The Sole Spokesman: Jinnah, the Islam and the Demand for Pakistan–Ayesha Jalal(3)

The Sole Spokesman_Jinnah, the Islam and the Demand for Pakistan 3 ebookAyesha Jalal 3

The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan
Author: Ayesha Jalal ǁ Publishers: Cambridge University Press
May 2012, Adobe eBook Reader ǁ ISBN: 9781139239615

૧૯૩૫ અને ૧૯૪૭ વચ્ચેના જિન્નાનું રાજકારણ

ગવર્નમેન્ટ ઑફ ઇંડિયા ઍક્ટ

૧૯૩૫માં બ્રિટનની સંસદે મૅકડૉનલ્ડના કોમી ઍવૉર્ડને મંજૂરી આપી અને ગવર્નમેન્ટ ઑફ ઇંડિયા ઍક્ટ પણ બનાવ્યો. આથી લગભગ સાડાત્રણ કરોડ નાગરિકોને મતાધિકાર મળ્યો અને પ્રાંતિક સરકારોને વધારે સત્તાઓ મળી. જો કે કેન્દ્રમાં હજી અંગ્રેજોની પકડ પહેલાં જેવી જ રહી. વળી, વહીવટી પાંખ, એટલે કે સરકાર, ધારાસભા પ્રત્યે જવાબદાર નહોતી.

ભારતના રાષ્ટ્રવાદી નેતાઓની ડોમિનિયન સ્ટેટસની માગણીનો ઍક્ટમાં ઉલ્લેખ સુદ્ધાં નહોતો. પ્રાંતિક સ્વાયત્તતા તો ચૂંટણી પછી તરત મળવાની હતી પણ અર્ધાં રાજ્યો જોડાવા સંમત થાય તે પછી જ ફેડરેશન બનવાનું હતું. બીજી બાજુ ફેડરલ સરકારમાં મહત્ત્વનાં ખાતાં ઍસેમ્બ્લીના કાર્યક્ષેત્રમાંથી બહાર, સીધાં જ વાઇસરૉય હસ્તક રાખવામાં આવ્યાં હતાં. વાઇસરૉયને સત્તા હતી કે યુદ્ધ જેવી તાકીદની સ્થિતિમાં, એ રાજ્યો માટે પણ કાયદા બનાવવાનો સેંટ્રલ ઍસેમ્બ્લીને આદેશ આપી શકે. પાર્લામેન્ટમાં બે ગૃહોની વ્યવસ્થા હતીઃ ફેડરલ કાઉંસિલ અને ફેડરલ ઍસેમ્બ્લી. (આજે રાજ્યસભા અને લોકસભા છે તેમ). કાઉંસિલમાં બ્રિટિશ ઇંડિયા અને દેશી રાજ્યોના ૧૫૬ અને ૧૦૪ રાજ્યોના પ્રતિનિધિ હતા, બીજી બાજુ, ઍસેમ્બ્લીમાં ૨૫૦ સભ્ય હતા. દેખીતું છે કે, ગવર્નમેન્ટ ઑફ ઇંડિયા ઍક્ટ દ્વારા લોકોના પ્રતિનિધિઓને બદલે વાઇસરૉયના જ હાથ મજબૂત બનતા હતા. બ્રિટિશ ઇંડિયાની ૧૫૬ સીટોમાંથી જુદીજુદી કોમો માટે અનામત બેઠકો હતી; મુસલમાનોની ૪૯ બેઠકો હતી. ઍસેમ્બ્લીમાં એમને ૮૨ સીટો મળી હતી.

મુસ્લિમો માટે એવી સ્થિતિ હતી કે તેઓ સૌ એક જ રીતે મતદાન કરે તો જ એમનો પ્રભાવ રહે. એ જ કારણથી, જિન્ના અને મુસ્લિમ લીગે કહ્યું કે મુસલમાનો કોઈ પણ રીતે ચુંટાયા હોય, એમણે એક જ નેતાના વ્હિપ હેઠળ એક જ રીતે મતદાન કરવું.

૧૯૩૪ અને ૧૯૩૭ વચ્ચે તો જિન્નાનું ધ્યાન કેન્દ્ર પર જ રહ્યું. કોંગ્રેસ પણ કેન્દ્રમાં જ સત્તા મળવી જોઈએ એમ માનતી હતી. ૧૯૩૫ના કાયદાથી કેન્દ્રમાં બ્રિટિશ સત્તા વધારે મજબૂત થતી હતી. ૧૯૩૭માં ચૂંટણીનાં પરિણામ ન આવ્યાં ત્યાં સુધી કોંગ્રેસની સ્થિતિ શી રહેશે તે કોઈ કહી શકતું નહોતું; એ પોતાના હરીફોને ચગદી નાખશે કે પોતાની અંદર સમાવી લેશે? લીગ પણ મુસ્લિમ લઘુમતીવાળા વિસ્તારોમાં મુસ્લિમોને પોતાની સાથે રાખી શકશે કે કેમ તેય સવાલ હતો. બીજું, મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતોમાં પણ લીગે સ્થાનિક મુસ્લિમ નેતાઓના ગઢમાં છીંડું પાડવાનું હતું. આવું થાય તો દેશના મુસલમાનોના એકમાત્ર સ્પોક્સમૅન હોવાનો જિન્નાનો દાવો પણ મજબૂત બને.

પરંતુ જિન્નાનો વ્યૂહ કેટલીયે ધારણાઓ પર રચાયેલો હતો. એમની ધારણા હતી કે પ્રાંતોમાં બેઠેલા નેતાઓ ધ્વસ્ત નહીં થાય અને કોંગ્રેસને સ્થાનિકના હિન્દુ નેતાઓ પર નિયંત્રણ રાખવા માટે લીગની મદદની જરૂર પડશે. બીજું, અખિલ ભારતીય રાજકારણનાં દબાણ એવાં હશે કે મુસ્લિમ પ્રાંતોમાં શાસન ચલાવનારા પર એની અસર પડ્યા વિના નહીં રહે. પરંતુ જિન્ના ૧૯૩૭ પહેલાંનું પ્રાંતોનું રાજકારણ સમજી શક્યા નહોતા, અને, ખરેખર તો એવું છે, કે કદી પણ સમજી શક્યા કે કેમ તે પણ શંકાનો વિષય છે.

અલગ મતદાર મંડળોની વ્યવસ્થા મુસ્લિમ રાજકારણ માટે બૂમરેંગ જેવી સાબિત થઈ હતી. આ વ્યવસ્થાને કારણે મુસ્લિમ નેતાઓને ખરા અર્થમાં પક્ષો બનાવવાની જરૂર ન રહી. એમને કોઈ પાર્ટીમાં જોડાવાની પણ જરૂર નહોતી. એ પોતાના કિલ્લામાં સલામત હતા. લઘુમતી પ્રાંતોમાં પણ એ જ સ્થિતિ હતી. આ પ્રાંતોમાં તો લીગની શરૂઆત પણ હમણાં જ થઈ હતી એટલે સ્થાનિક મુસલામાન નેતાઓને એ કશું આપી શકે એમ પણ નહોતી. બીજી બાજુ, લઘુમતી હિન્દુઓને કોઈ વ્યવસ્થિત પાર્ટીમાં – ખાસ કરીને કોંગ્રેસમાં – જોડાવાનું જરૂરી લાગ્યું. મુસલમાનોને તો આવી કોઈ ચિંતા નહોતી,

ઍપ્રિલ ૧૯૩૬માં મુંબઈમાં લીગનું સંમેલન મળ્યું તેમાં જિન્નાએ પંજાબના નેતા ફઝલ-એ-હુસૈનને પ્રમુખ બનવા આમંત્રણ આપ્યું પણ હુસૈન આ દાણા ચણવા તૈયાર ન થયા. આના પછી મુંબઈ સંમેલનમાં એકઠી થયેલી ભીડ પર છાપ પાડવા માટે જિન્ના એકલા જ હતા. સંમેલનમાં એમણે ફેડરેશનની યોજનાની સખત ટીકા કરી. ફઝલ-એ-હુસૈન આ વાત કેમ સ્વીકારી શકે? એ ઓછું હોય તેમ, જિન્નાના સેંટ્રલ પાર્લામેન્ટરી બોર્ડે આખા દેશમાં મુસલમાન ઉમેદવારો મૂકવાનો નિર્ણય લીધો અને જાહેર કર્યું કે મુસલમાને માત્ર કોમી ટિકિટ પર જ ચૂંટણી લડવી. ફઝલ-એ-હુસૈનની યૂનિયનિસ્ટ પાર્ટીને આ ખુલ્લો પડકાર હતો. એ જ રીતે બંગાળમાં પણ બધી કોમોની બનેલી પાર્ટી હતી. એ પણ લીગને ટેકો આપે તેમ નહોતી.

પંજાબમાં જિન્નાનો સખત વિરોધ થયો. એમને ખબર હતી કે પંજાબના મુસલમાનોમાં તડાં હતાં. એમણે એનો લાભ લેવા માટે મુસલમાન ઉમેદવારોને લીગનું રક્ષા છત્ર પૂરું પાડવાની પણ જાહેરાત કરી અને લીગની ટિકિટ પર જીતનારને ધારાસભામાં બિનમુસ્લિમ સભ્યો સાથે જોડાણ કરવાનીયે છૂટ આપી. આમ છતાં યૂનિયનિસ્ટ પાર્ટીમાંથી કોઈએ બહાર આવીને લીગની ટિકિટ લેવાની તૈયારી ન દેખાડી.

પંજાબમાં જિન્નાને ટેકો આપનારા ગણ્યાગાંઠ્યા શહેરીઓ જ હતા. ફઝલ-એ-હુસૈન અને સિકંદર હયાત ખાને જિન્નાને પંજાબની બાબતોમાં માથું ન મારવાની ચેતવણી આપી અને કહ્યું કે એમનો ખેલ તદ્દન નિષ્ફળ રહેશે. હુસૈન સમજી ગયા હતા કે જિન્ના એટલું જ ઇચ્છે છે કે લીગની ટોપી પહેરી લો, તે પછી જેમ કરો છો તેમ જ કરતા રહો. “હું હવે કદી પંજાબ નહીં આવું, સાવ નકામો પ્રદેશ છે” એમ કહીને જિન્નાએ પંજાબ છોડ્યું.

ચૂંટણીનાં પરિણામો આવ્યાં તે જિન્નાની ધારણા મુજબનાં નહોતાં. યૂનિયનિસ્ટ પાર્ટી ૭૫માંથી ૭૧ સીટ જીતી ગઈ. લીગને માત્ર એક સીટ મળી. સિકંદર હયાત ખાને સરકાર બનાવી તેમાં ત્રણ મુસ્લિમ, બે હિન્દુઓ (સર છોટુ રામ – ગ્રામીણ હિતો માટે અને મનોહરલાલ – શહેરી હિતો માટે) અને એક શીખને લીધા. આમ, કંઈ નહીં તો, પંજાબમાં, બધી કોમોની સરકાર બનતાં ૧૯૩૫ના કાયદાનું લક્ષ્ય ફળીભૂત થયું હતું.

બંગાળમાં જિન્નાની સ્થિતિ પંજાબ કરતાં વધારે સારી હતી. ત્યાં પશ્ચિમ અને પૂર્વના મુસલમાનોમાં જ કોમી ઍવૉર્ડને કારણે ભારે મતભેદ હતા. પૂર્વ બંગાળમાં મુસ્લિમોની બહુમતી હતી એટલે મતદાર મંડળ સંયુક્ત હોવા છતાં મુસલમાનોને કંઈ ફરક નહોતો પડતો, પણ પશ્ચિમ બંગાળના લઘુમતી મુસલમાનો માટે કોમી અનામત સીટો બહુ મહત્ત્વની હતી. બંગાળના બન્ને ભાગમાં હિન્દુઓની સ્થિતિ આનાથી તદ્દન વિપરીત હતી. પશ્ચિમ બંગાળમાં એમની બહુમતી હતી, પણ પૂર્વ બંગાળમાં એ લઘુમતીમાં હતા.

આ સ્થિતિનો લાભ લઈને બંગાળના નેતા ફઝલુલ હકે બંગાળની ‘નિખિલ બંગ પ્રજા પાર્ટી’નો કબજો લેવાનું નક્કી કર્યું. આથી બીજા મુસ્લિમ નેતાઓ નારાજ થઈ ગયા અને એમણે ‘યુનાઇટેડ મુસ્લિમ પાર્ટી’ બનાવી, જો કે આ નવી પાર્ટી બન્ને પાંખના મુસ્લિમોને કેમ સંતોષ આપી શકશે તેની કોઈ સ્પષ્ટતા નહોતી. ફઝલુલ હકે પણ પોતાની પાસે બચેલી પાર્ટીમાંથી નવી પાર્ટી ‘કૃષક પ્રજા પાર્ટી’ બનાવી. યુનાઇટેડ પાર્ટી જમીનદારોની હતી એટલે ફઝલુલ હકે જમીનદારી નાબૂદીને કૃષક પ્રજા પાર્ટીનો ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનાવ્યો.

આ દરમિયાન કલકત્તાના બે અગ્રણી વેપારીઓ લીગના લાહોર અધિવેશનમાં ભાગ લેવા ગયા. ત્યાં જિન્નાએ એમને બંગાળમાં લીગ બનાવવાનું કામ સોંપ્યું. જિન્ના પોતે પણ કલકત્તા ગયા. એમણે અહીં પણ પંજાબ જેમ જ મુસલમાનો કોમી ટિકિટ પર જ ચૂંટણી લડે એવી હિમાયત કરી. આના માટે યુનાઇટેડ મુસ્લિમ અને કૃષક પ્રજા, બન્ને પાર્ટીઓને એ લીગની નીચે મૂકવા માગતા હતા પણ ફઝલુલ હકે માગણી મૂકી કે લીગના પાર્લામેન્ટરી બોર્ડમાં કૃષક પ્રજા પાર્ટીના માણસો હોવા જોઈએ અને એમનો એજન્ડા પણ લીગે સ્વીકારવો જોઈએ. જિન્ના એના માટે તૈયાર નહોતા, પરિણામે એમને મુસલમાન જમીનદારોની યુનાઇટેડ મુસ્લિમ પાર્ટી સાથે રહેવું પડ્યું.

બીજી બાજુ, બંગાળના હિન્દુઓ મુસ્લિમ બહુમતીની શક્યતાથી સજાગ થઈ ગયા અને એમણે કોઈ મોટી પાર્ટી સાથે જોડાવાની કોશિશો કરી અને કોંગ્રેસે એમને આવકાર્યા. ફઝલુલ હકે પણ કોંગ્રેસ સાથે વણકહી સમજૂતી કરી એટલે બન્ને પક્ષોએ એકબીજાના મતો પર તરાપ ન મારવાનું નક્કી કર્યું. જિન્ના અકળાઈને કહેતા રહ્યા કે કૃષક પ્રજા પાર્ટી કોંગ્રેસના કહેવાથી અહીંતહીં ભાગતા કૂતરા જેવી છે.

પરંતુ ચૂંટણીનાં પરિણામોએ દેખાડ્યું કે બંગાળમાં મુસલમાનો કેટલી હદે વહેંચાયેલા હતા. બધા મુસલમાન ઉમેદવારોમાંથી બે-તૃતીયાંશ તો અપક્ષ હતા અને ૪૧ સીટો જીતી ગયા. મુસ્લિમ લીગે – ખરેખર તો યુનાઇટેડ મુસ્લિમ પાર્ટીએ – ૮૨ સીટો પર પોતાના ઉમેદવાર મૂક્યા હતા તેમાંથી ૩૯ પર જીત મેળવી, કૃષક પ્રજા પાર્ટીના ૭૫ ઉમેદવારમાંથી ૩૬ જીત્યા. કોંગ્રેસ ૫૪ સીટો સાથે સૌથી મોટા પક્ષ તરીકે મોખરે રહી.

પરિણામોનો અર્થ એ હતો કે ફઝલુલ હક ‘કિંગમેકર’ હતા. પરંતુ કોંગ્રેસ સરકાર રચવામાં ઢીલી રહી. હક સાથેની એની મંત્રણાઓ પડી ભાંગી અને હકે તરત મુસ્લિમ લીગ સાથે હાથ મિલાવ્યા. પણ એમને એની ભારે કિંમત ચુકવવી પડી. હકના બે જ મુસલમાન કૅબિનેટમાં આવ્યા, લીગના ચાર. કોંગ્રેસ સાથે ન જોડાયેલા ત્રણ હિન્દુઓને પણ કૅબિનેટમાં સ્થાન મળ્યું.

સિંધ પ્રાંતમાં ૭૨ ટકા વસ્તી મુસલમાનોની હોવા છતાં લીગને ચૂંટણી લડવા માટે એક પણ સાથી ન મળ્યો. વાયવ્ય સરહદ પ્રાંતમાં ખાન અબ્દુલ ગફ્ફારખાનના ખુદાઈ ખિદમતગારની સ્થિતિ એવી મજબૂત હતી કે લીગે ત્યાં બીજા મુસ્લિમ નેતાઓને એકઠા કરીને મોરચો માંડવાની હિંમત જ ન કરી અને ખાન અબ્દુલ ગફ્ફાર ખાનના મોટાભાઈ ડૉ. ખાન સાહેબના નેતૃત્વ હેઠળ ખુદાઈ ખિદમતગાર અને કોંગ્રેસે સંયુક્ત સરકાર બનાવી.

મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતોમાં આવો રકાસ થયા પછી લઘુમતી મુસ્લિમ પ્રાંતો પર જિન્નાની બધી આશા બંધાયેલી હતી. તેમાંયે યુક્ત પ્રાંત ખાસ હતો. અહીં હિન્દુ અને મુસ્લિમ જમીનદારોને કોંગ્રેસની સમાજવાદી પાંખની જમીનદારી નાબૂદીની નીતિનો ખતરો હતો એટલે એ કોમી સંગઠનોને આશરે ગયા. એમાંથી છત્તારીના નવાબ અને મહેમૂદાબાદના રાજા લીગ સાથે રહ્યા. જિન્નાની ધારણા એવી હતી કે કોંગ્રેસને સરકાર બનાવવામાં લીગની મદદની જરૂર પડશે, પણ કોંગ્રેસ ૧૪૦ સામાન્ય સીટોમાંથી ૧૩૬ જીતી ગઈ અને લીગને મુસ્લિમો માટેની અને બીજી, એમ કુલ માત્ર ૨૭ બેઠકો મળી. આમ કોંગ્રેસને કોઈ બીજા પક્ષની જરૂર ન રહેતાં એની સાથે જોડાઈને મુસ્લિમ લઘુમતી પ્રાંતોમાં મુસલમાનોના એકમાત્ર પ્રવક્તા બનવાની જિન્નાની આશા પર પાણી ફરી વળ્યું.

પ્રાંતોને સ્વાયત્ત શાસન આપીને રાષ્ટ્રવાદીઓને ખાળવાનો બ્રિટિશ વ્યૂહ પણ આ સાથે પડી ભાંગ્યો. જિન્નાની બધી ધારણાઓ ખોટી પડી હતી. એમને એમ હતું કે પ્રાંતોમાં વ્યૂહાત્મક જોડાણો દ્વારા રાષ્ટ્રીય સ્તરે સત્તા માટે દાવો કરી શકાશે, પણ ખરેખર એ સ્થિતિમાં કોંગ્રેસ હતી. ૧૯૩૦ના અસહકાર આંદોલનનો પ્રભાવ લોકો પર હતો અને એ સદ્ભાવનાનો કોંગ્રેસને લાભ મળ્યો. હવે કોંગ્રેસ એ દેખાડી શકી કે રાષ્ટ્રીય સ્તરે એને લીગની મદદની કોઈ જરૂર નહોતી.

કોઈ પણ માણસ હિંમત હારી જાય એવી સ્થિતિ હતી અને કોંગ્રેસે પણ જિન્નાને એ દેખાડવા માટે એમને કોંગ્રેસમાં પાછા ફરવા આમંત્રણ આપ્યું! પણ મુસલમાનોના Sole Spokesman બનવાની જિન્નાની ઇચ્છા હજી મરી પરવારી નહોતી.

મુસલમાનોના એકમાત્ર પ્રવક્તા બનવાની જિન્નાની આ યાત્રામાં હવે ૧૦મી તારીખે આગળ વધશું.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય :

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

%d bloggers like this: