Literature and Society

સાહિત્ય સમાજથી દૂર રહી શકે?

-દીપક ધોળકિયા

હેમંત પુણેકરઆમ તો સાહિત્ય અને તેમાં પણ કવિતામાં મારી સ્થિતિ ‘અખાડે કા ઉલ્લૂ, ઔરોં કા ઉસ્તાદ’ જેવી છે. ન જાણનારા પર રોફ જમાવી શકાય પણ ધૂરંધરોની મહેફિલમાં મારું કામ બધા માટે ચા બનાવવાનું જ હોય !

આમ છતાં હાલમાં યુવાન મિત્ર હેમંત પુણેકરના બ્લૉગ હેમકાવ્યો (https://hemkavyo.wordpress.com/) પર એક કવિતા વાંચી જે ક્યાંકથી મનમાં ઘૂસી ગઈ અને વંટોળિયો ઊઠ્યો. તરત કંઈ લખવાનું મન થયું.એ મૂળ તો મરાઠી કવિ અનંત ઢવળેની ગઝલ છે, હેમંતે એનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. પહેલાં તો અનુવાદ જ જોઈએ.

સુકાઈ ગયા મોલ, ઊભાં ખિન્ન ખેતર

શ્મશાનોથી પણ ભાસતાં ખિન્ન ખેતર

 

ઘણી વાર રેડ્યું છે લોહી અમે તોય

ઘણી વાર સૂકાં પડ્યાં ખિન્ન ખેતર

 

દુઃખી લીમડો બાંધ પર અશ્રુ ઢાળે

કયાં કારણોથી થયાં ખિન્ન ખેતર

 

હતી મુક્તતા આત્મહત્યા જ જેની

ધણીની ચિતા દેખતાં ખિન્ન ખેતર

 

નવા હાથ આવ્યા છે શ્રમ કરવા ત્યારે

ફરી જોગવા* માગતાં ખિન્ન ખેતર

 

*જોગવા એટલે દેવીના નામે માગવામાં આવતી ભીક્ષા

ખિન્ન ખેતર- અનંત ઢવળેની મરાઠી ગઝલનો અનુવાદ

૧૯૯૫થી ૨૦૧clip_image004૩ વચ્ચે દેશમાં ત્રણ લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી. મહારાષ્ટ્રમાં આ આંક ૬૦,૦૦૦ને વટાવી ગયો છે. (http://psainath.org/maharashtra-crosses-60000-farm-suicides/).

દેશમાં આતંકવાદે છેલ્લાં દસ વરસમાં આટલા લોકોનો ભોગ નથી લીધો.

ગયા વર્ષના ડિસેમ્બરમાં ઇંટેલીજન્સ બ્યૂરોએ મોદી સરકારના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત કુમાર ડોવાલ અને વડા પ્રધાનના પ્રિન્સિપલ સેક્રેટરી નૃપેન્દ્ર મિશ્રને ‘Spate of Cases of Suicide by Farmers’ રિપોર્ટ આપ્યો તેમાં દેખાડ્યું છે કે સરકાર તરફથી ખેડૂતોને અપાતી રાહત એટલી અધૂરી હોય છે કે એમણે શાહુકારના ભરોસે રહેવું પડે છે.

રિપોર્ટ કહે છે કે ચોમાસું વહેલું મોડું થાય, લોન ભરપાઈ કરવાનું અઘરું થઈ જાય, દેવાનો બોજ વધી જાય, પાક ઓછો ઊતરે, સરકાર તરફથી મળતા ટેકારૂપ ભાવો ખર્ચને પહોંચી વળે તેમ ન હોય, અને ઉપરાઉપરી પાક નિષ્ફળ જતો હોય એવાં કારણસર ખેડૂતો આત્મહત્યા કરતા હોય છે. રિપોર્ટ આ કરુણ ઘટનાઓ માટે કુદરતી અને માનવસર્જિત કારણોને જવાબદાર ઠરાવે છે. દુકાળ, કરાનું તોફાન વગેરે ઉપરાંત ખેડૂતોને બજાર સુધી પહોંચવામાં અનુભવવી પડતી તકલીફો વગેરે જવાબદાર કારણો છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગણા અને પંજાબમાં આત્મહત્યાઓનું પ્રમાણ વધ્યું છે. તે ઉપરાંત ગુજરાત, ઉત્તર પ્રદેશ અને તમિળનાડુના કિસ્સાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

(http://timesofindia.indiatimes.com/india/Farmer-suicides-on-rise-IB-report/articleshow/45609708.cms).

આજે ખેતરો ખિન્ન છે.

અનંત ઢવળે કહે છેઃ

હતી મુક્તતા આત્મહત્યા જ જેની

ધણીની ચિતા દેખતાં ખિન્ન ખેતર

લીલાં ખેતરો જોવા તલસતો ખેડૂત તો રાખ બનવા લાગ્યો છે. એક સુંદર ભવિષ્યનું સપનું ચિતાએ ચડી ચૂક્યું છે. આપણી આર્થિક નીતિઓની દિશા શી છે? આપણો આત્મા કકળતો કેમ નથી? આ વાત આપણા સાહિત્યનો વિષય કેમ નથી બનતી? અનંત ઢવળેની ગઝલ સાહિત્યને સમાજની પાસે લાવે છે.

સાહિત્ય અને કલા વિશે હંમેશાં બે મત રહ્યા છે. ‘કલા ખાતર કલા’ કે ‘કલાનું કંઈક ઉદ્દેશ્ય હોવું જોઈએ’? આ બે અંતિમ છેડાના મતભેદો છે. કલા ખાતર કલા એટલે કલા પોતે જ સાધ્ય હોય, જ્યારે બીજામાં કલા સાધન છે.

પહેલો પક્ષ એમ માને છે કે સાહિત્યકાર પેમ્ફલેટ નથી લખતો. એ પોતાની આંતરિક અનુભૂતિને વાચા આપે છે. પણ એ કેવી દલીલ છે? જે કવિને વસંતમાં ઉદ્યાન હસતો હોવાની અનુભૂતિ થઈ શકે છે તે જ કવિને ‘ધણીની ચિતા’ની પાછળ મૂક બનીને રોતાં ‘ખિન્ન ખેતરો’ ન દેખાય?

ખરું પૂછો તો આનો અર્થ એ જ થાય કે આપણી કહેવાતી અનુભૂતિઓ આપણા વર્ગીય દૃષ્ટિકોણનું જ પ્રતિબિંબ છે. એ સાચી અનુભૂતિ કેમ હોઈ શકે? સાહિત્ય સમાજમાંથી જન્મે છે. સાહિત્યકાર, લેખક કે કવિ યથાર્થને વ્યક્ત ન કરે તેનો અર્થ એ કે એ બીજી દુનિયામાં જીવે છે. આનો અર્થ એ નથી કે સાહિત્યકાર ખબરપત્રી બની જાય અને યથાર્થનો રિપોર્ટ આપે. સાહિત્યકાર યથાર્થને અમૂર્ત અને વ્યાપક ધરાતળ પર લઈ જઈને એનો અનુવાદ પોતાની અનુભૂતિમાં કરે અને નવો યથાર્થ, સાહિત્યમાં જેનું પ્રતિબિંબ પડે એવો, યથાર્થ બનાવે ત્યારે એ યથાર્થ પારગામી બની જાય છે. માર્ક્સ અને ઍંગલ્સ સાહિત્યના પણ જબરા શોખીન હતા. ‘કલા ખાતર કલા’ના ઘોર વિરોધી. આ બન્ને ઇતિહાસપ્રસિદ્ધ મિત્રો માનતા કે યથાર્થવાદી લેખકોની રચનાઓમાં પ્રગતિશીલ વૈશ્વિક દૃષ્ટિકોણ હોવો જોઈએ, એમાં પ્રગતિશીલ વિચારો હોવા જોઈએ અને ખરેખરી સમસ્યાઓનું એમાં નિરૂપણ હોવું જોઈએ. (https://www.marxists.org/archive/marx/works/subject/art/preface.htm).

ગુજરાતની પરંપરામાં આ પ્રકારનું સાહિત્ય છે જ, પણ એ આપણા ભૂતકાળમાં સરકી ગયું છે. એમાં સમાજની દરકાર હતી. ઝવેરચંદ મેઘાણીની ‘ઘણ રે બોલે ને એરણ સાંભળે…” એ રચનાને કેમ ભુલાય?

હથોડા પડે રે આજ જેના હાથના હો… જી:
તનડાં તૂટે રે આજ જેની કાયનાં હો…જી.

સોઈ નર હાંફીને આજ ઊભો,
ઘટડામાં ઘડે એક મનસૂબો:
બાળ મારાં માગે અન્ન કેરી દેગ;
દેવે કોણ, દાતરડું કે તેગ?

હો એરણ બ્હેની! ઘણ રે બોલે ને

આખું કાવ્ય અહીંં મળશેઃ

http://gu.wikisource.org/wiki/%E0%AA%98%E0%AA%A3_%E0%AA%B0%E0%AB%87_%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87_%E0%AA%A8%E0%AB%87- .

આની સામે, આપણું સાહિત્ય એકંદરે ઉચ્ચ અથવા મધ્યમ વર્ગીય અનુભૂતિઓનું વાહન રહ્યું. તે પછી સિત્તેરના દાયકામાં યુરોપીય વિચ્છિનતાની વાછંટ ગુજરાતમાં આવી અને તદ્દન વ્યક્તિપરક આત્મરત સાહિત્ય બનવા લાગ્યું. સમાજની અસમાનતા, સમાજના અત્યાચાર અને અન્યાય આપણા સાહિત્યમાં કેમ ન ઝિલાયાં તે યક્ષ પ્રશ્ન છે. તે પછી દલિતોએ સાહિત્યના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અનેઝવેરચંદ મેઘાણીની જેમ સમાજપરક રચનાઓ આપી. જોસેફ મૅકવાનની ‘આંગળિયાત’ એનું ઉદાહરણ છે. તે પહેલાં ગાંધીયુગમાં પણ સામાજિક અસમાનતાનું પ્રતિબિંબ તો મળ્યું પણ નૈતિકતાના ધોરણો ઉપકાર વૃત્તિનાં રહ્યાં. આત્મમંથન પણ જોવા મળ્યું, પરંતુ તીખા સ્વરો ન પ્રગટ્યા. નરસિંહરાવ દિવેટિયાએ લખ્યું કે “ આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે…”, પરંતુ “આ વાદ્યને” રૌદ્ર ગાન કદી ન ભાવ્યું.

clip_image005કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધી એકબીજાને અત્યંત આદરથી જોતા હતા પરંતુ એમની જીવનશૈલી અને વિચારો વચ્ચે બહુ મોટું અંતર હતું. ગાંધીજી રવિબાબુની કલ્પનાની પાંખે વિહરતી કવિતાના ટીકાકાર હતા. ગાંધીજીએ લખ્યું,

“કવિ એમના કવિત્વની સ્વાભાવિક પ્રવૃત્તિ પ્રમાણે ભવિષ્ય માટે જીવે છે અને આપણે પણ એમ જ જીવીએ તે એમને પસંદ આવશે. આપણી પ્રશંસાભરી દૃષ્ટિ સમક્ષ કવિ વહેલી સવારે સ્તુતિગાનના સ્વરો સાથે આકાશ ભણી જતાં પક્ષીઓનું મનમોહક દૃશ્ય પ્રસ્તુત કરે છે. આ પક્ષીઓ આગલા દિવસે પેટ ભરીને ચણ્યાં હતાં, રાતે એમણે પાંખોને સંપૂર્ણ આરામ આપ્યો, એમની પાંખોને નવું લોહી મળ્યુ હતું. પરંતુ મારા ભાગે તો એવાં પક્ષી જોવાનું આવ્યું છે કે જેમને ઊડવા માટે ખૂબ સમજાવ્યાં, પરંતુ એમનામાં એટલી શક્તિ પણ નહોતી કે એ પાંખ પણ ફડફડાવે. હિન્દુસ્તાનના આકાશનું માનવપક્ષી રાતે પરવારવાનો ડોળ કરતી વખતે જેટલું નબળું હોય છે તેના કરતાં વધારે નબળું થઈને સવારે ઊઠે છે. લાખો કરોડો માટે એ શાશ્વત ઉજાગરો કે શાશ્વત ઘેન છે. એ એવી અવર્ણનીય પીડાકારી અવસ્થા છે કે જેનો ખ્યાલ ભોગવ્યા વિના ન આવે….કરોડો ભૂખ્યાં જન એક જ કાવ્ય માગે છે – શક્તિદાયક અન્ન. એમને એ આપી ન શકાય. એમણે એ મેળવવું જ પડે છે અને એ માત્ર પોતાનો પરસેવો પાડીને જ મેળવી શકે છે.” (The Mahatma and the Poet પૃષ્ઠ ૯૧. http://cscs.res.in/dataarchive/textfiles/textfile.2008-02-04.2882338605/file).

અનંત ઢવળેની આ યથાર્થવાદી ગઝલનું ગુજરાતીમાં ભાષાંતર કરીને ખરેખર તો ભાઈ હેમંત પુણેકરે સાહિત્યની એક ઉણપ દૂર કરી છે.

તમે પણ મારા જેવા ‘અરસિક’ હશો તો મારી વાત તમને ગમશે, પણ કહ્યું છે ને કે,

वितर तापशतानि यदृच्छया विलिख तानि सहे चतुरानन l
अरसिकेषु कवित्वनिवेदनं शिरसि मा लिख मा लिख मा लिख ll

                                                       હે બ્રહ્માજી, મારા ભાગ્યમાં જેટલી વિપત્તિઓ લખવી હોય તેટલી લખી દો, પણ અરસિકની સમક્ષ કાવ્યપાઠ કરવાનું તો ભૂલેચૂકેય ન લખજો !

૦-૦-૦

શ્રી હેમંત પુણેકરનો સંપર્ક hdpunekar@yahoo.co.in સરનામે થઇ શકે છે.

%d bloggers like this: