The Imperial Message–Franz Kafka

મારી બારી (૫૫) – શાહી સંદેશ

૧૩મી નવેમ્બરે ‘મારી બારી’ના ૫૪મા અંકમાં ફ્રાન્ઝ કાફકાની એક રૂપક-કથા કાનૂનના દ્વારે આપી હતી. તે પછી ૩૦ નવેમ્બરથી ૪ ડિસેમ્બર સુધી પાંચ હપ્તામાં કાફકાની In the Penal Colonyનો અનુવાદ પ્રકાશિત થયો. આની pdf ‘કાળા પાણીના ટાપુ પર’ પણ ડાઉનલોડ કરી શકો છો. આ જ શ્રેણીમાં આજે રજુ કરું છું, કાફકાની એક બીજી રૂપક-કથાનો અનુવાદ ‘શાહી સંદેશ’. મૂળ જર્મનમાંથી અંગ્રેજીમાં અનુવાદ વિલા અને ઍડવિન મ્યૂરે કર્યો છે. એનો ગુજરાતી અનુવાદ અહીં આપું છું.

અનુવાદની પ્રક્રિયા એવી છે કે મૂળ ભાવ અનુવાદમાં ખોવાઈ જાય. તેમાં પણ અનુવાદમાં એક માધ્યમ ભાષાને મૂળ ભાષા તરીકે ગણીને એને આપણી ભાષામાં ઉતારવાની હોય ત્યારે કેટલું બચતું હશે અને કેટલું ખોવાઈ જતું હશે તે કહી ન શકાય. સંતોષ એટલો જ છે કે પોલૅન્ડના કવિ અને અનુવાદક ઍડમ ઝ્દ્રેદોવ્સ્કી (Adam Zdrodowski) કવિતા વિશે કહે છે તેમ અનુવાદમાં અવતરિત થતાં પહેલાં કવિતાએ ખોવાઈ જવું પડે છે. (આ લેખ વાંચો). ગદ્યને પણ એ જ વાત લાગુ પડે છે. અહીં તો મૂળ કથાનક બે વાર ખોવાઈ ગયા પછી હાથ લાગ્યું છે. જે હોય તે, જેવું હોય તેવું, આગળ વાંચો.

શાહી સંદેશ

ફ્રાન્ઝ કાફકા

એક કથા છે; શહેનશાહે તમને એક સંદેશ મોકલ્યો છે. તમે – એક નાચીઝ પ્રજાજન, શાહી સૂરજની આગળ બહુ જ દૂરના ખૂણે પડતો એક ક્ષુલ્લક પડછાયો. શહેનશાહે મૃત્યુશય્યાએથી સંદેશ મોકલ્યો છે. માત્ર તમને જ. એણે કાસદને બોલાવીને એના પલંગ પાસે ઘૂંટણિયે બેસવા કહ્યું છે અને એના કાનમાં સંદેશ કહ્યો છે. શહેનશાહે કાસદ બરાબર સમજે એની એટલી બધી કાળજી લીધી કે એણે ફરી એ જ સંદેશ પોતાના કાનમાં કહેવા સંદેશવાહકને ફરમાન કર્યું. તે પછી માથું હલાવીને એણે સંકેત આપ્યો છે કે કાસદ બરાબર સમજ્યો છે. બધા શાહજાદાઓ શહેનશાહના મૃત્યુને જોવા પહોળી સીડીનાં ભવ્ય પગથિયાં ટોળે મળીને ઊભા છે. એમને નડતી બધી દીવાલો ધસી પડી છે. એકત્ર થયેલા આ દર્શકોની સામે જ શહેનશાહે પોતાનો સંદેશ આપ્યો છે.

કાસદ તરત જ સફરે નીકળી પડે છે. એ જરાય હામ હારે તેમ નથી. ભીડમંથી માર્ગ કાઢવા ક્યારેક જમણા હાથે, તો ક્યારેક ડાબા હાથે સૌને ધકેલતો એ આગળ વધે છે. એની છાતીને પણ ભીડનો અવરોધ સહન કરવો પડે છે પણ ત્યાં તો સૂરજનું ચિહ્ન ઝળાંહળાં છે એટલે એનું કામ સહેલું થઈ જાય છે. બીજા કોઈને માટે નીકળવું સહેલું નથી. પરંતુ અહીં તો માનવ મહેરામણ ઊમટ્યો છે, એનો આરો કે ઓવારો નથી. કાસદ ખુલ્લા મેદાનમાં પહોંચે તો તીવ્ર ગતિએ ઊડવા લાગે અને તમારા દરવાજે એની મુઠ્ઠીઓ ઠોકાવાનો તમને ગમતો અવાજ પેદા થાય…

તેને બદલે એ તો હજી મહેલની અંદરના ખંડોમાં જ છે અને એટલી મથામણ કરે છે કે એની શક્તિ હવે ઓસરવા લાગી છે. એ કદી સીડી સુધી પહોંચી નહીં શકે. અને પહોંચી જાય તો પણ શું? કંઈ વળવાનું નથી. એણે પછી સીડી પરથી નીચે ઊતરવાની મહેનત કરવી પડશે. એય પણ ધારો કે એ કરી લે, તોય શું? હજી તો એણે મહેલની અંદરના વચલા ખંડોની હરોળ પાર કરવાની રહેશે, ફરી એક સીડી, ફરી એક મહેલ. આવું જ ચાલ્યા કરશે, હજારો વર્ષ સુધી; અને છેલ્લે જો એ બહારના નાકામાંથી નીકળી શકે – એવું કદી નહીં થઈ શકે, કદી પણ નહીં – તો આખું પાટનગર વીંધીને એણે નીકળવાનું છે.

પાટનગર તો દુનિયાનું કેન્દ્ર છે. એમાં તો એનો પોતાનો જ કાંપ ખદબદે છે. ભલે ને, કોઈ મરણપથારીએ પડેલા માણસનો સંદેશ લાવતો હોય, અહીંથી તો કોઈ પોતાનો માર્ગ કાઢી જ ન શકે. પરંતુ તમે બારીમાં બહાર તાકતા બેઠા છો, સાંજ રાતમાં બદલતી જાય છે અને તમે પોતે જ એ સપનું જોવા લાગ્યા છો.

૦-૦-૦

ફ્રાન્ઝ કાફકાની દૃષ્ટાંત કથા પરથી સ્ટેફાની ડીન્કલબાખે નિર્દેશિત કરેલ ફિલ્મ : The Imperial Message:

%d bloggers like this: