Family Chronicles

મૂળ અંગ્રેજી લેખ Family Chronicles ના લેખક – જમાલ કિદવઈ

અનુવાદ – દીપક ધોળકિયા

૧૯૪૭માં દેશના ભાગલા પડતાં માત્ર પ્રદેશના જ ભાગ ન પડ્યા પણ કુટુંબોય વહેંચાઈ ગયાં. ક્ષતવિક્ષત હિન્દુ કુટુંબો પાકિસ્તાનમાંથી ભાગીને ભારત આવી ગયાં અને મુસ્લિમ પરિવારો એવી જ સ્થિતિમાં ભારત છોડીને ગયા. કોઈ નવા દેશમાં ઝડપથી મળતી તકોની શોધમાં ગયા, કોઈ મઝહબ માટે ગયા તો ગરીબ કુટુંબો ખોફને કારણે ગયાં. આજના ‘મારી બારી’ના લેખક જમાલ કિદવઈ અમન ટ્રસ્ટના ડાયરેક્ટર છે અને છેલ્લા બે દાયકાથી જુદાં જુદ્દાં નાગરિક અધિકાર સંગઠનો સાથે સ્સંકલાયેલા છે ઉત્તર પ્રદેશના બારાબંકીના. એમના લેખો પ્રાતિષ્ઠિત સામયિકોમાં પ્રકાશિત થતા રહે છે.

જમાલ કિદવઈ એમનું મૂળ વતન ઉત્તર પ્રદેશનું બારાબંકી. નોંધવા જેવું છે કે બારાબંકીના આ કિદવઈ પરિવારે દેશને ઘણા જાણીતા નેતાઓ આપ્યા છે. શ્રી જમાલ કિદવઈના દાદા શફીક઼ ઉર રહેમાન કિદવઈ અને દાદી સિદ્દિકા કિદવઈ ચુસ્ત ગાંધીવાદી હતાં. દાદાએ તો ગાંધીજીના નેતૃત્વ હેઠળ ચાલતા સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાનું યૌવન જેલોને જ અર્પણ કરી દીધું. એમણે ડૉ. ઝાકિર હુસૈન સાથે મળીને જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીની સ્થાપના કરી. દાદી પણ સામાજિક સેવા કરતાં રહ્યા. અનવર જમાલ કિદવઈ જામિયાના વાઇસ ચાન્સેલર બન્યા. રફી અહમદ કિદવઈ જવાહરલાલ નહેરુના પ્રથમ પ્રધાનમંડળમાં સંદેશવ્યવહાર મંત્રી અને ૧૯૫૨ની ચૂંટણી પછી કૃષિ અને અન્ન મંત્રી હતા. ડૉ. એ. આર. કિદવઈ બિહાર અને હરિયાણાના રાજ્યપાલ હતા. મોહસિના કિદવઈ પણ એ જ પરિવારમાંથી આવ્યાં છે.

પાકિસ્તાન બનતાં કિદવઈ પરિવારમાં ઊભો ચીરો પડ્યો અને કેટલાક સભ્યો પાકિસ્તાન ચાલ્યા ગયા. આગળ શ્રી જમાલ કિદવઈની કલમે –

ભાગલાની કરુણાંતિકાને જુદી જુદી રીતે જોઈ શકાય છે. મોટા ભાગે તો એને પાશવી હિંસાચાર અને બન્ને બાજુની વ્યાપક હિજરતના દૃષ્ટિકોણથી જોવાનું વલણ રહ્યું છે. પરંતુ હું આ લેખમાં એ દૃષ્ટિએ જોવા નથી માગતો પણ મારા કુટુંબની કેટલીક વાતો લખીશ જે પોતે પણ ભાગલાની કરુણાંતિકાનું જ પ્રતિબિંબ પાડે છે. કેટલીક ઘટનાઓમાંથી ખુશી ટપકે છે, તો કેટલીકમાંથી દુઃખ. પરંતુ મુખ્યત્વે એમાંથી એક વાત ફલિત થાય છે કે ભાગલાએ નાગરિકતા, સંસ્કૃતિ, પારિવારિક સંબંધો અને રાજકારણમાં કેવી કૃત્રિમ પિછાણો પેદા કરી છે. એમાંથી વાચકોને એ પણ જોવા મળશે કે આ બધી અવધારણાઓ સાવ જ સામાન્ય વાત હોય એમ માનીને ચાલીએ છીએ અને બીજી બાજુ એમને ઉકેલ્યા વિના, ચકાસ્યા વિના રહેવા દઈએ છીએ.

ભાગલા પડ્યા ત્યારે લાખો હિન્દુ અને મુસ્લિમ શરણાર્થીઓને ભાગવું પડ્યું હતું પણ મારા કુટુંબમાંથી જે ગયા તે બધા પોતાની મરજીથી ગયા. કેટલાક તો ૧૯૫૦નો દાયકો શરૂ થયો ત્યારે ગયા. એમને એમ હતું કે નવો દેશ બને છે એટલે ત્યાં કામધંધા માટે સારું રહેશે. એમને ખાતરી પણ હતી કે સરહદ તો બંધ નહીં થાય એટલે ભારત સાથે સંપર્ક પણ જળવાઈ રહેશે. એમાંથી કેટલાક તો લખનઉ/બારાબંકી અને લાહોર/કરાંચી વચ્ચે આવ-જા પણ કરતા રહ્યા. પરંતુ ૧૯૭૧ની લડાઈ પછી બધું ધરખમ બદલાઈ ગયું. વીસા અને ભારત આવવાની પરમિશન મળવાનું વધારે ને વધારે અઘરું થવા લાગ્યું.

૧૯૮૦ના દાયકાનાં છેલ્લાં વર્ષો દરમિયાન મારા બાળપણ અને કિશોરાવસ્થા સુધી હું ઉનાળાની રજાઓમાં બારાબંકીમાં અમારા ગામે કાયમ જતો. ત્યાં અમારાં પાકિસ્તાની કઝિન્સ પણ કંઈ નહીં તો બે વર્ષે એક વાર જરૂર આવતાં. વીસાની મુશ્કેલી તો હતી પણ એમનાં માતાપિતા એમને ચીવટથી બે વર્ષે એક વાર અમારા વતનના ગામે અવશ્ય મોકલતાં. અમારાં માતાપિતા અને પાકિસ્તાનથી આવતાં કાકા-મામા કે ફઈ વગેરે તો આઝાદી પહેલાં જન્મ્યાં હતાં પણ અમારી નવી પેઢી આઝાદી પછીની હતી. બીજા શબ્દોમાં અમે પહેલી પેઢીનાં ભારતીય અને પાકિસ્તાની નાગરિક હતાં. ૧૯૭૧ની લડાઈમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું તે પછી અમે બાળકો પણ જે દેશભક્તિનું પૂર ઊમટ્યું હતું તેનાથી તરબોળ હતાં. એમાં ક્રિકેટ મૅચો પણ નવું જોશ પૂરતી હતી. ( એ દિવસોમાં ભારત જીતે એવું ભાગ્યે જ બનતું).

અમે બાળકો અચૂકપણે પાકિસ્તાની અને ભારતીય જૂથોમાં વહેંચાઈ જતાં. કોણ વધારે સારો ઑલરાઉંડર – ઇમરાન ખાન કે કપિલ દેવ; અમે પત્તાં રમતાં ત્યારે, કે સ્ક્રૅબલ, ક્રિકેટ અથવા અંતાક્ષરી રમતાં ત્યારે પણ ભારતની અને પાકિસ્તાનની ટીમો બની જતી. આ સ્પર્ધાઓ અને દલીલોમાં નાની પણ રોમાંચક જીત પણ મળતી; જેમ કે, એક વાર આવી જ દલીલમાં એક પાકિસ્તાની કઝિને કોલગેટની ટૂથપેસ્ટ કાઢી. એ સુંદર, પ્લાસ્ટિકની હતી, તેની સામે અમારી કોલગેટની ટ્યૂબ તો ટિનની હતી અને જલદી કટાઈ જતી. અમારો કઝિન અમને ટ્યૂબની ક્વૉલિટી માટે ટોણો મારતો હતો. દેખીતું છે કે ભારત પાકિસ્તાન કરતાં પછાત છે એ જાણીને અમને ભોઠપ લાગતી. પણ ત્યાં તો બાજી ઓચિંતી પલટાઈ ગઈ. અમારી ટીમમાંથી એક જણે પાકિસ્તાની ટ્યૂબ ધ્યાનથી જોઈ. અને પછી એણે જે જાહેરાત કરી તેથી ભારતીય ટીમ તો ઊછળી જ પડી. ટ્યૂબ પર લખ્યું હતું, ‘મેઇડ ઇન ઇંડિયા’! બસ, પછી તો પૂછવું જ શું? અમારા પાકિસ્તાની કઝિનોનાં મોઢાં દિવેલ પીધા જેવાં થઈ ગયાં. પાકિસ્તાની ટીમ માત્ર હારી નહોતી પણ વૅકેશન કેમ વિતાવવું એ પણ એના માટે મોટો પ્રશ્ન થઈ પડ્યો. એ દિવસોમાં કન્ઝૂમર ગુડ્સમાં અને ભૌતિક સુખસગવડોનાં સાધનોમાં પાકિસ્તાન આગળ હતું. આ બધો માલ એ અમેરિકાથી આયાત કરતું હતું એટલે ભારત કરતાં બહુ ઘણું ‘વિકસિત’ હતું અને એમના આ ઘમંડમાં પંક્ચર પાડવામાં અમને બહુ મઝા આવી.

પણ નવાઈની વાત એ છે કે અંતાક્ષરીમાં પાકિસ્તાની ટીમ હંમેશાં જીતતી, કારણ કે એમને અમારા –ભારતીયો – કરતાં જૂની અને નવી હિન્દી ફિલ્મોનાં ગીતો વધારે આવડતાં હતાં. પણ ફિલ્મોને કોઈ ‘ભારતીય’ માનતું જ નહોતું. એ તો સૌનો એકસમાન વારસો હતો અને અમે સૌ એમાં એકસરખું ગૌરવ અનુભવતાં. આખું વર્ષ ભારતીય ટીમ બહુ જ ભક્તિભાવથી કાળજીપૂર્વક પાકિસ્તાની કઝિનો માટે ‘સ્ટારડસ્ટ’ અને ‘ફિલ્મફેર’ ના અંકો એકઠા કરતી. આવો જ સહિયારો વારસો એટલે અમારી બારાબંકીની કેરી. પાકિસ્તાની કઝિનો અમારી પાસે ગર્વભેર બડાઈ હાંકતાં કે એમણે પાકિસ્તાનમાં લોકોને બારાબંકીની કેરી દુનિયામાં સૌથી સારી છે એ સમજાવી દઈને કેવી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. 

પરંતુ, અમારા ભારતીય કઝિનોમાં એક નાની લઘુમતી ‘દેશદ્રોહી’ હતી. ક્રિકેટ કે હૉકીની મૅચ હોય ત્યારે એ કઝિનો પાકિસ્તાનના પક્ષમાં રહેતા. એ ‘રાજકીય ટાઇપ’ના હતા જે એમ માનતા કે ભારતમાં હિન્દુઓ મુસલમાનો સાથે ખરાબ વર્તન કરે છે. મુસલમાનો સાથે નોકરીઓમાં અને જાહેર જીવનમાં ઓરમાયું વર્તન કરાતું હોય છે અને ભારતમાં “ઇસ્લામ ખતરે મેં હૈ.” એમને લાગતું કે પાકિસ્તાનને ટેકો આપીને તેઓ ભારતીય મુસલમાનો પર થતા બધા જુલમો અને ભેદભાવ માટે ભારત સામે ખટલો ચલાવે છે. એ દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી હૉકી મૅચો વિશે પણ એમની કલ્પનાના ઘોડા નવી દિશાઓમાં દોડતા. ભારતની ક્રિકેટ ટીમમાં તો સૈયદ કિરમાની એક જ મુસલમાન હતા જેમને પાકું સ્થાન મળ્યું હતું, પણ હૉકી ટીમમાં કેટલાયે મુસ્લિમ પ્લેયરો હતા – મહંમદ શાહિદ,ઝફર ઇકબાલ વગેરે. ‘દેશદ્રોહીઓ’નું સપનું એ હતું કે ભારત વતી કોઈ ગોલ કરે તો તે માત્ર શાહિદ અને ઇકબાલ, પણ અંતે જીતે પાકિસ્તાન! આમ એમને એક કાંકરે બે પક્ષી મારવાં હતાં: મૅચ પાકિસ્તાન જીતે, પણ હિન્દુ-ભારતનું નાક બચાવનાર તો મુસલમાન જ હતા!

અમારાં પાકિસ્તાની અંકલ-આન્ટીઓ તો વારંવાર ભારત આવતાં, બારાબંકી જતાં, અવધીમાં વાતો કરતાં, એમને ઉછેરનાર કુટુંબના નોકરોને મળતાં, મિરાસીઓ પાસેથી કવ્વાલીઓ અને ભજનો સાંભળતાં, પણ સામે પક્ષે ભારતમાંથી કોઈ વડીલ કે કિશોરોમાંથી કોઈ ભાગ્યે જ પાકિસ્તાન જતું. કારણ તો બહુ સીધુંસાદું હતું. પાકિસ્તાનમાં કોઈ સગાંવહાલાંને મળવા કે કોઈ ભત્રીજા- ભાણેજનાં લગનમાં સામેલ થવા સિવાય બીજું તો કંઈ નહોતું. આમ મારા એક કઝિનના લગ્નમાં પાકિસ્તાનની મુલાકાતે જવાની મને તક મળી. એ પ્રવાસ મારા માટે ઘણી રીતે આંખ ઉઘાડનારો બની રહ્યો, કેમ કે ભાગલાની ગૂંચ કેવી છે તે સમજવાની મને તક મળી. એ વખતે મને સમજાયું કે ભાગલા માત્ર હિન્દુ-મુસ્લિમ વચ્ચેની દીવાલ કરતાં કંઈક વિશેષ છે. 

શ્રીમતી ઇંદિરા ગાંધીની હત્યાને પગલે દિલ્હીમાં શીખ હત્યાકાંડ થયો તે પછી તરત મને પાકિસ્તાન જવાનો મોકો મળ્યો. મેં  આ હત્યાકાંડ નજરે જોયો અને શીખોના દુઃખોનો મને સીધો જ પરિચય થયો. દિલ્હી ભડકે બળતું હતું. અમને સ્કૂલ લઈ જનારા શીખ ડ્રાઇવરની હત્યા થઈ ગઈ હતી. સ્કૂલમાં બધા શીખ વિદ્યાર્થીઓ આતંકના ઓછાયામાં હતા. અમે રાહત સામગ્રી એકઠી કરીને પાડોશમાં રહેતા શીખ પરિવારોમાં વહેંચતા. મારા માટે અને મારી પેઢી માટે પુસ્તકોમાં વાંચેલી ભાગલા વખતની હિંસાની વાતો જાણે ભૂતકાળમાંથી સજીવન થઈને સામે આવી ગઈ. હું દિલ્હીમાં બે રાહત કૅમ્પોમાં ગયો, ત્યાં સ્ત્રીઓ અને બાળકો કલ્પાંત કરતાં હતાં અને પોતાનાં વીતક પંજાબીમાં કહેતાં હતાં. ઓચિંતો મારા મનમાં પ્રકાશ થયો કે ભાષા અને એક સમુદાય કેવાં અભિન્નપણે જોડાયેલાં છે.

લાહોર વિમાનઘરે મારો કઝિન મને લેવા આવ્યો હતો. દિલ્હીથી અમારું આખું ગ્રુપ ગયું હતું એટલે અમને લેવા ત્રણ કાર આવી હતી. મારો કઝિન, મારા કરતાં કેટલાંક વર્ષ મોટો હતો તે કાર ચલાવતો હતો. ઘરે જતાં પહેલાં એ અમને એક મસ્જિદમાં લઈ ગયો. ત્યાંથી એક મૌલાના નિકાહ કરાવવા માટે આવવાના હતા. કઝિન એને મળીને પાકું કરવા માગતો હતો. થયું એવું કે એણે મૌલાના સાથે પંજાબીમાં વાત કરી. અમે તો એ લોકો સાથે હંમેશાં હિન્દુસ્તાનીમાં વાત કરતા. મુસલમાન પંજાબી બોલે છે તે જાણીને મને ધક્કો લાગ્યો. મને તો એમ હતું કે પાકિસ્તાનમાં બધા ઉર્દુ બોલતા હશે!

પરંતુ મારો આંચકો રમૂજમાં ફેરવઈ ગયો અને મેં મારા કઝિન પર દબાણ કર્યું કે મારી સાથે પંજાબીમાં જ વાત કરે. બીજા દિવસે હું એકલો જ પાસેના લિબર્ટી માર્કેટમાં આંટો મારવા ગયો. ત્યાં એક જ્યૂસની દુકાને ગયો અને મેં જ્યૂસ માગ્યો. હું બોલું અને પેલો ધ્યાન ન આપે. મેં ફરી વાર કહ્યું તો એણે મારી સામે આગઝરતી નજરે જોયું અને કહ્યું “अग़र इतनी उर्दू झाड़नी है तो कराची में जा के जूस पीओ”. હવે હું સમજ્યો કે મારી હિન્દુસ્તાની સામે એને વાંધો હતો. મેં કહ્યું, હું તો દિલ્હીથી આવ્યો છું. બસ, જ્યૂસવાળાનો ચહેરો એકદમ સૌમ્ય થઈ ગયો. એના અવાજમાં માફીનો રણકો હતો. એણે તરત જ જ્યૂસ બનાવી દીધો અને પછી તો…પૈસા પણ ન લીધા!

એ જ રીતે અમે લાહોરનો કિલ્લો અને બાદશાહી મસ્જિદ જોવા ગયા. ડેરા સાહેબ નાનક ગુરુદ્વારા ત્યાંથી નજીક જ છે. અમે ત્યાં પણ ગયા. ત્યાં શીખ ગ્રંથીઓ (પુજારીઓ) અને કેટલાક પાકિસ્તાની શીખ ભાવિકો મળ્યા. અમે ભારતથી આવ્યા છીએ તે જાણીને તેઓ દિલ્હીના શીખ હત્યાકાંડ વિશે વાત કરવા માગતા હતા. દિલ્હીથી મારી સાથે મારા ચચાજાન પણ આવ્યા હતા. એ તો પોતાના નહેરુવિયન સેક્યૂલરિઝમ માટે હંમેશાં ગર્વ લેતા. એ વખતે મારી ઉંમરને કારણે મારી રાજકીય સમજ બહુ મર્યાદિત હતી, તો પણ મને લાગ્યું કે ચચાજાન થોથવાય છે અને બચાવના શબ્દો શોધે છે. મને લાગ્યું કે તેઓ કહે છે કે ભારતીય રાજ્ય પણ પાકિસ્તાન કરતાં વધારે નહીં તો એટલું જ સાંપ્રદાયિક છે… અહીં પાકિસ્તાનમાં પણ શરીઆ કાયદા લાગુ પડે છે અને રાજ્ય પોતાને ત્યાંની લઘુમતીઓને સેકંડ ક્લાસ સિટિઝન જ ગણે છે, વગેરે…

પછી હું કરાંચી અને મોએં-જો-ડારો ગયો – એ તો સિંધ. ત્યારે મને ખ્યાલ આવ્યો કે ભારતની જેમ પાકિસ્તાનમાં પણ ઘણી વિવિધતા છે અને પાકિસ્તાન કોલગેટ ટૂથપેસ્ટ, ઇમરાન ખાન, ઇસ્લામ અને ઉર્દુના અલગ અલગ અને સંયુક્ત ચાર્મ કરતાં વધારે છે. હવે અમારા માટે હિન્દી ફિલ્મી ગીતો જ બાંધનારી કડી જેવાં બચ્યાં હતાં.

પણ, સરખેસરખાં છોકરા-છોકરીઓ મળે તો કંઈને કંઈ મુદ્દો તો મળી જ આવે. આ વખતે અકબર બાદશાહ અમારી અડફેટમાં આવ્યા હતા. ભારતીય અને પાકિસ્તાની જૂથો વચ્ચે સર્વસંમતિ હતી કે અકબર આ પૃથ્વીના પટ પર રાજ કરનારા બધા રાજાઓમાં મહાન હતો; મતભેદ એટલો જ હતો કે એ ભારતીય બાદશાહ હતો કે પાકિસ્તાની!

ભાગલાની કરુણાંતિકાને બાળકોના ખેલના સ્તરે પહોંચાડી ન શકાય. અમે સૌ મોટાં થયાં ત્યારે અમને સમજતાં વાર ન લાગી કે નાની વયે અમારી જે દલીલો હતી, જે હવે તદ્દન બાલિશ લાગે છે, તેની પાછળ પણ ભાગલા જ હતા ને! એમાં પણ ભાગલાને કારણે અમારા કુટુંબે અનુભવેલી અનિશ્ચિતતાની ચિંતાઓ જ ડોકાતી હતી ને! મારાં માતાપિતાની પેઢીનાં ઘણાં નજીકનાં સગાં  વિખરાઈ ગયાં હતાં. ક્યાંક એક ભાઈ માબાપ અને બીજાં ભાઈભાંડુઓને મૂકીને પાકિસ્તાન ચાલ્યો ગયો તો ક્યાંક માબાપ બાળકોનું ભણતર ન બગડે એટલે બીજાં સગાંને છોડીને પાકિસ્તાન ગયાં. એ પેઢીનાં અમારાં વડીલોને કદી વિચાર પણ ન આવ્યો કે આવવા-જવાનું બહુ મુશ્કેલ બની જશે. આજે વીસા મળવાની જે હાલાકીઓ અને બીજી હેરાનગતીઓ છે તેનો એમને જરાક પણ અણસાર હોત તો હું ખાતરીથી કહું છું કે પાકિસ્તાન જતાં પહેલાં એમણે દસ વાર વિચાર કર્યો હોત.

આમ છતાં એવા કેટલાયે પ્રસંગો છે, જેમાં એમણે આ બે રાષ્ટ્ર-રાજ્યોના અસ્તિત્વને નિર્દોષ અને બીનરાજકીય રીતે પડકાર પણ કર્યો છે અને એમના નિયમો તોડ્યા છે. ઇંટરનેટ વિનાના એ જમાનામાં ભારતનો વીસા મેળવવાનો એક વ્યૂહ હતો. અહીંથી એક ફૅક્સ જાય – “જલદી આવો તમારા ફલાણા ફલાણા જન્નતનશીન થઈ ગયા.” ફૅક્સનું ફૉર્મૅટ પણ તૈયાર હોય, માત્ર નવી તારીખ નાખવાની હોય. આવાં ‘મરણો’ ગણવા બેસું તો અમારાથી પહેલાંની પેઢીનું કોઈ બચ્યું જ ન હોય!

આમ એક વાર પાકિસ્તાનમાં ભારતીય હાઇ કમિશને વીસા આપવામાં વિલંબ કર્યો. મારા ચાચાએ વિલમ્બનું કારણ ઑફિસમાં પૂછ્યું તો ભારતીય અધિકારીએ જવાબ આપ્યો કે અમે શું કરીએ, તમારી ફૂફીજાન રવિવારે જન્નતનશીન થયાં છે. હવે ભારતમાં કોઈ ગુજરી જવાનું હોય તો કહી દેજો કે ઑફિસ ખુલ્લી હોય તેવો દિવસ પસંદ કરે, વીસા તરત આપી દેશું!

૧૯૬૦ના દાયકાના અંતભાગમાં પણ એવો જ યાદ કરવા જેવો પ્રસંગ બન્યો. દુલ્હન ભારતની હતી અને દુલ્હાએ પાકિસ્તાનથી આવવાનું હતું, પણ ત્યાં કોઈને વીસા ન મળ્યો. દુલ્હારાજા તો વીસા વિના જ જાન લઈને પહોંચ્યા વાઘા સરહદે પાકિસ્તાનના છેલ્લા બિંદુ સુધી. બીજી બાજુ,અહીંથી સગાંવહાલાં કન્યાને લઈને વાઘા સરહદે ભારતના છેલ્લા બિંદુ સુધી પહોંચ્યાં. BSF અને પાકિસ્તાની રેન્જર્સમાં અમારા ‘કૉંટેક્ટ્સ’ને કારણે બન્ને પક્ષો મળી શક્યા અને તાબડતોબ સરહદ પર જ નિકાહની રસમ આટોપી લીધી.

પરંતુ બધી ઘટનાઓમાં અનોખી ભાત પાડતી એક ઘટના ભુલાય તેવી નથી. બારાબંકીમાં અમારી બે વયોવૃદ્ધ ફઈઓ હતી. એમણે એમની બહેનને મળવા પાકિસ્તાન જવાનું નક્કી કર્યું. એમણે તો દિલ્હી સુધીની મુસાફરી પણ ભાગ્યે જ કરી હશે, ત્યાં આંતરરાષ્ટ્રીય વિમાની સફરની તો વાત જ ક્યાં કરવી? એમના પાસપોર્ટ બનાવવાના હતા. ફૉર્મો ભરાયાં અને એમના ફોટા સાથે પાસપોર્ટ ખાતાને મોકલી દેવાયા. બન્ને બુરખા (હિજાબ)માં. એમાંથી ડોકાતા ચહેરા જૂઓ તો કોણ છે તે ઓળખી ન શકો. પાસપોર્ટ આવી ગયા, પાકિસ્તાની હાઇ કમિશને વીસા પણ આપી દીધા, વિમાનની સફર શરૂ થઈ ગઈ અને લાહોર પહોંચી પણ ગયાં. ત્યાં ઇમિગ્રેશન ઑફિસરને કંઈક ગોટાળો લાગ્યો. એણે ધ્યાનથી જોયું તો ખબર પડી કે પાસપોર્ટ એક ફઈનો અને ફોટો બીજાં ફઈનો હતો! એ કારગિલ યુદ્ધ પહેલાંના દિવસ હતા અને ત્રાસવાદ હજી રોજનો નહોતો બન્યો. ઇમિગ્રેશન ઑફિસર સમજી ગયો કે ભારતીય પાસપોર્ટ ઑફિસમાં ફોટાઓની ભેળસેળ થઈ ગઈ છે. એણે તરત જ બન્ને ફોટા ઊખેડી લીધા અને જે જ્યાં ચોંટવો જોઈએ ત્યાં ચોંટાડી દીધા! કહે છે ને, કે આવું તો ભારત અને પાકિસ્તાનમાં જ બને!

પરંતુ હવે એવો સદ્‍ભાવ નથી રહ્યો. પાકિસ્તાનથી આવતી કોઈ પણ મધ્યમ વર્ગની વ્યક્તિને પૂછશો તો એ કહેશે કે ભારતીય વીસા મેળવવો એટલે ત્રાહિમામ પોકારી જાઓ. અધૂરામાં પૂરું, પોલીસ સ્ટેશને જઈને હાજર થવું, એમના કડક અને મોટા ભાગે અપમાનજનક સવાલો સહન કરવા – એ બધું કંપારી છૂટે તેવું છે. અહીંથી પાકિસ્તાન જનારાની ત્યાં એ જ વલે થાય છે.

આ લેખનો હેતુ વિદ્વત્તાપૂર્ણ ચર્ચાનો નથી એટલે રાષ્ટ્ર-રાજ્ય એટલે કે ‘નૅશન-સ્ટેટ’ની અવધારણા અને સિદ્ધાંત વિશે ચર્ચા નથી કરતો પણ મારો અંગત અને મર્યાદિત અનુભવ કહે છે કે ‘નૅશન-સ્ટેટ’ના ખ્યાલના તાણા અને વાણા જ અતડાપણું, બીજાને દૂર રાખવાનું વલણ છે. એ રાષ્ટ્ર-રાજ્ય કોમવાદી અને લશ્કરવાદી બન્યા વિના ટકી ન શકે. રાષ્ટ્ર-રાજ્યે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે નવા સમુદાયો –કોમો, જાતિઓ-નું સર્જન કરવું પડે છે અને એમનું અસ્તિત્વ હતું તે દેખાડવા માટે ઇતિહાસો ફરીથી લખવા પડે છે. એટલે જ્યાં સુધી આપણે રાષ્ટ્ર-રાજ્યની સંકલ્પનાને પડકારીએ નહિં એમાં છીંડું ન પાડીએ ત્યાં સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે, અથવા તો કોઈ પણ બે દેશ વચ્ચે ‘શાંતિમય સહઅસ્તિત્વ’નો આદર્શ સિદ્ધ નહીં થઈ શકે. એ એક સપનું જ લાગે છે. પરંતુ, એ પણ ખરું કે સૌએ સાથે મળીને જોયેલાં સપનાઓએ જ આપણી સર્વોત્તમ નક્કર વાસ્તવિકતાઓને જન્મ આપ્યો છે. અને વાત સપનાં જોવાની હોય તો આપણને ભારતીયો અને પાકિસ્તાનીઓને કોણ હરાવી શકે તેમ છે?

૦-૦-૦

આ વાંચ્યા પછી શ્યામ બેનિગલ નિર્દેશિત ફિલ્મ ‘મમ્મો’ જોયા વિના તો રહી જ ન શકાય!

આ લેખ અંગ્રેજીમાં અહીં મળશેઃ http://www.india-seminar.com/2012/632/632_jamal_kidwai.htm

લેખનો અનુવાદ વેબગુર્જરી પર પ્રકાશિત કરવાની ઊમળકાભેર મંજૂરી આપવા બદલ જમાલભાઈનો હાર્દિક આભાર.

%d bloggers like this: