Aandhli Bhakti, Aandhala Vicharo

વેબગુર્જરી પર મારો નવો લેખ ‘મારી બારી (૨૯) શીર્ષક હેઠળ પ્રકાશિત થયો છે. લેખનું શીર્ષક છેઃ આંધળી ભક્તિ, આંધળા વિચારો.

લિંકઃ http://webgurjari.in/2014/11/25/maari-baari-29/

હરિયાણાના હિસારમાં ‘સંત’ રામપાલ અંતે અદાલતની કસ્ટડીમાં પહોંચી ગયો છે. ૨૦૦૬ના એક ખૂન કેસમાં એની ધરપકડ કરવાની હતી અને રાજ્ય સરકાર ટાળતી રહી હતી. છેવટે, પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના કડક આદેશ પછી ભારે પોલીસ દળ મોકલવું પડ્યું. એના ભક્તો આશ્રમમાં અડ્ડો જમાવીને બેઠા હતા અને એની ધરપકડમાં આડે આવતા હતા. દરમિયાન આશ્રમમાંથી પાંચ સ્ત્રીઓ અને એક બાળક મૃત અવસ્થામાં મળી આવ્યાં છે.

ભક્તો તો રામપાલને ભગવાનનો અવતાર માને છે અને એની સામે થયેલી કાર્યવાહી પછી પણ એમની શ્રદ્ધા ઓછી થાય કે એમની આંખ ખૂલી જાય એવી શક્યતા નથી. આપણે જે મહાન દેશની છાસવારે પ્રશંસા કરતાં થાકતા નથી, એ દેશની પ્રજા આવી કેમ છે, કે જે સામે આવ્યો તેનાં ચરણ પખાળવા મંડી જાય? આપણે જ્યારે આપણા ભવ્ય ભૂતકાળની વાત કરીએ છીએ ત્યારે માત્ર આપણી આધ્યાત્મિક સિદ્ધિઓ વિશે જ નહીં, વૈજ્ઞાનિક સિદ્ધિઓના દાવા પણ કરીએ છીએ. વૈજ્ઞાનિક સફળતાઓ અંધ ભક્તિથી ન મળે. સવાલ એ છે કે આપણે હંમેશાં આવા જ અંધ ભક્ત અને મૂર્ખ હતા કે પાછળના કોઈ સમયમાં બની ગયા?

આજે આવા બધા બાબાઓના આશ્રમો ચાલે છે અને એમાં એમની સાર્વભૌમ સત્તા છે. આ દેશનો કોઈ પણ કાયદો ઉદ્દંડતાથી તોડતાં આ બાબાઓ અચકાતા પણ નથી હોતા. કોઈ સેક્સ સ્કૅન્ડલમાં સપડાયા છે, તો કોઈ હત્યાઓમાં. પરંતુ ભક્તોની સંખ્યા ઘટતી હોવાનું જણાતું નથી. આપણે હજી નવા જમાનામાં પ્રવેશ્યા નથી. હજી સામંતવાદી વલણોમાંથી બહાર નથી આવ્યા. રાજા બધું કરી શકે. રાજાના બધા ગુના માફ. હવે રાજા ન રહ્યા તો બાબાઓ આવ્યા છે. એમના માટે લોકો પોતાના પ્રાણની પણ કુરબાની દેવા તૈયાર હોય છે.

આ દેખાડે છે કે આપણી પ્રજામાં સાચું-ખોટું સમજવાની ક્ષમતા નથી. આનો અર્થ એ જ છે કે આપણે પોતાની જ કહેવાતી સિદ્ધિઓ માટે પોતાની જ પીઠ થાબડતા રહેવાનું પસંદ કરીએ છીએ. આનો અર્થ એ પણ કે આપણામાં તટસ્થ વિશ્લેષણ કરવાની વૃત્તિ પણ નથી. જેવી આપણી આંધળી ભક્તિ છે, તેવા જ આંધળા વિચાર છે.

રામપાલ જેવો જ બીજો એક સંપ્રદાય છે, સચખંડ. હાલમાં એનું એક મૅગેઝિન વાંચવા મળ્યું. એક ભક્તે લખ્યું હતું કે ૧૯૮૪માં ૩૧મી ઑક્ટોબરે દિલ્હીમાં શીખવિરોધી રમખાણો થયાં તેમાંથી ગુરુજીએ એને બચાવી લીધો. કઈ રીતે? ગુરુજીએ એને ઇંદિરા ગાંધીની હત્યાથી પણ પહેલાં કહી દીધું કે ૩૧મીની સવારે એણે દિલ્હી છોડી દેવાનું રહેશે.. આ ભક્તસાહેબ દિલ્હીથી ગયા તે પછી ઇંદિરા ગાંધીની હત્યા થઈ અને રમખાણો શરૂ થઈ ગયાં. ગુરુજીની આગમવાણીથી ભક્તસાહેબ બચી ગયા. ગુરુજીના ચમત્કારથી તેઓ બહુ પ્રભાવિત થયા. પરંતુ એમને એ વિચાર ન આવ્યો કે આ ગુરુજીએ ઇંદિરા ગાંધીની હત્યા કેમ ન રોકી? બીજા શીખો એમના દુશ્મન હતા કે એ સૌને મરવા દીધા? પણ બસ, હું બચી ગયો એટલે ગુરુજી મહાન.

જ્યાં સુધી આપણે આસ્થાને માર્ગે જ સમસ્યાઓનાં સમાધાન શોધતાં રહેશું ત્યાં સુધી બાબાઓની જમાત મોટી ને મોટી થતી રહેશે. પાકિસ્તાનમાં પણ આવા બનાવો બને છે. પાકિસ્તાનના ગુજરાતમાં શાહ દૌલાની મઝાર પર રોજ દુઃખોમાંથી મુક્તિ ઝંખતા લોકોની ભીડ જામે છે. સ્ત્રીઓ સંતાન પ્રાપ્તિ માટે આવે છે, પણ જ્યારે એમને ગર્ભ રહે ત્યારે પહેલું સંતાન ‘ઉંદર- બાળ’ હશે. એટલે કે એ વિકલાંગ હશે. આ બાળક એમણે મઝારને આપી દેવાનું હોય છે. ભક્તો પહેલું બાળક સ્વસ્થ હોય તો પણ એને ઉંદરબાળ માને છે અને મઝારને આપી દે છે. એને ત્યાં વિકલાંગ બનાવી દેવાય છે અને એનો જુદી જુદી રીતે પૈસા કમાવા માટે ઉપયોગ થાય છે. ઇસ્લામમાં ચમત્કારોનો ઇન્કાર હોવા છતાં આવું ચાલ્યા કરે છે. બીજી બાજુ, આપણે તો ચમત્કારને બહુ સામાન્ય વાત માનીને ચાલીએ છીએ.

આમાં એક નવો વળાંક આવ્યો છે. આપણી બડાઈખોરી એટલી હદે પહોંચી છે કે આપણે કથાઓને – માઇથોલૉજીને – ભારતમાં વૈજ્ઞાનિક વિકાસનું ઉદાહરણ માનીએ છીએ. માઇથોલૉજી આપણી પરંપરાનો એક બહુ મહત્ત્વનો ભાગ છે. એના વિના ધર્મની વાતો સૂકી બની જશે. પરંતુ માઇથોલૉજી પોતે ધર્મ પણ નથી અને વિજ્ઞાન પણ નથી. હાલમાં જ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતમાં પ્લાસ્ટિક સર્જરી થતી હતી. સત્ય એ છે કે વડા પ્રધાન એમના જીવનમાં એટલા સક્રિય રહ્યા છે કે એમને આ વિષય પર અલગ વિચાર કરવાનો કદી સમય નહીં મળ્યો હોય એટલે એમનો અભિપ્રાય અહોભાવથી પીડિત સામાન્ય માણસના વિચારોના સ્તરે છે એ સ્પષ્ટ છે. ગણેશના માથાની જગ્યાએ હાથીનું માથું બેસાડવા માટે પ્લાસ્ટિક સર્જનો જોઈએ. આપણે વિજ્ઞાનની ભાષામાં બોલતાં એક મિથકમાંથી બીજા મિથકમાં કેવા સરકી પડીએ છીએ તેનું આ ઉદાહરણ છે. પહેલું મિથક તો માણસ પર હાથીનું માથું ગોઠવાયેલું હોય તે છે. બીજું મિથક એ છે કે આપણે ત્યાં પ્લાસ્ટિક સર્જનો હતા.પણ આવો તો કોઈ ઉલ્લેખ આપણાં પુરાણોમાં નથી મળતો. આ જ્યાં સુધી કથા હોય ત્યાં સુધી તો એનાં અર્થઘટનો કરી શકાય અને પ્રતીક તરીકે વાજબી પણ ઠેરવી શકાય. પણ એની સાથે ભક્તિભાવ જોડીને આપણે એને ધાર્મિક વાસ્તવિકતા આપીએ છીએ એટલું જ નહીં, પ્લાસ્ટિક સર્જરીની આખી પદ્ધતિ સમજ્યા વિના એનું અસ્તિત્વ પહેલાં હતું એમ કહેવું એ તો માઇથોલૉજીને વૈજ્ઞાનિક વાસ્તવિકતા આપવા જેવું છે.આમ છતાં ગુજરાતના રૅશનાલિસ્ટોએ વિનયપૂર્વક વડા પ્રધાનનું ધ્યાન ખેંચવાના પ્રયાસ પણ નથી કર્યા જણાતા.

વડા પ્રધાને ખરેખર વિજ્ઞાનની દિશામાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો હોત તો વાત સમજી શકાઈ હોત. ચરક અને સુશ્રુત, આર્યભટ્ટ, વરાહમિહિર, ભાસ્કર, બ્રહ્મગુપ્ત વગેરે આપણા વૈજ્ઞાનિકો હતા.શૂન્યની શોધ ભારતે કરી એ વાત આવી હોત તો બહુ સારું થાત. આ બધા વૈજ્ઞાનિકો વચ્ચે સદીઓ કેમ નીકળી ગઈ, દરેકની પાછળ એક પરંપરા કેમ ન બની, આ નામો માત્ર આપણી વિજ્ઞાનહીનતામાં અપવાદ તરીકે જ કેમ સામે આવે છે તે સમજવાનો તો આપણે પ્રયાસ પણ નથી કરતા. માઇથોલૉજીનો અર્થ બેસાડવાના પ્રયાસથી નવાં મિથકોનો જન્મ થાય છે. આપણી આસપાસ અનેક આવાં મિથકો બાબાઓના રૂપે ફેલાયેલાં છે. આપણે એમને સાચા અર્થમાં સમજી શકીએ તો એમના પ્રભાવોમાંથી મુક્ત પણ થઈ શકીએ. પરંતુ, અફસોસ, આપણને મિથકોને સત્ય માનવાની ટેવ છે.

આપણી ભક્તિ જેમ આપણા વિચારો પણ આંધળા છે. માઇથોલૉજીમાંથી આપણે એક નિરાધાર તારણ તો કાઢ્યું કે ભારતમાં પ્લાસ્ટિક સર્જરી હતી. પરંતુ એમાંથી સત્ય શોધવાનો પ્રયત્ન કર્યો? સત્ય એટલું જ છે કે ગણેશ અથવા ગણપતિ એક ગણના નેતા હતા. આવા કેટલાયે ગણ હતા અને કેટલાયે ગણપતિ હતા. આમાંથી એક ગણનું પ્રતીક હાથી હતું.

આવી જ એક કથા રામાયણમાં છે. રામ-રાવણના યુદ્ધમાં લક્ષ્મણ મેઘનાદના પ્રહારથી બેભાન થઈ ગયા છે અને મૃત્યુને આરે પહોંચી ગયા અથવા, કથા કહે છે તેમ મૃત્યુ પામ્યા છે. એક માત્ર સુષેણ વૈદ્ય આનો ઉપાય જાણતા હતા. એમણે લક્ષ્મણને સજીવન કરવા માટે એક પર્વત પરથી સંજીવની જડીબુટ્ટી લાવવા કહ્યું. હનુમાન આ કામ કરી શકતા હતા. એ ગયા પણ વનસ્પતિને ઓળખી ન શક્યા એટલે આખો પર્વત ઊંચકી લાવ્યા !

(ખરેખર તો વાલ્મીકિ રામાયણમાં આ કથા જ નથી. એટલે માઇથોલૉજીની અંદર પણ આપણે માઇથોલૉજી પેદા કરી છે ! વાલ્મીકિ રામાયણના યુદ્ધકાંડના ૪૫થી ૫૦ સર્ગ વાંચવા વિનંતિ છે. આમ છતાં આ કથા મૂળ કથા કરતાં પણ વધારે પ્રસિદ્ધ છે એટલે એનું મહત્ત્વ ઓછું નથી).

આ માત્ર કથા છે અને શ્રોતાઓ અને વાચકો પ્રભાવિત થઈ શકે છે. આમાં સત્ય શું? સત્ય એટલું જ છે કે આપણાં જંગલોમાં અને પહાડો પર ઊગતી વનસ્પતિઓમાં કદાચ જીવનદાન આપી શકે એવી કેટલી બધી ઔષધિઓ છે ! આપણે આ સત્યની પાછાળ ગયા હોત તો? બસ, હનુમાન પર્વત ઉપાડી લાવ્યા તે જાણીને પ્રસન્ન વદને “જય જય જય હનુમાન ગુંસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાંઈ” ગાવામાં મસ્ત થઈ જઈએ.

આદિવાસીઓ જંગલોમાં રહે છે. જડીબુટ્ટીઓ વિશે એમનું જ્ઞાન અગાધ છે. એક માત્ર જયકૃષ્ણ ઇન્દ્રજી એવા નીકળ્યા કે જેમણે બરડા ડૂંગરની દરેક વનસ્પતિનો અભ્યાસ કરીને એના ગુણધર્મો વિશે પુસ્તક લખ્યું. બાકી આપણે સૌ તો માઇથોલૉજીને સત્ય માનવામાંથી ઊંચા આવીએ ત્યારે સમજીએ ને કે આમાંથી તો આદિવાસીઓની જીવનશૈલીનું જતન કરવાનો, જંગલોનું જતન કરવાનો સંદેશ મળે છે. જંગલોનો નાશ થવાની સાથે આયુર્વેદનો પણ નાશ થશે. આપણી ભક્તિ પણ આંધળી છે અને વિચારો પણ આંધળા છે. સીધા માર્ગે જતા જ નથી.

ચિંતા ન કરશો. આપણે ત્યાં રામપાલો, આસારામો,અને…અને…અને…અનેક ધધૂપપૂઓ પેદા થયા જ કરશે.

 

%d bloggers like this: