This month of May dedicated to Freedom Fighters

મે મહિનો સ્વાતંત્ર્યવીરોને અર્પણ

કહે છે કે ૧૮૫૭ના બળવા વખતે બહાદુર શાહ ઝફરનો પાકો નિરધાર હતો કે વિદ્રોહી સિપાહીઓને ટેકો ન આપવો. એના પ્રાઇવેટ સૅક્રેટરી જીવન લાલના જણાવ્યા પ્રમાણે એક વાર બહાદુર શાહને એના દાદા શાહ આલમ બીજાએ સપનામાં આવીને કહ્યું કે પ્લાસીમાં જે થયું તેનો બદલો લેવાનો સમય આવી ગયો છે. ૧૭૫૭માં પ્લાસીની લડાઈમાં શાહ આલમ, અવધના નવાબ અને મોગલ સલ્તનતના વજીર શૂજા-ઉદ-દૌલા અને બંગાળના નવાબ મીર કાસિમની સેનાઓને ઈસ્ટ ઇંડિયા કંપનીએ રૉબર્ટ ક્લાઇવના માર્ગદર્શન હેઠળ હાર આપીને સત્તા કબજે કરી લીધી હતી.

આ સપના પછી ૮૨ વર્ષના જઈફ બહાદુરશાહની ઊંઘ વેરણ થઈ ગઈ. ઉધરસ એને આમ પણ ભાગ્યે જ ઊંઘવા દેતી હતી એટલે સપનાં પણ ભાગ્યે જ આવતાં. પણ આ સપનાએ એને હેરાનપરેશાન કરી નાખ્યો. એના હકીમ અહેસાનુલ્લાહ ખાને પણ અંગ્રેજોની સામે વગર વિચાર્યે કૂદી ન પડવાની સલાહ આપી. છેવટે બાદશાહને બેગમ ઝીનત મહલે એને સમજાવ્યું કે સિપાહીઓને ટેકો આપવો જોઈએ.

આ ઇતિહાસ નથી. દંતકથા છે. ઇતિહાસ ઝાડ છે તો દંતકથા એના સહારે ચડતી વેલ છે. દંતકથા ઇતિહાસથી ઘણી રીતે જુદી પડે છે, પરંતુ ઇતિહાસ ન હોય અને માત્ર દંતકથા હોય એવું પણ ભાગ્યે જ બની શકે.

બહાદુર શાહને સપનું આવ્યું કે નહીં, એ કથા હોઈ શકે, પણ ઝીનત મહલ વિદ્રોહીઓ સાથે હતી એ ઇતિહાસ છે. વિદ્રોહીઓ લાલ કિલ્લાની બહાર એકઠા થઈને બહાદુર શાહને વિદ્રોહની આગેવાની લેવા માટે જોરજોરથી કહેતા હતા એ ઇતિહાસ છે અને બહાદુર શાહને એમણે શહેનશાહ-એ-હિન્દ જાહેર કર્યો એ પણ ઇતિહાસ છે. એ પણ મે મહિનો હતો. ૧૮૫૭ના મે મહિનાની કથા હાલમાં જ વેબગુર્જરી પર સમાપ્ત થયેલી નવલકથા ‘પરિક્રમા’માં લેખક કૅપ્ટન નરેન્દ્ર ફણસેએ બહુ સારી રીતે વણી લીધી છે. એના ભાગ-૨ના પ્રકરણ-૮(http://webgurjari.in/2014/10/05/parikrama-part-2-chapter-8/

) અને તે પછીનાં કેટલાંક પ્રકરણો વાંચવાથી એક જાતનો ઇતિહાસ બોધ થાય છે એટલે ૧૮૫૭ના એ મે મહિનાની રોમાંચક અને દેશદાઝથી છલકાતી દાસ્તાનનું અહીં પુનરાવર્તન નથી કરવું.

મારે તે પછીનાં વર્ષોમાં આવેલા મે મહિનાઓની વાત કરવી છે. આ મે મહિનાઓ આજે તો એક સદી કે તેના કરતાં પણ વધારે જૂના છે. એ મે મહિનાઓને પણ દેશની આઝાદી સાથે સંબંધ રહ્યો છે.

૧૯૧૫નો મે મહિનો – સો વર્ષ પહેલાંનો મે – ચાર સ્વાતંત્ર્યવીરોના બલિદાનનો સાક્ષી બન્યો.

0-0-0

વાઇસરોય હાર્ડિંજ પર બોમ્બથી હુમલો કરનારા વીરો

૧૯૦૫માં લૉર્ડ કર્ઝને બંગાળના કોમી ધોરણે ભાગલા પાડ્યા. આની સામે બંગાળમાં ભયંકર રોષ ફાટી નીકળ્યો.યુગાંતર (Jugantar)નામનું વિદ્રોહી સંગઠન સ્થપાઈ ચૂક્યું હતું. બંગાળમાં ક્રાન્તિની જ્વાળા ભભૂકી ઊઠી હતી. આખું બંગાળ વેરનો બદલો વેરથી લેવા તલસતું હતું. અંગ્રેજ હકુમતને હવે કલકત્તામાં પાટનગર બનાવીને ટકી રહેવું અઘરૂં લાગવા માંડ્યું હતું. ૧૯૧૧માં હકુમતને રાજધાની દિલ્હીમાં ખસેડવામાં શાણપણ લાગ્યું. આમ પણ દિલ્હી પ્રાચીન રાજધાનીઓનું શહેર હતું. પાંડવો અને હિન્દુ રાજાઓ, ગુલામ વંશ, ખીલજી, તુગલખો અને લોદીઓ દિલ્હી પર રાજ કરીને અસ્ત પામ્યા હતા અને તે પછી મોગલોએ પોતાની રાજધાની દિલ્હીમાં સ્થાપી. “દિલ્હી પર રાજ ન કર્યું તો કર્યું જ શું?” આ સવાલ અશાંત બંગાળમાં રહીને જ રાજ કરવાના હિમાયતીઓ સામે ફેંકાતો રહ્યો. વ્યૂહાત્મક દૃષ્ટિએ પણ દિલ્હી દેશની લગભગ મધ્યમાં હતું.

૧૯૧૧ના ડિસેમ્બરમાં દિલ્હીમાં સમ્રાટ પંચમ જ્યૉર્જની તાજપોશી થઈ. સમ્રાટે તાજપોશી પછી હિન્દુસ્તાનની જનતાને દિલ્હીની નવી રાજધાની તરીકે નવાજેશ કરી. ધીમે ધીમે સરકારી ખાતાં દિલ્હી ખસેડાતાં ગયાં. છેલ્લે, હવે વાઇસરોય ચાર્લ્સ હાર્ડિંજ ઑફ પેન્સહર્ટ્સનો પ્રવેશ થવાનો હતો.

૧૯૧૨ના ડિસેમ્બરની ૨૩મી તારીખે લૉર્ડ અને લેડી હાર્ડિજ વાજતેગાજતે, હાથી પર બેસીને દિલ્હીમાં પ્રવેશ્યાં. એમનીclip_image002શોભાયાત્રા ચાંદની ચોકમાં પહોંચી. રસ્તાની બન્ને બાજુએ હાકેમને જોવા માટે ભીડ ઊમટી હતી. ત્યાં જ હાથી પરની અંબાડી પર કંઈક અફળાયું અને ધડાકો થયો. પંજાબ નેશનલ બૅન્કની બિલ્ડિંગમાંથી કોઈએ બોમ્બ ફેંક્યો હતો. એનો ભોગ તો પાછળ બેસીને ચામર ઢોળતો ખાસદાર બન્યો. હાર્ડિંજને ખબર ન પડી પણ લેડી હાર્ડિંજે પાછળ જોયું તો ખાસદાર ઊંધે માથે લટકી ગયો હતો. એનું ધ્યાન ગયું કે પતિના ખભામાંથી પણ લોહી નીકળે છે. એણે પહેલાં તો પતિને કહ્યું નહીં, માત્ર સરઘસ રોકી દેવા કહ્યું, જેથી મૃત માણસને ઉતારી શકાય. પણ બહુ લોહી વહી જવાથી હાર્ડિંજની જીભે લોચા વળતા હતા, સરઘસ રોકી દેવાયું. હાર્ડિંજને તરત સારવાર માટે લઈ ગયા.

આખું તંત્ર બોમ્બ ફેંકનારને શોધવામાં લાગી ગયું. આ કામ કોઈ એકલદોકલનું તો ન જ હોય. બંગાળના ક્રાન્તિકારીઓ પર સરકારી તંત્રનું ધ્યાન કેન્દ્રિત થયું કારણ કે બોમ્બ અને એનો ઉપયોગ કરવાની રીત બંગાળી ક્રાન્તિકારીઓ જેવી જ હતી. અંતે હુમલાની યોજના પાછળ રહેલા ક્રાન્તિકારીઓ પકડાઈ ગયા, જેમાં દિલ્હીની એક શાળાના શિક્ષક માસ્ટર અમીર ચંદ, ભાઈ બાલમુકુંદ, અવધબિહારી, બસંત કુમાર બિશ્વાસ, ગણેશીલાલ ખસ્તા, વિષ્ણુ ગણેશ પિંગલે, ચરન દાસ, લક્ષ્મી નારાયણ શર્મા અને લાલા હનવંત સાહી હતા. કેસ પત્યા પછી લક્ષ્મી નારાયણ શર્મા અને ગણેશીલાલને વારાણસી લઈ જવાયા. એમને આજીવન કારાવાસની સજા મળી હતી.

૧૯૧૫ના આ જ મહિનાની આઠમી તારીખે દિલ્હીમાં અમીરચંદ, ભાઈ બાલમુકુંદ અને માસ્ટર અવધબિહારીને ફાંસી આપી દેવાઈ. બીજા દિવસે અંબાલા જેલમાં બસંત કુમાર બિશ્વાસને પણ ફાંસી આપવામાં આવી. એમને ફાંસી આપવામાં આવી તે ફાંસીઘર હવે આઈ. ટી. ઓ.ની સામે દિલ્હીની મૌલાના મૅડિકલ કૉલેજના પ્રાંગણમાં સમાઈ ગયું છે. દર વર્ષે શહીદોને અંજલિ આપવાનો કાર્યક્રમ યોજાતો હોય છે.

 બસંત કુમાર બિશ્વાસમાસ્ટર અમીર ચંદભાઇ બાલમુકુન્દ અવધ બિહારી

           બસંત કુમાર બિશ્વાસ                    માસ્ટર અમીરચંદ            ભાઈ બાલમુકુંદ                અવધબિહારી

અમીર ચંદનો જન્મ ૧૮૬૯ માં થયો હતો. પિતાની જેમ એ પણ શિક્ષક હતા અને સ્વદેશી આંદોલન તેમ જ બીજાં સામાજિક સુધારા કાર્યોમાં પણ સક્રિય હતા. લાલા હરદયાલને મળ્યા પછી ગદર આંદોલનમાં પણ સક્રિય બન્યા અને ઉત્તર ભારતમાં ક્રાન્તિકારી કાર્યોના માર્ગદર્શનમાં મહત્ત્વનો ભાગ ભજવતા હતા. ભાઈ બાલમુકુંદનો જન્મ ૧૮૮૯માં ઝેલમ (હવે પાકિસ્તાનમાં) ઔરંગઝેબ સામેના વિદ્રોહમાં શીખ ગુરુ તેગબહાદુરજીના એક અનન્ય સાથી અને શહીદ વીર ભાઈ મતીદાસના કુળમાં એમનો જન્મ થયો હતો. અવધ બિહારી અમીર ચંદના વિદ્યાર્થી હતા. બસંત કુમાર બિશ્વાસ બંગાળના હતા. અને એમને ફાંસી અપાઈ ત્યારે એમણે ૨૦ વર્ષ પણ પૂરાં નહોતાં કર્યાં.

ચારેય શહીદોને પ્રણામ કરીએ.

૦-૦-૦

ભગવતી ચરણ વોહરાઃ ભગત સિંઘના સાથી

ભગવતી ચરણ વોહરાભગવતી ચરણ વોહરાનો જન્મ ૧૯૦૪માં થયો. એ મૂળ ગુજરાતના હતા, પરંતુ બહુ પેઢીઓ પહેલાં ગુજરાત છોડીને આગરામાં એમનો પરિવાર વસી ગયો હતો. ભગવતી ચરણ અને એમનાં પત્ની દુર્ગાવતી પણ ગુજરાતી બ્રાહ્મણ પરિવારનાં જ હતાં. લગ્ન વખતે દુર્ગાની ઉંમર ૧૧ વર્ષ હતી. બન્ને પરિવાર આગરા છોડીને લાહોરમાં નજીક નજીકની શેરીઓમાં જ રહેતા હતા. દુર્ગાવતી પણ પતિની સાથે જ ભગત સિંઘની મંડળીમાં સક્રિય બની ગયાં. ગ્રુપમાં બધા એમને દુર્ગાભાભી કહેતા.

પરિવાર સાથેભગત સિંઘ અને સુખદેવ થાપર સૌંડર્સની હત્યા કરીને બે દિવસ પછી ભગવતી ચરણને ઘરે પહોંચ્યા. એમને લાહોરથી નીકળી જવું હતું અને કોઈ ઓળખી ન શકે એટલે એમણે વેશપલ્ટો કરી લીધો હતો. ભગત સિંઘે પહેલી વાર વાળ કપાવીને ફેલ્ટ કૅપ પહેરી. આજે તો એ તસવીરથી જ આપણે ભગત સિંઘને ઓળખીએ છીએ. પરંતુ ટ્રેનમાં એવું લાગવું જોઈએ કે એક સદ્‍ગૃહસ્થ કુટુંબ મુસાફરી કરે છે એટલે આ ફેલ્ટ કૅપવાળા જુવાનની પત્ની પણ હોવી જોઈએ. આ ભૂમિકા દુર્ગાભાભીએ ભજવી. ભગત સિંઘે દુર્ગાભાભીના પુત્ર શચીન્દ્રને તેડ્યો, અને બન્ને ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેઠાં. બીજા અમર શહીદ રાજગુરુ એમના નોકર તરીકે થર્ડ ક્લાસમાં સામાન સાથે આવ્યા. દુર્ગાભાભીનું ગાઝિયાબાદમાં ૧૯૯૯માં અવસાન થયું.

દુર્ગાભાભી વૃદ્ધાવસ્થામાં

ભગવતી ચરણ પહેલાં તો ગાંધીજીના સત્યાગ્રહમાં જોડાયા પણ ચૌરીચૌરાના બનાવ પછી ગાંધીજીએ સત્યાગ્રહ પાછો ખેંચી લેતાં એ ફરી કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાઈ ગયા. વોહરા વાચનના જબરા શોખીન હતા અને ભગત સિંઘે સ્થાપેલી નૌજવાન ભારત સભા અને હિન્દુસ્તાન રીપબ્લિકન એસોસિએશનના સિદ્ધાંતવેત્તા હતા. આમ એમનું સ્થાન ગ્રુપમાં મુખ્યત્વે ચિંતક અને વિચારકનું હતું. એમણે કૉલેજમાં ભગત સિંઘ અને સુખદેવની સાથે મળીને માર્ક્સિસ્ટ સ્ટડી સર્કલ પણ બનાવ્યું હતું. એના પછી હિન્દુસ્તાન રીપબ્લિકન એસોસિએશનનું નામ હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિક એસોસિએશન (HSRA) નામ અપાયું.

સશસ્ત્ર કાર્યવાહીઓ માટે પૈસાની પણ જરૂર પડતી અને વોહરા પરિવાર પૈસેટકે સુખી હતો એટલે ગ્રુપની નાણાભીડમાં પણ ભગવતી ચરણની મદદ રહેતી. પરંતુ ભગવતી ચરણ ગ્રુપના જ કેટલાક સાથીઓની ઈર્ષ્યાનો ભોગ બન્યા અને ક્રાન્તિમાં ગદ્દાર છે એવી વાતો ફેલાવા માંડી. એમણે તો જો કે પરવા ન કરી પરંતુ હિન્દીના જાણીતા સાહિત્યકાર અને એ ગ્રુપના એક સભ્ય યશપાલ પોતાના પુસ્તક સિંહાવલોકનમાં લખે છે કે એક વાર ભગત સિંઘે ભગવતી ચરણને ગોળીએ દઈ દેવાનો વિચાર કરી નાખ્યો હતો. ભગત સિંઘ એમને ભાઈ માનતા અને એમના વિરુદ્ધની અફવાઓને માનતા નહોતા પણ જોખમ પણ લેવા નહોતા માગતા. ક્રાન્તિકારીને મન ક્રાન્તિથી વધારે મોટા કોઈ જ સંબંધ નથી હોતા. પરંતુ યશપાલના કહેવાથી ભગત સિંઘ એમને ઘરે મળવા ગયા અને પાછળથી યશપાલ પહોંચ્યા તો એમણે જોયું કે બન્ને પ્રસન્ન ચહેરે વાતો કરતા હતા. યશપાલને લાગ્યું કે એક અજુગતો બનાવ બનતાં રહી ગયો.

યશપાલ લખે છે કે “ભગવતીભાઈ વિરુદ્ધ જયચન્દ્ર વિદ્યાલંકારે એમના કાન ભંભેર્યા હતા.” વાત એમ હતી કે કાકોરી કેસના આરોપીઓ રામપ્રસાદ બિસ્મિલ વગેરેના બચાવ માટે પૈસાની જરૂર હતી અને HSRAના પંજાબના વડા તરીકે પ્રોફેસર જયચન્દ્ર વિદ્યાલંકાર પર પૈસા ભેગા કરવાની જવાબદારી હતી. જયચન્દ્ર એક સ્કૂલમાં ફંડફાળા માટે ગયા ત્યાં ભગવતી ચરણનાં મોટાં બહેન સુશીલાદીદી શિક્ષિકા હતાં. એમણે પોતાની બંગડીઓ આપી દેવાનું વચન આપ્યું. ભગવતીએ જ્યારે આ જાણ્યું ત્યારે એમને દુઃખ થયું અને પોતે જ પૈસા આપી દેવાનો નિર્ણય કર્યો કે જેથી બહેનની બંગડીઓ ન જાય. વિદ્યાલંકાર બંગડી માટે ઊઘરાણી કરતા રહ્યા. એક દિવસ એમણે સંદેશ મોકલ્યો કે એમની ભાણેજીના લગ્ન માટે બંગડીઓ પોતે જ ખરીદ્દી લેશે. ભગવતીને એ ન ગમ્યું. એમણે કહ્યું કે જો મારી બહેન બંગડી વગર રહી શકતી હોય તો જયચંદ્રની ભાણેજી પણ રહી શકે અને લગ્નમાં આટલો ખર્ચ કર્યા વિના જ વિદ્યાલંકાર એટલા રૂપિયા પાર્ટીને આપી દે. આમાંથી પાર્ટીમાં ભગવતી ચરણ વિરુદ્ધ પ્રચાર શરૂ થઈ ગયો હતો એમ યશપાલ ખુલાસો કરે છે.

સુશીલાદીદીસુશીલાદીદી પણ ક્રાન્તિનાં કાર્યોમાં સક્રિયપણે ભાગ લેતાં. સૌંડર્સને માર્યા પછી ભગત સિંઘને છુપાવા માટે એમણે જ ઘર અપાવ્યું હતું. સુશીલાદીદી અને એમની એક સખીએ સાર્જન્ટ ટેલર પર ગોળીઓ છોડીને એનો જાન લેવાનો પ્રયાસ કર્યો હતો. એ પણ દુર્ગાભાભીની જેમ છેલ્લા શ્વાસ સુધી સામાજિક સેવાકાર્યો કરતાં રહ્યાં.

૧૯૨૯માં ભગવતી ચરણ વાઇસરોયને ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાના કાવતરામાં સામેલ થયા. વાઇસરોયની ટ્રેનને તો કંઈ નુકસાન ન થયું પણ ગાંધીજીએ એની વિરુદ્ધ ‘Cult of Bomb’ લેખ લખ્યો. એના જવાબમાં HSRA તરફથી પણ એક લેખ પ્રકાશિત થયો – Philosophy of Bomb. આ લખનાર ભગવતી ચરણ હતા.

હવે એમણે બોમ્બ બનાવવાનું શીખી લીધું હતું. એમનો વિચાર હતો કે ભગતસિંઘ અને એમના સાથીઓને બોમ્બ ફેંકીને જેલમાંથી છોડાવી લેવા. એક ભાડાના ઘરમાં એ અમુક સાથીઓની સાથે મળીને બોમ્બ બનાવતા. ૨૮મી મે ૧૯૩૦નો એ દિવસ હતો. ભગવતી ચરણ એક-બે સાથી સાથે રાવીના કિનારે બોમ્બનો અખતરો કરવા ગયા ત્યારે બોમ્બ અચાનક ફૂટી ગયો. અને ક્રાન્તિકારી વીર ભગવતી ચરણ વોહરાનું એમાં મૃત્યુ થઈ ગયું. એ સમયે એમની ઉંમર માત્ર ૨૫ વર્ષની હતી.

આ મહિને આ ગુમનામ શહીદને આપણે યાદ કરીએ.

૦-૦-૦

રાસ બિહારી બોઝઃ અનન્ય ક્રાન્તિકારી

બંગાળના આ મહાન ક્રાન્તિકારીનો જન્મ ૨૫મીરાસ બિહારી બોઝ મે ૧૮૮૬ના થયો હતો. વાઇસરોય હાર્ડિંજ પર બોમ્બ ફેંકવાની યોજનામાં પણ રાસ બિહારી બોઝ સામેલ હતા અને બનાવ બન્યા પછી પોલીસ તંત્રે સૌથી પહેલાં તો રાસ બિહારી બોઝની જ શોધખોળ શરૂ કરી હતી. એ જ રાતે એ વેશપલ્ટો કરીને દહેરાદૂન પહોંચી ગયા અને પાછા નોકરીએ લાગી ગયા.

સશસ્ત્ર ક્રાન્તિ સાથે તો એ સંકળાયેલા હતા જ. ૧૯૦૮માં ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ મૅજિસ્ટ્રેટ કિંગ્સફોર્ડ પર બોમ્બ ફેંક્યો. એ તો બચી ગયો પણ બે અંગ્રેજ મહિલાઓ એનો ભોગ બની. આ નિષ્ફળ પ્રયાસ પછી બોઝ બંગાળથી ભાગી છૂટ્યા અને દહેરાદૂનમાં ફોરેસ્ટ રીસર્ચ ઇંસ્ટીટ્યૂટમાં નોકરી કરવા લાગ્યા. આમ છતાં એમણે પંજાબ અને બંગાળના ક્રાન્તિકારીઓ સાથે સંબંધો તો રાખ્યા હતા અને બધી રીતે સક્રિય હતા. બોઝ બંગાળમાં યુગાંતર (Jugantar) સશસ્ત્ર સંગઠનના વિકાસ માટે પણ એના સ્થાપક જતીન્દ્રનાથ મુખરજી (બાઘા જતીન એટલે કે વાઘ જતીન) સાથે મળીને કામ કરતા હતા.

હાર્ડિંજ પરના હુમલામાં એમને પકડવામાં પોલીસને સફળતા ન મળી અને ૨૦૧૫માં તો રાસ બિહારી બોઝ જાપાન પહોંચી ગયા. આપણે જાણીએ છીએ કે સુભાષચન્દ્ર બોઝ પણ ભાગીને જાપાન પહોંચ્યા હતા અને ત્યાં એમણે આઝાદ હિન્દ ફોજની અને હિન્દુસ્તાનની ‘આરઝી હકુમત’ (હંગામી શાસન)ની રચના કરી હતી. પરંતુ આપણે એ નથી જાણતા કે આઝાદ હિન્દ ફોજની રચનામાં રાસ બિહારી બોઝનો ફાળો બહુ મહત્ત્વનો હતો. એ જાપાન સરકાર ભારતના ક્રાન્તિકારીઓને ટેકો આપે તે માટે પહેલાં પણ પ્રયાસ કરતા રહ્યા હતા. એમણે જાપાનમાં ‘ઇંડિયા ઇન્ડીપેન્ડન્સ લીગ’ની સ્થાપના કરી. હિન્દુસ્તાનીઓની અલગ સેના હોવી જોઈએ એવો વિચાર પણ એમનો જ હતો.

લીગનું બીજું અધિવેશન મળ્યું તેમાં રાસ બિહારી બોઝે એક ઠરાવ મંજૂર કરાવીને સુભાષબાબુને જાપાન આવીને લીગનું પ્રમુખસ્થાન સંભાળી લેવા અપીલ કરી. સુભાષબાબુએ આ આમંત્રણનો સ્વીકાર કર્યો અને છૂપી રીતે જાપાન પહોંચી ગયા. ત્યાં જાપાને હિન્દી યુદ્ધકેદીઓ એમને સોંપી દીધા. આમ આઝાદ હિન્દ ફોજની રચના થઈ.

પરંતુ ૧૯૧૫ પહેલાં પણ બોઝ ગદર ક્રાન્તિ સાથે સંકળાયેલા હતા. કૅનેડાવાસી પંજાબી ખેડૂતોની એમાં મુખ્ય ભૂમિકા હતી. અમેરિકામાં કૅલિફૉર્નિયામાં “પૅસિફિક કોસ્ટ હિન્દુસ્તાની એસોસિએશન બનાવ્યું હતું.એના તરફથી ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ ઇંડિયા’ નામની પત્રિકા પ્રકાશિત થતી હતી. રાસ બિહારી એના માટે પણ લખતા. અહીં એ પત્રિકાના ૨૫મી ડિસેમ્બરના અંકનું પહેલું પાનું દેખાડેલું છે.https://www.saadigitalarchive.org/item/20111129-503# પર કરવાથી એ પત્રિકા વાંચી શકાશે. એના બીજા પાના પર રાસ બિહારી બોઝનો પત્ર છે, જે વાંચવા જેવો છે. નીચે એની નકલ આપી છે. આ એક કૉલમના લેખમાંથી ચીની નૅશનલ પાર્ટી સાથેના બોઝના સંબંધો પ્રગટ થાય છે, એટલું જ નહીં પણ ચીની પાર્ટી મહાત્મા ગાંધી પ્ર્રત્યે સન્માન દર્શાવ્યા છતાં અહિંસાના માર્ગને વ્યવહારુ નહોતી માનતી અને રાસ બિહારી બોઝ એમની સાથે સંમત થતાં કહે છે કે હિન્દુસ્તાન તલવારના જોરે જ આઝાદ થઈ શકશે.

‘યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ ઇંડિયા’ નામની પત્રિકારાસ બિહારી બોઝનો પત્ર

બીજું વિશ્વયુદ્ધ સમાપ્તિની નજીક પહોંચી ગયું હતું ત્યારે આ મહાન ક્રાન્તિકારી ૨૧ જાન્યુઆરી ૧૯૪૫ના રોજ માર્યા ગયા.

મે મહિનાના આ પ્રખર સંતાનને વંદન.

વેબગુર્જરી પરઃ http://webgurjari.in/2015/05/30/maari-baari_42-month-of-may-dedicated-to-freedom-fighters/

%d bloggers like this: