92 year old evergreen leader of Greece

દીપક ધોળકિયા

ગ્રીસના આર્થિક સંકટના સમાચાર કેટલાયે વખતથી ચમકે છે. યુરોપિયન કમિશન, યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને આઈ.એમ. એફ.ની ત્રિપુટીએ ગ્રીસને દેવાના ખાડામાં ઉતારી દીધું છે. ગ્રીસમાં મોટું નાણાકીય સંકટ ઊભું થયું તેનો લાભ લેવા આ ત્રિપુટીના સહયોગથી ખાનગી કંપનીઓ આગળ આવી અને વધારે કરજ દેવા માટે આકરી શરતો મૂકી. હાલમાં જ ચુંટાયેલી સિરીઝા પાર્ટીના વડા પ્રધાન એલેક્સિસ ત્સિપરાસે આ શરતો સ્વીકારવી કે કેમ તે વિશે લોકમત લીધો તેમાં OXI (ના)ની જબ્બર બહુમતી રહી. જો કે તે પછી ૧૪મી તારીખના સમાચાર મુજબ ત્સિપ્રાસે બ્રસેલ્સમાં યુરોપિયન કમિશનની બધી શરતો માની લીધી છે. વિકસિત દેશો અને વિકાસશીલ દેશો વચ્ચેનો આ જંગ ગ્રીસના સંકટને કારણે ત્રિભેટે આવી ઊભો હતો. જનતાએ હવે વધારે શોષણ સામે નમતું ન આપવાનો સ્પષ્ટ નિર્ણય આપ્યો છે. લોકમતમાં મળેલો વિજય બ્રસેલ્સમાં પરાજયમાં પરિણમ્યો છે.

ગ્રીસ યુરોપીય સંઘમાંથી નીકળી જશે કે શું, એવા સવાલો થતા હતા ત્યારે સિરીઝા પાર્ટીના ભીષ્મ પિતામહ અને યુરોપીય સંસદમાં ગ્રીસના સભ્ય મૅનોલિસ ગ્લેઝોસે ગર્વભેર જાહેર કર્યુઃ યુરોપે ગ્રીસને નથી બનાવ્યું, ગ્રીસે યુરોપને બનાવ્યું છે.વાત સાચી છે. આખું યુરોપ અંધારયુગમાં જીવતું હતું ત્યારે પણ ગ્રીસમાં જ્ઞાનની જ્યોત જલતી હતી. આજે યુરોપની અને આખી દુનિયાની વિચારધારા, ગણિત અને તર્કશાસ્ત્ર પર થેલ્સ, પાઇથાગોરસ,આર્કીમિડીસ, હીરોડોટસ, હીરાક્લિટસ, ઝેનો, સોક્રેટિસ. પ્લેટો, એરિસ્ટોટલ અને એવા બીજા અનેક ચિંતકોના વિચારોનો પ્રભાવ છે જ.

મૅનોલિસ ગ્લેઝોસ

મૅનોલિસ ગ્લેઝોસ આજે ૯૨ વર્ષની ઉંમરે પણ સંઘર્ષથી ગભરાતા નથી, એમની આખી જિંદગી જ સંઘર્ષમય રહી છે. પહેલાં નાઝીઓ સામે, તે પછી બ્રિટિશ કબજા સામે, દેશના જ અમીર ઉમરાવો અને નાઝી સમર્થકો સામે ૧૫ વર્ષની ઉંમરથી એમનો સંઘર્ષ ચાલ્યો છે તે હજી સુધી અટક્યો નથી.

૧૯૨૨ના સપ્ટેમ્બરમાં એમનો જન્મ થયો ત્યારે ગ્ર્રીસમાં રાજાશાહી હતી. આ પહેલાં સદ્દીઓથી દેશ અનેક સતાઓના આધિપત્ય હેઠળ રહ્યો હતો. તુર્કીનું ઑટોમન સામ્રાજ્ય એમાં મુખ્ય છે. તુર્કીના પરાજય પછી ત્યાં રાજાશાહી સ્થપાઈ. ગ્લેઝોસ ૧૫ વર્ષના હતા ત્યારે ઇટલીના ફાસીવાદી શાસને આલ્બેનિયા તરફથી હુમલો કરીને ગ્રીસના એક પ્રાંત પર કબજો જમાવી લીધો. ગ્લેઝોસ એ જ વખતે ફાસીવાદ-વિરોધી મોરચામાં સામેલ થયા. પરંતુ એમની ઉંમરને કારણે એમને લડાઈના મેદ્દાનમાં નહીં પણ રેડ એક્રોપોલીસ પર હવે સ્વસ્તિકના ચિહ્નવાળો ધ્વજ ફરકતો હતો.ક્રૉસ અને મ્યૂનિસિપાલિટીમાં કામો સોંપવામાં આવ્યાં. પરંતુ ગ્રીક સેનાએ ફાસીવાદી ઈટલીનો જોરદાર સામનો કર્યો અને એમને હરાવ્યા. ઈટલીને થપ્પડ પડી તેથી હિટલર અક્ળાઈ ઊઠ્યો અને ૧૯૪૧ના ઍપ્રિલમાં એણે ગ્રીસ પર હુમલો કર્યો. હિટલરની ફોજ સામે ગ્રીસ ટકી ન શક્યું અને નાઝીઓએ ગામેગામ જે કાળો કેર વર્તાવ્યો તેનો બીજા વિશ્વયુદ્ધના ઇતિહાસમાં પણ જોટો જડે તેમ નથી. લાખો ઍથેન્સવાસીઓ ભૂખથી ટળવળતા મરી ગયા. નાઝીઓએ દૂર દૂરના પ્રદેશો સુધી જઈને આખાં ગામો બાળી નાખ્યાં અને એક પણ માણસને જીવતો ન રહેવા દીધો. ઍથેન્સમાં એમણે બારણાં ખખડાવી-ખખડાવીને લોકોને બહાર કાઢ્યા. પુરુષોને તરત જ ગોળીએ દઈ દીધા, બાળકોને બૅયોનેટો ભોંકીને મારી નાખ્યાં, સ્ત્રીઓ પર બળાત્કાર કરીને પછી મારી નાખી. દિવસો સુધી આખા દેશમાં રસ્તાઓ પર, ગલીઓમાં અને ઘરોમાં લાશો રઝળતી રહી. જર્મનીએ ઘામાં મીઠું ભભરાવવા જેમ ત્યાં એના જ ગ્રીક મળતિયાઓની સરકાર બનાવીને જુલમોને કાયમી બનાવી દીધા. એક્રોપોલીસ પર હવે સ્વસ્તિકના ચિહ્નવાળો ધ્વજ ફરકતો હતો.

૧૯૪૧ના મે મહિનાની ૩૦મીએ ગ્લેઝોસ અને એમનો મિત્ર સાન્ટા બધાની નજર બચાવીને એક્રોપોલીસ પર ચડી ગયા, નાઝીઓનો ધ્વજ ફાડી નાખ્યો. નાઝી હકુમતે ગ્લેઝોસ અને સાન્ટાને દેહાંત દંડની સજા કરી પણ એ તો ક્યાંય હાથે ચડે તો ને! છેવટે ૧૯૪૨માં ગ્લેઝોસ પકડાઈ ગયા. જર્મન સૈનિકોએ એમના પર જેલમાં અસહ્ય દમન ગુજાર્યું. એમનેટાઇફૉઇડ થઈ ગયો. પણ એ ત્યાંથી ભાગી નીકળ્યા, બીજા જ વર્ષે ઈટલીના સૈન્યે એમને પકડી લીધા. ત્રણ મહિના પછી બહાર આવ્યા પણ ૧૯૪૪માં ફરી નાઝીઓના ખાંધિયાઓની સરકારે એમની ધરપકડ કરી. સાત મહિના જેલમાં ગાળીને એ ફરી બધાની આંખમાં ધૂળ નાખીને ભાગી છૂટ્યા.

પરંતુ બીજા મોરચાઓ પર, અને ખાસ કરીને રશિયામા પેત્રોગ્રાદમાં હિટલરની સેનાને ભારે માર ખાવો પડ્યો. રશિયાના શિયાળા સામે ટકવા માટે જર્મન સૈનિકો સજ્જ નહોતા. અંતે જર્મની પીછેહઠ કરતું ગયું. એક બાજુથી રશિયન લાલ સેના અને બીજી બાજુથી અમેરિકા અને બ્રિટનનાં દળો જુદી જુદી દિશાએથી બર્લિન તરફ ધસ્યે જતાં હતાં. પૂર્વ તરફથી અર્ધા બર્લિન સુધી રશિયમ સૈન્યો પહોંચ્યાં ત્યારે અમેરિકન સૈન્યો પણ પશ્ચિમમાંથી બર્લિનમાં પ્રવેશી ચૂક્યાં હતાં આથી રશિયન સૈન્યે તરત જ પોતાનો કબજો સ્થાપવા વાડ બાંધી દીધી અને પૂર્વજર્મનીને પોતાના હસ્તકનું સ્વતંત્ર રાજ્ય જાહેર કર્યું.

આ બાજુ ગ્રીસ અને પૂર્વ યુરોપના દેશો, હંગેરી, પોલૅન્ડ, ચેકોસ્લોવાકિયા, રુમાનિયા વગેરે પણ નાઝીઓના સકંજામાંથી મુક્ત થઈ ગયા હતા. નવમી ઑક્ટોબર ૧૯૪૪ના રોજ સ્તાલિન અને ચર્ચિલે એમણે જીતેલા પ્રદેશોમાં પોતાને વગના વિસ્તારોની વહેંચણી કરી. ચર્ચિલની યોજના મુજબ સોવિયેત સંઘની રુમાનિયામાં ૯૦ ટકા અને બલ્ગારિયામાં ૭૫ ટકા વગ હોય અને ગ્રીસમાં બ્રિટન ૯૦ ટકા પ્રભાવ રાખે. ચર્ચિલનો હેતુ રશિયાને ભૂમધ્ય સાગરથી દૂર રાખવાનો હતો એટલે ગ્રીસ એણે લીધું અને સ્તાલિને સંમતિ આપી! આમ એક બાજુ સોવિયેત સંઘનો પ્રભાવ અને બીજી બાજુ પશ્ચિમી રાષ્ટ્રોનો પ્રભાવ એમ બે પ્રભાવ ક્ષેત્રો પહેલી વાર દુનિયામાં સત્તાવાર રીતે બન્યાં જો કે એમનો હેતુ એ હતો કે બન્ને પક્ષો એકબીજામાં દરમિયાનગીરી ન કરે પણ થયું એવું કે બન્ને પક્ષોએ શસ્ત્રોનો ગંજ ઊભો કર્યો અને ઠંડા યુદ્ધની શરુઆત થઈ (આમાં ઘડિયાળનો કાંટો પાછળ લઈ જવાની કોશિશ વિશે મારી બારી (૪૫) માં આપણે નવમી તારીખે વાંચ્યું છે.)

ચર્ચિલ અને સ્તાલિન મૉસ્કોમાંવગ વિસ્તારોની યોજના ચર્ચિલના અક્ષરોમાં

પણ આપણે ગ્રીસ અને એના હીરો મૅનોલિસ ગ્લેઝોસની વાત કરવી છે. હવે ગ્રીસમાં બ્રિટનની હકુમત શરૂ થઈ. નાઝીઓની જગ્યાએ બ્રિટિશ સૈનિકો ગોઠવાયા. મૅનોલિસ ગ્લેઝોસ હજી તો યુવાન જ હતા પણ બ્રિટનની આપખુદી સામે લોકોનો વધતો રોષ જોઈ શક્યા હતા. નાઝીઓ સામે લડવામાં સામાન્ય જનતા, સમાજવાદીઓ, વિદ્યાર્થીઓ, કામદારો અને ખેડૂતો, બધાએ સાથે મળીને એક સેના ઊભી કરી હતી, પણ બ્રિટને એમને પોતાના કમાંડમાં ન લીધા અને બ્રિટિશ સૈનિકોનાં ધાડાં ગ્રીસમાં ઊતર્યાં. જો કે એમાં શાસનકર્તાઓ પણ હતા. દેશબક્તોની સેનામાં એની જે રીતે અવગણના થઈ તેથી ભારે અસંતોષ હતો. મણે નાઝીઓ સામે સંઘર્ષ કર્યો હતો, ગ્રીક જનતાની, ગ્રીક જનતા દ્વારા બનેલી સરકાર માટે, બ્રિટન માટે નહીં. નાઝીઓને જેમ બ્રિટને પણ પોતાના મળતિયાઓની સરકાર બનાવી દીધી હતી. એ જ વર્ષના ડિસેમ્બરની ત્રીજીએ લોકો રસ્તાઓ પર આવી ગયા. હજારોની ભીડ માર્શલ લૉ સામે ઊમટી પડી હતી. ગ્રીકોની સ્વતંત્રતાની તમન્નાને દબાવી દેવા બ્રિટનની પિઠ્ઠુ સરકારે વિમાનો દ્વારા ગોળીબાર કર્યો તેમાં ૨૮ના જાન ગયા.

આર્મી હેડક્વાર્ટર્સ ઉડાવી દેવાની યોજના

હવે ગ્લેઝોસ અને એમના સાથીઓએ બ્રિટિશ હેડક્વાર્ટર્સને ઉડાવી દેવાનું નક્કી કર્યું. ગ્લેઝોસ એ દિવસે બીમાર હતા પણ સમાચારો સાંભળીને બહાર આવે ગયા. બ્રિટિશ હેડક્વાર્ટર્સને ઉડાવી દેવાની યોજનામાં તો એ સામેલ હતા જ, હએ એમણે આ કામ પૂરું કરવાનું હતું એમણે આખા શરીરે તાર વીંટાળ્યા અને એક સાથી સાથે ગટરમાં ઊતર્યા. માનવમળમાં થઈને એ નિશાનવાળી જગ્યાએ પહોંચ્યા અને ડાયનામાઇટ ગોઠવી આવ્યા અને પોતાના નેતાઓના આદેશની રાહ જોવા લાગ્યા. દરમિયાન એમના નેતાઓને એવો સંદેશ મળ્યો કે આર્મી હેડ ક્વાર્ટર્સમાં ચર્ચિલ છે અને એને મારી નાખવાનો એમનો વિચાર નહોતો એટલે એ ડાયનામાઇટ ફૂટ્યા વિનાનો જ રહ્યો!

તે પછી તો ગ્રીસમાંથી બ્રિટન હટી ગયું પણ પશ્ચિમતરફી સરકારોની લોકવિરોધી નીતિઓ અને જુલમો ચાલુ રહ્યાં. મૅનોલિસ ગ્લેઝોસ માટે આઝાદી એટલે જેલવાસ. ૧૯૬૭થી ૧૯૭૪ સુધી ગ્રીસમાં સરમુખત્યાર શાસન આવ્યું ત્યારે પણ ગ્લેઝોસ જેલમાં. તે પછી જમણેરી સરકારોએ એમને જેલમાં નાખ્યા. પણ આજે પણ આ અડગ હીરો ૯૨ વર્ષની વયે પણ જનતા માટે લડતો રહ્યો છે. મૅનોલિસ ગ્લેઝોસને સલામ.

૦-૦-૦

મૅનોલિસ ગ્લેઝોસ માત્ર આઝાદીના વીર નથી. ગ્રીસમાં ઓચીંતાં પૂરનો પણ બહુ ભય રહે છે. આના ઉકેલ તરીકે એમણેપાણીના સંગ્રહ અને પૂરને અટકાવવા માટે નાના ડૅમોની શ્રેણી પણ વિકસાવી છે. બધાં કાર્યોથી છેલ્લા સિત્તેર વર્ષથીગ્રીસના જનગણમન અધિનાયક છે.

ગ્રીસનું અર્થતંત્રઃ

ગ્રીસમાં કુદરતી સંપત્તિ બહુ જ ઓછી છે, પરિણામે ખનિજો નથી. એ કારણે ઉદ્યોગોનો વિકાસ બહુ ઓછો થયો છે. ૧૯૯૨માં યુરોપીય સંઘમાં પોર્ટુગલ ગ્રીસથી આગળ નીકળી જતાં ગ્રીસ યુરોપનો સૌથી ગરીબ દેશ બની ગયો. હવામાન પણ ગ્રીસને સાથ આપતું નથી. જમીન સારી નથી અને વરસાદ ઓછો છે, વારંવાર દુકાળો પડે છે. આથી ખેતીનું ઉત્પાદન પણ નબળું રહે છે. માત્ર ૩૦ ટકા જમીન ખેતીલાયક છે. હવે મૅન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો વિકાસ થવા લાગ્યો છે અને એ આજે રોજગારીમાં પ્રથમ નંબરે છે.ગ્રીસની કુદરતી સ્થિતિ જ એવી છે કે એની આયાતો વધારે છે અને નિકાસો ઓછી.

ગરીબ દેશ આજે યુરોપીય સંઘમાં જે આશાઓ સાથે જોડાયો હતો તે પૂરી નથી થઈ,. મૅનોલિસ ગ્લેઝોસ કહે છે કેગ્રીસને ઋણરાહત માટે જે રક્મ અપાય છે તેના કરતાં વધારે રક્મ જર્મનીએ ગ્રીસને આપવી જોઈએ. ગ્રીસ સરકારેઐતિહાસિક દસ્તાવેજોમાંથી તારવ્યું છે કે જર્મનીએ વિશ્વયુદ્ધમાં ગ્રીસમાં જે ઐતિહસિક ઇમારતો, લઈબ્રેરીઓ અને રહેણાકોનેનૂકસાન કર્યું અને લોકોને મારી નાખ્યા તેના વળતર રૂપે ગ્રીસને લગભગ ૨૮૦ અબજ ડૉલર વળતર તરીકે આપવાજોઈએ. જાપાન પર બોમ્બ ફેંક્યા પછી અમેરિકાએ પગભર થવામાં મોટી મદદ કરી છે. પશ્ચિમ જર્મનીના પુનર્નિર્માણમાંપણ પશ્ચિમી સતાઓએ મદદ કરી છે પણ આંતરરાષ્ટ્ર્રીય સંબંધોબળિયાના બે ભાગના ન્યાયે ચાલે છે એટલે દાવાનેકોઈ ગંભીરતાથી સ્વીકારવા તૈયાર નથી.

2 thoughts on “92 year old evergreen leader of Greece”

  1. Dipakbhai,I salute this good leader of Greece. No question. But, can you please share with me your ideas on the Greece economy? I need more info from you since you have studied this problem. How can a country survive on a deficit economy for such a long long time? On debt for ever, on hand-outs?How long can it keep blaming others? What is the way out in an Economics sense? (Not in a historical or political sense)   Thanks. — Subodh —

    1. સુબોધભાઈ, આભાર. આ જવાબ કૉમેન્ટના જવાબ કરતાં સ્વતંત્ર લેખ તરીકે જ આપું તો યોગ્ય થશે એમ લાગે છે. જો કે મારું જ્ઞાન ઘણાં કારણોસર મર્યાદિત હોવાથી કદાચ તમને સંતોષ નયે આપી શકું પણ પ્રયત્ન કરીશ. મને એકાદ-બે દિવસ આપો. બસ, આવું જ છું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: