Part 2 of ‘Futility of Common Sense’ an Article by Dilip Simeon in Gujarati

–  દિલીપ સિમ્યન

– નિબંધનું ગુજરાતી રૂપાંતરણઃ દીપક ધોળકિયા

તા. ૧૫-૬-૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ ભાગ ૧(‘Futility of Common Sense’ an Article by Dilip Simeon in Gujarati)થી આગળ

Dr. Dilip Simeon

એક બાજુ તલવાર જાણે આશીર્વાદનું વાહન હોય તેમ માનતો કૅથૉલિક પોપ હતો તો બીજી બાજુ હતું ઈસ્ટર્ન ચર્ચ, જે એમ માનતું કે ધર્મનો પ્રચાર માત્ર આધ્યાત્મિક સાધનો દ્વારા જ થઈ શકે. જો કે તુર્કોએ ઇસ્તન્બુલના ખ્રિસ્તીઓ માટે એવી સ્થિતિ ઊભી કરી હતી કે એમને લૅટિનો સાથે સમાધાન કર્યા વિના ચાલે જ નહીં; તેમ છતાં, ક્રુઝેડી સૈન્યોની પૅલેસ્ટાઇન તરફની કૂચ દરમિયાન જે વર્તણૂક રહી તેનાથી બન્ને સંપ્રદાયો વચ્ચે ખાઈ બની ગઈ. ૧૨૦૪માં ચોથા ક્રુઝેડ વખતે ઇસ્તન્બુલમાં એમણે જે લૂંટફાટ મચાવી તે સાથે નવો વળાંક આવ્યો. પહેલાં એમણે ઇસ્તન્બુલને વચન આપ્યું હતું કે તેઓ તુર્કો સામે એમનું રક્ષણ કરશે, એ જ લોકોની નવી પેઢીએ એમના પર કાળો કેર વર્તાવ્યો. ઇસ્તન્બુલના ખ્રિસ્તીઓ ક્રુઝેડરોને ‘ફ્રૅન્કિશ બાર્બેરિયન્સ’ તરીકે ઓળખતા. ફારસીના ‘ફિરંગી’ શબ્દનો મૂળ અર્થ છેઃ ફ્રાન્સનો, અથવા ઈટલીનો અથવા યુરોપનો. એના મૂળમાં અરબી શબ્દ ‘ફ્રાન્જ’ છે. એ શબ્દ ક્રુઝેડોના સમયની અમાનુષી જંગાલિયત માટે વપરાતો અને અહીં આપેલા વિવરણને ધ્યાનમાં લેતાં એમાં નવાઈ પણ નથી. આમ આપણો પોતાનો હિન્દુસ્તાની શબ્દ ‘ફિરંગી’ જેરુસલેમના જન સંહાર માટે જવાબદાર જુલમગારો પ્રત્યેની ઘૄણામાંથી જન્મ્યો છે.

આ બધી કિંવદન્તિઓ છે અને એની અસર આજે પૅલેસ્ટાઇનીઓ અને ઇઝરાએલ વચ્ચે, આરબો અને પશ્ચિમી જગત તેમ જ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વચ્ચે જે જાતના સંબંધો છે તેના પર પડી છે કે નહીં તેનો નિર્ણય હું વાચકો પર છોડું છું. પરંતુ એ પણ ખરું કે દુનિયાના એક ભાગમાં – મધ્યપૂર્વ અને એની બહાર પણ – હજી પણ એની હિંસક અસરો દેખાય છે.

જો કે સામાન્ય ખ્રિસ્તી જનતામાં એક વ્યવહારુ વલણ હતું. ક્રુઝેડ પછી એમણે શાંતિ આંદોલનોને ટેકો આપવાનું શરુ કર્યું. એક દાખલો લઈએ. ફ્રાન્સના કવિ રિત્બફે પવિત્ર યુદ્ધો અને પવિત્ર ધર્મસ્થાનો વિશે બહુ શાણપણભરી વાત કરી છેઃ

પત્નીબાળકોને છોડીને, બધું સુખચેન છોડીને
જવાનું છે મારે કોઈ વિદેશી ભૂમિને જીતવા?
બદલામાં શું આપશે ભૂમિ મને?
અરે, પ્રભુની પૂજા જેરુસલેમ જઈને કાં કરું?
પેરિસમાં કેમ નહીં?.

સ્વર્ગમાં જવા માટે મંદર પાર જવું પડે?
ધરતી પરના બધા ખજાના હડપ કરી લીધા છે
ધનકુબેરો અને પુરોહિતોએ.

હશે એમને જરૂર કદાચ યુદ્ધે ચડવાની.

હું તો મારા પાડોશી સાથે શાંતિથી રહું છું….

હજી મને એમનાથી કંટાળો નથી આવતો
એટલે
(સુલતાન મને પરાણે ધકેલે તો)
મારે કોઈ યુદ્ધ શોધવા નીકળવું પડે તેમ નથી.

હું એના માટે
મારા મગજને તસ્દી નહીં આપું.
તમે સૌપ્રોમિસ્ડ લૅન્ડમાં જાઓ છો અને ત્યાં
વધારે પવિત્ર થઈ જતા હશો,
પરંતુ પાછા ફરો છો

ત્યારે તો
વધારે અઠંગ ડાકુ બની ગયા હો છો …..

ઈશ્વરનો વાસ સર્વત્ર છે,
તમારે મન
ઈશ્વર માત્ર જેરુસલેમમાં હશે
પણ મારે મન તો
ફ્રાન્સમાં પણ છે.

સાત સદી પહેલાં એક ફ્રેન્ચ કવિનું લખેલું આજના ભારતમાં પણ કેમ પડઘો પાડે છે? શું એ કારણે કે, હજી તો માત્ર સાડાચાર વર્ષ પહેલાં એક મસ્જિદને તોડી પાડવા લાખો ભારતીયો બદલાની ભાવનાથી તત્પર થયા હતા? ૧૬મી સદીમાં થયેલી તોડફોડનો બદલો લેવા એક મસ્જિદને ધ્વસ્ત કરી દેવાનું એમને શું ખરેખર વાજબી લાગતું હતું? શું એ કારણ છે કે અયોધ્યા નામની નગરીમાં હવે મુસલમાનો વસતા જ નથી? સમયના લાંબા બોગદામાં ઊભો હોય તેને વિચાર આવે જ કે વેરની પ્યાસ કદી બુઝાતી નથી. અને વિક્ટિમોની નવી પેઢીઓ આવતી જાય છે અને સદીઓ સુધી એકબીજાને વિક્ટિમ બનાવતી રહે છે.

ગાંધીનું સત્ય

અહિંસાની વાત કરતા હોઈએ ત્યારે એના પ્રખર હિમાયતીના અભિગમને ધ્યાનમાં ન લઈએ એ તો બની જ ન શકે. જુવાનીમાં ગાંધીજીના શાંતિવાદી વિચારો માટે મને સૂગ હતી. યુવાનો સામાન્ય રીતે હિંસાને પૌરુષ અને અહિંસાને નબળાઈ માની લેતા હોય છે. અહિંસા ખરેખર જ હિંમત માગી લે છે, એ વિચાર જ મને ગળે ઊતરતો નહોતો. અમારું આંદોલન ગાંધીવાદી પરંપરાને ક્રાન્તિમાં અવરોધ માનતું હતું. રાષ્ટ્રીય આંદોલનના એમના નેતૃત્વને જબ્બરદસ્ત નિષ્ફળતા મળી હતી એમ અમે માનતા. મેં શરુઆતમાં જ હિંસાનો અંગત દાખલો આપ્યો છે તે ઉપરાંત ક્રાન્તિકારી આંદોલનોની નિષ્ફળતા અને કોમી નફરતમાં થયેલા વધારાને કારણે મને સમજાયું કે ગાંધીજીનું જીવન અને જે રીતે એમની આ દુનિયામાંથી વિદાય થઈ તે આજે પણ અર્થસભર છે. મને યાદ છે કે હિન્દીના એક ડાબેરી લેખકે ગાંધીજી વિશે એક લેખ લખીને અંતે એમના હત્યારા નાથુરામ ગોડસેનાં ફાટ્યે મોંએ વખાણ કર્યાં ત્યારે હું વ્યથિત થઈ ગયો હતો. એના પછી મારી આંખ ખૂલી કે હિંસક રાજકીય પરિવર્તનના ચાહનારાઓમાં એક જાતની ધ્રુજાવી દે એવી સમાનતા હોય છે. ભારતમાં ડાબેરીવાદના મુખ્ય પ્રવાહો હજી પણ ગાંધીનો સ્વીકાર નથી કરી શક્યા. એમની આ ત્રુટિનો જોટો માત્ર હિંસાના સિદ્ધાંતને સમજવાની એમની નિષ્ફળતામાં મળે છે. પરંતુ કોમવાદ છેલ્લાં પંદર વર્ષમાં જે રીતે ફૂલ્યોફાલ્યો છે તેથી હવે ડાબેરીઓ ગાંધીની નિષ્ઠા અને કોમી સુમેળ માટે એમણે આપેલા બલિદાન પ્રત્યે જાગૃત થયા છે. એમના આ કેવળ જ્ઞાનના પરિણામે જ જાન્યુઆરી ૧૯૯૩માં ગાંધીજીના શહીદી દિને દિલ્હીમાં એમણે એક ડેમન્સ્ટ્રેશનનું આયોજન કર્યું હતું.

ગાંધીજીના વિચારો બાબત ઘણી વાર થાપ ખાઈ જવાય છે. એનું કારણ એ કે એમણે ધર્મ અને રાજકારણને વેગળાં રાખવાનો સતત ઇનકાર કર્યો. ‘ધર્મ’ને બદલે ‘નૈતિકતા’ શબ્દ વાપરો અને ‘રાજકારણ’ને બદલે ‘સત્તા’ શબ્દ વાપરો, એટલે આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આપણામાંથી કોઈ એવું છે કે જે એમ માનતું હોય કે સત્તાનો ઉપયોગ નૈતિક ખ્યાલોને અભેરાઈએ ચડાવીને જ થવો જોઈએ? ગાંધીજી પોતાને કર્મયોગી માનતા હતા. આત્મ પ્રતીતિ અને સામુદાયિક મુક્તિ માટે નિઃસ્વાર્થ સાંસારિક કાર્ય કરવું તેને એ પોતાનું આધ્યાત્મિક કર્તવ્ય માનતા હતા. રાજકીય પ્રવૃત્તિ એમની નજરે સામાજિક કાર્ય માટેનું સર્વોત્તમ ક્ષેત્ર હતું, પરંતુ એમનો એ આગ્રહ પણ હતો કે આ કાર્ય અહિંસા અને આભડછેટની નાબૂદી જેવાં નૈતિક મૂલ્યોથી સિંચિત હોવું જોઈએ. પરંપરાગત હિન્દુ ‘ત્યાગી’નું ખાસ લક્ષણ આત્મરતિ છે અને ગાંધીજીએ એવાં સ્વાર્થપ્રેરિત લક્ષ્યોનો ત્યાગ કર્યો. એમને અંગત હેતુઓ માટે સત્તા નહીં, ભારતની જનતા માટે સાર્વભૌમત્વ જોઈતું હતું. એ જ કારણે એમનો જબ્બરદસ્ત નૈતિક પ્રભાવ રહ્યો. એમની નજરે, મોક્ષ અને આત્મસાક્ષાત્કાર સહિત આધ્યાત્મિકતાનાં બધાં સર્વશ્રેષ્ઠ ધ્યેયોની અભિવ્યક્તિ માટે એક જ શબ્દ પૂરતો હતો – સત્ય. એ જ એક શબ્દ ન્યાય અને નિષ્ઠા જેવાં મૂલ્યો માટે પણ પૂરતો હતો. એમના સત્યમાં અહિંસા અંતર્નિહિત હતી.. સત્ય પોતે પોતાની સાબીતી છે અને અહિંસા એનું સર્વોત્તમ ફળ છે”.એમના ઉદ્દેશ એકીસાથે આધ્યાત્મિક અને રાજકીય હતા અને સાધન અને સાધ્યનું સાયુજ્ય સાધીને એમણે આ ઉદ્દેશોની વ્યાખ્યાનો ભેદ ભૂંસી નાખ્યો. એમનો ધર્મ રાજકીય સત્તાની પ્રાપ્તિ માટેનું વ્યૂહાત્મક હથિયાર નહોતો, ઉલટું, એમનો વિચાર હતો કે નક્કર ધ્યેયો સિદ્ધ કરવા માટે રાજકીય ક્રિયાકલાપોને જ નૈતિકતાના રંગે રંગીને પારદર્શક બનાવવાની જરૂર છે.

ગાંધી ભલે ને રૂઢિવાદી દેખાય પણ એ તો સ્પષ્ટ છે કે એમણે પરંપરાઓ અને તત્કાલીન આધ્યાત્મિક ગુરુઓને પણ અંતરાત્માની કસોટીએ ચડાવ્યાં. તુલસીદાસ પત્નીને મારતા એ સાચું હોય તો પણ ગાંધી કહે છે કે રામાયણ પુરુષોપત્નીને મારતા હોય તેને વાજબી ઠરાવવા નથી લખાયું.” અને મહાભારતમાં હિંસાચારનું નિરૂપણ હોવા છતાં ગાંધી કહે છે કે વ્યાસે આ મહાકાવ્ય યુદ્ધની નિઃસારતા દેખાડવા માટે લખ્યું; મહાભારતમાં વર્ણવેલી લડાઈ તો બધા મનુષ્યોની અંદર ચાલતા શુભ અને અશુભ વચ્ચેના દ્વન્દ્વનું રૂપક છે. કર્મનું શુદ્ધતમ રૂપ પારિતોષિકની ઇચ્છા વિનાનું હોય તો હિંસા અને અસત્ય માટે તો બારણાં બંધ જ છે; એ બન્નેમાં સ્વાર્થ વસે છે. ગાંધીજી કહે છે કે સદીઓ વીતતાં ભાષા અને અર્થ બદલાય અને વિસ્તરે છે. અને કોઈ સુંદર કાવ્યકૃતિની ખૂબી હોય છે કે એના સર્જક કરતાં પણ મોટી હોય છે.” ગીતામાં પણ યુદ્ધનું નિરૂપણ હોવા છતાં ગાંધીજી આગ્રહપૂર્વક કહે છે કે મારા જીવનનાં ચાળીસ વર્ષ સુધી મેં ગીતાનો ઉપદેશ જીવનમાં ઉતારવાના અથક પ્રયાસ કર્યા પણ મારે નમ્રતાપૂર્વક કહેવું જોઈએ કે મારા ખ્યાલ પ્રમાણે દરેક પ્રકારે અહિંસાનુંઆચરણ કર્યા સિવાય સંપૂર્ણ અનાસક્તિ સિદ્ધ થઈ શકે.” એમનો અંતરાત્મા એમને માનવીય સમાનતા અને રાજકીય તથા સામાજિક સંઘર્ષોનું શાંતિપૂર્ણ સમાધાન શોધવા માટે ધકેલતો રહ્યો. જ્ઞાતિ પ્રથામાં રહેલી દમનકારી હિંસાને – અને હિંસાને વાજબી ઠરાવવા માટે જુદા જુદા ધર્મગ્રંથોમાં અને પરંપરાઓમાં રજૂ થયેલી દલીલોને – એમણે નકારી કાઢી. ધર્મના ક્ષેત્રમાં ગાંધીજીને સર્જકતાની નિશાની જ એ છે કે એમણે ભાષા તો પરંપરાગત વાપરી પણ સલાહ આપી, એ પરંપરાઓને સમૂળગી નકારી કાઢવાની.

સૌથી વધારે નોંધવા લાયક વાત એ છે કે એમના અહિંસાના સંદેશનો સૌથી વધારે ઊંડો પ્રભાવ ભારતમાં લડાયક મનાતી બે કોમો પર પડ્યો – શીખો અને પઠાણો. આજે બહુ થોડા લોકોને યાદ હશે કે અકાલી દળનો જન્મ જ ગુરુદ્વારાઓને અંગ્રેજોના ટટ્ટુ જેવા ભ્રષ્ટ મહંતના કબજામાંથી છોડાવવા માટે ચાલેલા અહિંસક આંદોલનમાંથી થયો છે. ૧૯૨૨નું ગુરુ-કા-બાગ આંદોલન એક સીમાચિહ્ન છે. ધાર્મિક હેતુ માટે લાકડાં કાપવા સામેના પ્રતિબંધનું અકાલી જથ્થાઓએ અહિંસક અને શાંતિપૂર્ણ માર્ગે ઉલ્લંઘન કર્યું. આ જથ્થાઓમાં કેટલાયે તો નિવૃત્ત સૈનિકો હતા અને પહેલા વિશ્વયુદ્ધમાં અંગ્રેજી સામ્રાજ્ય માટે લડ્યા પણ હતા. અંગ્રેજ પોલીસ અફસરો અને એમના હિન્દી સિપાઈઓએ નિર્દયતાથી ડંડા વરસાવ્યા. દેશને હલાવી દેનારા આ આંદોલનમાં ૧૫૦૦ ઘાયલ થયા અને પાંચ હજારને જેલ ભોગવવી પડી. ગાંધીજીના સાથી ચાર્લ્સ ઍન્ડ્રૂઝે આ પરમ નૈતિક સ્પર્ધા જાતે જોઈ અને લખ્યું કે આવી અમાનવીયતા કોઈ “અંગ્રેજના માન્યામાં ન આવે”. એમણે લખ્યુંદરેક પ્રહારને જુસ્સાથી સહન કરી લઈને એમણે એને વિજયમાં ફેરવી નાખ્યો.”

એ જ રીતે, લાલ ખમીસધારી ખુદ્દાઈ ખિદમતગારોએ વાયવ્ય સરહદ પ્રાંતમાં ચલાવેલું આંદોલન ૧૯૪૭ પહેલાના હિન્દુસ્તાનમાં રાષ્ટ્રીય સ્વાધીનતા અને સામાજિક ઉત્થાન માટેનું એક સૌથી ચુસ્ત ગાંધીવાદી આંદોલન હતું. ખુદાઈ ખિદમતગારના નેતા ખાન અબ્દુલ ગફ્ફાર ખાનને એના પછી જ ‘સરહદી ગાંધી’ એવું બિરુદ મળ્યું. એમણે શાંતિ, સહિષ્ણુતા અને આત્મસંયમ પર ભાર મૂકતા ઇસ્લામનો ઉપદેશ આપ્યો. ખુદાઈ ખિદમતગારોએ ૧૯૩૧માં નાગરિક અસહકાર આંદોલનમાં પણ આગળપડતો ભાગ લીધો. એમણે પેશાવરનો કબજો લઈ લીધો અને થોડા દિવસ શહેરનો વહીવટ પણ ચલાવ્યો. એમને દબાવી દેવા સરકારે ગઢવાલ રાઇફલ્સની રેજિમેન્ટ મોકલી. એમાં બધા હિન્દુઓ જ હતા પણ એમણે પઠાણ સત્યાગ્રહીઓ પર ગોળી ચલાવવાની સાફ ના સુણાવી દીધી. ૧૯૩૦ના દાયકામાં એક તુર્કી વિદુષીએ ફ્રંટિયર પ્રદેશની મુલાકાત લીધા પછી લખ્યું કે પઠાણોએ ‘તાકાત’નું નવું અર્થઘટન કર્યું છે. એમના શબ્દોમાં, દૃઢ અને નીડર માણસોએ દેખાડી આપ્યું છે કે અહિંસા માત્ર એક એવી તાકાત છે કે જેની સમાજ પર ચિરંજીવી અસર પડેછે ઘટના અભ્યાસ કરવા યોગ્ય છે.”

ગાંધીજીની હિંસાની સમજ એમની આધ્યાત્મિક આસ્થાઓમાંથી નીપજી છે. મહાભારતમાં દુષ્ટોની સાથે ભીષ્મ અને દ્રોણ જેવા સજ્જનો પણ હતા તેના પરથી ગાંધીજીએ તારણ કાઢ્યું કે દુનિયામાં અનિષ્ટ પોતાની મેળે ફાવે નહીં. માત્ર ઈષ્ટસાથે જોડાઈને પાંગરી શકે.” એમણે છેક ૧૯૨૬માં આ લખ્યું અને એ વિચાર પર ઠેઠ સુધી દૃઢ રહ્યા. ૧૯૪૦માં એમણે કહ્યું, ગુંડાઓ આકાશમાંથી ટપકતા નથી કે ભુતાવળની જેમ ધરતીમાંથી ફૂટી નીકળતા નથી. ગુંડાઓ સામાજિકછિન્નભિન્નતાની પેદાશ છે એટલે સમાજ એમના અસ્તિત્વ માટે જવાબદાર છેઆપણું સમગ્ર રાજતંત્ર કેટલું ભ્રષ્ટ છે તેનું પ્રતીક છે.” ૧૯૪૬નાં રમખાણો વખતે એમણે કહ્યું, બધો દોષ ગુંડાઓ પર નાખીને આપણા પોતાના માટે નૈતિક બહાનુંશોધી લેવાની ટેવની હું સખત ટીકા કરું છું. એમની પેદાશ અને એમને ઉત્તેજન આપવા માટે આપણે જવાબદાર છીએ.” ૧૯૪૭માં હિંસા ચરમ સીમાએ હતી ત્યારે પણ એમણે એ જ લખ્યું, શાંતિપ્રેમી વ્યક્તિઓ આગળ આવીને પોતાની વાતકહે અને ગુંડાઓને એકલા પાડી દે એવો સમયનો તકાજો છે. અહિંસક અસહકાર બધી જગ્યાએ અકસીર રહે એવો ઇલાજછે. ‘શુભસ્વતંત્રપણે અસ્તિત્વ ટકાવી શકે છે, પણઅશુભનહીં. શુભની અંદર અને એની આસપાસ પરોપજીવીતરીકે ટકે છે. શુભ એને ટેકો આપવાનું બંધ કરશે ત્યારે આપોઆપ ખરી પડશે…”

આઝાદી પૂર્વેના હિન્દુસ્તાનમાં નોઆખલી અને કલકત્તા જેવા શહેરમાં એમણે જે અધમાધમ પ્રકારની હિંસા જોઈ તેને ખાળવાના એમના પ્રયાસોની ફળશ્રુતિ રૂપે એમનું આ દર્શન પ્રગટ થયું છે. એ વખતે નજરે જોનારને માટે એ તો સાવ જ જાદુ હતો કે હિન્દુઓ અને મુસલમાનો હજારોની સંખ્યામાં ગાંધીજીની પ્રાર્થના સભાઓમાં જોડાતા અને ૧૯૪૭ના ઑગસ્ટમાં એમણે સાથે મળીને ઈદ ઊજવી. વાઇસરૉય માઉંટબૅટને એમને આ તાર મોકલ્યોઃ મારા વહાલા ગાંધીજી, પંજાબમાંઆપણે ૫૫ હજાર સૈનિકો મોકલ્યા છે, તેમ છતાં રમખાણો કાબુમાં નથી આવતાં. બંગાળમાં આપણું એક વ્યક્તિનું સૈન્ય છેઅને તો પણ રમખાણો નથી થતાંએક સેવારત અધિકારી તરીકે હું આપણાવન મૅન બાઉંડરી ફોર્સને માનાંજલિઆપવાની પરવાનગી માગું છું…” દિલ્હી ઍસેમ્બલીમાં મુસ્લિમ લીગે ઠરાવ કરીને કલકત્તામાં બે કોમો વચ્ચે શાંતિ અનેશુભેચ્છાનું વાતાવરણ સ્થાપવામાં શ્રી ગાંધીએ જે ભાગ ભજવ્યોતે બદલ એમનો હૃદયપૂર્વક આભાર માન્યો. એક જ મહિનાની અંદર, કલકત્તામાં ફરી રમખાણો ફાટી નીકળ્યાં અને ગાંધી એ ઉપવાસ આદર્યા ત્યારે એમની સાથે યુરોપીયનોના નિયંત્રણ હેઠળના આખા પોલીસ દળે પણ એક દિવસ ઉપવાસ રાખ્યો અને લોહીતરસ્યા ગુંડાઓ આવી આવીને પોતાનાં હથિયારો એમના ચરણે નાખવા લાગ્યા. કોંગ્રેસના કટ્ટર વિરોધી, અખબાર ધી સ્ટેટ્સમૅનના અંગ્રેજ તંત્રીએ જાહેર કર્યું કે હવેથી ‘શ્રી ગાંધી’નો ઉલ્લેખ એમની કૉલમમાં ‘મહાત્મા’ તરીકે થશે. ૧૯૪૭ની સ્થિતિનું બયાન કરવા માટે ગાંધીજીએ જે તર્ક વાપર્યો છે તેનો ઉપયોગ કરીને આપણે કહી શકીએ કે હિંસા અને અહિંસા વચ્ચેનો સંઘર્ષ, ગુંડાઓ હોય કે સભ્ય સમાજ, પ્રત્યેક હૃદયમાં ચાલતો હતો.

ઘણા માને છે તેમ, ગાંધી નામનો આ જણ જડસૂ આદર્શવાદી નહોતો. એમણે માન્યું જ છે કે સંપૂર્ણ અહિંસા એટલે બધી જ પ્રવૃત્તિઓ સંપૂર્ણ બંધ કરી દેવી, જે સામાન્ય લોકોની જરૂરિયાતો સાથે સુસંગત નથી. એમણે દમનકારીઓની હિંસા અને પીડિતોની હિંસા – સ્વબચાવની હિંસા – માં પણ ભેદ કર્યો. ગાંધીજી માનતા કે આત્મરક્ષણ માટેની હિંસા આક્રામક હિંસા કરતાં નૈતિક રીતે વધારે સારી છે. ગાંધીની વ્યાખ્યા પ્રમાણે સ્વાર્થસિદ્ધિ માટે કે માત્ર આચરવા ખાતર કરાયેલી હિંસા એ જ ખરી હિંસા છે. ગાંધીજીએ સ્વહિત અને સ્વાર્થ વચ્ચે પણ અંતર દેખાડ્યું. સ્વહિત એટલે ગરિમાપૂર્ણ માનવીય જીવન જીવી શકાય એવી પરિસ્થિતિઓ ઊભી કરવી; જ્યારે સ્વાર્થ એટલે પોતાનાં હિતોને સૌનાં હિતોની ઉપર મૂકવાં અને બીજાના ભોગે પોતાનું હિત સાધવું. હિંસક વિચારો જોખમી છે કેમ કે એ જ હિંસક આચારને જન્મ આપવાની સ્થિતિઓ સર્જે છે. બીજાને ઉતારી પાડવા એ પણ હિંસા જ છે. ગાંધીજીનું મૂલ્યાંક્ન એ હતું કે રાજસત્તા હિંસાનું સંસ્થાકીય અને સંકેન્દ્રિત રૂપ છે અને એમનો પાકો મત હતો કે રાજસત્તાના આવા સ્વરૂપનું કારણ એ કે તે સિવાય એક અન્યાયી અને શોષક સમાજવ્યવસ્થાને ટકાવી ન શકાય. એમણે ભાર દઈને કહ્યું કે આત્યંતિક સ્થિતિમાં કાયરતા કરતાં હિંસા વધારે સારી છે. અન્યાય અને દુષ્કૃત્યો સામે નિષ્ક્રિયતાને વાજબી ઠરાવવા માટે અહિંસાનું નામ વાપરવું તેનો એ વિરોધ કરતા. એમની સલાહ હતી કે સ્ત્રી જો બળાત્કારી સામે અહિંસક રીતે ન વર્તી શકે તો એણે પૂરી શક્તિથી એનો સામનો કરવો જોઈએ.

છેવટે તો, ભીખુ પારેખ કહે છે તેમ ગાંધીને એ વાત ગળે ઊતરી ગઈ હતી કે હિંસાના શાસનનો અંત હિંસામાં ઉમેરોકરવાથી આવે”. હિંસાને વાજબી ઠરાવવા માટે જે વાહિયાત દલીલો આગળ ધરવામાં આવે છે એમાં ભારે જોખમ છે; જેમ કે “માણસના સ્વહિત માટે પ્રકૃતિનો ભોગ લઈ શકાય”, અથવા “રાજ્ય એક દમનકારી મશીન હોય તો પણ એને ટકાવી રાખવાની જરૂર છે” કે પછી, “દમનનો વિરોધ ક્રાન્તિકારી હિંસાથી જ થાય” ગાંધીજી, પારેખના શબ્દો વાપરીએ તોમાનવીય જીવનમાં મર્યાદિત હિંસાની સહ્ય સ્વીકૃતિને જેટલી સહેલાઈથી વ્યાપક સ્વીકૃતિ બનાવી દેવાય છે તેનાથી ભારેચિંતિત હતા. આ રીતે માણસ હિંસાને અપવાદમાંથી નિયમમાં ફેરવી નાખે છે. એક વાર એવું થાય તે પછી માણસોઅપવાદોનો લાભ લેતા રહેશે અને વિકલ્પ શોધવાનો પ્રયત્ન પણ નહીં કરે.” એમની દૃષ્ટિએ સામાજિક અને રાજકીય કાર્યકરો અહિંસાની તાલીમ લે એનું મુખ્ય કારણ જ એ હતું, કારણ કે એમની વ્યાખ્યા પ્રમાણે અહિંસા એટલે માત્ર હિંસાનો અભાવ નથી, પરંતુ એમાં કરુણાનું વિધાયક મૂલ્ય છે. અહિંસાને નૈતિક આદર્શનું સ્થાન આપવામાં એમને આશા હતી કે સામાજિક અને રાજકીય પરિવર્તનોમાં જરૂરી બનતી હિંસાને નગણ્ય સ્તર સુધી ઘટાડી શકાશે. સંપૂર્ણ અહિંસા કદાચ કદી પણ સિદ્ધ ન થઈ શકે, તો પણ એ ‘યુટોપિયા’ તરીકે તો કામ કરશે જ; એના વગર તો માનવ સમાજ પાસે પોતાનાં કાર્યોને માપવાનો પરિપૂર્ણ માપદંડ જ નહીં હોય.

(ત્રીજો અને અંતિમ ભાગ  ૧૭.૬.૨૦૧૫ના આવતીકાલે)


ડૉ. દિલીપ સિમ્યન –

બ્લૉગ http://dilipsimeon.blogspot.in/
ઈ-મેલઃ:dilipsimeon@gmail.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: