Akhiri Sabaq: An Urdu story

http://webgurjari.in/2015/03/29/all-time-best-short-urdu-stories-from-pakistan_4/

 પાકિસ્તાન કી સર્વશ્રેષ્ઠ ઉર્દૂ કહાનિયાં – આખ઼િરી સબક઼

 -સલીમ અખ઼્તર

લેખકનો પરિચયઃ

જન્મ ૧૯૪૬, લાહોર. લગભગ ૧૫ વાર્તાસંગ્રહો અને લગભગ ૨૦ સમીક્ષા વિષયક પુસ્તકો. નવેમ્બર ૨૦૧૪માં એમને ‘મજલિસ-એ-ફરોગ઼-એ ઉર્દૂ’ ઍવૉર્ડ આપવામાં આવ્યો. દર વર્ષે આ ઍવૉર્ડ એક ભારતીય અને એક પાકિસ્તાની લેખકને આપવામાં આવે છે.

૦-૦-૦

આભારઃ

આ વાર્તાનો અનુવાદ કરવાની સહર્ષ પરવાનગી આપવા બદલ પ્રકાશક – સાક્ષી પ્રકાશન,એસ. ૧૬. નવીન શાહદરા, દિલ્હી, ૧૧૦૦૯૫ નો આભાર.

પ્રકાશકનો સંપર્કઃ

ઑફિસઃ +૯૧ ૧૧-૨૨૩૨-૪૮૩૩|મોબાઇલઃ +૯૧ ૯૮૧૦૪૬૧૪૧૨|ઇ-મેઇલઃ goelbooks@rediffmail.com .

પુસ્તક સંબંધી વિવરણઃ

‘પાકિસ્તાન કી સર્વશ્રેષ્ઠ ઉર્દૂ કહાનિયાં’

(ભાગ ૧) ISBN-81-86265-23-6 (કિંમતઃ રૂ. ૧૨૫) |(ભાગ ૨) ISBN-8186265-42-2 (કિંમતઃ રૂ. ૧૨૫)

સંપાદકઃ નંદકિશોર વિક્રમ

પ્રકાશનઃ ૨૦૦૯ (c) પ્રકાશક

 

આખ઼િરી સબક઼

-સલીમ અખ઼્તર

 

માએ વરંડામાં બે ડગલાં આગળ વધીને પાછળ નજર નાખી તો એ ઊંબર પાસે જ ઊભો રહ્યો હતો.

“અરે, આવ ને, ત્યાં શું ઊભો રહ્યો છે?”

હામિદે વરંડામાં બેઠેલાં છોકરાછોકરીઓને જોયાં. બધાં ચોપડીમાંથી નજર હટાવીને એને જોતાં હતાં. એની છાતી ધડકવા લાગી. પગને જાણે ઊંબરાએ ઝકડી લીધા.

હામિદે દયા માગતો હોય તેમ મા સામે જોયું અને પછી છોકરાંઓ સામે જોયું. એ બધાં હસતાં હતાં. હવે એની નજર ઉસ્તાની (શિક્ષિકા) પર ગઈ. પહોળા ખભા અને માંસલ હાથવાળી, ઊંચી-પહોળી ઉસ્તાનીને જોઈને તો એના હોશ ઊડી ગયા.

“ બહુ શરમાળ છે, મારો હામિદ” માએ એનો બચાવ કરવાની કોશીશ કરી.

માએ હવે વહાલથી, પણ લગભગ બળજબરીથી એને અંદર ખેંચીને ઉસ્તાની સામે હાજર કરી દીધો. એના ગાલ ગરમ થઈ ગયા હતા અને ચહેરો લાલ. પાછળ હસતાં છોકરાંનો અવાજ એની પીઠમાં કાંટાની જેમ ભોંકાતો હતો. આમ તો એ લાંબો હતો પણ એને પોતે વામણો હોય એમ લાગતું હતું. ઉસ્તાનીની કરડી નજરે છોકરાંઓનાં હાસ્યને તો બંધ કરી દીધું, પણ હજી એનો અપરાધભાવ ઓછો નહોતો થતો.

“ સાચ્ચે જ, બહુ શરમાળ છે” ઉસ્તાનીએ કહ્યું. એ હવે તો વધારે શરમાઈ ગયો. ત્યાં તો માએ ગર્વ સાથે કહ્યું: “હા, મારો દીકરો સાત દીકરીઓ જેવો એક છે.” પછી તો પૂછવું જ શું? પાછળ છોકરાંઓ માંડ હસવું રોકી શક્યાં. ફરી ઉસ્તાનીએ એમની સામે ઘૂરકિયું કર્યું ને બધી ખુસરપુસર બંધ થઈ ગઈ.

“ રહેવા દો…” ઉસ્તાની બોલી, “હજી નવું નવું છે ને, એટલે ડરે છે…” એણે ઉસ્તાનીના ચહેરા પર પહેલી વાર નજર માંડી. એ મરકતી હતી. હવે એના જીવમાં જીવ આવ્યો.

આમ તો વાંક હામિદ મિયાંનો નહોતો. મા દુનિયાથી ડરતી હતી, એટલે હામિદ મિયાંને કાયમ પોતાના પાલવમાં ઢાંકીને રાખતી હતી. એ કદી બહાર શેરીમાં બીજાં છોકરાંઓ સાથે રમવા પણ નહોતો નીકળ્યો. એનો બધો વખત ઘરમાં જ માસીઓ, કાકીઓ અને ફઈઓ વચ્ચે પસાર થતો હતો. એને માના કામમાં પણ મઝા આવતી, મસાલા વાટવા એ તો એનું મનગમતું કામ હતું. માની બહેનપણીઓ આવતી તો એ હથેળીમાં હડપચી ટકાવીને એમની વાતો સાંભળ્યા કરતો. એમની વાતોમાં એમના પતિઓ હોય, પાડોશીઓ હોય, કંઈક સમજતો, ઘણું ન સમજતો. પણ એને મઝા આવતી. ત્યાં વળી કોઈની નજર એના પર પડી જાયઃ “અરે, જો ને, તારો દીકરો કેવો બધું ધ્યાનથી સાંભળે છે !” બધી સ્ત્રીઓ હસી પડે અને મા કહે, “હામિદ બેટા..” પછી મોટેથી ચુમકારે…બસ એનો અર્થ એ કે એની સ્વર્ગમાંથી હકાલપટ્ટી થાય છે.

પછી એણે ઝ઼નાના વાતો છુપાઈને સાંભળવાનું શરૂ કરી દીધું. અડધુંપડધું કાને પડે. બધી તો ખબર ન જ પડે. પણ એને સમજાયું કે સામે બેસીને સાંભળવા કરતાં આમ ચોરીછૂપીથી સાંભળવાનો રસ તો અદ્‍ભુત હતો.

એક દિવસ ઓચિંતું જ એને લાગ્યું કે એનું કદ વધી ગયું છે અને એને બધી વાતો સમજાવા લાગી છે. એ રાતે એ સપનામાં રોતો રહ્યો. સવાર ઊઠીને એણે મસાલો વાટવાની ના પાડી ત્યારે માને સમજાયું કે દીકરો મોટો થઈ ગયો છે. હવે એને ભણવા બેસાડવો જોઈએ અને એના માટે ઉસ્તાનીના ઘર કરતાં વધારે સારી સ્કૂલ ક્યાં મળવાની હતી !

આખું ફળિયું ઉસ્તાનીજીને આપાજી અશરફ઼ તરીકે ઓળખતું હતું. બીચારી ગરીબની જોરુ હતી, આઠમી પાસ હતી. ફળિયાની બીજી સ્ત્રીઓ તો આઠમી ફેઇલ પણ નહોતી એટલે ઉસ્તાની સૌની સલાહકાર હતી. ઉંમર તો ખાસ નહોતી, તો પણ આખા મહોલ્લાના કુંવારા-કુવારી, નવી વહુવારુઓ, સાસુઓ, શોક્યો વગેરે એની પાસે આવીને પોતાની રામકહાણી કહી જતાં. આપા અશરફ બધાંની વાતો સાંભળીને ખરેખર સ્વભાવે પ્રૌઢા બની ચૂકી હતી. વળી, એની પાસે સૌનાં રહસ્યો સંઘરાયેલાં હતાં. કોઈ માથા સાથે માથું અથડાય એમ એની પાસે બેસીને હોઠ ફફડાવતી હોય તો જરૂર કોઈ કુથલી કથા જ હોય. ખ઼ુદાની મહેરથી, મહોલ્લો પણ એવો ભાગ્યશાળી હતો ને મહિલાઓ પણ એવી સદાચારી હતી કે આવાં રહસ્યોની કદી ખોટ નહોતી. પરંતુ આપા અશરફની ખૂબી એ હતી કે એ બધી વાતો પચાવી જતી. એના મોઢેથી કોઈ વાત બહાર ન નીકળી જતી. બધાંનાં રહસ્યો એના પટારામાં હતાં પણ એનું પોતાનું રહસ્ય કોઈ પાસે નહોતું. સૌનાં રહસ્યોની રખેવાળ તરીકે એનું માન હતું અને સ્ત્રીઓ એની કદર રૂપે પોતાનાં બાળકોને એની સ્કૂલમાં ભણવા મોકલતી એટલું જ નહીં, વાર-તે’વારે કંઈ સારું રાંધ્યું હોય તો એને ઘરે વાટકી જરૂર પહોંચતી. શાદી જેવા પ્રસંગે તો કપડાંની જોડ પણ મળતી.

છોકરાંઓમાં પણ એની લોકપ્રિયતા ઓછી નહોતી. જે હામિદ માનાં કામોમાં મઝા લેતો તે હવે બદલાઈ ગયો હતો. પહેલાં એને મસાલા વાટવામાં કે કપડાં સુકવવામાં એક વિચિત્ર આનંદ મળતો, પણ હવે એનો જવાબ રહેતો, “અમ્મી, જોતી નથી, હું આપાજીનું કામ કરું છું !” ઉસ્તાનીનાં કામોમાં હવે એને વધારે મઝા આવતી હતી. સ્કૂલ બંધ થાય, બધાં બાળકો ઘરે જાય, પણ હામિદ ઘરે જવાનું નામ ન લે. બજારમાંથી કંઈ લાવવું હોય, રસોડામાં ડબ્બા ગોઠવવા હોય, મસાલો વાટવો હોય, ઓશીકાંની ખોળો બદલવી હોય, હામિદ બધાં કામો દોડીદોડીને કરી આપે. સાંજે ઉસ્તાની થાકીને પલંગ પર આડી પડે ત્યારે હામિદ પોલા હાથે એનું માથું દબાવી આપે; આંગળીઓ બહાર તરફ ફેલાવીને હથેળીને સખત બનાવે અને પગચંપી કરી આપે.

હામિદ આપાજી પર તો ફિદા હતો, પણ આપાજીના મિયાં એને જરાયે ગમતા નહોતા. એનું મન બન્ને પતિપત્નીની તુલના કર્યા કરતું. ઉસ્તાનીનો ચહેરો ગોળમટોળ અને એના પતિનો ચહેરો લંબચોરસ. ઉસ્તાનીના ચહેરા પર લાવણ્ય ઝળકતું હતું, તો મિયાંનો શીતળાના ગોબાવાળો ચહેરો જોતાં જ હામિદને ચટણી વાટવાનો પથ્થર યાદ આવતો. ઉસ્તાની હસતી તો એના ગાલોમાં ખંજન જોઈને હામિદ ધરાતો નહીં, પણ એમના પતિના ચહેરા પર બે દિવસની દાઢી જોઈને એને લાગતું કે ચહેરા પર કીડીઓ ફરે છે. ઉસ્તાની મલકાતી તો એના ચમકતા દાંતની હાર દેખાતી, જ્યારે મિયાં મોઢું ખોલીને ઊધરસ ખાતા ત્યારે એમના પીળા દાંતની પાછળ ગળફાનું ઝાળું દેખાતું.

એક દિવસ ઉસ્તાનીના લાંબા ખુલ્લા વાળ જોઈને હામિદે કહ્યું, “આપાજી તેલ લગાડી દઉં?”

ઉસ્તાની હસીને બોલી, “તું તેલ લગાડી દઈશ?” પછી હામિદે હથેળીમાં તેલ લીધું અને આપાજીના વાળને સેંથીથી બે ભાગમાં વહેંચીને તેલ ઘસવા લાગ્યો. એના નરમ નરમ હાથ માથામાં ફરતા હતા તે આપાજીને પણ બહુ ગમ્યું. આંખો ભારે થવા લાગી. નશા જેવું લાગતું હતું. હામિદને પણ સમજાઈ ગયું કે ઉસ્તાનીને મઝા આવે છે. એને મનમાં ઉત્સાહ આવ્યો કે આખી શીશીનું ટીપેટીપું તેલ આપાજીના માથામાં ઉતારી જ દઉં.

એક રાતે એને સપનું આવ્યું કે એ કોઈના માથામાં તેલ ઘસે છે. માથું કોનું છે તે ખબર ન પડી, પણ જેમ જેમ એ તેલ ઘસતો જાય તેમ તેમ વાળ સાપોલિયાં બનતા જાય. એને ડર તો લાગ્યો પણ મનમાં થયું કે એ જેમ તેલ વધારે લગાડશે તેમ સાપ મરતા જશે. એટલે એ ફરી શીશી ઉપાડે છે પણ એ એક હવા ભરેલી કાગળની કોથળી હતી અને હાથ અડકતાં જ એ ફાટી જાય છે. એની આંખ ખૂલી ગઈ.

એક વાર એની સપનાની દુનિયા જ ખરેખર તૂટી ગઈ. આપાજીએ કહી દીધું કે એ જેટલું શીખવી શકે એટલું હામિદે શીખી લીધું હતું, એટલે હવે એને સ્કૂલમાં મોકલવો જોઇએ. હામિદની માએ એને સ્કૂલમાં દાખલ કરી દીધો. સ્કૂલમાં એ બીજું કંઇ શીખ્યો હોય કે નહીં પણ જોરાવર છોકરાઓ અને માસ્તરોથી ડરતાં તો શીખી ગયો હતો.

પરંતુ આપાજીને ઘરે જવાનો ક્રમ પણ ચાલુ રહ્યો. મસાલા વાટવા કે વાળમાં તેલ નાખવા નહીં, બસ, સલામ કરવા જતો. સ્કૂલમાં તો બધાંથી ડરીને રહેવું પડતું, ઉસ્તાનીને ઘરે એને લાગતું કે એ સહીસલામત જગ્યાએ પહોંચી ગયો છે. અહીં બેસીને એ સ્કૂલમાં મળેલું કામ કરતો અને શિક્ષકો અને વિદ્યાર્થીઓની વાતો કરતો. આમ બન્નેના પ્રયાસ વિના જ એમના વચ્ચે એક નવા પ્રકારના સંબંધો બની ગયા હતા. ઉસ્તાની પણ રસપૂર્વક એની વાતો સાંભળતી અને સલાહો આપતી. એ સાંભળતો રહેતો. ફળિયાની સ્ત્રીઓની બકબક અને છોકરાંઓ સાથેની લમણાઝીંક પછી એને પણ હામિદ સાથે વાતો કરવાનું ગમતું. એ પણ ઘણી વાતો કરતી. પતિની બીમારીની વાતો, કપડાંની વાતો…

હામિદ માટે દિવસે ઉસ્તાનીની દોસ્તી કરવાનું શક્ય બન્યું હતું, તે સાથે જ રાતે સપનાંથી છૂટકારો મેળવવાનું એટલું જ મુશ્કેલ બની ગયું હતું.

ફરી એની માએ એને સુંદર સપનામાંથી જગાડી દીધો. એને લાગ્યું કે હામિદ હવે મોટો થઈ ગયો. હવે ઘરમાં વહુ લાવવી જોઈએ. હવે તો નોકરીએ પણ લાગી ગયો છે. દુનિયાની કોઈ તાકાત એને શાદી કરતાં રોકી શકે એમ નથી. ઉસ્તાનીજીએ તો એક છોકરી દેખાડી પણ ખરી. હામિદે કાગારોળ મચાવી. હજી તો હું મૅટ્રિક જ થયો છું અને સામાન્ય ક્લાર્ક છું. મારી ઉંમર પણ હજી શું છે? બસ ઓગણીસ વરસ. કોઈએ એને ગણકાર્યો નહીં. બધું સપના જેમ બનતું ગયું. મેંદીની રસમ. તેલની રસમ, મૌલવી સાહેબના મોઢે મુકદ્દસ (પવિત્ર) કલિમાત (મંત્રો), ખાના વાપસી (વળતું જમણ) અને પછી એક બંધ કમરામાં એક અજનબી સ્ત્રી. લાલ વસ્ત્રો, મેંદીરંગ્યા હાથ, માથા પર સેંથામાં સોનાની સેરમાં લટકતું ઝૂમણું. અને…અને એ રોતી હતી. હામિદનો તો રોવાનો વારો પણ ન આવ્યો.

લગ્નનું સોહામણું સપનું એ રીતે ફળ્યું કે દુલ્હન ગઈ તે પાછી જ ન આવી. બૈરાં મંડળસક્રિય થઈ ગયું. સૌથી વધારે ચિંતા તો ઉસ્તાનીજીને હતી. એ હામિદની માને મળી, દુલ્હનની માને મળી. આખરે છોકરી પસંદ પણ એણે જ કરી હતી. કોકડું ઊકેલવું કેમ? એક છેડો તો હાથ આવે !

હામિદ હવે સવારના પો’રમાં જ ઑફિસે નીકળી જતો તે રાત પડ્યે પાછો આવતો. આપાજીને પણ મળ્યો નહોતો.

એક દિવસ ઑફિસમાં મનમાં બહુ ઉચાટ થયો તો એ રજા લઈને ઘર તરફ નીકળી પડ્યો પણ બસ સ્ટૉપ પર જ બેઠો રહ્યો અને લોકોની અવરજવર જોતો રહ્યો. દીવાલો પર લાગેલાં પોસ્ટરો વાંચ્યાં અને પછી કોઈ ફિલ્મ જોવા સિનેમા હૉલમાં ઘૂસી ગયો. છેવટે એ ઘર તરફ પાછો ફર્યો. પણ કોણ જાણે કેમ, એને ખબર પણ ન પડી કે એ ઉસ્તાનીને ઘરે પહોંચી ગયો હતો. છોકરાંઓ તો ભણીને નીકળી ગયાં હતાં પણ ફાટેલી જાજમ હજી સંકેલાઈ નહોતી. ઉસ્તાની વરંડામાં જ ચૂલે બેઠી હતી. એ થોડી વાર કશું પણ બોલ્યા વગર જોતો રહ્યો, પછી અચાનક જાજમ સંકેલવા લાગ્યો. ઉસ્તાની જી જોતી રહી પણ ચુપ જ રહી. એને રોક્યો પણ નહી. એ રોજ જ્યાં જાજમ રહેતી ત્યાં મૂકી આવ્યો અને પછી ઉસ્તાનીની સામે આવીને ગોઠવાઈ ગયો. આપાજી એને કંઈક કહેવા, કંઈક પૂછવા માગતી હતી, પણ હામિદના ચહેરા પરના ભાવ જોઈને એ કશું જ ન બોલી. હામિદે બોલવા માટે હોઠ તો ઉઘાડ્યા પણ શબ્દ ન નીકળ્યો. માત્ર હડપચી કાંપતી હતી. બીજી જ ક્ષણે એ ઉસ્તાનીના ઘૂંટણો પર માથું ઢાળીને હીબકાં લેવા લાગ્યો. એનું આખું શરીર હીબકાંને કારણે ધ્રૂજતું હતું. ઉસ્તાની એની પીઠ પસવારતી રહી.ધીમે ધીમે એ શાંત થઈ ગયો. હજી કોરાં ડૂસકાં તો ભરતો જ હતો. પછી તદ્દન શાંત થઈ ગયો પણ ઉસ્તાનીના ઘૂંટણ હજી એણે છોડ્યા નહોતા. ઉસ્તાનીની સલવાર એનાં આંસુઓથી પલળી ગઈ હતી.

ઉસ્તાની મૌન હતી. લાંબા સમય સુધી મૌન રહ્યા પછી એણે હામિદને બાવડેથી પકડીને ઊભો કર્યો અને અંદર કમરામાં લઈ ગઈ.

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: