In the Penal Colony (2) – A short story by Franz Kafka

ફ્રાન્ઝ કાફકા
મૂળ જર્મનમાંથી અંગ્રેજીમાં અનુવાદઃ વિલા અને ઍડવિન મ્યૂર

Franz Kafka - 4In the Penal Colony - Franz Kafka - It's a wonderful machine“તમે ઇચ્છો છો ને, કે તમને હું કેસ સમજાવું? કેસ બહુ સીધો છે, બધા જ કેસો જેવો. એક કૅપ્ટને આજે સવારે મારી પાસે ફરિયાદ કરી કે આ માણસ ડ્યૂટી પર સૂઈ ગયો હતો. એને કૅપ્ટનની સેવામાં મૂક્યો છે અને એના દરવાજા પાસે એણે સૂવાનું હોય છે. હવે, એની ડ્યૂટી એ છે કે, દર કલાકના ટકોરા થાય ત્યારે એણે ઊભા થઈને કૅપ્ટનના દરવાજાને સલામ કરવાની હોય છે. તમે સમજો છો ને? આ ડ્યૂટી કંઈ આકરી નથી, તેમ છતાં બહુ જરૂરી છે કારણ કે એ ચોકીદાર પણ છે અને નોકર પણ; અને એણે બેઉ કામ તકેદારીથી કરવાનાં છે. ગઈ રાતે કૅપ્ટન જોવા ગયો કે એ ડ્યૂટી કરે છે કે નહીં. રાતે બેના ટકોરા થયા ત્યારે એણે દરવાજો ઉઘાડ્યો તો આ માણસ ટૂંટિયું વાળીને પડ્યો હતો. એણે પોતાની ઘોડેસવારીની ચાબૂક લીધી અને એના મોઢા પર ફટકારી. આ માણસે ઊઠીને એની માફી માગવી જોઈતી હતી, તેને બદલે એણે કેપ્ટનના પગ પકડીને એને હચમચાવ્યો અને ચીસ પાડીને બોલ્યો, ‘ફેંકી દે તારી ચાબૂક, નહીંતર હું તને કાચો જ ખાઈ જઈશ.’ આ જ તો પુરાવો છે.”

“કૅપ્ટન કલાકેક પહેલાં મારી પાસે આવ્યો હતો. મેં એનું નિવેદન નોંધી લીધું અને સાથે સજા જોડી દીધી. તે પછી આ માણસને મેં બેડી-ડસકલાં પહેરાવવાનો હુકમ કર્યો. બસ, આવો સીધોસટ કેસ છે. મેં જો આ માણસને બોલાવ્યો હોત અને પૂછપરછ કરી હોત તો ગૂંચવાડો જ વધ્યો હોત. એણે જૂઠાણાં હાંક્યાં હોત અને હું જેમ એનું દરેક જૂઠાણું ખુલ્લું પાડતો જાઉં તેમ એ વળી નવાં જૂઠાણાં ઉમેરાતો જાત. આમ જ ચાલ્યા કરત. હવે તો એ મારા કબજામાં છે અને હું એને જવા નહીં દઉં… સમજાઈ ગઈ ને આખી વાત? પણ આપણે ઘણો સમય બગાડીએ છીએ, અત્યારે મોતની સજાની પ્રક્રિયા શરૂ થઈ જવી જોઈતી હતી, ને મેં હજી તમને મશીન વિશે પૂરું સમજાવ્યુંયે નથી. એણે પ્રવાસીને પરાણે ખુરશીમાં બેસાડી દીધો અને બોલવાનું શરૂ કર્યું.

“આ જોયું ને? હળનો આકાર માણસના શરીરના આકાર જેવો છે; આ હળ માણસના ધડ માટે છે અને આ એના પગ માટે. માથા માટે એક નાનો ખીલો જ છે. સમજાય છે ને?” ઑફિસર બહુ પ્રેમથી પ્રવાસી તરફ નમ્યો; એને રજેરજ બધું સમજાવી દેવાની તાલાવેલી હતી.

પ્રવાસીએ હળ પર નજર નાખી ત્યારે એનાં ભવાં સંકોચાયાં. ન્યાય આપવાની પ્રક્રિયાના ખુલાસાથી એને સંતોષ નહોતો થયો. એણે પોતાને યાદ અપાવ્યું કે આ તો કાળા પાણીનો ટાપુ છે. એમાં અસાધારણ ઉપાયોની જરૂર પડે અને મિલિટરીની શિસ્ત એની તમામ બારીકાઈઓ સાથે લાગુ થવી જોઈએ. એને એમ પણ લાગ્યું કે નવો કમાન્ડન્ટ કંઈ કરશે એવી આશા પણ રાખી શકાય; એને કંઈક ફેરફાર કરવાની ઇચ્છા હોય એમ પણ લાગે છે, ભલે ને, ફેરફારો ધીમે ધીમે થાય. એ નવી જાતની કાર્યવાહી હશે જે આ ઑફિસરના સાંકડા મનમાં ન જ સમાય. આવા વિચારોના પરિણામે એણે એક સવાલ પૂછી નાખ્યો.

“કમાન્ડન્ટ આ સજા વખતે હાજર રહેશે?”

આવા સીધા સવાલથી અકળાયો હોય તેમ ઑફિસર બોલ્યો, “નક્કી નથી. એટલે જ આપણે સમય વેડફવો નથી. અને મને ગમતું તો નથી, તો પણ મારે આખું વિવરણ ટૂંકમાં જ પતાવવું પડશે. જો કે આવતીકાલે મશીન સાફ થઈ જશે ત્યારે – એની સૌથી મોટી ઉણપ એ છે કે એ બહુ ગંદું થઈ જાય છે – હું બધી વિગતો ફરી કહીશ. અત્યારે તો માત્ર અગત્યના મુદ્દા કહી દઉં. માણસ અહીં સૂએ ત્યારે પથારી ધ્રૂજવા લાગે છે. એ વખતે હળને એના શરીર પર ગોઠવી દેવાય છે. એનું નિયંત્રણ આપમેળે જ એવી રીતે થાય છે કે સોય માંડ જરાતરા એના શરીરને અડકે. એ ચામડીને અડકે કે તરત સ્ટીલની રિબન સખત પટ્ટી બની જાય છે અને તે પછી કામ શરૂ થાય છે. જે માણસ કંઈ ન જાણતો હોય તે જોતો હોય તો એને એક સજા અને બીજી સજા વચ્ચે કંઈ ફેર ન દેખાય. હળ એકધારી નિયમિતતાથી કામ કરતો જણાશે. એ ધ્રૂજે અને તે સાથે એની સોય શરીરમાં ભોંકાય. પથારી હાલતી હોવાથી માણસ પોતે તો ધ્રૂજતો જ હોય. સજા કેટલી આગળ વધી તે બરાબર જોઈ શકાય તે માટે હળ કાચનો બનાવેલો છે. કાચમાં સોય કેમ લગાડવી એ ટેકનિકલ સવાલ સૌ પહેલાં જ સામે આવ્યો હતો પણ અમે અખતરા કરતા રહ્યા અને અંતે સફળ થયા. એવું છે ને, અમને કોઈ પણ તકલીફ બહુ મોટી નહોતી લાગતી. અને હવે તો કોઈ પણ આ કાચમાંથી જોઈ શકે છે કે શરીર પર શું લખાય છે. જરા પાસે આવીને જૂઓ ને, આ સોયો.”

પ્રવાસી ધીમે ધીમે ઊભો થયો, મશીન સુધી પહોંચીને હળ તરફ લળીને જોવા લાગ્યો. “તમે સમજ્યા ને,” ઑફિસરે કહ્યું, “સોયો બે જાતની છે અને જુદ્દી જુદી રીતે ગોઠવી છે. દરેક લાંબી સોયની સાથે એક નાની સોય પણ છે. નાની સોય પાણી છોડે છે, જેથી લોહી સાફ થતું જાય અને શરીર પરનું લખાણ ચોખ્ખું વંચાય. લોહી અને પાણી આ નળીઓ મારફતે મુખ્ય નળીમાં જાય છે ત્યાંથી એ આ બીજા પાઇપમાં થઈને ખાડામાં જાય છે.” ઑફિસરે આંગળીથી લોહી અને પાણીનો રસ્તો પણ દેખાડ્યો. પછી આખી તસવીરને વધારે સચોટ બનાવવી હોય તેમ એણે ખાડામાં જતા પાઇપ નીચે ખોબો ધર્યો, જાણે એ પ્રવાહી ઝીલી લેવાનો હોય.

એ વખતે પ્રવાસી પાછળ ખસી ગયો અને હાથથી ઑફિસરની પીઠને અડકીને એણે સંકેત આપ્યો કે એ પાછો જાય છે. પણ એણે જોયું કે કેદી પણ ઑફિસરના હુકમને માનીને હળને નજીકથી જોવા માટે વાંકો વળ્યો હતો. એણે સાંકળથી જોડાયેલા નિંદરાતા સૈનિકને પણ ખેંચી લીધો હતો. પ્રવાસી આ જોઈને કાંપી ઊઠ્યો. કેદીની આંખોમાંથી અનિશ્ચિતતા ટપકતી હતી કે આ બે જણ શું કરે છે. પણ ઑફિસરે કરેલું વર્ણન એને જરાય સમજાયું નહોતું. એટલે એ ઘડીક અહીં તો ઘડીક ત્યાં નજર ઘુમાવતો હતો. એની આંખો કાચ પર ફરતી હતી. પ્રવાસી એને પાછળ હડસેલી દેવા માગતો હતો પણ ઑફિસરે એક હાથથી પ્રવાસીને મક્કમતાથી રોકી લીધો અને બીજા હાથની મુઠ્ઠીમાં ધૂળ લઈને ઊંઘરેટિયા સૈનિક તરફ ફેંકી. સૈનિકે સફાળા આંખો ખોલી નાખી અને જોયું કે અપરાધી શું કરતો હતો. એણે હાથમાંથી રાઇફલ સરકી જવા દીધી, જમીનમાં એડીઓ જોરથી ભરાવીને કેદીને પાછળ તરફ ખેંચ્યો. કેદી લથડિયું ખાઈને પડી ગયો. સૈનિક એના તરફ નીચે વળીને જોવા લાગ્યો. કેદી ઊભા થવા માટે પોતાનાં બેડી-ડસકલાં અને સાંકળ સાથે મથામણ કરવા લાગ્યો. ઑફિસર સૈનિક તરફ જોઈને બરાડ્યો, “એને ઊભો કર.” કારણ કે એણે જોયું કે પ્રવાસીનું ધ્યાન કેદી પર ચોંટી ગયું હતું. ખરું કહો તો, કેદીનું શું થાય છે તે જોવામાં એ એટલો મશગૂલ હતો કે એનું ધ્યાન પણ નહોતું કે એ કાચના હળની વચ્ચેથી માથું ઘુસાડીને જોતો હતો, “એનાથી ચેતજો…” ઑફિસરે ફરી ઘાંટો પાડ્યો. એ પોતે જ મશીનની બીજી બાજુ ગયો અને બગલની નીચે હાથ નાખીને કેદીને ઊંચક્યો. એના પગ લપસી જતા હતા એટલે એણે સૈનિકની મદદથી બરાબર ઊભો રાખ્યો.

“હવે મને બધી ખબર પડી ગઈ”, ઑફિસર એની પાસે પાછો આવ્યો ત્યારે પ્રવાસી બોલ્યો.
ઑફિસરે પ્રવાસીનું બાવડું ઝાલીને કહ્યું, “પણ એક મહત્ત્વની વાત હજી નથી જાણતા.” ઑફિસરે ઉપર આંગળી ચીંધીને કહ્યું,” કારીગરમાં હળને ધાર્યા પ્રમાણે ચલાવવા માટે કૉગ-વ્હીલ્સ ગોઠવ્યાં છે. કેદીના શરીર પર સજા તરીકે શું લખાણ લખવું છે તે જોઈને હળને કેમ ચલાવવો તે નક્કી થાય છે. એના નક્શા જૂના કમાન્ડન્ટે બનાવ્યા હતા તે હું હજી પણ ઉપયોગમાં લઉં છું. જૂઓ, આ રહ્યા એ નક્શા.” એણે ચામડાના પાકિટમાંથી થોડાં પાનાં કાઢ્યાં. “પણ માફ કરજો, હું તમને હાથમાં તો નહીં આપી શકું, એ મારો અમૂલ્ય ખજાનો છે. તમે બેસો, હું તમારી સામે આ કાગળો ખોલીશ, આ…મ. તે પછી તમને બધું સ્પષ્ટ સમજાઈ જશે.” એણે પહેલો કાગળ પ્રવાસીની સામે ફેલાવ્યો. પ્રવાસીને થયું કે કંઈક વખાણના શબ્દો બોલવા જોઈએ પણ એને માત્ર એકબીજીને કાપતી રેખાઓ જ દેખાતી હતી. રેખાઓ આખા કાગળ પર એવી નજીકથી દોરાયેલી હતી કે બે રેખા વચ્ચે ખાલી જગ્યા શોધવાનું કામ અઘરું હતું.

ઑફિસરે કહ્યું, “આ વાંચો”

પ્રવાસીએ કહ્યું, “હું તો વાંચી શકતો નથી”.

ઑફિસરે કહ્યું, “પણ બહુ સ્પષ્ટ છે”.

“હા, પણ યુક્તિથી લખેલું છે” પ્રવાસી વાત ટાળવા માગતો હોય એવા સ્વરમાં બોલ્યો, “હું તો ઉકેલી શકતો નથી.”

“સાચું કહ્યું” ઑફિસરે હસતાં હસતાં કહ્યું. પછી કાગળને આઘો ખસેડતાં બોલ્યો, ”આ કંઈ નિશાળિયાં બાળકો માટેનું સુલેખન નથી. એને ધ્યાનથી સમજવાની જરૂર પડે તેમ છે અને મને ખાતરી છે કે અંતે તો તમે પણ એ સમજી જશો. એ ખરું કે એની લિપિ પણ સાદી તો હોઈ જ ન શકે; આ મશીનનો હેતુ માણસને સીધો જ મારી નાખવાનો નથી, પણ થોડા સમયના ગાળા પછી; સરેરાશ બાર કલાકે, કારણ કે એનો મહત્ત્વનો વળાંક છઠ્ઠા કલાકે આવે છે. એટલે મૂળ લખાણની આસપાસ કેટલીયે આંટીઘૂંટીઓ હોય તે સ્વાભાવિક છે. મૂળ લખાણ તો શરીરની ફરતે બહુ સાંકડા ઘેરાવામાં લખાય છે, બાકીનું આખું શરીર તો સુશોભન માટે છે. હળ અને આખું મશીન કેમ કામ કરે છે તે હવે તમે સમજી શક્યા?…જૂઓ આમ!” એ સીડી તરફ ભાગ્યો, એક વ્હીલ ઘુમાવ્યું અને મશીનના બધા ભાગો ચાલુ થઈ ગયા. વ્હીલનો અવાજ ન થતો હોત તો અદ્ભુત કામ કહેવાત. વ્હીલના અવાજથી નવાઈ લાગી હોય તેમ ઑફિસરે એની સામે મુક્કો ઉગામ્યો, પછી માફી માગવાની મુદ્રામાં પ્રવાસી તરફ હાથ લંબાવ્યો અને મશીનના નીચેના ભાગ કેમ ચાલે છે તે જોવા માટે સડસડાટ નીચે ઊતરી આવ્યો. બીજા કોઈને ધ્યાનમાં ન આવે પણ એને એકલાને જ સમજાય એવું કંઈક હજી બરાબર કામ નહોતું કરતું. એ ફરી ઉપર ચડ્યો. કારીગરની અંદર બન્ને હાથ નાખીને કંઈક કર્યું, પછી જલદી નીચે આવવા માટે સીડીને બદલે એક સળિયા પરથી નીચે સરકીને પ્રવાસીની પાસે આવ્યો. બધા ઘોંઘાટ વચ્ચે પોતાનો અવાજ સંભળાય તે માટે એ પ્રવાસીના કાન પાસે આવીને જોરથી બોલ્યો, “તમે સમજી શક્યા? હળે લખવાની શરૂઆત કરી દીધી છે. લખાણનો પહેલો મુસદ્દો લખાઈ જશે એટલે રૂનું પાથરણું વીંટાવા માંડશે અને ધીમે ધીમે કેદીના શરીરને સીધું કરી દેશે, જેથી હળને લખવા માટે નવી જગ્યા મળી જાય. દરમિયાન લખાયેલો ભાગ રૂના પાથરણા પર હશે, આ રૂ ખાસ રીતે બનાવ્યું છે કે એનાથી લોહી જામી જાય. એટલે લખાણને વધારે ઊંડું ઉતારવા માટે શરીર તૈયાર થઈ જાય છે. અને હળને છેડે એ દાંતા છે તે જેમ શરીર ફરતું જશે તેમ જખમો પરથી રૂના થરને ઊખેડતા જશે અને ખાડામાં ફેંકતા જશે. અને હળ માટે વધારે કામની જગ્યા બનશે. હળ આમ પૂરા બાર કલાક સુધી ઊંડે ને ઊંડે સુધી લખ્યા કરે છે. પહેલા છ કલાક તો અપરાધી લગભગ પહેલાં જેવો જ જીવતો રહે છે; એને માત્ર પીડા થાય છે. બે કલાક પછી એના મોઢામાંથી ડૂચો કાઢી લેવાય છે કારણ કે એનામાં ચીસો પાડવાની શક્તિ જ નથી રહી હોતી. અહીં આ વીજળીથી ગરમ થતા બેઝિનમાં ભાતની બહુ ગરમ ન હોય એવી લૂગદી રાખવામાં આવે છે. એમાંથી કેદી પોતાની જીભથી જેટલું ખાઈ શકે તેટલું ભલે ખાય. આજ સુધી એક પણ અપરાધીએ આ તક છોડી નથી. મને યાદ છે, મારા લાંબા અનુભવમાં એક પણ આ તક ચૂક્યો નથી.

લગભગ છઠ્ઠા કલાકે માણસની ખાવાની ઇચ્છા મરી જાય છે. એ વખતે હું સામાન્ય રીતે ઘૂંટણભેર બેસીને જોતો હોઉં છું કે શું થાય છે. સામાન્ય રીતે માણસ એનો છેલ્લો કોળિયો ભાગ્યે જ ગળાની નીચે ઉતારતો હોય છે, બસ, મોઢામાં ફેરવીને ખાડામાં થૂંકી દેતો હોય છે. એ વખતે મારે નીચા નમી જવું પડે છે, નહીંતર તો એ ક્યાંક મારા મોઢા પર જ થૂંકી દે. પણ લગભગ છઠ્ઠા કલાકે એ એવો તો શાંત થઈ જતો હોય છે! તદ્દન ગમાર, મૂર્ખને પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એની શરૂઆત આંખોથી થાય છે. ત્યાં એક જાતનો પ્રકાશ હોય છે. આ ક્ષણ એવી હોય છે કે આપણને પોતાને પણ હળ નીચે ગોઠવાઈ જવાની ઇચ્છા થઈ આવે છે. એ વખતે માણસ લખાણ સમજવા લાગે છે, બસ એટલું જ. એ પોતાનું મોઢું એવી રીતે હલાવે છે કે જાણે એ સાંભળતો હોય. તમે તો જોયું છે કે નરી આંખે આ લખાણ વાંચવાનું કેટલું અઘરું છે, પણ આ માણસ પોતાના જખમોથી એ લખાણ વાંચે છે. એ તો ખરું જ છે કે એ સહેલું નથી, અને એ પાર પાડવામાં એને છ કલાક લાગ્યા હોય છે. લગભગ એ સમયે હળ એની અંદર ઊંડે સુધી ઘૂસી જાય છે અને એને ખાડામાં ફેંકી દે છે. એ ત્યાં લોહી અને પાણી પર અને રૂના પાથરણા પર પડે છે. બસ ચુકાદાનો અમલ પૂરો થાય છે અને અમે, હું અને સૈનિક એને દાટી દઈએ છીએ.”

પ્રવાસીના કાન ઑફિસર તરફ હતા અને એણે જૅકેટના ખિસ્સાંમાં હાથ નાખીને મશીનનું કામ જોયું હતું. કેદીએ પણ મશીનને ચાલતું જોયું પણ કંઈ સમજ્યા વિના. એ થોડો આગળ નમ્યો અને હાલતી સોયોને ધ્યાનથી જોતો હતો ત્યારે સૈનિકે ઑફિસરનો ઈશારરો મળતાં પાછળથી ચાકુથી એનાં શર્ટ અને પેન્ટ ફાડી નાખ્યાં. કપડાં નીચે પડી ગયાં, કેદીએ પોતાની નગ્નતાને ઢાંકવા સરકી જતાં કપડાંને પકડી લેવાની કોશિશ કરી પણ સૈનિકે એને અધ્ધર ઊંચકી લીધો અને એને હલબલાવીને કપડાંના છેલ્લા અવશેષોને નીચે ખેરવી નાખ્યા.

ઑફિસરે મશીન બંધ કરી દીધું. અચાનક છવાઈ ગયેલી શાંતિમાં કેદીને હળની નીચે સુવડાવી દીધો. એની સાંકળો ઢીલી કરી દઈને તેને બદલે એને પટ્ટાઓમાં ઝકડી લેવામાં આવ્યો. પહેલી ક્ષણે કેદીને રાહત જેવું લાગ્યું. હવે હળને જરા નીચે ઉતારવામાં આવ્યો કારણ કે કેદી એકવડિયા બાંધાનો હતો. સોય એના શરીરને સ્પર્શી ત્યારે એની ચામડી પર એક ધ્રુજારીની લહેર દોડી ગઈ. સૈનિક એનો જમણો હાથ પટ્ટામાં બાંધવામાં લાગ્યો હતો ત્યારે કેદીએ એનો ડાબો હાથ ઉછાળ્યો પણ એ પ્રવાસી તરફ તકાયો. ઑફિસર આડી નજરે પ્રવાસીને જોવા લાગ્યો. એ જાણવા માગતો હતો કે સજાના અમલની એના પર શી અસર પડે છે, જો કે એને ઉપરટપકે બધું સમજાવ્યું તો હતું જ.
કાંડાનો પટ્ટો તૂટી ગયો, કદાચ સૈનિકે એને બહુ કસકસાવી દીધો હતો. સૈનિકે તૂટેલો પટ્ટો હાથમાં લઈને દેખાડ્યો. ઑફિસર એની પાસે ગયો. હજી એનો ચહેરો પ્રવાસી તરફ જ હતો. એ બોલ્યો, “આ બહુ જ જટિલ મશીન છે. કોઈ વસ્તુ અહીંતહીં તૂટે એનું કંઈ ન થઈ શકે. પણ ધ્યાન મૂળ ચુકાદાના અમલ પરથી હટવું ન જોઈએ. બહુ મોટી વાત નથી, આ પટ્ટો તો સહેલાઈથી સમારી લેવાશે. હું એને બદલે સાંકળ બાધી દઈશ, બસ, થયું કામ. જો કે જમણા હાથનાં કંપનો મૂળ જેવાં બારીક નહીં રહે.”

એણે સાંકળ બાંધતાં કહ્યું, “હવે મશીનના મેન્ટેનન્સ માટે પૈસા બહુ ઓછા મળે છે. પહેલાં તો આના જ માટે એક મોટી રકમ અલગ રાખવામાં આવતી. એક સ્ટોર પણ હતો અને એમાં રિપેરકામ માટે બધી જાતના સ્પેર પાર્ટ્સ હાજર રહેતા. હું એનો ઉપયોગ બહુ ઉડાઉપણે કરતો એ વાત પણ કબૂલી લઉં, પણ એ તો પહેલાં, આ નવો કમાન્ડન્ટ આવ્યા પછી નહીં; એ તો કંઈ પણ પહેલાં જેમ થતું હોય તેને વખોડવાની તક ચૂકતો જ નથી. હવે એણે મશીન માટેના નાણાનો હવાલો પોતાના હાથમાં લઈ લીધો છે. અને હું નવો પટ્ટો મંગાવીશ તો મને કહેશે, જૂનો પટ્ટો ક્યાં? પુરાવા તરીકે એ આપવો પડશે અને નવો પટ્ટો દસ દિવસે આવશે અને તે પણ હલકા માલનો, જરાય સારો નહીં હોય. પણ પટ્ટા વિના હું મશીન કેમ ચલાવીશ તેની કોઈને ફિકર નથી હોતી.”

(ક્રમશઃ…. …હપ્તો ત્રીજો … તારીખ ૨ ડીસેમ્બર, ૨૦૧૫ના રોજ…..)

++ In the Penal Colonyનું બહુ જ સચોટ કહી શકાય એવું ૧૩ મિનિટનું સંક્ષિપ્ત ફિલ્માંકન: ++

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: