The Sole Spokesman: Jinnah, the Islam and the Demand for Pakistan–Ayesha Jalal (2)

The Sole Spokesman_Jinnah, the Islam and the Demand for Pakistan 2
Ayesha Jalal 2

The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan
Author: Ayesha Jalal ǁ Publishers: Cambridge University Press
May 1994, Paperback, 336 pages ǁ ISBN: 9780521458504

   બે વિશ્વયુદ્ધો વચ્ચેના સમયમાં જિન્નાનો રાજકીય અભિગમ

મહંમદ અલી જિન્નાએ પોતાની રાજકીય કારકિર્દી નરમપંથી રાષ્ટ્રવાદી પરંપરામાં દૃઢ વિશ્વાસ સાથે શરૂ કરી. હિન્દવાસીઓને કેન્દ્રીય સત્તામાં ભાગીદારી મળવી જોઈએ તેના એ જોરદાર હિમાયતી હતા. જિન્ના કોંગ્રેસમાં જોડાયા અને એનાં વાર્ષિક સંમેલનોમાં પણ ભાગ લેતા રહ્યા. ૧૯૦૯માં મૉર્લે-મિન્ટો સુધારા હેઠળ મુસલમાનો માટે અલગ મતદાર મંડળો બનાવવામાં આવ્યાં, પરંતુ જિન્નાને એમાં જરા પણ રસ નહોતો. મુસ્લિમ લીગની સ્થાપના ૧૯૦૬માં થઈ હતી પણ જિન્ના છેક ૧૯૧૩માં લીગના સભ્ય બન્યા. ૧૯૧૬માં તેઓ સુધારાની એકસમાન યોજના માટે સંમત થવા માટે લીગ અને કોંગ્રેસને સમજાવવામાં સફળ થયા. તે પછી લખનઉમાં લીગનું સંમેલન મળ્યું તેમાં જિન્ના પ્રમુખપદે હતા. એમણે ચોખ્ખા શબ્દોમાં પોતાને “ચુસ્ત કોંગ્રેસી” ગણાવ્યા અને સ્પષ્ટતા કરી કે એમને કોઈ “એકાદ વર્ગની બૂમરાણમાં રસ નથી”. જિન્નાએ કહ્યું કે મુસલમાનોમાં “અળગા રહેવાની લાગણી” વધારે હોવાનું કહેવાય છે પણ એ “વિચિત્ર અને તદ્દન અસ્થાને” છે. જિન્નાએ ઉમેર્યું કે “આ મહાન કોમી સંગઠન (લીગ), સંગઠિત ભારતના જન્મ માટેના શક્તિશાળી પરિબળ તરીકે ઝડપભેર વિકસવા લાગ્યું છે.”

કોંગ્રેસમાંથી વિદાય

પરંતુ ૧૯૧૭ અને ૧૯૨૦ વચ્ચે ભારતના રાજકીય તખ્તા પર થયેલા ફેરફારો જિન્નાની પ્રકૃતિને અનુકૂળ નહોતા. મોંટેગ્યૂ-ચેમ્સફૉર્ડ સુધારામાં પ્રાંતોને મહત્ત્વ આપવામાં આવ્યું હતું અને બીજી બાજુ, ગાંધીજીએ ખિલાફતના હિમાયતી મુસલમાનોની મદદથી કોંગ્રેસ પર પોતાનું વર્ચસ્વ સ્થાપી દીધું હતું. ખિલાફત આંદોલનને કારણે મુસ્લિમ ઉલેમાઓએ ગાંધીજીના અહિંસક અસહકાર આંદોલનને ટેકો આપ્યો. જિન્નાને ધર્મ અને રાજકીય પ્રવૃત્તિનું જોડાણ પસંદ નહોતું. એમણે ગાંધીજીની ટીકા કરી કે એમણે માત્ર હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે નહીં, પણ હિન્દુઓ અને હિન્દુઓ, તેમ મુસલમાનો અને મુસલમાનો વચ્ચે, પિતા અને પુત્ર વચ્ચે પણ, અને જ્યાં જ્યાં ગાંધીજીને કશી લેવાદેવા હોય તેવી સંસ્થાઓમાં પણ તડાં પાડ્યાં છે.”

૧૯૨૦માં નાગપુર અધિવેશનમાં કોંગ્રેસે ગાંધીજીના અસહકારના કાર્યક્રમને મંજૂરી આપી ત્યારે એકલા જિન્નાએ એનો વિરોધ કર્યો અને કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દીધું. આમ જિન્ના અને ગાંધીજીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસના રસ્તા જુદા પડ્યા. જો કે જિન્નાને પોતાને એમ લાગતું હતું કે રસ્તા માત્ર થોડા વખત માટે જુદા પડ્યા છે. ગાંધીજીની રીતો સામેના એમના વાંધામાંથી, ગાંધીજી સાથે જોડાયેલા મુસલમાનોના ધાર્મિક ઉદ્દામવાદ પ્રત્યેની એમની નારાજી પણ દેખાઈ. આ ઉદ્દામવાદીઓને કારણે નરમપંથી રાષ્ટ્રવાદીઓ બાજુએ હડસેલાઈ ગયા હતા.

(લેખિકા આયેશા જલાલ કહે છે કે) આ ઘટનાઓમાંથી જિન્નાની રાજકીય પ્રાથમિકતાઓ દેખાય છે, જે એમની સમગ્ર રાજકીય કારકિર્દીમાં પણ ટકી રહી. એ રાષ્ટ્રવાદી હતા અને બંધારણીય રસ્તા પસંદ કરતા હતા. સિદ્ધાંતની બાબતમાં એ બાંધછોડ કરવા કદી તૈયાર નહોતા. એક વ્યવહાર ચતુર રાજકારણી તરીકે બ્રિટિશ સત્તાધીશો કેટલું આપી શકશે તેનો કયાસ કાઢીને એ તબક્કે જેટલું સિદ્ધ થઈ શકે તેટલું કરવા એ તૈયાર હતા. આમ એમણે કોમી પ્રતિનિધિત્વનો સ્વીકાર કર્યો તે પણ બાંધછોડ તરીકે જ, કારણ કે, એમના મતે મુસલમાન રાજકારણીઓ હજી એ છોડવા તૈયાર નહોતા.

મોંટેગ્યૂચેમ્સફૉર્ડ સુધારા

“હિન્દુ-મુસ્લિમ એકતા”ના દૂત, જિન્નાને મહાત્મા ગાંધી અને ખિલાફતવાદી મુસલમાનો વચ્ચેનું જોડાણ પસંદ ન આવ્યું. એમનું માનવું હતું કે આ દેશમાં વિચિત્રમાં વિચિત્ર સંયોજનો થઈ શકે છે, તેમાં પણ આ સંયોજન ખાસ નોંધપાત્ર હતું કારણ કે એ તે વખતે સ્થાપિત રાજકીય માળખા અને મધ્યમ અને રાષ્ટ્રવાદી માર્ગે વ્યવસ્થિત રીતે પ્રગતિ થતી હતી તેને ખોરવી નાખવાની એમાં ક્ષમતા હતી. ખિલાફત આંદોલન પછીનાં ત્રણ વર્ષમાં કોમી તંગદિલી વધી તે જિન્નાના અવલોકનને વાજબી ઠરાવે છે. ૧૯૧૯ પછી ખિલાફત આંદોલને લીગ પર પણ પકડ જમાવી લીધી. હિન્દુ-મુસ્લિમ એકતાની વાતો થતી રહી પણ કોંગ્રેસ અને લીગ વચ્ચેની સમજૂતી તૂટી પડી.

૧૯૨૦ના દાયકામાં જિન્ના મોટા ભાગે રાજકીય દૃષ્ટિએ એકલા અટૂલા પડી ગયા હતા. ૧૯૧૯ના સુધારા દ્વારા કેન્દ્રમાં તો જવાબદાર સરકાર મળવાની નહોતી. એનો હેતુ ભારતીય રાજકારણનું ધ્યાન કેન્દ્ર પરથી પ્રાંતો તરફ વાળવાનો હતો. આ દ્વિમુખી રાજ્યપદ્ધતિ હતી. પ્રાંતિક સરકારોને સ્વ-શાસન મળતું હતું પણ એમની હસ્તકના વિષયો હળવા હતા. વળી જે ‘રાજ’ના તરફદાર હતા એમને લાભ મળે એવી એમાં વ્યવસ્થા હતી, જ્યારે ટીકાકારો ની વાત કાને પણ ધરવામાં નહોતી આવી.

મોંટેગ્યૂ-ચેમ્સફૉર્ડ સુધારા એ પ્રકારના હતા કે અલગ મતદાર મંડળો મારફતે મુસલમાનોને કશો લાભ ન થાય. મુસ્લિમ પાર્ટીઓ પણ ગૌણ બની ગઈ. માત્ર મુસ્લિમો બીજા સાથે જોડાણ કરીને જ પ્રાંતિક સરકારોમાં આવી શકે. પરંતુ પ્રાંતિક નેતાઓને આ સુધારા લાગુ કરવામાં રસ હતો એટલે જે નેતાઓ કેન્દ્રમાં સત્તાનું હસ્તાંતરણ થાય એમ ઇચ્છતા હતા એમની સાથે રહેવામાં પ્રાંતિક નેતાઓનાં હિતો સચવાતાં નહોતાં. આમ, મજબૂત કેન્દ્રના સમર્થક નેતાઓના અખિલ ભારતીય પ્રભાવને નબળો પાડવામાં બ્રિટિશ સરકારને મહદ્‍ અંશે સફળતા મળી હતી.

મુસ્લિમ લીગ મરણાસન્ન હતી. મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતોના મુસ્લિમ નેતાઓએ મુસ્લિમ લીગને જાકારો આપ્યો હતો અને કોંગ્રેસ પણ છેક નીચે સુધી વેતરાઈ ગઈ હતી; એના ખિલાફતવાદી સમર્થકો પણ વેરવીખેર થઈ ગયા હતા.

જિન્નાના ૧૪ મુદ્દા

૧૯૨૭માં સાઇમન કમિશન સાથે નવા બંધારણીય સુધારાની તક ઊભી થઈ. આ સુધારા કેવા હોવા જોઈએ તેમાં અસરકારક દરમિયાનગીરી કરવા માટે પ્રાંતિક નેતાઓએ હવે અખિલ ભારતીય ફલક પર આવવું પડે એમ હતું.

જિન્ના પણ ફરીથી કેન્દ્રમાં દેશવાસીઓના પ્રતિનિધિઓને સત્તામાં ભાગીદારી મળે તે માટે લીગ અને કોંગ્રેસને નજીક લાવવાનો પ્રયાસ કરવા તૈયાર થઈ ગયા. પરંતુ એમની સામે બે અવરોધ હતા. કોંગ્રેસનાં બે જૂથોને મનાવવાં અને મુસ્લિમ પ્રાંતોને પણ સામેલ કરવા. કોંગ્રેસ મજબૂત કેન્દ્રની તરફેણમાં હતી પણ મુસ્લિમ પ્રાંતોના નેતા ઇચ્છતા હતા કે પ્રાંતોના હાથમાં સત્તા રહે અને ઢીલું સમવાય માળખું ઊભું કરવું જોઈએ. મજબૂત કેન્દ્રની બાબતમાં કોંગ્રેસ અને જિન્ના વચ્ચે સમાનતા હતી.

૧૯૨૮ના ડિસેમ્બરમાં ઑલ ઇંડિયા મુસ્લિમ કૉન્ફરન્સ મળી, એમાં પંજાબી મુસ્લિમ નેતાઓનો દબદબો હતો. જિન્નાએ ૧૪-મુદ્દાની દરખાસ્ત રજૂ કરી અને એના પર સાથે મળીને કામ કરવા કોંગ્રેસને આમંત્રણ આપ્યું. પરંતુ કોંગ્રેસે આ દરખાસ્તને નકારી કાઢી. કોંગ્રેસ તરફથી મોતીલાલ નહેરુએ રિપોર્ટ તૈયાર કર્યો (‘નહેરુ રિપોર્ટ’). મોતીલાલ નહેરુએ જિન્નાની દરખાસ્તને ”હાસ્યાસ્પદ” ગણાવતાં કહ્યું કે કોંગ્રેસે નચિંત થઈને “મિ. જિન્નાને અવગણવા” જોઈએ.

(વિશેષઃ લેખિકાએ દેખાડ્યું છે તેમ, જિન્ના મજબૂત કેન્દ્રના હિમાયતી હતા પણ એમની ૧૪ મુદ્દાની દરખાસ્તમાં પ્રાંતોને વધારે સત્તા આપવાની પંજાબી નેતાઓની માંગનો પડઘો ઝિલાયો છે. જિન્નાની દરખાસ્તમાં મહત્ત્વના મુદ્દા પ્રમાણે હતાઃ બધા પ્રાંતોને સ્વાયત્તતા આપવી, અલગ મતદાર મંડળો ચાલુ રાખવાં, બધા પ્રાંતોમાં લઘુમતીઓનું અસરકારક પ્રતિનિધિત્વ હોવું જોઈએ, કેન્દ્રીય ધારાસભામાં ત્રીજા ભાગની સીટો મુસલમાનો માટે હોવી જોઈએ, કેન્દ્રમાં કે પ્રાંતોમાં પ્રધાનમંડળમાં ત્રીજા ભાગના સભ્યો મુસલમાન હોવા જોઈએ, પ્રદેશોની પુનઃ ફાળવણી થાય તો પંજાબ, બંગાળ અને વાયવ્ય સરહદ પ્રાંતમાં મુસ્લિમ બહુમતી પાતળી પડવી જોઈએ, સિંધને મુંબઈ પ્રાંતથી અલગ કરી દેવું, કોઈ પ્રાંતિક ધારાસભા કોઈ એક કોમના પોણા ભાગના પ્રતિનિધિઓ વિરોધ કરે તો કોઈ કાયદો બનાવી શકે, બધી કોમોને ધાર્મિક સ્વતંત્રતા મળે; વગેરે. એની સામે નહેરુ રિપોર્ટમાં મજબૂત કેન્દ્ર્ર સરકાર, અલગ મતદાર મંડળોનો અંત વગેરે માગણી હતી).

૧૯૩૦ના દાયકાની શરૂઆતમાં થયેલી બંધારણીય વાટાઘાટોમાં મુસ્લિમ અવાજની પણ જરૂર હતી; પંજાબની યૂનિયનિસ્ટ પાર્ટીના નેતા ફઝલ-એ-હુસૈને આ કામ કર્યું. યૂનિયનિસ્ટ પાર્ટીમાં માત્ર મુસલમાન નહીં, હિન્દુઓ અને શીખો પણ હતા – બધા જમીનદારો હતા. ફઝલ-એ-હુસૈને જ ઑલ ઇંડિયા મુસ્લિમ કૉન્ફરન્સ બોલાવી હતી. લંડનમાં પહેલી ગોળમેજી પરિષદ મળી તેમાં પણ ફઝલ-એ-હુસૈને મુસલમાનોના સહકાર માટે સ્પષ્ટ શબ્દોમાં શરતો મૂકીઃ પંજાબ અને બંગાળના મુસલમાનોની સ્પષ્ટ બહુમતી, મુંબઈ પ્રાંતમાંથી સિંધને અલગ કરવું, વાયવ્ય સરહદ પ્રાંતને સંપૂર્ણ પ્રાંતનો દરજ્જો આપવો, બધા પ્રાંતોને સ્વાયત્તતા – આટલી શરતો મંજૂર હોય તો જ એ કેન્દ્રમાં જવાબદાર સરકાર માટે સહકાર આપવા તૈયાર હતા.

ગોળમેજી પરિષદો અને ઍસેમ્બ્લીમાં

પહેલી ગોળમેજી પરિષદમાં ફઝલ-એ-હુસૈનના વલણ સામે સૌથી મોટો ભય જિન્નાનો હતો, પણ એ બહુ અસર વગરનો હતો. પહેલી ગોળમેજી પરિષદ તો પડી ભાંગી, પણ ફઝલ-એ-હુસૈનનો મત સૌથી વધારે અસરકારક રહ્યો. આના પછી ગોળમેજી પરિષદે માત્ર એક પેટા સમિતિ બનાવી. જિન્ના એના સભ્ય હતા. સમિતિનું કામ અખિલ ભારતીય ફેડરેશનની રચના અને ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધોનું રૂપ નક્કી કરવાનું હતું. જિન્નાએ નબળું ફેડરેશન બનાવવાનો વિરોધ કર્યો. એમને “ખરેખરું ફેડરેશન” જોઈતું હતું, “સત્તાઓ વિનાનું કે નબળું” નહીં, કે જેથી વ્યવહારમાં ખરેખર કોઈ “ફેડરેશન જ ન હોય”. આથી જિન્નાનો વિચાર હતો કે કેન્દ્ર અને સ્વાયત્ત પ્રાંતો વચ્ચેના સંબંધોની ચર્ચા મુલતવી રાખવી જોઈએ.

બંધારણ વિશેની ચર્ચાઓ પર ફઝલ-એ-હુસૈનના અભિપ્રાયનું પ્રભુત્વ રહ્યું પણ તે ઉપરાંત બીજાયે વિચારો રજૂ થતા જ હતા. આમાં સૌથી મહત્ત્વનો વિચાર સર મહંમદ ઇકબાલનો હતો. ૧૯૩૦માં મુસ્લિમ લીગના અધિવેશનમાં પ્રમુખપદેથી બોલતાં એમણે ‘મુસ્લિમ ભારત’નો ખ્યાલ આપ્યો જે પાછળથી ‘પાકિસ્તાન’માં પરિણમ્યો. જો કે એ ભારતની અંદર જ બનાવવાનું હતું. એમણે પંજાબ, સિંધ, વાયવ્ય સરહદ પ્રાંત અને બલુચિસ્તાનના મુસ્લિમ બહુમતી પ્રદેશોને જોડીને ‘રાજ્ય’ બનાવવાનું સૂચવ્યું.

(મુસ્લિમ આગેવાનોએ એમના વિચારને ગણકાર્યો નહીં પણ કૅમ્બ્રિજના વિદ્યાર્થી ચૌધરી રહેમત અલીએ વિચાર પકડી લીધો અને ‘Pakistan’ નામ સૂચવ્યું જેમાં P એટલે પંજાબ A એટલે અફઘાનિસ્તાન, K એટલે કાશ્મીર, S એટલે સિંધ અને Tan એટલે બલુચિસ્તાનએવો એણે ખુલાસો કરીને ગોળમેજી પરિષદમાં ભાગ લેતા મુસ્લિમ પ્રતિનિધિઓ સમક્ષ રજૂઆત કરી, પણ એમાં વસ્તીના મોટા પાયે સ્થળાંતરની વ્યવસ્થા હતી એટલે મુસ્લિમ નેતાઓએ વિચારને હસી કાઢ્યો કે એકવિદ્યાર્થીની યોજનાછે અનેઅવ્યવહારુછે.)

હવે ફઝલ-એ-હુસૈને ઑલ ઇંડિયા મુસ્લિમ કૉન્ફરન્સ પર એનું વલણ સ્પષ્ટ કરવા માટે દબાણ શરૂ કર્યું. ૧૯૩૧ના ઍપ્રિલમાં કૉન્ફરન્સે લચીલું ફેડરેશન બનાવવાની માગણી કરી, જેમાં એમાં જોડાયેલા પ્રાંતોને સંપૂર્ણ સ્વાયત્તતા હોય. કૉન્ફરન્સનું કહેવું હતું કે દેશી રજવાડાંને જે સત્તાઓ મળી છે તે બધી સત્તાઓ આ પ્રાંતોને પણ આપવી જોઈએ. એક સૂચન એ પણ હતું કે ફેડરેશનમાંથી નીકળી જવાનો અધિકાર પણ ઘટકોને આપવો જોઈએ. આમ પંજાબી મુસલમાનો નબળા કેન્દ્રની સામે રાજ્યોના અધિકાર માટે દબાણ કરવા લાગ્યા. આમ છતાં એમની સામે પણ એક પ્રશ્ન તો હતો જઃ કેન્દ્રમાં પ્રાંતોનું પ્રતિનિધિત્વ કોણ કરે?

૧૯૩૧માં સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન બીજી ગોળમેજી પરિષદ મળી એમાં પણ કંઈ નિરાકરણ ન આવતાં બ્રિટનના એ વખતના વડા પ્રધાન રામસે મૅકડૉનલ્ડ અંતિમ વ્યવસ્થા જાહેર કરે એવો નિર્ણય લેવાયો. ઑગસ્ટ ૧૯૩૨માં મૅકડૉનલ્ડ ઍવૉર્ડ જાહેર થયો તેમાં વસ્તીને કારણે પંજાબ અને બંગાળના મુસ્લિમો માટે એ બહુ આવકારપાત્ર રહ્યો. વાયવ્ય સરહદ પ્રાંત અને સિંધને અલગ પ્રાંતનો દરજ્જો અપાતાં ત્યાં પણ મુસલમાનોએ એનું સ્વાગત કર્યું, પણ જ્યાં મુસલમાનો લઘુમતીમાં હતા એમને આ ઍવૉર્ડ માફક ન આવ્યો.

લીગ સજીવન થાય છે

આમાંથી જિન્નાને મુસ્લિમ લીગને ફરી સજીવન કરવાની નવી તક મળી. ફેડરેશન વિશે એમના મતભેદને કારણે ત્રીજી ગોળમેજી પરિષદ માટે જિન્નાને આમંત્રણ નહોતું. આથી લીગનો વિસ્તાર કરવા માટે એમણે યુક્ત પ્રાંત પર ધ્યાન આપ્યું.

૧૯૩૪માં એમણે ફરી લીગની કમાન સંભાળી લીધી. ઑક્ટોબર ૧૯૩૪માં એ સેંટ્રલ ઍસેમ્બ્લીમાં ચુંટાયા. અહીં એમણે કોંગ્રેસના સભ્યોને સમજાવવાના પ્રયાસ કર્યા કે પોતે મુસ્લિમ કૉન્ફરન્સ કરતાં રાષ્ટ્રીય સ્તરના મોટા નેતા છે અને દેશના મુસ્લિમોના એકમાત્ર પ્રવક્તા (Spokesman) છે.

જિન્નાનો વ્યૂહ એ હતો કે લીગનો આધાર વિસ્તારવો અને તે સાથે, કોંગ્રેસ સાથે સમજૂતી કરી લેવાની એમની જૂની રીત પણ અમલમાં મૂકવી. એમને આશા હતી કે કોંગ્રેસ પંજાબ અને બંગાળમાં મુસ્લિમ બહુમતી છે એ વાત સ્વીકારી લે, પણ તે સાથે મુસ્લિમ લઘુમતી વિસ્તારોના પ્રતિનિધિ તરીકે એમની વગ ઘટવી ન જોઈએ.

જિન્ના સાથે સમજૂતી કરવા માટે કોંગ્રેસે પણ શરત મૂકીઃ મુસલમાનો અલગ મતદાર મંડળોને બદલે સંયુક્ત મતદાર મંડળની વ્યવસ્થાનો સ્વીકાર કરે. આ સૂચન પૂર્વ બંગાળના મુસ્લિમ નેતાઓ તરફથી આવ્યું હતું એમ જિન્નાને લાગ્યું હોવું જોઈએ. પૂર્વ બંગાળના મુસ્લિમોની વળતી માગણી એટલી જ હતી કે પ્રાંતમાં એમની બહુમતી રહેવી જોઈએ.

આના પછી જિન્નાને પંજાબની લાઇનનો વિકલ્પ મળ્યો. એમણે હવે કોંગ્રેસને ટેકો આપવાનું નક્કી કર્યું અને લચીલા ફેડરેશનની બ્રિટિશ દરખાસ્ત પર જોરદાર હુમલો કરવા તૈયાર થઈ ગયા. ૧૯૩૫ના જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જિન્ના અને કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ વચ્ચે મંત્રણાઓ થઈ. ડૉ. રાજેન્દ્ર પ્રસાદે આશા દર્શાવી કે “ભવિષ્યમાં” કોંગ્રેસ અને લીગ વચ્ચે સાથે મળીને કામ કરવાની “જબ્બરદસ્ત તક” ઊભી થઈ છે.

લેખિકા કહે છે કે કેન્દ્રવાદી જિન્નાએ જોયું કે મુસ્લિમોની ખરી સુરક્ષા, ખાસ કરીને એમની લઘુમતી હોય એવા પ્રદેશોમાં અલગ મતદાર મંડળમાં નહીં પણ કોંગ્રેસ સાથે સમજૂતીમાં રહેલી છે. પરંતુ જિન્ના માટે જેમ પંજાબ માથાનો દુખાવો હતું તેમ કોંગ્રેસ માટે બંગાળની હિન્દુ મહાસભા હતી. કોમી ચુકાદા સામે એનો અણનમ વિરોધ કોંગ્રેસ માટે મોટી આડશ બની ગયો અને અંતે જિન્ના-પ્રસાદ વાટાઘાટો પડી ભાંગી.

તે પછી પણ, સેંટ્રલ ઍસેમ્બ્લીમાંય જિન્નાએ ફેડરેશનનો વિરોધ કર્યો, પણ તે સાથે એમણે કોમી ચુકાદાને માન્ય રાખવા અપીલ કરી. એમણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું કે એમને કોમી ચુકાદાથી સંતોષ નહોતો અને “મારું સ્વાભિમાન આપણે પોતે જ આપણી સ્કીમ રજૂ નહીં કરીએ ત્યાં સુધી સંતોષાશે નહીં”. એમનો ખ્યાલ હતો કે ભારતના રાજકારણમાં ધાર્મિક મતભેદો સૌથી વધારે મહત્ત્વના છે, એવા ખ્યાલને કોમી ઍવૉર્ડથી ટેકો નહોતો મળતો. એમણે કહ્યું કે “આ મુદ્દો લઘુમતીઓનો છે અને રાજકીય છે… લઘુમતી એટલે અમુક બાબતોનું સંયોજન. શક્ય છે કે દેશના બીજા નાગરિકો કરતાં લઘુમતીનો ધર્મ જુદો હોય…ધર્મ,સંસ્કૃતિ, જાતિ, ભાષા, કલા, સંગીત અને એવી ઘણી બાબતો લઘુમતીઓને અલગ પિછાણ આપે છે અને એ સુરક્ષાની માંગ કરે છે. આપણે આ પ્રશ્નનો રાજકીય પ્રશ્ન તરીકે ઉકેલ લાવવો જોઈએ, એને ટાળવો ન જોઈએ.

આમ જિન્ના કોમી મતભેદને અખિલ ભારતીય સ્તરે સમજૂતી કરવામાં અડચણરૂપ નહોતા માનતા. આમ છતાં એમણે કોમી ઍવૉર્ડનો સ્વીકાર કર્યો, કારણ કે મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો એનો અમલ કરવા માગતા હતા. આમ જિન્ના પોતાના મજબૂત કેન્દ્રના વિચાર અને પ્રાંતોના નેતાઓના ફેડરેશન તરફી વિચારો વચ્ચે તડજોડ કરવામાં લાગ્યા હતા.

૦-૦-૦

૧૯૩૫ અને ૧૯૪૭ વચ્ચેના જિન્નાના રાજકારણ વિશે હવે ૮મી ફેબ્રુઆરીના લેખમાં જોઈશું.


નોંધઃ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો પ્રયાસ છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો રજૂઆત કરનારની છે.

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય :

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: