Jalianwalla Bagh

જલિયાંવાલા બાગનો હત્યાકાંડ

૧૩મી ઍપ્રિલ હજી હમણાં જ ગઈ. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસનો આ કાળો દિવસ છે. , એ દિવસે પંજાબમાં અમૃતસરમાં આવેલા જલિયાંવાલા બાગમાં ‘બૈસાખી’ (વૈશાખ પૂર્ણિમા) નિમિત્તે એકત્ર થયેલા નિઃશસ્ત્ર લોકો પર જનરલ રેજિનાલ્ડ ડાયરે બેફામ ગોળીબાર કરીને ઓછામાં ઓછી એક હજાર લાશ ઢાળી દીધી. કેટલાંયે બાળકો અને સ્ત્રીઓના જાન ગયા. સ્ત્રીઓએ ગોળીઓના ભયથી કૂવામાં કૂદીને પ્રાણનું બલિદાન આપ્યું.

જલિયાંવાલા બાગ઼

The memorial, Jallianwala Bagh Memorial, Punjab

આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં આ સ્થળ એક સીમાચિહ્ન છે. એ વખતના અગ્રગણ્ય બ્રિટિશ રાજકારણીઓ અને ઇતિહાસકારોના મત પ્રમાણે આ સ્થળ બ્રિટનની હકુમતના ભાવિમાં નવો વળાંક લાવ્યું અને અંતે બ્રિટને ગાંસડાંપોટલાં બાંધીને જવું પડ્યું. મહારાજા રણજીત સિંહના એક તાબેદાર હિંમત સિંહની આ જમીન હતી. એનું મૂળ ગામ ‘જલ્લે’ હોવાથી એ પરિવાર ‘જલ્લેવાલે’ તરીકે ઓળખાતો હતો. ‘જલ્લેવાલા’ પરથી આ સ્થળને જલિયાંવાલા બાગ઼ નામ મળ્યું, કારણ કે મૂળ તો આ જગ્યાએ એક બાગ઼ હતો પરંતુ પછી એ ઉજ્જડ, સાંકડો, વાંકોચૂંકો જમીનનો ટુકડો બની ગયો હતો અને લોકો સારા પ્રસંગોએ ત્યાં એકઠા થતા.

આંદોલનોનો કાળ

વાતાવરણમાં ઊકળાટ તો આ ઘટનાના થોડા દિવસ પહેલાંથી જ હતો.

પહેલા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો, પણ તે પહેલાં ૧૯૧૪માં ગદર પાર્ટીના બળવાની ઘટનાઓ બની હતી. ૧૮૫૭ પછી ગદર (વિદ્રોહ) પાર્ટીએ ભારતને શસ્ત્રોના બળે મુક્ત કરાવવા માટે જીવસટોસટનો, પણ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.(અહીં વાંચો). આથી પંજાબ પ્રાંતની સરકાર બહુ સાવધ હતી. ખરું કહો તો, બદલો લેવા માટે એના હાથ સળવળતા હતા.

૧૯૧૬ના ડિસેમ્બરમાં લખનઉમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું તેમાં એક ઠરાવ પસાર કરીને કોંગ્રેસે બ્રિટિશ સરકારને કહ્યું કે હિંદને વહેલી તકે સેલ્ફ-ગવર્નમેન્ટ બનાવવાનો હક આપવાનું એનું લક્ષ્ય અને ઇરાદો છે, એવું જાહેર કરો. પહેલા વિશ્વયુદ્ધમાં હિંદુસ્તાને બ્રિટનને ભારે મદદ કરી હતી. ખરેખર તો બ્રિટન હિંદુસ્તાનના સૈનિકોની તાકાત પર જ લડાઈમાં ઊતર્યું હતું. આથી હવે અંગ્રેજો કંઈક સમજશે એવી આશા પણ હતી.

૧૯૧૮માં હિંદ માટેના મંત્રી મોન્ટૅગ્યૂ અને વાઇસરૉય લોર્ડ ચેમ્સફૉર્ડના સંયુક્ત નામ મોન્ટફર્ડ સુધારા દ્વારા બ્રિટને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ બનાવવાની છૂટ આપી. આમ હિંદુસ્તાનના નેતાઓને આશા હતી, અને મોન્ટૅગ્યૂએ નિવેદન પણ કર્યું હતું તે પ્રમાણે, સરકાર હિંદીઓના હાથમાં અમુક સત્તાઓ આપવા તૈયાર થઈ છે.

પરંતુ, બે મોટા પ્રાંતો, બંગાળ અને પંજાબમાં ક્રાન્તિકારી પ્રવૃત્તિઓનું જોર હતું. તેમાં પણ ૧૯૧૫માં પંજાબમાં ગદર પાર્ટીના સત્તા હાથમાં લેવાના પ્રયાસો પછી એમની સામે લાહોર કાવતરા કેસ ચાલતો હતો. પંજાબના ગવર્નર સર માઇકલ ઑ’ડ્વાયરને સ્થિતિ કાબુમાં નહીં રહે એવી બીક હતી, હિંદ સરકારે પણ ક્રાન્તિકારી હિલચાલોને કાબુમાં લેવા માટે કાયદો બનાવ્યો જે રૉલેટ ઍક્ટ તરીકે ઓળખાય છે. પંજાબ અને બંગાળમાં આનો જોરદાર વિરોધ થયો.

ગાંધીજીએ આના વિરોધમાં ૩૦મી માર્ચે દેશવ્યાપી હડતાળની હાકલ કરી. પણ પછી તારીખ ફેરવીને છઠ્ઠી ઍપ્રિલ રાખવામાં આવી. આખા દેશમાં સખત હડતાળ પડી. લોકોનો ગુસ્સો માઝા મૂકી ગયો હતો. દિલ્હી, મુંબઈ અને બીજાં ઘણાં શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યાં. આ સ્થિતિ ઉપર કાબુ મેળવવા ગાંધીજી મુંબઈથી દિલ્હી આવવા નીકળ્યા પણ એમને દિલ્હીની પાસે પલવલ સ્ટેશને પોલીસે પકડી લીધા અને એક માલગાડીમાં બેસાડીને પાછા મુંબઈ મોકલી દીધા. ગાંધીજીની ધરપકડના સમાચાર આખા દેશમાં વાયુવેગી ફેલાઈ ગયા. લોકોના ઉશ્કેરાટનો પાર નહોતો.

તેમાં માઇકલ ઑ’ડ્વાયરે બળતામાં ઘી હોમ્યું અને દસમી તારીખે પંજાબના ગવર્નરે કોંગ્રેસના બે નેતાઓ ડૉ. સત્ય પાલ અને સૈફુદ્દીન કિચલૂને તરીપાર કરી દીધા. લોકોમાં અંગ્રેજો સામેનો રોષ ભભૂકી ઊઠ્યો. એક મોટું સરઘસ અમૃતસરમાં ડેપ્યુટી કમિશનરને મળવા નીકળ્યું. રસ્તામાં ટોળાએ કેટલીયે બૅન્કો અને બીજી ઇમારતોને નુકસાન પહોંચાડ્યું. પોલીસે ગોળીબાર કરીને સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું.

બીજા દિવસે ૧૧મી તારીખે બીજો એક બનાવ બન્યો. અમૃતસરની એક હૉસ્પિટલમાં કામ કરતી મિશનરી નર્સ અને ટીચર મિસ માર્સેલા શેરવૂડ સાઇકલ પર પાછી ફરતી હતી ત્યારે ‘કૂચા કુર્રીછાન’માં ટોળાએ એને ઘેરી લીધી. સાઇકલ પરથી ઉતારીને એને ખૂબ માર માર્યો. એ પડી ગઈ અને લોકો એના પર લાઠીઓ વરસાવતા રહ્યા. એના એક વિદ્યાર્થીના ઘર પાસે જ આ બનાવ બન્યો. એ જોઈને ઘરવાળાં બહાર આવ્યાં અને એને બચાવી લીધી. પરંતુ પ્રાંતનું વહીવટીતંત્ર આ બનાવથી હચમચી ગયું. ગવર્નરે જનરલ રેજિનાલ્ડ ડાયરને બોલાવીને લોકોને પાઠ ભણાવવા ફરમાન કર્યું.

ડાયર તો લોહીતરસ્સ્યો હતો જ. શહેરમાં હડતાળ હતી. એણે લોકોની દુકાનો ખોલવા એક નિવેદન બહાર પાડીને ધમકી આપી એમાં એણે કહ્યું કે દુકાનો ખોલો, નહિતર હું તાળાં તોડી નાખીશ. તમે નહીં આવો તો મારી બંદૂક ચાલશે. તમે સરકાર સામે લડાઈમાં ઊતર્યા છો ને? તો હું તમને લડાઈ માટે લલકારું છું. ડાયર તે પછી ઘાયલ માર્સેલા શેરવૂડને મળ્યો. એને જ્યાં પટકી હતી તે ગલી કૂચા કુર્રીછાનમાં ગયો અને એ જગ્યા જોઈ. તે પછી એણે જાહેર કર્યું કે આ પવિત્ર સ્થાન છે અને તમે લોકો જેમ તમારા ભગવાન સામે સાષ્ટાંગ પ્રણામ કરો છો તેમ આ ગલીમાંથી પસાર થાઓ ત્યારે આ સ્થાનને પવિત્ર મંદિર માનીને ઘૂંટણિયે પડીને ચાલવાનું છે !

૧૩મી ઍપ્રિલે બૈસાખીના દિવસે રૉલેટ ઍક્ટનો વિરોધ કરવા લોકોએ જલિયાંવાલા બાગમાં સભા રાખી હતી, ઑ’ડ્વાયરને ફરી ડાયર યાદ આવ્યો. પંજાબની અંગ્રેજ હકુમતને પ્રાંતની ગલીએ ગલીએ બગાવત દેખાતી હતી.

જનરલ ડાયર સિપાઈઓને લઈને ત્યાં પહોંચ્યો. સાંકડી ગલીમાંથી સામેથી કોઈ નીકળી શકે એટલી જગ્યા પણ નહોતી. ડાયર બખ્તરબંધ રણગાડીઓ પણ લાવ્યો હતો પણ એ ગલીની અંદર ન આવી શકી. સિપાઇઓએ પોઝિશન લીધી અને ડાયરે સીધો જ સામે ગોળીબાર કરવાનો હુકમ આપ્યો. ટપોટપ લાશોનો ડગલો થવા માંડ્યો. જ્યાં ભીડ જોઈ ત્યાં ડાયરે ગોળીઓ ચલાવી. એક હજાર કરતાં પણ વધારે માણસોના જાન ગયા. માતાઓની લાશ પાસે રડ્યાંખડ્યાં બાળકો રોતાં રહ્યાં અને રાજસત્તાનો આ વફાદાર સેવક પોતાના પરાક્રમ પર ખુશ થતો પાછો ગયો.

પંજાબ સરકારે આને જરૂરી પગલું ગણાવ્યું પણ બ્રિટનમાં રાજકારણીઓ હલબલી ગયા. એ વખતના વૉર મિનિસ્ટર ચર્ચિલે કહ્યું કે બ્રિટિશ તાજ  હેઠળની કોઈ પણ વસાહતમાં આ બનાવ પહેલો છે. એણે આમસભામાં કહ્યું કે ભીડ નિઃશસ્ત્ર હતી. એ હુમલો કરતી નહોતી. કોઈ ભાગી શકે તેમ નહોતું અને ભીડ એવી ખચાખચ હતી કે એક ગોળી ત્રણ ચાર જણને વીંધીને પાર થઈ જાય તેમ હતું. લોકો બચવા માટે નીચે સૂઈ ગયા તો ગોળીઓ નીચે ચલાવી. આમ આઠ-દસ મિનિટ ચાલ્યું. ચર્ચિલના ભાષણ પછી મતદાન થયું તેમાં ડાયરના હત્યાકાંડના વિરોધમાં ૨૪૭ અને તરફેણમાં ૩૪ મત પડ્યા. આ બનાવને બ્રિટિશ હકુમતના અંતની શરૂઆત માનનારા પણ ઘણા હતા. સરકારી આંકડાઓ પ્રમાણે તો ૩૭૯નાં મોત થયાં હતાં પણ કોંગ્રેસની તપાસ સમિતિએ ૧૫૦૦ મૃત્યુનો રિપોર્ટ આપ્યો.

સર ચીમનલાલ સેતલવાડ        આ બનાવની તપાસ માટે હંટર કમિશન નિમાયું. હંટર કમિશનમાં ત્રણ હિંદુસ્તાની સભ્યો પણ હતા – ચીમનલાલ હરિલાલ સેતલવાડ, પંડિત જગત નારાયણ અને સરદાર સાહેબઝાદા સુલતાન અહમદ ખાન. કમિશન સમક્ષ પણ ડાયરે સંપૂર્ણ ઉદ્દંડતા દેખાડી. એણે કહ્યું કે બખ્તરબંધ ગાડીઓ અંદર આવી શકી હોત તો એણે મશીનગન ચલાવી હોત. ડાયરને પૂછવામાં આવ્યું કે ઘાયલોને એણેમદન લાલ ધીંગડા મદદ કરી? એનો જવાબ હતો. એ મારું કામ નહોતું. હૉસ્પિટલો ખૂલી હતી અને એ લોકો ત્યાં જઈ શક્યા હોત.

પરંતુ બ્રિટિશ સરકારે એને પાછો બોલાવી લીધો. સરકાર એની વિરુદ્ધ હતી પણ સામાન્ય લોકો? લોકોએ ફંડ એકઠું કર્યું અને ડાયરને ૨૬,૦૦૦ પૌંડનું ઇનામ આપ્યું.

૧૯૪૦માં મદનલાલ ધીંગડાએ લંડનમાં માઇકલ ઑ’ડ્વાયરને ગોળીએ દઈ દીધો. એણે બાળપણમાં આ હત્યાકાંડ જોયો હતો અને ત્યારે જ બદલો લેવાની ગાંઠ વાળી લીધી હતી. ૩૧મી જુલાઇએ એને ફાંસી આપી દેવામાં આવી.

Advertisements

18 thoughts on “Jalianwalla Bagh”

  1. ભારતની આઝાદીના ઈતિહાસના આ અગત્યના પ્રકરણની બારીક વિગતો સરસ રજુ કરી છે.નવી પેઢી માટે એમાંથી ઘણું નવું જાણવા મળશે કે દેશની આઝાદી માટે કેટલી કિંમત ચુકવવામાં આવી હતી.આજે તો હવે અંગ્રેજી હકુમતનો સૂર્ય ઘણા દેશોમાં આથમી ગયો છે.
    ધન્યવાદ દીપકભાઈ .

    1. આભાર વિનોદભાઈ, હું એ જોતો હતો કે જલિયાંવાલા બાગ જેવી ઘટના ઓચીંતી તો ન બને. રૉલેટ ઍક્ટની તો ખબર હતી, પણ ત્યાં આ ઘટનાથી પહેલાં કેવું વાતાવરણ હતું? આ મહત્ત્વનું બની જતું હોય છે.

  2. એટનબરોની ઓસ્કાર વિજેતા ફિલ્મ ગાંધીમાં જલિયાંવાલા હત્યા કાંડનાં આબેહુબ દ્રશ્યો બતાવવામાં આવ્યાં છે જે દીલને હચમચાવી મુકે એવાં છે.

  3. બહુ સરસ રીતે વિગતો આપી છે, દીપકભાઈ! અને અનેક બાબતોનું સંકલન કર્યું છે, જે ઘટનાની પૃષ્ઠભૂમિ સમજવામાં મદદ કરે છે.

  4. પોસ્ટ વાંચવાનો સમય રહેતો નથી ….અહી થોડો સુધારો જરૂરી છે ….મદનલાલ ધીંગરા……એમણે બંગાળનું વિભાજન કરનાર પૂર્વ ગવર્નર જનરલ કર્ઝનને ઠાર મારવા બે રિવોલ્વર લીધી ને ૧ જુલાઈ, ૧૯૦૯ના રોજ નેશનલ ઇન્ડિયન એસોસિયેશનના ફંક્શનમાં કર્ઝનની સાવ નજીક જઈ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી ને પછી બીજી બે ગોળી મારી. કર્ઝનની હત્યા બદલ મદનલાલ ધીંગરાને ૧૭ ઓગસ્ટ, ૧૯૦૯ના રોજ ફાંસી થઈ. અંગ્રેજ સરકારે એમના કુટુંબને એમનો મૃતદેહ સોંપ્યો નહોતો. વીર સાવરકરે એને પ્રેરણા આપી હતી.

    1. બહુ મોટી ભૂલ તમે સુધારી છે. મદન લાલ ધિંગડા નહીં ઉધમસિંહ. પણ મદનલાલ ધિગડાએ જેને માર્યો તે કર્ઝન વાયલી, લૉર્ડ કર્ઝન નહીં. મારી ભૂલ હોય તો કહેશો.

  5. વિશ્વવ્યાપી નિંદાના દબાણમાં બાદમાં બ્રિટિશ સરકારે તેનો નિંદા પ્રસ્તાવ પારીત કર્યો અને 1920માં જનરલ ડાયરે રાજીનામું આપવું પડયું હતું. 1927માં જનરલ ડાયરનું કુદરતી મૃત્યુ થયું હતું.

  6. જલિયાંવાલા હત્યાકાંડ થઈ રહ્યો હતો, ત્યારે તે સમયે સરદાર ઉધમસિંહ ત્યાં હાજર હતા અને તેમને પણ ગોળી વાગી હતી. તેણે નક્કી કર્યું હતું કે તેઓ આ જઘન્ય હત્યાકાંડનો બદલો લેશે. 13 માર્ચ, 1940ના રોજ તેમણે લંડનના કેક્સટન હોલમાં ઘટના સમયે બ્રિટિશ લેફ્ટનન્ટ ગવર્નર માયકલ ઑ’ડ્વાયરને ગોળી મારીને ઠાર કર્યો હતો. ઉધમ સિંહને 31 જુલાઈ, 1940ના રોજ ફાંસીએ ચઢાવી દેવામાં આવ્યા હતા. ગાંધી અને નેહરુએ ઉધમ સિંહ દ્વારા માઈકલ ઑ’ડ્વાયરની કરવામાં આવેલી હત્યાની ટીકા કરી હતી. લોકો એટલે જ એમને બ્રિટીશ એજન્ટ કહે છે

      1. I repeat…ગાંધી અને નેહરુએ ઉધમ સિંહ દ્વારા માઈકલ ઑ’ડ્વાયરની કરવામાં આવેલી હત્યાની ટીકા કરી હતી. લોકો એટલે જ એમને બ્રિટીશ એજન્ટ કહે છે.
        સંદર્ભ- માર્કન્ડેય કાત્જુ

        1. અહી મેં બે સ્પષ્ટતા કરી છે. એક તો તમે સ્પષ્ટ કરી બીજી એ કે ઘણા એમ માને છે કે ઉધમસિંહ દ્વારા ડાયરની હત્યા કરવામાં આવી હતી. 1920માં જનરલ ડાયરે રાજીનામું આપવું પડયું હતું. 1927માં જનરલ ડાયરનું કુદરતી મૃત્યુ થયું હતું, ઉધમસિંહે બ્રિટિશ લેફ્ટનન્ટ ગવર્નર માયકલ ઑ’ડ્વાયરને ગોળી મારીને ઠાર કર્યો હતો.

        2. માર્કંડેય કાત્જૂ ઇતિહાસકાર નથી. એમણે કોઈને ટાંક્યા હશે. સંદર્ભ એટલે કોઈ ઇતિહાસલેખક તરફથી રજૂ કરાયેલો દસ્તાવેજી પુરાવો. આ વિધાન મારા વાંચવામાં નથી આવ્યું એટલે જ મેં સંદર્ભ પૂછ્યો. માર્કંડેય કાત્જૂએ એમના ફેસબુક પેજ પર કંઈ લખ્યું હોય તે સંદર્ભ ન કહેવાય.

          તમે કે હું લખીએ અને પછી કોઈ ક્વૉટ કરે કે દીપક ધોળકિયા અથવા હરેશ પંડ્યા આમ કહે છે તેથી આપણે સન્માનને પાત્ર વિદ્વાન ન બની જઈએ. આપણે જાણીએ છીએ કે આપણે જે કંઈ લખીએ તે પોતાની શોધખોળનું પરિણામ ન હોય, પરંતુ કાત્જૂએ (અથવા મેં કે તમે) લખ્યું તે કયા આધારે, તે જાણવામાં વાચકને રસ પડે.

          અભિપ્રાય અને તથ્ય બે જુદી વસ્તુ છે. તથ્યોનું અર્થઘટન કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે કરી શકે, પણ એટલા જ કારણસર એ તથ્ય ન બની જાય. આમ તો એવું છે કે ગાંધીજી હિંસાની કોઈ પણ ઘટનાની ટીકા કરતા જ હતા. એટલે એમાં નવાઈની વાત નથી કે એમણે હત્યાની ટીકા કરી હોય. એટલે ગાંધીજીનું મૂળ સ્ટેટમેન્ટ જોવાની જરૂર રહે.
          બાકી, ગાંધીજીએ આ કર્યું અથવા આ ન કર્યું એમ કહેનારા ઘણા છે. એટલે સંદર્ભ આપવા ફરીથી વિનંતિ કરું છું.

          1. હું આ માત્ર કટાક્ષના સ્વરૂપમાં જ મુકું છું. અહી ઈતિહાસને જોડવાની વાત નથી. ગાંધીએ જહાળવાદીઓને જે રીતે અલગ પડ્યા હતા તેથી જ એ લોકો એજન્ટ કહે છે

          2. તમારી બારી ખુલ્લી છે એટલે ….ડોકિયું કરી લઉં …

            Worth to read…‘Seeds Of Partition Were Sown When Aurangzeb Triumphed Over his elder brother Dara Shikoh’
            Its a war between Salafi and Sufi strains of Islam. The same is in ISIS or even fundamental hinduism

            http://www.tehelka.com/seeds-of-partition-were-sown-when-aurangzeb-triumphed-over-dara-shikoh/

  7. ‘મેં એ કર્યું કારણ કે, મને તેની વિરુદ્ધ સખ્ત નારાજગી હતી. એ એને જ લાયક હતો. એ જ સાચો ગુન્હેગાર હતો. એ મારા દેશના લોકોના જુસ્સાને કચડવા માગતો હતો, તેથી મેં તેને જ કચડી નાંખ્યો! છેલ્લાં 21 વર્ષથી બદલો લેવા મથતો રહ્યો છું. મને ખુશી છે કે, મેં મારું કાર્ય પાર પાડ્યું છે. મને મોતનો ડર નથી. હું મારા દેશ માટે મરું છું. મેં મારા દેશવાસીઓને બ્રિટિશ રાજ નીચે ભૂખે મરતા નિહાળ્યા છે. મેં તેની સામે વિરોધ કર્યો છે, જે મારી ફરજ છે. મારી માતૃભૂમિ – ભારતમાતા માટે મૃત્યુને આલિંગન કરવાથી વિશેષ ગૌરવ અન્ય શેનાથી હોઈ શકે?!’ 31 જુલાઈ, 1940ના દિવસે બ્રિટનની પેન્ટનવિલે જેલમાં – ફાંસીને માંચડે ચઢતા પહેલાં આ ઉચ્ચારણો કરનાર શહીદ-એ-આઝમ ઉધમસિંહ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s