Four Boats at a River Crossing along Ganga–Nachiket Kelkar

હાલમાં જ ‘સાઉથ એશિયા નેટવર્ક ઑન ડૅમ્સ, રિવર્સ ઍન્ડ પીપલ’(SANDRP)ના બ્લૉગ પર નચિકેત કેળકરનો એક હળવી શૈલીમાં લખાયેલો અર્થગંભીર લેખ વાંચવા મળ્યોઃ Four Boats at a River Crossing along Ganga

લેખકની હળવીનચિકેત કેળકર શૈલી, એમનું ગંભીર વિષયવસ્તુ, રાષ્ટ્ર્રીય સ્તરે નદીઓ માટે એમની ચિંતા, સીધું જ મનમસ્તિષ્કને સ્પર્શી ગયું. તરત જ શ્રી નચિકેત અને SANDRPના શ્રી હિમાંશુ ઠક્કરનો સંપર્ક કરીને આ લેખનો અનુવાદ કરવાની પરવાનગી માગી અને એમણે માત્ર પરવાનગી જ નહીં, પ્રોત્સાહન પણ આપ્યું.

ભાઈ નચિકેત પહેલી વાર ગુજરાતી વાચકો સમક્ષ આવે છે. તેઓ બેંગાળૂરુમાં ‘અશોક ટ્રસ્ટ ફૉર રીસર્ચ ઇન ઈકોલૉજી એન્ડ ધી ઍન્વાયરનમેન્ટ (ATREE)ના ડૉક્ટરલ સ્ટૂડન્ટ છે. બિહારમાં ગંગાનાં મેદાનમાં નદીના જૈવિક વૈવિધ્ય અને મત્સ્યોદ્યોગ એમના અભ્યાસના વિષયો છે. એમને નદીઓ, સમુદ્રી અને ભૂમિસ્થિત જૈવિક પરિવેશોના રક્ષણને લગતી બાબતોમાં રસ છે.

શ્રી હિમાંશુ ઠક્કરના કાર્યક્ષેત્રનો પરિચય મેળવવા માટે આ લેખ વાંચશો. (મારી બારી (૪૧) – એવરેસ્ટ એક ઈંચ નમ્યો, ખીણ ઊંચકાઈ)

દીપક ધોળકિયા

ગંગાની સહેલગાહે એકબીજાનો માર્ગ આંતરતી ચાર નાવની ટક્કર

નચિકેત કેળકર /Nachiket Kelkar : rainmaker.nsk@gmail.com

એક માછીમાર પોતાની નાવમાં નદી પાર કરે છે. © Samir Kumar_VBREC
એક માછીમાર પોતાની નાવમાં નદી પાર કરે છે. © Samir Kumar_VBREC

નવેમ્બરની એક ઢળતી બપોરે, ખુશનુમા વાતાવરણમાં, અમે ગંગાના પ્રવાહની સાથે નાવ હંકારતા નદીમાંની ડૉલ્ફિનોની મોજણી કરતા જતા હતા.પૂર ઓસરવાના ગાળામાં બન્ને કાંઠે ઊંચું ઘાસ નીકળી આવ્યું હતું. પાણીની સપાટી તો બહુ નીચે ઊતરી જ ગઈ હતી. એક ખેતીવાડીની કૉલેજ અને બીજી એક ઔદ્યોગિક ઑફિસ, એમ કોંક્રીટની બે ભવ્ય ઇમારતો,કિનારાને લાગી રહેલા ઘસારાના માર સામે લાચાર બનીને ઝળુંબી રહી હતી. આ કાંઠાના વળાંકમાં ઓચિંતી જ ‘ગૅન્જિસ વૉયેજર’ નજરે ચડી. એમાં આછા લાલ રંગની ટેબલોની આસપાસ, બ્રિટિશ સહેલાણીઓ પોતાની ચમકતી ગોરી ચામડીઓને સૂરજના તડકામાં શેકતા હતા. ચામડી વધારે ઝળી ન જાય તે માટે ટેબલોની ઉપર મલમલની છત્રીઓ એમને રક્ષણ આપતી હતી. એમણે અમારી તરફ હાથ હલાવ્યા. જૂના રાજના દિવસોની યાદ આપતા યુનિફૉર્મધારી ઍટેન્ડન્ટોએ એમને ખાતરી આપી હશે કે અમે જોખમી માણસો નહોતા એટલે હાથ હલાવવામાં કંઈ ખોટું નહીં. વૉયેજરમાં પચાસ એરકંડીશન્ડ લક્ઝરી રૂમો છે, એમની બારીઓ પર આછા જાંબલી અને સફેદ રંગના શિફૉનના પરદા રેતીનાં ઘડિયાળવાળી કલાક-શીશીના આકારમાં બાંધેલા હતા.

ગૅન્જિસ વૉયેજર The Ganges Voyager (c) Subhsis Dey_VBREC
ગૅન્જિસ વૉયેજર The Ganges Voyager (c) Subhsis Dey_VBREC

ગૅન્જિસ વૉયેજર આરસના પ્રકાશમાન સ્થાપત્ય જેવી છે; ખરેખર સફેદ હાથી જ જોઈ લો! એની અકલ્પનીય શુભ્રતા અને ગંગાનાં પાણીનો રાખોડી રંગ – એ બન્ને વચ્ચે ઉભરતો વિરોધાભાસ તો જોવાલાયક છે. નદીના પટ અને દૂર ખેતરો પર મીટ માંડીને કાંઠા પર ઊભેલી પેલી બે ઇમારતોને એ મળતી આવે છે. કશુંક મોં-માથાના મેળ વિનાનું, ઇન્દ્રજાળ જેવું લાગતું હતું. સામેના કાંઠે છીછરા પાણીમાં આંતરિક જળમાર્ગ પર ચાલતું વહાણ લાંગરેલું છે. એની સરખામણીએ વૉયેજર કંઈ અસ્વાભાવિક, અમંગળનાં એંધાણ જેવી લાગતી હતી. એના ડ્રેજિંગ પિલર્સ (કાંપ હટાવવાના થાંભલા) એક મોટી ધરી પર વારાફરતી ઊંચાનીચા થતા હતા અને પાણીમાં ઊતરીને કેટલાયે કિલોગ્રામ કાંપ બહાર લાવતા હતા.

બીજી બાજુ, ડૉલ્ફિનના નિરીક્ષણ માટેની અમારી નાવ તો બિચારી કાળા રંગની, તળિયું ઊપસેલી, નદીની થાપટો ખાઈ ચૂકેલી…અમારો સુકાની પ્રમોદ જે કામળા પર લાંબો થઈને નિરીક્ષણ કરતો તે રાખ વેરતાં, ધણધણ્યા કરતાં ઍન્જિનની કાળી મેશ અને ગ્રીઝથી આખો કાળો થઈ ગયો હતો. અમે ડૉલ્ફિનને બરાબર જોવા માટે જરાક માથું હલાવીએ અને શરીર સળવળે કે તરત જ અમારી નાવ પર બાંધેલ વાંસનો માંચડો કરાંજવા લાગતો. ગૅન્જિસ વૉયેજરે પેદા કરેલા V-આકારના વમળે ખરેખર અમારી નાવને ડગમગાવી દીધી હતી. અમે મનમાં જ કલ્પના કરી કે વૉયેજર અને અમારી નાવ, આ બેયનાં ઍન્જિનોના અવાજથી પાણીની નીચે બાપડી ડૉલ્ફિનોના શા હાલ થતા હશે. અમે અમારી ખુરશીઓને બરાબર સંભાળી અને વૉયેજરની અસર મંદ પડે તેની રાહ જોતા રહ્યા. નદીમાં કેટલી ડૉલ્ફિનો છે તેનો સારામાં સારો અંદાજ બાંધવાનું અમારું આજનું લક્ષ્ય હતું. અમારી નાવના પાછળના ભાગમાં ડૉલ્ફિનોનો અવાજ રેકૉર્ડ કરવાનાં એક-બે અદ્યતન અને મોંઘાં ઉપકરણો પાણીની નીચે રહે તેમ બાંધેલાં હતાં. કાંપ ઊલેચતા ડ્રેજર, વૉયેજર અને જબ્બરદસ્ત વમળને કારણે રેકૉર્ડરો આમતેમ સરકી ગયાં હશે અને ઉલટાં પણ થઈ ગયાં હશે. વળી દૂર નાની હોડી હંકારી જતા ત્રણ માછીમારો માટે તો વૉયેજર બહુ કામ છોડી ગઈ હોવી જોઈએ, કારણ કે અમારાં પાણી નીચેનાં મશીનો એમની જાળમાં ન ફસાય તે માટે પ્રમોદે એમને દૂર પાછળ જવા સંકેત કર્યો ત્યારે એ ઉલટા જવા લાગ્યા પણ એક હલેસું વૉયેજરે બહાર કાઢેલી માટીના મોટા ઢેફા સાથે અથડાયું અને એમની નાવ એક બાજુથી પાણી તરફ નમી ગઈ; હલેસું એની ધારેથી તૂટી ગયું. આવડા મોટા આંચકા પછી નાવને બીજી તરફ દબાવીને સીધી રાખવા માટે એમને કેટલી મહેનત કરવી પડી હશે તેની અમારે તો માત્ર કલ્પના જ કરવાની હતી. પેટ ભરવાની ફિકર ન હોય તો માણસ આટલી મહેનત પછી ઘરે ચાલ્યો જાય. આ મહેનત બહુ હતી. સામાન્ય રીતે નવેમ્બરમાં નદીનાં શાંત જળ આટલી મહેનત કરાવતાં નથી હોતાં.

નદીમાં ડૉલ્ફિનોની મોજણી કરવા માટેની અમારી નાવ Our River Dolphin survey boat (c) Subhasis Dey_VBREC
નદીમાં ડૉલ્ફિનોની મોજણી કરવા માટેની અમારી નાવ Our River Dolphin survey boat (c) Subhasis Dey_VBREC

મોજાનું જોર હળવું પડ્યું તે ટાંકણે અમે મોટો ધડાકો સાંભળ્યો. અને નદીનાં ઠરેલાં જળમાંથી પાણી ઊછળ્યું. અમારા એક સાથીએ બૂમ પાડી, “ડૉ…લ્ફિ…ન”. પણ બાકીના અમે લોકોએ એમ જ વિચાર્યું કે કાંઠાના કોઈ ગામે લગનની જાન આવી હશે અને ફટાકડા-બટાકડા ફોડતા હશે. પણ નહોતી ત્યાં ડૉલ્ફિન કે નહોતો ફટાકડો. અમે જોયું કે એક ઊંચા શઢવાળી એક કાળી નૌકા અમારા તરફ આવતી હતી. એ અમારી મોજણીની નાવ અને માછીમારોની નાવ કરતાં મોટી હતી. કૂવાથંભ પર બેઠેલા માણસના હાથમાં કાળો વાવટો હતો. એણે અમારી સામે જોરથી વાવટો હલાવીને બૂમો પાડી. એ મોંએ ચડી તેવી ગાળો અમને દેતો હતો. એ નાવમાંથી બે માણસોએ અમારા તરફ રાઇફલો તાકી અને કમાંડરની ટૉર્ચથી અમારા પર રોશની ફેંકી. એ હથિયારબંધ ડાકુઓની ટોળકી હતી. અમે અમારી નાવનો મોરો ફેરવ્યો એટલામાં તો એમણે અમારા તરફ છ ગોળીઓ છોડી દીધી હતી. અમે તો પહેલાં જ, વિવેકબુદ્ધિયુક્ત કાયરતા દેખાડીને અમારી ખુરશીઓ નીચે ઘૂસી ગયા હતા. અમારું લૉજિક તો સાવ સાદું હતું – એમની પાસે બંદૂકો હતી, અમારી પાસે નહોતી. અમારી નાવે વળાંક લીધો ત્યારે એની એક બાજુએ “River Dolphin Survey” લખેલું હતું તે ડાકુઓની સામે આવ્યું. એમને અમારા સાથે કશી લેવાદેવા નહોતી. એમણે ફાયરિંગ બંધ કરી દીધું. એમનો સરદાર ગાળો ભાંડતો ગરજ્યો; “ભાગો…(****), નહીંતર મરશો. અમારે બીજા કોઈનો બદલો લેવો છે. તમારી જાન તો આ… ગઈ! ભાગો છો કે…?!

પ્રમોદે અમારી નાવ વાળી લીધી, પાછળ રેકૉર્ડિંગ મશીનો પણ ખેંચાતાં ચાલ્યાં અને અમે નદીના વહેણ સાથે આગળ વધી ગયા. પછી અમારા માછીમારોએ અમને કહ્યું કે પૂરની સીઝન વીત્યા પછી બે જૂથો વચ્ચે જમીનના મુદ્દા પર ઝઘડો થયો હતો અને એમાં હથિયારોનો પણ ઉપયોગ થયો હતો. અમે તો એમાં તદ્દન નકામા નિર્દોષ તમાશબીન હતા, જે નસીબજોગે બચી ગયા હતા. શૂટિંગના બનાવ પછી અમારી નાવમાં એક જાતની મુંઝવનારી શાંતિ હતી. મને ખાતરી છે કે અમે વિચારો અને લાગણીઓના ગુંચવાયેલા જાળામાં એવા ભેરવાયેલા હતા કે કેટલીક ડૉલ્ફિનો ગણતરીમાં લેવાનું ચૂકી જ ગયા હશું.

પણ ઇસ્માઇલપુરના વળાંક પાસે પહોંચ્યા ત્યારે ડૉલ્ફિનનાં બચ્ચાં તમામ શક્તિ અને ઉત્સાહથી ઊછળતાં, નદીની સપાટી પર ડોકાવા લાગ્યાં. અમે ફરી એમને ગણવાનું શરૂ કર્યું ત્યારે અમારી શાંતિ તૂટી, લાગણીઓનું જાળું ભેદાયું અને ફરી અજાયબીનો ભાવ જાગ્યો. નાની ડૉલ્ફિનોને નાવની પાસે ઊછળતી કૂદતી જોઈને ડાકુઓનો ભય, વૉયેજરનો રૂઆબ, સ્વાર્થ ને જીવન વીમાની અર્થહીનતા, બધું જ વિસારે પડ્યું. રાતે અમારી વાતચીતમાં આ બનાવ હવે એક હુંફાળી પણ મૃત્યુને સમર્પિત ગમ્મત તરીકે હળવેક્થી પ્રવેશી ગયો. બિહારમાં ફીલ્ડવર્ક આનાથી ક્યારે જુદું પડતું હતું?

મચ્છરદાનીથી ગેરકાનૂની રીતે માછલાં પકડતી ગૅંગો દ્વારા વપરાતી નાવ A boat used by gangs involved in illegal fishing with mosquito nets (c) T. Morisaka_VBREC
મચ્છરદાનીથી ગેરકાનૂની રીતે માછલાં પકડતી ગૅંગો દ્વારા વપરાતી નાવ A boat used by gangs involved in illegal fishing with mosquito nets (c) T. Morisaka_VBREC

નદીમાં એકબીજીના માર્ગ આંતરનારી ચાર નાવોની આ કથા આપણે કઈ દિશામાં જઈએ છીએ તેનું સચોટ રૂપક બની રહે છે. સૌથી મોટી નાવ – એક મોટું જહાજ – સર્વોચ્ચ સત્તાનું પ્રતીક છે અને એ જહાજે મોકલેલા જોરદાર મોજાનો માર સૌથી નાના હોડકાંઓએ સહન કરવાનો છે.

મોટાં જહાજો નદીમાંથી કાંપ ઉલેચી શકે છે, વેચી શકે છે અને – ન કરે નારાયણ – તમને ડુબાડી પણ શકે છે. હાલમાં ચર્ચા માટે જાહેરમાં મુકાયેલી રાષ્ટ્રીય જળ નીતિ (૨૦૧૫) આપણી નદીઓને વેપારીનો માલ બનાવી દેશે. આપણી નદીઓ માત્ર ‘માલવાહક માર્ગો’ કે ‘સહેલાણીઓના રૂટ’, એમની મોજમઝાનાં સ્થાન બની રહેશે. કારણ કે આ નીતિ પાછળ કામ કરતી કલ્પના બહુ સાંકડી અને ઊબકા આવે એવી છે. આ વિધેયક આપણા દેશની નદીઓ સાથે એકરૂપ થયેલા જૈવિક વૈવિધ્ય અને સામાજિક સંદર્ભની સંપૂર્ણ ઉપેક્ષા કરે છે. છેલ્લા પાંચ દાયકામાં ડૅમો બાંધવાના ઝનૂન પછી હવે આ નીતિનો નકરો વ્યાપ અને એમાંથી ડોકિયાં કરતી ઉદ્દંડ મહત્ત્વાકાંક્ષા નદીઓને મૂડીના દરવાજે પાણી ભરતી દાસીઓ બનાવી દેવાની સૌથી મોટી આસુરી જાળ છે.

કહે છે કે રાજકીય મહત્ત્વાકાંક્ષા એક એવું વહાણ છે જે પાણી વિના પણ ચાલી શકે છે. ગૅન્જિસ વૉયેજર આનું ભડભડતું ઉદાહરણ છે. એ નવ-વસાહતવાદી ગણાય તેવાં નિયંત્રણોને ફરી સજીવન કરશે. પૂરનાં મેદાનોનાં પાણિયાળા વિસ્તારો ઝડપથી વિલુપ્ત થતા જાય છે ત્યારે ત્યાં વૉયેજરની ઉપસ્થિતિ એક જડ અને વિચારહીન જી-હજૂરિયા વ્યવસ્થાનો જીવતો જાગતો પુરાવો છે.

નાની અને મોટી નાવો જ્યારે એકબીજાના માર્ગોને આંતરતી હતી ત્યારે આપણું સામુદાયિક ભવિષ્ય પરસ્પર વિરોધી ખંજરો – નદીનું રક્ષણ, વિકાસ, વિખવાદો, ગંગાના પટમાં નવઉદારવાદ વગેરેની ધારથી છેદાતું હતું. નદીની ડૉલ્ફિનો, માછલીઓ, માછીમારો, ખેડૂતો, ડાકુઓ, નદીઓના સંરક્ષણના હિમાયતીઓ, સહેલાણીઓ, જહાજો, બાર્જો, વહાણો, નૌકાઓ, માછલાં પકડવાની જાળો, કાંપના કણો બધું અનેકવાર એ સરકતી જતી ક્ષણોમાં એકમેકમાં ગુંચવાઈને ફંગોળાતું રહ્યું. ચાર નાવો – ચાર દૃષ્ટિકોણો, ચાર વાસ્તવિકતાઓ – ની એક બિંદુ પર ટક્કર થઈ…પણ જે કંઈ થયું અને જ્યાં થયું તે તો માત્ર એક અને એ જ નદી હતી, જે નથી અંતહીન, નથી અક્ષય.

SANDRP પર મૂળ લેખ ૨૮ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ પ્રસિદ્ધ થયો છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: