Death Sentence

ફાંસીની સજા

 

 

આ લેખ મારે ૨૬મી તારીખે જ પ્રકાશિત કરવો હતો. કારણ કે બીજા દિવસે, ૨૭મી તારીખે, સુપ્રીમ કોર્ટ યાકૂબ મેમણની અરજી પર વિચાર કરવાની હતી.   યાકૂબને ફાંસી આપવી કે નહીં એ નિર્ણયની અસર આ લેખ પર ન પડે એમ હું ઇચ્છતો હતો. યાકૂબની સજા વિશે છાપાંઓ અને સોશ્યલ મીડિયામાં ઘણી ચર્ચા થઈ છે. આમાં ઉમેરો કરવાની પણ મારી ઇચ્છા નથી. સુપ્રીમ કોર્ટનો નિર્ણય જાણ્યા પહેલાં લખવાનું કારણ પણ એ જ કે હું કોઈ એક વ્યક્તિને અપાયેલા મૃત્યુદંડ વિશે નહીં પણ ખુદ મૃત્યુદંડ વિશે જ લખવા માગું છું. ગઈ કાલે (૩૦મી તારીખે) આ લેખની શરૂઆત સુધારું છું ત્યારે યાકુબ મેમણને ફાંસી અપાઈ ગઈ છે એટલે આ લેખ એક વ્યક્તિના મોતના ઓછાયાથી દ્દૂર રહે છે.

આમ તો મૃત્યુદંડ કાનૂનનાં પુસ્તકોમાં હોવો જોઈએ કે કેમ તે વિશે હું પોતે કોઈ પાકો વિચાર હજી સુધી બનાવી શક્યો નથી. અમુક સજાઓ વખતે મને લાગ્યું છે કે એમાં કંઇ ખોટું નથી, તો ક્યારેક એમ થયું છે કે મૃત્યુદંડ જરૂરી નહોતો. આમ હું પોતે જ કોઈ વિચાર પર પહોંચી શક્યો નથી એટલે ખરેખર તો મૃત્યુદંડની તરફેણમાં કે વિરોધમાં કંઈ લખી શકું એમ નથી. આથી, ખરેખર તો હું મારા વિચારોને એક ચોક્કસ દિશા આપવામાં વાચકોની મદદ જ માગું છું. બીજી વાત એ કે સજા થયા પછી એના અમલમાં વર્ષો નીકળી જતાં હોય છે અને ક્યારેક બહુ જલદી ફાંસી આપી દેવાય છે. આવું શા માટે બને છે તે પણ ચર્ચાનો વિષય છે. મૃત્યુદંડની ચર્ચા કરતાં પહેલાં કાનૂની સ્થિતિ જાણવી જરૂરી છે.

ઇંડિયન પીનલ કોડ-૧૮૬૦ની કલમ ૩૦૨ હેઠળ ખૂન કેસમાં મૃત્યુ દંડ આપી શકાય છે. આઈ. પી. સી.માં ક્યારે મોતની સજા આપી શકાય તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જેમ કે, સશસ્ત્ર લૂંટ દરમિયાન હત્યા થાય તો લૂંટ કરનારા જૂથના બધા સભ્યોને મોતની સજા મળી શકે. અથવા તો સંગઠિત અપરાધમાં કોઈનો જીવ જાય તો પણ ફાંસી આપી શકાય. અનુસૂચિત જાતિ/જનજાતિના અપરાધીને કોઈની ખોટી જુબાનીને કારણે મૃત્યુદંડ અપાયો હોય અને એનો અમલ પણ થઈ ગયો હોય તો ખોટી જુબાની આપનાર પણ મોતની સજાને પાત્ર ગણાય છે. ૧૮ વર્ષથી નીચેની ઉંમરની અથવા માનસિક રીતે અસ્થિર વ્યક્તિને આપઘાત માટે  પ્રોત્સાહન આપનાર કે મદદ કરનાર પણ મૃત્યુદંડને પાત્ર છે. ત્રાસવાદ ફેલાવવા માટે વિસ્ફોટક પદાર્થોનો ઉપયોગ કરીને લોકોના જાન જાય એવી શક્યતા ઊભી કરવાનો ગુનો પણ ફાંસીને લાયક ગુનો છે. એ જ રીતે બળાત્કારના કેસમાં બળાત્કાર સાબિત થાય અને તેની સાથે હત્યા પણ થઈ હોય તો અપરાધીને મોતની સજા આપી શકાય છે. માદક પદાર્થોની હેરફેર કે ઉપયોગ દરમિયાન મૃત્યુ થાય કે ન થાય માદક પદાર્થોની હેરફેર પોતે જ મૃત્યુદંડને પાત્ર ઠરે છે.

પરંતુ ‘બચ્ચન સિંહ વિ. પંજાબ રાજ્ય’ કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે મૃત્યુદંડ માત્ર ‘rarest of the rare’ ( જૂજ કિસ્સાઓમાં પણ જૂજ ગણાય તેવા) કેસમાં અપવાદ રૂપ સજા તરીકે અપાયો હોય તો જ એ બંધારણીય ગણાય. એટલે આવા કોઈ પણ કેસ rarest of the rare છે કે નહીં તે જોઈને જ મોતની સજા કરી શકાય છે. આના પછી દરેક અપરાધમાં જૂથના દ્દરેક સભ્યની વ્યક્તિગત ભૂમિકા પણ જોવાઅય છે. આમ ફાંસીની સજાની જોગવાઈ હોવા છતાં બધાને ફાંસી જ મળે એવું પણ નથી.

હવે મારી દ્વિધા રજૂ કરું.

મોતની સજા સમાજને કઈ રીતે મદદ કરે છે તે નક્કી કરવાનો કોઈ રસ્તો નથી. ડિસેમ્બર ૨૦૧૨માં દિલ્હીમાં નિર્ભયા બળાત્કાર કાંડ થયો. વાંચીને ધ્રૂજી જવાય એવું એ કૃત્ય હતું. આખા દેશમાં હાહાકાર મચી ગયો હતો. છ અપરાધીઓમાંથી એક તો સગીર વયનો હતો એટલે એને તો ફાંસી ન અપાય. એક જણે જેલમાં આત્મહત્યા કરી લીધી. બાકી ચાર આરોપીઓને ફાંસીની સજા કરાઈ, જે સુપ્રીમ કોર્ટે રોકી દીધી. અપરાધી માનસવાળા બળાત્કારીઓ આ સજાથી ડરી ગયા? એવું નથી બન્યું. ૨૦૧૫ના પહેલા બે મહિનામાં દિલ્હી પોલીસે બળાત્કારના ૩૦૦ કેસો નોંધ્યા છે! એનો અર્થ એ કે જ્યાં નિર્ભયા કાંડ થયો ત્યાં જ દરરોજ બળાત્કારના પાંચ કેસો બને છે. મોતની સજાનો ડર કોને છે? મૃત્યુદંડના ડરથી લોકો ગુના ઓછા કરશે એવું તો બન્યું નથી. તો મોતની સજા આપવાનો અર્થ પણ નથી રહેતો.

બીજું, આજે મીડિયાનો જે પ્રભાવ છે તેને કારણે ફાંસીના કેસોનો પ્રચાર એટલો થાય છે કે અપરાધીએ શું ખાધું, શું બોલ્યો, દુઃખી છે કે નહીં, ગીતા કે કુરાન વાંચે છે કે નહીં, એનાં કુટુંબીઓ શું કહે છે વગેરે બધી વાતો સતત જાહેરમાં ચર્ચાતી રહે છે. આને કારણે અપરાધી લોકોનો ‘પ્રિયજન’ બનવા લાગે છે અને એક પ્રકારની સહાનુભૂતિ પેદા થાય છે. આજીવન એટલે કે ખરેખર મૃત્યુ થાય ત્યાં સુધીની કેદ મળે તો પણ આવો રસ પેદા થતો નથી. આજે યાકૂબ મેમણના કેસમાં રસ પેદા થયો પણ એ એકવીસ વર્ષથી જેલમાં જ હતો.  આપણામાંથી કેટલા છેલ્લાં ૨૧ વર્ષથી આ કેસનું પગેરું લેતા હતા? આજે આપણે એ પણ જાણીએ છીએ કે એની પત્નીને કરાંચીમાં માછીમારણો દેખાતી નહોતી તેની બહુ ખોટ લાગતી હતી. પણ એનું આ કથન આજનું નથી, ૨૧ વર્ષ પહેલાંનું છે!

એક દલીલ એવી પણ છે કે મૃત્યુની સજા થાય તેમાં મોટે ભાગે તો ગરીબો ફસાતા હોય છે. કારણ કે એમની પાસે બહુ સારા વકીલ રોકવા જેટલા પૈસા નથી હોતા. નાની કોર્ટોમાં તો વકીલના નામનો પણ પ્રભાવ પાડતો હોય છે. તે ઉપરાંત બીજું પણ ઘણું થતું હોય છે એટલે પૈસાવાળા તો એ પ્રભાવનો જ ઉપયોગ કરવાના પૈસા ખર્ચે છે.  કોઈ પણ કેસ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જાય ત્યારે કેસને સમજવામાં કોઈ ટેકનિક્લ ખામી તો રહી નથી ગઈ ને, એ જ મુખ્યત્વે જોવાય છે. જે મુદાઓ પર દલીલો થઈ ગઈ હોય તેને ફરી ઊખેળાય નહીં. એટલે અપીલ વખતે વકીલો એ સાબિત કરવા પ્રયત્ન કરે છે કે નીચલી કોર્ટે કોઈ મુદા પર ધ્યાન જ ન આપ્યું.

ઘણી વાર રાજકીય કારણો પણ હોય છે. ઘણા અપરાધીઓને રાજકીય દબાણ નીચે છોડી દેવાય છે અથવા લટકાવી દેવાય છે. દરેક સરકાર આવા પ્રખ્યાત કેસોનો ઉપયોગ પોતાના રાજકીય દૄષ્ટિકોણ પ્રમાણે કરે છે.

બીજી બાજુ મને એમ પણ થતું હોય છે કે જેમને બીજાની જિંદગીની કિંમત નથી એમને પોતાને શા માટે મૃત્યુદંડથી બચાવવા? રસ્તે ચાલતાં જે કોઈ છોકરીને બળજબરીથી ઉપાડી જાય, રેપ કરે અને મારી નાખે એ વળી પોતાની જિંદગી બચાવવા માટે દયાની અરજી કરે! અથવા તો બોમ્બ ફેંકીને અસંખ્ય લોકોના જાન લઈ લે એણે તો મરવા તૈયાર રહેવું જોઈએ. કોમી રમખાણો વખતે કોઈને મોતને ઘાટે ઉતારનાર શા માટે નિર્ભય થઈને ફરે? બીજી બાજુ અજમલ કસાબ તો મરવા જ આવ્યો હતો. જીવતેજીવત પક્ડાયો એ તો માત્ર સંયોગો હતા. વળી એણે દેશની સાર્વભૌમ સત્તાને પડકારવા માટે ‘લડાઈ’ કરી હતી. લડાઈમાં મરવાનું તો હોય જ. મારા મનમાં હંમેશાં એ સવાલ રહ્યો છે કે એને આખી જિંદગી જીવતો રાખવો એ મોટી સજા ગણાય કે ફાંસી?

સમાજ વિરુદ્ધ દુષ્કૃત્યો કરનારાને સમાજનો ભાગ શા માટે ગણવા જોઈએ? એવા થોડા લોકો સમાજને શું આપવાના? એમનું અસ્તિત્વ ન ટકે તો સમાજને શું નુકસાન થવાનું?

વળી અંદરથી બીજો ‘હું’ બોલે છેઃ ગાંધીજીએ ભગતસિંહને બચાવવા માટે મંત્રણાઓ કરી તે વખતે પોતાનું સૈદ્ધાંતિક વલણ પણ જાહેર કર્યું કે હું તો અહિંસામાં માનું છું એટલે કોઈનો કાયદાના નામે પણ જાન લેવાય તે મને મંજૂર ન જ હોય.

આજે રાષ્ટ્રસંઘના ૧૯૫ સભ્યોમાંથી ૧૦૩ દેશોએ, એટલે કે ૫૩ ટકાએ કોઈ પણ અપરાધ માટે મૃત્યુદંડની સજા નાબૂદ કરી છે. ૫૦ દેશો, એટલે કે ૨૬ ટકાએ પોતાના કાનૂનમાં મોતની સજા રાખી છે પણ છેલ્લાં દસ વર્ષમાં એનો ઉપયોગ નથી કર્યો. ૬ દેશો (૩ટકા) અપવાદ રૂપ કેસોમાં ફાંસીની સજા આપે છે અને ૩૬ દેશોમાં એટલે કે રાષ્ટ્રસંઘના સભ્યોના ૧૮ ટકા દેશો હજી પણ મોતની સજા આપે છે, જેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન, રશિયા, ઇરાન અને અખાતના આરબ દેશો છે.

આપણા દેશમાં મૃત્યુદંડ વિશે ચર્ચાઓ થાય છે તે કોઈને ફાંસી અપાવાની હોય ત્યારે જ. તે સિવાય ફાંસી વિરોધીઓ સૂતા રહે છે, અને ફાંસી સમર્થકો પણ જ્યારે ફાંસીની વિરુદ્ધ કોઈ બોલે ત્યારે એવા જોશમાં આવી જતા હોય છે કે  જાણે ફાંસી જ સમાજને પતનના માર્ગેથી બચાવી શકવાની હોય. હવે તો ફાંસી ન આપવી એમ કહેવું એ દેશદ્રોહ હોય એવું વાતાવરણ ઊભું થયું છે. આપણે બધા આખી ન્યાયપ્રક્રિયા ચાલતી હોય ત્યાં સુધી સ્વાદ લઈને ચર્ચાઓ કરતા હોઈએ છીએ – અપરાધી કોર્ટમાં કેમ આવ્યો, કોની સામે જોયું, રડવા લાગ્યો કે હસતો હતો. આખી પ્રક્રિયાને અંતે કોર્ટ ચુકાદો આપે છે કે કોઈને ફાંસી આપવી કે નહીં. કેટલાયે આરોપીઓ હોય, તેમાંથી અમુકને ફાંસી અપાય, અમુકને ન અપાય. આ જજની દેશભક્તિ શી રીતે નક્કી કરશું? ફાંસીની સજા કાયદાની પોથીઓમાં ચાલુ રાખવી કે નહીં એનો શાંત ચિત્તે વિચાર કરવા માટે યોગ્ય વાતાવરણ જરૂરી છે. આવી કોઈ વ્યક્તિગત સજાની ગરમાગરમ ચર્ચા ચાલુ હોય ત્યારે આવી સૈદ્ધાંતિક ચર્ચા ન થઈ શકે, માત્ર સંબંધિત કેસમાં શું થયું અથવા ન થયું – અથવા શું થવું જોઈએ કે ન થવું જોઈએ તેની જ ચર્ચા થઈ શકે. સૈદ્ધાંતિક ચર્ચા માટે આ ઘટનાઓના બોધપાઠ જરૂર કામ આવી શકે. ન્યાયપ્રક્રિયા આ જ રીતે મજબૂત બનતી હોય છે. તે સિવાય તો માત્ર  પૂર્વગ્રહો અને ભાવનાઓને આધારે આપણે એક અથવા બીજા પક્ષ માટે બોલતા રહેશું પણ નિર્ણય પર નહીં પહોંચીએ.

ફાંસી વિશે મારા વિચારો ક્યારેક બૌદ્ધિક, ક્યારેક ભાવનાત્મક, ક્યારેક વ્યૂહાત્મક. ક્યારેક ઉપયોગિતાવાદી(Utilitarian) હોય છે.

આ જ ખરી દ્વિધા છે.

૦-૦-૦

4 thoughts on “Death Sentence”

  1. પ્રિય દીપકભાઇ : તમારી આ દ્વિધા સૌ સન્નિષ્ઠ બૌદ્ધિકોની છે. એને વાચા આપવા માટે તમને ખાસ અભિનન્દન, કેમકે મૌન તો સ્થિતસ્ય સમર્થન કરી આપે ! મને તો આવા પ્રસંગે હમેશાં મનુષ્યજીવનની અસારતાનો -ઍબ્સર્ડનો- અનુભવ થાય છે. અને એ વેદનામય હોય છે એટલે અસારતા વધું ઘુંટાય છે. અને તેથી ચિત્ત ડહાપણની શોધમાં નીસરી પડે છે. અને તેથી એમ જ સ્વીકારવું રહે છે કે કદાચ wisdom જ માણસજાતને બચાવી શકે…અલબત્ત, I am not sure for that also…સુમન શાહ.

  2. મા. દીપકભાઈ, તમે જે વિષય છેડ્યો છે તે ખરેખર દ્વિધામય છે, તમારી જેમ મને અને બીજા ઘણાને ફાંસી યોગ્ય છે કે નહિ તે નક્કી કરવું જરૂર ભારે પડતું હશે. તમે આછેરો જે વિષયને સ્પર્શ્યો છે એ વિષય પર હું આ નિર્ણય લેવા માટે ઘણી વખત અટકી જતો હોઉં છું અને એ છે, ફાંસીની (કે પછી અન્ય કોઈ પણ) સજા એવા જ ગુના કરનાર અન્યોના માનસમાં કોઈ ભય પેદા કરી શકતી નથી (જેમ તમે દિલ્હીમાં ૩૦૦ બળાત્કારના કેસોનો દાખલો આપ્યો છે). હું જ્યારે આ વિચારું છું ત્યારે તરતજ પૂરક વિચાર આવે છે કે શું કોઈ પણ સજા સમાજમાં દાખલો બેસાડવા જ કે પછી સંભવિત ગુનેગારોમાં બીક પેસાડવા જ કરાતી હોય છે? ફાંસી એ તો ખરેખર તમે કસાબના કેસમાં કહ્યું તેમ આશીર્વાદ સમાન હોય છે, ગુનેગારને માટે અને કાયદાને માટે પણ. કોઈ અપરાધના બોજ સાથે આખી જીંદગી જીવવી કપરી હોય છે, પણ શું આવા જધન્ય કૃત્યો કરનારને કદી એ અપરાધભાવ સ્પર્શે છે પણ ખરો? દિલ્હી બળાત્કાર કેસના ગુનેગારોના બી.બી.સી.એ લીધેલા ઇન્ટર્વ્યુમાં આછીપાતળી ઝલક મળે છે કે ના, એવું થતું નથી. તો પછી પ્રશ્ન ઊભો થાય છે કે ‘માનવતા’, ‘દયા’, ‘સહિષ્ણુતા’, ‘સભ્ય સમાજ’, વગેરેની દુહાઈઓ આપીને જ્યારે આપણે ફાંસી કે મૃત્યુદંડની સજા ન આપવી જોઈએ એમ કહેતા હોઈએ છીએ ત્યારે એ ગુનેગારે કરેલા કૃત્યમાં અસરગ્રસ્તો પ્રત્યેની ‘માનવતા’, ‘દયા’, ‘સહિષ્ણુતા’, ‘સભ્ય સમાજ’ વગેરેનો વિચાર કોરાણે મુકાઈ જતો હોય છે. માનવતાની દૃષ્ટિએ જોઈએ તો કોઈ પણ સજા ન કરવી જોઈએ, ફાંસી હોય કે જનમટીપ, કે પછી બે-ચાર વર્ષની સજા પણ શું કામ? મારું માનવું તો એવું છે કે સજા એ શુલ્ક છે, જેમ આપણે બજારમાં કોઈ વસ્તુ ખરીદવા જઈએ ત્યારે તે વસ્તુના ઉત્પાદન પાછળ થયેલ ખર્ચ (આર્થિક કે બૌદ્ધિક)ને અનુલક્ષીને તેની કિંમત આંકવામાં અને ચુકવવામાં આવતી હોય છે, સાદા માટલાના ૫૦ રૂપિયા પણ આબુના કુંજાના ૨૫૦ રૂપિયા. વિક્રેતા આ કિંમત એટલા માટે નથી રાખતો કે જેથી બજારમાં ફરતા અન્ય લોકો જુએ અને તેમનામાં દાખલો બેસે કે એ માટલા/કુંજા મફત નથી, પણ એટલા માટે રાખે છે કે એ તેનો હક્ક છે, મફત કશું મળતું નથી એ સૌએ યાદ રાખવું જોઈએ. માટી તો બંનેમાં સરખી જ વપરાઈ હશે અને કામ પણ બંને સરખું જ કરે છે, તેથી શું બંનેની એક સરખી કિંમત ચુકવાય? આબુના કુંજા (પીળી માટીના સિંહના મોઢાવાળા) બનાવવા પાછળ કારીગરની કારીગરી વપરાઈ છે એટલે એની બૌદ્ધિક પ્રતિભા (Intellectual property)ના વધુ પૈસા સહજ રીતે જ ચુકવવા પડે. એ જ રીતે, ગુનો આચરનારે ગુનાની કિંમત પણ ચુકવવી પડે. એક માણસને રહેંસી નાખો તો ૧૦ વર્ષની સજા, ૪ને માર્યા હોય તો જનમટીપ અને ૪૦ને મારો તો મૃત્યુદંડ એવું કાંઈક તો હોવું જ જોઈએ.

    ક્યારેક આવા ગુનેગારો બીજા લોકો પર પ્રભાવ ન પાડે એ કારણે પણ એમનો નાશ કરવો જરૂરી હોય છે. કેન્સરની ગાંઠ શરીરમાંથી કાઢીને બરણીમાં ભરીને આપણે ઘરના શો કેસમાં નથી મૂકતા કે એ જોઈને આપણને પ્રેરણા મળે… પણ ડોક્ટર એનો ઇન્સિનરેટરમાં નાશ કરે છે. તમે ફાંસીની સજાની વાત કરી છે, સાથેસાથે એન્કાઉન્ટરની વાત પણ આવરી લેવા જેવી હતી, હું તો ખરેખર એ વિચારતો થયો છું કે શું ફાંસીની સજા હોવી જોઈએ કે સીધું એન્કાઉન્ટર? કોર્ટમાં તમે કહ્યું તેમ વકીલના નામનો પણ પ્રભાવ હોય છે, એવામાં કોઈપણ કારણે અધમોધમ કૃત્ય કરનાર પણ બચીને છૂટી શકે છે, એના કરતા એન્કાઉન્ટર જ ન કરી દેવું જોઈએ જેથી આમ ૨૧ વર્ષે પણ કોઇ ગુનેગારના ફોલોઅર્સ બને જ નહિ? (એ સ્પષ્ટ કરી દઉં કે એન્કાઉન્ટર એ મારો મત નથી કે નથી તે હું એનો હિમાયતી, પણ આ એકમાત્ર વિચાર છે).

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: