The Sole Spokesman: Jinnah, the Islam and the Demand for Pakistan–Ayesha Jalal (5)

The-Sole-Spokesman_Jinnah-the-Islam-and-the-Demand-for-Pakistan-2_thumb.png

Ayesha-Jalal-1.pngThe Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan
Author: Ayesha Jalal ǁ Publishers: Cambridge University Press
May 1994, Paperback, 336 pages ǁ ISBN: 9780521458504

ભારતની ભૂમિ પરથી યુદ્ધ લડવા માટે હવે બ્રિટિશ હકુમત માટે માત્ર કેન્દ્ર નહીં પરંતુ પ્રાંતો પર પણ પકડ રાખવાનું જરૂરી બની ગયું. એને લાગ્યું કે કોંગ્રેસ પાસે સહકાર માગવાથી એ આકરી કિંમત માગશે અને કદાચ પ્રાંતોનાં પ્રધાનમંડળોમાંથી પણ હટી જવાની ધમકી પણ આપે. પરંતુ એ તો બ્રિટિશ સરકાર માટે સારું જ હતું કારણ કે સહકાર આપવા છતાં પણ પ્રાંતોમાં કોંગ્રેસનાં પ્રધાનમંડળો માથાનો દુખાવો બની શકે તેવાં હતાં. ૧૯૩૯ના ઍપ્રિલમાં સેંટ્રલ ઍસેમ્બ્લીમાં સરકારે મંજૂરી મેળવી લીધી કે યુદ્ધના સંયોગો જોતાં, કેન્દ્રીય સરકાર જરૂર પડે તો પ્રાંતોમાં પણ સત્તા હાથમાં લઈ શકે છે. આમ, વાઇસરૉય અને એના સલાહકારો કોંગ્રેસનાં આઠ પ્રધાનમંડળોની ખસ ટાઢે પાણીએ કાઢવા તૈયાર અને આતુર હતા.

બ્રિટિશ શાસને એ પણ જોઈ લીધું હતું કે કોંગ્રેસે સત્તા સંભાળ્યા પછી એની સરકારી પાંખ અને બહાર રહેલી જન-આંદોલનની પાંખ વચ્ચે તડાં પડવા લાગ્યાં હતાં. દેખીતું છે કે સરકારી પાંખ બધી માગણીઓ પૂરી ન કરી શકે. આમ આંતરિક વિભાજનને રોકવા માટે પણ રાજીનામાં આપી દેવાનો નિર્ણય મોવડી મંડળે લેવો જ પડે તેમ હતું. આથી સરકારે હવે માત્ર એવો રસ્તો શોધવાનો હતો કે કોંગ્રેસને મનાવવા માટે બહુ મોટી છૂટછાટ ન આપવી પડે અને તો પણ, વાંક ભારતીય નેતાઓનો જ કાઢી શકાય.

જિન્ના બ્રિટિશ હકુમતની મદદે

આ બિંદુ પર જિન્નાએ એમની બ્રિટિશ હકુમત માટે ઉપયોગિતા સાબિત કરી આપી. હિન્દુ-મુસ્લિમ એકતાનો આ દૂત હવે બન્ને કોમો એકસમાન માગણી ન કરે તેની બ્રિટિશ સરકાર માટે ‘ગૅરન્ટી’ બની રહ્યો. મુસ્લિમ બહુલ પ્રાંતોમાં એમને બહુ મર્યાદિત ટેકો મળ્યો હોવા છતાં સોગંદ ખાવા પૂરતો તો જિન્નાને બધા મુસલમાનો વતી કેન્દ્રના સ્તરે બોલવાનો અધિકાર મળ્યો હતો. બ્રિટિશ હકુમતને આટલું જ જોઈતું હતું. એમ લાગતું હતું કે જિન્ના બહુ મોટી માગણી તો નહીં જ કરે, તેમ છતાં એમને મુસ્લિમ બહુલ પ્રાંતોની બાબતોમાં વચ્ચે પડતાં રોકવાનું પણ જરૂરી હતું. ખાસ કરીને પંજાબ તો સૈનિકોની ભરતીનું મુખ્ય ધામ હતું. બીજી બાજુ બંગાળ એટલે જાપાન વિરુદ્ધનો પૂર્વી મોરચો.

૧૯૩૯ની ત્રીજી સપ્ટેમ્બરે વાઇસરૉય લૉર્ડ લિન્લિથગોએ ઘોષણા કરી કે બ્રિટને જર્મની સામે યુદ્ધ જાહેર કરી દેતાં ભારત તો આપમેળે જ મિત્ર દેશોના જોડાણમાં સામેલ થઈ જાય છે. આમાં વાઇસરૉયે ભારતના કોઈ નેતાને પૂછવાનું પણ જરૂરી ન માન્યું. બીજા જ દિવસે વાઇસરૉયે ગાંધીજી અને જિન્નાને સમકક્ષ નેતાઓ તરીકે એક સાથે બોલાવ્યા અને કહી દીધું કે હમણાં ૧૯૩૫ના કાયદા હેઠળની ફેડરલ સ્કીમ યુદ્ધના અંત સુધી સ્થગિત કરવામાં આવે છે.

આ જાહેરાતની અસર જિન્ના કરતાં કોંગ્રેસ પર વધારે પડી. પ્રાંતોમં ચાલતાં કોંગ્રેસી પ્રધાનમંડળો અને હાઈ કમાંડ વચ્ચે ખેંચતાણ તો હતી જ, તે ઉપરાંત જર્મની સામે બ્રિટનની યુદ્ધની જાહેરાતના કોંગ્રેસની અંદર બે જાતના પડઘા પડ્યા. નહેરુ ફાસીવાદ અને સામ્રાજ્યવાદનો વિરોધ કરતા હતા, જ્યારે સુભાષચંદ્ર બોઝને બ્રિટનના આ સંકટમાં ભારત માટે એક અવસર દેખાતો હતો. બીજા વ્યાપારી હિતોવાળાઓને યુદ્ધમાં નફાની તકો દેખાતી હતી. આમ, કોંગ્રેસે કંઈક રસ્તો કાઢવો પડે એમ હતું અને કોંગ્રેસે રસ્તો કાઢ્યો. દસ દિવસ પછી, ૧૪મી સપ્ટેમ્બરે એણે તરત જ ભારતને સ્વતંત્રતા આપવાની જાહેરાત કરવા અને એની તૈયારી રૂપે બંધારણસભાની રચના કરવાની માગણી કરી. કોંગ્રેસની આ માગણીને આયેશા જલાલ ‘અવ્યવહારુ’ ગણાવે છે.

કોંગ્રેસે પોતાનો પ્રત્યાઘાત આપી દેતાં હવે લિન્લિથગોને કંઈક એવું કરવાની જરૂર હતી કે કોંગ્રેસ આખા દેશ વતી નથી બોલતી એવું દેખાડી શકાય. ચાર દિવસ પછી લીગે પોતાનો પ્રત્યાઘાત આપ્યો. એક ઠરાવ દ્વારા એણે કહ્યું કે ‘ફેડરલ’ રાજ્ય બનાવવાની યોજના પડતી મૂકવી જોઈએ અને એની (લીગની) સંમતિ વિના બંધારણીય સુધારા લાદવાની સામે એણે વિરોધ જાહેર કર્યો.

લિન્લિથગોની મુસલમાનોને ખાતરી

૧૯૩૯ની ૧૮મી ઑક્ટોબરે લિન્લિથગોએ મુસલમાનોને ખાતરી આપી કે એમનાં હિતોનું ધ્યાન રખાશે. એણે કહ્યું, ” જે લોકોએ અમને હાલમાં જ સાથ આપ્યો છે તેમને ફરી પૂછ્યા વિના ભારતના ભવિષ્યના બંધારણ વિશે કંઈ કરવાનું વિચારી જ ન શકાય.” લિન્લિથગોએ “મુસલમાનો”ને ખાતરી આપી હતી, લીગને નહીં, પણ લીગે એમાંથી એવું તારણ કાઢ્યું કે લીગને (ખરેખર જિન્નાને) મુસલમાનોના Sole Spokesman માનવા તરફ આગેકૂચ થઈ છે. લીગનો ઠરાવ કહે છે કે “મુસલમાનો વતી બોલવા માટેની એક માત્ર હકદાર મુસ્લિમ લીગ હોવાનું નામદાર સમ્રાટની સરકાર સ્વીકારે છે.” આ ઘટના ચક્ર પછી કોંગ્રેસનાં પ્રધાનમંડળોએ પ્રાંતોમાં સત્તા છોડી દીધી.

લિન્લિથગોએ જિન્નાનો આભાર માનતાં કહ્યું કે એમણે કોંગ્રેસના દાવાના વિરોધમાં ઉભા રહીને બહુ મદદ કરી. જિન્નાને ખબર હતી કે યુદ્ધમાં બ્રિટનના સાથી બનવાની જાહેરાત કરવાનાં માઠાં પરિણામ પણ આવી શકે એટલે એમણે કંઈ નિવેદન ન કર્યું પણ અંગત રીતે લિન્લિથગોનો બહુ ભાવપૂર્વક આભાર માન્યો કે વાઇસરૉયે એમની પાર્ટી (મુસ્લિમ લીગ)ને એકસંપ રાખવામાં બહુ મદદ કરી છે. આ તરફ લિન્લિથગો પર ભારતના નેતાઓ સાથે સમજૂતી સાધવા બ્રિટનની સરકારનું દબાણ વધવા લાગ્યું જવાબમાં એણે કહ્યું કે આ તબક્કે “ઘોડો બદલવાની કોશિશ કરવી” એ ભૂલ હશે અને એમ કરતાં “આપણે કદાચ મુસલમાનોનો સાથ પણ ગુમાવી બેસીએ.”

હવે લીગ પર દબાણ

આમ એ ઘડીએ તો જિન્ના કે લિન્લિથગો, કોંગ્રેસ સાથે કોઈ સમાધાન કરવા તૈયાર નહોતા, હા, બન્ને એકબીજાને મદદરૂપ થવા તૈયાર હતા કે જેથી લીગ ફરી સજીવન થાય. લિન્લિથગોએ જિન્નાને કહ્યું કે હવે લીગે પોતાની “રચનાત્મક નીતિ” જાહેર કરી દેવી જોઈએ. જિન્નાએ એમ કરવાનું વચન આપ્યું. લિન્લિથગોનો ઇરાદો કોંગ્રેસની “તરત સ્વતંત્રતા”ની માગણી વિરુદ્ધ પ્રચાર માટે જિન્ના અને લીગનો ઉપયોગ કરવાનો હતો. બ્રિટનમાં લોકમત ભારતીય નેતાઓ સાથે વાત કરવાની તરફેણમાં હતો. પરંતુ ભારતની કોમી પરિસ્થિતિ કશું ન કરવાના બહાના તરીકે કામ આવતી હતી. જિન્નાને પણ આ સ્થિતિ ફાવતી હતી.

લિન્લિથગોએ “રચનાત્મક નીતિ” જાહેર કરવાની અપીલ કરતાં જિન્નાને તક તો મળી; પરંતુ એમની સ્થિતિ ભેરવાઈ ગયા જેવી પણ હતી. “રચનાત્મક નીતિ” ઘડવા માટે એમણે તલવારની ધાર પર ચાલવાનું હતું. એક તરફ મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતોની માગણી હતી તો બીજી તરફ જ્યાં એમની બહુમતી નહોતી એવા પ્રાંતોના મુસલમાનોને પણ સાથે રાખવાના હતા; પરંતુ સૌ પહેલી પ્રાથમિકતા એ હતી કે એમના ઢચુપચુ અનુયાયીઓ, કોંગ્રેસ અને બ્રિટિશ સરકાર એમને મુસલમાનોના એકમાત્ર પ્રવક્તા તરીકે સ્વીકારી લે. એમણે માંગ વિશે બહુ ચોકસાઈ ન હોય તેવો માર્ગ પસંદ કર્યો, કારણ કે ચોકસાઈ અને સર્વસંમતિ, બન્ને એક સાથે જાળવી જ ન શકાય. કોંગ્રેસે તો પોતાની અંદરના મતભેદોને છુપાવવા માટે તરત સ્વતંત્રતાની માગણી કરી, પણ મુસલમાનોના અંદરોઅંદરના મતભેદો તો વધારે ઘેરા હતા. એટલે બધા જ મુસલમાનોને મંજૂર હોય તેવી માંગ તો અસ્પષ્ટ અને અચોક્કસ જ હોવાની. વળી એ ઘડી સુધી લીગની નીતિ હતી તેનાથી તદ્દન વિપરીત જવાનું હતું. હવે ફેડરલ વ્યવસ્થાને નકારવાની હતી, કારણ એ આપવાનું હતું કે એમાં કેન્દ્રમાં અથવા બહુમતી મુસ્લિમ પ્રાંતોમાં પણ મુસલમાનોનાં હિતો સુરક્ષિત રહે એની ખાતરી નહોતી. એ જીતે પહેલાં અલગ મતદાર મંડળની નીતિને લીગે ટેકો આપ્યો હતો, પણ હવે એને પણ તાળું મારવાનું હતું, કારણ એ કે દરેકેદરેક મુસલમાન એક જ પક્ષને મત આપે – જે એ વખતે શક્ય નહોતું – તો પણ બંધારણ બનાવવામાં બીજા પક્ષો સામે એ પાછા પડવાના.

મુસલમાનઃ અલગ રાષ્ટ્ર

હવે બહુમતી-લઘુમતી એવા વિ્ચારને જ તિલાંજલિ આપવાનો સમય આવ્યો હતો. જિન્નાએ વિચાર્યું કે મુસલમાન અલગ રાષ્ટ્ર છે એમ કહેવાથી સંખ્યાનો સવાલ ન આવે અને ઓછી સંખ્યા હોવા છતાં મુસલમાનોને ’અલગ રાષ્ટ્ર’ તરીકે સમાનતાનો દરાજ્જો મળે.

આ વાત નવી નહોતી. છેક ૧૯મી સદીથી મુસલમાનોને અલગ રાષ્ટ્ર ગણવાની દલીલ હવાઅમાં તો હતી સર સૈયદ અહમદ ખાને ૧૮૮૦ના દાયકામાં ‘બે રાષ્ટ્ર’ની વાત કરતાં મુસલમાનોને કોંગ્રેસની સાથે ન રહેવાને સલાહ આપી હતી. ૧૯૩૫માં આગા ખાને એવો વિચાર વ્યક્ત કર્યો હતો કે મુસ્લિમોની માગણીઓ સંતોષવા માટે તદ્દન નવા આધારની જરૂર હતી. એમણે કહ્યું હતું કે મુસલમાનોએ ફેડરલ માળખાને જોરદાર ટેકો આપવો જોઈએ અને ભારતને ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ સાઉથ એશિયા’ બનાવવું જોઈએ.

બ્રિટિશ સત્તાનું વલણ માત્ર કેન્દ્ર્માં પકડ જમાવી રાખવાનું રહ્યું ત્યાં સુધી સત્તામાં ભાગીદારીનો સવાલ ઊભો નહોતો થયો. વળી પંજાબ જેવા મુસ્લિમ બહુમતી પ્રાંતની લાગણી પણ માત્ર પ્રાંત પૂરતી સત્તા માટે હતી. પંજાબના નેતાઓને અંગેજી હકુમત કેન્દ્રમામ મજબૂત રહે તેમાં કંઈ વાંધો નહોતો. પરંતુ ૧૯૩૭ની ચૂંટણીમાં કોંગ્રેસને કેન્દ્રમાં અને પ્રાંતોમાં પણ જબ્બર વિજય મળતાં મુસ્લિમોની દ્વિધા હવે પ્રગટ થઈ ગઈ. આથી આ દ્વિધામાંથી બહાર આવવા માટેની જુદી જુદી યોજનાઓ પર મુસલમાનોનું ધ્યાન ગયું.

લીગ અસમંજસ વચ્ચે સક્રિય

૧૯૩૯ના માર્ચમાં ઑલ ઇંડિયા મુસ્લિમ લીગે આ યોજનાઓનો વિચાર કરવા માટે એક વિશેષ સમિતિની નીમણૂક કરી. એની સમક્ષ રજૂ થયેલી યોજનાઓમાં ખાસ કોઈ સમાન વાત નહોતી, પણ એક સમાન મુદ્દો એ હતો કે મુસલમાનો એક ‘રાષ્ટ્ર’ છે. સમિતિનું કામ રગશિયા ગાડા જેમ ચાલતું રહ્યું પરંતુ લિન્લિથગોના દબાણ હેઠળ હવે સ્પષ્ટ અભિપ્રાય આપવાનું જરૂરી બની ગયું.

૧૯૪૦ના ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં લીગની કારોબારીની ચાર દિવસની મીટિંગ મળી. એમાં વિશેષ સમિતિને રિપોર્ટ તૈયાર કરવા આદેશ અપાયો. કારોબારીએ એક જ મુદ્દો ધ્યાનમાં રાખવાનો હતો કે મુસલમાનો એક રાષ્ટ્ર છે, માત્ર લઘુમતી નહીં – માત્ર એ જ બાબતમાં એકમતી હતી. અંતે સમિતિએ રિપોર્ટ આપ્યો તેના મુદ્દા આ પ્રમાણે હતાઃ દેશની પૂર્વમાં (બંગાળમાં) અને પશ્ચિમમાં (પંજાબમાં) બે સ્વાધીન ડોમિનિયન રાજ્યો બનાવવાં જેમનો સીધો સંબંધ ગ્રેટ બ્રિટન સાથે હોય; પરંતુ બીજાં ફેડરેશન કે ફેડરેશનો સાથે એમના સંબંધો એક સંધિ દ્વારા નિયંત્રિત થતા હોય, દેશમાં જુદા જુદા ઝોન બનાવવા જેમાં ઘટક રાજ્યો હોય અને ઝોનની અંદર એ સંપૂર્ણ સ્વાયત્તતા ભોગવતાં હોય. આનો અર્થ એ કે સિંધ અને વાયવ્ય સરહદ પ્રાંતનાં સ્વાયત્ત રાજ્યો ઝોનના ફેડરેશનમાં રહે. બીજા મુસ્લિમ લઘુમતીવાળા પ્રાંતોમાં મુસલમાનોનાં હિતોના રક્ષણ માટે “પૂરતી” વ્યવસ્થા હોય.

(મારા તરફથીઃ આ રીતે જોવાનું એ છે કે લીગે એના ધરખમ સમર્થક લઘુમતી મુસ્લિમ પ્રાંતો, યુક્ત પ્રાંત વગેરેને તદ્દન પડતા મૂકી દીધા હતા)

સમિતિનો આ રિપોર્ટ આગળ જતાં લીગે લાહોરમાં જે ઠરાવ પસાર કર્યો તેનો આધાર બન્યો. આ ઠરાવ ‘પાકિસ્તાન ઠરાવ’ તરીકે ઓળખાય છે. પરંતુ એમાંયે ફેડરેશનો (રાજ્યો)ની જ વાત હતી, ભાગલાની નહીં. લીગની સમિતિની ચર્ચાઓનું કોઈ રેકૉર્ડ ઉપલબ્ધ નથી એટલે એમાંથી લાહોર ઠરાવ કેમ ઊપજ્યો તે કોઈ કહી શકે તેમ નથી.

(મારા તરફથીઃ અંતે, ઠરાવમાં વપરાયેલા ‘રાજ્યો’ શબ્દની જગ્યાએ ‘રાજ્ય’ શબ્દ- એટલે કે એક અલગ પાકિસ્તાનનું રાજ્ય જેમાં મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો હોય – કેમ અને શી રીતે આવી ગયો તે પણ રહસ્ય જ છે).

આપણે The Sole Spokesmanનું સહપઠન ચાલુ રાખવા માટે હવે બુધવારે ૧૭મીએ મળીએ.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : :

-૦-૦

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

%d bloggers like this: