Quit India

નવમી ઑગસ્ટ ૧૯૪૨ના દિવસે ગાંધીજીએ અંગ્રેજ હકુમત સામે અંતિમ લડાઈનું રણશિંગું ફૂંક્યું – ક્વિટ ઇંડિયા. આપણે આજે આ ટૂંકા સ્લોગનથી પરિચિત છીએ.

પ્યારેલાલજી જો કે આ સ્લોગન ગાંધીજીએ નહોતું બનાવ્યું. એ બનાવનાર કોઈ અમેરિકન પત્રકાર હતો જેનું નામ આપણે જાણતા નથી. પ્યારેલાલજી સુશીલા નય્યરના મોટા ભાઈ અને ગાંધીજીના અંગત સેક્રેટરી હતા અને એમણે Last Phase નામનું પુસ્તક લખ્યું છે જેનો ગુજરાતીમાં ‘પૂર્ણાહુતિ’ નામે અનુવાદ થયો છે. એમણે લખ્યું છે કે ‘ક્વિટ ઇંડિયા’ સ્લોગનને ગાંધીજીને નામે ચડાવી દેવાયું છે, પણ ગાંધીજીના શબ્દો હતા. “Orderly British withdrawal” (અંગ્રેજો વ્યવસ્થિત રીતે હટી જાય). (Ref: Mahatma Gandhi: The Last Phase, Volume 1 Page 707)

Mahatma Gandhi: The Last Phase, Volume 1 Page 707ના સંબંધિત ભાગની ઝલક

પરંતુ ગાંધીજીએ ‘કરો યા મરો’ (Do or Die) સૂત્ર જરૂર આપ્યું હતું. ૧૮૫૪માં રશિયા સાથેની ક્રીમિયાની લડાઈમાં બ્રિટન પણ કૂદી પડ્યું હતું અને ઉક્રાઇના (અથવા યુક્રેન)માં બાલાક્લાવાની લડાઈમાં ખોટા આદેશને કારણે લગભગ ત્રીજા ભાગના સૈનિકો માર્યા ગયા કે ઘવાયા હતા. એમની કર્તવ્યનિષ્ઠા અને દેશભક્તિને અંજલિ આપવા લૉર્ડ ટેનિસને એક લાંબું અંજલિકાવ્ય રચ્યું હતું જેમાં આ શબ્દો હતાઃ

Theirs not to make reply,
Theirs not to reason why,
Theirs but to do and die.

ગાંધીજીને આ પંક્તિઓ પસંદ હતી ને એમણે છેક ૧૯૦૪માં દક્ષિણ આફ્રિકામાં ચાલતી લડત વખતે પણ એનો ઉપયોગ કર્યો હતો.

૧૯૦૪માં દક્ષિણ આફ્રિકાની લડત

૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં વાઇસરોય લિન્લિથગોએ ભારતને પણ જર્મની સામેના યુદ્ધમાં જોતરી દીધું. કોંગ્રેસે આનો વિરોધ કર્યો કે ભારત સ્વાધીન દેશ તરીકે જ યુદ્ધમાં જોડાવું કે નહીં તેનો નિર્ણય કરી શકે. કોંગ્રેસના પ્રાંતીય પ્રધાનમંડળોએ આના વિરોધમાં રાજીનામાં આપી દીધાં. બીજી બાજુ મુસ્લિમ લીગ બ્રિટિશ હકુમત સાથે રહી અને કોંગ્રેસી પ્રધાનમાંડળોએ રાજીનામાં આપ્યાં તે દિવસે ‘મુક્તિ દિન’ ઊજવ્યો. કોંગ્રેસે એક તરફથી યુદ્ધમાં તટસ્થ રહેવાનું નક્કી કર્યું, તે સાથે જ આઝાદી માટે સશક્ત આંદોલન ચલાવવાનો પણ નિર્ણય કર્યો. આથી કંઈક રસ્તો કાઢવા એ વખતની યુદ્ધ કૅબિનેટના વડા પ્રધાન ચર્ચિલે કૅબિનેટના એક ડાબેરી સાથી સ્ટેફર્ડ ક્રિપ્સના નેતૃત્વ હેઠળ માર્ચ ૧૯૪૨માં એક ડેલીગેશન મોકલ્યું. ક્રિપ્સે યુદ્ધ પછી ડોમિનિયન સ્ટૅટસ આપવાની દરખાસ્ત કરી અને પ્રાંતોને પણ પોતાનાં બંધારણ ઘડવાની સત્તા આપવાનું વચન આપ્યું. પણ કોંગ્રેસનો આગ્રહ હતો કે આઝાદીની તારીખ જાહેર કરવી જોઈએ. ગાંધીજીએ ક્રિપ્સની દરખાસ્તો પર તીખી ટિપ્પણી કરીઃ “એ ફડચામાં જતી બૅન્ક પર આગળની કોઈ તારીખે વટાવવાનો ચેક છે.!” (It is a postdated cheque on crashing bank).

આના પછી ગાંધીજીએ ૨૭મી ઍપ્રિલે કોંગ્રેસને એક ઠરાવનો મુસદ્દો આપ્યો તેમાં એમણે અસહકારના વિરાટ આંદોલનની યોજના રજૂ કરી હતી. ૧૪મી જુલાઈએ વર્ધામાં કોંગ્રેસની મીટિંગ વખતે નહેરુ, રાજાજી વગેરે નેતાઓને આવા જલદ કાર્યક્રમની સફળતામાં શંકા હતી, તો સરદાર પટેલ અને મૌલાના આઝાદ જેવા નેતાઓ ગાંધીજીની પડખે રહ્યા. જો કે અંતે ઠરાવ મંજૂર થયો ત્યારે નહેરુ અને બીજા નેતાઓએ પણ એને ટેકો આપ્યો. હવે કોંગ્રેસ ખરાખરીનો જંગ ખેલવા તત્પર હતી. જવાહરલાલ નહેરુએ અમેરિકી છાપાંઓને ૧૪મી જુલાઈના ઠરાવનો મુસદ્દો બહુ પહેલાં મોકલી દીધો હતો એટલે એને ત્યાં બહુ પ્રસિદ્ધિ મળી. અમેરિકામાં ભારત માટે ઘણી સહાનુભૂતિ હતી અને અમેરિકન રાષ્ટ્ર્પતિ રુઝવેલ્ટ ભારતને આઝાદી આપવાની ખુલ્લી હિમાયત કરતા હતા પણ ચર્ચિલે સાફ ના પાડી દીધી કે જ્યાંસુધી યુદ્ધ ચાલુ હશે ત્યાં સુધી ભારતને આઝાદી આપવાનો વિચાર પણ થઈ ન શકે. તે પછી અમેરિકાએ પણ દબાણ કરવાનું છોડી દીધું.

ગાંધીજી ગોવાળિયા મેદાનમાં આવે છે

૧૯૪૨ની આઠમી ઑગસ્ટે મુંબઈના ગોવાલિયા ટૅંકના મેદાનમાં જંગી સભામાં કોંગ્રેસે ‘ભારત છોડો’ આંદોલન બીજા દિવસથી શરૂ કરવાનો ઠરાવ પસાર કર્યો. ત્રણ સભ્યોએ એના પર મત વિભાજન (division)ની માગણી કરી અને ૧૩ સભ્યોએ વિરોધ કર્યો પરંતુ ઠરાવ ભારે બહુમતીથી મંજૂર રહ્યો. ઠરાવમાં ગાંધીજીને આ સંઘર્ષના ‘કમાન્ડર’ બનાવવામાં આવ્યા.

ઠરાવ રજૂ થયો તે પહેલાં બોલતાં ગાંધીજીએ લોકોને ચેતવ્યા કે ઘણા લોકો પૂછે છે કે હું ૧૯૨૦માં હતો તે જ છું કે બદલાઈ ગયો છું. અહીં એમનો સંકેત ચૌરીચૌરાના બનાવ પછી એમણે આંદોલન પાછું ખેંચી લીધું તેના તરફ છે. આ પગલાએ ભારે વિવાદ સર્જ્યો હતો અને આજે પણ એને ચર્ચા થતી જ હોય છે. પણ ગાંધીજીએ ફરી કહ્યું કે હજી તેઓ અહિંસાના માર્ગે જ આંદોલન ચલાવવા માગે છે. એમણે કહ્યું કે જેમને અહિંસાનો રસ્તો પસંદ ન હોય તે આ ઠરાવની તરફેણમાં મત ન આપે.

આ આંદોલનને ગાંધીજી આંતરરાષ્ટ્રીય રંગ આપે છે. અહિંસાના માર્ગે કેમ આંદોલન ચલાવવું તેને પોતાની ઈશ્વરદત્ત કુશળતા ગણાવીને કહે છે કે આજે રશિયા અને ચીન પર પણ ખતરો છે ત્યારે હું આ મહાન બક્ષિસનો ઉપયોગ ન કરું અને જોતો રહું તે ન ચાલે. આપણે યાદ કરીએ કે જર્મની રશિયા પર ધસતું હતું અને ચીન જાપાની સૈન્યના અમાનુષી અત્યાચારોનું ભોગ બન્યું હતું. વિશ્વના રાજકારણમાં ગાંધીજી આજે હયાત હોત તો એમનું વલણ શું હોત તે આમાંથી સમજાય છે.

હવે વ્યવહારુ ગાંધી પ્રગટ થાય છેઃ “મને ખબર છે કે આપણી અહિંસા કેટલી અધૂરી છે અને આપણે આદર્શથી કેટલા બધા દૂર છીએ, પણ અહિંસામાં છેવટની નિષ્ફળતા કે પરાજય જેવું કંઈ હોતું નથી. એટલે મને વિશ્વાસ છે કે આપણી ઉણપો છતાં મોટાં પરિણામો આવતાં હોય છે…હું માનું છું કે આપણા સંઘર્ષ કરતાં વધારે લોકશાહીવાદી સંઘર્ષ બીજો કોઈ નથી. મેં કાર્લાઇલનું ‘ફ્રેન્ચ રેવલ્યૂશન’ જેલમાં વાંચ્યું અને પંડિત જવાહરલાલે મને રશિયન ક્રાન્તિ વિશે થોડું ઘણું કહ્યું છે, પણ મને લાગે છે કે આ સંઘર્ષો હિંસાથી લડાયા તેટલી હદે એ લોકશાહી આદર્શો સિદ્ધ કરવામાં નિષ્ફળ રહ્યા છે. મારી લોકશાહીની જે કલ્પના છે તેમાં બધાંને સમાન સ્વતંત્રતા મળશે.દરેક જણ પોતાનો માલિક હશે. હું તમને આ જ સંઘર્ષમાં જોડાવા આમંત્રણ આપું છું એક વાર જોડાશો, પછી હિન્દુ-મુસ્લિમના ભેદ ભૂલી જશો અને તમારી જાતને સ્વાતંત્ર્ય સંઘર્ષમાં જોડાયેલા માત્ર ભારતીય તરીકે પિછાણશો.” એમણે બ્રિટિશરો પ્રત્યેના લોકોના વલણની પણ ચર્ચા કરતાં કહ્યું કે ઘણા લોકો કહે છે કે એમના વર્તનથી એમને નફરત થઈ ગઈ છે. ગાંધીજી કહે છે કે લોકો બ્રિટિશ સામ્રાજ્યવાદ અને બ્રિટિશ પ્રજા વચ્ચે ફરક નથી કરી શકતા. આ ઘૃણાને કારણે ઘણા જાપાનીઓને આમંત્રણ આપવા પણ તૈયાર થઈ જાય છે, પણ એ તો બહુ ખતરનાક વાત છે. તમે એકના ગુલામ મટીને બીજાના ગુલામ બનશો….

ઠરાવ રજૂ થયા પછી ઉપસંહારમાં ગાંધીજીએ બહુ ઊંડાણથી સામાજિક સમસ્યાઓની પણ ચર્ચા કરી. એમના હિસાબે આ માત્ર રાજકીય આંદોલન નહોતું. એ ખરેખર આ આંદોલનને કારણે આઝાદી આવશે એમ માનતા હતા અને ભવિષ્ય તરફ એમની નજર મંડાયેલી હતી.

એ જ રાતે સરકારે ગાંધીજી અને બીજા નેતાઓની ધરપકડ કરી લીધી. લોકો સવારે ઊઠ્યા ત્યારે આ સમાચાર વાંચીને ઊકળાટ વધી ગયો. આખો દેશ ‘ભારત છોડો’ના નારાથી ગૂંજી ઊઠ્યો. પોલીસ અને લશ્કરે લોકોની ઉશ્કેરણી કરી. હિંસા પણ થઈ. ગાંધીજી જાણતા હતા કે આપણી અહિંસા અધૂરી છે. એમણે કહ્યું હતું કે પોતે ૧૯૨૦માં જે હતા તે જ ૧૯૪૨માં પણ હતા, બદલાયા નહોતા. પણ ખરેખર બદલાયા નહોતા? હિંસા છતાં આ વખતે એમણે આંદોલન પાછું ન ખેંચ્યું! ગાંધીજી સતત શીખતા રહ્યા, એક વિદ્યાર્થી બનીને.


ઋણ સ્વીકારઃ..

http://historypak.com/quit-india-movement-1942/

http://www.newworldencyclopedia.org/entry/Quit_India_Movement

https://en.wikipedia.org/wiki/Quit_India_Movement#Resolution_for_immediate_independence

http://www.mapsofindia.com/on-this-day/8th-august-1942-mahatma-gandhi-launches-the-quit-india-movement-in-mumbai

http://www.gandhi-manibhavan.org/gandhicomesalive/speech6.htm


 

2 thoughts on “Quit India”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: