Only two children? the other side of the coin

ગયા વખતે pi વિશે એક લેખ આપ્યો હતો. એ તો થઈ ગણિતની વાત. piની દશાંશ પછીની સંખ્યાઓ કેટલી તે હજી નક્કી નથી થયું. પરંતુ સામાજિક ક્ષેત્રમાં તો ઘણી એવી વાતો છે કે જેના ચોક્કસ જવાબ નથી મળતા. બધા જવાબ સાચા અથવા બધા જવાબમાં કંઈક સાચું. આવા જવાબોમાં પણ દશાંશ પછીના આંકડાઓની જેમ સમસ્યાઓ ઉમેરાતી જાય છે. આપણે બહુ બહુ તો સાચા જવાબની નજીક પહોંચી શકીએ. એનો વૈકલ્પિક જવાબ પસંદ કરીએ તો પણ સ્થિતિ એ જ રહે. અંતે એમ લાગે કે આપણે જવાબ નહીં સમસ્યાઓનો સેટ જ પસંદ કરી શકીએઃ કાં તો ‘ક’ વર્ગની સમસ્યાઓ, કાં તો ‘ખ’ વર્ગની સમસ્યાઓ.

કિશોરચંદ્ર ઠક્કર એક સામાજિક ચિંતક છે. ઘણા વિષયોમાં એમને રસ છે. શૈલી સીધીસાદી વાતચીતની…૩૭ વર્ષ LICમાં કામ કર્યા પછી ૨૦૧૦માં નિવૃત્ત થયા. લખવાનું, વિચારવાનું ઘણું, પણ સ્વભાવે શરમાળ એટલે એકલદોકલ ક્યાંક પ્રકાશિત થયું. પણ વિચારવું જેનો નિજાનંદ છે એની ફોરમ પ્રસર્યા વિના ન જ રહે. અહીં તો એમણે હદ કરી નાખી છે. કહે છે કે ઘણાં બાળકો હોવાં જોઈએ, લ્યો, બોલો…!

પણ એમની દલીલ શી છે તે જાણવું જરૂરી છે, તો આગળ વાંચીએ…

ઢાલની બીજી બાજુ

                                                                                        –કિશોરચંદ્ર ઠક્કર

ચાર, પાંચ કે દસ બાળકો માટે જેમણે પણ અનુરોધ કર્યો છે તેઓ પોતે પણ જાણે છે કે બાળકોની સંખ્યા કોઇના ઉપદેશથી નક્કી નથી થતી, પરંતુ સમાજમાં થતા આર્થિક ફેરફારો આ સંખ્યા નક્કી કરે છે. આ લોકોનો હેતુ પોતાના વક્તવ્યથી માત્ર ઉશ્કેરાટ અને ધ્રુવીકરણનો જ છે. વસ્તીશાસ્ત્રના અભ્યાસીઓ પણ માને છે કે મર્યાદિત કુટુંબ એ આર્થિક વ્યવસ્થાનું એક પરિણામ છે. આના માટે હવે કોઇ સરકારે કે સામાજિક સંસ્થાએ પ્રચાર કરવાની જરૂર નથી. આપણે પણ જોઇ રહ્યા છીએ કે. હિંદુ સવર્ણોમા બે બાળકો સ્વીકારનારાની અત્યારે ત્રીજી પેઢી 10 થી 20 વર્ષની ઉંમરની થઇ ગઇ છે. આર્થિક અને સામાજિક રીતે પછાત, એવા વર્ગોમાં પણ પરિવાર નાનો રાખવાનું વલણ વધતું જાય છે. સમાજમાં માત્ર એક બાળકથી જ સંતુષ્ટ રહેનારની સંખ્યા વધતી જાય છે. આના માટે પહેલાની માફક સરકારે કોઇ પણ પ્રકારનો પ્રચાર કરવાની પણ જરૂર પડી નથી. પરંતુ અહીં હું કોઈ ‘મહારાજો’ કે ‘સાધ્વીઓ’ના ઇરાદા સાથે સહેજ પણ સંમત થયા વગર મારું મંતવ્ય રજુ કરું છું કે કુટુંબમાં માત્ર એક કે બે બાળકો રાખવાનાં વિપરીત પરિણામો પણ આવશે અને ક્વચિત આવવા લાગ્યાં પણ છે. થોડાં વર્ષો પહેલાં એક પ્રખ્યાત કે કુખ્યાત કોમી સંગઠનમાં સભ્યોની સંખ્યા ઘટવા લાગી હતી. તેનું કારણ આપતાં એ વખતના એના મુખ્ય સંચાલકે ટ્યુશન અને ટીવીને જવાબદાર ગણ્યાં હતાં. એની પ્રતિકૃતિ રૂપ કોમી સંગઠનો બાળકોની સંખ્યા ન ઘટાડવા માટે ધર્મની દુહાઈ દેતાં રહ્યાં છે.

પરંતુ આ ટ્યુશન એટલે કે શિક્ષણમાં વધારે સમય આપવો. ઔપચારિક શિક્ષણમાં માબાપ સંતાનોનો ખૂબ સમય લે છે. આ માત્ર માબાપની જાગૃતિના કારણે જ નહીં પણ ઓછી સંખ્યામાં બાળકો હોવાને કારણે બન્યુ છે. વાલીઓ ફક્ત ઔપચારિક શિક્ષણ (એટલે કે જે તે પરીક્ષામાં વધુ ટકા આવે) માટે જ બાળકો પર ધ્યાન આપતાં હોવાથી અન્ય પ્રવૃત્તિમાં ભાગ લેવાનું વલણ ઘટતું જાય છે. આથી બીજી સંસ્થાઓને પણ સભ્યોનો ઘટશે પુરવઠો મળશે. વળી જો ઘરમાં વધારે બાળકો હોય તો બાળકોને રમવા કે ઝઘડવા માટે બીજું બાળક સહજ મળી રહે છે. બાળકો માટેના માનસશાસ્ત્રીઓ શું માને છે એની મને જાણ નથી, પરંતુ હું એમ માનું છુ કે બાળકે થોડું ઝઘડવું પણ જોઇએ. સમાજમાં આગળ ઉપર તેણે સંઘર્ષો પણ કરવાના હોય છે. બાળકોની વધુ સંખ્યાને કારણે આ તાલીમ સહજ મળી જાય છે.

આ ઉપરાંત બાળકોની મર્યાદિત સંખ્યાને કારણે માતાપિતા બાળકની વધુપડતી કાળજી રાખે છે. બાળક સતત પોતાની આંખ હેઠળ રહે તેમ ઇચ્છે છે. તેમને કાયમ એ ચિંતા સતાવતી હોય છે કે મારા બાળકને કંઇ થઇ તો નહીં જાય ને?આને કારણે સહેજ પણ જોખમી જગ્યાએ જવા ઉપર પ્રતિબંધ મૂકે છે. આજે 15 થી 20 વર્ષનાં કેટલાં બાળકો ઝાડ પર ચઢી શકતાં હશે? કદાચ કોઇને સ્નાનાગારની તાલીમને કારણે તરતા આવડતું હોય તો પણ ઉંડા કુવામાં ભૂસકો મારવાનું જોખમ કેટલા છોકરાઓ લઇ શકશે? આમ, વધુપડતી વાલીગીરી (overparenting)ને કારણે બાળકોમાં સાહસનું પ્રમાણ ઘટશે. લોકો બોલવા માટે ભલે બોલતા હોય કે એક બાળક હોય કે દસ બાળકો, માબાપને તો બધાં જ સરખાં. પરંતુ વાસ્તવિકતા જુદી જ છે. દસ બાળકોના વાલીના પ્રત્યેક બાળક કરતાં એક જ બાળકના માતાપિતા તેને વધારે મૂલ્યવાન માને છે અને તેની સવિશેષ કાળજી રાખે છે. ઘણા કુટુંબોમાં બાળકો સ્વતંત્ર રીતે ભણતાં તો નથી પરંતુ સ્વતંત્ર રીતે જમતાં પણ નથી. પાંચમા કે છઠ્ઠા ધોરણમાં ભણતાં બાળકોને માતા પોતાના હાથમાં કોળિયો લઇને બાળકનાં મોઢામાં મૂકતી હોય એ દૃશ્ય વિરલ નથી. બાળકોની વધુમાં વધુ ઇચ્છાઓની પૂર્તિ કરવાનું વલણ એક કે બે બાળક હોવાને કારણે ખૂબ વધ્યું છે. પોતાને ઇચ્છિત વસ્તુ માટે વધારે પડતી જિદ કરવાનુ સામાન્ય થઇ ગયું છે. માતાપિતા પણ ભાગ્યે જ એમની જિદ પૂરી કરવાનું ટાળે છે. પરિણામે બાળક વધારેપડતું જિદ્દી બની જાય છે. કોઇ વખત જિદ પૂરી ન થવાને કારણે ખૂબ અનિચ્છનીય પરિણામ આવે છે. માબાપ પણ આથી સતત ચિંતિત રહે છે. મારા મતે આના પરિણામે બાળકોના મનમા એ વાત દૃઢ થઇ જાય છે કે માતા પિતાએ આપણને આપવાનું જ હોય જેની અસર તેમની મોટી ઉંમરે પણ દેખાય છે અને માબાપે તેમને હજુ પણ(ધન સંપત્તિ વગેરે) આપવું જ જોઇએ; આપણી કંઇ ફરજ રહેતી નથી, એ ખ્યાલ સ્થાપિત થાય છે

બીજી પણ માઠી સામાજિક અસર ઓછાં બાળકોના કારણે શરૂ થઇ ગઇ છે. માતાપિતાનું આયુષ્ય વર્તમાન સમયમાં વધ્યું છે તે હકીકત છે. માતાપિતાનુ લાંબું આયુષ્ય અને સંતાનની ઓછી સંખ્યાને કારણે. વૃદ્ધાવસ્થામાં માબાપની કાળજી લેવાનું કામ કઠિન બનતું જાય છે. નવી આર્થિક વ્યવસ્થાના કારણે ઊભી થયેલી ધંધા-નોકરીની હરીફાઇને લીધે આ કામ ક્વચિત અશક્ય પણ બન્યુ છે. વધુમાં વૃદ્ધાશ્રમને જોઇએ એવી સામાજિક સ્વીકૃતિ પણ મળી નથી. આથી વૃદ્ધાવસ્થા ખૂબ પીડાકારક બની છે. ભલે એ વાત સાચી છે કે ત્રણ કે ચાર સંતાનોનાં માબાપ પણ ઘરડાઘરમાં રહેતાં હોય છે. પરંતુ અહીં મારો મુદ્દો એ છે કે જો સંતાન માત્ર એક જ હોય તો તેને માટે માતાપિતાની દેખરેખ રાખવાનું પ્રમાણમાં વધારે મુશ્કેલ બને છે. ફરીથી હું ભારપૂર્વક કહેવા માગું છું કે મારો હેતુ વધુમાં વધુ બાળકોની હિમાયતનો નથી. પરંતુ મર્યાદિત કુટુંબના કારણે પણ પ્રશ્નો ઉભા થયા છે અને થવાના પણ છે, એ પણ આપણા ખ્યાલમાં રહેવું જોઇએ.

તમે શું કહો છો?

0-0-0

વેબગુર્જરી પરઃ http://webgurjari.in/2015/03/30/maari-baari-37-other-side-of-the-coin/

2 thoughts on “Only two children? the other side of the coin”

  1. અરે ભલા માણસ !!!! એક બાળક હશે અને ભવિષ્ય માટે જો કોઈ બચત નહીં કરી હોય તો એ એક બાળકવાળા માબાપને સાચવવાનુંયે એ દીકરાને ભારે પડશે….!!!!???? (અને દીકરી હોય તો….) તો જો ૨-૪ કે ૧૦ બાળકો હશે તો તેમની સારસંભાળ પછી, માબાપ ભવિષ્ય માટે બહુ મોટી રકમ બચાવી શકશે, તેમ તમે માનો છો….??? તમે જ લખ્યું છે, “ઢાલની બીજી બાજુ” કે પછી “સિક્કાની બીજી બાજુ”, જે કહો તે. વધારે દીકરાઓ હોય તે માબાપ વધારે સુખી રહેશે? છોકરાઓ “બાગબાનીઃ નહીં કરે???? માબાપ પાસે બહુ મોટી રકમ કે ઘર હશે અને જો એક છોકરો હશે કે વધારે, પણ કપાતર નીકળશે તો એઓતો માબાપની આંખ મીચાવાનીજ રાહ જોશે…

    હા, ભવિષ્યમાં, એકજ સંતાન હશે તેને કોઈ ભાઈ-બહેન નહીં હોય એથી પણ આગળ વધીએ તો , તેના સંતાનોને કોઈ કાકા-કાકી, ફઈ-ફુવા, માસી-માસા, મામા-મામી…નહીં હોય…. કુટુંબ ભાવના પણ ખતમ થઈ જઈ શકે છે….પણ આજના જમાનામાં એકજ કે પછી વધારેમાં વધારે બહુ તો બેથી(છોકરો હોય કે છોકરી) વધારે તો નહીંજ હોવા જોઈએ….

  2. લેખકે કહ્યું જ છે કે તેઓવાધારે બાળકોની હિમાયત નથી કરત પરંતુ એક બાળક હોવા થી ઉત્પન્ન સામાજિક પરિસ્થિતિ ની ચર્ચા કરે છે. જે મુદ્દા ઉભા કર્યા છે તે તદ્દન ખરા છે અને સમાજ શાસ્ત્રીઓ ઉપરાંત સમાજ સેવી સંસ્થાઓ એ તેના ઉપાય વિશે વિચારવું જોઈએ. જેમ વિદેશ માં રહેતા ભારતીયો ( કે ગુજરાતીઓ) માતૃભાષા શીખવવા માટે વર્ગો ચલાવે છે તેમ એક માત્ર બાળક નું માનસિક ઘડતર કરવા માટે સામાજિક કાર્યક્રમ કાળેક્રમે ઉભો થશે તેમ વિચારીએ. જેમકે કુટુંબ ના પિત્રાઈ ભાઈ બહેનો ને વારંવાર મેળવી ને સગા ભાઈ બહેન જેવો ભાવ પેદા કરવો વગેરે. આ તો એક ઉદાહરણ. પણ સમાજે ચિંતા કરવી તો જોઈએ- વધુ બાળકો ની ભલામણ કાર્ય વિના.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: