The Sole Spokesman: Jinnah, the Islam and the Demand for Pakistan : Ayesha Jalal(4)

The-Sole-Spokesman_Jinnah-the-Islam-and-the-Demand-for-Pakistan-1-Paperback_thumb.pngimage_thumb.pngThe Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan
Author: Ayesha Jalal ǁ Publishers: Cambridge University Press
May 1994, Paperback, 336 pages ǁ ISBN: 9780521458504

૧૯૩૭ની ચૂંટણીઓ પછી જિન્ના અને મુસ્લિમ લીગ માટે રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવાનો સવાલ હતો. આમ પણ રાજકારણની સાપસીડીમાં જિન્નાના નસીબે સીડીઓ ઓછી અને સાપ વધારે આવ્યા હતા. મુસ્લિમ બહુમતી કે લઘુમતી હોય, લીગની હાલત ખરાબ જ હતી. તેમાં પણ વાયવ્ય સરહદ પ્રાંત તો લગભગ આખો મુસ્લિમ પ્રાંત હતો; ત્યાં પણ કોંગ્રેસ સરકારમાં આવતાં લીગની તો ફજેતી જ થઈ. લઘુમતી પ્રાંતોમાં લીગનો દેખાવ સારો રહ્યો તો કોંગ્રેસનો ઘણો સારો. મુસ્લિમ પ્રાંતોએ લીગને થોડો ટેકો આપ્યો હોત તો કોંગ્રેસ સાથેની વાટાઘાટોમાં બરાબરી દેખાડી શકાઈ હોત. વળી મુસ્લિમ મતો એવી રીતે વિભાજિત થયા હતા કે કોંગ્રેસ દાવો કરી શકે એમ હતી કે એ મુસ્લિમો સહિત આખા દેશ માટે બોલે છે.

નવી સ્ટ્રૅટેજી

રાજકીય રીતે ટકી રહેવા માટે તદ્દન નવી સ્ટ્રૅટેજીની જરૂર હતી. ભલે, મુસ્લિમ બહુલ વિસ્તારોએ લીગના લીરા ઉડાવી દીધા હોય, પણ રાષ્ટ્રીય સ્તરે, માત્ર કહેવા પૂરતું જ, એમ માની લે કે જિન્ના એમનાં હિતોનું રક્ષણ કરશે, તો પણ ઘણું. આમ પણ સેંટ્રલ ઍસેમ્બ્લીમાં કોંગ્રેસનું વર્ચસ્વ હોવાથી પ્રાંતોને ઘર્ષણ થવાનું હોય તે કોંગ્રેસ સાથે જ થવાનું હતું. અહીં લીગ એમને કામ આવી શકે. પરંતુ જિન્નાની સ્થિતિ એવી નબળી હતી કે મુસ્લિમ પ્રાંતોના સેંટ્રલ ઍસેમ્બ્લીમાં ‘વકીલ’ બનવા માટે પોતાની શરતો લાદી શકે તેમ નહોતા. પરંતુ પંજાબના સિકંદર હયાત ખાન અને બંગાળના ફઝલુલ હકે એમને ઉગારી લીધા. પરંતુ બન્નેએ જિન્ના પર બહુ આકરી શરતો લાદી.

સિકંદર હયાત ખાને શરત મૂકી કે પંજાબની લીગમાં યૂનિયનિસ્ટ પાર્ટીના સભ્યોને પ્રવેશ આપવાનો રહેશે. આમ ખરેખર તો એ લીગનો વાવટો સંકેલી લેવા જેવું હતું. વળી, એ પણ શરત હતી કે પંજાબના મામલામાં લીગ માથું નહીં મારી શકે. એટલું જ નહીં, જિન્નાએ એમના ખરા સમર્થક, શહેરવાસી લીગરોને પણ કાઢી મૂકવાના હતા. લખનઉમાં જિન્ના-સિકંદર કરાર થયા તેના પર ઇકબાલે ટિપ્પણી કરી કે “લીગને સર સિકંદર અને એમના મિત્રોને હવાલે કરી દેવાઈ છે.” બીજા પણ વિરોધના સૂર ઊઠ્યા પણ પંજાબમાં લીગને તાળું માર્યા સિવાય જિન્નાને જે જોઈતું હતું તે મળે તેમ નહોતું.

બંગાળમાં તો એના કરતાંય ભારે કિંમત ચુકવવી પડી. આમ તો પંજાબ કરતાં બંગાળમાં લીગની સ્થિતિ બહુ સારી હતી અને પછી તો વધારે સારી સ્થિતિ ઊભી થઈ. પ્રાઇમ મિનિસ્ટર ફઝલુલ હકની કૃષક પ્રજા પાર્ટીમાંથી કેટલાક સભ્યો હટી ગયા અને હક સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. જિન્નાના નજીકના સાથી નઝિમુદ્દીન લીગના નેતા તરીકે પ્રાઇમ મિનિસ્ટર બની શકે એમ હતા. પરંતુ હકે જબ્બરદસ્ત પત્તું ફેંક્યું. એમણે પોતાને લીગના અંગરૂપ ગણાવ્યા અને લખનઉમાં લીગનું સંમેલન ચાલતું હતું તેમાં પોતાની કૃષક પ્રજા પાર્ટીના સભ્યોને લઈને પહોંચી ગયા. જિન્ના એમને રોકી ન શક્યા. હકે પણ પંજાબમાં થયું તેમ લીગનો કબજો જ લઈ લીધો. હવે નઝિમુદ્દીન એમને હટાવવાની વાત કરી શકે એમ નહોતા. કેન્દ્રમાં જિન્નાને બંગાળ વતી બોલવાનો અધિકાર આપીને હકે બદલામાં એટલું જ વચન આપ્યું કે તેઓ સેંટ્રલ ઍસેમ્બ્લીમાં એમની પાર્ટીના મુસલમાન સભ્યોને લીગની નીતિને માનવા સમજાવશે. તે સિવાય બીજી બધી રીતે સભ્યોને જે કંઈ કરવું હોય તે કરવાની છૂટ હતી.

જો કે લીગે પોતાનું બંધારણ કોંગ્રેસના બંધારણને ઉદાહરણ તરીકે સામે રાખીને બનાવ્યું હતું, એ જોતાં જિન્ના કેન્દ્રીય નેતાગીરીના નિર્ણયો પ્રાંતનાં યુનિટો પર લાગુ કરવા તત્પર હતા એમ લાગે છે. પરંતુ વાસ્તવિકતા એ હતી કે પ્રાંતો પર કોઈ હુકમ ઠોકી બેસાડાય એમ હતું જ નહીં. એટલે ૧૯૩૮માં નવું બંધારણ બનાવવામાં આવ્યું તેમાં પ્રાંતિક નેતાઓને વધારે સત્તાઓ આપવામાં આવી. લીગની કાઉંસિલમાં પણ આ નવી સ્થિતિનું પ્રતિબિંબ પાડવા કાઉંસિલનો સભ્ય પ્રાંતોમાં છેક નીચેથી શરૂ કરીને ચુંટાય એવી વ્યવસ્થા પણ કરવામાં આવી. આમ જિન્નાએ કંઈ નહીં તો કાગળ ઉપર, લીગ રાષ્ટ્રવ્યાપી સંગઠન હોય એવું ચિત્ર તો બનાવી લીધું.

ઇકબાલની ફૉર્મ્યૂલા

આયેશા જલાલ અહીં એક ધ્યાન ખેંચાય એવી વાત કરે છેઃ ચૂંટણીનાં પરિણામો પછી ઇક્બાલે જિન્નાને “મુસ્લિમ લઘુમતીવાળા પ્રાંતોની અવગણના કરવા”ની સલાહ આપી હતી. જિન્ના માટે આ વિચિત્ર વાત હતી કારણ કે લીગને સફળતા તો માત્ર એ પ્રાંતોમાં જ મળી હતી. એમણે ૧૯૩૯માં આ સૂચન કર્યું અને તે પછી સાત વર્ષે એનો ફોડ પાડ્યોઃ “પણ ભારતનાં બીજાં રાષ્ટ્રો (બીજી કોમો)ને જેમ આત્મનિર્ણયનો અધિકાર છે તે જ રીતે વાયવ્ય ભારત અને બંગાળને પણ આત્મનિર્ણયનો અધિકાર ધરાવતાં અલગ રાષ્ટ્ર (Nations) શા માટે ન ગણી શકાય? અંગત રીતે મને લાગે છે કે આજે વાયવ્ય ભારત અને બંગાળના મુસલમાનોએ લઘુમતીવાળા પ્રાંતોની અવગણના કરવી જોઈએ. મુસ્લિમ બહુમતી અને લઘુમતી, બન્ને પ્રકારના પ્રાંતોના મુસ્લિમો માટે આ જ એક ઉત્તમ રસ્તો છે.”

ઇકબાલને પ્રતીતિ થઈ ગઈ હતી કે લીગે હવે નક્કી કરી લેવું જોઈએ કે એ ભારતના ઉચ્ચવર્ગીય મુસલમાનો સાથે રહેશે કે સામાન્ય મુસલમાનો સાથે? ઇકબાલની નજરે ખરો પ્રશ્ન તો મુસલમાનોની ગરીબાઈ દૂર કરવાનો હતો. ઇકબાલે કહ્યું કે મુસ્લિમ જનસમુદાય માટે ‘ઇસ્લામનો કાનૂન’ લાગુ કરવાથી સામાન્ય મુસલમાન, જે લીગમાં રસ નહોતો લેતો તે પણ એને ટેકો આપતો થઈ જશે. પણ લીગની પાછળ જમીનદારો અને રૂઢિવાદીઓ હતા એટલે ધરમૂળથી ફેરફાર થાય એવા આર્થિક કાર્યક્રમને તો લીગમાં સ્થાન પણ મળી શકે તેમ નહોતું. જિન્ના જેવા ચકોર અને ધર્મનિરપેક્ષ માણસને એ પણ સમજતાં વાર ન લાગી કે ઇસ્લામના કાનૂનનું અર્થઘટન ઉલેમાઓના હાથમાં હોય તો પોતે શું કરે? એમના જૂના મિત્ર મહેમૂદાબાદના રાજાનું કહેવું હતું કે જિન્ના આવા પરંપરાગત ઉપાયોને સંપૂર્ણપણે નકારતા હતા.

કોંગ્રેસ પર પ્રહારો

મુસલમાનોએ પોતાના નેતૃત્વ હેઠળ શા માટે સંગઠિત થવું જોઈએ તેની દલીલો જિન્નાએ વિચારી કાઢી. એ અરસામાં કોંગ્રેસે મુસલમાનો સાથે સંપર્ક વધારવાનું અભિયાન શરૂ કર્યું હતું. પ્રાંતોના મુસ્લિમ નેતાઓને સમાવવાના એના પ્રયાસ હતા. જિન્નાએ યુક્ત પ્રાંતની રાજકીય સ્થિતિનો દાખલો આપીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા કે યુ. પી.માં કોંગ્રેસના પ્રધાનો છડેચોક પોતાના માણસોની તરફેણ કરે છે અને કોઈ મુસલમાન કોંગ્રેસનો ભરોસો ન કરી શકે. હિન્દુ મહાસભાની જોર પકડતી પ્રવૃત્તિ, કોંગ્રેસનો તિરંગો ફરકાવવાનો નિર્ણય, વંદે માતરમનું ગાન, વિદ્યા મંદિર યોજનાઓ અને ગાંધીજીની શિક્ષણ માટેની વર્ધા યોજના (નઈ તાલીમ) વગેરે બધું જ જિન્નાએ “કોંગ્રેસના અત્યાચાર” તરીકે રજૂ કર્યું. એમણે લીગ અને કોંગ્રેસ સમકક્ષ હોવાનો દાવો કર્યો અને કોંગ્રેસની કારોબારી સમિતિને આપખુદશાહી લાદવા માગતી ટોળકી તરીકે ઓળખાવી.

બીજી બાજુ કોંગ્રેસને લાગ્યું કે લીગની ટકી રહેવાની શક્તિનો એનો અંદાજ કાચો રહી ગયો. એણે મુસ્લિમોનો સંપર્ક કરવાનું બંધ કરીને જિન્ના સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસ વતી વાતચીત કરવાની જવાબદારી સુભાષ ચંદ્ર બોઝને સોંપાઈ. કોંગ્રેસનો ખ્યાલ હતો કે જિન્ના અને કોંગ્રેસ વચ્ચે સમાધાન થાય તેમાં સુભાષબાબુને અંગત રસ પણ હોઈ શકે, કારણ કે આ સમાધાન બંગાળ માટે પણ અનુકૂળ નીવડે તેમ હતું. પરંતુ જિન્ના આ તબક્કે વાત કરવા તૈયાર નહોતા. એમની શરત હતી કે કોંગ્રેસ એમને મુસ્લિમોના એકમાત્ર અધિકૃત પ્રવક્તા તરીકે સ્વીકારે. સામે પક્ષે એમણે કોંગ્રેસને હિન્દુઓનું એકમાત્ર સંગઠન માનવાની તૈયારી બતાવી, કોંગ્રેસ આ માનવા તૈયાર નહોતી.

અંગ્રેજો સાથે

હવે જે રાષ્ટ્રવાદી પોતાની આખી જિંદગી દરમિયાન અંગ્રેજો સામે લડ્યો તે હવે અંગ્રેજો તરફ જ વળ્યો. જિન્નાએ ઑગસ્ટ ૧૯૩૮માં એ વખતના કાર્યપાલક વાઇસરૉય લૉર્ડ બ્રેબૉર્નની મુલાકાત માગી. લૉર્ડ બ્રેબૉર્નના જણાવ્યા પ્રમાણે જિન્નાનો કહેવાનો અર્થ એ હતો કે બ્રિટિશરો “સેંટર પોતાના હસ્તક” જ રાખે, બ્રિટિશરોએ “મુસલમાનોને મિત્ર માનવા જોઈએ અને કોંગ્રેસના શાસન હેઠળના પ્રાંતોમાં મુસલમાનોનાં હિતોનું રક્ષણ કરવું જોઈએ” બદલામાં, “મુસ્લિમો સેંટરમાં બ્રિટિશ હિતોનું રક્ષણ” કરે. જિન્નાએ પોતે જ કહ્યું તેમ તેઓ લીગના ભલા માટે જરૂરી લાગે તો “શેતાન સાથે પણ હાથ મિલાવવા તૈયાર” હતા. એ વર્ષના ડિસેમ્બરમાં લીગની વાર્ષિક બેઠકમાં જિન્નાએ કહ્યું કે “સામ્રાજ્યવાદ માટે આપણને પ્રેમ છે એવું નથી, પણ પોલિટિક્સમાં આપણે ચેસબોર્ડની જેમ ચાલ ચાલવી જોઈએ.”

બીજી બાજુ, વાઇસરીગલ લૉજને જિન્નાની વાતમાં બહુ રસ ન પડ્યો. કારણ કે બ્રિટિશ હાકેમોને ફેડરેશનની યોજનાને સફળ બનાવવામાં રસ હતો, જેના જિન્ના આકરા ટીકાકાર હતા. એ જ વ્યક્તિની વાતને ગંભીરતાથી કેમ લેવાય? – અને તે પણ એવી વ્યક્તિ જે દુશ્મન તરીકે ક્ષુલ્લક હોય અને મિત્ર તરીકે હળવા વજનની.

પરંતુ વિશ્વયુદ્ધનાં નગારાં સંભળાવા લાગ્યાં હતા. અને ખરેખર યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે બ્રિટિશ સત્તાનાં કોંગ્રેસ અને લીગ સાથેનાં સમીકરણ બદલાઈ ગયાં.

આગળની રસપ્રદ ઘટનાઓ માટે ૧૫મી તારીખે મળશું.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય :

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

%d bloggers like this: