Jalianwalla Bagh

જલિયાંવાલા બાગનો હત્યાકાંડ

૧૩મી ઍપ્રિલ હજી હમણાં જ ગઈ. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસનો આ કાળો દિવસ છે. , એ દિવસે પંજાબમાં અમૃતસરમાં આવેલા જલિયાંવાલા બાગમાં ‘બૈસાખી’ (વૈશાખ પૂર્ણિમા) નિમિત્તે એકત્ર થયેલા નિઃશસ્ત્ર લોકો પર જનરલ રેજિનાલ્ડ ડાયરે બેફામ ગોળીબાર કરીને ઓછામાં ઓછી એક હજાર લાશ ઢાળી દીધી. કેટલાંયે બાળકો અને સ્ત્રીઓના જાન ગયા. સ્ત્રીઓએ ગોળીઓના ભયથી કૂવામાં કૂદીને પ્રાણનું બલિદાન આપ્યું.

જલિયાંવાલા બાગ઼

The memorial, Jallianwala Bagh Memorial, Punjab

આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં આ સ્થળ એક સીમાચિહ્ન છે. એ વખતના અગ્રગણ્ય બ્રિટિશ રાજકારણીઓ અને ઇતિહાસકારોના મત પ્રમાણે આ સ્થળ બ્રિટનની હકુમતના ભાવિમાં નવો વળાંક લાવ્યું અને અંતે બ્રિટને ગાંસડાંપોટલાં બાંધીને જવું પડ્યું. મહારાજા રણજીત સિંહના એક તાબેદાર હિંમત સિંહની આ જમીન હતી. એનું મૂળ ગામ ‘જલ્લે’ હોવાથી એ પરિવાર ‘જલ્લેવાલે’ તરીકે ઓળખાતો હતો. ‘જલ્લેવાલા’ પરથી આ સ્થળને જલિયાંવાલા બાગ઼ નામ મળ્યું, કારણ કે મૂળ તો આ જગ્યાએ એક બાગ઼ હતો પરંતુ પછી એ ઉજ્જડ, સાંકડો, વાંકોચૂંકો જમીનનો ટુકડો બની ગયો હતો અને લોકો સારા પ્રસંગોએ ત્યાં એકઠા થતા.

આંદોલનોનો કાળ

વાતાવરણમાં ઊકળાટ તો આ ઘટનાના થોડા દિવસ પહેલાંથી જ હતો.

પહેલા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો, પણ તે પહેલાં ૧૯૧૪માં ગદર પાર્ટીના બળવાની ઘટનાઓ બની હતી. ૧૮૫૭ પછી ગદર (વિદ્રોહ) પાર્ટીએ ભારતને શસ્ત્રોના બળે મુક્ત કરાવવા માટે જીવસટોસટનો, પણ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.(અહીં વાંચો). આથી પંજાબ પ્રાંતની સરકાર બહુ સાવધ હતી. ખરું કહો તો, બદલો લેવા માટે એના હાથ સળવળતા હતા.

૧૯૧૬ના ડિસેમ્બરમાં લખનઉમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું તેમાં એક ઠરાવ પસાર કરીને કોંગ્રેસે બ્રિટિશ સરકારને કહ્યું કે હિંદને વહેલી તકે સેલ્ફ-ગવર્નમેન્ટ બનાવવાનો હક આપવાનું એનું લક્ષ્ય અને ઇરાદો છે, એવું જાહેર કરો. પહેલા વિશ્વયુદ્ધમાં હિંદુસ્તાને બ્રિટનને ભારે મદદ કરી હતી. ખરેખર તો બ્રિટન હિંદુસ્તાનના સૈનિકોની તાકાત પર જ લડાઈમાં ઊતર્યું હતું. આથી હવે અંગ્રેજો કંઈક સમજશે એવી આશા પણ હતી.

૧૯૧૮માં હિંદ માટેના મંત્રી મોન્ટૅગ્યૂ અને વાઇસરૉય લોર્ડ ચેમ્સફૉર્ડના સંયુક્ત નામ મોન્ટફર્ડ સુધારા દ્વારા બ્રિટને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ બનાવવાની છૂટ આપી. આમ હિંદુસ્તાનના નેતાઓને આશા હતી, અને મોન્ટૅગ્યૂએ નિવેદન પણ કર્યું હતું તે પ્રમાણે, સરકાર હિંદીઓના હાથમાં અમુક સત્તાઓ આપવા તૈયાર થઈ છે.

પરંતુ, બે મોટા પ્રાંતો, બંગાળ અને પંજાબમાં ક્રાન્તિકારી પ્રવૃત્તિઓનું જોર હતું. તેમાં પણ ૧૯૧૫માં પંજાબમાં ગદર પાર્ટીના સત્તા હાથમાં લેવાના પ્રયાસો પછી એમની સામે લાહોર કાવતરા કેસ ચાલતો હતો. પંજાબના ગવર્નર સર માઇકલ ઑ’ડ્વાયરને સ્થિતિ કાબુમાં નહીં રહે એવી બીક હતી, હિંદ સરકારે પણ ક્રાન્તિકારી હિલચાલોને કાબુમાં લેવા માટે કાયદો બનાવ્યો જે રૉલેટ ઍક્ટ તરીકે ઓળખાય છે. પંજાબ અને બંગાળમાં આનો જોરદાર વિરોધ થયો.

ગાંધીજીએ આના વિરોધમાં ૩૦મી માર્ચે દેશવ્યાપી હડતાળની હાકલ કરી. પણ પછી તારીખ ફેરવીને છઠ્ઠી ઍપ્રિલ રાખવામાં આવી. આખા દેશમાં સખત હડતાળ પડી. લોકોનો ગુસ્સો માઝા મૂકી ગયો હતો. દિલ્હી, મુંબઈ અને બીજાં ઘણાં શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યાં. આ સ્થિતિ ઉપર કાબુ મેળવવા ગાંધીજી મુંબઈથી દિલ્હી આવવા નીકળ્યા પણ એમને દિલ્હીની પાસે પલવલ સ્ટેશને પોલીસે પકડી લીધા અને એક માલગાડીમાં બેસાડીને પાછા મુંબઈ મોકલી દીધા. ગાંધીજીની ધરપકડના સમાચાર આખા દેશમાં વાયુવેગી ફેલાઈ ગયા. લોકોના ઉશ્કેરાટનો પાર નહોતો.

તેમાં માઇકલ ઑ’ડ્વાયરે બળતામાં ઘી હોમ્યું અને દસમી તારીખે પંજાબના ગવર્નરે કોંગ્રેસના બે નેતાઓ ડૉ. સત્ય પાલ અને સૈફુદ્દીન કિચલૂને તરીપાર કરી દીધા. લોકોમાં અંગ્રેજો સામેનો રોષ ભભૂકી ઊઠ્યો. એક મોટું સરઘસ અમૃતસરમાં ડેપ્યુટી કમિશનરને મળવા નીકળ્યું. રસ્તામાં ટોળાએ કેટલીયે બૅન્કો અને બીજી ઇમારતોને નુકસાન પહોંચાડ્યું. પોલીસે ગોળીબાર કરીને સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું.

બીજા દિવસે ૧૧મી તારીખે બીજો એક બનાવ બન્યો. અમૃતસરની એક હૉસ્પિટલમાં કામ કરતી મિશનરી નર્સ અને ટીચર મિસ માર્સેલા શેરવૂડ સાઇકલ પર પાછી ફરતી હતી ત્યારે ‘કૂચા કુર્રીછાન’માં ટોળાએ એને ઘેરી લીધી. સાઇકલ પરથી ઉતારીને એને ખૂબ માર માર્યો. એ પડી ગઈ અને લોકો એના પર લાઠીઓ વરસાવતા રહ્યા. એના એક વિદ્યાર્થીના ઘર પાસે જ આ બનાવ બન્યો. એ જોઈને ઘરવાળાં બહાર આવ્યાં અને એને બચાવી લીધી. પરંતુ પ્રાંતનું વહીવટીતંત્ર આ બનાવથી હચમચી ગયું. ગવર્નરે જનરલ રેજિનાલ્ડ ડાયરને બોલાવીને લોકોને પાઠ ભણાવવા ફરમાન કર્યું.

ડાયર તો લોહીતરસ્સ્યો હતો જ. શહેરમાં હડતાળ હતી. એણે લોકોની દુકાનો ખોલવા એક નિવેદન બહાર પાડીને ધમકી આપી એમાં એણે કહ્યું કે દુકાનો ખોલો, નહિતર હું તાળાં તોડી નાખીશ. તમે નહીં આવો તો મારી બંદૂક ચાલશે. તમે સરકાર સામે લડાઈમાં ઊતર્યા છો ને? તો હું તમને લડાઈ માટે લલકારું છું. ડાયર તે પછી ઘાયલ માર્સેલા શેરવૂડને મળ્યો. એને જ્યાં પટકી હતી તે ગલી કૂચા કુર્રીછાનમાં ગયો અને એ જગ્યા જોઈ. તે પછી એણે જાહેર કર્યું કે આ પવિત્ર સ્થાન છે અને તમે લોકો જેમ તમારા ભગવાન સામે સાષ્ટાંગ પ્રણામ કરો છો તેમ આ ગલીમાંથી પસાર થાઓ ત્યારે આ સ્થાનને પવિત્ર મંદિર માનીને ઘૂંટણિયે પડીને ચાલવાનું છે !

૧૩મી ઍપ્રિલે બૈસાખીના દિવસે રૉલેટ ઍક્ટનો વિરોધ કરવા લોકોએ જલિયાંવાલા બાગમાં સભા રાખી હતી, ઑ’ડ્વાયરને ફરી ડાયર યાદ આવ્યો. પંજાબની અંગ્રેજ હકુમતને પ્રાંતની ગલીએ ગલીએ બગાવત દેખાતી હતી.

જનરલ ડાયર સિપાઈઓને લઈને ત્યાં પહોંચ્યો. સાંકડી ગલીમાંથી સામેથી કોઈ નીકળી શકે એટલી જગ્યા પણ નહોતી. ડાયર બખ્તરબંધ રણગાડીઓ પણ લાવ્યો હતો પણ એ ગલીની અંદર ન આવી શકી. સિપાઇઓએ પોઝિશન લીધી અને ડાયરે સીધો જ સામે ગોળીબાર કરવાનો હુકમ આપ્યો. ટપોટપ લાશોનો ડગલો થવા માંડ્યો. જ્યાં ભીડ જોઈ ત્યાં ડાયરે ગોળીઓ ચલાવી. એક હજાર કરતાં પણ વધારે માણસોના જાન ગયા. માતાઓની લાશ પાસે રડ્યાંખડ્યાં બાળકો રોતાં રહ્યાં અને રાજસત્તાનો આ વફાદાર સેવક પોતાના પરાક્રમ પર ખુશ થતો પાછો ગયો.

પંજાબ સરકારે આને જરૂરી પગલું ગણાવ્યું પણ બ્રિટનમાં રાજકારણીઓ હલબલી ગયા. એ વખતના વૉર મિનિસ્ટર ચર્ચિલે કહ્યું કે બ્રિટિશ તાજ  હેઠળની કોઈ પણ વસાહતમાં આ બનાવ પહેલો છે. એણે આમસભામાં કહ્યું કે ભીડ નિઃશસ્ત્ર હતી. એ હુમલો કરતી નહોતી. કોઈ ભાગી શકે તેમ નહોતું અને ભીડ એવી ખચાખચ હતી કે એક ગોળી ત્રણ ચાર જણને વીંધીને પાર થઈ જાય તેમ હતું. લોકો બચવા માટે નીચે સૂઈ ગયા તો ગોળીઓ નીચે ચલાવી. આમ આઠ-દસ મિનિટ ચાલ્યું. ચર્ચિલના ભાષણ પછી મતદાન થયું તેમાં ડાયરના હત્યાકાંડના વિરોધમાં ૨૪૭ અને તરફેણમાં ૩૪ મત પડ્યા. આ બનાવને બ્રિટિશ હકુમતના અંતની શરૂઆત માનનારા પણ ઘણા હતા. સરકારી આંકડાઓ પ્રમાણે તો ૩૭૯નાં મોત થયાં હતાં પણ કોંગ્રેસની તપાસ સમિતિએ ૧૫૦૦ મૃત્યુનો રિપોર્ટ આપ્યો.

સર ચીમનલાલ સેતલવાડ        આ બનાવની તપાસ માટે હંટર કમિશન નિમાયું. હંટર કમિશનમાં ત્રણ હિંદુસ્તાની સભ્યો પણ હતા – ચીમનલાલ હરિલાલ સેતલવાડ, પંડિત જગત નારાયણ અને સરદાર સાહેબઝાદા સુલતાન અહમદ ખાન. કમિશન સમક્ષ પણ ડાયરે સંપૂર્ણ ઉદ્દંડતા દેખાડી. એણે કહ્યું કે બખ્તરબંધ ગાડીઓ અંદર આવી શકી હોત તો એણે મશીનગન ચલાવી હોત. ડાયરને પૂછવામાં આવ્યું કે ઘાયલોને એણેમદન લાલ ધીંગડા મદદ કરી? એનો જવાબ હતો. એ મારું કામ નહોતું. હૉસ્પિટલો ખૂલી હતી અને એ લોકો ત્યાં જઈ શક્યા હોત.

પરંતુ બ્રિટિશ સરકારે એને પાછો બોલાવી લીધો. સરકાર એની વિરુદ્ધ હતી પણ સામાન્ય લોકો? લોકોએ ફંડ એકઠું કર્યું અને ડાયરને ૨૬,૦૦૦ પૌંડનું ઇનામ આપ્યું.

૧૯૪૦માં મદનલાલ ધીંગડાએ લંડનમાં માઇકલ ઑ’ડ્વાયરને ગોળીએ દઈ દીધો. એણે બાળપણમાં આ હત્યાકાંડ જોયો હતો અને ત્યારે જ બદલો લેવાની ગાંઠ વાળી લીધી હતી. ૩૧મી જુલાઇએ એને ફાંસી આપી દેવામાં આવી.

%d bloggers like this: