The Sole Spokesman: Jinnah, the Islam and the Demand for Pakistan–Ayesha Jalal(1)

The Sole Spokesman_Jinnah, the Islam and the Demand for Pakistan 1 Paperback

Ayesha Jalal 1

 The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan
Author: Ayesha Jalal ǁ Publishers: Cambridge University Press
May 1985, Hardcover ǁ ISBN 0521244625 (ISBN13: 9780521244626)

ભૂમિકા

ઑગસ્ટ ૧૯૪૭માં અંગ્રેજોએ ભારતમાં બે ડોમિનિયન રાજ્યોને સત્તા સોંપી. એમણે ભારત પર પ્રભુત્વ જમાવ્યું ત્યારે લોકો એમના ધાર્મિક તફાવત વિશે એટલા સજાગ નહોતા પણ એ ગયા ત્યારે ભારતના રાજકારણમાં હિન્દુ-મુસ્લિમ સાઠમારી ચરમ સીમા પર પહોંચી ગઈ હતી. નવાં રાજ્યોની રચના જ મુખ્યત્વે ધર્મના આધારે થઈ. રાજનો અંત આવ્યો ત્યારે હિન્દુઓ અને મુસ્લિમો, અને શીખો અને મુસ્લિમોએ એકબીજા સામે કત્લે-આમ મચાવતાં દેશમાં અભૂતપૂર્વ જનસંહાર – હૉલોકોસ્ટ – થયો.

આ ગોઝારી ઘટનાના ખુલાસા આપવા માટે ઘણી થિયરીઓ ચર્ચાતી રહી છે. એક મત એવો છે કે મુસલમાનો પૂરેપૂરા તો કદીયે ભારતીય પરિવેશમાં ભળ્યા નહોતા; એમની પરંપરાઓ અલગ જ રહી. બીજો મત એવો છે કે ઇતિહાસ અને પરંપરાઓએ બન્ને કોમોને એકસૂત્રે બાંધી દીધી હતી પણ સામ્રાજ્યવાદે એ એકતાને ખોરવી નાખી. આ મત પ્રમાણે હિન્દુ-મુસ્લિમ વિસંવાદના મૂળમાં અંગ્રેજોની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ હતી.

પરંતુ આ થિયરીઓ જેટલા જવાબ આપે છે તેના કરતાં વધારે સવાલ ઊભા કરે છે. ભાગલા થયા ત્યારે લગભગ સાડાનવ કરોડ મુસલમાનો હતા. તેમાંથી આઠ કરોડ બ્રિટિશ ભારતમાં અને બાકીના રજવાડાંઓમાં હતા. બ્રિટિશ હકુમત હેઠળના ભારતમાં પણ પંજાબ અને બંગાળ, આ બે પ્રાંતોમાં મુસ્લિમો બીજા સમુદાયો કરતાં થોડીઘણી બહુમતીમાં હતા. તે ઉપરાંત, વાયવ્ય સરહદ પ્રાંત, સિંધ અને બલુચિસ્તાનમાં મુસ્લિમ વસ્તી બહુ થોડી હતી પણ બીજા સમુદાયોની સરખામણીમાં એમની વસ્તી બહુ મોટી હતી, અથવા તો ચોખ્ખી બહુમતી હતી. બ્રિટિશ ભારતમાં પંજાબ અને બંગાળને છોડો તો દેશના બીજા ભાગોમાં મુસ્લિમો લઘુમતીમાં હતા; એકમાત્ર યુક્ત પ્રાંતમાં (આજના ઉત્તર પ્રદેશમાં) એમની સંખ્યા પ્રમાણમાં વધારે હતી.

આમાંથી છ કરોડ મુસલમાન પાકિસ્તાન ગયા અને સાડાત્રણ કરોડ ભારતમાં જ રહ્યા. પાકિસ્તાન દુનિયાનો સૌથી મોટો મુસ્લિમ દેશ હતો તો ભારત પણ સૌથી વધારે મુસ્લિમોની વસ્તીવાળો સૌથી મોટો બિન-મુસ્લિમ દેશ હતો.

પરંતુ, સૌથી મોટો સવાલ એ છે કે જે મુસલમાનોએ પાકિસ્તાનની માંગને ટેકો આપ્યો તે જ્યારે પાકિસ્તાન ખરેખર બન્યું ત્યારે કેમ સંતુષ્ટ ન થઈ શક્યા; મુસ્લિમ બહુમતીવાળા પંજાબ અને બંગાળના ટુકડા થઈ ગયા, લુધિયાણા, અંબાલા, જલંધર વગેરે પંજાબના ફળદ્રુપ પ્રદેશો મુસલમાનોને ન મળ્યા અને બંગાળમાં કલકત્તા (કોલકાતા) જેવું શહેર પણ ભારતમાં જ રહ્યું. પંજાબમાં તો એની ત્રણ મુખ્ય કોમો – હિન્દુ, શીખ અને બહુમતીવાળા મુસલમાનો – વચ્ચે યૂનિયનિસ્ટ પાર્ટીની સરકાર હેઠળ સહકારથી જ શાસન ચલાવતી હતી. મુસ્લિમ બહુમતીને પણ એનો ફાયદો મળતો હતો. પાકિસ્તાન બનતાં એ ફાયદો પણ ગયો. બીજી બાજુ બંગાળીઓ પોતાના સમાન વારસા અને સંસ્કૃતિ માટે ગર્વ લેતા. તેની જગ્યાએ પૂર્વ બંગાળ એક ગીચોગીચ વસ્તીવાળા ગ્રામીણ સ્લમ જેવું હતું. બ્રિટિશ ભારતના બીજા પ્રાંતોમાં મુસલમાનો લઘુમતીમાં હતા. એ તો નિરાધાર બની ગયા. હવે તેઓ જે દેશમાં હતા એના પર એમના પૂર્વ અને પશ્ચિમના ધર્મબંધુઓની કોઈ વગ નહોતી. યુક્ત પ્રાંતમાં મુસ્લિમ આગેવાનોએ પાકિસ્તાન તરફી દલીલોનો જોરદાર ઉપયોગ કર્યો હતો. એમણે દેશના જુદા જુદા ભાગમાં મુસ્લિમ વસ્તી હતી, એ હકીકત પર પણ ભાર મૂક્યો હતો. આમ કરીને એમણે મળી શકે તે લાભ લીધા, અવિભાજિત ભારતમાં બહુમતી મુસ્લિમ વસ્તીવાળા પ્રાંતોમાંથી એમનો બચાવ કરનારા મળી રહેત પણ એક ઝાટકે એમણે આ લાભ ગુમાવ્યો.

આમ પાકિસ્તાન બનવાનો ખરો અર્થ વાયવ્યની મુસ્લિમ વસ્તી માટે જ રહ્યો. પરંતુ વાયવ્ય સરહદ પ્રાંત, સિંધ અને બલુચિસ્તાનના મુસલમાનો વચ્ચે એક સમાનતા હતીઃ એ લોકો ઇસ્લામ ઉપરાંત પોતાની આગવી પરંપરાઓ સાથે પણ દૃઢતાથી જોડાયેલા હતા. વળી એમના પર કોઈ મધ્યસ્થ સત્તાનો હુકમ ચાલે એ એમને મંજૂર નહોતું. હવે નવા રાજ્યમાં એમના પર પંજાબી બહુમતીનું વર્ચસ્વ સ્થપાયું. પાકિસ્તાન માટે એમનો ઉત્સાહ કેટલો હશે તે તો સ્વતંત્ર રાજ્ય મળ્યા પછી તરત જ પાકિસ્તાનની ધૂંસરી ગરદન પરથી ફેંકી દેવા માટે એમણે ચલાવેલી ચળવળો પરથી દેખાય છે.

આથી સવાલ એ ઊભો થાય છે કે જે પાકિસ્તાન કોઈના પણ હિત સાથે બહુ બંધબેસતું ન થતું હોય તે અસ્તિત્વમાં શી રીતે આવ્યું?

(આયેશા જલાલ કહે છે કે) એ સવાલ જ આ પુસ્તકનો મુખ્ય વિષય છે (અને લેખકે) એનો જવાબ શોધવા માટે બ્રિટિશ હકુમતનાં છેલ્લાં દસ વર્ષ દરમિયાન મહંમદ અલી જિન્નાના રાજકારણ, એમના નેતૃત્વ હેઠળની ઑલ ઇંડિયા મુસ્લિમ લીગ અને જિન્ના જેની સાથે સંકળાયેલા હતા તે ‘પાકિસ્તાન’ની માગણી પર ધ્યાન આપ્યું છે.

૧૯૨૦ના આખા દાયકા દરમિયાન અને છેક ૧૯૩૪ સુધી તો મુસ્લિમ લીગ મરવા વાંકે જીવતી હતી, તે પછી જિન્નાના નેતૃત્વ નીચે એમાં નવું ચેતન રેડવામાં આવ્યું. ૧૯૦૯માં (મૉર્લે-મિન્ટો સુધારા હેઠળ) મુસલમાનોને અલગ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું, જેને ૧૯૩૫ના ગવર્નમેન્ટ ઑફ ઇંડિયા ઍક્ટમાં પણ માન્યતા અપાઈ. ૧૯૩૭ સુધી તો લીગ મુસલમાનોના આ અધિકારો વિશેના પોતાના મૂળ ચાર્ટર પ્રમાણે જ ચાલતી રહી. આ મુદ્દા પર પંજાબ અને બંગાળના મુસ્લિમ નેતાઓ જરા પણ બાંધછોડ કરવા તૈયાર નહોતા, પણ જિન્નાના નેતૃત્વ હેઠળની લીગ કોંગ્રેસના સૂરમાં પોતાનો સૂર મેળવવા તૈયાર હતી. ૧૯૩૫ના કાયદામાં કેન્દ્ર કરતાં પ્રાંતોને વધારે સત્તાઓ આપવામાં આવી હતી. કોંગ્રેસ કેન્દ્રને વધારે સત્તાઓ મળવી જોઈએ એમ કહીને એનો વિરોધ કરતી હતી. લીગ પણ એની આ માંગ સાથે સંમત હતી. ૧૯૩૭માં થયેલી ચૂંટણી પછી લીગે કોંગ્રેસ સથે બંધારણી્ય સુધારા માટે હાથ મેળવવાની કોશિશ કરી પણ કોંગ્રેસે લીગના દોસ્તીના હાથને તરછોડી નાખ્યો તે પછી લીગે નવી લાઇન લીધી.

ભાગલા પડ્યા તેનાથી માત્ર સાડાસાત વર્ષ પહેલાં મુસ્લિમ લીગે ઠરાવ પસાર કરીને અલગ મુસ્લિમ રાજ્યની માગણી કરી. મુસલમાનોને અલગ અનામત બેઠકો મળી હતી તેમાં એ લઘુમતી હોવાનો સ્વીકાર હતો; હવે જિન્ના અને લીગે મુસલમાનોને લઘુમતી માનવાનો ઇનકાર કર્યો અને (અલગ રાષ્ટ્ર તરીકે) બરાબરી માગવા અલગ રાજ્યની માગણી કરી.

મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો – બંગાળ અને પંજાબ –માં લીગને સખત પરાજય મળ્યો હતો તેમ છતાં દેશના બધા મુસ્લિમો વતી બોલવાનો અધિકાર પોતાના હસ્તક લેવાનો જિન્ના અને મુસ્લિમ લીગનો આ પ્રયાસ હતો. આ પુસ્તકમાં ચર્ચાના કેન્દ્રમાં આ જ મુદ્દો છે કે આ દાવો બ્રિટિશ સત્તાએ શી રીતે માની લીધો, માત્ર મુસ્લિમ લઘુમતીના પ્રાંતો જ નહીં પણ બહુમતીવાળા પ્રાંતોના મુસ્લિમો પણ કેમ જિન્નાને એમના ‘એકમાત્ર પ્રવક્તા’ (The Sole Spokesman) માનવા તૈયાર થઈ ગયા, જેનો કોંગ્રેસે પણ અસરકારક પ્રતિરોધ ન કર્યો.

આ દાવાનો આધાર ‘પાકિસ્તાન’ની માગણી હતી પરંતુ જિન્નાએ શરૂઆતથી જ ‘પાકિસ્તાન’ એટલે શું તે ચોખ્ખું કહેવાનું ટાળ્યું. એટલે લીગના સમર્થકોને એનો મનફાવતો અર્થ કરવાનું મોકળું મેદાન મળી ગયું. ‘પાકિસ્તાન’ એટલે શું એની સ્પષ્ટ વ્યાખ્યા ન હોવાથી એ એક સ્લોગનથી વધારે કશું નહોતું,એટલે એના પરસ્પર વિરોધી અર્થો પણ થયા. આથી જિન્નાનો રાજકીય વ્યૂહ શું હતો, શા માટે એમની પાકિસ્તાનની કલ્પનાને શબ્દોમાં મૂકવાનું એમણે છેલ્લી ઘડી સુધી ટાળ્યું અને એમનો વ્યૂહ કેટલો સફળ કે અસફળ રહ્યો તેની ચર્ચા જરૂરી છે.

જિન્નાની ભૂમિકાનો વિચાર કરતાં, કોંગ્રેસ અને બ્રિટિશ સત્તાધીશોની નીતિઓ, કાર્યો, પ્રત્યાઘાતો અને નિર્ણયો વિશેની ચર્ચા પણ અનિવાર્ય છે, પરંતુ એ જિન્નાની નજરે જોવાનો આ પુસ્તકમાં પ્રયાસ કર્યો છે.

હવે પછીના અંકમાં, ૩ ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ, આપણે ‘બે વિશ્વયુદ્ધો વચ્ચેના સમયમાં જિન્ના’ના રાજકીય અભિગમ વિશે વાંચશું.


નોંધઃ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, પુસ્તકોની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો રજૂઆત કરનારની છે.

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય :

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: