Aandhli Bhakti, Aandhala Vicharo

વેબગુર્જરી પર મારો નવો લેખ ‘મારી બારી (૨૯) શીર્ષક હેઠળ પ્રકાશિત થયો છે. લેખનું શીર્ષક છેઃ આંધળી ભક્તિ, આંધળા વિચારો.

લિંકઃ http://webgurjari.in/2014/11/25/maari-baari-29/

હરિયાણાના હિસારમાં ‘સંત’ રામપાલ અંતે અદાલતની કસ્ટડીમાં પહોંચી ગયો છે. ૨૦૦૬ના એક ખૂન કેસમાં એની ધરપકડ કરવાની હતી અને રાજ્ય સરકાર ટાળતી રહી હતી. છેવટે, પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના કડક આદેશ પછી ભારે પોલીસ દળ મોકલવું પડ્યું. એના ભક્તો આશ્રમમાં અડ્ડો જમાવીને બેઠા હતા અને એની ધરપકડમાં આડે આવતા હતા. દરમિયાન આશ્રમમાંથી પાંચ સ્ત્રીઓ અને એક બાળક મૃત અવસ્થામાં મળી આવ્યાં છે.

ભક્તો તો રામપાલને ભગવાનનો અવતાર માને છે અને એની સામે થયેલી કાર્યવાહી પછી પણ એમની શ્રદ્ધા ઓછી થાય કે એમની આંખ ખૂલી જાય એવી શક્યતા નથી. આપણે જે મહાન દેશની છાસવારે પ્રશંસા કરતાં થાકતા નથી, એ દેશની પ્રજા આવી કેમ છે, કે જે સામે આવ્યો તેનાં ચરણ પખાળવા મંડી જાય? આપણે જ્યારે આપણા ભવ્ય ભૂતકાળની વાત કરીએ છીએ ત્યારે માત્ર આપણી આધ્યાત્મિક સિદ્ધિઓ વિશે જ નહીં, વૈજ્ઞાનિક સિદ્ધિઓના દાવા પણ કરીએ છીએ. વૈજ્ઞાનિક સફળતાઓ અંધ ભક્તિથી ન મળે. સવાલ એ છે કે આપણે હંમેશાં આવા જ અંધ ભક્ત અને મૂર્ખ હતા કે પાછળના કોઈ સમયમાં બની ગયા?

આજે આવા બધા બાબાઓના આશ્રમો ચાલે છે અને એમાં એમની સાર્વભૌમ સત્તા છે. આ દેશનો કોઈ પણ કાયદો ઉદ્દંડતાથી તોડતાં આ બાબાઓ અચકાતા પણ નથી હોતા. કોઈ સેક્સ સ્કૅન્ડલમાં સપડાયા છે, તો કોઈ હત્યાઓમાં. પરંતુ ભક્તોની સંખ્યા ઘટતી હોવાનું જણાતું નથી. આપણે હજી નવા જમાનામાં પ્રવેશ્યા નથી. હજી સામંતવાદી વલણોમાંથી બહાર નથી આવ્યા. રાજા બધું કરી શકે. રાજાના બધા ગુના માફ. હવે રાજા ન રહ્યા તો બાબાઓ આવ્યા છે. એમના માટે લોકો પોતાના પ્રાણની પણ કુરબાની દેવા તૈયાર હોય છે.

આ દેખાડે છે કે આપણી પ્રજામાં સાચું-ખોટું સમજવાની ક્ષમતા નથી. આનો અર્થ એ જ છે કે આપણે પોતાની જ કહેવાતી સિદ્ધિઓ માટે પોતાની જ પીઠ થાબડતા રહેવાનું પસંદ કરીએ છીએ. આનો અર્થ એ પણ કે આપણામાં તટસ્થ વિશ્લેષણ કરવાની વૃત્તિ પણ નથી. જેવી આપણી આંધળી ભક્તિ છે, તેવા જ આંધળા વિચાર છે.

રામપાલ જેવો જ બીજો એક સંપ્રદાય છે, સચખંડ. હાલમાં એનું એક મૅગેઝિન વાંચવા મળ્યું. એક ભક્તે લખ્યું હતું કે ૧૯૮૪માં ૩૧મી ઑક્ટોબરે દિલ્હીમાં શીખવિરોધી રમખાણો થયાં તેમાંથી ગુરુજીએ એને બચાવી લીધો. કઈ રીતે? ગુરુજીએ એને ઇંદિરા ગાંધીની હત્યાથી પણ પહેલાં કહી દીધું કે ૩૧મીની સવારે એણે દિલ્હી છોડી દેવાનું રહેશે.. આ ભક્તસાહેબ દિલ્હીથી ગયા તે પછી ઇંદિરા ગાંધીની હત્યા થઈ અને રમખાણો શરૂ થઈ ગયાં. ગુરુજીની આગમવાણીથી ભક્તસાહેબ બચી ગયા. ગુરુજીના ચમત્કારથી તેઓ બહુ પ્રભાવિત થયા. પરંતુ એમને એ વિચાર ન આવ્યો કે આ ગુરુજીએ ઇંદિરા ગાંધીની હત્યા કેમ ન રોકી? બીજા શીખો એમના દુશ્મન હતા કે એ સૌને મરવા દીધા? પણ બસ, હું બચી ગયો એટલે ગુરુજી મહાન.

જ્યાં સુધી આપણે આસ્થાને માર્ગે જ સમસ્યાઓનાં સમાધાન શોધતાં રહેશું ત્યાં સુધી બાબાઓની જમાત મોટી ને મોટી થતી રહેશે. પાકિસ્તાનમાં પણ આવા બનાવો બને છે. પાકિસ્તાનના ગુજરાતમાં શાહ દૌલાની મઝાર પર રોજ દુઃખોમાંથી મુક્તિ ઝંખતા લોકોની ભીડ જામે છે. સ્ત્રીઓ સંતાન પ્રાપ્તિ માટે આવે છે, પણ જ્યારે એમને ગર્ભ રહે ત્યારે પહેલું સંતાન ‘ઉંદર- બાળ’ હશે. એટલે કે એ વિકલાંગ હશે. આ બાળક એમણે મઝારને આપી દેવાનું હોય છે. ભક્તો પહેલું બાળક સ્વસ્થ હોય તો પણ એને ઉંદરબાળ માને છે અને મઝારને આપી દે છે. એને ત્યાં વિકલાંગ બનાવી દેવાય છે અને એનો જુદી જુદી રીતે પૈસા કમાવા માટે ઉપયોગ થાય છે. ઇસ્લામમાં ચમત્કારોનો ઇન્કાર હોવા છતાં આવું ચાલ્યા કરે છે. બીજી બાજુ, આપણે તો ચમત્કારને બહુ સામાન્ય વાત માનીને ચાલીએ છીએ.

આમાં એક નવો વળાંક આવ્યો છે. આપણી બડાઈખોરી એટલી હદે પહોંચી છે કે આપણે કથાઓને – માઇથોલૉજીને – ભારતમાં વૈજ્ઞાનિક વિકાસનું ઉદાહરણ માનીએ છીએ. માઇથોલૉજી આપણી પરંપરાનો એક બહુ મહત્ત્વનો ભાગ છે. એના વિના ધર્મની વાતો સૂકી બની જશે. પરંતુ માઇથોલૉજી પોતે ધર્મ પણ નથી અને વિજ્ઞાન પણ નથી. હાલમાં જ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતમાં પ્લાસ્ટિક સર્જરી થતી હતી. સત્ય એ છે કે વડા પ્રધાન એમના જીવનમાં એટલા સક્રિય રહ્યા છે કે એમને આ વિષય પર અલગ વિચાર કરવાનો કદી સમય નહીં મળ્યો હોય એટલે એમનો અભિપ્રાય અહોભાવથી પીડિત સામાન્ય માણસના વિચારોના સ્તરે છે એ સ્પષ્ટ છે. ગણેશના માથાની જગ્યાએ હાથીનું માથું બેસાડવા માટે પ્લાસ્ટિક સર્જનો જોઈએ. આપણે વિજ્ઞાનની ભાષામાં બોલતાં એક મિથકમાંથી બીજા મિથકમાં કેવા સરકી પડીએ છીએ તેનું આ ઉદાહરણ છે. પહેલું મિથક તો માણસ પર હાથીનું માથું ગોઠવાયેલું હોય તે છે. બીજું મિથક એ છે કે આપણે ત્યાં પ્લાસ્ટિક સર્જનો હતા.પણ આવો તો કોઈ ઉલ્લેખ આપણાં પુરાણોમાં નથી મળતો. આ જ્યાં સુધી કથા હોય ત્યાં સુધી તો એનાં અર્થઘટનો કરી શકાય અને પ્રતીક તરીકે વાજબી પણ ઠેરવી શકાય. પણ એની સાથે ભક્તિભાવ જોડીને આપણે એને ધાર્મિક વાસ્તવિકતા આપીએ છીએ એટલું જ નહીં, પ્લાસ્ટિક સર્જરીની આખી પદ્ધતિ સમજ્યા વિના એનું અસ્તિત્વ પહેલાં હતું એમ કહેવું એ તો માઇથોલૉજીને વૈજ્ઞાનિક વાસ્તવિકતા આપવા જેવું છે.આમ છતાં ગુજરાતના રૅશનાલિસ્ટોએ વિનયપૂર્વક વડા પ્રધાનનું ધ્યાન ખેંચવાના પ્રયાસ પણ નથી કર્યા જણાતા.

વડા પ્રધાને ખરેખર વિજ્ઞાનની દિશામાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો હોત તો વાત સમજી શકાઈ હોત. ચરક અને સુશ્રુત, આર્યભટ્ટ, વરાહમિહિર, ભાસ્કર, બ્રહ્મગુપ્ત વગેરે આપણા વૈજ્ઞાનિકો હતા.શૂન્યની શોધ ભારતે કરી એ વાત આવી હોત તો બહુ સારું થાત. આ બધા વૈજ્ઞાનિકો વચ્ચે સદીઓ કેમ નીકળી ગઈ, દરેકની પાછળ એક પરંપરા કેમ ન બની, આ નામો માત્ર આપણી વિજ્ઞાનહીનતામાં અપવાદ તરીકે જ કેમ સામે આવે છે તે સમજવાનો તો આપણે પ્રયાસ પણ નથી કરતા. માઇથોલૉજીનો અર્થ બેસાડવાના પ્રયાસથી નવાં મિથકોનો જન્મ થાય છે. આપણી આસપાસ અનેક આવાં મિથકો બાબાઓના રૂપે ફેલાયેલાં છે. આપણે એમને સાચા અર્થમાં સમજી શકીએ તો એમના પ્રભાવોમાંથી મુક્ત પણ થઈ શકીએ. પરંતુ, અફસોસ, આપણને મિથકોને સત્ય માનવાની ટેવ છે.

આપણી ભક્તિ જેમ આપણા વિચારો પણ આંધળા છે. માઇથોલૉજીમાંથી આપણે એક નિરાધાર તારણ તો કાઢ્યું કે ભારતમાં પ્લાસ્ટિક સર્જરી હતી. પરંતુ એમાંથી સત્ય શોધવાનો પ્રયત્ન કર્યો? સત્ય એટલું જ છે કે ગણેશ અથવા ગણપતિ એક ગણના નેતા હતા. આવા કેટલાયે ગણ હતા અને કેટલાયે ગણપતિ હતા. આમાંથી એક ગણનું પ્રતીક હાથી હતું.

આવી જ એક કથા રામાયણમાં છે. રામ-રાવણના યુદ્ધમાં લક્ષ્મણ મેઘનાદના પ્રહારથી બેભાન થઈ ગયા છે અને મૃત્યુને આરે પહોંચી ગયા અથવા, કથા કહે છે તેમ મૃત્યુ પામ્યા છે. એક માત્ર સુષેણ વૈદ્ય આનો ઉપાય જાણતા હતા. એમણે લક્ષ્મણને સજીવન કરવા માટે એક પર્વત પરથી સંજીવની જડીબુટ્ટી લાવવા કહ્યું. હનુમાન આ કામ કરી શકતા હતા. એ ગયા પણ વનસ્પતિને ઓળખી ન શક્યા એટલે આખો પર્વત ઊંચકી લાવ્યા !

(ખરેખર તો વાલ્મીકિ રામાયણમાં આ કથા જ નથી. એટલે માઇથોલૉજીની અંદર પણ આપણે માઇથોલૉજી પેદા કરી છે ! વાલ્મીકિ રામાયણના યુદ્ધકાંડના ૪૫થી ૫૦ સર્ગ વાંચવા વિનંતિ છે. આમ છતાં આ કથા મૂળ કથા કરતાં પણ વધારે પ્રસિદ્ધ છે એટલે એનું મહત્ત્વ ઓછું નથી).

આ માત્ર કથા છે અને શ્રોતાઓ અને વાચકો પ્રભાવિત થઈ શકે છે. આમાં સત્ય શું? સત્ય એટલું જ છે કે આપણાં જંગલોમાં અને પહાડો પર ઊગતી વનસ્પતિઓમાં કદાચ જીવનદાન આપી શકે એવી કેટલી બધી ઔષધિઓ છે ! આપણે આ સત્યની પાછાળ ગયા હોત તો? બસ, હનુમાન પર્વત ઉપાડી લાવ્યા તે જાણીને પ્રસન્ન વદને “જય જય જય હનુમાન ગુંસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાંઈ” ગાવામાં મસ્ત થઈ જઈએ.

આદિવાસીઓ જંગલોમાં રહે છે. જડીબુટ્ટીઓ વિશે એમનું જ્ઞાન અગાધ છે. એક માત્ર જયકૃષ્ણ ઇન્દ્રજી એવા નીકળ્યા કે જેમણે બરડા ડૂંગરની દરેક વનસ્પતિનો અભ્યાસ કરીને એના ગુણધર્મો વિશે પુસ્તક લખ્યું. બાકી આપણે સૌ તો માઇથોલૉજીને સત્ય માનવામાંથી ઊંચા આવીએ ત્યારે સમજીએ ને કે આમાંથી તો આદિવાસીઓની જીવનશૈલીનું જતન કરવાનો, જંગલોનું જતન કરવાનો સંદેશ મળે છે. જંગલોનો નાશ થવાની સાથે આયુર્વેદનો પણ નાશ થશે. આપણી ભક્તિ પણ આંધળી છે અને વિચારો પણ આંધળા છે. સીધા માર્ગે જતા જ નથી.

ચિંતા ન કરશો. આપણે ત્યાં રામપાલો, આસારામો,અને…અને…અને…અનેક ધધૂપપૂઓ પેદા થયા જ કરશે.

 

13 thoughts on “Aandhli Bhakti, Aandhala Vicharo”

 1. Great article. Congratulations. You ask :
  “દેશની પ્રજા આવી કેમ છે, કે જે સામે આવ્યો તેનાં ચરણ પખાળવા મંડી જાય?”
  My short and blunt answer is this: We are backward, not just technologically, but also intellectually.”
  Will sound harsh, yet that is THE TRUTH.
  Please excuse my bluntness. In case of doubt, ask Dr. Katju, the retired judge of the supreme court.
  —-Subodh Shah.

 2. ખુબ ખુબ હાર્દીક ધન્યવાદ દીપકભાઈ. ખુબ જ અગત્યની, તાતી જરુરીયાતની વાત આપે કહી છે. ભારતની પ્રજા બુદ્ધીની દૃષ્ટીએ કંગાળ છે એમ તો કેમ કહેવાય! છતાં આપણા દેશમાં આ જમાનામાં પણ આવું કેમ છે તે ખરેખર એક કોયડો છે. પણ આપે કહ્યું તેમ દેશના વડાપ્રધાનની વીચારસરણી પણ હજુ આ પ્રકારની હોય તો પ્રગતીની કેટલી અપેક્ષા રાખી શકાય!! વૈજ્ઞાનીક અભીગમ કદાચ સ્કુલોમાં જે રીતે કેળવવલો જોઈએ તેનો અભાવ?

 3. સચોટ લેખ. ધર્મ ના નામે ભોળી પ્રજા ને છેતરી ને વેપાર ચલાવ્તા ઓ સામે હવે અવાજ ઉથાવવો જ રહ્યો હવે નિરર્થક વાતો કરિ ને આગડ નહી આવી સકાય …અને ખાસ તો જેને ખરેખર ધર્મ મા શ્રદ્ધા છે તેઓ એ આપ્ણા અસલ ધર્મ ગ્રંથો વાચ્વા જોઇએ પછી ભલે ને તમે જે કોઇ ધર્મ મા વિશ્વાષ ધરવ્ત હોય… જેથી ધર્મ ના નામે આપ્ણી કોઇ આવિરિતે છેતર્પિંડી ના કરી સકે.

  1. દીપકભાઈ,

   લેખ ખૂબ ગમ્યો. આપણને ચિંતા ખૂબ થાય છે કે આ દેશમાં આટલી બુદ્ધિ પડી છે તે કેમ હંમેશાં અવળાં માર્ગે જાય છે. પ્રાચીન વારસો ખરેખર શું છે એ જાણ્યા વિના એમની દંતકથાઓના ગુણગાનમાં ફસાએલી પ્રજા છીએ. સાચા વારસાને શોધી એ કેમ આગળ લઈ જવો એ માટેના પ્રયત્નો થવા જરૂરી છે. મારા વડદાદા ખૂબ મોટા હતા તેથી હું મોટો થતો નથી એ વાત સમજવાની જરૂર છે.

   1. Arvindbhai A. and Arvindbhai B.,
    One of the reasons why we are too proud of our past is that we are terribly ignorant of the history of the ancient world. My four young grandchildren in the USA know more about Egypt, China, Rome, Greece, etc than I used to know after graduation in India. Some of our writers and so-called scholars too know a lot about Indian history but very little about the history of world civilization. And ancient Indian history is almost entirely based on fictional folklore of the Puranas.
    Thanks. —-Subodh Shah — NJ, USA.

 4. અંધભક્તિ, અંધ શ્રદ્ધા, અંધાઅચરણ, અર્થહીન ક્રિયા, તર્કહીન માન્યતા, વિગેરે જાતના ઘણા આચરણો અને ધારણાઓ એકબીજા સાથે ભેળસેળ થયેલી હોય છે.
  ઘણા આચરણો આનંદ માટે હોય છે. કેટલાક આચરણો માનસિકતા ઉભી કરવા કે માનસિક શિક્ષણ માટે હોય છે, કેટલીક વાતો વિષયને રસપ્રદ કરવા માટે હોય છે. કેટલાક આચરણો મહત્તા બતાવવા હોય છે, કેટાલક સ્વાર્થ માટે પણ હોય છે.
  રામ કે કૃષ્ણ કે પુરાણના કોઈ પણ રાજા કપોળકલ્પિત નથી. પુરાણો અને મહાકાવ્યોની વાર્તા પણ કપોળ કલ્પિત ન હોઈ શકે. એક મહાન વ્યક્તિ થાય અથવા એક મહાન પ્રસંગ બને તો તેને વિષે અનેક લોકો લખે. સૌ પોતપોતાની પ્રાથમિકતા અને શૈલીમાં લખે. પહેલાં પણ હતું. આજે પણ છે. લેખક પોતાના અભિપ્રાયની ભેળસેળ કરીને પણ લખે છે. અપૂરતા જ્ઞાનના કારણે વિવાદાસ્પદ પણ લખે. પોતાની વાતને રસપ્રદ બનાવવા કે ધારી અસર ઉપજાવવા નાટ્યાત્મકતા પણ ઉમેરે. ઈશ્વરને પણ એક પાત્ર તરીકે ઉમેરે છે. પોતાના પાત્રને ઈશ્વર પણ બનાવી દે છે. આજે પણ એક ગણત્રી પ્રમાણે એક હાજર ઉપરાંત ભગવાનો આપણી પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવીને વિચરી રહ્યા છે. ભારતનો આમાં એકધિકાર નથી.
  “કરણઘેલો” એ એક અર્વાચિન ગુજરાતી સાહિત્યનો નિબંધ છે. તેમાં લેખક આકાશી તત્વોને લોહી અને અશ્રુઓનો વરસાદ કેમ નથી કરતા એવા સવાલ પૂછાવે છે. હવે આવા મોટા બ્રહ્માન્ડના પૃથ્વી કરતા અબજો ગણા મોટા આકાશીય તત્વો એક કરણ ઘેલા માટે શા માટે ચલિત થાય? કદાચ લેખક પણ આ વાત સમજતા હશે. તો પણ આવા બેહુદા પ્રશ્નો કરાવડાવે છે. જો એક લેખક આવું વર્ણન કરે તો બીજો લેખક આકાશીય તત્વોને તૂટી પડતા કે લોહીનો વરસાદ વરસ્યો એવું લખી પણ શકે. એમને તો ફક્ત લખવું જ છે ને. લોકો કંઈ થોડા ટાઈમ મશીનમાં બેસી સાચે સાચ શું થયું તે જોવા જવાના છે? ધારો કે કરણ ઘેલા ના લેખકે લોહીનો વરસાદ વરસ્યો અને તારાઓ તૂટી પડ્યા એમ લખ્યું હોત તો શું કરણ ઘેલો રાજા એક માઈથ બની જાત?
  કેટલીક ધારણાઓ અમુક તથ્યોની નિપજ હોય છે. જેમ કે સંસ્કૃતની અક્ષરમાળામાં સ્વર અને વ્યંજનોની ગોઠવણી. ગીતામાં વર્ણિત મનને સમજવાની અને તેને કંટ્રોલ કરવાના નિયમો અને રીતો. સંસ્કૃતમાં જોવા મળતા કેટલાક ગુઢ અર્થના શબ્દોના ઉપયોગ. ૨૦૦૦ વર્ષ જુનો લોહસ્તંભ જેને કાટ લાગતો નથી. આ બધું દર્શાવે છે કે ભારતીય સંસ્કૃતિમાં વિદ્વાનો બહુ વ્યવસ્થિત રીતે વિચારી શકતા હતા અને જ્ઞાનની જાળવણી કરી શકતા હતા. મહાત્મા ગાંધીએ જ એક જગ્યાએ લખ્યું છે કે જેઓએ વેદ લખ્યા છે તેઓ યંત્રો બનાવવા અક્ષમ ન હતા.
  તમારી એક વાત સાથે પુરેપુરો સહમત છું કે બધા બાવાઓ બહુ ફૂટી નિકળ્યા છે. અને લોકો પોતાના સ્વાર્થને પોષવામાં ધૂતાઈ જાય છે. પણ ધૂતવાવાળા બાવાઓ એકલા ક્યાં છે? નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાથી પક્ષો જનતાને ધૂતતા જ આવ્યા છે ને !!. પણ અમુક ધૂતારાઓ પાસે સુરક્ષામાટેના મોંહરાઓ, વસ્ત્રો અને શસ્ત્રો બહુ વિકસિત અને ગુઢ હોય છે. એક દેશની સરકાર પણ બીજા દેશની જનતાને અને સરકારને ધૂતતી હોય છે. ખરું જુઓ તો જ્યારે પણ કોઈ ધૂતાય છે ત્યારે તે પોતાના અજ્ઞાનને કારણે કે દુશ્મન દ્વારા તેનું ધ્યાન બીજે દોરી દેવામાં આવે છે તે કારણે ધૂતાય છે.
  આ બાવાઓના બચાવની વાત નથી. ઓશો આસારામ, સંત રજનીશમલ, નહેરુવીયનો અને તેમના સાથીઓ, અંકલ સેમ અને તેમના સાથીઓ, સામ્યવાદીઓ, મૂડીવાદીઓ બધા જ એક જ કેટેગરીમાં આવે છે. કેટલાકને ખબર છે કે પોતે ધૂતારા છે. કેટલાક અજ્ઞાન છે કે તેમને આ વાતની ખબર નથી. પણ ધૂર્તતાનું અસ્તિત્વ તો બધે જ છે.
  એટલે બાવાઓની સાથે સાથે બીજાઓને પણ સપ્રમાણ ગોદા મારતા રહો. એજ પ્રાર્થના.

  1. શ્રી શિરીષભાઈ,
   સવાલ ગોદા મારવાનો નથી, સવાલ એ છે કે લોકો આમ કેમ જાન આપવા તૈયાર થઈ જાય? આવા આશ્રમોમાં એમાની સાર્વભૌમ સતતા હોય, જાણે એક સ્વાધીન દેશ હોય. ખાલિસ્તાનની ચળવળ વખતે પણ સુવર્ણ મંદિર એક સાર્વભૌમ દેશ જ બની ગયું હતું ને? આજે આ મુદ્દા પર તો કોઈ બોલતું પણ નથી કે મંદિર હોય કે મસ્જિદ, ગુરુદ્વારા હોય કે ચર્ચ, બધું જ કાયદાના શાસનને અધીન છે. વાતવાતમાં ધાર્મિક લાગણી દુભાય અને કોઈ કંઈ બોલે જ નાહીં. તેમાં તમે કહ્યું છે તે પ્રમાણે કથાઓને આપણે વાસ્તવિક પણ માનવા લાગીએ તો બાવાઓનો વાંક શો?
   હું પૌરાણિક કથાઓનો વિરોધી નથી. કારણ કે એના દ્વારા આપણને ભૂતકાળની ખબર પડે છે.એમાંથી જ આપણે ઇતિહાસ ઘડી શકીએ. પરંતુ કથાઓ પોતે વાસ્તવિક કેમ હોય? એને વાસ્તવિક માનીએ તો આપણે નવાં મિથ જ ઊભાં કરવાના છીએ. ઘણી કથાઓ રસપ્રદ પણ છે અને એ જાણવી પણ જોઇએ, પરંતુ એમાંથી સાચાં તારણો કાઢવાની જવાબદારી પણ આપણી જ હોય છે.
   લોકો ઘણી રીતે ઠગાય છે. ઠગનારા જાણતા હોય છે પણ ઠગાનારની આંખ તો કદી ઊઘડતી જ નથી ! કેટલીક ઠગાઈ બૌદ્ધિકતાનું કે પવિત્રતાનું રૂપ લઈને આવે છે. એમની તો ભાષા જ એવી અગમનિગમની હોય છે કે માણસ માત્ર ભાષાથી જ અંજાઈ જતો હોય છે. બીજાં અસત્યોનો તો કંઇક રસ્તો હોઈ શકે છે. આ જાતની ઠગાઈનો તો પાર જ પામી શકાતો નથી.

 5. દિપકભાઈ તમારી વાત સાચી છે. હું તો બધી જ જગાએ ગોદાઓ મારવાની વાત કરું છું. ભલભલા કટાર ધારકો ગોદા મારતા રહે છે. એટલે મારા જેવા સામાન્ય જન પણ ગોદા મારવાની અપેક્ષા રાખે છે. રામ વિષે મેં લખ્યું છે. ત્યાં તેમને લગતો ઉત્તર આપશો તો વધુ ખુશી થશે. ગોદા મારવા કંઈ ખરાબ નથી. ખોટું ન લગાડશો.

  1. શિરીષભાઈ,

   સુબોધભાઈએ જવાબ તો આપી જ દીધો છે. હું પણ માનું છું કે રામ અને કૃષ્ણની કથાઓનો જીવંત આધાર છે. એમ નથી કે એ કથાઓ સમગ્રપણે કાલ્પનિક છે. આમ છતાં આજે આપણે એમને જે રીતે જાણીએ છીએ તેવું જ એમનું અસલી વ્યક્તિત્વ હશે એમ માનવાને પણ કારણ નથી. સદીઓથી આ કથાઓ જીવંત છે એટલે એમાં ફેરફાર થઈ જ જાય. દસ જણ એક સાથે બેઠા હોય અને એક જણ કોઈને કાનમાં વાત કહે, એ બીજાને કહે, બીજો ત્રીજાને કહે તો અંતે દસમા સુધી પહોંચતાં વાત બદલાઈ ગઈ હશે. આ સ્વાભાવિક પ્રક્રિયાને ન માનીએ તો એમાંથી ઇતિહાસ શોધવાના પ્રયાસ થઈ જ ન શકે. શ્રવણ રામાયણમાં છે જ નહીં. હનુમાન આખો પર્વત ઉપાડી લાવ્યા એ કથા વાલ્મીકિ રામાયણમાં નથી. શ્રવણ વિશે મેં તો લખ્યું પણ છે. હવે કોઈને એમ ખબર પડે કે મેં આ લખ્યું છે અને એની ધર્મભાવના દુભાય તો મારે શું કરવું? તમે પોતે પણ રામ વિશે બહુ સારા તાર્કિક લેખો લખ્યા છે. આપણે વલ્મીકિ રામાયણને આદિ રામાયણ માનીએ અને પછી એમાં ઉમેરા પણ કરીએ; કોઈ એને ‘ઉમેરો’ કહે તો ખોટું લાગે. આ આપણી ધર્મભાવના છે? પરંતુ હું તો માનું છું કે રામકથા લોકોના મનમાં એટલી વસી ગઈ છે કે એના અનેક નામી-અનામી લેખકો છે. આ કારણે મૂળ કથાવસ્તુ અકબંધ હોવા છતાં રામાયણ અનેક રૂપે મળે છે.

   ગોદા મારવા માટે મેં ગોદાઓના પ્રકારો પ્રમાણે સ્થાનો અલગ રાખ્યાં છે. તમે ઇશારો કરો છો તેવા ગોદા બીજી જગ્યાએ મારું જ છું આ બ્લૉગને રાજકીય રંગથી દૂર રાખવા માગું છું. મેં કોઈ નેતાનો ઉલ્લેખ ક્યાંય પણ કર્યો હોય તો તે આપણી આંધળી ભક્તિ અને આંધળા વિશ્વાસના સંદર્ભમાં જ હશે.

   દરમિયાન હરિયાણામાં આશુતોષ મહારાજનો મૃતદેહ એમના ભક્તોએ લગભગ એક વરસ પછી પણ સાચવીને રાખ્યો છે. એમને આશા છે કે એ ફરી આ જીવિત થશે, હમણાં માત્ર મહાસમાધિમાં છે. મહર્ષિ અરવિંદના દેહને પણ ‘સુપર મૅન’ વાહન બનાવવાનો હતો. મનસ, અધિમાનસ, અતિમનસ વગેરે ફિલોસોફીઓ બાજુએ રહી ગઈ અને એમના ભણેલાગણેલા ભક્તો પણ અંધશ્રદ્ધામાં ડૂબી ગયા.

   ભૂતકાળમાં આપણે વૈચારિક સ્તરે બહુ પ્રગતિ કરી હોય તો તે શું બધું સાચુંખોટું સ્વીકારીને કે એમની સામે સવાલો ઊભા કરીને? આજે કેમ પ્રગતિ કરશું? નવાં નવાં gadgets બહુ ઉપયોગી છે અને આપણે એનો ઉપયોગ કરવો જ જોઈએ. પરંતુ એ વાપરતા થઈએ એને જ પ્રગતિ માનતાં હું અચકાઉં છું.

 6. Dear SMD,
  Nobody says that great men like Rama, Krishna nevere existed.
  The question is whether the imaginary details about them, exaggerated descriptions, totally unbelievable claims, and ludicrous stories about our great men are true, believable, historically accurate or not.

  Ramayan and Mahabharat are not the only Puranas. There are many many more others which are totally self contradictory, amended, added, modified, and sullied — as you yourselves have pointed out. Rama was certainly great, but can a monkey fly, can stones float or a stone become alive, when touched by Rama’s feet?

  Please think: What will happen to the minds of children raised on such stories for two thousand years? Thanks. — Subodh Shah.

 7. દિપકભાઈ અને સુબોધભાઈ,
  તમારા બંનેની વાતો તદન સાચી છે. એમાં સંદર્ભની બાબતમાં બધું બરાબર છે. કોઈ પણ સંવાદ, પ્રકૃતિ અને અભિપ્રાયો વર્ણનો ના આધારે સત્ય નક્કી ન જ કરી શકાય. કથા જે વળાંક લેતી હોય તેના ઉપર તર્ક ચલાવી સ્વિકાર અને રદબાતલ કરી શકાય. વાલ્મિકીના રામાયણને પણ જેમનું તેમ લઈ ન શકાય.
  વિજ્ઞાનના નિયમો તો ભગવાનને પણ પાળવા જ પડે. આ બધું ધ્યાનમાં લઈ મેં રામના અસ્તિત્વ વિષે હિન્દીમાં લખ્યું છે. અને તે રામ પણ અસાધારણ હતા તેમ સિદ્ધ કર્યું છે, એવું હું માનું છું.
  જોકે હું તો રાજકારણીઓના નામ પણ લઉં જ છું. રાજકારણ ને હું અછૂત માનતો નથી. જોકે ભાગ લેતો નથી. એવું પણ નથી કે “નોંતરું આપશે તો જઈશું, નહીં તો એ મોચીને ત્યાં લાડુ ખાવા જાય છે જ કોણ?” એટલે જ્યારે જવાનો જ ન હોઉં તો પછી તેમની તરફ અને વિરુદ્ધમાં બોલવાનો છોછ રાખવાની જરુર નથી. જો કે મારી માન્યતા છે.
  સુબોધભાઈ હાડ ચમડાના રામ વિષે મારો લેખ વાંચશે તો મને આનંદ થશે.
  વાલ્મિકી, રામના હનુમાનને આકાશમાં ઉડાડે એમાં રામનો શું વાંક?

 8. To SMD:
  I did not find it on your website. Can you e-mail that great article of yours to me on ssubodh@yahoo.com?

  Rama is not at fault for flying monkeys; we are; because we Hindus believe any stupid story in the Puranas if it is told in attractive language in the name of religion. —Subodh Shah —

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: