Shabdaved: Poetry of Narsinh Mehta

શબ્દવેદ

બધા ભેગા મળીને બેઠા હોય તો વાતોનો વિષય કંઈ એક જ ન રહે. એકમાંથી બીજો, બીજામાંથી ત્રીજો…એમ વિષયો નીકળ્યા કરે. વાત ભક્તો પર પહોંચી ગઈ. નરસિંહ મહેતા ગુજરાતના હતા એમ જાણીને એક ભાઈને નવાઈ લાગી. એમનો ખ્યાલ હતો કે ‘નરસી ભગત’ તો એમના ‘એરિયા’ના હતા! એટલે કે બુંદેલખંડના. ઉત્તરી મધ્ય પ્રદેશ અને દક્ષિણી ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓ મળીને બુંદેલખંડ બને છે. ઝાંસી આમ તો ઉત્તર પ્રદેશનો જિલ્લો છે, પણ એ બુંદેલાઓના પ્રદેશ બુંદેલખંડમાં ગણાય. યાદ કરીએ, સુભદ્રાકુમારી ચૌહાનની લાંબી હિન્દી કાવ્યરચના “બુંદેલે હરબોલોં કે મુંહ હમને સુની કહાની થી, ખૂબ લડી મર્દાની વો તો ઝાંસીવાલી રાની થી…

બુંદેલખંડમાં લોકગાયકીનો એક પ્રકાર છે – ‘આલ્હા’… આલ્હા-ઉદલની વાત ક્યારેક કરશું. આલ્હા એક ગેય પદ્યવાર્તાનો પ્રકાર છે. મારા મિત્રે આલ્હા લોકગાયન શૈલીમાં નરસિંહ મહેતાની જીવનકથા સાંભળી હતી. સંતો અને મહાપુરુષોનાં ગામ, પ્રદેશની ખબર ન હોય તેની કદાચ ઇતિહાસમાં રસ લેનારા ઠેકડી ઉડાવી શકે, પણ એનો અર્થ એટલો જ છે કે એ વિભૂતિને કોઈ બીજા પ્રદેશે પણ આત્મસાત્‍ કરી લીધી છે. સંતોને સીમાડામાં બાંધી ન શકાતા હોય તો એમના જન્મના પ્રદેશ વિશે જાણીએ કે ન જાણીએ તે બધું જ સરખું.

અહો… મહદાશ્ચર્યમ્‍!

આ વાતચીતના બીજા જ દિવસે કૂરીઅર મારા માટે, ખરું કહું તો, મોટું આશ્ચર્ય જ પેકેટમાં લાવ્યો. સંનિષ્ઠ મિત્ર અને વેબગુર્જરીના સાથી અશોકભાઈ મોઢવાડિયાએ એક પુસ્તક મોકલ્યું હતું – નામ ‘શબ્દવેદ’ મુખપૃષ્ઠ પર એ જ – કરતાલધારી ભક્ત નરસૈંયો.

‘નરસિંહ મહેતાની સમગ્ર કવિતા’ના સંકલન કર્તા છેઃ ઉર્વીશ વસાવડા (મીડિયા પબ્લિકેશન –www.mediapublication.in – ફોનઃ ૦૨૮૫- ૨૬૫૦૫૦૫,જૂનાગઢ. કિંમત રૂ. ૪૦૦. ISBN 978-93-84010-05-8). મનમાં થયું કે હજી તો નરસિંહ મહેતાને ગઈકાલે જ યાદ કર્યા હતા!

કેટલાંક પુસ્તકો વાંચીને રાખવાનાં હોય છે અને કેટલાંક રાખીને વાંચવાનાં. આ પુસ્તક બીજી શ્રેણીનું – રાખીને વાંચવાનું છે. રોજ હાથમાં લો, પાનાં ફેરવો અને નરસિંહ મહેતાની કવિતાને અંદર ઉતારો. પુસ્તકમાંથી એક નવો જ નરસૈંયો પ્રગટ થાય છે.

મેં ગ્રહ્યો હાથ નરસિંહના શબ્દનો (પુસ્તકની ભૂમિકા) લખતાં સંકલનકાર બહુ વિનમ્ર, નિસ્પૃહ અને તટસ્થ છે. એક મહત્ત્વનો ફકરો આખો વાંચીએઃ નરસિંહનાં પદોની અધિકૃતતા અંગે તો ઘણા સવાલ ઊભા  છે, પણ આગળ જણાવ્યુંતેમ  વિશે વાત કરવાની મારી કોઈ પાત્રતા, સજ્જતા કે ક્ષમતા પણ નથી તેમ છતાં એકાધિક જગ્યાએ મારું ધ્યાન ગયુંછે એનો  તકે ઉલ્લેખ કરીશ. સુદામા ચરિત્રના નવમા પદમાં વ્યક્ત થયેલ વિચારો, હારમાળાનાં પદોમાં એક જગ્યાએનરસિંહ ભગવાનને મહારાંડનો એવું સંબોધન કરે છે, જે સામાન્ય સમજણ મુજબ નરસિંહ પ્રયોજે એવી ભાષા નથી. એક પદમાં રબાબ શબ્દ આવે છે, જે ફારસી શબ્દ છે અને આપણે ત્યાં મોગલો આવ્યા પછી  શબ્દ આવ્યો હોય તેવું બને.અલબત્ત,  બધા મારા ઉપરછલ્લા નિરીક્ષણો  છે.  ઉપરાંત ઘણાં બધાં નરસિંહને નામે પ્રચલિત પદો છે જે ખરેખરનરસિંહનાં નથી.  બાબતે સંશોધકે પ્રકાશ પાડવા જેવો છે.”

આમ સંકલનકારે “માત્ર ને માત્ર આ પદો વધુ ને વધુ લોકો સુધી પહોંચે અને આપણા સાંસ્કૃતિક વારસાનો પરિચય થાય એ જ હેતુથી” શ્રી શિવલાલ જેસલપુરા, કે. કા. શાસ્ત્રી અને ઇચ્છારામ દેસાઈનાં સંકલનોની મદદ લઈને આ નવું સંકલન તૈયાર કર્યું છે. નરસિંહનાં પદોની એક હસ્તપ્રત એમના કાળ પછી બસ્સો વર્ષે મળી છે. એ કદાચ કોઈ જૂની પ્રત પરથી બની હોય. આમ માત્ર પદો જ નહીં ભાષા પણ બદલી શકે છે. એટલે આટલી જૂની રચનાઓ બાબતમાં આ મુશ્કેલી તો રહેવાની જ, સિવાય કે કોઈ ભાષાશાસ્ત્રી, પદોની ભાષાનો જ આંતરિક અભ્યાસ કરીને જુદા જુદા શબ્દો ક્યારે નહોતા અને ક્યારે પ્રવેશ્યા તે નક્કી કરે તો જ આવા વિવાદથી બચી શકાય.

દાખલા તરીકે સંકલનકાર ઉર્વીશ વસાવડાએ ઉપર આપેલા ફકરામાં ‘રબાબ’ શબ્દનો ઉલ્લેખ કર્યો છે અને કદાચ મોગલો આવ્યા તે પછીનો એ શબ્દ હોવાનું માન્યું છે. લગભગ નરસિંહ મહેતાના જન્મના કાળમાં રબાબનો ભારતમાં પ્રવેશ થઈ ચૂક્યો હતો. એ મૂળ તો અફઘાનિસ્તાનનું વાદ્ય છે અને કાશ્મીરનું પણ મુખ્ય વાદ્ય છે. પંજાબની શીખ પરંપરામાં શબદ-કીર્તનમાં રબાબનો ઉપયોગ જરૂરી છે. ગુરુ નાનક નરસિંહ મહેતાથી ઘણા વખત પછી થયા પણ એમના મુસ્લિમ શિષ્ય મર્દાનાએ એમની સાથે રહીને રબાબનો ઉપયોગ કર્યો એટલે શીખ પરંપરામાં એનું સ્થાન મહત્ત્વનું છે. ભાષાઓમાં માત્ર ફારસી નહીં, તુર્કી અને અરબી પણ મોગલોથી પહેલાં તેરમી સદીમાં ભારતમાં દિલ્હી સલ્તનતના સમયમાં આવી ગઈ હતી, એટલે ગુજરાતીમાં ફારસીના શબ્દો પ્રવેશ્યા હોય તો નવાઈ નહીં. કદાચ નરસિંહ મહેતાએ પોતે જ આ શબ્દો વાપર્યા હોય અથવા પછીના કાળમાં પ્રતમાં સુધારા થયા હોય. એનું કારણ એ કે શ્રી વસાવડાની જેમ મારા ધ્યાનમાં પણ કેટલાક વિદેશી શબ્દો આવ્યા છે. પુત્ર વિવાહના પદ ૧૨ (પાનું ૯)માં ‘વજીર’ અરબી શબ્દ છે. એ જ રીતે ‘કનાત(તુર્કી પુ.વિ. ૨૬), ‘નિશાન’(ફારસી) અને ‘તોખાર’(સમરકંદ-બુખારા પાસેના તોખારિસ્તાનનો ઘોડો) (પુ.વિ. ૨૮), ‘જરકસી’ (ફારસી) અને ‘ઊંટ નિસાન (ફારસી) ફરકે” (પુ.વિ. ૩૨), ‘જરદોરની સાડી’ (ફારસી પુ.વિ. ૩૪), ‘અતલસ(અરબી-મામેરાનાં પદ ૧૬). આમ ઘણા શબ્દો મળી આવશે, કારણ કે એ સ્વાભાવિક છે.

સંકલન પદોના પ્રકાર પ્રમાણે વિભાગી નાખવામાં આવ્યું છે એટલે વિષયવસ્તુ પ્રમાણે પસંદગી કરીને વાંચી શકાય છે. આમાં આત્મકથાત્મક પદોમાં પાંચ વિભાગ છે – ઝારીનાં પદ, પુત્રવિવાહ, મામેરું, હૂંડી, હારસમેનાં પદો છે. તે ઉપરાંત સુદામા ચરિત્ર. ક્રીડાનાં પદો, અને છેલ્લે ભક્તિ-જ્ઞાન-વૈરાગ્યનાં પદો છે. એમાં ઘણાં બહુ પ્રચલિત પદો છે અને હોય જ. નરસિંહ મહેતાની ઓળખ જ આ પદો છે. એની યાદી આપીને કારણ વગરનું લંબાણ નહીં કરું, નરસૈંયો મુખ્યત્વે તો ભક્ત જ છે; પણ એ માત્ર ભક્ત નથી. જ્ઞાની પણ છે. સાદી લોકભાષામાં એમણે વેદ-ઉપનિષદના જ્ઞાનને ગૂંથ્યું છે. ભારતીય દર્શન પરંપરાની મુખ્ય ધારાથી નરસિંહ સંપૂર્ણ પરિચિત હતા એ વાત તો એમનાં આ પદોમાંથી સ્પષ્ટ થાય છે.

પણ જોવાનું એ છે કે ભક્તિ-જ્ઞાન-વૈરાગ્યનાં માત્ર ૬૬ પદો છે, બીજી બાજુ કૃષ્ણપ્રેમનાં, કામક્રીડાનાં પદો સહિત, ૬૩૦ પદો છે. આમાં નરસિંહનું કવિત્વ કામરસ લઈને પ્રગટે છે. નરસૈંયો માત્ર વૈરાગી જોગડો નહોતો, એ મૃદુ અને સંવેદનશીલ સંબંધોની બારીકાઈઓ પણ જાણતો હતો.

“અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે…”નો શ્રી હરિ અહીં નવા રૂપે આવે છેઃ

“ચુંબન ચારુ કપોલ કામી પ્રેમ-શું પિયુડો દિયે; 
સૂડલો થઈને શ્રી હરિ અમૃતફળ મુખમાં લિયે.”

કૃષ્ણ સાથે ક્રીડા કરીને ગોપી પાછી આવી છે. સખી જોઈને સમજી જાય છે અને પૂછે છે, “સાચું કહે-ની સુંદરી! કેમ રમી પિયુને સંગ” જો કે જવાબ તો એની હાલતમાંથી જ મળી જાય છેઃ “હારનાં એંધાણ હૈયે, અંગ કુંકુમ રોળ; વાંસે તે રેખા નખ તણી, મુખ ચાવિયાં તંબોળ. કપોલ તાહરા હસી રહ્યા, મુખે તે પ્રગટ્યું નૂર…”

પરંતુ એવું નથી કે માત્ર ગોપી જ ઘેલી છે; કા’ન પણ ઘેલો છે. ભક્ત ભગવાનની પાછળ ઘેલો થાય પણ ભગવાન ભક્તની પાછળ ઘેલો ન થાય તો એ ભક્ત શાનો અને એ ભગવાન શાનો? નરસિંહ મહેતા તો છાતી ઠોકીને કહે જ છેઃ “ભક્ત વિના ભૂધરો વશ નહીં કોઈને, એક તે એકથી સબળા!”

માત્ર ભક્તિમાં જ નહીં, કામક્રીડામાં પણ એ વશ થાય છે. કામક્રીડામાં મદનનો હરીફ ગોવાળિયો કહાન કબૂલે છે

“ધન્ય તું સુંદરી, ધન્ય તું સુંદરી, જેની કુસુમમાળા વડે હું રે બાંધ્યો; 
ચૌદ ભુવન તણાં બંધન છોડવું, જાણ્યું તેં મોહિની મંત્ર સાધ્યો”

સખીઓ વચ્ચે સ્પર્ધા પણ છેઃ

વાતની વાતે રે મારો નાથ રિસાણો, 
બાઈ રે ભરવાડણ! તેનું કાંઈ કારણ જાણો? 
જા જા રે વેરણ! એ કામ છે તારાં, 
તારે મંદિરથી આવ્યા ત્યારથી હસી ન બોલ્યા…

અહીં બાળ કૃષ્ણ પણ છે જે ગોપીઓની મટુકીઓ ફોડે છે. બીચારી ગોપીઓ ફરિયાદ કરે છે –

“વહેતા રોકે છે વાટમેં, આવી જેમતેમ બોલે; 
વનમાં પગેરાં ખોળતો નિત કેડે ડોલે.

અને માતા જસોદા બીચારી થાકી ગઈ છેઃ

“સાંજે આવ્યા ઘેર શામળો મુખ મોરલી વા’તા; 
ખોળે બેસારીને ખાંતથી એમ પૂછે માતાઃ 
‘કહાન! તુંને શી પડી એવી ટેવ અટારી; 
વનમેં મારગ ચાલતાં લૂંટે પરનારી? 
આજથી રૂડું આદર્યું આ કામ તેં આવું, 
દહાડી લાવીશ, દીકરા! લોકુંની રાવું! 
ગાયું ચારીને જીવીએ, આપણ નહીં રાજા, 
લાડકડા! નવ લાવીએ ઓલંભા ઝાઝા. 
અને દરેક માતા જેવી ચિંતા જસોદાના મનમાં પણ છેઃ

આજથી તારી આબરૂ થાશે લોકમેં થોડી,
કહે ને તુંને કોણ આપશે પરણવાને છોડી?

પરંતુ શક્ય છે કે બધાં જ પદો નરસિંહ મહેતાનાં ન પણ હોય. કદાચ એમની રચનાઓનો ફુગાવો થયો હોય તો આ પ્રકારનાં પદોમાં જ સૌથી વધારે થયો હશે. પરંતુ મોટા ભાગનાં પદો કેદારમાં નિબદ્ધ છે. રા’માંડળિકે એમની કસોટી કરવા કારાવાસમાં નાખ્યા ત્યારે નરસિંહ મહેતા કેદારો ગિરવે મૂકી આવ્યા હતા અને કેદારો ન ગાય ત્યાં સુધી ભગવાન આવે નહીં. અંતે ભગવાને કેદારો છોડાવ્યો અને નરસિંહ મહેતાને ચિઠ્ઠી આપી ત્યારે એમણે કેદારો ગાયો અને ભગવાને એમના ગળામાં હાર નાખ્યો.

એ જે હોય તે. ભાઈ ઉર્વીશ વસાવડાએ સંપૂર્ણ નિષ્ઠાથી આ સંકલન કરીને ગુજરાતની સેવા કરી છે એમાં બે મત ન હોઈ શકે. આના માટે સ્વ. કાંતિ ઠાકર સ્મૃતિ નિધિના સંચાલકો, એક તો લેખક પોતે અને એમના એવા જ સંનિષ્ઠ સાથીઓ ડૉ. મુકેશ વૈષ્ણવ અને કિશન દવે પણ અભિનંદનના અધિકારી છે. માત્ર વિષય નહીં, પુસ્તકની ડિઝાઇનમાં પણ એમની કલાભિરુચિ ધ્યાન ખેંચે એવી છે.

૦-૦-૦

અંતમાં ફરી શરુઆત પર જઈએ. બુંદેલખંડવાળી વાતમાં મને રસ પડ્યો હતો કે “નરસૈંયો ભક્ત હરિનો” બુંદેલખંડ કેમ પહોંચ્યો? બે-ચાર સંદર્ભો જોયા, અંતે યૂ-ટ્યૂબે મદદ કરી. અહીં કુંવરબાઈના મામેરાની કથા બે ભાગમાં ‘આલ્હા’ શૈલીમાં છે. કન્યા પરણાવતી વખતે કન્યાના મામા તરફથી અપાતા મામેરાને ‘ભાત’ કહે છે. આ બે લિંક આપી છે તે જોવાની મઝા આવશે. અભિનયની દૃષ્ટિએ તો આમાં કંઈ જોવાપણું નથી, મઝા તો આલ્હાની છે.

https://www.youtube.com/watch?v=h8-iVvv0Z8o

https://www.youtube.com/watch?v=YeuvcxNfF1c

One thought on “Shabdaved: Poetry of Narsinh Mehta”

  1. Very interresting. Thank you for providing the further reference on Alha and the related links. We, NBT, have published Narsinh Maheta book , authored by Ke.Ka. Shastri, under the National Biography series many years ago. It is also translated into Hindi and some other languages.
    Regards

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: