્રાંતો પર નિર્ભર અને નબળું જોવા માગતા હતા. જિન્ના પ્રાંતોને સાર્વભૌમ બનાવવા માગતા હતા પરંતુ કેબિનેટ મિશને સાર્વભૌમત્વ કેન્દ્રમાં આરોપ્યું અને પ્રાંતોને બાકીની સતાઓ આપી. જિન્ના એક જ મુસ્લિમ ગ્રુપ બનાવવા માગતા હતા પણ મિશને બે ગ્રુપ સૂચવ્યાં – પંજાબ, વાયવ્ય સરહદ પ્રાંત, સિંધ અને બલૂચિસ્તાન (ગ્રુપ-બી); અને બંગાળ અને આસામ (ગ્રુપ-સી). વળી સંઘમાંથી છૂટા પડવાનો અધિકાર પણ નહોતો. મિશનના સ્ટેટમેન્ટમાં કોંગ્રેસ પ્રત્યે ઢળતું વલણ દેખાતું હતું; જાણે સંકેત હતો કે જિન્ના બસ ચૂકી ગયા છે!

હમણાં સુધી શાંત રહેલા લીગરો હવે જિન્નાને પડકારવા લાગ્યા. જિન્નાનો ઘટનાઓ પર અંકુશ નહોતો અને ખતરનાક ખેલ ખેલવામાં સફળ થવાશે કે કેમ તેની પણ એમને ખાતરી નહોતી. અધૂરામાં પૂરું, મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો માટે મિશનની આ દરખાસ્ત સારી હતી. ખીઝરે તો કહ્યું પણ ખરું કે ધાર્મિક ઉન્માદ “થોડા વખત” માટે હતો. પંજાબના મુસ્લિમો “આ કબૂલ કરશે” અને મધ્યમ માર્ગ લેશે.

જિન્નાએ ચાર દિવસ પછી પોતાનો પ્રત્યાઘાત આપતાં કહ્યું કે મિશને પાકિસ્તાનની માગણીને નકારી તેથી મુસલમાનોની લાગણી ઘવાઈ છે. બીજી બાજુ કોંગ્રેસે સ્ટેટમેન્ટમાં હજી પણ “સુધારા”ની માગણી કરીને જિન્નાથી વધારે દૂર જવાનું વલણ અખત્યાર કરી લીધું. વૅવલને બીક લાગી કે કોંગ્રેસમાં વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળનું જૂથ મિશનની દરખાસ્તથી આગળ વધીને આખો રોટલો ખાવા માગે છે. વાઇસરૉયનું માનવું હતું કે નહેરુ મુસ્લિમોને સમાવી લેવા માટે બાંધછોડ કરવા તૈયાર હતા અને બંધારણ બને તે પછી ઍસેમ્બ્લીને સાર્વભૌમ સત્તા મળી શકે તેમ માનતા હતા, પણ વલ્લભભાઈ બંધારણથી પહેલાં જ ઍસેમ્બ્લીને સાર્વભૌમ માનવાના આગ્રહી હતા. વૅવલને ગાંધીજી (“King Chameleon”) વાડ પર બેઠા છે એમ લાગ્યું.

મિશનની દરખાસ્તોનું “હિન્દુ” અખબારોએ સ્વાગત કર્યું. આમ પણ લીગને ખુશ કરવાના કોઈ પણ પ્રયાસથી એ વિરુદ્ધ હતાં. પરંતુ એ જ અખબારોએ દરખાસ્તોની વિગતો આપી તેમાંથી પ્રાંતોના મુસ્લિમ નેતાઓ તો રાજી થયા, કારણ કે હવે એમને લીગની જરૂર નહોતી રહી. બંગાળના મુસ્લિમ નેતાઓ લીગ મિશનની દરખાસ્તોનો સ્વીકાર કરે તેની કાગડોળે રાહ જોતા હતા. સરકારી વર્તુળોમાં પણ બીક હતી કે જિન્ના આ દરખાસ્તનો અસ્વીકાર કરશે તો ‘જેહાદ’ શરૂ થશે અને બંગાળની મિનિસ્ટ્રીને રાજીનામું આપવાની ફરજ પડશે.

મુસ્લિમ લીગની કારોબારીની મીટિંગ

મિશનની દરખાસ્તો પર વિચાર કરવા માટે લીગની કારોબારી કમિટીની મીટિંગ મળી તેમાં જિન્ના ‘નર્વસ’ હતા. કોંગ્રેસની માંગ અને મિશનની દરખાસ્તો વચ્ચે જે સમાનતા હતી તેથી એ ચોંકી ઊઠ્યા હતા. વાઇસરૉય, કૅબિનેટ મિશન અને કોંગ્રેસને બધું જલદી સમેટી લેવાની આતુરતા હતી. નવું બંધારણ બનાવવા માટે તાત્કાલિક વચગાળાની સરકારની જરૂર હતી. આ બંધારણ કેવું બનશે તેની ખાતરી ન હોવાથી જિન્ના એમાં જેમ બને તેમ મોડું થાય એમ ઇચ્છતા હતા. એમણે કહ્યું કે પહેલાં ‘surgical operation’ની જરૂર હતી. આયેશા જલાલ કહે છે કે આનો અર્થ ભાગલા નથી થતો, માત્ર તદ્દન નવી રીતે વિચારવાનો અને ભારતનો નવો ખ્યાલ વિકસાવવા પૂરતું જ એમનું વલણ હતું. આ surgery માટે બ્રિ્ટિશરો સંરક્ષણ અને વિદેશ નીતિની બાબતો સંભાળીને કેન્દ્રમાં રહે એ એમને જરૂરી લાગતું હતું. વૂડ્રો વાયેટે એમને સલાહ આપી કે લીગે ઠરાવ પસાર કરવો જોઈએ કે બ્રિટન એમને પાકિસ્તાન આપી દે એવી તો આશા નહોતી પણ હવે “તેઓ પોતાના જમણા હાથની તાકાતથી” પાકિસ્તાન લેવા તૈયાર છે. આટલું કહીનેને લીગ મિશનના સ્ટેટમેન્ટનો “પાકિસ્તાન ભણી પહેલા કદમ” તરીકે સ્વીકાર કરે”. હંમેશાં પોતાના વિવેકબુદ્ધિ પર વિશ્વાસ રાખીને નિર્ણયો લેનાર જિન્નાને વાયેટની આ સલાહ શાંતિ આપનારી જણાઈ તે એમની નિરાશાની સીમા દેખાડે છે.

જિન્નાની નિરાશા

અંતે જિન્નાએ વચગાળાની સરકારમાં જોડાવાનો નિર્ણય કર્યો. લેખિકા કહે છે કે એમને આશા હતી કે વાઇસરૉયના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારમાં બધું ઠરીઠામ થઈ જશે અને તેઓ કોંગ્રેસ-લીગ સમાનતા સ્થાપી શકશે. વૅવલે એમને ખાતરી આપી કે એમની સરકારને કોઈ પક્ષ સાથે ભેદભાવ કરવામાં રસ નથી. હવે એમણે લીગને મિશનની યોજના સ્વીકારવાની સલાહ આપી. એમણે લીગને ઘણી રીતે આ વાત ગળે ઉતારી અને જાહેર કર્યું કે એમનું મૂળ ધ્યેય તો હિદુ-મુસ્લિમ સમાનતાનું જ રહે છે એટલે પોતે વચગાળાની સરકારમાં નહીં જોડાય. જો કે ઠરાવમાં ‘પાકિસ્તાન’ અંતિમ ધ્યેય હોવાનો પુનરુચ્ચાર કરવામાં આવ્યો. જિન્નાએ પહેલીવાર કબૂલ્યું કે પોતે “પોતાના પણ માલિક નહોતા.”

જિન્નાનાં સમાનતાનાં સપનાં પણ રોળાઇ ગયાં હતાં. વચગાળાની સરકારમાં પણ સભ્યોની પસંદગીમાં જિન્નાની દાળ ન ગળી. એમણે પૅથિક-લૉરેન્સ સમક્ષ ફરિયાદ કરી કે સમાનતાનું વચન સરકારે પાળ્યું નથી, તો એમને જવાબ મળ્યો કે સમાનતાની જોગવાઈ મિશનની દરખાસ્તમાં હતી જ નહીં એટલે વચગાળાની સરકારમાં જોડાવા માટે જિન્ના બંધાયેલા નહોતા. બીજા શબ્દોમાં પેથિક-લૉરેન્સે એમને સ્પષ્ટ કહી દીધું કે એમને આવવું હોય તો વિના શરતે આવે; ન આવવું હોય તો એમની મરજી!

વચગાળાની સરકારની રચનામાં પણ ઘણા ખેલ થયા પણ એની વિગતોમાં નહીં ઊતરીએ, પરંતુ, કોંગ્રેસ દ્વારા નિમાયેલા મુસ્લિમ સાથે બેસવાનો જિન્નાએ સખત ઇનકાર કર્યો. એમણે કહ્યું કે “આ મગતરાંઓ સાથે બેઠા પછી હું ક્યાંય મોઢું બતાવવાને લાયક નહીં રહું”.

આ સબળાની માગણી નહોતી, નબળાની કાકલૂદીઓ હતી!

હવે આપણે ૧૫મી ઑગસ્ટ ૧૯૪૭ની નજીક પહોંચ્યા છીએ. એ ઘટનાઓ હવે સોમવાર સાતમી તારીખે જોઈશું.


નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : ૧૦ :

%d bloggers like this: