ફ્રાન્ઝ કાફકા
મૂળ જર્મનમાંથી અંગ્રેજીમાં અનુવાદઃ વિલા અને ઍડવિન મ્યૂર
પ્રવાસીએ મનોમન વિચાર્યું: ”બીજાની વાતમાં બરાબર અસર થાય એમ દરમિયાનગીરી કરવી એ હંમેશાં બહુ મુશ્કેલ સવાલ રહ્યો છે. એ આ કાળા પાણીના ટાપુનો સભ્ય નહોતો કે એ ટાપુ જે દેશનો હતો તે રાજ્યનો નાગરિક પણ નહોતો. એ જો આ મૃત્યુદંડની ટીકા કરે અથવા એને રોકવાનો ખરેખર પ્રયાસ કરે તો એ લોકો એને કહી શકે કે “તું તો પરદેશી છે, તું તારું સંભાળ”, અને એની પાસે એનો કંઈ જવાબ પણ ન હોય, સિવાય કે એ એટલું ઉમેરે કે એને આ સંદર્ભમાં પોતાના વિશે જ નવાઈ લાગે છે કારણ કે એ અહીં માત્ર નિરીક્ષક તરીકે આવ્યો છે અને બીજી પ્રજાની ન્યાય આપવાની રીતમાં ફેરફાર કરવાનો એનો કોઈ ઇરાદો પણ નથી. આમ છતાં અહીં એને એવું કરવાની ઉત્કટ ઇચ્છા થઈ હતી. આખી કાર્યપદ્ધતિનો અન્યાય નકારી શકાય એવો નહોતો. કોઈ એમ ન કહી શકે કે આમાં એનો કંઈ સ્વાર્થ હતો, કારણ કે કેદી એના માટે તદ્દન અજાણ્યો હતો, એના દેશનો નહોતો અને એના માટે સહાનુભૂતિ પણ નહોતી. પ્રવાસી પોતે અહીં ઊંચા હોદ્દે બેઠેલાઓની ભલામણ લઈને આવ્યો હતો, અહીં એની સાથે બહુ જ સૌજન્યપૂર્વક વર્તન કરવામાં આવ્યું હતું અને એને આ સજા જોવા માટે આમંત્રણ મળ્યું હતું એ હકીકત પોતે જ દેખાડતી હતી કે એના વિચારોનું સ્વાગત થશે. અને એ વધારે શક્ય હતું કારણ કે એણે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં સાંભળ્યું હતું કે કમાન્ડન્ટ આ કાર્યપદ્ધતિ ટકાવી રાખવાની વિરુદ્ધ હતો અને ઑફિસર તરફ એનું વલણ દુશ્મન જેવું હતું.
એ જ વખતે પ્રવાસીએ ઑફિસરનો ક્રોધભર્યો અવાજ સાંભળ્યો. એણે હજી હમણાં જ મહામહેનતે કેદીના મોઢામાં ડૂચો ભરાવ્યો હતો પણ કેદીને ભયંકર મોળ ચડતાં આંખો મીંચી લઈને ઊલટી કરી નાખી. ઑફિસરે એને જલદી ડૂચા પાસેથી હટાવી લીધો અને એનું માથું ખાડાની ઉપર ગોઠવવાની કોશિશ કરી પણ એમાં મોડું થઈ ગયું હતું અને ઊલટી આખા મશીન પર રેલાઈ ગઈ હતી. “બધો વાંક પેલા કમાન્ડન્ટનો છે!“ ઑફિસરે આગળના પિત્તળના સળિયા પર કશા અર્થ વિના મોટેથી ગુસ્સો ઠાલવ્યો, “આખું મશીન ગાયભેંસની ગમાણ જેવું ગંધાય છે.” એણે ધ્રૂજતા હાથે પ્રવાસીને આખું દૃશ્ય દેખાડ્યું. “મેં કમાન્ડન્ટને સમજાવવામાં કલાકો કાઢ્યા છે કે સજા પહેલાં આખો દિવસ કેદીને ભૂખ્યો રાખવો જ જોઈએ. પણ અમારા નવા હળવા સિદ્ધાંતમાં તો એનાથી ઉલટું છે.” એ આગળ બોલ્યો. કમાન્ડન્ટની સ્ત્રીઓ માણસને સજા માટે લઈ જઈએ તે પહેલાં એને મીઠાઈઓ ખવડાવે છે. આખી જિંદગી તો એ ગંધાતી માછલી ખાઈને જીવ્યો હોય અને હવે મીઠાઈ ખાય! ચાલો, એમાં મને શું વાંધો હોય? પણ મને જે જોઈએ તે તો આપો! હું છેલ્લા ત્રણ મહિનાથી નવો ડૂચો માગું છું. મરતાં પહેલાં, કોણ જાણે, આ ડૂચો સેંકડો જણે મોઢામાં લીધો હશે અને મરતાં મરતાં એના પર બચકાં ભર્યાં હશે. ઊલટી ન થાય તો જ નવાઈ!
સજા પામેલો કેદી માથું ઢાળીને પડ્યો હતો, પણ ચહેરા પર શાંતિ હતી. સૈનિક એના શર્ટથી મશીન સાફ કરવાની મથામણમાં પડ્યો હતો. ઑફિસર પ્રવાસી તરફ આવ્યો. પ્રવાસી ઑફિસર આવે છે એવી જ કંઈક શંકામાં ઝડપથી આગળ જતો હતો, પણ ઑફિસરે પાછળથી એનો હાથ પકડી લીધો અને એને એક બાજુ લઈ ગયો. “મારે તમને ખાનગીમાં કંઈક કહેવું છે”, એ બોલ્યો, “કહી શકું?” “જરૂર, જરૂર” પ્રવાસીએ કહ્યું અને નજર ઢાળીને સાંભળવા લાગ્યો.
“સજાની આ પદ્ધતિ અને રીતની પ્રશંસા કરવાની તમને હમણાં તક મળી છે, પણ આ ટાપુમાં એને ઉઘાડેછોગ ટેકો આપનાર આજની ઘડીએ તો કોઈ નથી. હું એકલો એનો હિમાયતી છું અને તે સાથે જ જૂના કમાન્ડન્ટની પરંપરાનો પણ હું જ એકલો હિમાયતી છું. આ રીત હજી કેટલા વખત સુધી ચાલશે તે હું કહી શકું તેમ નથી, પણ અત્યારે તો મારી બધી શક્તિ જેમ છે તેમ ચલાવતા રહેવામાં રોકાયેલી છે. જૂના કમાન્ડન્ટની હયાતીમાં એમના અનુયાયીઓથી આ ટાપુ ભર્યો હતો. પોતાના મતમાં એમનો જે દૃઢ વિશ્વાસ હતો તે અમુક અંશે મારામાંય છે પણ એમના જેટલી શક્તિ નથી. પરિણામે આ રીતના સમર્થકો આજે નજરે ચડતા નથી. જો કે એવા ઘણા છે, પણ કોઈ કબૂલશે નહીં. તમે આજે, મૃત્યુદંડનો દિવસ છે ત્યારે, ટી-હાઉસમાં જશો અને ત્યાંની વાતો સાંભળશો તો તમને માત્ર અસ્પષ્ટ અભિપ્રાયો જ કદાચ સાંભળવા મળશે. આવા અભિપ્રાયો હજી પણ જે સજાની આ રીતના સમર્થક હશે તેમના જ હશે પણ અત્યારના કમાન્ડન્ટ અને એના અત્યારના સિદ્ધાંતને કારણે આવા અભિપ્રાયો મને બહુ કામ લાગે તેવા નથી. અને હવે હું તમને પૂછું છું: આ કમાન્ડન્ટ અને એના પર પ્રભાવ પાડનારી સ્ત્રીઓને કારણે” એણે મશીન તરફ હાથથી નિર્દેશ કરીને કહ્યું, “આવું શાનદાર મશીન, જિંદગીભરની મહેનતનું નજરાણું, રોળાઈ-વિલાઈ જશે? આવું થવા દેવું જોઈએ? ભલે ને કોઈ થોડા દિવસ માટે અજાણ્યા તરીકે અમારા ટાપુ પર આવ્યો હોય, તો પણ? હવે વખત બગાડવો પાલવે તેમ નથી. જજ તરીકે હું જે કામ કરું છું તેના પર હુમલો થવામાં હવે બહુ વાર નથી. કમાન્ડન્ટની ઑફિસમાં કૉન્ફરન્સો મળે છે અને મને બોલાવતા નથી; અરે, તમે આજે અહીં આવ્યા છો તે પણ મને તો કંઈક સૂચક પગલું લાગે છે; એ બધા કાયરો છે અને તમારો, પરદેશીનો એક અંચળા તરીકે ઉપયોગ કરે છે….
“પહેલાં કોઈને મૃત્યુદંડ આપવાનો હોય એ દિવસો તો… ક્યાં ગયા! મોતની સજાના એક દિવસ પહેલાં અહીં લોકો ઊભરાતા. બધા જોવા આવતા; વહેલી સવારે કમાન્ડન્ટ અને એમની સ્ત્રીઓ આવે અને આખો કૅમ્પ ધૂમધામથી ગાજી ઊઠે. હું રિપોર્ટ આપતો કે બધી તૈયારી પૂરી છે. ત્યાં જે એકઠા થયા હોય – કોઈ પણ મોટા અમલદારની શી મજાલ કે ગેરહાજર રહે? – બધા આ મશીનની ફરતે ગોઠવાઈ જાય; આ નેતરની ખુરશીઓ એ જમાનાની દુઃખદ યાદ જેવી પડી છે. દરેક નવા મૃત્યુદંડ વખતે મશીન આખું સાફ કરાતું અને એ ચમકી ઊઠતું; હું હંમેશાં નવા સ્પેર પાર્ટ્સ લઈ લેતો. સેંકડો લોકો પેલી ઊંચી ટેકરી છે, છેક ત્યાં સુધી પગની પાનીએ ઊંચા થઈને જોતા હોય…અને કમાન્ડન્ટ પોતે જ સજા પામેલા કેદીને હળની નીચે સુવાડે. આજે જે કામ સાધારણ સૈનિક પાસે ગયું છે તે પહેલાં મારું હતું. એ કામ તો ચુકાદો આપનાર જજનું – અને એ મારા માટે ગૌરવની વાત હતી. અને પછી સજા શરૂ થતી! મશીન પણ બરાબર ચાલતું; કોઈ જાતનો વિચિત્ર અવાજ ન કરતું. ઘણા તો જોતાય નહીં; બસ, આંખો બંધ કરીને રેતીમાં પડ્યા રહેતા; એ સૌને ખબર જ હોય કે શું થશે. હવે ન્યાયનો અમલ થાય છે. સાવ શાંતિમાં સજા પામેલા અપરાધીનો કણસાટ – મોઢામાં ભરેલા ડૂચાને કારણે રુંધાયેલો, – બસ તે સિવાય બીજો કોઈ અવાજ ન સાંભળો. હવે મશીન પણ ડૂચાથી રુંધાયેલા ઉંહકારાથી વધારે જોરદાર કોઈ બીજા અવાજથી પડઘાતું નથી. એ દિવસોમાં લેખન માટેની સોયમાંથી ઍસિડવાળું પ્રવાહી ટપકતું પણ હવે એની છૂટ નથી. અને પછી છઠ્ઠો કલાક આવતો! ત્યારે નજીકથી જોવા માટે તો પડાપડી થતી. કોને છૂટ આપવી અને કોને નહીં? બહુ અઘરું થઈ પડતું. જો કે કમાન્ડન્ટ સમજદાર હતા અને એમણે હુકમ આપ્યો હતો કે એ જોવામાં બાળકોને પહેલી પસંદગી આપવી. મને તો મારા હોદ્દાને કારણે સૌથી નજીક રહેવાનો અધિકાર હતો જ. ઘણી વાર મારા હાથમાં કોઈ નાનું બાળક પણ રહેતું. અપરાધીના ચહેરા પર આવતું ઈશ્વરીય પરિવર્તન જોઈને એના પરથી નજર ન હટાવી શકાતી. એ ન્યાયના આભામંડળની છાલક અમારા ગાલોને પણ અલપઝલપ તેજોમય બનાવીને અલોપ થઈ જતી. સાહેબ, શું હતા એ દિવસો!”
દેખીતી રીતે જ ઑફિસર ભૂલી ગયો હતો કે એ કોની સાથે વાત કરતો હતો. એ પ્રવાસીને ભેટી પડ્યો હતો અને માથું એના ખભા પર ઢાળી દીધું હતું. પ્રવાસી અમૂંઝણમાં સપડાયો. એણે અધીરાઈથી ઑફિસરના માથા ઉપરથી આગળ નજર નાખી. સૈનિકે મશીનની સાફસૂફી કરી લીધી હતી અને હવે એક વાસણમાંથી બેઝિનમાં ભાતનો રગડો નાખતો હતો. હવે કેદી પણ તદ્દન સામાન્ય થઈ ગયો હોય એવું લાગતું હતું એણે સૈનિકને ભાતનો રગડો બેઝિનમાં નાખતો જોયો કે તરત એ જીભ કાઢીને ત્યાં સુધી પહોંચવા મથતો રહ્યો પણ દર વખતે સૈનિક એને દૂર હડસેલતો રહ્યો. દેખીતું હતું કે ભાતનો રગડો એ પછીના કલાકોમાં આપવાનો હતો. તેમ છતાં સૈનિક પોતે પોતાના ગંદા હાથ બેઝિનમાં નાખીને એક ભૂખ્યા માણસની નજર સામે ખાતો જતો હતો એ જરાય બરાબર નહોતું.
ઑફિસર તરત સાવધાન થઈ ગયો. “હું તમને અકળાવવા નહોતો માગતો,” એણે કહ્યું, “મને એય ખબર છે કે એ દિવસોની વાતો ને આજે વિશ્વાસપાત્ર બનાવી શકાય તેમ પણ નથી.. ગમે તેમ, મશીન હજી કામ કરે છે અને સારીએવી અસર પણ કરે છે. અને આ ખીણમાં એકલું જ હોવા છતાં એ સારીએવી અસર કરે છે. આજે પણ લાશો માની ન શકાય તેમ હિલ્લોળા લેતી સૌમ્ય ગતિથી છેવટે ખાડામાં જ પડે છે, જો કે એ જોવા માટે પહેલાં તો બણબણતી માખીઓની જેમ સેંકડોની ભીડ જામતી તેવું હવે નથી થતું. પહેલાં તો અમારે ખાડાની ફરતે મજબૂત વાડ ઊભી કરવી પડી હતી, હવે એ તોડી નાખી છે.”
પ્રવાસી ઑફિસર પરથી પોતાની નજર હટાવવા માગતો હતો. એ આમતેમ જોવા લાગ્યો. ઑફિસરને થયું કે ખીણ કેટલી વેરાન છે તેનું પ્રવાસી નિરીક્ષણ કરતો હતો. એણે એનો હાથ પકડીને પોતાની તરફ ફેરવીને પૂછ્યું, “તમે સમજી શકો છો કે આ કેવી શરમજનક સ્થિતિ છે?”
પણ પ્રવાસીએ કંઈ જવાબ ન આપ્યો.
ઑફિસરે થોડી વાર માટે એને એકલો રહેવા દીધો. એ પગ પહોળા કરીને, થાપા પર હાથ ટેકવીને નીચે જોતો ઊભો રહ્યો. પછી પ્રવાસીને પ્રોત્સાહિત કરતો હોય તેમ એણે સ્મિત કર્યું, “ગઈકાલે કમાન્ડન્ટે તમને આમંત્રણ આપ્યું ત્યારે હું સાવ જ તમારી પાસે જ હતો. મેં સાંભળ્યું હતું. હું તરત સમજી ગયો કે એ શું કરવા માગતો હતો. એની પાસે એટલી સત્તા છે કે એ મારી વિરુદ્ધ પગલું ભરી શકે, પણ હજી એની હિંમત નથી પડતી. પરંતુ તમારો ચુકાદો એ મારી વિરુદ્ધ વાપરશે…તમે તો પ્રખ્યાત વિદેશી છો. એણે બરાબર સમજીને બધો હિસાબ માંડ્યો છે. આટાપુ પર આ તમારો બીજો જ દિવસ છે, તમે જૂના કમાન્ડન્ટને કે એની કામ કરવાની રીત વિશે જાણતા નથી, તમે યુરોપમાં જે રીતે બધા વિચારે છે તે જ રીતે વિચારવા ટેવાયેલા છો, કદાચ તમે મૃત્યુદંડથી જ સમૂળગા વિરુદ્ધ પણ હશો., એટલે મોતના આવા મશીનથી તો વિરુદ્ધ હોઈ જ શકો છો. વળી તમે જોશો કે મૃત્યુદંડને લોકોનો બહુ ટેકો પણ નથી. કમકમાં છૂટે એવી એની રીત છે, મશીન પણ થોડું જૂનું અને ઘસાયેલું છે, આ બધું ધ્યાનમાં લઈએ તો શું એ શક્ય નથી કે તમે મારી રીતને નામંજૂર કરી દો? અને તમે નામંજૂર કરશો તો છૂપું પણ નહીં રાખો (અને હજી તો કમાન્ડન્ટ શું વિચારતો હશે તેના પ્રમાણે બોલું છું), કારણ કે તમે એ જાતના માણસ છો જેને પોતાનાં અંતિમ તારણોમાં બહુ જ વિશ્વાસ હોય. હા, તમે ઘણાયની ખાસિયતો જોઈ છે અને એને સહેતાં શીખ્યા છો. એટલે તમે અમારી રીત સામે બહુ કડક વલણ લો એવું તો શક્ય નથી; તમારા દેશમાં તમે એવું કરત. પણ કમાન્ડન્ટને એની જરૂર નથી. તમારા મોઢામાંથી કંઈક બેધ્યાનપણે પણ નીકળી જાય તેય એના માટે ઘણું છે. તમારા શબ્દો તમારા બધા વિચારોને પણ પ્રગટ કરે છે કે કેમ, તેની પણ જરૂર નથી, તો પણ તમારા શબ્દો એનો હેતુ બર લાવવામાં ખપ લાગશે. એ આડકતરી રીતે છુપા સંદેશવાળા પ્રશ્નો પૂછીને અમુક જવાબ કઢાવવાની કોશિશ પણ કરશે, એની મને તો ખાતરી છે. એની સ્ત્રીઓ તમને ઘેરીને બેઠી હશે અને કાન સરવા કરીને સાંભળશે; તમે કદાચ આવું બોલોઃ ‘અમારા દેશમાં અપરાધ સંબંધી કાર્યવાહી જુદી રીતે થાય છે’ અથવા તો ‘અમારા દેશમાં સજા કરતાં પહેલાં કેદીની પૂછપરછ થાય છે’ અથવા તો ‘અમારે ત્યાં મધ્યયુગ પછી કેદી પર અત્યાચાર ગુજારવાનું બંધ છે’ – આ બધાં કથનો સાવ સાચાં છે અને તમારા માટે તો સ્વાભાવિક પણ છે. મારી રીત સારી કે ખરાબ, એવું તમે કહેતા જ નથી, બધાં નિર્દોષ કથનો છે. પણ કમાન્ડન્ટ એના પરથી શું વિચારશે? હું એને જોઈ શકું છું, અમારા માનવંતા કમાન્ડન્ટ સાહેબ તરત પોતાની ખુરશી પાછળ હડસેલશે અને બાલ્કનીમાં દોડી જશે અને પાછળ એની સ્ત્રીઓને પણ ભાગતી જોઈ શકું છું. મને એનો અવાજ સંભળાય છે – આ સ્ત્રીઓ એને ગર્જના કહે છે – એ આમ બોલે છે: ‘પશ્ચિમના એક જાણીતા સંશોધકને બધા દેશોની ગુનાઓની સજાની રીતોનો અભ્યાસ કરવા મોકલાયા છે અને એમણે હમણાં જ કહ્યું છે કે આપણી ન્યાયની જૂની રીત અમાનુષી છે. આવી મહાન વ્યક્તિનો આ ફેંસલો આવ્યા પછી આ જૂની રીતો ચાલુ રાખવાનો વિચાર પણ મારા માટે અશક્ય છે. એટલે હું આજથી જ આદેશ આપું છું કે…’ વગેરે વગેરે. તમે કદાચ વચ્ચેથી બોલવાની કોશિશ કરશો કે તમે એવું કંઈ કહ્યું નથી, તમે મારી રીતને અમાનવીય નથી ગણાવી, ઉલટું, આ જબ્બરદસ્ત અનુભવ પછી તમને લાગે છે કે આ સૌથી માનવીય રીત છે, એમાં માનવીય ગરિમા સચવાય છે, અને તમે આ મશીનના પ્રશંસક બની ગયા છો – પણ એ વખતે તો બહુ મોડું થઈ ગયું હશે, તમે બાલ્કની સુધી પણ પહોંચી નહીં શકો, કારણ કે બાલ્કનીમાં તો સ્ત્રીઓની ભીડ જામી હશે. તમે પોતાના તરફ ધ્યાન ખેંચવાની કોશિશ કરશો, બૂમ પાડવા ઇચ્છશો પણ એક સ્ત્રી આવીને તમારા મોઢે હાથ રાખી દેશે…અને મારો – અને જૂના કમાન્ડન્ટના કામનો – અંત આવી જશે.”
પ્રવાસીએ ચહેરા પર આવતા સ્મિતને દબાવી દીધું. જે કામ એને બહુ જ અઘરું લાગતું હતું તે તો બહુ સહેલું નીકળ્યું. એણે ટાળવાની રીતે જવાબ આપ્યોઃ” તમે મારી અસરને બહુ ઊંચી આંકો છો, કમાન્ડન્ટે મારા માટેના ભલામણપત્રો વાંચ્યા છે, એ જાણે છે કે હું અપરાધ વિશેની કાર્યપદ્ધતિનો નિષ્ણાત નથી. મારે કંઈ અભિપ્રાય આપવાનો હશે તો એ અંગત વ્યક્તિ તરીકે જ હશે. એની કિંમત કોઈ પણ સામાન્ય માણસના અભિપ્રાય કરતાં વધારે નહીં હોય. અને કમાન્ડન્ટના પોતાના અભિપ્રાય કરતાં તો એ વધારે મહત્ત્વનો નહીં જ હોય. હું સમજું છું ત્યાં સુધી કે કમાન્ડન્ટને આ કાળા પાણીના ટાપુ પર ઘણી સત્તાઓ છે. એનું વલણ તમે માનો છો તેમ તમારી ન્યાયપદ્ધતિની વિરુદ્ધ હશે તો એનો અંત નજીકમાં જ છે અને તે પણ એમાં મારો કોઈ જાતનો નમ્ર ફાળો હોય કે ન હોય.”
ઑફિસરને આખરે કંઈ સમજાયું? ના, એ હજી પણ ન સમજ્યો. એણે જોરથી માથું ધુણાવ્યું, કેદી અને સૈનિક પર અછડતી નજર નાખી. એ બન્ને ભાતના રગડા પાસેથી હટી ગયા. ઑફિસર પ્રવાસી પાસે આવ્યો પણ એની સામે જોયા વિના જ, પોતાના જ કોટ પર ક્યાંક નજર ટકાવીને ધીમા અવાજે બોલ્યો., “ તમે હજી કમાન્ડન્ટને જાણતા નથી. તમે પોતાને – માફ કરજો, મારો શબ્દ બરાબર ન લાગે તો – અમને સૌને લાગેવળગે છે ત્યાં સુધી પોતાને વિદેશી માનો છો; તેમ છતાં, તમારી અસરનો મેં કરેલો અંદાજ ખરેખર વધારેપડતો નથી. મેં જ્યારે સાંભળ્યું કે તમે એકલા જ મૃત્યુદંડ અપાતો હશે એ વખતે હાજર હશો ત્યારે મને ખરેખર આનંદ થયો. કમાન્ડન્ટે આ વ્યવસ્થા મારા પર હુમલો કરવા માટે કરી, પણ હું એને મારા લાભમાં ફેરવી નાખીશ. આ મૃત્યુદંડ વખતે લોકોની ભીડ હોત તો કાનભંભેરણીઓ અને નફરતભરી નજરોથી બચી શકાયું નહોત, પણ એવું કંઈ છે નહીં કે ધ્યાન બીજે વળી જાય. આ સ્થિતિમાં તમે મારો ખુલાસો સાંભળ્યો છે, મશીન જોયું છે અને હવે મોતની સજા શી રીતે અપાય છે તે પણ જોવાના છો. તમે આ બાબતમાં તમારો મત બાંધી લીધો છે એમાં પણ કંઈ શંકા નથી. હજી કંઈ એમાં કચાશ હશે તો મૃત્યુદંડની કાર્યવાહી જોશો એટલે એ પણ દૂર થઈ જશે. અને હવે હું તમને આ વિનંતિ કરું છું; મને કમાન્ડન્ટની સામે મદદ કરો!”
(ક્રમશઃ… …હપ્તો ચોથો … તારીખ ૩ ડીસેમ્બર, ૨૦૧૫ના રોજ)
++ એક પૂર્ણ શ્રાવ્ય પુસ્તકનાં સ્વરૂપે ++