Best short stories from Pakistan: Anandi

http://webgurjari.in/2015/05/24/all-time-best-short-urdu-stories-from-pakistan_6/

ગુલામ અબ્બાસ

લેખકનો પરિચયઃ

જન્મઃ ૧૭ નવેમ્બર ૧૯૦૯ (અમૃતસર), મૃત્યુઃ ૧ નવેમ્બર ૧૯૯૪ (લાહોર). ૧૯૨૨માં ૧૩વર્ષની ઉંમરે પહેલી વાર્તા લખી, ૧૯૩૮માં ઑલ ઇંડિયા રેડિયોમાં જોડાયા અને એની પત્રિકા ‘આવાઝ’ના સંપાદક બન્યા. તે પછી રેડિયો પાકિસ્તાનમાં ગયા અને ત્યં પણ પત્રિકા ‘આહંગ’ના સંપાદક બન્યા. તે છોડીને લંડન ગયા અને બીબીસીમાં કામ કર્યું. એમણે પાંચ વાર્તા સંગ્રહ, એક નવલકથા અને બાલસાહિત્યનાં પાંચ પુસ્તકો લખ્યાં છે.

આજની વાર્તા ‘આનંદી’ના આધારે શ્યામ બેનીગલે ‘મંડી’ ફિલ્મ બનાવી છે, જો કે ફિલ્મમાં આ વાર્તા માત્ર આધાર તરીકે જ લેવાઈ છે. ઘટનાઓનું સામ્ય નથી પણ પરિસ્થિતિનું સામ્ય અવશ્ય છે.

આભારઃ

આ વાર્તાનો અનુવાદ કરવાની સહર્ષ પરવાનગી આપવા બદલ પ્રકાશક – સાક્ષી પ્રકાશન, એસ. ૧૬. નવીન શાહદરા, દિલ્હી, ૧૧૦૦૯૫ નો આભાર.

પ્રકાશકનો સંપર્કઃ

ઑફિસઃ ૦૧૧-૨૨૩૨-૪૮૩૩.
મોબાઇલઃ ૦૯૮૧૦૪૬૧૪૧૨.
ઇ-મેઇલઃ goelbooks@rediffmail.com .

પુસ્તક સંબંધી વિવરણઃ

પાકિસ્તાન કી સર્વશ્રેષ્ઠ ઉર્દૂ કહાનિયાં’

(ભાગ ૧) ISBN-81-86265-23-6 (કિંમતઃ રૂ. ૧૨૫)
(ભાગ ૨) ISBN-8186265-42-2 ((કિંમતઃ રૂ. ૧૨૫)


આનંદી

(જેના પરથી શ્યામ બેનીગલે ‘મંડી’ બનાવી)

ગુલામ અબ્બાસ

મ્યુનિસિપાલિટીની બેઠક જુસ્સાભેર ચાલતી હતી. હૉલ ખીચોખીચ ભરેલો હતો અને અસાધારણ વાત એ હતી કે એક પણ સભ્ય ગેરહાજર નહોતો. ચર્ચાનો મુદ્દો એ હતો કે બજારુ સ્ત્રીઓને શહેરનીબહાર વસાવવી કારણ કે શહેરમાં એમનું હોવું એ માનવતા, શીલ-સદાચાર અને સંસ્કારો માટે કલંક છે.

રાષ્ટ્રના સાચા શુભ ચિંતક તરીકે જાણીતા એક સ્થૂળકાય સભ્ય બહુ જ સાદી ભાષામાં બોલતા હતા …

“સાહેબો, એ પણ જૂઓ કે આ બાઈઓ જ્યાં રહે છે તે લત્તો શહેરની વચ્ચોવચ્ચ તો છે જ, પણ એ જ આપણું મોટું વેપારનું કેન્દ્ર પણ છે. એટલે કોઈ પણ શરીફ માણસે ત્યાંથી પસાર થવું જ પડે છે.આપણી મા-બહેનો, વહુ દીકરીઓ પણ ત્યાં જતી હોય છે. સાહેબો, આ સારા ઘરની મહિલાઓ જ્યારે અર્ધનગ્ન વેશ્યાઓને શૃંગાર કરતી જૂએ છે ત્યારે એમને પણ મનમાં ઉમંગ ઊઠે છે અને મોંઘી મોંઘી સાડીઓ, ઝરઝવેરાતની ફરમાઇશ કરવા લાગે છે.થાય એવું છે કે ઘરમાં જે આનંદ અને સુખ હતાં તે પલાયન થઈ જાય છે.

“…અને સાહેબ મારા, આપણં બાળકો, આપણા મુલકનું ભવિષ્ય આજે સ્કૂલોમાં તૈયાર થાય છે. એમને પણ આ બાજારમાં જ આવવું પડે છે. એમના મન પર, જરા વિચાર કરો, કેવીછાપ પડતી હશે…”

એક માજી અધ્યાપક બોલ્યા, “ ભાઇઓ, યાદ રાખો, છેલ્લાં પાંચ વર્ષમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા દોઢગણી થઈ ગઈ છે.” એમને આમ પણ આંકડાઓ સાથે બહુ પ્રેમ હતો.

એક સાહિત્યિક પત્રિકાના અવૈતનિક સંપાદક ચશ્માં આંખે બરાબર ગોઠવતાં બોલ્ય, “ હઝરત, આપણા શહેરના ભલાભોળા રહેવાસીઓ આ સ્ત્રીઓની પાસે પહોંચવા માટે અવળે ધંધે ચડી ગયા છે. પૈસા કમાવા માટે નશાવાળી વસ્તુઓના ખરીદવેચાણમાં પડી ગયા છે. અંતે તો આપણા સમાજમાં આની અસર સંયમ, સદાચાર પર પડે છે.”

એક મોટા ખાનદાનના મુખિયા હવે બોલવા ઊભા થયા. “ સાહેબો, આખી રાત આ લોકોને ત્યાં તબલાંની થાપ, હાહા…હીહી…,રંગીલાઓના દેકારા અને ધીંગામસ્તી, ગાળાગાળી… સભ્ય લોકોની તો રાતની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે…આવી સ્ત્રીઓના પાડોશમાં રહેનારાં બેન-દીકરીઓવાળાં જાણે છે કે એમનાં કુટુંબો કેવાં બારબાદ થવા લાગ્યાં છે…” આટલું કહેતાં એમને ગળે ડૂમો ભરાઈ આવ્યો.

છેલ્લે પ્રમુખ મહાશય ઊભા થયા. “ ભાઈઓ, હું તમારી વાત સાથે સોટકા સંમત છું કે આ પતિત સ્ત્રીઓને આપણી વચ્ચે રહેવા દેવા છે તે આપણે હાથે જ આપણી આબરૂના કાંકરા કરીએ છીએ. પણ સવાલ એ છે કે એનો ઉપાય શું કરવો? દસ-વીસ હોય તો જાણે સમજ્યા પણ આવી તો સેંકડો છે અને કેટલીયે એવી છે જે મકાનોની માલિક છે. હટાવીએ તો કેમ?

લગભગ એક મહિનો આ ચર્ચાઓ ચાલી. તે પછી સર્વાનુમતે નિર્ણય લેવાયો કે વેશ્યાઓને આ જગ્યાએથી હટાવવી એમને વળતર ચૂકવવું અને શહેરની બહાર ખાલી જગ્યા છે ત્યાં એમને જમીન આપવી અને ત્યાં એ ઘર બાંધીને રહે.

વેશ્યાઓને આ નિર્ણયની ખબર પડી તો એમણે એનો જોરદાર વિરોધ કર્યો. કેટલીયે તો હુકમને ઠોકરે ચડાવવા બદલ જેલની સજા પણ ભોગવી. અંતે એમનું કંઈ ચાલ્યું નહીં અને ધીમે ધીમે બધી વેશ્યાઓ નવી જગ્યાએ જવા સંમત થવા લાગી. એમનાં મકાનો લીલામથી વેચાયાં પણ એમને છ મહિના સુધી પોતાનાં જૂનાં ઘરોમાં રહેવાની છૂટ મળી, જેથી નવી જગ્યાએ એમનાં મકાનો બંધાઈ જાય.

આ સ્ત્રીઓ માટે જે જગ્યા પસંદ કરાઈ હતી તે શહેરથી છ ગાઉ દૂર હતી. પાંચ ગાઉ સુધી તો પાકો રસ્તો હતો, તે પછી એક ગાઉનો કાચો રસ્તો હતો. કોઈ જૂની અવાવરુ જગ્યા હતી, કદાચ પહેલાં કદી ત્યાં વસ્તી હોવી જોઈએ પણ આજે તો ત્યાં ચારેકોર ખંડેર દેખાતાં હતાં. નિર્જન જગ્યામાં દિવસે પણ ઘૂવડ અને ચામચીડિયાં ઊડતાં હોય એવી હાલત હતી. આસપાસ કાચાં મકાનો હતાં પણ ખેડૂતો સવારે ખેતરે ચાલ્યા જતા તે છેક રાતે પાછા ફરતા. દિવસે તો માણસ નામનું કોઈ પ્રાણી ભાગ્યે જ જોવા મળતું હતું.

પાંચસો કરતાં વધારે વેશ્યાઓ હતી તેમાંથી માત્ર ચૌદ એવી હતી કે જે પોતાના આશિકો કાયમ મદદ કરતા રહેશે એવા ભરોસે અહીં રહેવા આવી હતી. શહેરમાં એમનાં ઘણાં મકાનો હતાં. એની કિંમત બહુ ઊંચી મળી, બીજી બાજુ અહીં પાણીના ભાવે જમીન મળી એટલે રાતોરાત માલદાર બની ગઈ હતી. બીજી વેશ્યાઓએ તો નક્કી કરી લીધું હતું કે કોઈ હોટેલનો આશરો શોધી લેશે અથવા શહેરના કોઈ ખૂણે શરાફતનો નકાબ ઓઢીને વસી જશે. ચૌદ માલદાર વેશ્યાઓએ વેરાન જમીનમાં ઠેરઠેર કબરો હટાવીને જમીન સાફ કરાવી અને મકાનો બાંધવાનું શરુ કરી દીધું.

આખો દિવસ. ઈંટ, પથ્થરો, સિમેન્ટ, ગર્ડરો, પાઇપો લઈને છકડા આવતા અને મજૂરો કામ કરતા. હવે આ જગ્યા સૂનસાન નહોતી રહી. આખો દિવસ બોલાટ હવામાં તરતી રહેતી.

ખંડેરોની વચ્ચે એક મસ્જિદનૂમા જગ્યા હતી. એની પસે બંધ પડેલો કૂવો પણ હતો. કામ કરનારા મિસ્ત્રીઓએ મજૂરોને કામે લગાડીને કૂવો ગળાવ્યો અને મસ્જિદ પણ બનાવી. હવે નમાઝી મજૂરો ત્યાં એકઠા થવા લાગ્યા. સૌનો બપોરનો જમવાનો સમય તો મસ્જિદ પાસે વીતવા લાગ્યો. લોકોની ભીડ જોઈને એક ખેડૂતને શું સૂઝ્યું કે એ એક માટલામાં શરબત લાવીને વેચવા લાગ્યો. બીજા કોઈને વિચાર આવ્યો કે અહીં તો તરબૂચ પણ વેચી જોઈએ. એ તરબૂચ લાવ્યો. એક ડોશીમાને ખબર પડી કે અહીં તો માણસોની ભીડ થાય છે. એણે દીકરાને કહીને એક ખોખું ત્યાં ગોઠવી દીધું. એના પર બીડી-સિગરેટ, તમાકુનાં ખાલી ખોખાં ગોઠવી દુકાન સજાવી. કુલ સાચો માલ તો દસેક બીડીનાં બંડલ, બે-ચાર સિગરેટનાં પૅકેટ, એટલો જ હતો પણ ‘દુકાન’ ધમધોકાર ચાલવા લાગી. એક કબાબી આવ્યો અને ડોશીની પાસે જમીનમાં તંદૂર બનાવીને લાંબા સળિયા (સિખ) પર કબાબ ભૂંજવા લાગ્યો. આના પછી ભાડભૂંજિયા કેમ બાકી રહે? એક ભટિયારણ આવી અને રોટી કબાબનો ધંધો ચાલ્યો.

ચૌદ માલદાર વેશ્યાઓ પણ હવે તો વારંવાર આવીને પોતાનાં મકાનો કેમ બને છે તેની જાતે દરકાર સેવવા લાગી અને હવે તો ક્યારે અહીં રહેવા આવવું એના વિચાર કરવા લાગી.

આ સ્થળે એક બિસ્માર દરગાહ પણ હતી. એક દિવસ એક ફકીર આવ્યો અને પાસેના તળાવમાંથી ઘડા ભરીને પાણી રેડવા લાગ્યો. લોકોએ પૂછ્યું તો એણે કહ્યું આ બાબા કડકશાહની મઝાર છે. એ બહુ પ્રતાપી સૂફી હતા. વેશ્યાઓએ નક્કી કર્યું કે અહીં આવીને બાબા કડકશાહની સેવા કરવી. એમણે દરગાહ સમરાવી, દીવાબત્તી લગાડ્યાં…કવ્વાલો આવીને ગાવા લાગ્યા.

બુધવારના શુભ દિવસે વેશ્યાઓએ ગૃહપ્રવેશ કરતાં પહેલાં બાબા કડકશાહની મઝાર પર ઉર્સ રાખ્યો. આખી રાત નાતિયા કવ્વાલીઓ ગવાતી રહી, શરબતો વેચાતાં રહ્યાં. વેશ્યાઓના આશિકો પણ આ ધાર્મિક અનુષ્ઠાનમાં સામેલ થયા.

પછી તો રોજ વેશ્યાઓના ચાહકો ત્યાં આવતા થઈ ગયા. પણ આ વિસ્તારમાં હજી લાઇટ નહોતી. વેશ્યાઓએ અરજી કરી. લાઇટની તકલીફ તો આવનારાઓને પણ હતી. બીજું, એક ગાઉનો રસ્તો કાચો હતો. એ પણ ઠીક કરાવવાનો હતો. આશિકો કામે લાગી ગયા. થોડા દિવસમાં જ ત્યાં વીજળીના થાંભલા ઊભા થવા લાગ્યા અને એના પર તાર ઝૂલવા લાગ્યા. રસ્તો પણ હવે પાકો થઈ ગયો હતો. રાત-વરાત ત્યાં જવું-આવવું સહેલું થઈ ગયું.

આટલા વિકાસ પછી એની આસપાસની જમીન તરફ લોકોનું ધ્યાન જવા લાગ્યું અને માલેતુજાર શરીફજાદાઓ સસ્તી જમીનો ચપોચપ ખરીદવા લાગ્યા. હવે ત્યાં વસ્તી એટલી વધી ગઈ કે એક મ્યુનિસિપાલિટીથી કામ ચાલતું નહોતું. પણ જગ્યાનું નામ શું? કોઈ ઇતિહાસકારે શોધી કાઢ્યું કે અહીં પહેલાં ‘આનંદી’ નામનું ગામ હતું એટલે આ વસાહતને આનંદી નામ આપવામાં આવ્યું.

૦-૦-૦

આ થઈ વીસેક વર્ષ પહેલાંની વાત. હવે આનંદી ગામ નથી. એ મોટું શહેર છે. ત્યાં આજે એક રેલવે સ્ટેશન, ટાઉન હૉલ, એક કૉલેજ, બે હાઇસ્કૂલ – એક છોકરાઓ માટે, એક છોકરીઓ માટે, અને આઠ પ્રાઇમરી સ્કૂલો છે. શહેરમાંથી છાપાં, પત્રિકાઓ પણ પ્રકાશિત થાય છે. આજે તો શહેરની પોતાની મ્યુનિસિપાલિટી છે. શહેર વિકસતાં વેશ્યાઓનાં મકાનો શહેરની વચ્ચોવચ્ચ આવી ગયાં છે.

૦-૦-૦-૦

મ્યુનિસિપાલિટીની બેઠક જુસ્સાભેર ચાલતી હતી. હૉલ ખીચોખીચ ભરેલો હતો અને અસાધારણ વાત એ હતી કે એક પણ સભ્ય ગેરહાજર નહોતો. ચર્ચાનો મુદ્દો એ હતો કે બજારુ સ્ત્રીઓને શહેરની બહાર વસાવવી કારણ કે શહેરમાં એમનું હોવું એ માનવતા, શીલ-સદાચાર અને સંસ્કારો માટે કલંક છે.

આ વખતે વેશ્યાઓને જ્યાં જમીન આપવામાં આવી છે તે શહેરથી બાર ગાઉ દૂર છે.

(અનુવાદ અને સંક્ષિપ્ત રજૂઆતઃ દીપક ધોળકિયા)


 

%d bloggers like this: