Islam, Muslim Society and Blind Faith

http://webgurjari.in/2015/04/03/maari-baari-38-islam-muslim-society-and-blind-faith/

-દીપક ધોળકિયા

ઇસ્લામ, મુસ્લિમ સમાજ અને અંધશ્રદ્ધા

આપણા દેશમાં અંધશ્રદ્ધાની વાત થતી હોય છે ત્યારે માત્ર હિન્દુ સમાજની જ વાતો જાણવા-વાંચવા મળે છે. મને લાગે છે કે આનાં ત્રણ કારણો હોઈ શકે.

એક તો, લખનારા મુખ્યત્વે હિન્દુ સમાજના હોય છે. શક્ય છે કે લખનારા નાસ્તિક હોય, પરંતુ હિન્દુ પરંપરામાં નાસ્તિકોને પણ સ્થાન છે ! એટલે નાસ્તિક પણ હિન્દુ પરંપરાની બહાર નથી હોતો. આમ હિન્દુ ધર્મનાં કોઈ રીતરિવાજ, પરંપરા, આસ્થા કે આસ્થાનાં પ્રતીકોની ટીકા કરવાનું એમના માટે સહેલું હોય છે.

બીજું કારણ એ કે તેઓ પોતાના સમાજને બરાબર જાણે છે, જ્યારે મુસ્લિમ સમાજને બરાબર જાણતા નથી.

ત્રીજું, અને સૌથી મહત્ત્વનું કારણ એ કે અન્ય ધર્મને લગતી વાતોમાં માથું મારવું તેને કદાચ અસભ્ય વ્યવહાર ગણી શકાય, એટલે સૌ આવી વાતોમાં પડવાનું ટાળે છે.

ઉદાહરણ લઈએ તો મારા મિત્ર અને શુભેચ્છક શ્રી ગોવિંદભાઈના બહુ જ લોકપ્રિય બ્લૉગ ‘અભીવ્યક્તી’ પર અંધશ્રદ્ધા વિરુદ્ધ ઘણા લેખો પ્રકાશિત થાય છે. એમાં મુખ્યત્વે તો એક જ સમાજની અંધશ્રદ્ધાની ચર્ચા હોય છે. પરંતુ એક ખાસ નોંધવા જેવું હોય છે તે એ કે એમના એક વાચક કૅનેડાના કાસિમભાઈ અબ્બાસ એમના પ્રતિભાવ દ્વારા એમ ધ્યાન દોરવાના પ્રયત્નો કરતા હોય છે કે મુસ્લિમ સમાજમાં પણ આવી જ અંધશ્રદ્ધા વ્યાપ્ત છે. જો કે કદાચ શાલીનતા ખાતર એમના પ્રતિભાવ પછી કોઈ એમને માત્ર ઉત્સુકતાથી પ્રેરાઈને પણ આગળ લખવા કહેતું નથી.

કાસિમભાઈ અબ્બાસ

આવી ઓઢેલી શાલીનતાને કારણે પરસ્પર અંતર વધે છે. બન્ને સમાજોના ગુણદોષોની ચર્ચા મુક્ત મને થવી જોઈએ. આમાં એક સમસ્યા અવશ્ય છેઃ બીજા ધર્મની ચર્ચા કરીએ ત્યારે એ ધર્મના મિત્રો ‘બચાવ’ની મુદ્રા ધારણ કરી લઈને જે કંઈ ખોટું હોય તેને વાજબી ઠરાવવા લાગતી હોય છે. આથી સજ્જનો એનાથી દૂર રહે છે. આપણે એકબીજાની મહત્ત્વની સામાજિક રુઢિઓને પણ સમજવી જોઇએ. ખરેખર તો મનમાં જે કંઈ સવાલ ઊભા થતા હોય તે નિખાલસ હૃદયે એકબીજાને પૂછી લેવા જોઈએ. આવી ‘નિખાલસતા’ આપણે ચહેરો દેખાડ્યા વગર ફેસબુક જેવાં માધ્યમ પર સામસામે પ્રહાર કરવામાં તો હિંમતભેર દેખાડતા જ હોઇએ છીએ પણ જિજ્ઞાસા કે શંકાને દૂર કરવા માટે નિખાલસતાને બદલે સભ્યતા ઓઢી લઈએ છીએ !

એટલે આજના લેખમાં મુસ્લિમ સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા વિશે લખવાનો વિચાર કર્યો છે અને એમાં કાસિમભાઈઅબ્બાસના વિચારોને સમાવી લઈશ. આમાં કંઈ ઉણપ જણાય તે મારી જ હશે, રજુઆત પણ મારી જ છે. કાસિમભાઈના આભાર સાથે માત્ર એમનો સાથ અને સંદર્ભ લ્‍ઉં છું.

પરંપરાઓ પોતાના તાત્કાલિક સંદર્ભની બહાર વિસ્તરતી હોવાથી મોટા ભાગે નિર્જીવ બની જતી હોય છે અને આપણે ખભા પર એક લાશને લઈ જતા ડાઘુઓની જેમ એને નિભાવતા હોઈએ છીએ. આમાં ઘણી વાર એવુ થતું હોય છે કે નવા ક્રાન્તિકારી વિચાર પર નબળા વિચારની કલમ લગાડી દેવાતી હોય છે અને એ પણ ફાલતોફૂલતો રહે છે.

ઇસ્લામમાં મનાઈ

આમ તો ઇસ્લામ મધ્યમમાર્ગી ધર્મ છે. મન કે શરીરને બહુ કષ્ટ ન પડવું જોઈએ એ એની પાયાની સમજ. ઇસ્લામનો અર્થ જ સમર્પણ છે એટલે અલ્લાહને સંપૂર્ણ સમર્પિત રહેવું; આટલું જ. વળી, ચમત્કારોને ઇસ્લામમાં સ્થાન નથી. જે અલ્લાહે ધાર્યું હોય તે જ થાય એવી મૂળભૂત માન્યતાને કારણે કોઈ પીર, ફકીર ચમત્કાર ન કરી શકે. તાવીજ, બાધા-આખડી, રમલ, પાસા, ગ્રહજ્યોતિષ વગેરેને ઇસ્લામ નકારી કાઢે છે. અલ્લાહના પયગંબર મહંમદસાહેબને એમના શરૂઆતના સમયમાં લોકો કહેતા કે પયગંબર છો એ સાબીત કરવા ચમત્કાર કરી દેખાડો. એમનો જવાબ હતો કે આ સૂર્ય અને ચંદ્ર નિયમિત રીતે ઊગે અને આથમે છે એ શું ચમત્કાર નથી? આપણે પેદા થઈએ છીએ એ શું ચમત્કાર નથી? આ ચમત્કાર નથી દેખાતા? અલબત્ત, હદીસ સાહિત્યમાં (પયગંબરના જીવનની સામાન્યથી માંડીને મહાન ઘટનાને માર્ગદર્શક તરીકે સ્થાપિત કરતા ગ્રંથોમાં ચમત્કારોની ઝલક મળે છે. પરંતુ મહંમદ સાહેબે પોતાને પયગંબર (સંદેશવાહક) જ ગણાવ્યા, ચમત્કારી પુરુષ નહીં.

પરંતુ એનો અર્થ એ નથી કે મુસલમાનો ખરેખર આવાં ધતીંગોથી મુક્ત થઈ ગયા છે. મુસ્લિમ સમાજ પણ અંધશ્રદ્ધાનો શિકાર છે અને એમાં પણ જંતરમંતર કરીને લોકોનાં દુઃખ દૂર કરવાના બહાને પૈસા કમાનારા છે.

કાસિમભાઈ ‘સ્વદેશ કૅનેડા’ નામના અખબારમાં એમના લેખ (૧૩ અને ૨૦ એપ્રિલ ૨૦૦૭)માં દેખાડે છે કે કુરાનશરીફની સુરા (પ્રકરણ) ૯. આયત (શ્લોક) ૩૪માં કહ્યું છે કે ધર્મશાસ્ત્રના ઘણા વિદ્વાનો (આલિમો અને આમિલો) અને દરવેશો(પીરો, ફકીરો અને બાબાઓ) લોકોની સંપત્તિ ખોટી રીતે ખાઈ જાય છે અને તમને અલ્લાહના સત્ય માર્ગેથી રોકે છે.”

જો પાલનહાર અલ્લાહ તમારો સાથ આપે તો તમારા ઉપર કોઈ ફાવી શકે નહીં અને જો તમને પડતા મૂકે તો પછીએવો કોણ છી કે જે તમારી મદદ કરે?” (૩/૧૬૦).

કાસિમભાઈ લખે છે કે “…પાલનહાર અલ્લાહે સર્જન કરેલો પામર માનવી, જે પોતાની દુકાન ખોલીને લોકોની સમસ્યાઓ. મુશ્કેલીઓ અને મૂંઝવણોને દૂર કરવાના પોકળ દાવાઓ કરીને અને તેની ભારી કિંમત વસૂલ કરીને નિષ્ફળતા જ આપે છે તેના પાસે ક્યાંથી આધ્યાત્મિક (રુહાની) જ્ઞાન આવી ગયેલ છે કે તેને તેના આ જ્ઞાનને વેચવા દુકાન ખોલવી પડે? અને વર્તમાનપત્રોમાં લોભામણી જાહેરાતો આપવી પડે?…” કાસિમભાઈ તાર્કિક સવાલ પૂછે છે કે આવા લોકો પોતે જ સંપત્તિના ઢગલા કેમ કરી દેતા નથી જેથી તેને દુકાન ખોલવાની કે ટેલીવિઝન પર જાહેરાતો આપવાની જરૂર ન પડે?

આવા ઠગભગતો લોકોની કઈ જાતની મુશ્કેલીઓ દૂર કરવાનો દાવો કરતા હોય છે?

કાસિમભાઈએ લાંબી યાદી આપી છે. બીમારી દૂર કરવી, સંતાનપ્રાપ્તિ, નાણાકીય ભીડ, નોકરીમાં પ્રગતિ, ધંધામાં નફો, દેવું દૂર કરવું, સંતાનોને આજ્ઞાંકિત બનાવવાં, મરજી પ્રમાણેનાં લગ્ન, પતિ કે પત્નીને વશ કરવી વગેરે. એટલું જ નહીં પણ ઇમિગ્રેશનની આડખીલીઓ દૂર કરવામાં કે લૉટરીના નસીબવંતા આંકડાઓ આપવામાં કે કોર્ટમાં કેસ જિતાડવામાં પણ મોટી કિંમતના બદલામાં પોતાના કહેવાતા આધ્યાત્મિક જ્ઞાનથી મદદ કરવાનો દાવો કરે છે. આ જાણે પૂરતું ન હોય તેમ એમનો દાવો એવો હોય છે કે કુરાનમજીદની આયતો દ્વારા જ તેઓ આ બધાં દુઃખો દૂર કરતા હોય છે ! ખરું પૂછો તો કુરાન મજીદ આવાં ધતીંગોનો ખુલ્લો વિરોધ કરે છે.

અબૂ ધાબીમાં

એ ખરું કે ઇસ્લામમાં પણ અલ્લાહનાં વચનો દ્વારા સાજા કરવાનો (રુકેયા)ઉપાય માન્ય છે અને એનો જ બગલાભગતો લાભ લેતા હોય છે. પરંતુ, અબૂ ધાબીમાં મૌલવીઓ અને ડોક્ટરોએ સાથે મળીને લોકોને સલાહ આપી છે કે કોઈ પણ બીમારી જણાય તો પહેલાં ડૉક્ટર કે મનોવૈજ્ઞાનિક પાસે જાઓ અને તે પછી જ શ્રદ્ધાનો આશરો લો.(અહીં વાંચો). એ લોકો માને છે કે “દુઆ એ જ દવા” એ ધર્મમાં માન્ય છે, પણ એ ‘બિઝનેસ’ ન બની શકે. આ એક જાતની સદ્‍ભાવ પૂર્ણ પ્રાર્થના છે, પણ દરદી બધા ઉપાયો કરી લે તે પછી જ એનો આશરો લઈ શકાય.

પાકિસ્તાનમાં

પાકિસ્તાનમાં લગભગ બધા માનસિક રોગો માટે જિન્ન (ભૂતપ્રેત)ને જવાબદાર માનવામાં આવે છે. મંતરેલું પાણી, માદળિયાં બલિ ચડાવવો વગેરે ગામડાંના સાધનસંપન્ન જમીનદારોથી માંડીને લાહોર અને કરાંચી જેવાં આધુનિક શહેરોમાં ભણેલાગણેલા માણસો પણ દોરાધાગા અને તાવીજોમાં માનતા હોવાના રિપોર્ટ છે.

પાકિસ્તાનના ગુજરાતમાં શાહ દૌલાની મઝાર પર રોજ દુઃખોમાંથી મુક્તિ ઝંખતા લોકોની ભીડ જામે છે. સ્ત્રીઓ સંતાન પ્રાપ્તિ માટે આવે છે, પણ જ્યારે એમને ગર્ભ રહે ત્યારે પહેલું સંતાન ‘ઉંદર- બાળ’ હશે. એટલે કે એ વિકલાંગ હશે. આ બાળક એમણે મઝારને આપી દેવાનું હોય છે. ભક્તો પહેલું બાળક સ્વસ્થ હોય તો પણ એને ઉંદરબાળ માને છે અને મઝારને આપી દે છે. એને ત્યાં વિકલાંગ બનાવી દેવાય છે અને એનો જુદી જુદી રીતે પૈસા કમાવા માટે ઉપયોગ થાય છે. ઇસ્લામમાં ચમત્કારોનો ઇન્કાર હોવા છતાં આવું ચાલ્યા કરે છે. (મૂળ લેખ).

ઝરદારી પણ ખરા !

image

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી ‘કાળી નજર’થી બચવા દરરોજ એક કાળા બકરાનો બલિ ચડાવતા. દરરોજ એક બકરો ખરીદાય. એને ઝરદારી પાસે લઈ જવાય. ઝરદારી એને હાથ લગાડે, તે પછી એમના ખાનગી મકાનમાં એને લઈ જવાય અને ત્યાં એની કુરબાની અપાય. ઝરદારી પાંચ વર્ષ રાષ્ટ્રપતિ રહ્યા ત્યાં સુધી તો આ નિયમ અચૂક ચાલ્યો. (અહીં વાંચો).

રૅશનલિઝમનાં બીજ

image

આરબો જેમ ફેલાયા તેમ નવા પ્રભાવો પણ એમના પર પડતા હતા. ખાસ કરીને પ્લેટોનો પ્રભાવ શરૂઆતના ઇસ્લામી ફિલોસોફરો પર ઘણો પડ્યો. યુરોપના રૅશનલિઝમનાં મૂળ અવિસેના (અબૂ ઇબ્ન સિના) જેવા દાર્શનિકોનાં લખાણમાં રહ્યાં છે. અબૂ ઇબ્ન સિનાનો કાળ ઈ.સ. ૯૮૦-૧૦૩૭ છે. એ વિખ્યાત તબીબ, ભૂસ્તરશાસ્ત્રી, ચિંતક અને રૅશનલિસ્ટ હતો. એણે શ્રદ્ધાને બદલે તર્ક (વિવેક બુદ્ધિ)નો આશરો લીધો અને કુરાનનો અભ્યાસ કર્યો. એ રીતે એણે રેને દ’કાર્ત (Rene Descartes) (૧૫૯૬-૧૬૫૦)થી પહેલાં શ્રદ્ધાને બદલે તર્કથી ઈશ્વરનું અસ્તિત્વ સ્થાપિત કર્યું.

ઇસ્લામની આ મહાન પરંપરાનો અંત આવ્યો (એની કથા જુદો લેખ માગી લે છે) અને મુસ્લિમ સમાજ પાછો ધર્મના અનુદાર અર્થઘટનને કારણે અંતે દોરાધાગામાં ગૂંચવાઈ ગયો.

૦-૦-૦-૦

અંતમાં શ્રી કાસિમભાઈ અબ્બાસનો ફરી આભાર માનું છું. એમનો સંપર્ક અહીં થઈ શકે છેઃ qasimabbas15@hotmail.com

૦-૦-૦

%d bloggers like this: