‘અલ નીનો’ વિશે ડૉ. પરેશ વૈદ્યનો એક લેખ આપણું ચોમાસું અને અલ-નીનો આ પહેલાં વેબગુર્જરી પર વાંચ્યો જ હશે. આ ‘અલ નીનો’ હવે આવી પહોંચ્યો છે અને ભારતમાં આને કારણે અનાવૃષ્ટિની સંભાવના ઊભી થઈ છે. Scroll.in ઈ-દૈનિકમાં આ વિષય પર રોહન વેંકટરામકૃષ્ણનનો એક લેખ ૧૫ મે ૨૦૧૫ના અંકમાં પ્રકાશિત થયો છે. મૂળ અંગ્રેજી લેખ વાંચવા માટે આ લિંક પર ક્લિક કરવા વિનંતિ છે:http://scroll.in/article/727312/el-nino-has-arrived-heres-all-you-need-to-know-about-the-weather-event-that-could-spell-doom-for-india
આનો અનુવાદ અહીં પ્રકાશિત કરવાની મંજૂરી આપવા બદલ Scroll.inનો આભાર.
૦-૦-૦
ભારતમાં આ ‘નાનો છોકરો’ ઉત્પાત મચાવશે?
ઑસ્ટ્રેલિયાના હવામાન ખાતાએ ‘જોરદાર’ અલ નીનોની આગાહી કરી છે. આનો અર્થ એ કે ભારતે અનાવૃષ્ટિ કે એના કરતાં પણ વધારે કપરા સંયોગો માટે તૈયાર રહેવું પડશે.
દુનિયાના હવામાનનો ‘નાનો છોકરો’ ભારત આવી પહોંચ્યો છે. એ હંમેશાં નાતાલ પર જ આવે છે એટલે જ એને આ નામ અપાયું છે. પ્રશાંત મહાસાગરનાં પાણી ગરમ થઈ જતાં આખી દુનિયાના હવામાનમાં અફરાતફરી મચી જાય છે. આ વખતે એ મે મહિનામાં જ આવી પહોંચ્યો છે. માર્ચમાં જ સમુદ્રનું તાપમાન માપતી સંસ્થાએ આ આગાહી કરી હતી, પરંતુ હવે ઑસ્ટ્રેલિયન હવામાન ખાતું એક ડગલું આગળ ગયું છે અને કહે છે કે આ વખતે અલ નીનો વધારે વિરાટ રૂપ ધારણ કરશે.
ભારત માટે આ સારા સમાચાર નથી. ભારતના હવામાન ખાતાએ આવતા ચોમાસામાં વરસાદની ખેંચ પડશે એવો વર્તારો તો પહેલાં જ કરી દીધો છે. અલ નીનોનું જોર વધારે હોય તેનો અર્થ એ કે સામાન્ય રીતે વરસાદ ખેંચાઈ જાય અને સ્થિતિ વધુ ખરાબ હોય તો દુકાળ પણ પડે. ભારતમાં ખેતી માટે આ રીતે મોકાણના ખબર છે. આમ પણ કમોસમી વરસાદ અને પાકને નુકસાનની પીડામાંથી ખેતરોને હજી કળ નથી વળી.
પરંતુ આ અલ નીનો શું છે?
પ્રશાંત મહાસાગર એક છેડે થોડો ગરમ અને બીજે છેડે પ્રમાણમાં ઠંડો રહે છે. પેરુ પાસેનાં પાણી કરતાં ઇંડોનેશિયા પાસેનાં પાણી સમુદ્રની સપાટી પર સરેરાશ ૮૦ સેલ્શિયસ જેટલાં વધારે ગરમ હોય છે. એકમાર્ગી પવનો (Trade winds*) આ સમતુલા જાળવી રાખે છે. પરંતુ દર બે કે સાત વર્ષે કોણ જાણે શું થાય છે કે આ સંતુલન ખોરવાઈ જાય છે. નિષ્ણાતો પણ આનું કારણ જાણતા નથી. આવું થાય ત્યારે દક્ષિણ અમેરિકાના કાંઠાના પ્રશાંત મહાસાગરને ઠંડો રાખતાં બરફીલાં ઠંડાં પાણી નીચે જ રહી જાય છે. આને કારણે સમુદ્રની સપાટીનું તાપમાન વધી જાય છે. અમેરિકાના National Ocean and Atmospheric Administration (NOAA)નો આ ગ્રાફ દેખાડે છે કે અલ નીનો વખતે તાપમાન કેવું અસામાન્ય બની જાય છે.
આવી ગરબડ ગંભીર પ્રકારની હોય તો માની લો કે કાળો કેર જ વર્તાશે. પેરુ પાસેના સમુદ્રમાં માછલાંની આખી ને આખી વસાહતો નાબૂદ થઈ જાય છે, ઓસ્ટ્રેલિયામાં દુકાળ પડે છે તેમ જ પ્રશાંત મહાસાગરના કેટલાક પ્રદેશોમાં વિષુવવૃતીય વાવાઝોડાં આવે છે. પાણીમાં વમળો ફેલાય તેમ આ બનાવોની અસર આખી દુનિયા પર પડે છે.
અલ નીનોની હાજરીની ખબર કેમ પડે?
વૈજ્ઞાનિકો સમુદ્રની સપાટીના તાપમાનની ચીવટપૂર્વક નોંધ રાખતા હોય છે. આના પરથી એમને ખબર પડે છે કે શું થવાનું છે. એનો મુખ્ય ઉપાય પ્રશાંત મહાસાગરના સરેરાશ તાપમાનો સાથે તાજા નોંધાયેલા તાપમાનની સરખામણી કરવાનો છે. દક્ષિણ અમેરિકામાં, ખાસ કરીને વિષુવવૃત્તની નજીક પાણી સામાન્ય કરતાં વધારે ગરમ હોય તો વૈજ્ઞાનિકો સમજી લે છે કે ‘નાનો છોકરો’ મુલાકાતે આવ્યો છે.
અહીં NOAAની આ તસવીર ચાલુ મે મહિનાની ૧૧મીએ તાપમાનો શું હતાં તે દેખાડે છે. આના પરથી દેખાય છે કે દક્ષિણ અમેરિકાને કાંઠે પાણીનું તાપમાન સામાન્ય કરતાં ઘણું ઊંચું હતું.
આગાહી શી છે?
ઑસ્ટ્રેલિયા કહે છે કે અલ નીનોની અસર સારીએવી થશે. અમેરિકા પણ એમ જ માને છે. ભારતના હવામાન ખાતાએ પણ ચોમાસાની આગાહી જાહેર કરતાં કહ્યું છે કે અલ નીનો પોતાનો પ્રભાવ દેખાડે એવી શક્યતા ૭૦ % છે. પણ હમણાં મળતા સંકેતો દર્શાવે છે કે જોખમ તો એના કરતાં પણ વધારે છે. હવામાન ખાતાએ તો પહેલાં જ ચોમાસું માત્ર ૯૩% રહેવાની ધારણા દેખાડી હતી. દરમિયાન એક ખાનગી એજન્સી સ્કાયમૅટ કહે છે કે અલ નીનોનો પ્રભાવ બહુ મર્યાદિત છે.
જાગતિક હવામાન માટે આનો અર્થ શો સમજવો?
નાસાએ પણ અલ નીનો દરમિયાન દુનિયાના ઊષ્ણતામાનમાં શું ફેરફાર થાય છે તે સમજાવવા માટે એક પ્રાથમિક સ્વરૂપનો ગ્રાફ બહાર પાડ્યો છે.
NOAAનો નક્શો બહુ સાદો છે. ઉનાળામાં ઉત્તર ગોળાર્ધમાં અલ નીનો શું કરે છે તે એના દ્વારા જાણી શકાય છે.
ભારત માટે શું સમજવું?
મોટા ભાગે તો એમ માનવું કે તલવાર માથે ઝળૂંબે છે. ૨૦૦૦માં અલ નીનો આવ્યો હતો ત્યારે મોટો દુકાળ પડ્યો અને ખેત પેદાશને બહુ માઠી અસર થઈ હતી. એની અસર સમગ્ર અર્થતંત્ર પર પડી હતી. ભારતમાં અલ નીનો દુકાળ અને બહુ ઓછા વરસાદનું કારણ બને છે.
બે સંશોધકો, શ્વેતા સૈની અને અશોક ગુલાટીએ અલ નીનો અને દુકાળ કે અલ્પવૃષ્ટિ વચ્ચેના સંબંધનો અભ્યાસ કર્યો છે. એમનું કહેવું છે કે “એક વાત સ્પષ્ટ છે કે અલ નીનોવાળાં બધાં વર્ષોમાં દુકાળ પડ્યો જ છે એવું નથી; જો કે ઘણાખરા દુકાળ અલ નીનોના વર્ષમાં જ પડ્યા પણ બધા નહીં. પરંતુ ૧૯૮૦ના દાયકાથી, આ બન્ને વચ્ચેનો સંબંધ વધારે ગાઢ બન્યો છે.”
પરંતુ જો પ્રબળ અલ નીનો આવશે તો ઉપર UNESCAP graph દેખાડે છે તેમ ભારતના અર્થતંત્ર પર એની ખરાબ અસર પડ્યા વિના નહીં રહે. અલ નીનોની વ્યાપક સ્તરે શી અસર થાય છે તેનો અભ્યાસ કરીને આ સંશોધકો જણાવે છે કે દેશના અર્થતંત્રની ગતિશીલતા પર નોંધપાત્ર પ્રભાવ પડતો હોય છે.
પોલ કૅશિન, કામ્યાર મોહદ્દેસ અને મેહદી રઈસી પોતાના અભ્યાસપત્ર(paper)માં લખે છે કે “ ભારતમાં અલ નીનો સામાન્ય રીતે નબળા ચોમાસા અને વધતી જતી ગરમી સાથે આવે છે. ખેતી પર આની બહુ ખરાબ અસર પડે છે અને અન્નપેદાશના ભાવો ઊંચકાય છે. અમારા ઇકોનૉમીટ્રિક પૃથક્કરણમાં અમે જોયું કે પહેલા ત્રિમાસિક ગાળા પછી કુલ આંતરિક ઉત્પાદન (GDP)માં ૦.૧૫%નો ઘટાડો થાય છે.”
સૈની અને ગુલાટી એમ કહે છે કે ભારતમાં દરેક અલ નીનો વર્ષ દુકાળ લાવે જ છે, એવું નથી; પરંતુ બીજા કેટલાક સંશોધકોનું કહેવું છે કે અલ નીનો હોય છે તેનો પ્રભાવ એ જ વર્ષે નહીં પણ તે પછીના વર્ષે દેખાતો હોય છે. તાત્કાલિક તો એવું છે કે ભારતના સત્તાધારીઓએ નજર રાખવી પડશે અને સૌ સારાંવાનાં થાય એવી આશા સાથે આ ‘નાનો છોકરો’ આવીને ઉત્પાત ન મચાવે તેનું ધ્યાન રાખવું પડશે.
૦-૦-૦
* (trade શબ્દ પહેલાં tread કે track એટલે કે કેડી/ચીલાના અર્થમાં પણ વપરાતો. જે પવનો એક જ દિશામાં વાતા હોય એમને ટ્રેડ વિંડ્ઝ કહે છે. વિષુવ વૃત્ત પાસે હવા ગરમ હોય છે એટલે હળવા દબાણનો પટ્ટો બને છે. આથી એની જગ્યા લેવા ભારે દબાણના પટ્ટામાંથી ઠંડા પવનો વિષુવવૃત્ત તરફ જાય છે. ઉત્તર ગોળાર્ધમાં એ ઉત્તર-પૂર્વ (ઈશાન)માંથી અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ-પૂર્વ ( અગ્નિ)માંથી એકધારા વાય છે).