Pranks and goof-ups in my A.I.R. days

 

વર્ષને અંતે ‘મારી બારી’માંથી ડોકિયું કરતાં એક ખાસ વાત નજરે ચડી. આકાશવાણીમાં હું જોડાયો તેને હમણાં ગઈ તે ૧૫મી તારીખે ૪૫ વર્ષ પૂરાં થયાં. આકાશવાણી યાદ આવતાં મેં કરેલા ગોટાળા, છબરડા પણ યાદ આવ્યા. આમ પણ વર્ષને અંતે કંઈ હળવી વાત થઈ જાય તો ખોટું પણ શું? મેં આકાશવાણી વિશે એક લેખ લખ્યો જ છે જે અહીં ક્લિક કરીને વાંચી શકાશે પણ આજનો વિષય જુદો છે.

આકાશવાણીમાં ‘લાઇવ બ્રોડકાસ્ટ’ને કારણે ઘણી વાર ગોટાળા થતા જ હોય છે. આવા કેટલાક મારા અને કેટલાક બીજા સાથીઓના ગોટાળા અને છબરડાની વાતો કરવી છે.

એ દિવસોમાં હું આકાશવાણી ભુજમાં એનાઉંસર હતો. ધીમે ધીમે આત્મવિશ્વાસ વધતો જતો હતો. એટલે ચાલુ કાર્યક્રમે સ્ટૂડિયો છોડીને બહાર ફરવું વગેરે રોજનું બનવા લાગ્યું હતું. એ દિવસોમાં સ્પૂલવાળાં ટેપડેક હતાં. સ્પૂલવાળાં એટલે ‘આનંદ’ ફિલ્મના અંતે ટેપનું ચકરડું ફરે છે એવાં. એક વાર શાસ્ત્રીય સંગીતની ટેપ ચડાવીને બહાર નીકળ્યો. ટેપ અર્ધો કલાક ચાલવાની હતી એટલે નિરાંત હતી, જો કે આખો વખત તો બહાર રહેવાનો સવાલ જ નહોતો. પરંતુ મેં પોતે ધાર્યું હતું તેના કરતાં પણ વધારે મિનિટો વાતોમાં નીકળી ગઈ. પછી ‘હું જાઉં; ટેપ ચાલે છે” કહીને સ્ટૂડિયોમાં ગયો ત્યારે જોયું તો મારી આંખો સ્થિર થઈ ગઈ. ટેપ સામેના ખાલી સ્પૂલમાં વીંટાતી જ નહોતી અને બહાર નીકળી જતી હતી, મને સમજાયું કે ટેપમાં કોઈ સાંધો આવી ગયો છે પણ એ એવી રીતે ગોઠવાઈ ગયો છે કે કનેક્શન કપાયું નથી એટલે બહાર ટેપ તો બરાબર સંભળાય છે પણ બધી બહાર ડેક પર, એનાઉંસરની ખુરશી પર, જમીન પર, જ્યાં ત્યાં ફેલાય છે. હજી દસેક મિનિટ બાકી હતી. કંઈ સુધારવા જાઓ તો ટેપ બંધ થઈ જાય. ઍન્જીનિયર દોડી આવે, ડ્યૂટી ઑફિસર દોડી આવે. હું ત્યાં જ ઊભો રહ્યો. મને યાદ છે ત્યાં સુધી એક સાથી એનાઉંસર બહેન, (કદાચ પુષ્પા અંતાણી?) પણ મારી પાછળ જ સ્ટૂડિયોમાં ધસી આવ્યાં હતાં. અમે બન્ને સ્તબ્ધ કે હવે કરવું શું. આમ તો અમે ચાર એનાઉંસરો ‘અમે ૧૦૫’ની નીતિવાળા – એકબીજાનાં અવળાંસવળાં કર્મોમાં સાથ આપીએ એટલે કોઈ ચાડી ખાય એવી ચિંતા તો નહોતી. માંડ પ્રોગ્રામ પૂરો થયો. સિંધીમાં સમાચાર દિલ્હીથી રીલે કરવાની જાહેરાત પૂરી ગંભીરતાથી કરી અને પછી અમે આ ટેપ સમેટવાની કોશિશ કરી પણ ટેપ તો કેટલાય મીટર લાંબી હતી. કેમ સમેટાય? પછી અમે એને કાપીને ફેંકી દેવાનો દુઃખદ નિર્ણય લીધો. આટલો ઢગલો તો કચરાના ડબ્બામાં પણ ન નાખી શકાય એટલે દીવાલ પાછળના પરદામાં ઘૂસાડ્યો. લાઇબ્રેરીમાંથી રેકૉર્ડિગ વિનાની એક આખી ટેપ મેળવી લીધી અને મૂળ ટેપની જગ્યાએ ગોઠવી દઈને… બસ…કોઈને આ પાપની ખબર આજ સુધી તો પડવા દીધી નથી!

સ્ટૂડિયો અમારો અડ્ડો. એક એનાઉંસર આવે અને બીજો જાય. પણ જેણે જવાનું હોય તે પણ જાય નહીં, ડ્યૂટી ઉપરાંત કલાક તો ખરો જ. વાતો ચાલ્યા કરે, વચ્ચે એનાઉંસમેન્ટનો સમય થાય ત્યારે સંપૂર્ણ શિસ્ત સાથે એ પણ થઈ જાય. ચારમાંથી અમે ત્રણ તો એક જ કૉલેજનાં, અને લગભગ તાજાં નીકળેલાં. માંડ બે-ત્રણ વર્ષ થયાં હશે. જો કે કૉલેજમાં જુદા જુદા વર્ષમાં, એટલે બહુ ગાઢ પરિચય નહોતો, મિત્રતા તો આકાશવાણીમાં આવ્યા પછી થઈ. પણ કૉલેજને કારણે વાતોનો મસાલો સ્ટૂડિયોમાં બહુ મળી રહેતો.

એમાં પણ બે એનાઉંસર બહેનો, પુષ્પાબેન અને જયંતિકા માંકડ નાટકોમાં પણ ભાગ લે. રાજકોટના મિમિક્રી કલાકાર રમેશ જાની પણ અમારા ચોથા સાથી. એ ત્રણેય જણ ડાયલૉગ ડિલિવરી, અભિનય વગેરેમાં સારાં. મને નાટકબાટક બહુ ન આવડે. પણ એક વાર મહિલાજગતના એક નાટકમાં બેચાર ડાયલૉગ હતા એટલે મને લઈ લીધો હતો. એમાં સાસુવહુનું કંઈ હતું. નાટક ‘લાઇવ’ હતું. એક પ્રસંગ એવો હતો કે ટપાલી આવે છે અને દરવાજો ખટખટાવીને બોલે છે કે “ટપા… લ” ! તે પછી માલતી જાનીનો ડાયલૉગ હતો કે “લો ટપાલ આવી.” પણ એ ક્ષણ આવી ત્યારે દરવાજો ખખડાવવાનું યાદ જ ન આવ્યું. ઈશારાથી દેખાડ્યું. અંતે માલતીબેન સમજ્યાં પણ ભૂલી ગયા. કોઈ પુરુષે “ટપા…લ” બોલવાનું હતું તેને બદલે માલતીબેને સ્ટૂડિયોનું હૅન્ડલ ખખડાવીને મોટા અવાજે કહ્યું, “ટપા…લ”. અને સૌને માટે હસવું રોકવાનું અઘરું થઈ ગયું. પછી જેમ તેમ હસવાનું જાણે નાટકમાં જ હોય તેમ બે ચાર ડાયલૉગ નીકળ્યા. પછી માલતીબેને કંઈક ગુસ્સામાં કહેવાનું હતું, “ભલે લાગે આઘાત…” પણ એ બોલ્યાં, “ભલે આગે લાઘાત…”!! એ નાટક ઘણીવાર ‘રિપીટ’ થયું પણ એમાં ટપાલીનો અવાજ સ્ત્રીનો જ રહ્યો અને “ભલે આગે લાઘાત” પણ જેમનું તેમ રહ્યું.

પહેલાં તો ડ્યૂટીચાર્ટ અમે સાથે મળીને બનાવતાં પણ પછી એક પ્રોગ્રામ એક્ઝિક્યૂટિવે (P.Ex કે પેક્સ)) જાતે જ એ કામ શરૂ કરી દીધું. એ દિવસોમાં આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી રવિવારે ફિલ્મી સંગીતનો કાર્યક્ર્મ પ્રસારિત થતો. પુષ્પાબેને બપોરની ડ્યૂટીમાંથી રજા લઈ લીધી હતી. પેક્સ બહેન એમની જગ્યાએ કોઈની ડ્યૂટી મૂકવાનું ભૂલી ગયાં. અમને તો ખબર હતી કે બપોરે ગરબડ થવાની છે. અમે ચારેય જણે એમને પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું. સામાન્ય રીતે સવારની ડ્યૂટીમાં હોય એણે રોકાવું જોઈએ. મારી સવારની ડ્યૂટી હતી તે પૂરી થતાં મેં ડ્યૂટી ઑફિસરને કહ્યું કે પુષ્પાબેન તો આવી જશે, હું વહેલો નીકળી જાઉં છું. એ પણ વિશ્વાસમાં રહ્યો અને હા પાડી દીધી. સમય થયો ત્યારે એને ખબર પડી કે પુષ્પાબેને તો રજા લીધી છે. એણે અમારા ત્રણમાંથી કોઈકને પકડી પાડવાની કોશિશ કરી. એ દિવસોમાં ટેલિફોન તો હતા નહીં. જુદે જુદે ઠેકાણે માણસો દોડાવ્યા. હું તો ઉત્તરમાં ગાયબ, જાનીભાઈ દક્ષિણમાં જયંતિકાબેન એમના ઘરના છેક અંદરના રૂમમાં. અમે સૌ ટ્રાન્ઝિસ્ટર પર પ્રોગ્રામનો છબરડો સાંભળવાની તૈયારીમાં…અને ગોટાળો થયો! એક અનાડી અવાજમાં પ્રોગ્રામ શરૂ થયો. સ્ટેશનમાં દોડાદોડી મચી ગઈ. અમારો કોઈનો વાંક તો હતો નહીં. એ પેક્સને ‘મેમો’ મળતાં એમણે ફરી અમને ડ્યૂટીચાર્ટ સોંપી દીધો. એ પેક્સ બહેન આજે તો આ દુનિયામાં નથી. બહુ ભલાં હતાં અને મને નાના ભાઈ જેમ માનતાં હતાં પણ એ તો પછીની વાત છે. એમની સમક્ષ આ વાતનો ઘટસ્ફોટ કરવાની હિંમત કદી ન થઈ.

વિષ્ણુભાઈ ત્રિવેદી પણ અમારા પેક્સ. પછીથી એ વડોદરામાં સ્ટેશન ડાયરેક્ટર થયા. એમણે બાળકોના કાર્યક્રમ માટે વેતાળ પચીસીની એક સ્ક્રિપ્ટ લખી. સિદ્ધને ઉપાડીને ભરવાડ ઊકળતા તેલમાં નાખી દે છે એ કથા હતી. બે અવાજમાં એ વાંચવાની હતી. એક એ પોતે અને બીજો હું. સ્ક્રિપ્ટમાં ભરવાડ માટે એમણે ‘ભોપા’ શબ્દ વાપર્યો હતો. એ વાંચીને મેં કહ્યું, “યાર, આ શબ્દ વાંચતાં હસવું આવી જશે. બદલાવી નાખો ને” ત્રિવેદીભાઈ કહે “વાંચો ને યાર, તમારા જેવા અનુભવી માણસ આમ કહે તે કેમ ચાલે?” રેકૉર્ડિંગ શરૂ થયું. મારો ડાયલૉગ પૂરો થયો. ત્રિવેદીભાઈએ બોલવાનું હતું પણ બોલે જ નહીં. મેં કોણી મારીને ઈશારો કર્યો. તોય ન બોલ્યા. મેં એમની સામે જોયું તો જોરથી હસવા માંડ્યા. “યાર, તમે કહ્યું ને તે હવે મને જ ભોપા વાંચીને હસવું આવે છે.” માંડ સ્વસ્થ થયા. મેં વાંચી લીધું. વળી ત્રિવેદીભાઈનો વારો આવ્યો. આ વખતે તો ‘મેં જોયું તો એમનું આખું શરીર હલતું હતું. મેં કહ્યું “યાર, તમે તો ભોપા સુધી પહોંચતાં પહેલાં જ હસવા માંડ્યા!’ બેચાર પ્રયત્ન પછી ત્રિવેદીભાઈએ હાર માની લીધી. ‘નહીં, ભોપાને કાઢવો જ પડશે…” પણ ટાઇમ તો એટલો હતો નહીં એટલે ભોપાને અને વેતાલને પડતા મૂકીને કોઈ જૂનું રૂપક ઉપાડી લાવ્યા અને શ્રોતાઓ માટે ચડાવી દીધું અયનમંડળમાં… પછી અમે એ ભોપાવાળી સ્ક્રિપ્ટ કદી રેકૉર્ડ જ ન કરી!

આ તો એનાઉંસરીના જમાનાની વાત. આવા તો અનેક બનાવો છે. બધા તો લખી ન શકાય. માત્ર ‘અંદરની ઝલક’ જ આપી શકાય. એનાઉંસર તરીકે તો માત્ર ચાર વર્ષ ગાળ્યાં પણ દિલ્હીમાં સમાચાર વાચક તરીકે તો જિંદગી ગઈ. ચોંત્રીસ વર્ષ. એટલે ગોટાળા તો ઘણા જ થયા હશે. એમાંથી ‘પદ્મભૂષણ’નો ખિતાબ મળે એવા બે-ચાર ગોટાળાની વાત કરીએ.

૧૯૭૯ના જાન્યુઆરી મહિનામાં હું રેડિયો મૉસ્કોમાં કામ કરવા ગયો. ત્યાં તો ન્યૂઝ પણ રેકૉર્ડ થતા હતા એટલે ભૂલો થવાનો સંભવ જ નહોતો. પણ ત્યાં ત્રણ વર્ષનું ‘સેકંડમેન્ટ’ પૂરું કરીને દિલ્હી પાછો આવ્યો. સમાચારમાં વચ્ચે ‘બ્રેક’ આવે તેમાં ઓળખ આપવાની હોય – “આ સમાચાર આકાશવાણીના છે.” અથવા “આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.” ત્રણ વર્ષની ટેવને કારણે “આ સમાચાર રેડિયો મૉસ્કોના છે” એમ ન બોલી જવાય એ માટે સામે લખીને રાખતો. બે-ત્રણ દિવસ તો બરાબર ચાલ્યું, પછી વિશ્વાસ બેસી ગયો. બરાબર તે જ દિવસે ભૂલ થઈ. વચ્ચે બ્રેક આવતાં બોલી દીધું, “આ સમાચાર રેડિયો મૉસ્કોના છે”. તરત જીભ કચરી અને સુધાર્યું પણ ‘લાઇવ’ સમાચારમાં તો જે તીર છૂટ્યું તે તો છૂટ્યું જ. કદાચ ભૂલ ન સુધારી હોત તો શ્રોતાઓને પણ રોજની ટેવને કારણે કદાચ ધ્યાનમાં ન આવે. પણ ભૂલ સુધારતાં તો ખાસ ધ્યાનમાં આવી જાય. એ જમાનામાં રેડિયોના સમાચાર લોકો સાંભળતા. ફરિયાદના કાગળો, એક-બે છાપાંમાં ચર્ચાપત્રો બીજા જ દિવસથી શરૂ થઈ ગયું. વાત છેક મિનિસ્ટર સુધી પહોંચી. ”છે કોણ, આ શખ્સ? શું છે એનો ઇરાદો?” સોવિયેત સંઘમાં રહ્યો છે એટલે આમ કર્યું?” મિનિસ્ટ્રીમાં એક અભિપ્રાય એવો પણ હતો કે નોકરીમાંથી જ કાઢો. બધા સાથીમિત્રો અને ઉપરી અધિકારીઓ સમજતા હતા કે આ ‘સ્લિપ ઑફ ટંગ’ જ હતી અને સૌ માનતા હતા કે વાતમાં કંઈ દમ નથી. તે સાથે એમ પણ કહેતા, “આવી વાતમાં ધ્યાન કાં ન રાખ્યું?? મારી પાસે જવાબ નહોતો. મારા ખુલાસા પુછાયા. મેં દિલગીરી દર્શાવી. અંતે સમાચાર વિભાગે મિનિસ્ટ્રીને લખ્યું કે કંઈ બહુ મોટી વાત નથી; આ ભાઈ બે દિવસ પહેલાં રેડિયો મૉસ્કો બોલતા હતા એટલે ટેવને કારણે બોલાઈ ગયું છે. નોકરી તો ન ગઈ પણ મિનિસ્ટ્રીએ સમાચાર વાંચવાની મનાઈ કરી દીધી. બસ અંગ્રેજીમાં જે સ્ક્રિપ્ટ મળે તેનું ગુજરાતીમાં રૂપાંતર કરી દો, બીજા કોઈ વાંચે. એકાદ મહિનો એમ ચાલ્યું.

થોડા વખત પછી સાથીઓને એમ લાગવા માંડ્યું કે આ સજા તો એમને થઈ છે. જ્યારે જૂઓ ત્યારે એમને વાંચવાની ડ્યૂટી પણ કરવી પડે છે. એટલે જે વાંચવાને યોગ્ય હોય તેની સાથે જ મને ડ્યૂટી પર મૂકી શકાય. આમ એમને લાગ્યું કે મને તો મઝા થઈ ગઈ. સજા તો એમને થઈ. આમ તો કોઈને મારી સાથે ડ્યૂટીમાં વાંધો નહીં, કારણ કે કામ બહુ જલદી પૂરું કરી આપું, અનુવાદ પણ ઠીક જ હોય એટલે એની ચિંતા ન હોય, પણ સૌને મુખ્ય કંટાળો એ કે મેં વાક્ય એક રીતે શરૂ કર્યું હોય અને પૂરું બીજી રીતે થતું હોય. આવા લોચા તો મેં કદાચ નિવૃત્તિ સુધી માર્યા હશે. અંતે એક દિવસ મેં પોતે જ નક્કી કરી લીધું. સમાચાર વાંચવાનો સમય થયો એટલે મેં બધાં પાનાં સંભાળી લીધાં – “આજે હું વાંચીશ”. મારા સાથીઓ જોઈ રહ્યા. પ્રતિબંધનું શું? મેં કહ્યું, એ લોકો ભૂલી ગયા છે કે મારા પર પ્રતિબંધ છે. એટલે જાતે તો છૂટ આપવાના નથી. એનો ભંગ કરીશ ત્યારે યાદ આવશે અને પ્રતિબંધ ફરી મૂકવો હશે તો મૂકી દેશે. બસ, કોઈને ખબર ન પડી અને બીજાં ૨૮ વર્ષ સુધી કામ કર્યું. હજી જૂની ફાઇલોમાં ક્યાંક ઑર્ડર પડ્યો હશે કે મારે માઇક પર સમાચાર નથી વાંચવાના – અને એ ઑર્ડર રદ કરવાનો ઑર્ડર તો શોધ્યો જડે તેમ નથી!

રૅડિયો પર કામ કરતાં ઉચ્ચાર અને શબ્દોના વજન વિશે ખ્યાલ આવ્યો. કોશિશ એ રહી કે ઉચ્ચાર બરાબર થવો જોઈએ. એક વાર મારા માથે ઉચ્ચાર શુદ્ધિનું ભૂત ચડી બેઠું અને ‘પદ્મભૂષણ’ને યોગ્ય ભૂલ કરવામાં મને બહુ મદદ કરી. હવે જોઈએ આ ભૂતનો ખેલ.

અમે ગુજરાતી અને કન્નડ યુનિટ સાથે બેસીએ. એ દિવસોમાં નરસિંહ રાવ વડા પ્રધાન હતા. ઉચ્ચારનું ભૂત મારા માથે ચડ્યું તે દિવસે નરસિંહ રાવ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અમારા કન્નડ મિત્ર ઉપેન્દ્ર રાવ અને હું નરસિંહ રાવ વિશે વાતો કરવા લાગ્યા. એમણે કહ્યું કે તેઓ બહુ ઘણી ભાષાઓ જાણે છે અને તેલુગુમાં પણ એમનું નામ ખોટું બોલાતું હોય છે એવી એમની ફરિયાદ છે. ઉચ્ચાર ભૂતે મને એમના નામનો બરાબર ઉચ્ચાર કેમ થાય તે પૂછવા પ્રેર્યો. ઉપેન્દ્ર રાવે અક્ષરો છૂટા પાડીને સમજાવ્યું. “ન-ર- સિમ-હા રાવ.” વાત પતી ગઈ.

હું સ્ટૂડિયોમાં ગયો. એ વખતે મારા મગજમાં એક ગાંડો વિચાર આવ્યો. આ વિચાર કેટલો અર્થહીન હતો તે તો જરા વારમાં સમજાઈ જશે પણ એ વખતે એ વિચારે મારા સમગ્ર અસ્તિત્વનો કબજો લઈ લીધો હતો. મને એમ લાગવા માડ્યું કે વડા પ્રધાન અમદાવાદમાં છે અને કદાચ મારું બુલેટિન સાંભળતા પણ હોય. એટલે ઊંડો શ્વાસ લીધો. ‘ન-ર-સિમ-હા રાવ’ને સમર્યા અને કહ્યું કે જોજો, એક ગુજરાતી તમારા નામનો ઉચ્ચાર કેવો સારો કરે છે!

પહેલી જ ન્યૂઝ સ્ટોરી એમની હતી. આખી સ્ટોરી બરાબર યોગ્ય ભાર આપીને, ‘ન-ર-સિમ-હા રાવ’ એમ સ્પષ્ટ બોલીને પૂરી કરી. દોઢેક મિનિટ ચાલી હશે. મેં સંતોષનો શ્વાસ લીધો અને માઇક બંધ કરવા હાથ મૂક્યો. આ શું? મેં સ્ટોરી વાંચી પણ માઇક તો બંધ જ હતું ! સ્ટોરી ‘એર’ પર ગઈ જ નહીં! એક બહુ લાંબો પોઝ ગયો હશે, શ્રોતાઓના રેડિયો પર ખાલીપો ઘૂંઘૂંઘૂં… કરતો હશે. ઉચ્ચારનું ભૂત તરત માથેથી ઊતરીને ભાગી ગયું. અક્કલ પાછી ફરી અને મને ઠપકો આપવા લાગી કે “તેં સાચું નામ બોલવાની લાયમાં વડા પ્રધાનના સમાચાર જ ન આપ્યા અને એ તારા સમાચાર ક્યાં સાંભળવાના હતા? એમને ટાઇમ હોય?” આવી વઢ ખાતાં ખાતાં પણ બાકીના સમાચાર તો વાંચવાના હતા. એ બાકીની સાત-આઠ મિનિટો કેમ ગઈ હશે તેની કલ્પના નથી કરી શકતો. મિનિટો પૂરી જ નહોતી થતી!

ધીમે ધીમે રીઢા થઈ જવાય. વાંચવા જાઓ ત્યારે જૂનું બુલેટિન પણ સાથે લઈ જવાની પ્રથા હતી કે જેથી છેલ્લી ઘડીએ કોઈ સ્ટોરી બદલાય અને બુલેટિન ટૂંકું પડે તો થીગડાં મારી શકાય. એક વાર એવું બન્યું કે ખરેખર થીગડાની સામગ્રી સાથે નહોતો લઈ ગયો. દસ મિનિટ પૂરી કેમ કરવી તે સવાલ હતો. ઓચિંતી વાંચવાની સ્પીડ પણ ઘટાડી ન શકાય. નવ મિનિટ પૂરી થઈ જાય તે પછી માત્ર ૩૫-૪૦ સેકંડ બાકી હોય ત્યારે હેડલાઇન ફરી વંચાય. મેં એ કામ આઠમી મિનિટે જ કરી દીધું અને પૂરી એક મિનિટ બાકી હતી ત્યારે “સમાચાર પૂરા થયા” એમ જાહેર કરી દીધું. બીજું કંઈ કરી શકું એમ પણ નહોતો. ખુરશી છોડી એટલી વારમાં તો એન્જીનિયર સ્ટૂડિયોમાં પહોંચી આવ્યો. “આપને તો એક મિનિટ પહલે ખતમ કર દિયા!” મેં પણ ‘આશ્ચર્ય’થી ઘડિયાળ સામે જોયું. “ઑહ સોરી, આપકો નોટ તો કરના હી પડેગા, કર દીજિયે, માફી માંગ લેંગે!!” એક ભૂલ છુપાવવા માટે એનું નવી નિર્દોષ દેખાતી ભૂલમાં રૂપાંતર કરો, જેમાં નુકસાન ઓછું હોય અને તમારો બચાવ વધારે સબળ હોય! આવું થાય તો એનો બીજો ઉપાય એ કે ત્રણ ચાર મિનિટ પહેલાં વાંચેલી કોઈ સ્ટોરી “કૃપા કરીને આ સમાચાર ફરી સાંભળશો” એવી શ્રોતાઓને વિનંતિ કરીને બીજી વાર વાંચી નાખવી. શ્રોતા વિચારતો રહે કે પહેલાં કંઈક ભૂલ થઈ ગઈ હશે. એને કલ્પના પણ ન આવે કે તમે એક બીજી ભૂલ છુપાવવા માટે છેતરપીંડી કરો છો.

ગુજરાતમાં માધવસિંહ સોલંકીની જગ્યાએ અમરસિંહ ચૌધરી મુખ્ય પ્રધાન બન્યા હતા. એ દિવસે મારે વાંચવાનું નહોતું પણ અનુવાદક તરીકે મદદ માટે હતો. વાચક વાંચવા ગયા અને છેલ્લી ઘડીએ અમરસિંહભાઈનું કોઈ નિવેદન આવ્યું મેં તાબડતોબ સ્ટોરી પૂરી કરીને સ્ટૂડિયોમાં મોકલાવી દીધી. પણ નામ અમરસિંહ ચૌધરીને બદલે માધવસિંહ સોલંકી લખી નાખ્યું હતું. સમાચાર પૂરા થતાં જ અમદાવાદથી ફોન આવી ગયો. સમાચારવાચકને પૂછ્યું કે આવી ભૂલ કેમ થઈ? એમણે જવાબ આપ્યો કે મારા સીનિયરે લખ્યું હતું એટલે એમણે સુધાર્યું નહીં. ભૂલ તો કોઈ પણ કરે. આ કામમાં કોઈ સીનિયર-જૂનિયર નથી હોતા. મને ખબર પડી. હું ડાયરેક્ટરને મળ્યો અને કહ્યું કે મારી ભૂલ હતી. એમણે કહ્યું “ગલતી તો હો જાતી હૈ. લેકિન આપકે સાથીને જો જવાબ દિયા કિ આપને લિખા હૈ ઇસ લિયે ઉસને ઠીક નહીં કિયા – યહ ગલત જવાબ હૈ.”

આપણે ઘણી ભૂલો કરશું પણ એવી અપૂર્ણતાઓ જ આપણને માણસ રહેવા દે છે એટલે જ આ બધું પાપ ‘પરકાશ્યું’ છે, મને તો લાગે છે કે તો પૂર્ણ માણસ બહુ મહાન હશે પણ બહુ નીરસ જીવન જ જીવતો હશે. પ્રાણલાલ વ્યાસ ગાય છે ને, “ટોચો મા ટાંકણું લઈને ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.’ મારે પણ અપૂર્ણ જ રહેવું છે.

%d bloggers like this: