Death Sentence

ફાંસીની સજા

 

 

આ લેખ મારે ૨૬મી તારીખે જ પ્રકાશિત કરવો હતો. કારણ કે બીજા દિવસે, ૨૭મી તારીખે, સુપ્રીમ કોર્ટ યાકૂબ મેમણની અરજી પર વિચાર કરવાની હતી.   યાકૂબને ફાંસી આપવી કે નહીં એ નિર્ણયની અસર આ લેખ પર ન પડે એમ હું ઇચ્છતો હતો. યાકૂબની સજા વિશે છાપાંઓ અને સોશ્યલ મીડિયામાં ઘણી ચર્ચા થઈ છે. આમાં ઉમેરો કરવાની પણ મારી ઇચ્છા નથી. સુપ્રીમ કોર્ટનો નિર્ણય જાણ્યા પહેલાં લખવાનું કારણ પણ એ જ કે હું કોઈ એક વ્યક્તિને અપાયેલા મૃત્યુદંડ વિશે નહીં પણ ખુદ મૃત્યુદંડ વિશે જ લખવા માગું છું. ગઈ કાલે (૩૦મી તારીખે) આ લેખની શરૂઆત સુધારું છું ત્યારે યાકુબ મેમણને ફાંસી અપાઈ ગઈ છે એટલે આ લેખ એક વ્યક્તિના મોતના ઓછાયાથી દ્દૂર રહે છે.

આમ તો મૃત્યુદંડ કાનૂનનાં પુસ્તકોમાં હોવો જોઈએ કે કેમ તે વિશે હું પોતે કોઈ પાકો વિચાર હજી સુધી બનાવી શક્યો નથી. અમુક સજાઓ વખતે મને લાગ્યું છે કે એમાં કંઇ ખોટું નથી, તો ક્યારેક એમ થયું છે કે મૃત્યુદંડ જરૂરી નહોતો. આમ હું પોતે જ કોઈ વિચાર પર પહોંચી શક્યો નથી એટલે ખરેખર તો મૃત્યુદંડની તરફેણમાં કે વિરોધમાં કંઈ લખી શકું એમ નથી. આથી, ખરેખર તો હું મારા વિચારોને એક ચોક્કસ દિશા આપવામાં વાચકોની મદદ જ માગું છું. બીજી વાત એ કે સજા થયા પછી એના અમલમાં વર્ષો નીકળી જતાં હોય છે અને ક્યારેક બહુ જલદી ફાંસી આપી દેવાય છે. આવું શા માટે બને છે તે પણ ચર્ચાનો વિષય છે. મૃત્યુદંડની ચર્ચા કરતાં પહેલાં કાનૂની સ્થિતિ જાણવી જરૂરી છે.

ઇંડિયન પીનલ કોડ-૧૮૬૦ની કલમ ૩૦૨ હેઠળ ખૂન કેસમાં મૃત્યુ દંડ આપી શકાય છે. આઈ. પી. સી.માં ક્યારે મોતની સજા આપી શકાય તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જેમ કે, સશસ્ત્ર લૂંટ દરમિયાન હત્યા થાય તો લૂંટ કરનારા જૂથના બધા સભ્યોને મોતની સજા મળી શકે. અથવા તો સંગઠિત અપરાધમાં કોઈનો જીવ જાય તો પણ ફાંસી આપી શકાય. અનુસૂચિત જાતિ/જનજાતિના અપરાધીને કોઈની ખોટી જુબાનીને કારણે મૃત્યુદંડ અપાયો હોય અને એનો અમલ પણ થઈ ગયો હોય તો ખોટી જુબાની આપનાર પણ મોતની સજાને પાત્ર ગણાય છે. ૧૮ વર્ષથી નીચેની ઉંમરની અથવા માનસિક રીતે અસ્થિર વ્યક્તિને આપઘાત માટે  પ્રોત્સાહન આપનાર કે મદદ કરનાર પણ મૃત્યુદંડને પાત્ર છે. ત્રાસવાદ ફેલાવવા માટે વિસ્ફોટક પદાર્થોનો ઉપયોગ કરીને લોકોના જાન જાય એવી શક્યતા ઊભી કરવાનો ગુનો પણ ફાંસીને લાયક ગુનો છે. એ જ રીતે બળાત્કારના કેસમાં બળાત્કાર સાબિત થાય અને તેની સાથે હત્યા પણ થઈ હોય તો અપરાધીને મોતની સજા આપી શકાય છે. માદક પદાર્થોની હેરફેર કે ઉપયોગ દરમિયાન મૃત્યુ થાય કે ન થાય માદક પદાર્થોની હેરફેર પોતે જ મૃત્યુદંડને પાત્ર ઠરે છે.

પરંતુ ‘બચ્ચન સિંહ વિ. પંજાબ રાજ્ય’ કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે મૃત્યુદંડ માત્ર ‘rarest of the rare’ ( જૂજ કિસ્સાઓમાં પણ જૂજ ગણાય તેવા) કેસમાં અપવાદ રૂપ સજા તરીકે અપાયો હોય તો જ એ બંધારણીય ગણાય. એટલે આવા કોઈ પણ કેસ rarest of the rare છે કે નહીં તે જોઈને જ મોતની સજા કરી શકાય છે. આના પછી દરેક અપરાધમાં જૂથના દ્દરેક સભ્યની વ્યક્તિગત ભૂમિકા પણ જોવાઅય છે. આમ ફાંસીની સજાની જોગવાઈ હોવા છતાં બધાને ફાંસી જ મળે એવું પણ નથી.

હવે મારી દ્વિધા રજૂ કરું.

મોતની સજા સમાજને કઈ રીતે મદદ કરે છે તે નક્કી કરવાનો કોઈ રસ્તો નથી. ડિસેમ્બર ૨૦૧૨માં દિલ્હીમાં નિર્ભયા બળાત્કાર કાંડ થયો. વાંચીને ધ્રૂજી જવાય એવું એ કૃત્ય હતું. આખા દેશમાં હાહાકાર મચી ગયો હતો. છ અપરાધીઓમાંથી એક તો સગીર વયનો હતો એટલે એને તો ફાંસી ન અપાય. એક જણે જેલમાં આત્મહત્યા કરી લીધી. બાકી ચાર આરોપીઓને ફાંસીની સજા કરાઈ, જે સુપ્રીમ કોર્ટે રોકી દીધી. અપરાધી માનસવાળા બળાત્કારીઓ આ સજાથી ડરી ગયા? એવું નથી બન્યું. ૨૦૧૫ના પહેલા બે મહિનામાં દિલ્હી પોલીસે બળાત્કારના ૩૦૦ કેસો નોંધ્યા છે! એનો અર્થ એ કે જ્યાં નિર્ભયા કાંડ થયો ત્યાં જ દરરોજ બળાત્કારના પાંચ કેસો બને છે. મોતની સજાનો ડર કોને છે? મૃત્યુદંડના ડરથી લોકો ગુના ઓછા કરશે એવું તો બન્યું નથી. તો મોતની સજા આપવાનો અર્થ પણ નથી રહેતો.

બીજું, આજે મીડિયાનો જે પ્રભાવ છે તેને કારણે ફાંસીના કેસોનો પ્રચાર એટલો થાય છે કે અપરાધીએ શું ખાધું, શું બોલ્યો, દુઃખી છે કે નહીં, ગીતા કે કુરાન વાંચે છે કે નહીં, એનાં કુટુંબીઓ શું કહે છે વગેરે બધી વાતો સતત જાહેરમાં ચર્ચાતી રહે છે. આને કારણે અપરાધી લોકોનો ‘પ્રિયજન’ બનવા લાગે છે અને એક પ્રકારની સહાનુભૂતિ પેદા થાય છે. આજીવન એટલે કે ખરેખર મૃત્યુ થાય ત્યાં સુધીની કેદ મળે તો પણ આવો રસ પેદા થતો નથી. આજે યાકૂબ મેમણના કેસમાં રસ પેદા થયો પણ એ એકવીસ વર્ષથી જેલમાં જ હતો.  આપણામાંથી કેટલા છેલ્લાં ૨૧ વર્ષથી આ કેસનું પગેરું લેતા હતા? આજે આપણે એ પણ જાણીએ છીએ કે એની પત્નીને કરાંચીમાં માછીમારણો દેખાતી નહોતી તેની બહુ ખોટ લાગતી હતી. પણ એનું આ કથન આજનું નથી, ૨૧ વર્ષ પહેલાંનું છે!

એક દલીલ એવી પણ છે કે મૃત્યુની સજા થાય તેમાં મોટે ભાગે તો ગરીબો ફસાતા હોય છે. કારણ કે એમની પાસે બહુ સારા વકીલ રોકવા જેટલા પૈસા નથી હોતા. નાની કોર્ટોમાં તો વકીલના નામનો પણ પ્રભાવ પાડતો હોય છે. તે ઉપરાંત બીજું પણ ઘણું થતું હોય છે એટલે પૈસાવાળા તો એ પ્રભાવનો જ ઉપયોગ કરવાના પૈસા ખર્ચે છે.  કોઈ પણ કેસ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જાય ત્યારે કેસને સમજવામાં કોઈ ટેકનિક્લ ખામી તો રહી નથી ગઈ ને, એ જ મુખ્યત્વે જોવાય છે. જે મુદાઓ પર દલીલો થઈ ગઈ હોય તેને ફરી ઊખેળાય નહીં. એટલે અપીલ વખતે વકીલો એ સાબિત કરવા પ્રયત્ન કરે છે કે નીચલી કોર્ટે કોઈ મુદા પર ધ્યાન જ ન આપ્યું.

ઘણી વાર રાજકીય કારણો પણ હોય છે. ઘણા અપરાધીઓને રાજકીય દબાણ નીચે છોડી દેવાય છે અથવા લટકાવી દેવાય છે. દરેક સરકાર આવા પ્રખ્યાત કેસોનો ઉપયોગ પોતાના રાજકીય દૄષ્ટિકોણ પ્રમાણે કરે છે.

બીજી બાજુ મને એમ પણ થતું હોય છે કે જેમને બીજાની જિંદગીની કિંમત નથી એમને પોતાને શા માટે મૃત્યુદંડથી બચાવવા? રસ્તે ચાલતાં જે કોઈ છોકરીને બળજબરીથી ઉપાડી જાય, રેપ કરે અને મારી નાખે એ વળી પોતાની જિંદગી બચાવવા માટે દયાની અરજી કરે! અથવા તો બોમ્બ ફેંકીને અસંખ્ય લોકોના જાન લઈ લે એણે તો મરવા તૈયાર રહેવું જોઈએ. કોમી રમખાણો વખતે કોઈને મોતને ઘાટે ઉતારનાર શા માટે નિર્ભય થઈને ફરે? બીજી બાજુ અજમલ કસાબ તો મરવા જ આવ્યો હતો. જીવતેજીવત પક્ડાયો એ તો માત્ર સંયોગો હતા. વળી એણે દેશની સાર્વભૌમ સત્તાને પડકારવા માટે ‘લડાઈ’ કરી હતી. લડાઈમાં મરવાનું તો હોય જ. મારા મનમાં હંમેશાં એ સવાલ રહ્યો છે કે એને આખી જિંદગી જીવતો રાખવો એ મોટી સજા ગણાય કે ફાંસી?

સમાજ વિરુદ્ધ દુષ્કૃત્યો કરનારાને સમાજનો ભાગ શા માટે ગણવા જોઈએ? એવા થોડા લોકો સમાજને શું આપવાના? એમનું અસ્તિત્વ ન ટકે તો સમાજને શું નુકસાન થવાનું?

વળી અંદરથી બીજો ‘હું’ બોલે છેઃ ગાંધીજીએ ભગતસિંહને બચાવવા માટે મંત્રણાઓ કરી તે વખતે પોતાનું સૈદ્ધાંતિક વલણ પણ જાહેર કર્યું કે હું તો અહિંસામાં માનું છું એટલે કોઈનો કાયદાના નામે પણ જાન લેવાય તે મને મંજૂર ન જ હોય.

આજે રાષ્ટ્રસંઘના ૧૯૫ સભ્યોમાંથી ૧૦૩ દેશોએ, એટલે કે ૫૩ ટકાએ કોઈ પણ અપરાધ માટે મૃત્યુદંડની સજા નાબૂદ કરી છે. ૫૦ દેશો, એટલે કે ૨૬ ટકાએ પોતાના કાનૂનમાં મોતની સજા રાખી છે પણ છેલ્લાં દસ વર્ષમાં એનો ઉપયોગ નથી કર્યો. ૬ દેશો (૩ટકા) અપવાદ રૂપ કેસોમાં ફાંસીની સજા આપે છે અને ૩૬ દેશોમાં એટલે કે રાષ્ટ્રસંઘના સભ્યોના ૧૮ ટકા દેશો હજી પણ મોતની સજા આપે છે, જેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન, રશિયા, ઇરાન અને અખાતના આરબ દેશો છે.

આપણા દેશમાં મૃત્યુદંડ વિશે ચર્ચાઓ થાય છે તે કોઈને ફાંસી અપાવાની હોય ત્યારે જ. તે સિવાય ફાંસી વિરોધીઓ સૂતા રહે છે, અને ફાંસી સમર્થકો પણ જ્યારે ફાંસીની વિરુદ્ધ કોઈ બોલે ત્યારે એવા જોશમાં આવી જતા હોય છે કે  જાણે ફાંસી જ સમાજને પતનના માર્ગેથી બચાવી શકવાની હોય. હવે તો ફાંસી ન આપવી એમ કહેવું એ દેશદ્રોહ હોય એવું વાતાવરણ ઊભું થયું છે. આપણે બધા આખી ન્યાયપ્રક્રિયા ચાલતી હોય ત્યાં સુધી સ્વાદ લઈને ચર્ચાઓ કરતા હોઈએ છીએ – અપરાધી કોર્ટમાં કેમ આવ્યો, કોની સામે જોયું, રડવા લાગ્યો કે હસતો હતો. આખી પ્રક્રિયાને અંતે કોર્ટ ચુકાદો આપે છે કે કોઈને ફાંસી આપવી કે નહીં. કેટલાયે આરોપીઓ હોય, તેમાંથી અમુકને ફાંસી અપાય, અમુકને ન અપાય. આ જજની દેશભક્તિ શી રીતે નક્કી કરશું? ફાંસીની સજા કાયદાની પોથીઓમાં ચાલુ રાખવી કે નહીં એનો શાંત ચિત્તે વિચાર કરવા માટે યોગ્ય વાતાવરણ જરૂરી છે. આવી કોઈ વ્યક્તિગત સજાની ગરમાગરમ ચર્ચા ચાલુ હોય ત્યારે આવી સૈદ્ધાંતિક ચર્ચા ન થઈ શકે, માત્ર સંબંધિત કેસમાં શું થયું અથવા ન થયું – અથવા શું થવું જોઈએ કે ન થવું જોઈએ તેની જ ચર્ચા થઈ શકે. સૈદ્ધાંતિક ચર્ચા માટે આ ઘટનાઓના બોધપાઠ જરૂર કામ આવી શકે. ન્યાયપ્રક્રિયા આ જ રીતે મજબૂત બનતી હોય છે. તે સિવાય તો માત્ર  પૂર્વગ્રહો અને ભાવનાઓને આધારે આપણે એક અથવા બીજા પક્ષ માટે બોલતા રહેશું પણ નિર્ણય પર નહીં પહોંચીએ.

ફાંસી વિશે મારા વિચારો ક્યારેક બૌદ્ધિક, ક્યારેક ભાવનાત્મક, ક્યારેક વ્યૂહાત્મક. ક્યારેક ઉપયોગિતાવાદી(Utilitarian) હોય છે.

આ જ ખરી દ્વિધા છે.

૦-૦-૦

%d bloggers like this: