24th January, 1950 in the Constituent Assembly

ડૉ. બી.આર. આંબેડકર Dr. B R Ambedkar

૧૯૫૦ની ૨૪મી જાન્યુઆરી, મંગળવારે બંધારણસભામાં બે મહત્ત્વના નિર્ણયો લેવાયા. એક તો, આપણા રાષ્ટ્રગીત તરીકે ‘જન ગણ મન’ને માન્યતા અપાઈ અને દેશના રાષ્ટ્રપતિ તરીકે ડૉ. રાજેન્દ્ર પ્રસાદની બિનહરીફ ચૂંટણી થઈ. તે ઉપરાંત બંધારણસભાના સભ્યોએ બંધારણની હિન્દી પ્રત પર સહીઓ કરી.

આ કાર્યવાહીઓનો રિપોર્ટ CONSTITUENT ASSEMBLY OF INDIA (VOLUME XII)માં આપેલો છે; અહીં એના અમુક પસંદ કરેલા અંશોનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત કર્યો છે.

[બંધારણસભાના પ્રમુખ’(President) હતા, સંસદની રચના પછી લોકસભાના અધ્યક્ષ’(Speaker) અને રાજ્યસભાના સભાપતિ’ (Chairman) શબ્દો સ્થાપિત થયા છે, એટલે અહીં પ્રમુખશબ્દ વાપર્યો છે].

કૉન્સ્ટીટ્યુઅન્ટ ઍસેમ્બલી અગિયાર વાગ્યે કૉન્સ્ટીટ્યુશન હૉલમાં મળી.

(બંધારણસભાના) પ્રમુખ (માનનીય ડૉ. રાજેન્દ્ર પ્રસાદ) અધ્યક્ષસ્થાને હતા.

રાષ્ટ્રગીત વિશે નિવેદન

માનનીય પ્રમુખશ્રી : ચર્ચા માટે હવે એક મુદ્દો બાકી રહે છે, એ છે રાષ્ટ્રગીત વિશેનો મુદ્દો. એક વખત તો એવું વિચારેલું કે આ બાબત ગૃહમાં ચર્ચા માટે રજૂ કરવી અને ગૃહ એક ઠરાવ દ્વારા એના વિશે નિર્ણય લે. પરંતુ તે પછી એવું લાગ્યું કે આ બાબતમાં ઔપચારિક નિર્ણય લેવાને બદલે હું પોતે જ રાષ્ટ્રગીત વિશે નિવેદન કરું તે સારું રહેશે. એના પ્રમાણે હવે હું આ નિવેદન કરું છું:

શબ્દો અને સંગીતમાં બદ્ધ જન ગણ મનતરીકે ઓળખાતી રચના ભારતનું રાષ્ટ્રગીત રહેશે; એના શબ્દોમાં સરકાર મંજૂર કરે એવા ફેરફાર પ્રસંગવશ કરાશે; અને ભારતીય સ્વાતંત્ર્યના સંગ્રામમાં ઐતિહાસિક ભૂમિકા ભજવનાર ગીત વંદે માતરમને પણ જન ગણ મનજેટલું જ માન અપાશે અને એનો દરજ્જો પણ એની સમાન જ રહેશે.

(તાળીઓ).

આશા છે કે આનાથી સભ્યોને સંતોષ થશે.

ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી

માનનીય પ્રમુખશ્રી : હવેની બાબત છે, ચૂંટણીના પરિણામની જાહેરાત. હવે હું રીટર્નિંગ ઑફિસર અને કૉન્સ્ટીટ્યુઅન્ટ ઍસેમ્બલીના સૅક્રેટરી શ્રી એચ. વી. આર. આયંગરને આ જાહેરાત કરવા આમંત્રણ આપું છું.
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ - સંસદ ભવનમાંનું તૈલ ચિત્ર Dr. Rajendra Prasad

શ્રી એચ. વી. આર. આયંગર (રીટર્નિંગ ઑફિસર અને કૉન્સ્ટીટ્યુઅન્ટ ઍસેમ્બલીના સૅક્રેટરી): પ્રમુખ મહોદય, મારે માનનીય સભ્યોને જણાવવાનું છે કે ભારતના રાષ્ટ્રપતિના પદ માટે માત્ર એક ઉમેદવારી પત્ર મળ્યું છે. ઉમેદવારનું નામ છે, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ.

(લાંબા વખત સુધી તાળીઓનો ગડગડાટ).

એમના નામની દરખાસ્ત પંડિત જવાહરલાલ નહેરુએ રજૂ કરી છે,

(ફરીથી તાળીઓ),

અને સરદાર વલ્લભભાઈ પટેલે એને ટેકો આપ્યો છે.

(તાળીઓ ચાલુ).

રાષ્ટ્રપતિની ચૂંટણીના નિયમો પૈકી નિયમ ૮ના પેટાનિયમ (૧) હેઠળ હું ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ભારતના રાષ્ટ્રપતિ પદે વિધિવત્‍ ચુંટાયેલા જાહેર કરું છું.

(લાંબા વખત સુધી તાળીઓ).

માનનીય શ્રી જવાહરલાલ નહેરુ (યુક્ત પ્રાંત, સામાન્ય) : માનનીય પ્રમુખશ્રી, આજે આપને જે સર્વોચ્ચ સન્માન મળ્યું છે તે બદલ હું મારા તરફથી અને આ સન્માનનીય ગૃહના બધા સભ્યો વતી આદરપૂર્વક અભિનંદન આપું છું. આપના નેતૃત્વ હેઠળ આપણે ત્રણ વર્ષથી પણ વધારે સમય પહેલાં આ બંધારણસભાનું કામ શરૂ કર્યું, અને આ ત્રણ વર્ષ દરમિયાન ઘણુંય એવું બાન્યું છે, જેને કારણે આ દેશની સૂરત પલટાઈ ગઈ છે. આપણે ઉપરાઉપરી ઉથલપાથલો અને સંકટોનો સામનો કર્યો છે પણ ભારતની જનતા માટે બંધારણ ઘડવાનું કામ કરતા રહ્યા અને હવે આ કામ પૂરું કર્યું છે. એ પ્રકરણ પૂરું થયું. હવે નવો પુરુષાર્થ આપણી રાહ જૂએ છે અને એક કે બે દિવસમાં નવું પ્રકરણ શરૂ થશે. મહામુશ્કેલીઓનાં આ ત્રણ વર્ષ દરમિયાન અમને આપના કાબેલ નેતૃત્વનો અનુભવ મળ્યો એટલું જ નહીં, અમારામાંથી ઘણા આપને ત્રણ કે ત્રીસ વર્ષથી આઝાદીના જંગમાં આગલી હરોળમાં રહીને લડનારા ભારતના સૈનિક તરીકે ઓળખે છે. (તાળીઓ). તો, સાહેબ, અમે આપનું સ્વાગત કરીએ છીએ, અમારા નેતા તરીકે, પ્રજાસત્તાક ભારતના વડા તરીકે અને છેલ્લી એક પેઢી દરમિયાન આ દેશની સામે ઊભાં થયેલાં સંકટો અને તકલીફોનો અડગતાથી સામનો કરનારાઅમારા એક સાથી તરીકે. આજે એક ધ્યેય આ સભામાં પાર પડ્યું છે અને આ સભા એનું કામ પૂરું કરીને બંધ પડશે અથવા, કદાચ એમાં ધરખમ પરિવર્તન આવશે અને એનું પ્રજાસત્તાક ભારતની સંસદ તરીકે પુનરુત્થાન થશે. આપણે લાંબા વખત પહેલાં નક્કી કરેલું એક લક્ષ્ય સિદ્ધ થયું છે, હવે બીજાં લક્ષ્યો આપણી સમક્ષ ઊભાં થયાં છે. આપણે વીતેલાં વર્ષો દરમિયાન એક સપનું જોયું હતું એ તો સાકાર થઈ ગયું,પણ હવે, કદાચ પણે સાકાર કર્યું તે સપના કરતાં વધારે કઠિન બીજાં સપનાં, બીજાં ધ્યેયો આપણી સામે આવી ઊભાં છે. અમારા સૌ માટે એ ધરપતની વાત છે કે ભવિષ્યનાં આ લક્ષ્યો અને સંઘર્ષોમાં આપ પ્રજાસત્તાક ભારતના વડા તરીકે અમારી સાથે હશો, અને સાહેબ, હું આપના વડપણ નીચેના આ પ્રજાસત્તાકને મારી વફાદારી અર્પિત કરું છું.

(લાંબા વખત સુધી તાળીઓનો ગડગડાટ).

સરદાર વલ્લભભાઈ પટેલ  Sardar Vallabhbhai Patel

માનનીય સરદાર વલ્લભભાઈ જે. પટેલ (મુંબઈ, સામાન્ય): માનનીય પ્રમુખશ્રી અને મિત્રો, સાહેબ, આજે આપ રાષ્ટ્રના પ્રતિનિધિઓની સર્વસંમત ઇચ્છાથી રાજ્યના વડા બનો છો એ શુભ અવસરે આપ પર અભિનંદનોની ઝડીઓ વરસાવતા સામુદાયિક સ્વરોમાં જોડાવાની આપની પાસે અનુમતિ માગું છું.(તાળીઓ).માનનીય વડા પ્રધાનના મુખેથી સરેલા એકે-એક શબ્દને હું ટેકો આપું છું અને આજે આપને જે મહાનતમ સન્માન મળ્યું છે તે બદલ આપને અભિનંદન આપવા માગું છું. ત્રણ વર્ષથી આપ કૉન્સ્ટીટ્યુઅન્ટ ઍસેમ્બલીના પ્રમુખ તરીકે કામ કરો છો અને સભ્યોએ જોયું છે કે ઍસેમ્બલીની કાર્યવાહી આપ કેવી રીતે ચલાવો છો. આપ પર જે બોજ હતો તેને કારણે આપની તબીયત બગડતી જતી હતી તેથી એક વખત તો અમને ચિંતા થઈ ગઈ હતી, ગભરામણ થઈ હતી પણ વિધાતા કૃપાળુ છે અને આપને ફરી સ્વસ્થ બનાવ્યા અને અમને સૌને આપ પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ અને રાજ્યના વડા તરીકે ચુંટાયા તે જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ભારતના ઇતિહાસમાં આજનો દિવસ સુવર્ણાક્ષરે લખાશે અને અમને જરા પણ શંકા નથી કે આપના શાણપણ, આપના અડગ અને શાંત સ્વભાવ અને લોકો તેમ જ મુદ્દાઓ સાથે કામ લેવાની આપની કુનેહને કારણે દેશનાં માન અને પ્રતિષ્ઠા દિવસોદિવસ વધતાં રહેશે અને આપના વિલક્ષણ નેતૃત્વ હેઠળ દુનિયાનાં રાષ્ટ્રોમાં આપણો દેશ જે સ્થાનને લાયક છે તે એને મળશે. ઈશ્વરે આપના શિરે એક ભારે જવાબદારી મૂકી છે, એ પૂરી કરવામાં અમે આપના પ્રત્યે સંપૂર્ણ વફાદાર રહીએ અને તમામ પ્રકારે સહકાર આપીએ એવી સુબુદ્ધિ અમને મળે એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. આપે આપના માયાળુ સ્વભાવથી અને હૃદયની શુભ ભાવનાથી માત્ર આ ગૃહના બધા સભ્યોનાં જ નહીં પણ આખા દેશના તમામ લોકોનાં દિલ જીતી લીધાં છે. આજે આપને જે સન્માન મળ્યું છે તેના માટે આપ સર્વથા સુયોગ્ય છો.

(તાળીઓ).

શ્રી બી. દાસ: પ્રમુખ મહોદય

પ્રમુખશ્રી: શ્રી દાસ બોલે તે પહેલાં હું, બસ, સભ્યોને એટલું યાદ અપાવવા માગું છું કે આવા પ્રસંગે હું અહીં બેઠો હોઉં અને ભાષણો સાંભળ્યા કરું અને એમાં એવી લાગણીઓ વ્યક્ત થતી હોય, જેના માટે હું લાયક પણ ન હોઉં; મારા માટે એ બહુ કફોડી સ્થિતિ છે. આથી સભ્યોને વિનંતિ કરું છું કે એમને બોલવું જ હોય તો એમની વાત થોડાંક વાક્યોમાં જ પૂરી કરે.

(ડૉ. રાજેન્દ્ર પ્રસાદની આ ટકોર પછી પણ શ્રી બી. દાસ (ઓરિસ્સાઃ સામાન્ય), ડો. એચ. સી. મુખરજી (પશ્ચિમ બંગાળઃ સામાન્ય), શ્રી હુસૈન ઇમામ (બિહારઃમુસ્લિમ) બોલ્યા. ફરીથી રાજેન્દ્રબાબુએ દરમિયાનગીરી કરી…)

પ્રમુખશ્રી : ત્રણ વર્ષ પછી એક વાર, હું આશા રાખું છું કે ગૃહ મને આ ચર્ચાને રોકી દેવાની પરવાનગી આપશે.

(તેમ છતાં, વી. આઈ. મુનિસ્વામી પિલ્લૈ (મદ્રાસઃ સામાન્ય)એ એમને અભિનંદન આપતું વક્તવ્ય આપ્યું).

પ્રમુખશ્રી : આટલાં વર્ષો દરમિયાન મને સભ્યોનો સહકાર મળ્યો છે. મને આશા છે કે આજે પણ, એટલે કે છેલ્લા દિવસે, સભ્યો સહકાર આપવાનો ઇનકાર નહીં કરે. આથી માનનીય સભ્યોને મારી વિનંતિ છે કે આ ચર્ચા અહીં રોકી દો અને મને બહુ શરમાવો નહીં.

(શેઠ ગોવિંદદાસ બોલવા માટે માઇક પર આવ્યા. એ વખતે વિક્ષેપ પડ્યો).

પ્રમુખશ્રી : મને ખાતરી છે કે ગૃહ હંમેશની જેમ આજના પ્રસંગે પણ મારી સાથે જ છે, એટલે હું બોલવા માટે આતુર બધા સભ્યોને વિનંતિ કરું છું કે તેઓ બોલવાનું ટાળી દે.

આજના પ્રસંગની ગંભીરતાનો મને ખ્યાલ છે. એક લાંબા સંઘર્ષ પછી આપણે એક તબક્કો પાર કર્યો છે, અને હવે નવો તબક્કો શરૂ થાય છે. મારે માથે એક બહુ ભારે જવાબદારી મૂકવામાં આપ સૌની લાગણી જ દેખાઈ છે. હું હંમેશાં માનતો રહ્યો છું કે માણસને અભિનંદવાનો સમય એની નીમણૂક થાય ત્યારે નથી હોતો પણ એ નિવૃત્ત થાય ત્યારે હોય છે. અને આજે આપે મને જે પદ સોંપ્યું છે તે છોડવાનો સમય આવશે ત્યાં સુધી હું રાહ જોઈશ; આપ સૌએ, ચોમેરથી બધા મિત્રોએ, મારામાં જે વિશ્વાસ મૂક્યો છે અને જે સદ્‍ભાવના વરસાવી છે તેન લાયક હતો કે નહીં તે એ વખતે તપાસીશ. મારાં વખાણનાં ભાષણો સાંભળતો બેઠો હોઉં – અને ખરેખર બેઠો રહ્યો છું – ત્યારે મને મહાભારતની એક કથા યાદ આવે છે. એમાં તો એટલી બધી કપરી, ધર્મસંકટ જેવી સ્થિતિઓ આવે છે અને એવી દરેક સ્થિતિ ઊભી થાય, સમસ્યા એવી ગુંચવાયેલી લાગે ત્યારે શ્રીકૃષ્ણ એના રસ્તા શોધી આપે છે. આવા જ કોઈ દિવસોમાં અર્જુને પ્રત્યિજ્ઞા લીધી કે એ અમુક કામ એ દિવસ પૂરો થતાં પહેલાં કરી લેશે અને ન કરી શકે તો ચિતા ગોઠવીને એમાં બળી મરશે. પાંડવો માટે તો આવો વિચાર પણ અસહ્ય હતો. શ્રીકૃષ્ણે રસ્તો કઢ્યો. એમણે કહ્યું, “તું એક જગ્યાએ બેઠો રહે અને પોતાનાં જ વખાણ કર્યા કર, અથવા તો બીજા લોકો તારાં વખાણ કરે તે સાંભળ્યા કર. બસ, એ પણ આપઘાતની બરાબર, જાતે બળી મરવા જેવું જ છે”. મેં પણ આવાં ઘણાં ભાષણ આવા જ ભાવથી સાંભળ્યાં છે કારણ કે એવી ઘણી બાબતો છે કે જે હું નહીં કરી શકું. અને એ પૂરાં કરવાની એક જ રીત છે કે હું આપઘાત કરી લઉં. પણ આજે મારી સ્થિતિ જરા જુદી છે. આપણા વડા પ્રધાન અને નાયબ વડા પ્રધાન મારા માટે લાગણીથી બોલતા હોય ત્યારે એનો પડઘો પાડ્યા વિના રહી જ ન શકું. પા સદીથી પણ વધારે વખતથી અમે સાથે જીવ્યા, સાથે કામ કર્યું અને બહુ નિકટતાથી સાથે મળીને સંઘર્ષ કર્યો છે. અમે એમાં કદી ડગ્યા નથી અને સાથે મળીને સફળ પણ થયા છીએ. આજે મને એક ખુરશીમાં ગોઠવી દીધો છે અને એની પાસેની ખુરશીઓમાં તેઓ બેઠા છે, અને બીજા પણ ઘણા સાથીઓ છે જેમની સાથેના મારા સંબંધોનું મારે મન બહુ ઊંચું મહત્ત્વ છે, તેઓ એમની પાસેની ખુરશીઓમાં બેસશે અને મને મદદ કરશે અને મને ખબર છે કે મારી સાથે આ ગૃહના સભ્યો અને ગૃહની બહાર અસંખ્ય મિત્રોની શુભેચ્છાઓ મારી સાથે છે ત્યારે મારા શિરે મુકાયેલી જવાબદારી બરાબર પૂરી થશે જ, પણ એટલા માટે નહીં કે હું કરી શકીશ, પણ સહિયારા પ્રયાસોથી આ ધ્યેયો પાર પાડવામાં આપણે સૌ સફળ થઈશું જ.

આજે દેશ સમક્ષ બહુ ઘણી સમસ્યાઓ છે અને મને લાગે છે કે હવે આપણે જે કામ કરવાનું છે તે બે વર્ષ પહેલાં કરતા હતા તેના કરતાં જુદી જાતનું છે. એમાં વધારે નિષ્ઠા, વધારે માવજત વધારે ધ્યાન અને વધારે ત્યાગની જરૂર રહેશે. બસ, હું એટલી જ આશા રાખી શકું કે આ ભાર વેઢારી શકે અને આપણી જનતાનાં અરમાનો પૂરાં કરી શકે તેવાં સ્ત્રીપુરુષ દેશમાં પાકશે. ઈશ્વર આના માટે આપણને શક્તિ આપે એવી પ્રાર્થના.

બંધારણના હિન્દી અનુવાદ પર સહીઓ

પ્રમુખશ્રીઃ હવે, બીજાં બે કામો કરવાનાં બાકી રહે છે. એક તો છે, બંધારણના હિન્દી અનુવાદને અધિકૃત, ખરેખર તો પ્રમાણિત, કરવાનું કામ. માનનીય સભ્યોને યાદ હશે કે આ ગૃહે એક ઠરાવ પસાર કરીને મને હિન્દીમાં અનુવાદ કરાવી, છપાવી અને ૨૬મી જાન્યુઆરી પહેલાં પ્રકાશિત કરાવવાની સત્તા આપી હતી. આ કામ થઈ ગયું છે. ગૃહે બીજી ભાષાઓમાં પણ અનુવાદ કરાવી, છપાવી ને પ્રકાશિત કરાવવાની મને સત્તા આપી છે. એ કામ હજી પૂરું નથી થયું, પણ હાથ ધરાયું છે.

હવે હું શ્રી ઘનશ્યામ સિંહ ગુપ્તાને વિનંતિ કરું છું કે તેઓ મને હિન્દી અનુવાદ આપે કે જેથી હું ઔપચારિક રીતે ગૃહમાં રજૂ કરી શકું અને એને પ્રમાણિત કરી શકું.

(માનનીય શ્રી ઘનશ્યામ સિંહ ગુપ્તાએ પ્રમુખશ્રીને બંધારણના હિન્દી અનુવાદની નકલો આપી. પ્રમુખશ્રીએ એના પર સહીઓ કરી).

ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ અને રાજ્યના વડા તરીકે ડો. રાજેન્દ્ર પ્રસાદની શપથવિધિ તત્કાલીન (વિદાય લઈ રહેલ) ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારી બાજૂમાં  છે, Dr. Rajendra Prasad's investiture as the first president

બંધારણ પર સહીઓ કરવાનું કાર્ય

પ્રમુખશ્રી : હવે એક જ કામ રહ્યું છે, બંધારણની નકલો પર સભ્યોની સહીઓ કરવાનું બાકી છે. ત્રણ નકલો તૈયાર છે. અંગ્રેજીમાં એક સંપૂર્ણ હસ્તલિખિત નકલ છે. જેના પર કલાકારોએ સુશોભનો કર્યાં છે. બીજી નકલ અંગ્રેજીમાં છપાયેલી છે. ત્રીજી પણ આખી હસ્તલિખિત નકલ છે, એ હિન્દીમાં છે. આ ત્રણેય નકલો ટેબલ પર રાખી છે. અને બધા સભ્યોને વિનંતિ કરવામાં આવશે કે તેઓ વારાફરતી આવીને આ નકલો પર સહી કરતા જાય. એવો વિચાર છે કે સભ્યો ગૃહમાં બેઠા છે તે ક્રમમાં બોલાવીએ. પણ માનનીય વડા પ્રધાનને સરકારી ફરજ માટે જવાનું છે એટલે હું એમને વિનંતિ કરીશ કે તેઓ સૌથી પહેલાં આવીને સહીઓ કરે.

(પછી માનનીય શ્રી જવાહરલાલ નહેરુએ બંધારણની નકલો પર સહીઓ કરી).

બંધારણ પર સહી કરી રહેલ જવાહરલાલ નહેરૂ Jawaharlal_Nehru_signing_Indian_Constitution

(આ તબક્કે, યુક્ત પ્રાંતના સામાન્ય સભ્ય શ્રી અલગૂ રાય ચૌધરીએ મુદ્દો ઉઠાવ્યો કે બંધારણસભાનું કામ પૂરું થઈ જતાં એની ઑફિસ હવે બંધ થશે પણ એના કર્મચારીઓની સેવાઓ કોઈ પણ રૂપે ચાલુ રહેવી જોઈએ, નહીંતર આખો દેશ ૨૬મી જાન્યુઆરી ઊજવતો હશે પણ એમને એમાં ભાગીદાર હોવાની લાગણી નહીં થાય. પ્રમુખશ્રીએ એમને ખાતરી આપી કે આ પ્રશ્ન પર એમણે વિચાર કર્યો જ છે અને મોટા ભાગના કર્મચારીઓને જુદા જુદા વિભાગોમાં સમાવી લેવાના પ્રયાસ ચાલુ છે, એટલું જ નહીં, જેમને નહીં લઈ શકાય તેમને પણ બીજો રોજગાર મળી જાય તેવા પ્રયાસ કરાશે).

પ્રમુખશ્રી : હવે જમણી બાજુથી, ત્યાં મદ્રાસના સભ્યો છે, તેઓ આવશે અને વારાફરતી સહીઓ કરતા જશે.

(પછી સભ્યોએ બંધારણની નકલો પર સહીઓ કરી).

પ્રમુખશ્રી : હું માનનીય સભ્યો સમક્ષ સૂચન રજૂ કરું છું કે તેઓ પોતાની જગ્યાએ જ બેસી રહે અને એમનું નામ બોલાય ત્યારે આવીને સહી કરી જાય. મને લાગે છે કે સારું થશે. એ જોવામાં પણ ચોક્કસ સારું લાગશે. શ્રી ખન્ના સભ્યોનાં નામ વારા પ્રમાણે બોલતા જશે.

( હાજર રહેલા બાકીના સભ્યોએ સહીઓ કરી લીધી તે પછી પ્રમુખશ્રીએ નકલો પર સહીઓ કરી).

પ્રમુખશ્રી : કોઈ સભ્ય સહી કરવામાં બાકી રહી ગયા છે? કોઈ હોય તો પછી ઑફિસમાં આવીને સહી કરી જાય.

માનનીય સભ્યો: વંદે માતરમ.

શ્રી અનંતસ્વામી અય્યંગાર (મદ્રાસઃ સામાન્ય): સાહેબ, આપની મંજૂરી હોય તો અમે સૌ ઊભા થઈને ‘જન ગણ મન’ ગાઈશું.

પ્રમુખશ્રી: ભલે.

(બધા ઊભા થયા અને શ્રીમતી પૂર્ણિમા બૅનરજી બીજા સભ્યો સાથે મળીનેજન ગણ મનગાયું).

પ્રમુખશ્રી: “વંદે માતરમ”.

(બધા ઊભા થયા અને પંડિત લક્ષ્મી કાન્તા મૈત્રાએ બીજા સભ્યો સાથે મળીને વંદે માતરમગાયું).

પ્રમુખશ્રી : હવે ગૃહ અનિશ્ચિત મુદત માટે સ્થગિત થાય છે.

તે પછી બંધારણસભા અનિશ્ચિત મુદત માટે સ્થગિત રહી.

૦-૦-૦

Advertisements

2 thoughts on “24th January, 1950 in the Constituent Assembly”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s