Dear Subodhbhai

પ્રિય સુબોધભાઈ…

મારા લેખ ‘ગ્રીસના ૯૨ વર્ષના જનગણ મન અધિનાયક મૅનોલિસ ગ્લેઝોસ” પર જાણીતા વિદ્વાન અને મારા મિત્ર શ્રી સુબોધભાઈ શાહે પ્રતિભાવ આપતાં લખ્યું કે…”How can a country survive on a deficit economy for such a long long time? On debt for ever, on hand-outs? How long can it keep blaming others? What is the way out in an Economics sense? (Not in a historical or political sense…” આ સવાલનો જવાબ કંઈ કૉમેન્ટ તરીકે આપી શકાય એમ નહોતું એટલે મેં સાદી નોટ લખી કે હું આના વિશે લેખ લખીશ. તો આજનો આ લેખ, જેમની મૈત્રીથી ગૌરવ અનુભવીએ તેવા, શ્રી સુબોધભાઈને પત્ર રૂપે લખું છું.

પ્રિય સુબોધભાઈ,

૧) આમ જૂઓ તો તમારા સવાલનો જવાબ આપી શકું એટલું મારું જ્ઞાન નથી. એ મર્યાદિત હોવાનું એક મુખ્ય કારણ તો એ કે, કંઈ નહીં તો ભારતમાં, મોટા ભાગે તો માત્ર અમેરિકામાં શું થાય છે તેમાં જ રસ હોય છે. તે પણ ‘ઓબામાકેર’ વગેરે જેવી વિગતોમાં પડનારા બહુ ઓછા હશે.  હવે ચીન વિશે પણ જ્ઞાન વધ્યું છે. તે સિવાય દુનિયાના બીજા દેશોમાં શું થાય છે તેના વિશે ભાગ્યે જ કોઈને રસ હશે. હું પણ મર્યાદિત દેશોમાં રસ લેનાર વર્ગમાં છું એટલે ગ્રીસની આર્થિક હાલત વિશે મને રસ પડવાની શરૂઆત થઈ તે એક-બે વર્ષની વાત છે.

૨. ગ્રીસના અર્થતંત્ર વિશે મૅનોલિસ ગ્લેઝોસ વિશેના લેખના અંતે થોડા શબ્દોમાં મેં માહિતી આપી છે કે જેથી વાચકો કદાચ જાતે વધારે વાંચવા પ્રેરાય.

૦-૦-૦

૩. તમે લખ્યું છેઃ What is the way out in an Economics sense? (Not in a historical or political sense). અહીં મારા માટે થોડી મુશ્કેલી એ છે કે હું ઇકોનૉમિક્સને ‘પોલિટિક્સ’થી અલગ કરી શકું એમ નથી. ઇકોનૉમિક્સનું મૂળ નામ જ Political Economy હતું. રાજકીય પક્ષો સરકારો બનાવે છે અને એમની આર્થિક નીતિઓને અમલમાં મૂકે છે. આ નીતિઓના સમર્થકો અને વિરોધીઓ પણ હોય છે. દરેક પક્ષ પોતાના આર્થિક વિચારો જનતા સમક્ષ મૂકતા હોય છે.. આમ,કોઈ પણ સ્થિતિમાં ઇકોનૉમિક્સને પોલિટિક્સથી અલગ કરવાનું મુશ્કેલ થઈ જશે.

૪. એવું જ ઇતિહાસનું પણ છે. કોઈ પણ સમાજની સામુદાયિક વર્તમાન સ્થિતિ એના સામુદાયિક ભૂતકાળમાંથી જન્મે છે. આપણા ધર્મો, નૈતિકતા, રીતરિવાજો, ક્યારેક ભૂગોળ (ભારત અને પાકિસ્તાન – એમ ભૂગોળ વહેંચાઈ ગઈ), પણ ભૂતકાળની દેન હોય છે અને એમાં સમાજની આર્થિક સ્થિતિનો પણ સમાવેશ થઈ જાય. યુદ્ધ થાય તો આર્થિક પ્રભાવ પડે, તેમ સામાજિક પ્રભાવ પણ પડે જ. વિશ્વયુદ્ધો દરમિયાન કામદારોની ખેંચ પડતાં સ્ત્રીઓને પણ બહાર નીકળીને કામ કરવા પ્રોત્સાહિત કરવામાં આવી. આનો સારો પ્રભાવ એ રહ્યો કે સ્ત્રીઓ માટે આઝાદીનો રસ્તો ખુલ્યો. આમ ઇતિહાસને પણ ઇકોનૉમિક્સથી અલગ ન કરી શકાય એટલું જ નહીં સમાજશાસ્ત્રને પણ અલગ તારવવું અશક્ય છે.

૫. ઇકોનૉમિક્સને બધાથી અલગ સ્વતંત્ર શાસ્ત્ર માની લઈએ તો એ સમાજથી જ અલગ થઈ જાય. એ લૅબોરેટરીમાં અખતરા કરી શકાય એવું વિજ્ઞાન નથી. જો કે, છેલ્લાં ત્રીસેક વર્ષમાં એને આંકડાઓના પૃથક્કરણનું શાસ્ત્ર બનાવી દેવાનું વલણ રહ્યું પણ હવે, ખાસ કરીને, અમેરિકામાં આર્થિક melt-down પછી એમાં માનવીય તત્ત્વ ધ્યાનમાં લેવાનું વલણ ફરી વધ્યું છે. એટલે ઇકોનૉમિક્સ આજે માત્ર ‘ઉત્પાદન’ કે નફાનો જ વિષય નથી, ‘વહેંચણી’ પર ફરી ભાર મુકાવા લાગ્યો છે.

૦-૦-૦

૬. ખરું જોતાં, યુરોપના બધા દેશો અમેરિકાની મદદથી ઊભા થયા છે. બીજા વિશ્વયુદ્ધમાં તારાજ થયેલા યુરોપ માટે અમેરિકાએ ‘ડૉનેશન’ જેવી યોજના બનાવી. અમેરિકાના વિદેશમંત્રી જ્યૉર્જ માર્શલના નામ પરથી એ ‘માર્શલ પ્લાન’ તરીકે ઓળખાય છે. આમાં અમેરિકાએ આખા યુરોપના દ્દેશોને ૧૩ અબજ ડૉલર વહેંચી આપ્યા. (કોઈ દસ્તાવેજમાં આ આંકડો ૧૪ અબજ અને કોઈમાં ૧૭ અબજ મળે છે). આમાંથી ૨૬ ટકા રકમ બ્રિટનને અને ૧૧ ટકા રકમ પશ્ચિમ જર્મનીને મળી. માર્શલ પ્લાન ઉપરાંત પણ એટલી જ રકમ અમેરિકાએ આ દેશોને લોન તરીકે આપી. એટલું જ નહીં જર્મનીએ પહેલા વિશ્વયુદ્ધથી બ્રિટનનું દેવું ચૂકવવાનું હતું તે બીજા વિશ્વયુદ્ધ સુધી પૂરું ચૂકવાયું નહોતું અને બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટને બાકીનું દેવું – લગભગ અડધું – માફ કરી દીધું.

૭. સોવિયેત સંઘ માર્શલ પ્લાનમાં ન જોડાયું. એણે પોતે મદદ લેવાની ના પાડી એટલું જ નહીં પૂર્વ યુરોપના એના વર્ચસ્વ હેઠળના દેશોને પણ એ મદદ લેવા ન દીધી.

૮. અમેરિકાએ એશિયા માટે પણ માર્શલ પ્લાન જેવો બીજો પ્લાન બનાવ્યો હતો પણ એ ડોનેશન નહીં વેપારી લોન હતી

૯. આમ જૂઓ તો પશ્ચિમ જર્મનીનો પોતાનો વિકાસ પણ.ડોનેશનને કારણે થયો છે.

૧૦. માર્શલ પ્લાનનો લાભ ગ્રીસને પણ મળ્યો અને ૧૯૫૦થી એની ઝડપી વૃદ્ધિ થઈ. રસાયણ ઉદ્યોગનો ખાસ વિકાસ થયો. તે પહેલાં પહેલા વિશ્વયુદ્ધના સમયમાં પણ ત્યાં ઉદ્યોગો હતા, જેમાં શિપ-બિલ્ડિંગ ઉદ્યોગ મુખ્ય હતો. અર્થતંત્રમાં તેજીની સ્થિતિ ૧૯૭૩ સુધી રહી. એ આપણે યાદ રાખીએ કે ગ્રીસ પર કુદરતની બહુ કૃપા નથી. તેમ છતાં એનો વૃદ્ધિ દર બહુ ઊંચો હતો, કંઈક સાત-આઠ ટકાની વચ્ચે હતો; લગભગ જાપાન જેવો.

૧૧. મઝાની વાત એ છે કે જર્મનીને અમેરિકા ઉપરાંત મદદ કરનારા બીજા દેશોમાં ગ્રીસ પણ હતું! (અને પાકિસ્તાન પણ!).

૧૨. આ સાથે એક બીજી વાત નોંધી લઈએ. ૧૯૪૨માં નાઝીઓએ ગ્રીસની સેન્ટ્રલ બૅંકમાંથી ૪૭૬ મિલિયન રીચમાર્ક ઉપાડ્યા. શૂન્ય વ્યાજના દરે! આ લૂંટ જ હતી, પરંતુ એમણે એક નોટમાં એ લોન હોવાનું દેખાડ્યું છે. આ રક્મ યુદ્ધ પછી જર્મનીએ પાછી આપવાની થઈ ત્યારે માત્ર ૧૧૫ મિલિયન રીચમાર્ક પાછા આપ્યા અને ૧૯૬૦માં જાહેર કર્યું કે યુદ્ધ સંબંધી કોઈ ચૂકવણી હવે બાકી નથી. પરંતુ આ યુદ્ધના નુકસાનનું વળતર નહોતું. આ શૂન્ય દરે લીધેલી લોન પાછી આપવાની હતી, પણ જર્મનીએ સાફ ના પાડી દીધી.

૧૩. બીજી બાજુ, યહૂદીઓની કત્લે આમ માટે એણે ઇઝરાએલ અને વર્લ્ડ જ્યૂઇશ કોંગ્રેસને વળતર ચૂકવી દ્દીધું પણ હૉલોકોસ્ટમાં મરનારા વ્યક્તિગત યહૂદીઓનાં કુટુંબોને કે રુમાનિયાના માર્યા ગયેલા યહૂદીઓને કંઈ ન આપ્યું. દેખીતું છે કે આ મદદ ઇઝરાએલના રાજ્યને આપી.

૧૪. યાદ રાખવાનૂં એ છે કે વિશ્વયુદ્ધ પછીના પંદર વર્ષ સુધી ગ્ર્રીસને આપવાની રકમ બાબતમાં મતભેદ નહોતો.

૧૫. ઉપર બ્રિટને જર્મની પરનું દેવું માફ કર્યું તેની વાત કરી. બાકીનું દેવું પાછું ચૂકવવા માટે બ્રિટને એવી સગવડ આપી કે જર્મની પોતાના આંતરરાષ્ટ્રીય વેપારની પુરાંતમાંથી દર વર્ષે માત્ર ત્રણ ટકા મુદ્દલ ચૂકવે. એટલે કે આ દેવું ચૂકવવા માટે એણે કોઈ નવી લોન ન લેવી પડે. આમ, એને ૩૩ વર્ષનો સમય આપવામાં આવ્યો. આ કારણે, જર્મનીને વેપારમાં પુરાંત રહે તેમાં એને લોન આપનાર દેશોને પણ રસ હતો. આ છે જર્મનીના વિકાસનું કે ચમત્કારનું રહસ્ય. દુનિયામાં ક્યાંયે ચમત્કાર જેવા દાવા થતા હોય ત્યારે એનાં મૂળ સુધી જઈને તાર્કિક કારણો શોધ્યા વિના ચાલે નહીં..

૧૫. જોવાનું એ છે કે જર્મનીએ યુદ્ધ છેડ્યું અને એના ઉપર મિત્ર દેશોએ દંડ લાગુ કર્યો પણ તેને ખરેખર તો મદદ મળી અને એના તરફથી કોઈ દેશને અમુક પ્રદેશ મળ્યો તો કોઈને મિત્ર દેશો જે કૅક્ટરીઓ જર્મનીમાંથી ઊખાડી લાવ્યા હતા, એ સરંજામ મળ્યો. આમ જર્મનીને રોકડનું સંકટ ભોગવવાનો સમય ન આવ્યો. માત્ર દેવાનો ભાર હતો, એ જ જર્મનીએ નાઝીઓએ લિખિત દસ્તાવેજ પર લીધેલા પૈસા ગ્રીસને પાછા આપવાની ના પાડી.

૦-૦-૦

૧૬. હવે સંક્ષેપમાં બે વાત જોઈ લઈએ. યુરોપીય સંઘ બનાવવા પાછળ ઉદ્દેશ શો હતો? ગ્રીસ એમાં શા માટે જોડાયું નવાઈની વાત એ છે કે આ બન્ને પાછળ આર્થિક કારણો નથી!

૧૭. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ આર્થિક દૃષ્ટિએ તો તૂટી પડ્યું હતું અને તે ઉપરાંત પરસ્પર અવિશ્વાસ પણ હતો. બ્રિટન અને જર્મની, ફ્રાન્સ અને જર્મની, જર્મની અને બીજા નાઝી આક્રમણનો ભોગ બનેલા દેશો  એકબીજા પ્રત્યે અવિશ્વાસથી જોતા હતા. આની અસર એમના સંબંધો અને વેપાર પર પડતી હતી. એટલે છેક ૧૯૫૦થી એમણે પરસ્પર વિશ્વાસ વધારવાનાં પગલાં લીધાં. શરૂઆતમાં તો જર્માનીની લશ્કરી તાકાત ન વધે તે મૂળ હેતુ હતો; ધીમે ધીમે યુરોપની સમાનતાઓ અને પછી યુરોપની અસ્મિતાની નજરે બધા વિચારવા લાગ્યા.

૧૮. બીજી બાજુ,૧૯૬૭થી ૧૯૭૪ સુધી ગ્રીસ સરમુખત્યારના શાસન હેઠળ હતું. જનતામાં લોકશાહીની આકાંક્ષા હતી એકત્ર યુરોપનો આદર્શ ગ્રીસને પસંદ હતો.

૧૯. યુરોપના જ દેશો – સ્પેનમાં જનરાલિસિમો ફ્રાંકોની સરમુખત્યારી સામે પણ પ્રબળ અવાજ ઊઠતો હતો. પોર્ટુગલમાં તો સત્તાપલટો થઈ પણ ગયો હતો.

૨૦. બીજી બાજુ, સાયપ્રસના વિવાદમાં ગ્રીસ અને તુર્કી વચ્ચે યુદ્ધ છેડાઈ પડ્યું. સાયપ્રસમાં ગીક અને તુર્ક બન્ને પ્રજાઓ છે અને એ નાગરિક યુદ્ધ જ હતું. ગ્રીસ નૅટોનું સભ્ય હોવા છતાં અમેરિકા કે બ્રિટને નૅટોને ગ્રીસની તરફેણમાં સક્રિય ન બનાવ્યું. ગ્રીસને યુરોપ સાથે વધારે નજીકથી જોડાવાનું યોગ્ય લાગ્યું તેમાં આ પણ એક પરિબળ છે. એને યુરોપ સિવાય બીજે ક્યાં ભરોસાપાત્ર સાથી મળવાના હતા?

૨૧. યુરોપમાં ઉત્તરના દેશો અને દક્ષિણના દેશોની આર્થિક સ્થિતિમાં બહુ અંતર હતું. અને છે. યુરોપમાં બધા જ દેશો વિકસિત નથી.  દક્ષિણ યુરોપના દેશો આર્થિક વિકાસ ઇચ્છતા હતા અને ઉત્તર યુરોપના દેશો એમના વિકાસમાં વેપારની બહુ મોટી તકો જોતા થઈ ગયા. અહીંથી ઇકોનૉમિક્સ પણ પ્રવેશે છે.

૦-૦-૦

૨૨. ગ્રીસ ૧૯૮૧માં યુરોપીય સંઘમાં ૧૦મા સભ્ય તરીકે જોડાયું ત્યારે એના વડા પ્રધાન કોન્સ્ટન્ટીન કારામન્લિસે કહ્યું કે ગ્રીસ, યુરોપ અને ખ્રિસ્તી ધર્મના આદર્શોને ધ્યાનમાં રાખીને અમે જોડાઇએ છીએ. અને બે વર્ષ પછી એ ૧૨મા સભ્ય તરીકે યુરો ઝોનમાં સામેલ થયું. ૨૦૦૧માં એણે પોતાનું ચલણ યૂરોમાં ફેરવી નાખ્યું, જે ‘ઍડજસ્ટમેન્ટ’ના સમય પછી ૨૦૦૨માં સંપૂર્ણ રીતે અમલમાં આવ્યું.

૨૩. ૧૯૮૧થી ૧૯૯૫નો ગાળો ગ્રીસ માટે બહુ સારો પણ નહીં અને બહુ ખરાબ પણ નહીં એવો હતો. યુરોપીય સંઘમાં જોડાવાથી જ બધું બરાબર થઈ જાય એમ નહોતું.  પરંતુ તે પછી ગ્રીસે બહુ ઝડપભેર પ્રગતિ કરી.

૦-૦-૦

૨૪. બીજી બાજુ યૂરો ઝોનમાં આવતાં સ્પર્ધા વધી. પહેલાં બૅંકો માત્ર જાહેર ક્ષેત્રની કંપનીઓને જ લોન આપતી પણ હવે યુરોપની ખાનગી કંપનીઓ પણ આવવા લાગી. આથી બૅન્કના વ્યાજના દરની પણ સ્પર્ધા થવા લાગી. પરિણામે વ્યાજની આવકમાં ભારે ઘટાડો થયો.

૨૫. ગ્રીસે એક ખેટું ખેડ્યું અને ૨૦૦૪માં ઑલિમ્પિક્સ યોજી. પરંતુ એનો એને લાભ ન મળ્યો. સહેલાણીઓ ગ્રીસ કરતાં આજુબાજુના દેશોમાં વધારે ફર્યા. મુલાકાતીઓમાંથી થનારી આવકની દ્ધારણા ખોટી પડી. ઉલટું, એના પર ખર્ચનો બોજો પડ્યો. એની ખાધ સાડા-છ ટકા કરતાં પણ ઉપર ગઈ, જે યૂરો ઝોનના બીજા દેશો કરતાં બમણી હતી. આથી દેવાનો બોજ પણ કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (GDP) ના ૧૫૯ ટકા જેટલો થઈ ગયો.

૦-૦-૦

૨૬. ૨૦૦૮માં અમેરિકાની આર્થિક મંદીએ દુનિયાના કેટલાયે દેશોની કમર તોડી નાખી. ગ્રીસ જેવા દેશોની હાલત વધારે ખરાબ થઈ, કારણ કે એની રાષ્ટ્રીય આવકમાં વિદેશવાસી ગ્રીકો (કામદારો સહિત) પૈસા મોકલાવતા તેનો મોટો ફાળો હતો.

૨૭. ૨૦૧૦માં ગ્રીસે પહેલી વાર લોન માગી. એ વખતે મંદીની અસરમાંથી મુક્ત થવા માગતી ખાનગી કંપનીઓને નવું બજાર ખોલવાની તક મળી. ગ્રીસ પર શરતો લાગુ કરી કે એ પેન્શન અને વીમા ક્ષેત્રમાં વિદેશી કંપનીઓને આવવા દે. સામાજિક સુરક્ષાના કાર્યક્રમો બંધ કરે અને ખર્ચ બચાવે. આ કંપનીઓને ઉત્પાદન વધારવા માટે કે વેપારના વિકાસ માટે પ્રોત્સાહન મળે એવી રીતે નાણાકીય ફેરફારો કરે.

૨૮. આ શરતો માન્યા પછી પણ ગ્રીસની હાલત સુધરી નથી. લોકમત લીધા પછી પણ સિરીઝા સરકારે હવે બધી શરતો માની લીધી છે અને ગ્રીસને સાત અબજ ડૉલરનું બેલ-આઉટ પૅકેજ આપવામાં આવ્યું છે. આની શરતોનો સંસદ માત્ર બે જ દિવસમાં સ્વીકાર કરી લે એ મુખ્ય શરત હતી.

૦-૦-૦

૨૯. આમ ગ્રીસનું અર્થતંત્ર નબળું હોવા છતાં પહેલાં ૨૦૧૦ જેવી હાલત નહોતી એટલે “કોઈ દેશ ક્યાં સુધી Hand-outs પર ટકી શકે?” એ સવાલને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂકીએ તો કદાચ જુદું જ ચિત્ર મળે. કારણ કે આ સમસ્યા કોઈ અનાદિ-અનંત કાળની નથી. માત્ર છેલ્લાં પાંચ વર્ષની વાત છે.

૩૦. કોઈ પણ કંપની બહારથી આવે તે પોતાના ફાયદા માટે આવે છે, દેશના ભલા માટે નહીં – આ મહત્ત્વનો સંદેશ છે. મેં ઉપર દેખાડ્યું છે તેમ જર્મની પોતે જ ચારે બાજુથી બધી જાતની લાંબા ગાળાની લોન અથવા બોજો ન બને એવી ગ્રાન્ટના આધારે પગભર થયું. આ પણ કોઈ પ્રાચીન યુગની વાત નથી. દુનિયાભરમાં લોનો લેવાય છે અને અપાય છે, પણ એની મુદત લાંબી હોય છે. ગ્રીસ માટે આકરી શરતો અને તેના વિના કોઈ જ મદદ નહીં! આ દેખાડે છે કે હજી ૨૦૦૮ના આંચકામાંથી દુનિયા બહાર નથી આવી અને જર્મન સરકાર ગમે ત્યાંથી, કોઈ પણ ભોગે માર્કેટ પેદા કરવા માગે છે. ગ્રીસને પણ પગભર થવા માટે સમય આપવો જોઈએ. આ તો કોઈ સ્વાધીન દેશના સાર્વભૌમત્વ પર હુમલો છે કે જાઓ કાલે જ સંસદ પાસેથી મંજૂરી લઈ આવો, નહીંતર તમને લોન નહીં આપીએ. છેવટે એ છે તો લોન જ -અને તે પણ પહેલાંની લોન પરત કરવા માટેની લોન…!

૩૧. યુરોપીય પંચ (European Commission) અને યુરોપીય સેન્ટ્રલ બૅન્કના આ વ્યવહારથી Troika (ત્રિપુટી)નો ત્રીજો સાગરિત, આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF) પણ વિમાસણમાં છે. એનો એક ખાનગી રિપોર્ટ લીક થયો છે તેમાં ચેતવણી આપી છે કે આ બેલ-આઉટથી ગ્રીસની સ્થિતિ વધારે ખરાબ થશે અને એનું દેવું GDPના ૨૦૦ ટકા જેટલું થશે. IMF કહે છે કે ગ્રીસને દેવું ચૂકવવા માટે ઓછામાં ઓછાં ૩૦ વર્ષ આપવાં જોઈએ અને આજે એને નવા કરજની નહીં, કરજમાં રાહતની જરૂર છે.1

૩૨. યુરોપીય સંઘની એકતા શા માટે? અને એ તૂટી જશે તો શું થઈ જવાનું છે? યુરોપીય સંઘ શું છે? ધનકુબેરોનું કાર્ટેલ? આજે યુરોપીય સંઘની પ્રતિષ્ઠાને તો આંચકો લાગી ચૂક્યો છે.  ઝ્યાં-પિઅરે લેહમાન કહે છેઃ The European ideal rested at its inception on a dream, a mission and a vision – and not on a balance sheet. Foundations were laid during the 1950s and 60s, with enormous efforts extended to create trust among countries…અને એમણે આ લેખમાં ગ્રીસની તરફેણ નથી કરી.2

૩૩. ગ્રીસની કટોકટી આર્થિક નથી, એ નૈતિક, ઐતિહાસિક અને રાજકીય છે. આર્થિક સંકટ તો એની માત્ર ઉપર દેખાતી અણી છે. ભવિષ્યમાં શું થાય છે તે જોઈએ. પરંતુ પોલ ક્રુગમૅને તો ભવિષ્યનો સંકેત આપી દીધો છેઃ ”The European project — a project I have always praised and supported — has just been dealt a terrible, perhaps fatal blow. And whatever you think of Syriza, or Greece, it wasn’t the Greeks who did it.”3

૦-૦-૦-૦

સુબોધભાઈ, આ સવાલ ઊભો કરીને તમે મારા વિચારોને એકત્ર કરવાની તક પૂરી પાડી છે તે માટે મારે તમારો આભાર જ માનવાનો છે. આમ તો યુરોપના વિકાસ વિશે કેટલાંક કારણોસર પ્રાથમિક સ્તરનું વાંચવા-સાંભળવાનું બન્યું છે, પણ કોઈ એક દેશ વિશે અલગથી ખાસ વાંચ્યું હોય એવું નહોતું. એકલા ગ્રીસ વિશે અલગ રીતે સમજવાનો પ્રયત્ન પણ નહોતો કર્યો. પરંતુ ત્રણ-ચાર વર્ષ પહેલાં ગ્રીસનું નામ અવારનવાર ચમકવા લાગ્યું એટલે થોડુંઘણું જાણ્યું. મેં જે કંઈ વાંચ્યું તે લાઇબ્રેરીમાંથી લઈને વાંચ્યું – માત્ર જાણવા માટે; લખવાના વિચારથી નહીં, એટલે સંદર્ભ તરીકે સાચવ્યું પણ નહીં. પહેલાં તો છાપાંમાંથી ઢગલાબંધ કાપલીઓ રાખવાની પણ ટેવ હતી પણ ઇંટરનેટ આવતાં કાપલીઓ ક્યાં ગઈ તેય ખબર નથી. એટલે માત્ર ઇંટરનેટનો જ આધાર રહ્યો.  જૂનું વાંચેલું હતું તેના આધારે ઇંટરનેટ પરથી શોધ્યું તો અમુક મળ્યું, અમુક ન મળ્યું અથવા મારી જૂની છાપ ખોટી પડી. ઘણું નવું જાણવા મળ્યું. અહીં મેં જે કંઈ જોયું, વાંચ્યું તેની લિંકો આપું છું. જે વાંચ્યું તે બધું લીધું પણ નથી. આટલા નાના લેખમાં કેટલું લઈ શકાય? વધારે સમજવા માટે બીજું પણ વાંચ્યું, એની લિંક નથી આપી. વાંચવાનો મૂળ હેતુ તો એ જ કે બધું બરાબર ઘુંટાય તો જ કંઈક વાંચવા લાયક લખી શકાય. મતભેદો તો રહી પણ જાય કારણ કે એ ‘મત’ -અભિપ્રાય – છે. પરંતુ એ નક્કી, કે આ બધી વાચનસામગ્રી રસ પડે તેવી છે એટલે જે વાંચશે તે એમાં ડૂબી જશે એની ખાતરી આપું છું.

ફરીથી આભાર.

દીપક

૦૦૦૦૦૦૦૦

1http://www.theguardian.com/business/2015/jul/14/imf-report-greece-needs-more-debt-relief

2http://yaleglobal.yale.edu/content/greek-crisis-eu-part2

3http://krugman.blogs.nytimes.com/2015/07/12/killing-the-european-project/?_r=0

______________

ઉપયોગમાં લીધેલી અન્ય વાચન સામગ્રીની યાદી સાભાર પ્રસ્તુતઃ

http://www.theguardian.com/commentisfree/2013/feb/27/greece-spain-helped-germany-recover

https://en.wikipedia.org/wiki/Economic_history_of_Greece_and_the_Greek_world

https://en.wikipedia.org/wiki/Greek_economic_miracle

http://marshallfoundation.org/marshall/the-marshall-plan/

http://www.britannica.com/event/Marshall-Plan

http://www.hellenicfoundation.com/History.htm

http://www.encyclopedia.com/topic/Greece.aspx

http://www.theguardian.com/world/2011/aug/02/greek-protester-resisted-nazis

http://www.theguardian.com/world/2014/nov/30/greek-resistance-manolis-glezos-planted-bomb-athens-winston-churchill

https://en.wikipedia.org/wiki/Manolis_Glezos

https://en.wikipedia.org/wiki/Dawes_Plan

‘http://www.lse.ac.uk/researchAndExpertise/researchImpact/PDFs/germany-hypocrisy-eurozone-debt-crisis.pdf

http://www.forbes.com/sites/timworstall/2012/09/12/does-germany-really-owe-greece-a-etrillion-in-war-reparations-probably-not-no/

http://www.spiegel.de/international/germany/greek-study-provides-evidence-of-forced-loans-to-nazis-a-1024762.html

http://www.theguardian.com/business/2015/jul/06/germany-1953-greece-2015-economic-marshall-plan-debt-relief

10 thoughts on “Dear Subodhbhai”

 1. ચર્ચા બહુ માહિતીપ્રદ જરૂર છે.
  આ બાબતે બે વાતની દૃષ્ટિએ વિચારવાની ખાસ જરૂર જણાય છે. પરંપરાગત રીતે ગ્રીસ ખેતી અને વહાણવટાંનાં બળ પર સમૃદ્ધ થયું હતું. વિકાસની નવી – ઔદ્યોગિકીરણ-ની દોટમાં આ બંને સ્તરે તેની શું પરિસ્થિતિ રહી? સામાન્ય રીતે જેમ જેમ કોઇ પણ દેશમાં ઉદ્યોગો અને સેવાઓ ( )નો હિસ્સો વધે તે સાથે જો તેનાં પરંપરાગત ક્ષેત્રો તરફની કુશળતા જો માર ખાય તો જતે દહાડે સ્થિતિ નબળી પડી શકે. પરંપરાગત રીતે ગ્રીક લોકો બહુ મહેનતુ નહોતો તેવી પણ એક માન્યતા છે. તેમ છતાં તે ખેતી અને વહાણવટાંમાંથી જ સમૃદ્ધ થયેલ તે પણ હકીકત છે.
  ૨૦૦૮ પછી યુરોપના સક્ષમ દેશોએ પોતાનાં અથતંત્રને ટકાવી રાખવા બીજી કક્ષાના દેશોનો ઉપયોગ કર્યો. તેમાં પૂર્વ યુરોપના જે દેશોમાં ઔદ્યોગિક ક્ષેત્રે કુશળતા હતી અને જે દેશોએ ઋણ લેવાની લાલચ છોડી અને પોતાનાં જોર પર આર્થિક વિકાસ કરવા ઈચ્છ્યો તેમની હાલત આજે ઘણી સારી છે. યુરોપના વિકસિત દેશો પણ તેમની પર એટલો આધાર રાખતા થ ઇ ગયા છે કે તેમની અન્યોન્ય સાથેની અને ઑવરોલ વ્યાપાર સમયુલા પણ ઘણી જ તંદુરસ્ત રહી શકી છે. આ બાબતે ગ્રીસની સરકારો ક્યાં થાપ ખાઈ ગઈ તે પણ જાણવા જેવું હશે.

  1. શ્રી મુરજીભાઈને મેં જવાબ આપ્યો જ છે, લગભગ એવો જ જવાબ અહીં પણ આપી શકાય. લોકો મહેનતુ હોય કે નહોય, પરંતુ મૅનોલિસ ગ્લેક્ઝોસવાળા લેખમાં મેં ટૂંકમાં માહિતી આપી છે તે પ્રમાણે કુદરતની કૃપાથી વંચિત પ્રદેશ તો ્છે જ. આ સંયોગોમાં ‘આઉટપુટ’ની રીતે વિચારીએ અને બીજાં ફૅક્ટર્સ ધ્યાનમાં ન લઈએ તો કહી જ શકીએ કે ગ્રીસના લોકો મહેનત બહુ નહીં કરતા હોય અથવા એમનું વર્ક કલ્ચર જ ખરાબ છે. પણ તો આ સંકટ ૨૦૧૦ સુધી કેમ ન આવ્યું?
   તમારો બીજો મુદ્દો પૂર્વ યુરોપના દેશોનો છે. આ બધા ભૂતપૂર્વ સમ્યવાદી દેશો છે. મૂળ વાત છે ઉત્પાદનની પૅટર્નની. સામ્યવાદ હોય કે મૂડીવાદ, બન્નેની ઉત્પાદનની પૅટર્ન ભારે ઉદ્યોગોની રહી છે. ખેતીને ઓછું અને ઉદ્યોગોને વધારે મહત્ત્વ આપવું. આમ છતાં સામ્યવાદી પૂર્વ યુરોપના દેશો પશ્ચિમી યુરોપના દેશો કરતાં પાછળ જ હતા. પરંતુ ઉત્પાદનની પૅટર્ન એ જ હોવાથી અંતર માત્ર પ્રમાણનું રહ્યું, પ્રકારનું નહીં બે જર્મની ભેગામ્થયાં તેમાં આજે પણ પૂર્વ જર્મનીના લોકો પશ્ચિમ જર્મનીના લોકો કરતાં પાછળ છે. પરંતુ જર્મન ઉદ્યોગને સસ્તા મજૂર ત્યાંથી જ મળે છે. વળી બજરમાઅં ગ્રાહકો પણ પૂર્વ જર્મનીના વધારે હોય છે.
   એક દેશની આર્થિક સ્થિતિ સારી કે ખરાબ હોવા માટે ઘણાંબધાં ઘટકો જવાબદાર હોય છે. આપણે લોકોમાં ખાસ ગુણ કે અવગુણ માની લઈએ એ તો સરલીકરણ થયું એટલે જ મેં છેલ્લા સાઠ વર્ષના ઇતિહાસમાં ડોકિયું કરવાનો સમગ્રલક્ષી પ્રયાસ કર્યો છે.

 2. There is one point I see missing in your otherwise complete analysis. That is work culture in a particular society or country. We know that there is a distinct difference in work culture in India against that in say, Japan, China or developed western countries.
  My question is; Is there a noticable difference in Greece’s work culture compared to western European countries? That certainly would have an impact on the economic state of that country.

  1. શ્રી મુરજીભાઈ, કોઈ ટેકનિકલ કારણે જવાબ લખ્યો તે દેખાતો નથી એટલે ફરી લખું છું. વર્ક કલ્ચરની દૃષ્ટિએ – એટલે કે વ્યક્તિગત પ્રોડક્ટિવિટીની દૃષ્ટિએ મેં ગ્રીસ વિશે ધ્યાન નથી આપ્યું. પણ વર્ક કલ્ચરની વાત કરીએ ત્યારે જાપાન જ યાદ આવે છે. વર્ક કલ્ચર પોતે એક ધારણા છે, પ્રોડક્ટિવિટીની તુલના છે. આપણે ઍસ્કિમોના વર્ક કલ્ચર વિશે જાણતા નથી. આપણા જ દેશના અદિવાસીઓના વર્ક કલ્ચર વિશે પણ નથી જાણતા. કયા પ્રકારની આર્થિક વ્યવસ્થાની તુલના કરીએ છીએ તે મહત્ત્વનું છે. આર્થિક સ્થિતિના પ્રકારમાં ઘણાં પરિબળો ભાગ ભજવે છે અને તેમાં વ્યક્તિગત આળસ કે મહેનતની શક્તિની ભૂમિકા પણ છે જ. પરંતુ એ પણ સામાજિક કારણોનું પરિણામ હશે.

   1. બરાબર છે. વર્ક કલ્ચર કોઈ પ્રજાનો જેનેટિક ગુણ કે અવગુણ નથી. મેં કહ્યું જ છે કે એ સામાજિક સ્થિતિનું પરિણામ છે. અહીં વર્ણભેદ આપણને કોઈ પણ કામ કરતાં અટકાવે છે. અમેરિકા જઈએ ત્યારે એનાથી મુક્ત હોઈએ છીએ. છેવટે ગ્રીસથી પણ લોકો બહાર જઈને કામ કરે જ છે અને પોતાના દેશમાં પૈસા પણ મોકલે છે. આવાં ઘણાં કારણ માણસને આળસુ કે મહેનતુ બ્નાવે છે. સામાજિક પ્રતિષ્ઠા બહુ મોટી વાત હોય છે. એ કામનો પ્રકાર અને વલણ નક્કી કરે છે. આને Peer pressure પણ કહી શકાય.

 3. એક જાહેર અનુભવની વાતઃ
  ખુબ ભણેલા હોય કે ઓછા ભણેલા, ભારતીય જ્યારે અમેરિકા પહોંચે છે ત્યારે તે ખુબ મહેનતુ અને જવાબદાર બને છે. જે કામ કરવામાં અહીં હિણપત અનુભવતો હતો તેજ કામ ત્યાં હોંશે હોંશે કરે છે. આ ઍટીટ્યુડ વ્યક્તીગત નહીં પણ સ્થાનિક વર્ક કલ્ચરને આભારી છે.
  ભારત જ્યારે ઈગ્લેન્ડનું સંસ્થાન બન્યું ત્યારે અમેરિકાએ ઈગ્લેન્ડ પાસેથી આઝાદી મેળવી હતી.

 4. Whatever name we call it, work culture had made and broke societies, countries and even civilizations. In Indian context, our caste system has played a pivotal role even in this area along with many others. Ours is a very dirty country because WE, so called higher class people, can not engage ourselves in so called lowly “clean up work”.
  This does not need any reply or further discussion. I know our views are very similar.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: