In the Penal Colony (5) – A short story by Franz Kafka

ફ્રાન્ઝ કાફકા
મૂળ જર્મનમાંથી અંગ્રેજીમાં અનુવાદઃ વિલા અને ઍડવિન મ્યૂર

Franz Kafka - 1In the Penal Colony - an Opera by Philip Glass
કેદી અને સૈનિકને સમજાયું નહીં કે શું થાય છે. શરૂઆતમાં તો એ જોતાય નહોતા. રુમાલો પાછા મળ્યા તેથી કેદ્દી બહુ રાજી થઈ ગયો હતો પણ એને એ મઝા લાંબો વખત લેવા ન મળી. સૈનિકે ઓચિંતા જ એના હાથમાંથી રુમાલ ઝુંટવી લીધા અને પોતાના બેલ્ટની નીચે દબાવી દીધા. હવે ઝુંટવાનો વારો કેદીનો હતો પણ સૈનિક સાવધ હતો. આમ બન્ને વચ્ચે કુશ્તીનો નવો ખેલ શરૂ થઈ ગયો.

જ્યારે ઑફિસર તદ્દન નગ્ન થઈ ગયો ત્યારે એમનું ધ્યાન આકર્ષાયું. ખાસ કરીને કેદી તો કંઈ મોટું પરિવર્તન થાય છે એ વિચારથી જડ થઈ ગયો. એની સાથે જે થવાનું હતું, હવે એ ઑફિસર સાથે થવાનું હતું. કદાચ હવે અંત સુધી પણ પહોંચે. આ વિદેશી પ્રવાસીએ જ હુકમ આપ્યો હોવો જોઈએ. તો આ બદલો છે. જો કે એને અંત સહેવો પડ્યો નહોતો, પણ એનો બદલો અંત સુધી લેવાશે. એના ચહેરા પર એક વિસ્તૃત નીરવ મૌન રેલાયું અને એ બાકીના આખા વખત સુધી ત્યાં ટકી રહ્યું.

પરંતુ ઑફિસર મશીન તરફ ગયો. એ તો બહુ પહેલાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે એ મશીનને બરાબર સમજતો હતો, પણ હવે એ વિચારવું સ્તબ્ધ કરી દે તેવું હતું કે એ મશીન કેમ ચલાવશે અને મશીન એનો આદેશ કેમ માનશે. એણે માત્ર પોતાનો હાથ હળ સુધી પહોંચાડવાનો હતો, જેથી હળ ઊંચો થાય અને એની નીચે એ ગોઠવાઈ શકે એટલી જગ્યા કરી આપે. એણે ‘પથારી’ને માત્ર હાથ લગાડ્યો અને એ ધ્રૂજવા લાગી; ડૂચો એના મોઢા પાસે આવ્યો, પણ જોઈ શકાયું કે એને એ મોઢામાં લેવામાં ખંચકાટ થયો. ક્ષણવાર માટે એ અચકાયો પણ પછી એ નમ્ર બની ગયો અને મોઢામાં ડૂચો લઈ લીધો. બધું તૈયાર હતું, માત્ર પટ્ટા પથારીની બન્ને બાજુ લટકતા હતા, પણ એમની જરૂર નહોતી કારણ કે ઑફિસરને બાંધી રાખવાની જરૂર નહોતી. પછી કેદીએ લટકતા પટ્ટા જોયા. એનો અભિપ્રાય એવો હતો કે પટ્ટા બાંધ્યા વિના સજા પૂરેપૂરી આપી નહીં ગણાય. એણે સૈનિકનું ધ્યાન લટકતા પટ્ટા તરફ ખેંચ્યું અને બન્ને ઑફિસરના હાથ બાંધી દેવા પટ્ટા તરફ દોડ્યા. ઑફિસરે ‘કારીગર’ને શરૂ કરવા માટેનું લીવર ચલાવવા પોતાનો પગ લંબાવ્યો હતો, ત્યાં તો એણે આ બન્નેને આવતાં જોયા એટલે પગ પાછો ખેંચી લીધો અને પગ પર પટ્ટો બાંધવા દીધો. પણ હવે એ પોતે લીવર સુધી પહોંચી શકે તેમ નહોતો. કેદી કે સૈનિક, બેમાંથી કોઈને પણ લીવર મળતું નહોતું. પ્રવાસીએ આંગળી ન ચીંધવાનો દૃઢ નિર્ણય કર્યો હતો.

એની જરૂર નહોતી કારણ કે પટ્ટો બંધાતાં જ મશીન ચાલુ થઈ ગયું; પથારી ધ્રૂજવા લાગી, ઑફિસરની ચામડી પર સોય સરકવા લાગી, હળ ઊંચો થઈને એના શરીર પર અથડાવા લાગ્યો. પ્રવાસી ઘણી વાર સુધી તો એના તરફ તાકતો રહ્યો, પછી એને યાદ આવ્યું કે કારીગરમાંથી કિચુડ કિચુડ અવાજ આવવો જોઈતો હતો, પણ બધું બરાબર ચાલતું હતું. હળવી ગૂંજ પણ નહોતી સંભળાતી.

મશીન એવું શાંતિથી ચાલતું હતું કે એના પરથી ધ્યાન જ હટી જાય. પ્રવાસી સૈનિક અને કેદીનું અવલોકન કરવા લાગ્યો. કેદી બહુ જોશમાં હતો. મશીનનો દરેક ભાગ એને આકર્ષતો હતો, ઘડીકમાં એ નીચે વળીને જોતો હતો તો ઘડીકમાં એ પગની પાનીએ ઊંચો થઈને ગરદન ઘુમાવતો હતો. એની હાથની આંગળી સતત કોઈ વસ્તુ તરફ તકાયેલી રહેતી હતી અને એ સૈનિકને બારીકીઓ દેખાડતો હતો.

પ્રવાસી એ જોઈને અકળાયો. એણે અંત સુધી ત્યાં જ રહેવાનું મનમાં નક્કી કરી લીધું હતું પણ આ બે જણને એ સાંખી ન શક્યો. એણે કહ્યું, “તમે હવે ઘરે જાઓ.”

સૈનિક તો કદાચ જવા માટે તૈયાર થઈ ગયો હોત પણ કેદીને આ હુકમ સજા જેવો લાગ્યો. એણે બે હાથ જોડીને એને ત્યાં રહેવાની છૂટ આપવા આજીજી કરી. પ્રવાસીએ માથું હલાવીને ના પાડી તો પણ એ માનવા તૈયાર નહોતો અને ઘૂંટણિયે પડીને કાકલૂદી કરવા લાગ્યો. પ્રવાસીએ જોયું કે માત્ર હુકમ આપવાથી વળે તેમ નથી. એ એમની પાસે જઈને એમને હાંકી કાઢવા તૈયાર થઈ ગયો તે જ વખતે એણે ઉપર કારીગરમાં કંઈ અવાજ સાંભળ્યો. એણે ઉપર જોયું. કૉગવ્હીલ કંઈ તકલીફ તો નહીં આપે ને? પણ જે બનતું હતું તે કંઈક જુદું જ હતું. ધીમે ધીમે કારીગર ઊંચે ઊઠ્યો અને ‘ક્લિક’ અવાજ સાથે ખૂલી ગયો. કૉગવ્હીલના દાંતા દેખાયા અને ઊંચા થયા. થોડી જ વારમાં આખું વ્હીલ નજરે ચડ્યું. એવું લાગતું હતું કે એક જબ્બરદસ્ત તાકાત કારીગરને જાણે એ રીતે હચમચાવતી હતી કે વ્હીલ માટે જગ્યા ન રહે. વ્હીલ કારીગરની ધાર સુધી ઊંચે ગયું અને પછી એમાંથી બહાર નીકળીને રેતીમાં થોડું દદડીને પડી ગયું, પણ ત્યારે બીજું વ્હીલ પણ એની પાછળ નીકળી આવ્યું. તે પછી તો વ્હીલોની વણઝાર ચાલી અને દરેકની હાલત એ જ થઈ. દરેક વ્હીલ બહાર આવતું ત્યારે એમ જ લાગતું કે હવે તો કારીગર ખાલી થઈ ગયો હશે, પણ ફરી એક વ્હીલ એના તમામ બારીક સાંચાકામ સાથે બહાર આવતું, રેતીમાં દદડતું અને પછી શાંત થઈને ઢળી પડતું.

કૉગવ્હીલોની આ ઘટનાએ કેદીને એવો સંમોહનમાં લઈ લીધો હતો કે એ પ્રવાસીનો આદેશ ભૂલી ગયો હતો. એ દરેક વ્હીલને પકડવાની કોશિશ કરતો હતો અને તે સાથે સૈનિકને પણ મદદ માટે વિનંતિ કરતો જતો હતો, પણ દર વખતે એને પોતાનો હાથ પાછો ખેંચી લેવો પડતો હતો કારણ કે એક વ્હીલ પકડાય તે પહેલાં જ બીજું ધસી આવતું હતું. એના પહેલા ઉછાળથી જ એ ડરી જતો હતો.

બીજી બાજુ પ્રવાસી બહુ ચિંતામાં હતો. દેખીતી રીતે જ મશીનનો કડૂસલો થવાનો હતો. એ શાંતિથી કામ કરે છે એ તો માત્ર ભ્રમ હતો; હવે પ્રવાસીને મનમાં લાગવા માંડ્યું કે એણે ઑફિસરને ટેકો આપવો જોઈએ, કારણ કે ઑફિસર હવે પોતાની સંભાળ લઈ શકે તેમ નહોતો. પરંતુ કૉગવ્હીલોએ એનું ધ્યાન રોકી લીધું હતું અને મશીનના બીજા ભાગ કેમ ચાલે છે તે જોવાનું તો ભુલાઈ જ ગયું હતું. હવે કારીગરમાંથી છેલ્લું વ્હીલ પણ બહાર આવી જતાં એ હળને જોવા લાગ્યો અને તે સાથે એ નવા અને વધારે અણગમતા આશ્ચર્યમાં ડૂબી ગયો. હળ લખાણ કોતરતો નહોતો પણ શરીર ખોદતો હતો. પથારી પણ શરીરને પલટાવતી નહોતી, પણ સોયો તરફ ઉછાળતું હતું. પ્રવાસી, બની શકે તો, મશીનને રોકવા માગતો હતો, કારણ કે એ જે જાતનો જુલમ કરતું હતું એની તો ઑફિસરે ઇચ્છા પણ નહોતી કરી. આ તો વિશુદ્ધ કતલ હતી. એણે પોતાના હાથ લંબાવ્યા, પણ એ જ ક્ષણે હળ ઊંચો થયો, ઑફિસરનું શરીર એમાં ખૂંપી ગયું હતું. હળ પથારીની એક બાજુએ ખસી ગયો. આવું તો બારમા કલાકે થવું જોઈએ. લોહીના ફુવારા ઠેકઠેકાણેથી વછૂટતા હતા. એમાં પાણી પણ ભળતું નહોતું. પાણીના ફુવારા તો ચાલતા નહોતા. અને હવે છેલ્લું કામ પણ પાર ન પડ્યું. શરીર લાંબી સોયોમાંથી છૂટીને ખાડામાં ન પડ્યું. હળ ખાડા પર ઝળૂંબતો રહ્યો અને પછી પોતાની મૂળ જગ્યાએ જવા સરકવા લાગ્યો, પણ અટકી ગયો, જાણે એને સમજાઈ ગયું હોય કે હજી એનો ભાર હળવો નથી થયો. એ ખાડાની ઉપર જ રહી ગયો. છેવટે એ જ્યાં હતો ત્યાં જ ખાડાની ધારે જ નીચે અથડાયો.

“અરે, હીં આવો જલદી…મદદ કરો”, પ્રવાસીએ મોટેથી કેદી અને સૈનિકને સાદ પાડ્યો અને પોતે ઑફિસરના પગ પકડી લીધા. એ પગ પાસેથી ઠેલો મારવા માગતો હતો અને આ બે જણ એને માથા પાસેથી પકડે એવો એનો વિચાર હતો પણ પેલા બે નક્કી ન કરી શક્યા કે મદદ કરવી કે કેમ. કેદી તો ખરેખર ઉલટો ફરી ગયો. પ્રવાસીએ બન્નેની પાસે જઈને એમને ઑફિસરના માથા પાસે જવા ફરજ પાડી. અને હવે પ્રવાસીને અનિચ્છાએ જ લાશનો ચહેરો જોવો પડ્યો. એ જેવો જીવનમાં હતો તેવો જ મૃત્યુમાં પણ હતો. હોઠ સખત ભીડાયેલા હતા અને આંખો ખુલ્લી હતી. એમાં પણ એ જ ભાવ હતો, જે એના જીવતાં રહેતો હતો, નજર શાંત હતી અને એમાંથી એક જાતનો, પોતાની રીત સાચી હોવાનો વિશ્વાસ ડોકાતો હતો. લોખંડનો આરો એના કપાળમાં ખૂંપેલો હતો. મશીનમાં બીજાઓને જે દિવ્ય અહેસાસ મળ્યો હતો એ ઑફિસરના ચહેરા પર નહોતો.

૦-૦-૦

પ્રવાસી અને એની પાછળ સૈનિક અને કેદી વસાહતનાં પહેલાં ઘરોની હરોળ પાસે પહોંચ્યા ત્યારે સૈનિકે એક ઘર તરફ આંગળી ચીંધીને કહ્યું, “એ ટી-હાઉસ છે.” એ ઘરના ગ્રાઉંડ ફ્લોરમાં એક ગુફા જેવી ઊંડી જગ્યા હતી. એની દીવાલો અને છત ધુમાડાથી કાળાં પડી ગયાં હતાં.       ટી-હાઉસ એની આખી લંબાઈમાં રસ્તા તરફ ખૂલતું હતું. એ બીજાં ઘરો કરતાં જુદું નહોતું. છેક કમાન્ડન્ટના મહેલ જેવા રહેણાક સુધી બધાં જ જર્જર મકાનો હતાં, પ્રવાસીના મન પર એવી છપ પડી કે અહીં એક જૂની પરંપરા ધબકે છે. અને એણે ભૂતકાળની શક્તિનો અનુભવ કર્યો. એ ટી-હાઉસની નજીક ગયો. પાછળ જ સૈનિક અને કેદી પણ ચાલ્યા. ટી-હાઉસની સામેના રસ્તા પર ટેબલો મૂકેલાં હતાં, ત્યાં સુધી ત્રણેય જણ પહોંચ્યા. પ્રવાસીએ અંદરથી આવતી ઠંડી, ભારે હવા શ્વાસમાં લીધી. “એક વૃદ્ધને અહીં દફનાવ્યો છે. પાદરીએ ચર્ચમાં દફનાવવાની ના પાડી દીધી. કોઈને સમજાતું નહોતું કે ક્યાં દફનાવવો. અંતે અહીં એને દફનાવ્યો. ઑફિસરે તમને એ નહીં જ કહ્યું હોય, કારણ કે એને એ વાતની બહુ શરમ હતી. એણે ઘણી વાર કબર ખોદીને વૃદ્ધને બહાર કાઢવાની કોશિશ પણ કરી હતી પણ એને લોકોએ ભગાડી મૂક્યો હતો. પ્રવાસીએ પૂછ્યું, “કબર ક્યાં છે?” એને સૈનિકની વાતમાં વિશ્વાસ નહોતો બેસતો. સાંભળતાંવેંત સૈનિક અને કેદી એક જગ્યા તરફ હાથ લંબાવીને દોડ્યા, એમનું અનુમાન હતું કે કબર એ જગ્યાએ હોવી જોઈએ.

બન્ને પ્રવાસીને દીવાલની પાછળ લઈ ગયા. ત્યાં થોડા ગ્રાહકો ટેબલો પર ગોઠવાયા હતા. દેખીતી રીતે એ બધા ગોદી કામદારો હતા. મજબૂત બાંધાના અને ટૂંકી ચમકતી કાળી દાઢીવાળા. કોઈએ જાકિટ નહોતી પહેરી, બધાનાં શર્ટ ફાટેલાં હતાં. બધા જ ગરીબ ગાય જેવા. પ્રવાસી એમની પાસે આવતાં કેટલાક ઊભા થઈ ગયા, દીવાલની સાથે ચોંટી ગયા અને એને તાકવા લાગ્યા. “બહારનો છે,” એક સૂરસૂરિયું ચારે બાજુ ફેલાયું, “કબર જોવા માગે છે”. એમણે એક ટેબલ ખેસવ્યું એની નીચે ખરેખર જ કબરનો પથ્થર હતો. પથ્થર સાદો હતો. એનું લખાણ વાંચવા પ્રવાસીને ગોઠણભેર થવું પડ્યું. એના પર લખ્યું હતું, “અહીં વૃદ્ધ કમાન્ડન્ટ અહીં પોઢી ગયા છે. આ ઘરના એમના અનામ અનુયાયીઓએ અહીં એમની કબર ખોદીને આ પથ્થર મૂક્યો છે. એવી આગમવાણી છે કે અમુક વર્ષો પછી કમાન્ડન્ટ ફરી સજીવન થશે અને આ ઘરમાં રહેતા એમના અનુયાયીઓનું નેતૃત્વ સંભાળીને આ વસાહતને ફરી હાંસલ કરશે. વિશ્વાસ રાખો અને પ્રતીક્ષા કરો.”

પ્રવાસી આ વાંચીને ઊભો થયો ત્યારે એણે જોયું કે એને ઘેરીને લોકો ઊભા હતા. એમના ચહેરા પર હરખ હતો, જાણે એમણે પોતે પણ કબરના પથ્થરનું લખાણ વાંચી લીધું હોય, એમને એ હાસ્યાસ્પદ લાગ્યું હોય અને પ્રવાસી પણ એમની સાથે સંમત થશે એવી એમને આશા હોય. પ્રવાસીએ એમના તરફ ‘જોયું-ન જોયું’ કર્યું, એમને દરેકને થોડા સિક્કા આપ્યા, કબર પર ટેબલ પાછું ગોઠવાઈ જાય ત્યાં સુધી રાહ જોઈ, ટી-હાઉસની બહાર નીકળી ગયો અને બંદર તરફ પગ ઉપાડ્યા. સૈનિક અને કેદીને ટી-હાઉસમાં કોઈ ઓળખીતો મળી ગયો હતો, એણે એમને રોકી લીધા હતા, પરંતુ એ લોકોએ એમનાથી જલદી પીછો છોડાવી લીધો હશે કારણ કે હજી પ્રવાસી હોડીઓ સુધી પહોંચવાનાં અર્ધાં જ પગથિયાં ઊતર્યો હતો ત્યાં તો બન્ને હાંફતા હાંફતા પહોંચી આવ્યા. કદાચ બન્ને એમને પણ સાથે લઈ જવા છેલ્લી ઘડીએ ફરજ પાડવા માગતા હતા. એ હોડીવાળા સાથે સ્ટીમરમાં જવા માટે ભાવતાલ કરતો હતો ત્યારે એ બન્ને જણ ચૂપચાપ પગથિયાં ઊતરીને એની પાસે પહોંચી ગયા – કદાચ એમને હાકોટા કરવાની હિંમત ન થઈ. પણ છેલ્લે પગથિયે પહોંચ્યા એટલી વારમાં તો પ્રવાસી હોડીમાં બેસી ગયો હતો અને હોડી કાંઠો છોડવા લાગી હતી. બન્ને કૂદીને હોડીમાં ચડી ગયા હોત પણ પ્રવાસીએ હોડીને તળિયે પડેલું ગાંઠવાળું જાડું દોરડું એમની સામે ઉગામીને એમને ડરાવ્યા અને હોડીમાં કૂદી આવતાં એમને રોકી દીધા.

(સમાપ્ત)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: